સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા ક્યાં અટવાઈ?

મેઇક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ તો દુનિયાના કોઈ પણ દેશના શસ્ત્ર નિર્માતાઓ ભારતમાં નિર્માણ કાર્ય શરૃ કરે,
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

મેઇક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ તો દુનિયાના કોઈ પણ દેશના શસ્ત્ર નિર્માતાઓ ભારતમાં નિર્માણ કાર્ય શરૃ કરે, કારખાનું સ્થાપે અને પોતાના દેશના માટે અથવા અન્ય ગ્રાહક દેશો માટે શસ્ત્રોનું ઉત્પાદન કરી શકે. ભારતે તે દિશામાં આગળ વધવું હોય તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી) પર ધ્યાન આપવું પડે. ભારતે પોતાની ઘર આંગણાની અથવા દેશી ડિફેન્સ સિસ્ટમો વિકસાવવી પડે તેમ જ ટૅક્નોલોજીમાં સ્વનિર્ભર બનવું પડે. ભારતમાં તે ક્ષેત્રમાં કામ કરતી ભારત સરકારની અગ્રેસર સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન‘ (ડીઆરડીઓ) છે. સંસ્થા ઘણી મોટી છે, પણ જે પ્રમાણેનું તેનું કદ છે તે મુજબનું તેનું પ્રદાન પણ મોટું અને વૈશ્વિક સ્તરે ખ્યાતનામ હોવું જોઈએ તે નથી.

કેન્દ્ર સરકાર ૨૦૨૪ સુધીમાં દેશની ઇકોનોમીને પાંચ ટ્રિલિયન (પાંચ લાખ કરોડ ડૉલર) અને ૨૦૩૦ સુધીમાં દસ ટ્રિલિયનની બનાવવા માગે છે. નવી ફેશન મુજબ નિશાનચૂક માફ છે, પણ નીચું નિશાન માફ નથી એટલે લોકો માફ પણ કરી દેશે. જે લોકો નબળી વાતો કરે છે તેમને વડાપ્રધાન શ્રી મોદી ‘પ્રોફેશનલ પેસિસિસ્ટ્સ’ અર્થાત ‘ધંધાદારી નિરાશાવાદીઓ’ ગણાવે છે. નિરાશ થવાનો અને નિરાશ કરવાનો ધંધો લઈને બેઠા છે.

હાલમાં ભારતની ઇકોનોમી ૨.૭ ટ્રિલિયનની છે. વરસ ૨૦૧૯-૨૦માં ત્રણ ટ્રિલિયનનો સરકારને અભરખો છે, પણ હળવી આર્થિક મંદી પોતાનું કામ કરી રહી છે. વૈશ્વિક નાણા સંસ્થાઓના ભવિષ્યકથન મુજબ દેશનો વિકાસ દર લગભગ છ ટકાની આસપાસ રહેશે. જો ૨૦૨૪-૨૫માં દેશને પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવવી હોય તો વાસ્તવિક જીડીપીનો દર સતત અને સરેરાશ આઠ ટકા રહેવો જોઈએ. ૨૦૨૫ સુધીમાં ભારતની વસતિ ૧ અબજ ૪૫ કરોડ (૧૪૫ કરોડ) હશે. માથાદીઠ વાર્ષિક આવકમાં ભારત શ્રીલંકા કરતાં પાછળ છે. ભારતની સરેરાશ માથાદીઠ આવક ૬૭૭૭ ડૉલર છે. શ્રીલંકાની ૧૧૯૯૫ ડૉલર છે. દુનિયા સાથેની તુલનામાં ભારતની આવકને નીચલા મધ્યમ વર્ગની આવક કહી શકાય. ઇકોનોમી વધશે. આવક વધશે તો પણ આપણે નીચલા મધ્યમ વર્ગમાં જ રહેવાના છીએ. તેમાં પણ દેશની ૭૩ ટકા સંપદાઓ, સાધનો પર માત્ર એક ટકા વસતિનો કબજો હોય ત્યારે બાકીનો મોટો વર્ગ કંગાલિયતમાં જીવી રહ્યો છે. શ્રીમંતોની આવક તેઓની આવકની સરેરાશને સુધારે છે. કહો કે ગરીબોની આબરૃ ઢાંકે છે.

આ સ્થિતિમાંથી બહાર નીકળવું જ જોઈએ. કોઈ સારી સ્થિતિ નથી. પ્રગતિની ગતિ ખૂબ વધારવી પડે. તે માટે ઊંચાં નિશાનો રાખવા અનિવાર્ય છે, પણ નિશાનચૂક માફ કરવાની વૃત્તિ ત્યાગવી પડશે. નિશાનચૂક બિલકુલ માફ ન ગણાય અને નિશાન પ્રાપ્તિ માટેની સરકારની પ્રવૃત્તિઓ અને વૃત્તિઓ ગંભીર હોવી જોઈએ જે ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓના મત મુજબ નથી. નરેન્દ્ર મોદીના પૂર્વ પ્રશંસક, કોલંબિયા યુનિવર્સિટીના ઇકોનોમિક્સના પ્રોફેસર જગદીશ નટવરલાલ ભગવતીના કહેવા મુજબ અર્થતંત્રને ગતિ આપવાની તકો મોદી સરકારે વેડફી નાખી છે.

