સ્વાદ… આસ્વાદ.. અને ફરાળિયાઓની બેધડક દુનિયા…

અધ્યાત્મની સૌથી મોટી કસોટી આહાર પરનો અંકુશ છે.
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

અધ્યાત્મની સૌથી મોટી કસોટી આહાર પરનો અંકુશ છે.
ભલાભલા વૈરાગીઓ પણ રસોડાના કૂવામાં ડૂબી મર્યા છે.

જિંદગીમાં ઊંચા આસનો પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રોએ અને અન્ય ધર્મશાસ્ત્રોએ પણ અનેક મહાન માર્ગ બતાવ્યા છે. કેટલાક લોકો એ માર્ગે યાત્રાએ નીકળી પણ ગયા હોય છે અને પહોંચાય કે ન પહોંચાય, જેટલું થાય એટલું કલ્યાણ તો ખરું, પરંતુ અધ્યાત્મની સૌથી મોટી કસોટી આહાર પરનો અંકુશ છે. ભલાભલા વૈરાગીઓ પણ રસોડાના કૂવામાં ડૂબી મર્યા છે. ફાવે તે રસદાર, મલાઈદાર, તમતમતું ખાવું એ કોઈ અપરાધ નથી, પરંતુ વૈરાગનો દાવો અને નિત્ય મિજબાનીનો લ્હાવો?

હવે તો અગિયારસ અને એકટાણા-એકાસણાનો પણ કોઈ અર્થ રહ્યો નથી. હિન્દુ ધર્મમાં ઉપવાસની હાલત તો ચિક્કાર ફરાળી થાળે ધોઈ નાંખી છે. ફરાળ કરનારા લોકો બહુ હાસ્યાપદ હોય છે. પરમતત્ત્વ ક્યાં કહે છે કે શરીરને કષ્ટ આપો! નિર્ણય તમારો છે અને એને તોડવાની કારીગરી પણ તમારી. ફરાળી ભેળ દ્વારા તો આ કહેવાતા તપસ્વીઓએ દંભનો વિજય ધ્વજ જગતભરમાં ફરકાવ્યો છે. ફરાળીમાં લગભગ એ તમામ રસોઈ આવી જ ગઈ છે જે સામાન્યમાં છે અને સ્વાદ પણ લગભગ સરખા. જલસા કરો. ભગવાન ક્યાં ફરાળ કરીએ ત્યારે લાકડી લઈને આવવાના છે?

પૃથ્વી અનેક રસથી ભરેલી છે. વિવિધ ફળફળાદિ, શાકભાજી અને અન્નની ઉપજથી મનુષ્ય તેનો આસ્વાદ લે છે. વળી, એકબીજા સાથે એનું મિશ્રણ કરીને મનુષ્ય પ્રકારના રસની નીપજાવતા શીખ્યો છે. આ બધાને કારણે તે પૃથ્વીના આ રસવૈભવમાં એટલો બધો ડૂબી ગયો છે કે નશો ન કરનાર માણસને પણ આસ્વાદનો જબરજસ્ત નશો હોય છે. માત્ર એટલું જ જુઓ કે એકટાણા કે ઉપવાસ કે વ્રતજપ દરમિયાન પણ આપણે કેટકેટલા પ્રકારના સ્વાદ લઈએ છીએ! આહાર આપણી સૌથી મોટી કસોટી છે. એમાં પાસ થવાનું કામ પરમ અધ્યાત્મ વિદ્યાની લગોલગનું છે. કેટલાક જ લોકો એ પરીક્ષામાં પાસ થઈ શકે છે. આપણી ભારતીયોની અને તેમાં પણ ગુજરાતીઓની સર્વોચ્ચ સમસ્યાઓના કેન્દ્રમાં આપણો આહાર છે.

