સેવા માટે દામ નહીં, દાયિત્વ જરૂરી

અમે મહિલાઓ સાથે મળી સારી રીતે કામ કરીએ છીએ
  • સેવા – હેતલ રાવ

ચાર મહિલાઓ ભેગી થાય એટલે કોઈના ઘરની પંચાત કરે અથવા તો કોઈ વ્યક્તિની ખોદણી જ કરે. સામાન્ય રીતે મહિલાઓ માટે આવી ધારણા બાંધી દેવામાં આવી છે, પરંતુ હકીકતમાં આ ધારણા સંપૂર્ણ રીતે સત્ય નથી, કારણ કે મહિલાઓ સાથે મળીને એવા પણ કાર્ય કરતી હોય છે જેને જશ આપવો જ રહ્યો. મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીનની મહિલાઓની સેવાકીય પ્રવૃત્તિ પણ કંઈક એવી જ છે.

અમદાવાદના રસ્તા પર એએમટીએસ પોતાની ગતિથી ભાગી રહી હતી. ઘણી બધી ભીડ વચ્ચે એક મહિલા ઊનને અંકોડી લઈને કંઈક બનાવી રહી હતી. આ તેનું નિયમિત વર્ક હતંુ. માટે રોજ એ બસમાં મુસાફરી કરતા લોકો તેનાથી વાકેફ હતા, પરંતુ નવા મુસાફરો કુતૂહલતવશ એ મહિલાને જોઈ રહ્યા હતા. ઘણી મહિલાઓએ તેમને પૂછ્યું પણ ખરા કે તમે શંુ બનાવી રહ્યાં છો? ત્યારે તે મહિલાએ જવાબ આપ્યો, હું કૅન્સર ગ્રસ્ત દર્દીઓ માટે ઊનની ટોપીઓ બનાવી રહી છું, જે અમે તેમને ફ્રીમાં આપીશું. ઘણા લોકોએ નવાઈ પામતા પૂછ્યું કે ક્યાં ક્યાં આ ટોપીઓ પહોંચાડશો? ત્યારે એ મહિલાએ જવાબ આપ્યો કે માત્ર કૅન્સર ગ્રસ્ત દર્દીઓને જ નહીં, પરંતુ દેશની સરહદ પર આપણા સૌ માટે દરેક સંજોગોમાં ચોવીસે કલાક તહેનાત રહેતા જવાનો અને ઠંડીમાં ઠૂંઠવાતા ભિક્ષુકોને પણ આ ટોપી ઉપરાંત મફલર અને જરૃરિયાતની વસ્તુઓ અમે આપીશું. સંજોગોવશાત એ બસમાં હું પણ મુસાફરી કરી રહી હતી. માટે એ મહિલા અને તેના જેવી અન્ય મહિલાઓ અને તેમના કાર્ય વિશે સહજતાથી જાણવાની ઇચ્છા થઈ આવી.

મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ સંસ્થા આજની મહિલાઓની નવી ઓળખ કહી શકાય. સમગ્ર દેશમાં જુદાં-જુદાં શહેરો અને જિલ્લાની બહેનો આ ગ્રૂપ સાથે જોડાયેલી છે, જેમનો મુખ્ય હેતુ મહિલાઓને પગભર કરી તેમની સાચી તાસીરને દર્શાવવાનો છે, પરંતુ આ ગ્રૂપ સાથે જોડાયેલી દરેક મહિલાઓ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. મહત્ત્વની વાત એ છે કે જરૃરિયાતમંદ લોકોને ઊનની બનાવટની વસ્તુ આપવા માટે સ્વખર્ચ કરીને પણ સેવામાં પાછી પાની નથી કરતી. કૅન્સર ગ્રસ્ત દર્દીઓની વાત હોય કે પછી સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોની વાત હોય. આ ગ્રૂપ સાથે જોડાયેલી તમામ મહિલાઓ પોતાની શક્તિ પ્રમાણે સેવા કરે છે. શહેરમાં જ્યાં ત્યાં ફરતા ભિક્ષુકો જેમને ઓઢવા આકાશ અને પાથરવા જમીન હોય છે તેમની વહારે પણ આ મહિલાઓ આવે છે. એમ કહી શકાય કે જ્યાં જરૃર હોય ત્યાં આ ક્વીન્સ પહોંચી જાય છે. અમદાવાદ, આણંદ, વડોદરા, ઊંઝા ઉપરાંત ગુજરાતનાં અનેક શહેરોની મહિલાઓ આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. તો મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત અનેક રાજ્યોની મહિલાઓ જોડાયેલી છે. જેમાં વર્કિંગ વુમનથી લઈને ગૃહિણી અને કૉલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ પણ જોડાયેલી છે. જેમને સમય મળતા અથવા તો ખાસ સમય નિકાળીને ઊનમાંથી સ્વેટર, શાલ, સ્કાર્ફ, કૅપ, બનાવી વિનામૂલ્યે દેશના જવાનોને તેમજ દર્દીઓને, ભિક્ષુકોને નિઃશુલ્ક આપે છે.