હજી મોડું થયું નથી. સરકાર પાસે સાડા ચાર વરસ છે. ઇચ્છાશક્તિ છે, બહુમતી છે. સાવ એવું નથી કે સરકાર પ્રયત્નો કરતી નથી. વિત્ત મંત્રી નિર્મલા સિતારામને અર્થતંત્રની કેટલી સમજણ છે તે કહી ન શકાય. (જોકે એ કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણ્યાં છે.) પરંતુ ગંભીર અને એકાગ્ર જણાય છે. ભારત સરકાર માને છે કે સંરક્ષણ ક્ષેત્રમાં શસ્ત્ર સરંજામનું ઘરઆંગણે ઉત્પાદન અને નિર્માણ કરવાથી અને તે પ્રવૃત્તિઓને ‘મેઇક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમનો ભાગ બનાવવાથી પાંચ ટ્રિલિયનનું લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાશે. આપણી ચર્ચાનો મુદ્દો ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ડિફેન્સ ક્ષેત્ર દ્વારા નિર્માણ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ બાબતનો છે. જો આ ક્ષેત્રમાં કાર્યક્રમ મુજબ આગળ વધવામાં આવે તો દેશના પડોશી શત્રુઓ ઉપરાંત ગરીબી, બેરોજગારી જેવા પ્રચ્છન્ન શત્રુઓનો પણ નાશ થશે. હમણા નવી દિલ્હીમાં ડિફેન્સ એન્ડ ઍરોસ્પેસ સમિટ ૨૦૧૯નું એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજન થયું હતું. તેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સંરક્ષણની ત્રણેય પાંખના વડાઓ હાજર હતા. રાજનાથ સિંહે કહ્યું કે જે દેશની સરહદો સુરક્ષિત ના હોય અને દેશમાં આંતરિક સુરક્ષા અને શાંતિ ના હોય તે વિકાસનાં સપનાંઓ જોવાનો કોઈ અર્થ નથી. એમણે કહ્યું કે ૨૦૨૪ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવામાં સંરક્ષણ ક્ષેત્ર ચાવીરૃપ ભૂમિકા નિભાવશે. સેના અધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે ઘર આંગણે ઉત્પાદન કરવાની ઝુંબેશથી સંરક્ષણ ખર્ચમાં ખૂબ મોટી બચત થશે. નૌસેનાના વડા કરમવીર સિંહ અને વાયુસેનાના વડા આર.કે.એસ. ભદૌરિયા બંનેએ કહ્યું કે મધ્યમ અને નાના કદનાં કારખાનાં (એમએસએમઈ) તેમ જ સ્ટાર્ટ-અપ કંપનીઓનો મહત્તમ લાભ લેવાથી શસ્ત્ર-સરંજામનું વાજબી દરે ઝડપભેર નિર્માણ શક્ય બનશે. ઍર ચીફ માર્શલના કહેવા પ્રમાણે વિમાનોના વર્તમાન કાફલાને જાળવી રાખવો તે વાયુ સેના સાથેનો સૌથી મોટો પડકાર હોય છે. નૌ સેનાના વડાના કહેવા પ્રમાણે યુદ્ધ જહાજોના બાંધકામમાં ખાનગી ઉદ્યોગોએ પણ જોડાવું જોઈએ, કારણ કે આ કામકાજમાં ખાનગી ભાગીદારીની ખૂબ મોટી શક્યતાઓ રહેલી છે. આ સમિટમાં વિદેશના સેનાધ્યક્ષો પણ હાજર હતા. નિવૃત્ત લે. જનરલ સુબ્રત સાહાના કહેવા પ્રમાણે ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (સંશોધન અને વિકાસ) પર વધુ ધ્યાન આપવાની જરૃર છે, કારણ કે ભારતની કુલ રાષ્ટ્રીય આવક (જીડીપી)ના માત્ર ૦.૦૯ (ઝીરો પોઇન્ટ ઝીરો નાઇન )પર્સન્ટ અર્થાત સો રૃપિયે માત્ર નવ પૈસા જેટલી રકમ ફાળવવામાં આવે છે. જ્યારે અમેરિકામાં ૪૧ પૈસા ફાળવવામાં આવે છે અને તે પણ અમેરિકાની પ્રચંડ કુલ આવકના ૪૧ પૈસા.

