- પંચામૃત – ભૂપત વડોદરિયા
બ્રિટનના ખ્યાતનામ નવલકથાકાર ગ્રાહામ ગ્રીનને બાળપણથી જ આત્મહત્યાના વિચારો આવ્યા કરતા. આત્મહત્યાની એ લાગણી સામે એ જિંદગીભર ઝઝૂમ્યા. એ વાર્તાકાર બન્યા તેના મૂળમાં પણ એ જ વાત હતી કે પોતાની આસપાસ અનુભવોની જે અરાજકતા તેમણે જોઈ તેમાંથી કાંઈક વ્યવસ્થા નિર્માણ કરીને તેને કાંઈક આકાર એ આપવા માગતા હતા. કોઈ પણ માનવીના જીવનમાં તરેહ તરેહની ઘટનાઓ બને છે. કેટલીકવાર એવું લાગે કે એક જ જિંદગીના બનાવોમાં તાર્કિક સાતત્ય પણ જોવા મળતું નથી. સમજી ના શકાય તેવા વળાંકો આવે. જેને સદ્ભાગ્ય માનીએ તે દુર્ભાગ્ય નીવડે, જેને શાપ માન્યો હોય તે આશીર્વાદ બની જાય.
ગ્રાહામ ગ્રીને કેથોલિક સંપ્રદાય સ્વીકારી લીધો હતો. એ કહે છે કે, ‘હું જીસસ ક્રાઇસ્ટમાં માનતો હતો, પણ ઈશ્વરમાં માની શકતો નહોતો.’ એ કંઈ ખરેખર નાસ્તિક નહીં હોય, પણ એમને પણ એ જ સવાલ મૂંઝવ્યા કરતો હતો જે કોઈ પણ સંવેદનશીલ માણસને સતાવ્યા કરે છે. આ સંસારમાં ઈશ્વર જ જો સર્વવ્યાપી અને કરુણાનો સાગર હોય તો પછી સંસારમાં આટલી બધી પીડાનું શું કારણ? આટલા બધા અન્યાયોનું શું કારણ?
ગ્રાહામ ગ્રીનને કિશોરાવસ્થામાં જ કોઈ કોઈ વાર શરીરમાં પીડા ઊપડતી. એમને અવારનવાર મૂર્છા આવી જતી. એકવીસ-બાવીસ વર્ષના ગ્રાહામ ગ્રીન લંડનમાં એક હિન્દી ડૉક્ટર પાસે ગયા. તેણે કાંઈક દવા આપી, પણ ડૉક્ટર જાણકાર નહોતો. પછી એક ડૉક્ટરે નિદાન કર્યું કે તમને વાઈનંુ દરદ છે – એપીલેપ્સી. આ તો વારસામાં ઊતરે એવો રોગ. ગ્રાહામ ગ્રીન વિવિયન નામની યુવતીના પ્રેમમાં હતા. કોઈએ સલાહ આપી કે વાઈના દર્દીએ ખરેખર તો લગ્ન નહીં કરવા જોઈએ કેમ કે આ રોગ બાળકોમાં ઊતરવાનો જ.
ગ્રાહામ ગ્રીન કહે છે કે પછી મેં એક પીઢ પાદરી ફાધર ટેલ્બોટની સલાહ માગી. મારે શું કરવું? પરણવું કે ના પરણવું?
પાદરીએ ગ્રાહામ ગ્રીનને ગોળ ગોળ બહુ ફેરવ્યા, પણ એક વાત તેમણે ભારપૂર્વક કહી. તેમણે કહ્યું કે, ‘ઈશ્વરમાં ભરોસો રાખો.’
ગ્રાહામ ગ્રીન વિવિયનને પરણ્યા પણ ખરા. બાળકો પણ થયાં અને તેમનું લગ્નજીવન તેમ જ કુટુંબજીવન સુખી નીવડ્યું. ગ્રીનને ખરેખર વાઈનો રોગ હતો જ નહીં એ તો પછી ખબર પડી.
એવું બને છે કે માણસ એક ડૉક્ટરના ચુકાદાને કે એક વડીલના ચુકાદાને કે એક મિત્રના ચુકાદાને ‘આખરી’ ગણી લે છે – તેને નસીબનો ફેંસલો સમજી બેસે છે! આવું સમજનાર પછી પાછળથી પસ્તાય એવું પણ બને છે. આમાંથી કાંઈ સાર કાઢવો હોય તો એટલો જ નીકળે કે કોઈના નિદાનને આખરી ફેંસલો ગણવા જઈશું તો જીવવાનું ચૂકી જઈશું અને જિંદગીમાંથી પ્રાપ્ત થઈ શકે તેવું જે ઘણુ બધું છે તેનાથી વંચિત રહી જઈશું.
નિદાન કરનાર ડૉક્ટરની પ્રામાણિકતામાં શંકા કરવાની જરૃર નથી. એ જ રીતે એક માણસ વિશે એક અગર બીજી બાબતમાં એક યા બીજા પ્રકારનું ‘નિદાન’ કરનારી વ્યક્તિઓના શુભ આશયમાં પણ શક કરવાની જરૃર નથી, પણ જો આવા કોઈ પણ નિદાનને આખરી ફેંસલો સમજી બેસીએ તો તે કોઈ પણ વ્યક્તિ માટે ‘પ્રવેશબંધ’ જેવી સ્થિતિ ઊભી થવાનું જોખમ ખરું.
મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇનસ્ટાઇન ગણિતમાં કાચા હતા. તેમને ગણિતમાં ગતાગમ નહીં પડે એવા નિદાનને તેમણે સ્વીકારી લીધું હોત તો સંભવતઃ જે રસ્તે તેઓ આટલા બધા આગળ વધી શક્યા તે રસ્તો જ બંધ થઈ ગયો હોત. અનેક નામી-અનામી માણસોના જીવનમાં આવું બન્યું જ છે. કોઈ પણ માણસને આવો અનુભવ થયો જ હોય છે કે કોઈકનું ‘નિદાન’ તેના માર્ગમાં આડું આવીને ઊભું રહે છે. એક માણસ હિંમત કરીને એ ‘નિદાન’ને ટપી જઈને આગળ વધે છે. બીજો એક માણસ શંકામાં પડી જાય છે, નિરાશ થઈ જાય છે અને ‘જોખમ’ નહીં લેવામાં શાણપણ સમજે છે. દરેક કિસ્સામાં આવું ‘નિદાન’ ખોટું જ પુરવાર થાય તેવું બનતું નથી. એ જ રીતે દરેક કિસ્સામાં આવું નિદાન સાચું જ નીવડે એવું પણ નથી હોતું. છેવટે માણસે પોતે જ જાતે જ નિર્ણય કરવો પડે છે અને તે જ્યારે પણ જે કાંઈ નિર્ણય કરે તે તેણે ‘ઈશ્વરના ભરોસે’ જ કરવો પડે છે.
——————————————