પોતાના દીકરાનો સુખી સંસાર જોવા માંગતી હતી

મારે તો મારા દીકરાનો સંસાર વસેલો જોવો છે

નીલમ દોશી   હરીશ થાનકી

એક અધૂરી વાર્તા – નવલકથા –  પ્રકરણ-૫

વહી ગયેલી વાર્તા

ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની. વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા ઇરોના ચૅરમેન. લેબોરેટરીમાં આબેહૂબ માનવ જેવા રૉબોટના સર્જનમાં તેમને સફળતા મળી. માનવીય સંવેદનોથી સભર એક સુંદર સ્ત્રીના રૉબોટને તેમણે નામ આપ્યું ઇવા. ઇવા જાતે જ પોતાનું નામ બોલી. અને પછી ડૉ. કુલદીપને પૂછ્યું, ‘આપ કોણ?’ આશ્ચર્યચકિત ડૉ. કુલદીપે નોંધ્યું કે તેમના દ્વારા નિર્મિત રૉબોટ ઇવાનું સંવેદના અનુભવતું સોફ્ટવેર બરાબર કામ કરી રહ્યું છે. ઇવાએ પૂછી નાખ્યું – સર, હું રૉબોટ છું?’ ડૉ. કુલદીપે હા પાડી એટલે ઇવાએ કહ્યું, ‘હંુ રૉબોટ છું, રિયલ વુમન નથી એવું હમણા કોઈને કહેશો નહીં. મને એક સ્ત્રી તરીકે જીવવાનો હક્ક આપો.ડૉ. કુલદીપે ઇવાના મસ્તકને ચૂમીને સ્વીકૃતિ આપી. કુલદીપ ઇવાને મંદિરે લઈ ગયા તો ઇવાએ ધાર્મિક ભાવના ધરાવતી સ્ત્રીની માફક વર્તન કર્યું. ઇવાની રૉબોટ હોવાની મેમરી ડિલીટ કરી કુલદીપે તેને કહ્યું કે, તે એક મિત્રની પુત્રી છે અને તેનાં માતા-પિતા અકસ્માતમાં મૃત્યુ પામતાં તે તેને પોતાને ઘેર લઈ આવ્યા છે. ઇવાએ આશ્રય આપવા બદલ ડૉ. કુલદીપનો આભાર માન્યો. અને ઇવાએ ડૉ. કુલદીપને પૂછી નાખ્યું – સર, તમે એકલા જ  છો? તમે લગ્ન નથી કર્યાં?’ અને ડૉ. કુલદીપ યાદોમાં સરી પડ્યા… ડો. કુલદીપને જાનકી સાથે વિતાવેલા બાળપણની યાદ આવી. કિશોર વયે જ કુલદીપે વિજ્ઞાની બનવાનો સંકલ્પ કર્યો હતો. કુલદીપના પિતા પણ વિજ્ઞાની હતા. બાળપણથી સાથે જ મોટી થયેલી જાનકી માટે કુલદીપને અનહદ પ્રેમ હતો. બંનેના પરિવારને જાણ થતાં બંનેની સગાઈ કરવામાં આવી, પરંતુ મંદિરે દર્શન કરવા જતાં એક અકસ્માતમાં કુલદીપના પિતા અને જાનકીનું મૃત્યુ થયું. ત્યારથી કુલદીપની જિંદગી શુષ્ક થઈ ગઈ હતી. ઇવાના આવવાથી કુલદીપના વ્યવહારમાં પરિવર્તન આવેલું જોઈને કુલદીપની માતા મીનાબહેને આનંદ અનુભવ્યો. હવે આગળ વાંચો…

મીનાબહેનને તો એવી કલ્પના સુદ્ધાં નહોતી કે ઇવા ખરેખર કોઈ સ્ત્રી નથી. એ તો છે ફક્ત એક રૉબોટ.. એક યંત્રમાનવ..અસલ સ્ત્રી જેવી છતાં એક મશીન માત્ર અને પ્રયોગના એક ભાગરૃપે દીકરાએ એના દરેક વર્તનની નોંધ કરવાની છે. એ રૉબોટ પ્રયોગાત્મક તબક્કામાં છે એટલે એની દરેક ક્રિયાનું નિરીક્ષણ કુલદીપ માટે આવશ્યક છે. ફક્ત એ જ એના રસનું કારણ છે. એણે જે જે પ્રોગ્રામ, જે સંવેદનાઓ એનામાં ઇન્સ્ટોલ કરી છે એ મુજબ જ ઇવા વર્તે છે એ જોવાનું, જાણવાનું તેને માટે ખૂબ  જરૃરી છે. જેથી ભવિષ્યમાં કોઈ ગરબડ, કોઈ પ્રશ્નો ઊભા ન થાય.

