કચ્છમાં આવતા ભૂકંપના આંચકાઓની સંખ્યા વધી

કચ્છનું સર્જન થયું ત્યારથી જ અહીં સતત ભૂકંપ આવે છે
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

છેલ્લા થોડા સમયથી ૩-૪ મેગ્નિટ્યૂડથી મોટા ભૂકંપના આંચકા આવતા લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. જોકે ભૂસ્તરશાસ્ત્રીના મતે અત્યારે આવનારા નાના- નાના આંચકાથી મોટી હાનિ થવાની શક્યતા નથી. છતાં લોકોએ પૂરી સાવચેતી રાખીને બાંધકામ કરવા જોઈએ અને સતર્ક રહેવું જોઈએ. ૨૦૦૧ના ભૂકંપ વખતે ખખડી ગયેલી અનેક ઇમારતો હજુ પણ ઊભી છે. નાના આંચકાઓ આવી ઇમારતોને ધરાશાયી કરી દે તેવી શક્યતા છે. ત્યારે નગરપાલિકા અને ભાડાતેને તોડી પાડવાના બદલે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.

૨૦૦૧ના ભૂકંપને ૨૦ વર્ષ થવા આવ્યા છતાં હજુ ભૂકંપે કચ્છનો કેડો મુક્યો નથી. કુદરતનું આ બિહામણું તત્ત્વ અવારનવાર નાના- મોટા આંચકારૃપી હાજરી લગાવે છે. દિવસના ગમે તે સમયે, કચ્છના કોઈ પણ ભાગમાં ખાસ તો ભુજ અને ભચાઉ તાલુકામાં આંચકા અનુભવાય છે. નવેમ્બર ૨૦૧૯માં ૨૨થી વધુ વખત કચ્છની ધરા ધણધણી છે. અનેક વખત ૧ કે ૨ મેગ્નિટ્યૂડનો આંચકો હોય ત્યારે લોકો તેની પરવા પણ કર્યા વગર પોતાનું રાબેતા મુજબનું કામ ચાલુ રાખે છે. ૧૮મી નવેમ્બરના એક જ દિવસે ૪.૩ અને ૩ મેગ્નિટ્યૂડના એમ બે આંચકા અનુભવાયા હતા. જેના કારણે હવે મોટો આંચકો આવવાની શક્યતા હોવાની ભીતિ પણ લોકોના મનમાં ફેલાઈ રહી છે. ભૂકંપ અંગે કોઈ જ આગાહી થઈ શકતી ન હોવા છતાં ભૂસ્તરશાસ્ત્રીના મતે આ ભીતિ ખોટી છે, નાના- નાના આંચકાઓ આવશે જરૃર પરંતુ તે મોટી ખાનાખરાબી વેરશે નહીં.

કચ્છનું સર્જન થયું ત્યારથી જ અહીં સતત ભૂકંપ આવે છે. કરોડો વર્ષો પહેલાં કચ્છની ઉત્પત્તિ પૃથ્વીના અન્ય ખંડોની જેમ જ ગોંડવાના મહાદ્વિપના વિભાજનના પરિણામે થઈ છે. ભારતીય પ્લેટનું સર્જન થયા પછી તે ઉત્તર તરફ ખસવા લાગી. તેથી તેની અથડામણ યુરેશિયન પ્લેટ સાથે થઈ. તેના કારણે હિમાલયની પર્વતમાળા રચાઈ. આ સમયે જ કચ્છનું સર્જન થયું અને પ્લેટ ખસવાની પ્રક્રિયા દરમિયાન જ આ વિસ્તાર ધીરેધીરે ઉપર ઊઠવા લાગ્યો. પ્લેટોના હલનચલનની ક્રિયા હજુ પણ ચાલુ છે. તેથી જ આજે પણ કચ્છ વિસ્તાર અનેક આંચકા અનુભવે છે. કચ્છનો વિસ્તાર નગરપારકર અને નોર્થ કાઠિયાવાડ ફોલ્ટ લાઇનની વચ્ચેનો છે. આ બે મોટી ફોલ્ટ લાઇનો આજે તો તદ્દન નિષ્ક્રિય છે, પરંતુ તેની વચ્ચે, કચ્છમાં આવેલી બીજી પાંચ મોટી ફોલ્ટ લાઇનો એક્ટિવ છે. ૨૦૦૧ના ભૂકંપ માટે જવાબદાર એવી સાઉથ વાગડ ફોલ્ટ લાઇન, પૂર્વ કચ્છના ભચાઉથી પશ્ચિમ કચ્છના લખપત સુધી ૧૫૦ કિ.મી.માં ફેલાયેલી કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ લાઇન, ગેડી ફોલ્ટ લાઇન. કચ્છના રણના ચાર દ્વિપો પચ્છમ, ખડીર, બેલા અને ચોરાડને અલગ કરતી આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ લાઇન અને ભુજ પાસેના ખાત્રોડ(કત્રોડ) પર્વતમાળાની સમાંતર પથરાયેલી કત્રોડ હિલ ફોલ્ટ લાઇન મુખ્ય એવી પાંચ ફોલ્ટ લાઇનો છે. આ ઉપરાંત બીજી અનેક દુય્યમ અને ગૌણ ફોલ્ટ લાઇનો કચ્છભરમાં પથરાયેલી છે.