સમિટમાં બ્રિટન, ઇઝરાયલ, રશિયા, ફ્રાન્સ વગેરેના ટોચના સેના અધિકારીઓ ઉપરાંત ભારતના અનેક ઉચ્ચ અફસરો હાજર હતા. એ તમામનો કહેવાનો સૂર એ હતો કે આંતરિક અથવા ઘર આંગણાની ડિમાન્ડ (માગ) વગર ભારતનો સંરક્ષણ ઉદ્યોગ શરૃ થઈ શકે નહીં, ખીલી કે ટકી શકે નહીં. યુ.કે.ના બ્રિગેડિયર ગેવિન થોમ્પસનનું કહેવું હતું કે, ‘ઉદ્યોગપતિઓને જ્યાં બિઝનેસ કરવાનું સહેલું જણાશે ત્યાં તેઓ જશે. એ બાબતમાં ભારત પાસે સસ્તી મજૂરી જેવા કેટલાક એડવાન્ટેજ છે.’ ફ્રાન્સના કર્નલ લૂડોવિક ડૂમાનો પણ એ જ અભિપ્રાય હતો. બ્રિટનના વાઇસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ટીમ ફ્રેઝરે પણ હાજર રહી ભારતને પ્રોત્સાહન આપ્યું. જોકે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સાઇમન બેટમેને કહ્યું કે, ‘સમય સાથે ભારતમાં પરિવર્તનો આવશે. ભારત સુધરી રહ્યું છે તે ખૂબ મહત્ત્વની વાત છે, પરંતુ જે રીતે એક દરિયાઈ જહાજની દિશા બદલવામાં સમય લાગે છે તેમ સંરક્ષણ ઉદ્યોગને નવી પ્રક્રિયા અને નવી દિશામાં વાળવામાં સમય લાગશે.’

મેઇક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ તો દુનિયાના કોઈ પણ દેશના શસ્ત્ર નિર્માતાઓ ભારતમાં નિર્માણ કાર્ય શરૃ કરે, કારખાનું સ્થાપે અને પોતાના દેશના માટે અથવા અન્ય ગ્રાહક દેશો માટે શસ્ત્રોનું ઉત્પાદન કરી શકે. ભારતે તે દિશામાં આગળ વધવું હોય તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી) પર ધ્યાન આપવું પડે. ભારતે પોતાની ઘર આંગણાની અથવા દેશી ડિફેન્સ સિસ્ટમો વિકસાવવી પડે તેમ જ ટૅક્નોલોજીમાં સ્વનિર્ભર બનવું પડે. ભારતમાં તે ક્ષેત્રમાં કામ કરતી ભારત સરકારની અગ્રેસર સંસ્થા ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન’ (ડીઆરડીઓ) છે. સંસ્થા ઘણી મોટી છે, પણ જે પ્રમાણેનું તેનું કદ છે તે મુજબનું તેનું પ્રદાન પણ મોટું અને વૈશ્વિક સ્તરે ખ્યાતનામ હોવું જોઈએ તે નથી. દેશમાં તેની બાવન કાર્યશાળાઓ (લેબોરેટરીઓ) ફેલાયેલી છે અને તેમાં ૩૦ હજાર કર્મચારીઓ કામ કરે છે. ભારતની આ એક સૌથી મોટી અને અનેક પ્રકારનાં સંશોધનો કરતી સંસ્થા છે. સંરક્ષણ ખાતાના તાબામાં કામ કરતી આ સંસ્થા ખુદ માને છે કે ભારતે પોતાનાં માટેનાં શસ્ત્ર સરંજામો જાતે જ તૈયાર કરવા જોઈએ અને ટૅક્નોલોજીમાં આત્મનિર્ભર બનવું જોઈએ. આઝાદી મળ્યા પછી આજ સુધીમાં તે દિશામાં ભારતે ખાસ કશું ઉકાળ્યું નથી. જાહેર ક્ષેત્રની (સરકારી) કંપનીઓએ ભારતીયકરણના નામે માત્ર ચરી ખાધું છે અને ભારતની દેશી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ભારતની સંરક્ષણ જરૃરિયાતો મુજબનાં શસ્ત્રોના ઉત્પાદન માટે સક્ષમ બની નથી.

આ સ્થિતિ માટે ડીઆરડીઓ પોતે જવાબદાર નથી. આ સંસ્થાએ ઘણુ પ્રદાન કર્યું છે, પણ દેશના હાકેમોનું કલ્ચર ક્યારેય પ્રોત્સાહક રહ્યું નથી. હજી સુધી વિદેશી શસ્ત્રો ખરીદવામાં તેઓને રસ હોય છે, જેમાં દરેક નહીં તો મોટા ભાગના સોદાઓમાં કટકી સામેલ હોય છે. મિગ વિમાનો લડ્યાં તેના કરતાં જાતે જ વધુ તૂટી પડ્યાં છે. ડીઆરડીઓ દ્વારા એવી જટિલ ટૅક્નોલોજિકલ શોધો થઈ જેને અમલમાં મૂકવાનું બાજુએ રહ્યું, સાદો પ્રોત્સાહક ભાવ પણ અપાયો નહીં. ડીઆરડીઓની સિદ્ધિઓને આવકાર અપાયો નહીં.

