- કવર સ્ટોરી – પ્રજ્ઞેશ શુક્લ
મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદ માટેનો સંઘર્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેના વચ્ચેના ત્રણ દાયકા જૂના ગઠબંધન પર ભારે પડ્યો છે. બંને પક્ષ વચ્ચે મતભેદ સર્જાયાની કે ઝઘડો થયાની આ કોઈ પહેલી ઘટના નથી. વર્ષ ૧૯૮૯માં બંને પક્ષ સત્તાવાર રીતે જોડાયા બાદ અનેક પ્રસંગોએ ભાજપ અને શિવસેના વચ્ચે અણબનાવ જોવા મળ્યો છે.
ઇતિહાસ પર એક નજર કરીએ તો, શિવસેનાની સ્થાપના બાળાસાહેબ ઠાકરેએ ૧૯૬૦માં કરી હતી. શરૃઆતનાં વર્ષોમાં તો શિવસેનાએ કોંગ્રેસ સરકારને સમર્થન પણ આપ્યું હતું. ૧૯૮૯ની લોકસભા ચૂંટણી પહેલાં પ્રથમ વખત ભાજપ અને શિવસેના વચ્ચે હિન્દુત્વના મુદ્દા ઉપર ગઠબંધન રચાયું હતું. સ્વ.પ્રમોદ મહાજને ભાજપ તરફથી આ ગઠબંધનમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે સાથે તેમના ઘણા સારા સંબંધો હતા. એ સમયે મહારાષ્ટ્રમાં ભાજપનું અસ્તિત્વ પણ નહોતું. ભાજપ એક પ્રાદેશિક દળની મદદથી પોતાની હાજરી નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
બંને પક્ષોએ ૧૯૮૯ની લોકસભાની ચૂંટણી અને ૧૯૯૦ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડી હતી અને બેઠકોની દ્રષ્ટિએ તેમનો ગ્રાફ વધાર્યો હતો.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ વધુ બેઠકો પર લડ્યો અને શિવસેનાને ખાતરી આપી કે વિધાનસભાની ચૂંટણીમાં તેને મોટી ભૂમિકા આપવામાં આવશે. ૧૯૯૦ની વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના ૧૮૩ બેઠકો પર લડી અને બાવન સીટ પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભાજપ ૧૦૪ બેઠકો પર લડ્યો અને તેણે ૪૨ બેઠકો પર જીત મેળવી હતી. તે સમયે શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશી વિપક્ષના નેતા બન્યા હતા.
ગઠબંધન હેઠળ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ ટૂંક સમયમાં જ વર્ષ ૧૯૯૧માં યોજાયેલી બીએમસીની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સામ-સામે આવી ગયા હતા. શિવસેના બેઠકની વહેંચણી પર સહમત થઈ ન હતી અને ભાજપ સાથેનું તેનું ગઠબંધન તૂટી ગયું હતું. ત્યાર બાદ જ્યારે છગન ભુજબળે શિવસેના છોડી ત્યારે પણ બાળાસાહેબ ઠાકરેની નારાજગી સ્પષ્ટ રીતે જોવા મળી હતી.
૧૯૯૦ની ફોર્મ્યુલા પર જ ૧૯૯૫માં ભાજપ-શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. ૧૯૯૨ના બાબરી મસ્જિદ ધ્વંસ અને ૧૯૯૩ના મુંબઈ બૉમ્બ વિસ્ફોટો બાદ સાંપ્રદાયિકતા ચરમસીમાએ હતી. આ ચૂંટણીમાં શિવસેના અને ભાજપ બંનેને હિંદુત્વનો ફાયદો થયો. શિવસેનાએ ૭૩ બેઠકો જીતી લીધી, જ્યારે ભાજપ ૬૫ બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો.
એ વખતે શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરેએ ફોર્મ્યુલા આપી હતી કે, જે પક્ષ વધુ બેઠકો જીતે, મુખ્યપ્રધાન તેનો જ બનશે. આ આધારે મનોહર જોશીને મુખ્યપ્રધાન પદ અને ભાજપના ગોપીનાથ મુંડેને ડેપ્યુટી સીએમ પદ મળ્યું હતું.
૧૯૯૯માં પણ ભાજપ-શિવસેના આ રીતે જ લડતા રહી ગયા અને શરદ પવારે સરકાર બનાવી લીધી હતી
આમ તો મહારાષ્ટ્રમાં સત્તા મેળવ્યા બાદ નીતિ વિષયક નિર્ણયોને લઈને ભાજપ-શિવસેના વચ્ચે અવારનવાર મતભેદો-ઝઘડા શરૃ થયા હતા. ૧૯૯૯ની ચૂંટણીમાં શિવસેનાને ૬૯ અને ભાજપને ૫૬ બેઠકો મળી હતી. બંને પક્ષનો સાથે મળીને થતો ૧૨૫ બેઠકોનો આંકડો હજુ બહુમતીથી દૂર જ હતો. શિવસેનાને લાગ્યું કે બહુમતી માટે બાકીની બેઠકોનો જુગાડ થઈ જશે, પરંતુ ભાજપે આ દિશામાં વધુ રસ દાખવ્યો ન હતો.