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ ઍન્વાયરોમૅન્ટ સાયન્સ વિભાગના વડા અને કચ્છના ફોલ્ટ લાઇનો પર સવિશેષ સંશોધન કરનારા ભૂસ્તરશાસ્ત્રી ડૉ. મહેશ ઠક્કરના જણાવ્યાનુસાર, ‘૧૮મી ફેબ્રુઆરી, ૨૦૧૯ના આવેલો ૪.૩નો આંચકો ૨૦૦૧માં આવેલા ભૂંકપના એપીસેન્ટર પરથી જ આવ્યો હતો. તે જમીનની નીચે ફક્ત ૧૫.૫૦ કિ.મી.ની ઊંડાઇએથી આવ્યો હોવાથી તેની અસર મોટા વિસ્તારમાં અનુભવાઈ હતી. મોટા ભૂકંપના આફ્ટર શોક્સ વર્ષોનાં વર્ષો સુધી આવી શકે. તેથી તાજેતરમાં આવેલા મોટા ભૂકંપને પણ આફ્ટરશોક કહી શકાય. ૨૦૦૧ના ભૂકંપ વખતે ફોલ્ટ લાઇન પર ૭૫ કિ.મી. સુધી ભંગાણ થયું હતું. સામાન્ય રીતે સેંકડો વર્ષોના સમયગાળામાં ભંગાણ સંધાઈ શકે છે, પરંતુ આ ફોલ્ટ લાઇન એક્ટિવ હોવાથી સંધાણ થતું નથી. નાના નાના આંચકાઓથી દબાણ સતત રિલીઝ થયા કરે છે. તેથી વધુ એનર્જી એકત્રિત થતી નથી. તેના કારણે ૫ કે ૫.૫થી મોટો આંચકો આવવાની શક્યતા ઓછી છે. આમ છતાં અત્યારે નિષ્ક્રિય લાગતી ફોલ્ટલાઇન અચાનક એક્ટિવ થાય અને મોટો ભૂકંપ આવે તેવું પણ બની શકે. તેથી કચ્છમાં વસતા લોકોએ હરહંમેશ તકેદારી તો રાખવી જ રહી.

કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રોફેસર અને ભૂસ્તરશાસ્ત્રી ગૌરવ ચૌહાણે ભૂકંપની સચોટ આગાહી થઈ શકતી નથી તેથી તે ગમે ત્યારે આવી શકે તેમ છે તેવું માનીને જ હંમેશાં સતર્ક રહેવાની જરૃરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓ જણાવે છે કે, ‘ગમે તેટલો મોટો ભૂકંપ આવે, પરંતુ તેમાંથી ઉગારવાના બે જ રસ્તા છે, એક તો લોકોમાં જાગૃતિ અને બાંધકામમાં તકેદારી. કચ્છના ગામડે ગામડે વારંવાર અલગ-અલગ કારણોસર ડાયરાઓ યોજાય છે. તેમાંથી એકાદો ડાયરો તો ભૂકંપ સામેની જાગૃતિ માટેનો હોવો જોઈએ. લોકોને એ ખ્યાલ હોવો જોઈએ કે અચાનક આવતા ભૂકંપથી કેવી રીતે બચી શકાય?, કઈ જગ્યાએ જવું જોઈએ? અને કેવી રીતે વર્તવું જોઈએ? તેવી જ રીતે નવા બાંધકામો ભૂકંપપ્રૂફ અને શક્ય હોય ત્યાં સુધી હલકા મટીરિયલના કરવા જોઈએ. બાંધકામ વખતે રખાયેલી તકેદારી ભૂકંપના આંચકા વખતે અનેકોના જીવ બચાવી શકે તેમ હોય છે. ૨૦૦૧ના ભૂકંપ વખતની બિસ્માર ઇમારતો ગમે ત્યારે પડી જાય તેમ હોવાથી તેને પૂરી સાવચેતી રાખીને પાડી નાખવી જોઈએ. નાના આંચકા વખતે આવી ઇમારતો ગમે ત્યારે પડીને જાનહાનિ કરી શકે છે.’

ભૂસ્તરશાસ્ત્રીઓ જૂની અને ખખડી ગયેલી ઇમારતો પાડી નાખવાની વાત વારંવાર કરતા હોવા છતાં જેના શિરે આ ઇમારતો તોડી પાડવાની જવાબદારી છે તેવા બે તંત્રો નગરપાલિકા અને ભુજ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી વર્ષોથી જવાબદારીની ફેંકાફેંકી કરે છે. નગરપાલિકાના પ્રમુખ લતાબહેન સોલંકી આ બાબતે જણાવે છે કે, ‘નગરપાલિકા અને ‘ભાડા’નું આ સંયુક્ત કામ છે. અમે સાધનો પૂરા પાડવાની મદદ કરીશું. આ માટે સર્વે પણ કરાવ્યો હતો. લગભગ ૩૦૦ જેટલી ઇમારતો બિસ્માર છે. નગરપાલિકા એકલી આ કામ કરી શકશે નહીં. પરંતુ ‘ભાડા’ સાથે મળીને નજીકના ભવિષ્યમાં આ ઇમારતો તોડવાનું કામ ચાલુ થશે.’

‘ભાડા’ના ચૅરમેન તરીકે અત્યારે કલેક્ટર છે. કચ્છ કલેક્ટર નાગરાજનને ભુજની બિસ્માર ઇમારતો તોડી પાડવા અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘આ કામ તો નગરપાલિકાએ કરવાનું છે અને નગરપાલિકા મારી અન્ડર આવતી નથી. આમ છતાં તેમની સાથે વાત કરી છે, કેટલી ઇમારતો પાડવાની જરૃર છે?, તે માટે કેટલી ગ્રાન્ટ લાગશે?, નગરપાલિકાનો એક્શન પ્લાન શું છે?, વગેરે પ્રશ્ને તેમની સાથે ચર્ચા કરવાની છે. આમ છતાં બનતી ત્વરાએ આ કામ હાથ પર લેવાનો પ્રયત્ન કરું છું.’

ભૂકંપ પછી જી- પ કેટેગરી- અતિભયજનક કેટેગરીમાં આવતી ઇમારતો તો તુરંત જ તોડી પડાઈ હતી, પરંતુ જી-૪ અને જી-૩ની ઇમારતો પછી તોડી પડાશે, તેમ કહીને બાકી રખાઈ હતી. આ પૈકીની ૨૫ ઇમારતો તોડી પાડવા નોટિસો અપાઈ હતી. તેમાંથી ૪ તો તોડાઈ, પરંતુ બાકીની હજુ બાકી જ છે. વારંવાર નોટિસ અપાઈ હોવા છતાં તે માટેની કાર્યવાહી આગળ ધપતી નથી.