આ બધાથી બિલકુલ અજાણ મીનાબહેન ઇવાને વહુ તરીકે જોઈ રહ્યાં અને એક સાસુ થનાર વહુ સાથે જે રીતે વાત કરે, જે રીતે વર્તન કરે એવું જ વર્તન, એવી જ વાતો એ કરી રહ્યાં. એમને હતું કે પોતે ઇવાને પોતાના ઘરની રૃઢિ પ્રમાણે ઘડી રહ્યાં છે. ઇવા પણ કોઈ જાતના વિરોધ વગર મીનાબહેન જે શીખવતાં તે રસપૂર્વક શીખતી રહી.

મીનાબહેનની વાત્સલ્યસભર આંખો નિહાળતી હતી કે આ બધું જોઈને દીકરો પણ ખુશ થાય છે. અરે, હમણા તો કુલદીપે ઑફિસમાંથી પણ લાંબી રજા લીધી છે. પોતાની પ્રયોગશાળામાં પણ તે ઇવાને સતત સાથે રાખે છે. જાણે ઇવાથી એક પળ પણ તેને દૂર રહેવું ગમતું નથી. ઇવા રસોડામાં આવે છે તો ત્યાં પણ દીકરાનું ધ્યાન તેની ઉપર જ હોય છે. આ છોકરીએ દીકરાને આટલી હદે આકર્ષ્યો છે એ જોઈને મીનાબહેનને હવે મંઝિલ હાથવગી લાગી.

ઓછાબોલો દીકરો કદાચ મારા કહેવાની, પૂછવાની રાહ તો નહીં જોતો હોય ને..? એક દિવસ મીનાબહેનના મનમાં વીજળીની જેમ વિચાર ઝબૂક્યો અને તુરત જાતે તેને સમર્થન પણ આપી દીધું. મનગમતી વાતને આસાનીથી સ્વીકારીને મેળ બેસાડી લેવાની માનવ સહજ નબળાઈ મીનાબહેનમાં પણ હતી જ.

એક દિવસ…

‘બેટા, તો તૈયારી કરંુ ને?’

‘તૈયારી? શેની તૈયારી?’

જવાબ આપ્યા સિવાય મીનાબહેન મલકાતાં ચહેરે દીકરા સામે જોઈ રહ્યાં. મનગમતો જવાબ મળવાની આશાએ  મીનાબહેનનો ચહેરો ખુશીથી છલકાઈ રહ્યો હતો. ડૉ. કુલદીપ કશું સમજ્યા સિવાય બાઘાની જેમ મા સામે જોઈ રહ્યા. મા શેની તૈયારી કરવાની વાત કરે છે..?

‘બેટા, તો તૈયારી કરું ને?’

મમ્મીના હસતાં ચહેરે બોલાયેલા એ વાક્યને સાંભળી કુલદીપ આશ્ચર્યમાં પડી ગયો. મા કંઈક ઊંધંુ-ચત્તુ તો નથી સમજી બેઠી ને?

શંકાની એક આછેરી લકીર તેના મનમાં આવીને સરકી ગઈ.

દીકરો આ છોકરી તરફ આકર્ષાયો છે એવું માની બેસેલા મીનાબહેન મનોમન હરખાતાં હતા.

પોતાની મનગમતી કલ્પનામાં રાચતા મીનાબહેન વધારે ધીરજ રાખ્યા સિવાય   દીકરાને સીધું જ પૂછી બેઠાં.

‘તૈયારી? શેની તૈયારી? મમ્મી,’

દીકરો જાણે છે, છતાં પણ અજાણ્યો થાય છે તે મીનાબહેનને ગમ્યું. તે હળવેથી પુત્રની પાસે આવ્યાં. તેના બંને ગાલ પોતાની હથેળી વચ્ચે દબાવી લાડથી બોલ્યાં..