ડીઆરડીઓના ચૅરમેન અને ડિફેન્સ આર એન્ડ ડી વિભાગના સચિવ જી.સતીષ રેડ્ડીના કહેવા પ્રમાણે સંસ્થા દ્વારા જે એ-સેટ, બેલિસ્ટિક મિસાઇલો, રડારો, સોનારો, બેલિસ્ટિક મિસાઇલ્સ ડિફેન્સ સિસ્ટમ્સ, ટોરપીડો, ઈડબ્લ્યુ સિસ્ટમ્સ વિકસાવવામાં આવી છે તે કોઈ જૂના જમાનાની, બીજા વિશ્વયુદ્ધના સમયની નથી, પણ ખૂબ અદ્યતન સિસ્ટમો છે. ડીઆરડીઓ હંમેશાં શ્રેષ્ઠ અને અદ્યતન ટૅક્નોલોજી ડેવલપ કરવા પર જ ધ્યાન આપે છે. ઉપર જે સિસ્ટમો જણાવી છે તે દુનિયાના અન્ય માત્ર પાંચ દેશોએ વિકસાવી છે. ભારત છઠ્ઠો દેશ છે. પોતાના ‘ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવપલપમેન્ટ પ્રોગ્રામ’ હેઠળ સંસ્થાએ અનેક બેલિસ્ટિક મિસાઇલો વિકસાવી છે અને નિર્માણ કર્યું છે જેમાં અગ્નિ, આકાશ, નાગ, ત્રિશૂલ અને પૃથ્વી મિસાઇલોનો સમાવેશ થાય છે. આ વરસના પ્રારંભમાં ડીઆરડીઓ દ્વારા ‘ન્યૂ જનરેશન ઍન્ટિ -રેડિયેશન મિસાઇલ’ (એનજીએઆરએમ) મિસાઇલનાં સફળતાપૂર્વક પરીક્ષણો થયાં હતાં. છેલ્લે હમણા અણુશસ્ત્ર લઈ જવા સક્ષમ એવી અગ્નિ-પાંચ મિસાઇલના સફળ પ્રયોગો થયા. ડીઆરડીઓ દ્વારા ‘હાઈપર સોનિક ટૅક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ’ના ઉત્સાહવર્ધક પરીક્ષણો ચાલી રહ્યાં છે. આ મિસાઇલ સમાન વાહનની ઝડપ અવાજની ગતિ કરતાં છ ગણી અને તેથી પણ થોડી વધુ, ૭૪૦૯ કિલોમીટર પ્રતિ કલાક હશે. તેમાં હવામાંના ઓક્સિજનનો બળતણ તરીકે વપરાશ થશે. આઈએનએસ અરિહંત ભારતની પ્રથમ અણુ શસ્ત્ર ધરાવતી (ન્યુક્લિઅર) બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરતી સબમરીન છે. આ સબમરીન માટે ડીઆરડીઓ અનેકવિધ શસ્ત્રોનો ઉપયોગ કરી શકાય તેવાં પ્લેટફોર્મ અને સિસ્ટમો વિકસાવી રહ્યું છે. આ અને બીજાં ખૂબ જ પ્રશંસનીય કાર્યો ડીઆરડીઓ દ્વારા થયાં છે અને થઈ રહ્યાં છે.

આટલી નેત્રદીપક ઝળહળતી સિદ્ધિઓ બાદ પણ ડીઆરડીઓની સફળતાની યાદી કરતાં નિષ્ફળતાઓની યાદી લાંબી છે. ભારત સરકાર કુલ રક્ષા બજેટમાંથી છ ટકા (રૃપિયા અઢાર હજાર કરોડની આસપાસ) ડીઆરડીઓને ફાળવે છે અને તેમાંથી જાળવણી અને વહીવટ સહિતના તમામ ખર્ચાઓ નિભાવવાના હોય છે. ત્રીસ હજાર કર્મચારીઓ અને ખર્ચાળ ટૅક્નોલોજીના સંશોધનનું કામ કરતી આ સંસ્થા માટે આટલી રકમ અપૂરતી ગણાય. કોઈ પણ દેશ પોતાની અદ્યતન રક્ષા વ્યવસ્થાને તિલાંજલિ આપતું નથી, પણ ભારતમાં વિજ્ઞાનીઓ, ટૅક્નોલોજિસ્ટો અને રક્ષા સેવાઓના અધિકારીઓ વચ્ચે સંશોધનને અમલમાં મૂકવાની તૈયારીઓ થાય ત્યારે નાણાના અભાવમાં તેમાં આગળ વધી શકાતું નથી. કેટલીક યોજનાઓ પડતી મૂકવી પડે છે અથવા પાસ થતી નથી. એક તરફ સરકારે વિદેશી ટૅક્નોલોજી અને તેનાં સાધનો આયાત કરવા માટે રૃપિયા ત્રણ લાખ કરોડ, ડૉલરના રૃપમાં ચૂકવવા પડે છે અને બીજી બાજુ સરકારનો આગ્રહ હોય છે કે ૨૦૨૫ સુધીમાં ભારતના ડિફેન્સ સેક્ટરમાં ૭૦થી ૭૫ ટકા જેટલી ઘરઆંગણે વિકસિત અદ્યતન ટૅક્નોલોજીનો વપરાશ થાય તે જોવું. જો આવી જ ઇચ્છા હોય તો સરકારોએ ડીઆરડીઓને પ્રથમ કક્ષાની પ્રાયોરિટી આપવી જોઈએ. ભવિષ્યની કેટલીક આશાસ્પદ ટૅક્નોલોજીઓ પર પૂરતું ધ્યાન આ રકમ વડે આપી શકાતું નથી.