ભુજની બિસ્માર ઇમારતો તોડી પાડવા માટે ૨૦૦૯થી લડત ચલાવનારા જાગૃત નાગરિક મિતેશ શાહે મુખ્યમંત્રી, વિરોધપક્ષના નેતા, મંત્રીઓ, કલેક્ટર વગેરે સમક્ષ વારંવાર રજૂઆત કરી છે, પણ પરિણામ મળતું નથી. તેઓ જણાવે છે, ‘ભૂકંપ વખતે બિસ્માર થયેલી ઇમારતો સમય વિતવાની સાથે વધુ નબળી પડતી જાય છે. આવી અમુક બિસ્માર ઇમારતોમાં તો લોકો રહે છે, દુકાનો ચાલે છે. આ ઇમારતો જ્યાંથી બે નાના વાહનો એક સાથે ચાલી શકે એવી સાંકડી ગલીમાં છે. આ લોકોનું પુનર્વસન કરવું જોઈએ. તેમને પ્લોટ, મકાન બાંધવા લોન આપવાની જરૃર છે. આવા લોકો માટે નવી રિલોકેશન સાઇટ પણ વિકસાવવી જોઈએ. ભુજમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી છે , ક્યાંય પાર્કિંગ માટે જગ્યા નથી. આવી બિસ્માર ઇમારતો પાડીને જે જગ્યા થાય ત્યાં પાર્કિંગ પ્લોટ બનાવી શકાય. જો આ બિસ્માર ઇમારતો ન પડાય તો ક્યારેક નાના આંચકામાં પણ તે પડી જશે અને આજુબાજુ વસતા લોકોને પણ નુકસાની વેઠવી પડશે.’

નિષ્ણાતોના મતે ભલે નજીકના ભવિષ્યમાં મોટો આંચકો આવવાની શક્યતા ન હોય, પણ લોકોની જાગૃતિ, બાંધકામમાં તકેદારી અને જૂની ઇમારતો તોડી પાડવાની જરૃર છે. જો આ અંગે ધ્યાન ન દેવાય તો કદાચ ભવિષ્યમાં પસ્તાવાનો સમય આવી શકે.

——–.

ગ્રહના વરતારા પણ કહે છે, મોટા આંચકા નહીં આવે
નજીકના ભવિષ્યમાં મોટા આંચકા નહીં આવે તેમ કચ્છ જ્યોતિષ મંડળના મંત્રી શશીકાંતભાઈ આચાર્ય પણ કહે છે. તેઓ જણાવે છે કે, ‘ભૂકંપ બાબતે ચોક્કસ આગાહી કરવી અતિકઠિન છે. આમ છતાં ગોચરના ગ્રહોના પૃથ્વી પર થતાં ગુરુત્વાકર્ષણના અભ્યાસથી તારણ નિકળે છે કે પૃથ્વી તત્ત્વોના ગ્રહોની યુતિ અને ગ્રહણ પૃથ્વીના પેટાળમાં અસરકર્તા બને છે. તા. ૨૪મી જાન્યુઆરીથી શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે અને ૨૨ માર્ચથી ૪ મે સુધી મંગળ પણ શનિ સાથે યુતિ કરશે. શનિ સ્વગ્રહી અને મંગળ ઉચ્ચ રાશિના થશે. મકર રાશિ પૃથ્વી તત્ત્વની છે. મંગળ ભૂમિપુત્ર અને વિસ્ફોટક ગ્રહ છે. આ બંને બળવાન બનેલા ગ્રહોનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી પર ખેંચાણ કરીને નાની-મોટી હિલચાલ માટે જવાબદાર બને પરંતુ કચ્છની સ્વરાશિ મકર હોવાથી કચ્છને નુકસાન કર્તા નથી. ૨૬મી ડિસેમ્બરના થનારા સૂર્યગ્રહણની અસર અઠવાડિયા સુધી રહેશે ખરી, પરંતુ ૫ મેગ્નિટ્યૂડથી ઉપરના કોઈ આંચકા આવશે નહીં.’
—————————————

પાંજો કચ્છ - સુચિતા બોઘાણી કનર
Comments (0)
Add Comment