‘મને બધું દેખાય છે અને સમજાય પણ છે હો બેટા! તને ઇવા ગમે છે ને? તો પછી મને પહેલાં જ કહ્યું હોત તો! શી જરૃર હતી તેને આમ મિત્રની દીકરી કહીને ઘરમાં તેડી લાવવાની..? જોકે ઉંમરમાં તારા કરતાં ઘણી નાની દેખાય છે, પણ એ તો તમારે બંનેએ નક્કી કરવાનું. મારે તો મારા દીકરાનો સંસાર વસેલો જોવો છે. જેથી મને તારી ચિંતા ન રહે. હું શાંતિથી મરી તો શકું.’

મીનાબહેન થોડા ભાવુક બની ગયાં.

પણ આવી મજાની વાત અહીં અટકી જાય એ તેમને પોસાય તેમ નહોતું. આજે વાત નીકળી છે તો ફેંસલો થવો જ જોઈએ. તેમણે વાત ચાલુ રાખી.

‘આખરે ઈશ્વરે મારી સામે જોયું ખરું..મને તો ઘણા વખતથી ઇચ્છા હતી વહુ લાવવાની..પણ તું જ ક્યાં હા પાડતો હતો..!’

‘ મમ્મી..પ્લીઝ સ્ટોપ ઇટ…તું મારી વાત   સાંભળ.  તું જે કહે છે ને એવું કશું જ નથી. એ તો…’

કુલદીપ મમ્મીને અટકાવવા ગયો પરંતુ..મીનાબહેનને આજે દીકરાની કોઈ વાત જાણે સાંભળવી જ નહોતી.

‘બેટા, હવે મારે કંઈ જ નથી સાંભળવું..આટલાં વરસો સુધી કોઈ પણ છોકરી સામે એક નજર નાખવાની તસ્દી પણ તેં નથી લીધી અને આની આસપાસ ફરતા થાકતો નથી. અરે, તારી પ્રયોગશાળામાં પણ તું એને દાખલ થવા દે છે. શું મને એ બધું નથી સમજાતું? ખાલી મારે મોઢે બોલાવવું છે એમ કહે ને?’

મનગમતી કલ્પનાથી મીનાબહેનના ચહેરા પર સ્મિત રમી રહ્યું હતું. કુલદીપ મમ્મી સામે જોઈ રહ્યો.

શું કહેવું મમ્મીને..? એ મા હતી..ફક્ત મા…જે વિશ્વની દરેક માની માફક પોતાના દીકરાનો સુખી સંસાર જોવા માંગતી હતી. એ પુત્રવધૂના હાથમાં લાલચટ્ટક મહેંદી જોવા માગતી હતી. તેના પૌત્રને ખોળામાં રમાડતી વખતે તેની કાલીઘેલી ભાષા સાંભળવા તલસતી હતી. તેને ચકા-ચકીની વાર્તા કરવા  અધીર હતી. તેને આંગળી પકડી શાળાએ મૂકવા જવાની કલ્પનામાં રાચતી હતી અને એક દિવસ એ જ પૌત્રના હાથે મોઢામાં  ગંગાજળની આચમની લઈ ચિરનિન્દ્રામાં પોઢી જવા માગતી હતી..

કુલદીપ આ બધું નહોતો સમજતો એવું પણ નહોતું. પણ…

માની આંખમાં અંજાયેલા એ સુંદર સપનાને તોડી નાખતા એનો જીવ નહોતો ચાલતો..જાનકીના ગયા બાદ કદાચ પહેલી જ વખત મા કોઈ સપનું જોઈ રહી હતી..શું કરવું? શું કહેવું? ઇવા રૉબોટ છે તેમ કહીશ તો તેનું મન ભાંગી જશે. કદાચ તે માનવા પણ તૈયાર નહીં થાય..! તેને લાગશે કે તેનો દીકરો સગી માને છેતરી રહ્યો છે..

સમય…હા, સમય જ માંગવો રહ્યો..એ જ એક માત્ર ઉપાય છે.