એવું કહેવાય છે કે તે સમયે ગોપીનાથ મુંડે મુખ્યપ્રધાન પદની માગ કરી રહ્યા હતા. ભાજપ-શિવસેના વચ્ચે સતત ૨૩ દિવસ સુધી વાટાઘાટો ચાલતી રહી, પરંતુ કોઈ રસ્તો નીકળ્યો નહીં. અંતે, શરદ પવારે જે કોંગ્રેસ છોડીને એનસીપી બનાવેલી તેમણે જ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું. આમ નવી-સવી બનેલી એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સત્તા માટે સમજૂતી થઈ અને વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા.
ભાજપે શિવસેના સાથે ગઠબંધન જરૃર કર્યું હતું, પરંતુ પ્રમોદ મહાજનનું સપનું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપની સો ટકા (મહાજને જેનું સપનું જોયું તે ‘શત-પ્રતિશત’ પૉલિસી) ભૂમિકા હોય. તેથી ભાજપે તેની વિસ્તારવાદી નીતિ ચાલુ રાખી હતી. તેમાં શિવસેના હંમેશાં આડી આવતી રહી અને બંને વચ્ચેના ઝઘડા અને કડવાશ સતત વધતી ગઈ. શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરે અવારનવાર કહેતા હતા કે, મહારાષ્ટ્રમાં શિવસેનાના કારણે જ ‘કમલાબાઈ’ (ભાજપ) ખીલી રહી છે.
ત્યાર બાદ વર્ષ ૨૦૦૪માં ફરીથી બંને પક્ષોએ એકસાથે ચૂંટણી લડવા માટે હાથ મિલાવ્યા. તેમાં શિવસેનાને ૬૨ અને ભાજપને ૫૪ બેઠકો મળી હતી. વર્ષ ૨૦૦૯માં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસપીની જોરદાર લહેર હતી. રાજ્યના ૨૦ વર્ષના ચૂંટણી ઇતિહાસમાં પહેલી વખત ભાજપની બેઠકોની સંખ્યા ૫૦થી નીચે (૪૬ સીટ) પહોંચી ગઈ.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨માં જ્યારે ગુજરાતમાં કોમી રમખાણોના સમયે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ‘રાજધર્મ’ નિભાવવાની વાત કરી હતી એ વખતે બાળાસાહેબ ઠાકરેએ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું હતું. શિવસેના સુપ્રીમોએ કહ્યું હતું કે, ‘મોદી ગયા તો ગુજરાત ગયા.’ આજે વિધિની વક્રતા જુઓ તો એ જ નરેન્દ્ર મોદીના રૃપમાં નવા હિન્દુ હૃદય સમ્રાટનો ઉદય થઈ ગયો છે, જેનાથી મહારાષ્ટ્રમાં ગઠબંધનના સંતુલનનો ઝુકાવ ભાજપ તરફી થઈ ગયો છે.
૨૦૧૪માં શિવસેનાના સાથ વગર જ ભાજપે સત્તા મેળવી લીધી હતી
વર્ષ ૨૦૧૨માં બાળાસાહેબ ઠાકરેના નિધન સાથે શિવસેના-ભાજપ વચ્ચેના મતભેદો વધવા લાગ્યા અને સપાટી પર પણ આવવા લાગ્યા.
૨૦૧૪માં મહારાષ્ટ્રના રાજકારણનું ચિત્ર એકદમ અલગ હતું, કેમ કે રાજ્યના ચાર મુખ્ય પક્ષો ભાજપ, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ગઠબંધનને બદલે અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. પરિણામો આવ્યા બાદ જોકે શિવસેના ભાજપ સરકારમાં જોડાઈ ગઈ હતી. તે જ સમયે, એનસીપીએ પણ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાથે ફરીથી ગઠબંધન કર્યું હતું.
૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો હતો અને ૧૫ વર્ષના લાંબા સમયગાળા બાદ કોંગ્રેસ-એનસીપીને સત્તામાંથી બહાર કર્યા હતા. આ સાથે જ ભાજપ પહેલી વખત ૧૦૦નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો અને ૧૨૨ બેઠકો જીતીને મહારાષ્ટ્રનો સૌથી મોટો પક્ષ પણ બની ગયો. ૨૦૧૪માં ભાજપે ૨૮૮ વિધાનસભા બેઠકોવાળા રાજ્યની ૧૨૨ બેઠકો પર જીત મેળવીને તમામને ચોંકાવી દીધા હતા. શિવસેના ૬૩ બેઠકો જીતીને રાજ્યનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો, પરંતુ પરિણામો આવ્યાના થોડા સમય બાદ જ શિવસેના ભાજપ સરકારમાં જોડાઈ ગઈ હતી.