ડીઆરડીઓની રચનાના ૬૦ વરસ બાદ પણ ભારત તેનાં લગભગ તમામ શસ્ત્રો (અગ્નિ અને પૃથ્વી મિસાઇલોને બાદ કરતાં )આયાત કરે છે. હવે ભારતીય વાયુ દળને ૪૦૦ લડાયક વિમાનોની અને નૌકા દળને ૨૦૦ની જરૃર છે. બહારના દેશો પાસેથી આ વિમાનો ખૂબ મોંઘાં પડે છે. ભારતમાં ડીઆરડીઓ દ્વારા ‘કાવેરી’ નામનાં ફાઇટર ઍરક્રાફ્ટ્સ માટેનાં એન્જિનોનું નિર્માણ કરવાની યોજના હતી. તેમાં ખૂબ આગળ વધ્યા બાદ તે પડતી મૂકવી પડી છે. સંસ્થાના વડા કહે છે કે કાવેરી એન્જિનના વિકાસ માટેની પ્રક્રિયામાં વિજ્ઞાનીઓને ખૂબ જ્ઞાન અને અનુભવ મળ્યાં છે તેનો ઉપયોગ હવે વધુ ઉદ્યતન એન્જિનોના નિર્માણ માટે થશે. રશિયા સાથેનો આ એક સંયુક્ત પ્રોગ્રામ (કાવેરી) હતો. તેને પડતો મૂકવાનું પણ ખર્ચાળ અને આંટીઘૂંટીવાળું બન્યું હતું. રશિયા સાથે આપણે ચન્દ્રયાન કાર્યક્રમ પણ સાથે દૂર સુધી ચાલ્યા બાદ પડતો મૂકવો પડ્યો હતો અને ઇસરોએ નવેસરથી ફરી શરૃઆત કરવી પડી હતી. હવે ભારતે વિમાનોના નિર્માણમાં ફરી એકડે એકથી શરૃઆત કરવી પડશે.

વરસ ૨૦૧૮-૧૯માં, દુનિયાના દેશોએ જેટલાં શસ્ત્રો આયાત કર્યાં તેમાંથી એકલા ભારતે ૧૪ ટકા શસ્ત્રોની આયાત કરી હતી. શસ્ત્રોની ખરીદી અને આયાતમાં ભારત પ્રથમ ક્રમે રહ્યું હતું અને એ શસ્ત્રોમાં પણ સિત્તેર ટકા શસ્ત્રો એકલા રશિયા દ્વારા પૂરાં પાડવામાં આવ્યાં હતાં. ચીન અને પાકિસ્તાનની આયાત કરતાં ભારતની ત્રણ ગણી વધુ હતી. ૪.૭ ટકાની આયાત સાથે ચીન બીજા ક્રમે હતું. તે પોતે જ પોતાની જરૃરત મુજબ શસ્ત્રો બનાવી લે છે. સીએજીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સેના માટે ડીઆરડીઓ દ્વારા વિકસાવેલી મોટા ભાગની ટૅક્નોલોજી ખપમાં આવે તેવી નથી. છેલ્લાં પંદર વરસમાં સંસ્થા દ્વારા પૂણે ખાતેની ‘આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ’ (એઆરડીઈ)સંસ્થાએ જે શસ્ત્ર સરંજામ વિકસાવાયો હતો તેમાંની સિત્તેર ટકા પ્રોડક્ટ્સ સેનાની ત્રણેય પાંખો દ્વારા સ્ટાન્ડર્ડ અને જરૃરત મુજબની નહીં હોવાથી રિજેક્ટ કરવામાં આવી હતી તેનાં વિકાસ અને નિર્માણમાં ડીઆરડીઓએ રૃપિયા ૩૨૦ કરોડ વાપર્યા હતા. આર એન્ડ ડીમાં મોટી રકમ એળે જાય તેની તૈયારી પણ રાખવાની હોય છે, પણ સિત્તેર ટકાના રિજેક્શનનો આંકડો મોટો કહેવાય. ડીઆરડીઓ તેના તેજસ વિમાનના કાર્યક્રમમાં પણ ખૂબ મોડી પડી હતી. બીજા મહત્ત્વના કાર્યક્રમો ઘોંચમાં પડ્યા, પડતા મૂકવા પડ્યા અથવા ઢીલમાં પડ્યા હતા. છતાં ડીઆરડીઓ થકી ભારતના દુનિયાના ચાર દેશો પૈકીનો એક દેશ છે જે બહુસ્તરીય વ્યૂહાત્મક રક્ષા સક્ષમતા ધરાવે છે. ચાર દેશો પૈકીનો એક દેશ બન્યો છે જેની પોતાની ઍરબોર્ન વૉર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ છે. દુનિયાના પાંચ દેશો પૈકીનો એક દેશ ભારત છે જે ચોથી પેઢી કરતાં પણ વધુ અદ્યતન ફાઇટર વિમાનો ધરાવે છે. પાંચ એવા દેશો પૈકીમાં ભારત છે જેનો પોતાનો બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામ છે જે સાત દેશોએ પોતાની રણગાડીઓ (બેટલ ટેન્ક) તૈયાર કરી છે તેમાં એક ભારત છે.

