મોહમ્મદભાઈ અને ભૂપતભાઈ એક અનોખી સાહિત્યિક મૈત્રી

સાહિત્ય ગૌરવ પુરસ્કાર થકી બંને મિત્રોની આવી સાહિત્યિક મૈત્રીનું પણ સન્માન થયું
  • સાહિત્ય – તરુણ દત્તાણી

ગુજરાતી સાહિત્યમાં જેમના લેખનનું યોગ્ય મૂલ્યાંકન થયું નથી એવા લેખકોમાં ભૂપત વડોદરિયાની સાથે તેમના લેખક મિત્ર મોહમ્મદ માંકડનું નામ પણ સમાવિષ્ટ છે. મોહમ્મદભાઈને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગત સપ્તાહે સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો ત્યારે સાહિત્ય વિશ્વએ એક ક્ષતિપૂર્તિનો પ્રયાસ કર્યો હોવાનું ઘણાએ અનુભવ્યું. મોહમ્મદભાઈના આ સન્માનને પ્રસંગે જે એક વાતનો અનિવાર્યપણે ઉલ્લેખ થયો એ ભૂપતભાઈ અને મોહમ્મદભાઈની મૈત્રીનો. આવો ઉલ્લેખ અકાદમી અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ કર્યો તેમ સન્માનના પ્રતિભાવમાં મોહમ્મદભાઈએ પણ કર્યો અને આ અવસરને નિમિત્તે મોહમ્મદભાઈના સમગ્ર લેખન અને વ્યક્તિત્વને વિશે ખ્યાતનામ લેખક હસુ યાજ્ઞિકે લખેલી અને અકાદમીએ પ્રસિદ્ધ કરેલી પુસ્તિકામાં પણ આ બંનેની મૈત્રીનો ઉલ્લેખ છે. ગુજરાતી સાહિત્યમાં લેખક-દ્વયની આવી મૈત્રીનો ઉલ્લેખ અનિવાર્ય બની જાય એવાં ઉદાહરણો બહુ ઓછાં છે. તત્કાલ સ્મરણમાં આવે એવું એક ઉદાહરણ ઉમાશંકર જોશી અને ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહ રશ્મિ’નું છે. અલબત્ત, કોઈએ તેમની સાહિત્યિક મૈત્રી વિશે ખાસ કાંઈ લખ્યું હોવાનું ધ્યાનમાં નથી. ગુજરાતી સાહિત્યમાં આવી નોંધ બહુ લેવાતી નથી. એવું શા માટે – તેનાં કારણોની પણ ચર્ચા થવી જોઈએ.

મોહમ્મદભાઈ અને ભૂપતભાઈનો ઉલ્લેખ જુગલજોડી તરીકે કરવો પડે એ જ દર્શાવે છે કે આ બંને લેખકોની મૈત્રી કેવી હશે!

ભૂપતભાઈ અને મોહમ્મદભાઈ – બંને પાળિયાદના. બંને સાથે એક વર્ગમાં ભણ્યા નથી. બંનેની મૈત્રી બાળપણની તો નહીં કહેવાય. બંનેની દોસ્તી કિશોરવયે થઈ અને પછી આજીવન ટકી રહી. મોહમ્મદભાઈનો કંઠ સારો. તેઓ કે.એલ. સાયગલ, તલત મહેમુદ, સી.એચ. આત્માનાં ગીતો બહુ સરસ ગાતા. ભૂપતભાઈને આ ગીતોનું આકર્ષણ હતું. ભૂપતભાઈ અને અન્ય મિત્રો તેમને વારંવાર ગીતો ગાવાનો આગ્રહ કરતા. ભૂપતભાઈએ તેમના મિત્રો વિશેની એક નોંધમાં લખ્યું છે કે પાળિયાદના દોસ્તોની મોટી બેંકમાં એક બહુ જ મોટું ખાતું મોહમ્મદ માંકડનું. મોહમ્મદભાઈના ચિંતનશીલ સ્વભાવ વિશે ભૂપતભાઈએ લખ્યું છે કે કિશોર વયે તેઓ ખલીલ જિબ્રાન જેવી ગદ્ય કવિતા લખતા. બંને મિત્રો વાંચનના શોખીન અને વાંચ્યા પછી લેખક અને તેની કૃતિની વિવેચના પણ એવી જ કરે કે જાણે સાહિત્યના ઉદ્ધારની જવાબદારી ઈશ્વરે આ બંનેને સોંપી હોય એવી અદાથી ગુજરાતી અને અંગ્રેજી લેખકોની ખબર લઈ નાખે. ભૂપતભાઈએ આ ઘટનાને ભાવિ જીવનના સંકેત રૃપ ગણીને નોંધ્યું છે કે સાહિત્ય-પ્રીતિનો અમારો પિંડ આ રીતે ઘડાતો ગયો.