અમદાવાદ, મણિનગરનાં કો-ઓર્ડિનેટર સુનિતા આહુજા કહે છે, ‘બાળપણથી જ મને શીખવવામાં આવ્યું છે કે આપણી જે આવક હોય તેમાંથી ઓછામાં ઓછા દસ ટકા તો જરૃરિયાતમંદ લોકોની પાછળ ખર્ચ કરવા જ જોઈએ. હું જ્યારે આ ગ્રૂપ સાથે જોડાઈ ત્યારે મને ઘણી ખુશી થઈ કે હું કોઈની માટે કંઈ કરી શકીશ. મને પહેલાથી જ શોખ તો હતો નવી-નવી વસ્તુઓ બનાવવાનો, પરંતુ હવે તે પૂર્ણ રીતે સાર્થક થયો. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ સિવિલ હૉસ્પિટલમાં ૮૦૦થી વધુ દર્દીઓને ટોપી અને સ્કાર્ફ બનાવી આપ્યા છે. ઉપરાંત સરહદ પરની સેના માટે પણ અમે ટોપી મફરલ મોકલાવીએ છીએ. આ તમામ ઊનનો ખર્ચ અમે સ્વયં કરીએ છીએ. મારી આ પ્રવૃત્તિને જોઈને અનેક મહિલાઓ અમારી સાથે જોડાઈ છે, જે ઘરે બેસી જુદી-જુદી ડિઝાઇનની વસ્તુઓ તૈયાર કરે છે. આ સેવાકીય કાર્યમાં સહભાગી થવાની તક મને નવી ઊર્જા આપે છે.’

‘નાની હતી ત્યારે ઊનમાંથી વસ્તુ બનાવતી, પરંતુ સમય સાથે તે બધંુ ઓછંુ થતું ગયું.’  તેમ કહેતાં મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ આણંદનાં આરતી પટેલ કહે છે, ‘લગ્ન, બાળકો, પરિવાર, સામાજિક જવાબદારી બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક આ બધંુ વીસરાઈ ગયું, પરંતુ જ્યારે આ ગ્રૂપ સાથે જોડાઈ ત્યારે એમ લાગ્યું કે ફરી એકવાર એ સમય પરત ફર્યો છે. ઘરમાંથી પણ બધાનો ઘણો સપોર્ટ મળ્યો અને હું ઊનની બનાવટ બનાવતી થઈ. અમારા ઘરમાં દાન-ધર્મનાં કાર્યો તો પહેલેથી જ થતાં આવે છે. જરૃરિયાતમંદની મદદ કરવી તે અમારો પ્રથમ ધર્મ છે. ત્યારે આ રીતે કોઈની સેવા કરવાનો લાભ મળે તો કેવી રીતે જતો કરવો. સાથે ઊનની ટોપી, મફલર વગેરે બનાવી મારામાં પણ એક જુદી જ પોઝિટિવિટી આવી. સ્વખર્ચે થતું આ કાર્ય સાચે જ જોઈએ તો અમને પણ ફાયદો કરે છે. કોઈની માટે કંઈ કરવાનો મોકો ભગવાન જ્યારે તમને આપે ત્યારે સમજવું કે તે તમારા પર ખુશ છે. મારી સાથે અનેક મહિલાઓ આ કાર્યમાં છે. સાથે મળી સેવા કરવાની મજા જ જુદી છે.’

એમઆઈસીક્યુ વડોદરાનાં કો-ઓર્ડિનેટર સંધ્યા સંદીપ અકોલકર આ વિશે વાત કરતાં કહે છે, ‘૨૦૧૭માં હું આ ગ્રૂપ સાથે જોડાઈ પછી ક્રોશેટ વર્ક શીખી. ધીમે-ધીમે આ વર્ક મને ફાવી ગયંુ ‘ને હવે અમે મહિલાઓ સાથે મળી સારી રીતે કામ કરીએ છીએ. વડોદરામાં પંદર બહેનોનું ગ્રૂપ છે, પરંતુ સંસ્થા સાથે ન જોડાઈ હોય તેવી પણ અનેક બહેનો સેવાનું કામ કરે છે. ક્રોશેટ કામ કરતા મને જુદી જ લાગણી થાય છે. તેમાં પણ જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિ જેને ટોપી, મફલર, શાલ, સ્વેટરની જરૃર હોય અને તેની માટે બનાવતાં હોવ ત્યારે લાગણી બેવડાઈ જાય છે. મોટા ભાગે દરેક બહેનો સ્વખર્ચે આ કામમાં જોડાઈ છે.’