ડીઆરડીઓ દેશની બીજી સરકારી સંસ્થાઓની માફક ગેરવહીવટમાં ફસાઈ છે. તેના સુધારા માટે ૨૦૦૮માં એક સમિતિ નીમવામાં આવી હતી. જેમ દરેક ‘સમિતિ ખાધું, પીધું અને તારાજ કરે છે તેમ આ સમિતિનું પણ થયું. તેના સમજદાર કર્મચારીઓ કહે છે કે ડીઆરડીઓને ઇસરોની માફક એક કમિશનમાં ફેરવી તેનો વહીવટ વડાપ્રધાનની ઑફિસ નીચે મૂકી દેવો જોઈએ.

ભારતના ડિફેન્સ સેક્ટર પાસે પ્રોજેક્ટ્સ અને સંસાધનોની કોઈ કમી નથી, પરંતુ તુમારશાહી અનહદ નડે છે. નિર્ણયોની પ્રક્રિયા બિનજરૃરીપણે લાંબીલચક હોય છે. પરિણામે ભારતે અનેક મોરચે સહન કરવું પડે છે. એ ચિંતા અને સમીક્ષા સતત થતી રહે છે કે ભારતનો શસ્ત્ર સરંજામ ઘટી રહ્યો છે અને જરીપુરાણો બની રહ્યો છે. હમણા બાલાકોટ સ્ટ્રાઇક વખતે પણ આપણે જોયું કે મિગ વિમાન દશેરાના દિવસે જ ઊડતા નથી. સંરક્ષણ માટેની ભારતની તૈયારીઓમાં જણાતી ખામીઓ અને સ્પષ્ટ દૃષ્ટિના અભાવની ઘણી ટીકા થઈ. અભિનંદન જેવા બહાદુરો છે, પણ બહાદુરોને શોભે એવાં શસ્ત્રોની કમી છે. ખુદ વડાપ્રધાન જ બોલ્યા કે એ વખતે ભારત પાસે રાફેલ વિમાનો હોત તો અભિનંદનને પાકિસ્તાનમાં ઊતરવાની ફરજ પડી ન હોત. ભારતીય મિરાજ વિમાનોએ બાલાકોટ સુધી જવું પડ્યું ન હોત. રાફેલ વિમાનો ખરીદવાની યોજના ૨૦૦૧થી વિચારણામાં હતી. ૨૦૦૪ બાદ કોંગ્રેસની દસ વરસ ચાલેલી સરકાર કોઈ સ્પષ્ટ નિર્ણય લઈ ના શકી. છેક આ વરસે થોડા મહિના અગાઉ રાફેલની પ્રથમ ખેપ મળી. જે ઓર્ડર અપાયો છે તે માત્ર ૩૬ વિમાનો માટે છે. ૧૩૬ની જરૃર હતી ત્યાં માત્ર ૩૬થી ચાલશે?

ભારત પાસે ફાઇટર વિમાનોની ૩૧ સ્ક્વોડ્રન છે. ભારતની એક સ્કવોડ્રનમાં ૧૮ વિમાનો હોય છે જ્યારે પાકિસ્તાનની સ્ક્વોડ્રનમાં ૨૨ વિમાનો હોય છે. દેશો પોતાની વ્યવસ્થા અને જરૃરત મુજબની સંખ્યા સ્ક્વોડ્રનમાં રાખે છે. ભારતે ચીન અને પાકિસ્તાન સામે એકસાથે અસરકારક રીતે હવાઈ યુદ્ધ લડવું હોય તો ૩૧ નહીં. પણ ૪૨ સ્ક્વોડ્રનની જરૃર છે. સૌથી ખરાબ બાબત એ છે કે ૩૧ સ્ક્વોડ્રનમાં પણ સૌથી વધુ સંખ્યામાં મિગ-૨૧ વિમાનો છે જે ઊડતા કૉફિન તરીકે નામચીન થયા છે. દુશ્મનોને મારવા કરતાં આ રશિયન વિમાનોએ આપણા દેશના પાઇલટોને જ વધુ માર્યા છે અને એ પણ શાંતિ કાળમાં. યુદ્ધ કાળમાં તે અણીના સમયે કામ આવતા નથી. એક ફાઇટર પાઇલટની ટેલેન્ટ ધરાવતા નવ લોહિયા યુવાનો મળવામાં અને તેઓને તૈયાર કરવામાં પુષ્કળ સંસાધનોની જરૃર પડે છે. જરા વિચારી જુઓ કે અભિનંદનને કશુંક થઈ ગયું હોત તો? કેવો ટેલેન્ટેડ દેશભક્ત યુવાન દેશે ગુમાવ્યો હોત? આવું છેલ્લાં ૨૫ વરસથી થઈ રહ્યું છે છતાં દેશના રાષ્ટ્રભક્ત નેતાઓનું પેટનું પાણી હલ્યું નથી. ચાલીસ વરસ જૂનાં વિમાનોનો કાફલો ખટારા જેવો બની ગયો છે, પણ શસ્ત્ર-અસ્ત્રોની સ્થાપિત લોબીઓ હજી મીડિયામાં તેની તારીફ કરાવે છે.