બંને મિત્રો ફૂલછાબમાં સાથે જ જોડાયા, પણ મોહમ્મદભાઈને પત્રકારત્વ બહુ માફક ન આવ્યું એટલે તેઓએ એ નોકરી છોડી દીધેલી. એ પછીથી તેઓ બોટાદમાં શિક્ષક તરીકે જોડાયા. થોડાં વર્ષો પછી બંને મિત્રોને એક સારું સાહિત્યિક સામયિક શરૃ કરવાનો વિચાર આવ્યો. ભૂપતભાઈ ફૂલછાબના તંત્રી હતા એટલે તેમણે તેમનું નામ જોડવાની ના પાડી. ‘તુષાર’ નામના એ સામયિકના તંત્રી મોહમ્મદભાઈ બન્યા. બંને મિત્રોએ તેને માટે મહેનત ખૂબ કરી, પરંતુ એ જમાનામાં જ્ઞાન અને સાહિત્યનું સામયિક જોઈએ તેવો પ્રતિભાવ એક વર્ષમાં મેળવી ન શક્યું. એટલે ૧૧-૧૨ અંકો પછી તેને બંધ કરવું પડેલું. મોહમ્મદભાઈએ આ સામયિક માટે તેમની સરકારી નોકરી છોડી દીધેલી અને રાજકોટ આવી ગયેલા. એ દિવસોમાં ઘણો સમય તેઓ રાજકોટમાં ભૂપતભાઈના ઘરે જ રહ્યા હતા. સાહિત્યિક પ્રવૃત્તિ માટે જાતને ઘસી નાખવાની વૃત્તિ-પ્રવૃત્તિ આ બંને મિત્રોમાં કેટલી તીવ્ર હતી એ પણ ઘટનામાં અંતર્નિહિત છે.

બંને મિત્રો એકબીજાના સ્વભાવની વિશેષતાઓને સારી રીતે સમજતા અને પિછાનતા હતા. ભૂપતભાઈના સંઘર્ષમય જીવનના મોહમ્મદભાઈ સાક્ષી રહ્યા છે. મોહમ્મદભાઈએ ભૂપતભાઈના જીવનની એક વ્યથા કહો કે કરુણતા – તેનું અનોખું બયાન કર્યું છે. માત્ર અઢી-ત્રણ વર્ષની વયે ભૂપતભાઈને પિતાના મૃત્યુનો આઘાત સહન કરવો પડ્યો હતો. પિતાના મૃત્યુની હૃદયસ્પર્શી વાત એમણે એમની નવલકથા ‘હિમશિખા’માં લખી છે. મૃત્યુની વાત છૂપાવવા શાણી માતા બાળકને કહે છે કે એ મુંબઈ ગયા છે. એ વાત સાચી માની મુંબઈ ગયેલા પિતા પાછા આવે એની રાહમાં બાળક દરરોજ બપોરે બસ આવે ત્યારે એમને લેવા જાય છે. પછી એક દિવસ બાળકને સમજાય છે કે પિતા મૃત્યુ પામ્યા છે. એ ક્યારેય પાછા નહીં આવે. અત્યંત સલૂકાઈથી થયેલી આવી ચોટદાર રજૂઆત આપણા સાહિત્યમાં ભાગ્યે જ ક્યાંક વાંચવા મળી શકે. મોહમ્મદભાઈએ નોંધ્યું છે કે પિતાના મૃત્યના આઘાતે અઢી-ત્રણ વર્ષના બાળક ભૂપત વડોદરિયાને એનીયે જાણ બહાર સંઘર્ષ માટે તૈયાર થવાનો પહેલો આઘાત આપ્યો હશે. એની માટી કાચી નહોતી. કપરામાં કપરા સંજોગો સામે ટકી શકે તેવી મજબૂત હતી. મોહમ્મદભાઈને મળેલા સાહિત્ય ગૌરવ પુરસ્કાર થકી બંને મિત્રોની આવી સાહિત્યિક મૈત્રીનું પણ સન્માન થયું છે.

———————————–

ગૌરવ પુરસ્કારતરૂણ દત્તાણીભૂપત વડોદરિયામૈત્રીમોહમ્મદ માંકડ
Comments (0)
Add Comment