ગુજરાત, રાજસ્થાન અને એમ.પી.નાં ગુડવીલ એમ્બેસેડર કોમલ પટેલ આ વિશે વાત કરતાં કહે છે, ‘આ સંસ્થા સાથે દરેક વર્ગની મહિલાઓ જોડાયેલી છે. જેમ કે હું લેબ ટૅક્નિશિયન છું છતાં આ સેવા માટે મારી જવાબદારી નિભાવવામાં ક્યારેય પાછી પાની નથી કરતી. કામ કરતી મહિલા હોય કે ગૃહિણી હોય, દરેક મહિલાઓ ક્રોશેટ કાર્ય માટે હંમેશાં તૈયાર હોય છે. ગ્રૂપમાં મેસેજ મળે કે આ તારીખ સુધી આટલી ટોપીઓ, મફલર, શાલ કે ધાબળા તૈયાર કરવાના છે. તો બસ, પછી ઊન ક્યાંથી આવશે, કોણ આપશે, જેવા પ્રશ્નો ઊભા જ નથી થતા. ઘણીવાર અમને પ્રોત્સાહન આપવા માટે ઊન સામેથી આપવામાં આવે છે. કોઈ ને કોઈ એવી વ્યક્તિ મળી જ જાય છે જે ઊન ડૉનેટ કરે, પરંતુ આ ગ્રૂપ સાથે જોડાયેલી મહિલાઓ ક્યારેય એવી આશા નથી રાખતી કે કોઈ ઊન આપે તો જ દેશના જવાનોને, દર્દીઓને કે પછી ભિક્ષુકો માટે કશું બનાવીએ. જેવી જેની શક્તિ હોય છે તે પ્રમાણે અમને વસ્તુ મળી જાય છે અને સમગ્ર વસ્તુ એકઠી કરી અમે અમારી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. અમારી સાથે દરેક ઉંમરની મહિલાઓ જોડાયેલી છે. વીસ વર્ષની યુવતીઓ પણ છે અને પાંસઠ વર્ષનાં બા પણ છે.’ જ્યારે એમઆઈસીક્યુનાં ફાઉન્ડર સુબાશ્રી નટરાજન કહે છે, ‘આ સંસ્થા સાથે દેશનાં જુદાં-જુદાં રાજ્યોની અનેક મહિલાઓ જોડાયેલી છે. ઘણા તો નાના ગામની મહિલાઓ પણ છે. છતાં પણ જે મહિલાને જે સેવા આપવામાં આવે તે પુરી શ્રદ્ધા સાથે કરે છે. કોઈને કહેવામાં આવે કે તમારે પચાસ ટોપી કે વીસ મફલર બનાવવાના છે તો ક્યારેય કોઈ મહિલાએ એમ નથી કીધું કે નહીં થાય, સમયસર બનાવીને મોકલી દેવામાં આવે છે. આ એક ટીમ વર્ક છે અને ટીમમાં કામ કરનાર દરેક વુમન્સ પોતાની રીતે ખાસ છે પછી તે વર્કિંગ વુમન હોય કે ગૃહિણી.’

વ્યક્તિ જ્યારે પોતાના શરીરનું કોઈ અંગ ગુમાવી બેસે ત્યારે તેને એમ લાગે કે હવે તે બીજાના સહારે છે, પરંતુ પૅરાલિસિસ ગ્રસ્ત મંજુ ચાવલાની વાત થોડી જુદી છે. દિલ્હીમાં રહેતાં મંજુ ચાવલાને જ્યારે એમઆઈસીક્યુની જાણ થઈ ત્યારે તેમને લાગ્યું કે મારે પણ મારાથી બનતી સેવા કરવી છે. દેશ પર કોઈ જવાન આપણા માટે ગોળી ખાતા નથી વિચારતું, તો તેમની માટે કંઈ કરવામાં હું શું કામ વિચારું. વીલચૅર પર છું તો શું થયું.. મારા હાથ તો સલામત છે ને. આવી ભાવના સાથે ચાવલા ક્રોશેટની બનાવટ બનાવતાં થયાં. બીજાનો સહારો લેવા કરતાં અન્ય માટે કેમ કરી પોતે સહારો બની શકે, તેમ વિચારતાં તે પણ આ સેવાકીય પ્રવૃત્તિમાં સ્વખર્ચે પોતાનો ફાળો નોંધાવે છે. આ ઉપરાંત પણ અનેક બહેનો છે જે આ કાર્યમાં સહભાગી બને છે. આ સંસ્થાની મહિલાઓના ફાળે ત્રણ જેટલા વર્લ્ડ રેકોર્ડ પણ છે. જોકે તેમનો મુખ્ય હેતુ રેકોર્ડ બનાવવાનો નહીં, પરંતુ જરૃરિયાતમંદ લોકોની સેવા કરવાનો અને સરહદ પર ફરજ નિભાવતા જવાનો પ્રત્યે પોતાની લાગણી ને ફરજ દર્શાવવાનો છે. એક પછી બે પછી, ત્રણ, ચાર, પાંચ એમ કરતાં કરતાં બહેનોની એક ચેઇન શરૃ થઈ અને અંતે એટલું મોટું ગ્રૂપ બન્યું કે આજે દેશના ખૂણે-ખૂણે તમને મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સની મહિલાઓ મળી રહેશે. કહેવાય છે કે સેવા કરવા માટે પૈસા નહીં, પણ મન હોવંુ મહત્ત્વનું છે. માટે જ આ ગ્રૂપમાં ધનિક વર્ગથી લઈને દરેક વર્ગની મહિલાઓ છે જે સ્વખર્ચે સેવા કરે છે.
—————————————-

સેવા પ્રવૃત્તિહેતલ રાવ.
Comments (0)
Add Comment