આજે માનવરહિત (અનમેન્ડ ઍરિયલ વ્હીકલ) યુએવી ડ્રોન વિમાનોનો જમાનો આવી ગયો. નિષ્ણાતો કહે છે કે હવે સંરક્ષણ દળોએ તે દિશામાં આગળ વધવું પડશે. ઝડપથી બદલતી દુનિયામાં લાંબીચલક, વરસો સુધી ચાલતી તાત્ત્વિક ચર્ચાઓ ટૂંકાવવી પડશે. ચીને પોતાનાં અદ્યતન ડ્રોન વિકસાવ્યાં છે. ચીન લગભગ પોતાનો તમામ શસ્ત્રસરંજામ અને સાધનોનું ઘરઆંગણે નિર્માણ કરે છે ત્યારે ભારત સિત્તેરથી વધુ ટકાની રશિયા, ઇઝરાયલ, દક્ષિણ કોરિયા, અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશો પાસેથી આયાત કરે છે. છેલ્લાં વીસ વરસથી ભારતના નેતાઓ ઘરઆંગણે શસ્ત્રોનું નિર્માણ કરવાની અને તે પ્રક્રિયામાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવાની ડંફાશ મારતા રહે છે, પરંતુ ઠેક હમણા હમણા મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘરઆંગણાના ઉત્પાદનને બળ આપવાના વાસ્તવિક પ્રયત્નો શરૃ થયા છે. સારાં પરિણામોની આશા છે, પણ કાર્યક્રમ આગળ વધે તો. દેશનાં સંરક્ષણ દળોને શસ્ત્રઅસ્ત્રના નિર્માણમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવામાં હંમેશાં ડર લાગે છે. પણ તો પછી રશિયન મિગ-૨૧ ખરીદીને શો લાભ અને કઈ સુરક્ષા મળવાની છે? મસમોટી રકમ તેમના કલપુરજા ખરીદવામાં અને સરખાવવામાં વપરાય છે. હજી પણ સરકારી અધિકારીઓ ખુલ્લા મનથી વિદેશી મૂડી રોકાણને આવકારવા તૈયાર નથી. ખાનગી ક્ષેત્રના ઉદ્યોજકો કહે છે કે ભારતના આ ક્ષેત્રના લોકોને મોટા કોન્ટ્રેક્ટોની અળગા રખાય છે. વાસ્તવમાં મધ્યમ અને નાના કદના ઉદ્યોગોને સામેલ કરવામાં આવે તો દેશના ઉદ્યોગો અને અર્થતંત્ર પર તેની ખૂબ મોટી સકારાત્મક અસર પડશે, પરંતુ પચાસ કરોડ ડૉલર કે તેથી વધુ રકમના કોન્ટ્રેક્ટ કાં તો જાહેર ક્ષેત્રની (સરકારી) કંપનીઓને અને નહીંતર, વિદેશી કંપનીઓને અપાય છે. ઘણી વખત કોઈ પ્રોડક્ટ બાબતે લાંબો સમય સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. પછી એ ચીજની તત્કાળ જરૃર પડે તો ખૂબ ઊંચી કિંમત ચૂકવીને ખરીદી થાય છે. તે નિર્ણયની ખરાબ અસર ઘરઆંગણાના નિર્માણની દિશા પર પણ પડે છે.

