ગંગા, તું વહે છે કેમ…

પાણીમાં એટલો કાદવ અને કીચડ થાય તો માછલીઓ ક્યાંથી ઉછરે?
  • કોલકાતા કૉલિંગ

ગંગોત્રીથી ગંગાસાગરમાં સમાઈ જતી ગંગા આશરે અઢી હજાર કિલોમીટરનું અંતર કાપે છે. જ્યાંથી પસાર થાય છે આ લોકમાતા, અગણિત ઉપકાર કરતી જાય છે. તે છતાં બેદરકાર માણસો જીવતાં તરસની કિંમત અને સદ્ગતિ માટે તર્પણનું ઋણ અચૂક ચૂકી જાય ત્યારે કહેવું પડે, ‘ઓ ગંગા તું વહે છે કેમ?’

આવી પીડા કોલકાતાથી આશરે ૨૦૦  કિલોમીટર દૂર બહેરામપુર શહેરના માછીમાર ગૌતમ બિશ્વાસને થઈ. બહેરામપુર પહેલાં બ્રહ્માપુર તરીકે જાણીતું હતું. કેટલાક બ્રાહ્મણોએ આ નગર વસાવ્યું હતું. અહીંની નેતાજી કોલોનીની એક ચાલમાં ગૌતમ બિશ્વાસનું ઘર છે. પિતાના પગલે અભ્યાસ પછી તેણે પણ આ વ્યવસાય અપનાવ્યો હતો. બે પુત્રો અને એક પુત્રી સહિત પાંચ જણાનો પરિવાર હતો. દરરોજ પરોઢિયે પોતાની નાનકડી હાલકડોલક કરતી હોડી લઈ હલેસાં મારતો નીકળી પડતો, પણ જાળીમાં કુટુંબને ખુશ રાખી શકાય એટલું ઉપજતું નહીં. ઘરમાં પત્ની સાથે કંકાસ થતો રહેતો. તેણે નક્કી કર્યું કે ગંગા જે બહેરામપુરમાં ગંગાની શાખા ભાગીરથી નામે વહે છે તેમાં સફાઈ કરવી, લોકો તેમાં પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલો નાખતાં જાય, પૂજાના વાસી ફૂલો ફેંકતા જાય, ખંડિત મૂર્તિઓ, નાનાં-મોટાં લાકડાં, ખપની ન હોય એવી અનેક વસ્તુઓ તરતી જાય, આંગણે લીંબુ મરચાં લટકાવે અને સુકાય ત્યારે ગંગામાં પધરાવી જાય,ગંગામાં આ બધાને કારણે વ્હેણમાં અવરોધ ઊભા થાય, જળચરો તેમાં સુરક્ષિત ન રહી શકે, પાણીમાં એટલો કાદવ અને કીચડ થાય તો માછલીઓ ક્યાંથી ઉછરે?

ગૌતમ બિશ્વાસે પરોઢિયે ઘરથી રવાના થઈ જવાનો ક્રમ ન બદલાવ્યો. કર્મ બદલાવી ગંગા સફાઈનો રસ્તો અપનાવી લીધો. હોળી નાની હતી એટલે મોટાં લાકડાંની મદદે બે કલાક સતત પ્લાસ્ટિક, રબર, દારૃની બોટલ, સડી ગયેલી ચીજો એકઠી કરી કાંઠે ઉકરડામાં ઠાલવી આવતો. આ જીવન ક્રમને લીધે તેને ઘણુ વેઠવું પડ્યું. પત્ની એક પુત્ર અને એક પુત્રીને લઈ પિયર રિસાઈ ચાલી ગઈ. એક આઠ વરસનો પુત્ર હજી સાથે રહે છે. દિવસમાં માંડ રૃપિયા સોથી દોઢ સોની કમાણી થાય છે, પણ નજીકના બે ગામ સાટુઈ અને લાલબાગ સુધી તેણે ગંગાને કચરા મુક્ત,ગંદકી મુક્ત કરવાનો સંકલ્પ અડગ રાખ્યો છે.

