બળાત્કાર – એક વિકૃતિ તંત્ર, મીડિયા અને સમાજ

માતાઓ હવે પોતાની દીકરીઓને ડર સાથે મોટી કરી રહી છે
  • સમસ્યા – હિંમત કાતરિયા

રાત્રે નવ વાગ્યે હૈદરાબાદ શહેરના ટૉલ પ્લાઝા પર ડૉક્ટર યુવતીની સ્કૂટીને પંક્ચર પડે છે. તે તેની બહેનને ફોન કરે છે કે એકલા રસ્તા ઉપર ડર લાગે છે. અચાનક થોડા લોકો દેખાય છે. એક ટ્રક ડ્રાઇવર સ્કૂટી પંક્ચર કરી આપવાની વાત કરે છે. યુવતી ના પાડે છે. તેમછતાં એ ડ્રાઇવર યુવતીનો પીછો કરે છે. બધા લોકો યુવતીને તાકી રહ્યા છે. યુવતીને વધુ ડર લાગે છે. યુવતીને તેની બહેન ફોનમાં કહે છે કે ટૉલ પ્લાઝા પાસે ઊભી રહી જા. યુવતીને આ સલાહ યોગ્ય નથી લાગતી અને તે બહેનને થોડીવાર પછી ફોન કરવાનું કહે છે, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ થઈ જાય છે… એ પછી આગલી સવારે તેનું સળગી ગયેલું શબ મળે છે.

આ ઘટનાને યાદ કરીને પીડિત યુવતીની બહેન અસહજ થઈ જાય છે. હૈદરાબાદની ડૉક્ટર પર બળાત્કાર અને મર્ડરના કેસમાં પીડિતાના બહેનની રોજ રોજ અલગ મીડિયા પૂછપરછ કરે છે. કેમ કે મૃતક ડૉક્ટરે છેલ્લો ફોન તેની બહેનને કર્યો હતો અને હવે એ બહેન ખાસકરીને મીડિયા સાથે વાત કરીને થાકી ગઈ છે. પીડિતાની બહેન કહે છે કે, શું મીડિયાના એક-એક કરીને લોકો આવી રીતે આવતા રહેશે અને દર વખતે મારે આ બધું દોહરાવતું રહેવાનું? શું મીડિયાના ૧૦૦ અલગ-અલગ લોકોએ મારી પાસે આવવાનું છે અને વારંવાર એક જ સવાલ પૂછવાનો છે?

એ ઘટના પછી એક સૂચન એવું પણ આવ્યું કે જો પીડિત મહિલા ડૉક્ટરે બહેનને બદલે ૧૦૦ નંબર પર ફોન કરીને પોલીસ પાસે મદદ માંગી હોત તો કદાચ તેને મદદ મળી જાત. આપણે અમેરિકા, ચીનને પછાડીને વિશ્વગુરુ થવાની વાતો કરીએ છીએ, પરંતુ તેમના જેવી વ્યવસ્થા અને કર્તવ્યનિષ્ઠા ક્યાંથી લાવશું? ત્યાં પોલીસને ફોન કરતા ગણતરીની મિનિટોમાં પોલીસ હાજર થઈ જાય છે અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાનું પોતાનું કર્તવ્ય સુપેરે નિભાવે છે. જનતા પણ એ વ્યવસ્થા સારી પેઠે જાણે છે કે જ્યાં કાયદો-વ્યવસ્થાની વાત આવે ત્યાં તુરંત પોલીસને બોલાવી લેવી. અહીં જનતાને પોલીસની ભૂમિકાની ખબર નથી એ તો સમજ્યા, પોલીસને પણ પોતાની ભૂમિકા નિભાવવા કરતાં અન્ય બાબતોમાં વધુ રસ છે. ચાર વર્ષ પહેલાંનો એક દાખલો મારો આપું. હું રાત્રે બે વાગે સપ્તક સંગીત સમારોહ માણીને ઘરે પરત ફરતો હતો ત્યારે શિવરંજની પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી કાર બીઆરટીએસ રેલિંગ સાથે અથડાઈ. મોટો ધડાકો થયો. બાઇક ઊભી રાખીને હું સામેની સાઇડ અકસ્માત સ્થળે ગયો. કારને નંબર પ્લેટ વગરની નવીનક્કોર મોંઘીદાટ કાર કિશોર ચલાવતો હતો. દારૃ પીને. અકસ્માતથી કારનું એન્જિન બંધ પડ્યું હતું, તે ચાલુ નહોતું થતું એટલે એ ભાગી જવામાં સફળ ન થયો. આસપાસ એકત્ર મેદની એ નબીરાને સલાહ આપતી હતી કે તું રિક્ષામાં ઘરે જતો રહે, નક્કામી પોલીસની બબાલ થશે.