સતત ત્રણ વખત રાજ્યમાં સત્તારૃઢ થયા બાદ ૨૦૧૪માં કોંગ્રેસ-એનસીપીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ ૪૨ બેઠકો જીત્યા બાદ ત્રીજા અને એનસીપી ૪૧ બેઠકો જીતીને ચોથા સ્થાને રહી હતી. રાજ ઠાકરેની મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ને ૨૦૧૪માં મોટો ઝટકો લાગ્યો હતો અને તેમની પાર્ટી ફક્ત એક જ બેઠક જીતી શકી હતી. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ બે બેઠક જીતી હતી. વંચિત બહુજન અઘાડી ૩ બેઠક જીતવામાં સફળ રહી. ૨૦૧૪માં સાત અપક્ષ ઉમેદવારો વિધાનસભા સુધી પહોંચવામાં સફળ થયા હતા. જ્યારે ૭ બેઠકો અન્ય પક્ષોના ખાતામાં ગઈ હતી.
સરકારમાં સામેલ થયા પછી પણ શિવસેના વિપક્ષની જેમ જ સરકાર સામે સવાલો કરતી રહી. ખેડૂતોની સમસ્યા હોય કે નોટબંધી-જીએસટી જેવા મુદ્દાઓ, શિવસેના કેન્દ્રની મોદી સરકારની આકરી ટીકાઓ કરતી રહી. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર અવારનવાર અંગત અને સાવ નિમ્નકક્ષાના કહેવાય તેવા તેજાબી પ્રહારો પણ કરવામાં આવ્યા, જેના પરિણામે શિવસેના અને ભાજપ વચ્ચેની ખાઈ સતત વધતી ગઈ.
૨૦૧૮માં તો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ક્યારેય પણ ભાજપ સાથે ગઠબંધન નહીં કરવા સુધીની વાત પણ જાહેરમાં ઉચ્ચારી, પરંતુ લોકસભા ચૂંટણીના ઠીક પહેલાં જ ફેબ્રુઆરી, ૨૦૧૯માં બંને પક્ષો વચ્ચે સમાન બેઠકની વહેંચણી અને સમાન સત્તાના વાયદા સાથે ગઠબંધન કરવામાં આવ્યું હતું.
બંને પક્ષોએ મળીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડી હતી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની રચના થઈ અને શિવસેનાના ક્વોટામાંથી માત્ર એક પ્રધાન એટલે કે અરવિંદ સાવંતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લોકસભામાં બમ્પર બહુમતી મળવાના કારણે શિવસેના ઇચ્છવા છતાં પણ આ નિર્ણય સામે બળવો કરી શકી નહીં, પરંતુ જ્યારે વિધાનસભાની ચૂંટણીનો આવી ત્યારે શિવસેનાએ ટિકિટની વહેંચણીના મુદ્દે ભાજપને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો.
આ વખતની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત શિવસેના અને ભાજપ વચ્ચે બેઠકની વહેંચણીના મુદ્દે ઉગ્ર વિવાદ થયો હતો. ઘણા દિવસો સુધી ગઠબંધન પર સસ્પેન્સ રહ્યું હતું અને નોમિનેશન પ્રક્રિયા શરૃ થવાના ઠીક પહેલાં જ બંને પક્ષો વચ્ચે મહાપરાણે અંતિમ સમજૂતી થઈ શકી હતી. જોકે, શિવસેનાને તો પણ તેની અપેક્ષા પ્રમાણે બેઠકો મળી નહોતી, પરંતુ ચૂંટણીના અણધાર્યા પરિણામોએ તેને શક્તિ પ્રદર્શનની તક આપી દીધી.
૨૪ ઑક્ટોબરે જાહેર થયેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને ૧૦૫, શિવસેનાને ૫૬, એનસીપીને ૫૪ અને કોંગ્રેસને ૪૪ બેઠકો મળી. આ રીતે ભાજપ બહુમતીથી ઘણો દૂર રહ્યો અને મોકો જોઈને શિવસેનાએ તેની આકરી શરતો સામે મૂકી. શિવસેના ૫૦-૫૦ ફોર્મ્યુલા હેઠળ અઢી વર્ષ માટે મુખ્યપ્રધાન પદની માગણી પર અટકી ગઈ, પરંતુ ભાજપે આ માગણી ફગાવી દેતા અંતે બંને પક્ષોએ આ મુદ્દે ફરી એક વાર પોતપોતાનો અલગ રસ્તો પસંદ કરી લીધો અને ગઠબંધનનો અંત આવ્યો.
———————————————————–.