‘મમ્મી, તું મારી વાત સંભાળ..ઇવા મારા મિત્રની પુત્રી છે તે વાત તદ્દન સાચી છે. મારા મિત્ર અને તેની પત્નીનું જે કાર અકસ્માતમાં મૃત્યુ થયું તે અકસ્માતમાં ઇવા પોતાની સ્મૃતિ ખોઈ બેઠી છે. તેને બીજા કોઈ નજીકનાં સગાંવહાલાં ન હોવાથી તે એકલી પડી ગઈ હતી. તેથી હું તેને ફરજ સમજીને  આપણા ઘરે તેડી લાવ્યો છું. અત્યારે આ સંજોગોમાં આવી કોઈ વાત કરવાની ઉતાવળ ન કરાય એટલું તો તું પણ સમજી શકે છે ને? વળી, એ મારા કરતાં ઘણી નાની છે. મમ્મી, તું  કોઈ આડી અવળી કલ્પનાના ઘોડા અત્યારથી ન દોડાવ પ્લીઝ..’

પુત્ર માને સમજાવવાની કોશિશ કરતો રહ્યો.

મીનાબહેન થોડા ઢીલા પડી ગયાં.

‘ઠીક છે બેટા..આમ પણ આવતા અઠવાડિયે હું બેંગ્લોર જાઉં છું મુક્તામાસી પાસે. એમની તબિયત હવે બહુ સારી રહેતી નથી એટલે મને બોલાવી છે. એમની ઇચ્છા છે કે એમના અંતિમ સમયે હું તેમની પાસે હોઉં..ઇવા આપણા ઘરમાં જ રોકાવાની છે ને?’

મીનાબહેન આગળ કશું કહેવા જતાં હતાં ત્યાં અચાનક જ એ રૃમમાં ઇવા આવી જતાં વાત ત્યાં જ અટકી ગઈ.

‘સર, આ કાર્ડ આવ્યું છે તમારા નામનું…’

કહેતાં ઇવાએ હાથમાં રહેલું કાર્ડ કુલદીપ તરફ લંબાવ્યું.

કુલદીપે ઇવાના હાથમાંથી કાર્ડ લીધું. વાંચતા જ મન આનંદથી ઝૂમી ઊઠ્યું.

પોતે જે કૉલેજમાં ભણ્યો હતો તે કૉલેજમાં પરમદિવસે એલ્યુમની ગેધરિંગ હતું. સાથે એક નાનકડું ફંક્શન પણ હતું. કૉલેજના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સહપરિવાર આવવાનું નિમંત્રણ હતું. કુલદીપને કૉલેજના સમયની યાદ આવી ગઈ. સાથે ભણતા હતા તેવા કેટલાયે ચહેરા તેના સ્મૃતિપટ પર રમી રહ્યા. ક્યાં હશે બધા? ચાલો, આ બહાને બધાને મળાશે.

તે દિવસે કુલદીપ ઇવાને સાથે લઈને ગયો. કેમ કે ઇવા બધા સાથે અને અલગ અલગ પ્રસંગોએ કેવું વર્તન કરે છે એ ચકાસવું જરૃરી હતું. કૉલેજના બિલ્ડિંગમાં પ્રવેશતાની સાથે જ અતીતનાં સ્મરણોની સુગંધ તેના તનમનમાં મહેકી ઊઠી. કૉલેજમાં ઘણા ઘણા ફેરફારો થઈ ગયા હતા. પ્રવેશદ્વાર પાસેની કૅન્ટીન ક્યાંક દૂર ચાલી ગઈ હતી. સામે એક વિશાળ હોર્ડિંગ લટકી રહ્યું હતું. એન્ટ્રી રોડના બંને છેડે હારબંધ નવાં વૃક્ષો દેખાતાં હતાં, પણ સામે ગાર્ડનના છેવાડે સ્થિર પડેલી એક બેન્ચ, જે તેના અને જાનકીના મિલનની સાક્ષી પૂરાવતી હતી તે હજુ પણ એમ જ અકબંધ હતી.

એ બેન્ચ પર બેસી જાનકી સાથે સહજીવનનાં અનેક સમણાં જોયા હતા. ચાંચમાં ચાંચ પરોવી ઘૂ ઘૂ કરતા પારેવાની જેમ ગુફ્તગૂ કરી હતી. આજે વરસો પછી એ બેન્ચ પર નજર પડતા કુલદીપનું હૈયું એક થડકારો ચૂકી ગયું. જાનકી… મન સામે ઊભી કરેલી કિલ્લેબંદી પીળા પર્ણની માફક ખરી પડી અને કદી ન વિસરાયેલું એ નામ ભીતરમાં ફરી એકવાર પડઘાઈ રહ્યું.