મને વિચાર આવ્યો કે આ નબીરાની સામે બીઆરટીએસની રેલિંગની જગ્યાએ મારી બાઇક હોત તો મારી શું હાલત થાત? અને મેં તત્કાલ ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસને ઘટનાની જાણ કરી. તાકીદ પણ કરી કે કાર્યવાહીમાં મારી ઓળખ ગુપ્ત રાખવામાં આવે. કેમ કે જે માણસ પોતાના ટીનએજ પુત્રને દારૃ સાથે ૫૦ લાખની કાર ચલાવવાની મંજૂરી આપી દેતો હોય તે ભાડૂતોને પૈસા આપીને મને માર ખવડાવી શકે, પોલીસને જાણ કરવા બદલ. સવારના ચાર વાગ્યા સુધીમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ અને એ નબીરાના પિતાના વારાફરતી ત્રણવાર ફોન આવ્યા કે તમારે ફરિયાદ નોંધાવવા અત્યારે જ આવવું પડશે. જાણે કે હું ગુનેગાર હોઉ! પોલીસે એ નબીરાના બાપને મારો મોબાઇલ નંબર પણ આપી દીધો હતો! ભ્રષ્ટાચાર આચરીને. એ નબીરાને રિક્ષામાં ઘરે જવાની સલાહ આપતા લોકો અને મારા જીવ સાથે ચેડા કરીને એ નબીરાના પિતાને મારો મોબાઇલ નંબર આપી દેતી પોલીસ, બેમાંથી કોણ વધુ અસંવેદનશીલ? ખેર, વાત આગળ વધારીએ.

બળાત્કાર જેવા અપરાધના સમાચાર સામે આવતા જ ઇન્ટરનેટ પર કોમેન્ટ્સ વાઇરલ થાય છે. હેશટેગ સાથે હજારો લોકો સાથે ટ્વિટ થાય છે. તેનો સૂર કંઈક આવો હોય છે કે આવું તમારા પરિવાર સાથે પણ થઈ શકે છે. માહોલ એવો પેદા થાય છે કે માતાઓ હવે પોતાની દીકરીઓને ડર સાથે મોટી કરી રહી છે. તેને નૃત્ય કે સંગીત શિખવવવાને બદલે દીકરીની આત્મરક્ષાની તરકીબો શિખવે છે. આપણી સરકાર બેટી બચાવો, બેટી પઢાવો માટે કેમ્પેન ચલાવે છે, પરંતુ તેને સુરક્ષા આપવામાં વામણી પુરવાર થાય છે. લાડકડી દીકરીના જન્મ સાથે ખુશ થવાને બદલે તેની ચિંતામાં રાતો જાગીને પસાર કરે છે. સારું શિક્ષણ મેળવીને દીકરીઓએ ઘરે બેસી રહેવું કે બહાર બળાત્કાર અને હત્યાના જોખમને ઉઠાવવું જોઈએ. પુરુષોના મનમાં એવી કોઈ સજાનો ડર નથી જે એને અપરાધ કરતા રોકી શકે. ટેલિવિઝન સ્ટુડિયોમાં લાંબા વિચાર-વિમર્શનો દૌર ચાલુ થાય છે. ઉચ્ચભ્રૂ વર્ગમાંથી સૂર ઊઠે છે કે અમે ખુદ મોડી રાતે શૂટિંગ પૂરું કરીને પ્રોડક્શનની કારમાં ડ્રાઇવર સાથે એકલા ઘરે જતા ડરીએ છીએ. આ અતિશયોક્તિ નથી શું?

આવું ન થવું થાય એ માટે શું કરવું? એ માટે પણ અભિપ્રાયો, સૂચનોનો દૌર ચાલે છે. જેમ કે દોષીઓને આપવાની સજા તેના ગુના જેટલી જ બર્બર હોવી જોઈએ. દુનિયાના ઘણા દેશોમાં છે તેમ ગુનેગારને જાહેર જનતાને હવાલે કરીને પથરા મારીને મોતને ઘાટ ઉતારી દેવો જોઈએ. સરકારે આ માટે રાષ્ટ્રીય સ્તરે પગલાં ભરવા જોઈએ. સંસદમાં અધ્યક્ષ મહોદય સમક્ષ બળાત્કારીને ફાંસી આપવાની માગ ઊઠે છે.

એક વિકૃતિની ઘટનાનું ચિત્ર આમ આખા સમાજ ઉપર થોપવાનું કેટલું વાજબી છે? બળાત્કારની ઘટના ઘટે એટલે જાણ્યે-અજાણ્યે પુરુષ વર્ગ અને સ્ત્રી વર્ગને સામસામે લાવી દેવામાં આવે છે. બળાત્કારની ઘટના સમગ્ર સમાજનું પ્રતિબિંબ નથી, તે માનસિક વિકૃત વ્યક્તિનું એકલાનું કરતૂત છે. તેને ગમે તે સજા આપો, આખા સમાજને આરોપીના કઠેડામાં મૂકવો, આખો સ્ત્રી સમાજ ભયભીત છે એવું ચિત્ર ઉપસાવવું, સ્ત્રી વિરુદ્ધ પુરુષનો રાગ આલાપવો એ કંઈ વિવેકીનું લક્ષણ છે?
——————————–

તંત્રપોલીસબળાત્કારસમાજહિંમત કતારિયા
Comments (0)
Add Comment