એનું કારણ એ છે કે આપણા અભ્યાસક્રમમાં, ઘરમાં કે સમાજમાં ક્યાંય આહાર વિજ્ઞાન ભણાવવામાં આવતું નથી. લગભગ નવ્વાણુ ટકા લોકોને પ્રોટીન વિટામિન વગેરેનાં સંશોધનો પણ ખબર નથી. જે રીતે પશુ આહાર કરે છે, લગભગ તે જ રીતે થોડી એટિકેટ સાથે, ભવિષ્યનો વિચાર કર્યા વિના, આપણે આડેધડ આહાર કરતાં રહીએ છીએ. જેમનામાં જૈનધર્મ જેવી શ્રેષ્ઠ સંયમની થોડીક કુશળતા વિકસેલી જોવા મળે તેઓ બચી જવાના ચાન્સ છે. એ સિવાય તો લગભગ આખો સમાજ સ્વાદ શોખીનોથી ભરેલો છે. હિન્દુ ધર્મમાં ઉપવાસને ફરાળે નિરર્થક બનાવી દીધા પછી ખરા તપસ્વીઓએ ઉપવાસને નવી ઓળખ આપવી પડી – નકોડો ઉપવાસ. માત્ર જળપાન જ કરવાનું. હવે આ જ અસલ ઉપવાસ છે.

ઉપવાસનું ખંડન કરવાની શરૃઆત દૂધથી થઈ. ને પછી ઉપવાસને હણવા માટે અનેક માનવમનજનિત ચાલાકીઓ રૃપાળી છરી લઈને આવી પહોંચી. ઉપવાસ કંઈ માત્ર દેવો માટે છે? આરોગ્યવિદોએ હજારો પાનાંઓમાં ઉપવાસની યશોગાથાઓ ગાઈ છે. ખ્રિસ્તી ધર્મમાં એક વર્ગ એવો છે જે પોતાના સંકલ્પને સાકાર કરવા માટે, કોઈના દર્દ દૂર કરવા માટે કે ઇતર પરોપકાર માટે જાતે ઉપવાસ કરે છે. માત્ર પ્રાર્થના માટે ઉપવાસ કરનારાઓ પણ દરેક ધર્મમાં છે. છતાં બહુધા પ્રજા માટે ઉપવાસ હવે વિખેરાઈ ગયો છે. એટલે કે કહેવા ખાતરનો આ ખેલ છે. ઉપવાસ શરીર શુદ્ધિ માટે છે એ તો ઠીક છે, પહેલા તો ઉપવાસની જ શુદ્ધિ કરવી પડે એમ છે. ઉપવાસને એના મૂળભૂત સ્વરૃપમાં પુનઃસ્થાપિત કરવાનો એક જ ઉપાય છે – નકોડો ઉપવાસ!

જાતને છેતરવાનો ધંધો ફરાળ છે. કોઈએ ફરાળી સામગ્રી તરીકે લાખો ટન ઘઉં વેચી નાંખ્યા હતા. ફરાળિયાઓ એ ખાઈ પણ ગયા, એના લાંબા સમય પછી સરકારી તપાસમાં એ હકીકતો બહાર આવી. ફરાળિયાઓને ખબર જ ન પડી કે ઘઉં છે. ઊંટ અને બકરા આ બે પ્રજાતિ એવી છે કે એને ચાલતી વેળાએ ખબર નથી હોતી કે આ પાંદડા શાના છે? સ્વાદ શૂન્યતા હશે. જોકે ઉપવાસનો પણ એક હેતુ તો એ જ છે! ફરાળિયાઓના રસ્તે હવે તો મોટા મોટા સાધુઓ અને એમના મલ્ટિમિલિયન સંપ્રદાયો પણ ચાલવા લાગ્યા છે. એવા ધરમમાંથી સાચા ઉપવાસીને શોધવો એ તો હવે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ છે.

રિમાર્ક ઃ  એક ઉપવાસ જ છે કે જે ક્વચિત તમને તમારી સાથે મુલાકાત કરાવી આપવાની સંભાવના ધરાવે છે. – જે. કૃષ્ણમૂર્તિ

————————————-

Comments (0)
Add Comment