સુગંધિત મૌન પળો કુલદીપના અસ્તિત્વમાં છવાઈ રહી. હૈયામાંથી એક નિશ્વાસ સરી પડ્યો. એના પગ એ બેન્ચ પાસે સ્થિર થઈ ગયા.

ત્યાં ઇવાએ કુલદીપનો હાથ પકડી તેને આગળ ખેંચ્યો.

‘સર, ચાલો,’

કુલદીપ અતીતનાં સ્મરણોમાંથી ફરીથી વર્તમાનમાં ફેંકાયો…

એક હળવો નિસાસો નખાઈ ગયો. હવે તો રહી હતી માત્ર જાનકીની યાદો. એકવાર ફરીથી એ યાદો તેના પર હાવી થઈ જાય એ પહેલાં તે ઇવાને લઈ ઝડપથી અંદર દાખલ થઈ ગયો.

એ સાંજે ઘણા જૂના મિત્રો સાથે મુલાકાત થઈ. ઘણી યાદો તાજી થઈ. કૉલેજના તે વખતના હિટલર ગણાતા પ્રિન્સિપાલ ડૉ. જાવિયા, સ્ત્રી જેવી ચાલ ચાલતાં ડૉ. માલવિયા, વાત વાતમાં રડી પડતાં લેડી ડૉ. કામિની યાદવ, વિજ્ઞાન જેવા શુષ્ક વિષય ભણાવતી વખતે પણ વચ્ચે શેર-શાયરીનો મારો ચલાવી યુવાન દિલોની ધડકન બની ચૂકેલા લોકપ્રિય ડૉ. કપૂર..કૉલેજની કૅન્ટીનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કાયમ મોઢું બાળી નાંખે તેવા તીખા તમતમતા બટેટાવડા બનાવતા જોશી મહારાજ.. કેટકેટલા કેરેક્ટર્સ સામે દેખા દેતા હતા.

મેઇન હૉલમાં ચાલી રહેલા ફંક્શનમાં વારાફરતી બધા પૂર્વ વિદ્યાર્થીઓ માઇક પર આવી પોતાનો પરિચય આપી, પોતે હાલ ક્યાં છે, શું કરે છે તે જણાવી રહ્યા હતા. ત્યાં કુલદીપની નજર એક જાણીતા ચહેરા પર પડી..આકાશ…યસ..આકાશ મલ્હોત્રા હતો એ..! પણ એ અહીં ક્યાંથી..?તેને તો કૉલેજમાંથી છેલ્લા વર્ષમાં રસ્ટિકેટ કરાયો હતો. કદાચ ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયો હતો તે વખતે.

ફંક્શન પૂરું થયા પછી ડિનર વખતે અચાનક પાછળથી કોઈએ કુલદીપના ખભા પર હાથ મુક્યો.

‘હેલ્લો કુલદીપ, કેમ છે..?’

કુલદીપે ચોંકીને પાછળ ફરીને જોયું તો આકાશ મલ્હોત્રા!

‘બસ મજામાં, તું કેમ છે..? ક્યાં છે આજકાલ..?’

‘અહીં જ છું..આ જ શહેરમાં..બિઝનેસ કરું છું. તું તો મોટો વૈજ્ઞાનિક બની ગયો છે ને? અને આ…?

ઇવા તરફ ઇશારો કરતા આકાશે સીધું જ પૂછી લીધું. આટલી યુવાન અને આવી સુંદર યુવતી આ ખડૂસ કુલદીપ સાથે?

આકાશ કોઈ કલ્પનાના ઘોડા દોડાવી આગળ કશું બોલે તે પહેલાં જ કુલદીપ બોલી ઊઠ્યો.

‘આ ઇવા છે. મારા એક દોસ્તની દીકરી. હમણા મારે ત્યાં આવી છે.’

‘ઓહ..વાઉ..ઇવા..ખૂબ સરસ નામ છે. સૃષ્ટિની પહેલી સ્ત્રી એટલે ઇવ..અને આ ઇવા.. વાહ..’