આપણાં દેશની આ વિચિત્રતા છે જે આસપાસમાં સ્વચ્છતાનો આગ્રહ રાખે છે અથવા સ્વચ્છતા અભિયાન ચલાવે છે, લોકો ટીખળ કરે છે. ગૌતમ બિશ્વાસ સાથે પણ એવું જ થાય છે, લોકો વ્યંગ કરે છે કે એકલો શું કરી લેવાનો? ગૌતમને એ પણ ખબર નથી કે ગંગા સફાઈનું કાર્ય મોટા પાયે થઈ રહ્યું છે. તે તો માણસોની બેદરકારીને કારણે રોષમાં છે. જો એકલો માણસ ગંગાને પ્રદૂષણ મુક્ત ન કરી શકે તો તેના પ્રયત્નો જો જોઈ માણસો ગંગામાં પ્લાસ્ટિકની ખાલી બોટલો તો ન ફેંકે, વાસી ચીજો કે સામગ્રીઓ ન પધરાવે તો કમ સે કમ પાણીમાં રહેતાં જીવોને તો જીવનદાન મળે અને જળચરો વગર નદી શોભતી નથી, તેનું કુદરતી સૌંદર્ય વેડફાઈ જાય છે. અહીં ભાગીરથી નીચે તરફ જાય છે. કચરો કિનારે ધકેલાવાની બદલે તણાતો જાય છે. આ સમસ્યા ફક્ત માછીમારોની નથી, ગંગાને પાવન લોકમાતા માની પૂજનાર દરેકની છે.

જેને બે ટંક ભોજન પણ માછલી પકડવાના વ્યવસાયમાં મળતું નથી, જેનો સંસાર ભાંગી પડ્યો છે તે એકલપંથ પ્રવાસી બની ગંગાને પ્રદૂષણ મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત કરવાની જીદ લઈ ગંગાને શુદ્ધ બનાવવાના અભિયાનને જીવનનો સંકલ્પ બનાવી ચૂક્યો છે.

ગૌતમ બિશ્વાસ ગંગામૈયાના ખોળામાં ઊછર્યો છે. ઝાઝું ભણ્યો નથી, પણ ભણેલા ગણેલા માનવીઓને ગંદકી નદીમાં ઠાલવતાં જોઈ સમજી ગયો છે કે આવતી કાલે આ પાણી આચમન લેવા જેવું પણ નહીં રહે. માછલીઓ જલ વગર ન જીવી શકે એ બધાંને ખબર છે, પણ માછીમાર ગૌતમ બિશ્વાસ તો એ પણ અનુભવ કરી ચૂક્યો છે કે પાણીમાં પ્લાસ્ટિક અને ન પીગળે તેવો કચરો ઠલવાય તો માછલીઓ પણ નહીં દેખાય.

બીજાને આ પીડા ન થાય એટલે ઓછા સાધનો હોવા છતાં મક્કમ ઇરાદો રાખે છે ગૌતમ બિશ્વાસ ગંગાને પરિષ્કાર રાખવાનો.  હવે તો બહેરામપુરની સુધરાઈ પણ જાગી છે. મુર્શીદાબાદ જિલ્લા પરિષદે પણ આ એકલ અભિયાન તરફ ધ્યાન આપ્યું છે. શક્ય છે ગૌતમનો આ પ્રયાસ સાર્વજનિક અભિગમ બની જાય. નાવિકો પણ ચેતવતાં રહે છે, માણસ નિર્દય, નિષ્ઠુર થઈ ગયો તોય ગંગા વહે છે કેમ!   – મુકેશ ઠક્કર

————————————–

કોલકાતા કોલિંગગંગા સફાઇમુકેશ ઠક્કર
Comments (0)
Add Comment