બોલી આકાશ ઇવાની બાજુમાં સરક્યો અને તેની સાથે હાથ મિલાવતા બોલ્યો,

‘હેલ્લો મિસ ઇવા, મારું નામ આકાશ મલ્હોત્રા છે. કુલદીપનો ફ્રેન્ડ. બાય ધ વે, શું કરો છો તમે..?’

‘નથિંગ. ખાસ કંઈ નહીં, પણ હવે વિચારું છું કશુંક કરવાનું.’

‘જોબ કરવાની ઇચ્છા ખરી?’

‘ના..ના ઇવાને જોબ નથી કરવી.’ ઇવા જવાબ આપે એ પહેલાં જ કુલદીપ બોલી ઊઠ્યો.

‘વેલ, આ તો મને એમ લાગ્યું કે ઇવા સાવ ફ્રી છે અને કશુંક કરવા વિચારતી પણ હોય. એથી મેં આ ઑફર કરી. વળી, મારી ઑફિસમાં જગ્યા ખાલી જ છે. ઇવા જેવી સુંદર યુવતીને એ જોબની ઑફર કરતા મને આનંદ જ થવાનો.’

‘ઇવાને કોઈ જોબની જરૃર નથી.’

કુલદીપના અવાજમાં એક આદેશનો રણકો હતો.

‘પણ સર, મને લાગે છે કે મને જોબ કરવી ગમશે.’ હવે ઇવાએ સામાન્ય સ્ત્રીની જેમ વાતમાં ઝુકાવ્યું.

‘ઇવા, પ્લીઝ..’ કુલદીપના અવાજમાં થોડો ગુસ્સો ભળ્યો.

‘અરે કુલદીપ એની ઇચ્છા છે તો રોકે છે કેમ? મિસ ઇવા, લો આ મારું કાર્ડ..એની ટાઇમ મોસ્ટ વેલકમ.’

‘થેન્ક્યુ.’ કહેતા ઇવાએ આકાશના હાથમાંથી કાર્ડ લીધું. કાર્ડની આપ લે વખતે ઇવાની આંગળીઓના સ્પર્શથી આકાશના શરીરમાંથી કરન્ટ પસાર થઈ ગયો. આકાશની લોલુપ નજર ઇવાના સંગેમરમર જેવા શરીર પર ફરી વળી. તેના મનમાં અનેક યોજનાઓ આકાર લેવા લાગી. ગમે તેમ કરીને એકવાર આ ઇવાને…

આવી સરસ છોકરી સાવ રોંચા જેવા કુલદીપ સાથે..!

કુલદીપને થયું વાત આગળ વધે એ પહેલાં આ વાતચીત પર બ્રેક લાગવી જોઈએ.

‘આકાશ, ઇવાની નોકરી માટે તારે હેરાન થવાની કોઈ જરૃર નથી.’

‘અરે દોસ્ત..નો પ્રોબ્લેમ..એક મિત્ર બીજા મિત્રને કામ નહીં આવે તો કોણ આવશે..? તું તો હજુ પણ કૉલેજમાં હતો તેવો જ શરમાળ રહ્યો.. ઇવા, વેલકમ ટુ માય ઑફિસ ટુમોરો મોર્નિંગ. ઓકે? હું તમારી રાહ જોઈશ.’

ઇવા સામે નજર જમાવી રાખી આકાશ બોલ્યો. હજુ તે ઇવા સાથે ઘણી વાત કરવા માગતો હતો ત્યાં કુલદીપ ઇવાનો હાથ ખેંચી તેને લઈને આગળ વધ્યો.

‘ઇવા, કમ ઓન, તને મારા બીજા મિત્રોની પણ ઓળખાણ કરાવું. જો સામે છે એ મારા મિત્ર નીરવનો દીકરો..લગભગ તારા જેવડી જ ઉંમરનો. તને એની સાથે વાત કરવાની મજા આવશે. આવ..’

ઇવા ચારે તરફ જોતી જોતી કુલદીપ સાથે આગળ ચાલી.

ઇવા સહજતાથી બધા સાથે મળતી રહી. કુલદીપ મનોમન ઇવાના વર્તનની નોંધ લેતો રહ્યો. આજે ઇવાને એ હેતુસર તો સાથે લાવ્યો હતો. ઇવા તેનું પોતાનું આગવું સર્જન હતી. ભલે તે રૉબોટ હતી, પણ આ પળે તો તે ફક્ત અને ફક્ત એક સ્ત્રી તરીકે જ વર્તવાની હતી અને એ જ તો પોતાની અનન્ય સિદ્ધિ હતી. કદાચ ઈશ્વરની જેમ તે પણ સૃષ્ટિનો કર્તા બની ગયો હતો. કુલદીપના ચહેરા પર ફરી એકવાર એક ગર્વની લકીર ઉપસી આવી.

એવામાં મ્યુઝિકલ પ્રોગ્રામનું એનાઉન્સમેન્ટ થયું એટલે બધા ખુરશી પર જઈને ગોઠવાયા. કુલદીપનું ચિત્ત પ્રોગ્રામમાં ચોટતું ન હતું. તેના મગજમાં હજુ પણ આકાશ સાથે થયેલો સંવાદ ઘૂમરાઈ રહ્યો હતો. આકાશની લોલુપ નજર કદાચ ઇવા ન પારખી શકે, પણ પોતે આકાશનાં કરતૂતોથી ક્યાં અજાણ હતો?

રાત્રે કારમાં પાછા ફરતી વેળાએ કુલદીપે ઇવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું

‘જો ઇવા, આકાશ દેખાય છે એવો સારો માણસ નથી. તારે એની ઑફિસમાં નોકરી કરવાની કોઈ જરૃર નથી. શું સમજી?’

કુલદીપના અવાજમાં ઇવા પરના અધિકારની ભાવના વરતાઈ રહી. આખરે તે ઇવાનો માલિક હતો. ઇવા તેણે બનાવેલું એક યંત્ર માત્ર હતી. પોતાના પ્રયોગનું સાધન. એ યંત્ર તેના કાબૂની બહાર ન જ જવું જોઈએ.

‘પણ સર, આઇ થિન્ક આય શુડ ડુ સમથિંગ.. અને સામેથી નોકરી મળે છે તો મારે એ તક ઝડપી લેવી જોઈએ.’

પોતે બનાવેલું મશીન એક સ્ત્રીની જેમ સ્વતંત્રપણે વિચારી શકે છે એ જોઈ કુલદીપને થોડીવાર માટે તો આનંદ થયો, પરંતુ આ સ્વતંત્રતા પર રોક લગાવવી પણ જરૃરી હતી.

‘એકવાર ના કહીને? તારે નોકરી કરવાની નથી. શું સમજી?’

કુલદીપના અવાજમાં રહેલો અધિકારનો રણકો પારખી ઇવા થોડી વાર સ્તબ્ધ બની કુલદીપ સામે જોઈ રહી. કદાચ તેના ચહેરાના ભાવોને સમજવા મથી રહી.

‘પણ સર…’

‘નો..નો મીન્સ નો સમજી..?’

કુલદીપના અવાજમાં સહેજ ગુસ્સો છલક્યો. ઇવા તેના આ ગુસ્સાને જોઈ રહી. કદાચ પહેલી જ વખત કુલદીપ તેને આટલા અધિકારથી કહી રહ્યો હતો. કયા અધિકારથી..? આ અધિકાર માત્ર મિત્રની પુત્રી પરના અધિકાર જેટલો સીમિત નહોતો..આમાં કશુંક વિશેષ હતું..!

એ વિચારી રહી. કુલદીપ શા માટે તેના પર આટલો અધિકાર જમાવી રહ્યો છે? પોતે નોકરી કરવા જાય એ કુલદીપને કેમ ગમતું નથી? એને શો વાંધો આવે છે એમાં?

ઇવા તુરત તો કશું બોલી નહીં, પરંતુ તેનું મન કુલદીપના આ વર્તન અંગે વિચારી જરૃર રહ્યું. શું તે મારા પ્રેમમાં હશે.?

એ વિચાર સાથે જ તે ચોંકી ઊઠી.

(ક્રમશઃ)
—————————

એક અધૂરી વાર્તાનવલકથાનીલમ દોશીપ્રકરણ-5હરિશ થાનકી
Comments (0)
Add Comment