નૌ સેના માટેનાં જહાજો અને અન્ય સાધનોના નિર્માણમાં રોકાયેલી ફ્રાન્સની એક સમયની ડીસીએનએસ નામક કંપની સ્કોર્પીઅન સબમરીનો બાંધે છે. માર્ચ-૨૦૧૮માં ભારત સરકાર દેશમાં વિદેશી મૂડીનિવેશમાં ખાસ રસ દાખવી રહી હતી ત્યારે સબમરીનોને વધુ સક્ષમ બનાવતી ‘ઍર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન’ નામની સિસ્ટમનું ભારતમાં નિર્માણ કરવાના આશયથી આ નવલ ગ્રૂપે ભારતમાં સો ટકા વિદેશી મૂડી રોકાણ માટેની મંજૂરી માગી હતી. ત્યાર સુધીના છેલ્લા બે દાયકામાં જે દેશમાં (અર્થાત ભારતમાં) વિદેશી મૂડી રોકાણના નામે સંરક્ષણ ક્ષેત્રમાં માત્ર ૫૧ લાખ ૩૦ હજાર અમેરિકી ડૉલરનું મૂડી રોકાણ આવ્યું હોય તેના માટે આ એક ખૂબ મોટી રકમનું ડીલ હતું. મોદી સરકાર સંરક્ષણમાં વિદેશી મૂડી રોકાણ આણવા માટે નીતિમાં પરિવર્તન અને નવા નીતિ નિર્ધાર પણ લાવી છે. અગાઉ ૪૯ ટકાથી વધુ વિદેશી મૂડી રોકાણ માટે કેબિનેટ કમિટીની મંજૂરી મેળવવી પડતી હતી. તે માટેની ત્રાસદાયક અને જટિલ પ્રક્રિયા મોદી સરકારે દૂર કરી હતી. આમ છતાં એ અરજી ત્યારના સંરક્ષણ મંત્રી નિર્મલા  સિતારામનના ટેબલ સુધી પહોંચીને અટકી પડી હતી. નિર્મલાબહેનને ડીઆરડીના અધિકારીઓએ કાનમાં એવું ઠસાવી દીધું કે એઆઈપી કોઈ અદ્યતન ટૅક્નોલોજી નથી. એ કંપની સાથે મળીને જ ડીઆરડીઓ બે સ્કોર્પીઅન સબમરીનો સાથે એ સિસ્ટમ ઓલરેડી ફિટ કરી રહી છે. દરખાસ્ત અટકાવી દેવાઈ અને ખાસ કરીને ભારત સરકાર પોતાની સમગ્ર યુદ્ધ ક્ષમતા વિકસાવવા માગતી હતી ત્યારે અટકાવી દેવાઈ. એ પ્રકારના નિર્ણયો એ સમયે અને અગાઉ પણ તાબડતોબ લેવાયા હોત તો નિર્મલાજીએ નાણા મંત્રી તરીકે વધતી બેરોજગારી અને ઘટતી જીડીપી વિષેના અઘરા સવાલોના આજે જવાબ આપવા પડે છે તે આપવા પડ્યા ન હોત. છેલ્લાં પાંચ વરસમાં મોદી સરકારે ડિફેન્સ સેક્ટરમાં સીધા વિદેશી મૂડી રોકાણની મર્યાદા ૨૦૧૪માં ૨૬ ટકા પરથી વધારીને ૪૯ ટકા કરી હતી અને ૨૦૧૬માં પ્રત્યેક કેસની જરૃરિયાત પ્રમાણે એ મર્યાદા ૧૦૦ ટકા સુધી ઊંચે લઈ જવાઈ હતી. તો પણ ૨૦૧૪-૧૫ બાદ સંરક્ષણ ક્ષેત્રમાં માત્ર દસ લાખ ડૉલરનું વિદેશી મૂડી રોકાણ થયું છે. તેની સામે બીજા સેક્ટરોમાં, એ જ સમયગાળામાં ૬૦ અબજથી વધુ અમેરિકી ડૉલરનું રોકાણ થયું છે. સંરક્ષણના ક્ષેત્રમાં દસ લાખ ડૉલર મામૂલી આંકડો ગણાય. આટલા થોડા રોકાણ માટે સરકારી તુમારશાહી જવાબદાર જરૃર છે, પણ તેનાથી વધુ જવાબદાર વિદેશી મૂડી રોકાણ પરના વધુ પડતા અંકુશો અને નિયમો છે. સરકાર ઇચ્છે છે કે વિદેશી કંપનીઓ ભારતમાં માત્ર મૂડી રોકાણ અને ઉત્પાદન જ ના કરે, પરંતુ એ ટૅક્નોલોજીઓ પણ ભારતને ટ્રાન્સફર કરે. અમેરિકાએ જાહેર પ્રતિસાદ આપ્યો હતો કે માત્ર ૪૯ ટકાનું મૂડી રોકાણ કરવાનું હોય તો જેટ એન્જિનની ટૅક્નોલોજી ટ્રાન્સફર કરવામાં ફાયદો નથી. ભારત સરકારે જવાબ આપ્યો કે કેસની અગત્યતા મુજબ સો ટકા સુધી મર્યાદા લઈ જવાશે. છતાં કંપનીઓ ટૅક્નોલોજી ટ્રાન્સફર કરવા ઇચ્છતી નથી. હજુ કેટલીક જૂની અવરોધક નીતિઓના કારણે વિદેશની તો ઠીક, ભારતની કંપનીઓ પણ મૂડી રોકવા ઝટ તૈયાર થતી નથી. પેમેન્ટની ચુકવણી, કિંમત નિર્ધારણ જેવી બાબતોમાં ભારતની કંપનીઓએ સરકારી તંત્રો સાથે લાંબી લમણાઝીંકમાંથી પસાર થવું પડે છે. જો આવી અડચણો દૂર થાય તો ભારતનો સંરક્ષણ ઉદ્યોગ ફૂલીફાલી શકે તેમ છે એવું કેટલાક ઉદ્યોજકોનું માનવું છે. જોકે સરકાર નીતિઓમાં ગમે એટલા સકારાત્મક ફેરફારો કરે તો પણ નીતિઓ બાબતમાં ઉદ્યોગોની ફરિયાદો તો રહે જ છે. બીજી તરફ અમેરિકા, યુરોપના દેશો સ્થાનિક કંપનીઓને વધુ મહત્ત્વ આપે છે, તેઓની તરફેણ કરે છે. ભારત સરકારે પણ દેશી કંપનીઓના મૂડી રોકાણને વધુ મહત્ત્વ આપવું જોઈએ. જોકે ૨૦૧૬માં ભારત સરકારે દેશમાં જ ડિઝાઇન થયેલી, વિકસાવાયેલી અને નિર્માણ થયેલી પ્રોડક્ટ્સ અથવા સંરક્ષણ સામગ્રી પ્રથમ ખરીદવાની નીતિ સ્વીકારી છે, પરંતુ તે કારણથી વિદેશી મૂડી નિવેશકો હતોત્સાહ થયા છે. ભારત સરકાર વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં નિર્મિત સરંજામ ખરીદવાની ખાતરી નહીં આપે ત્યાં સુધી પણ વિદેશી મૂડી રોકાણ નહીં આવે તેમ નિષ્ણાતો માને છે.

હિન્દુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ના પૂર્વ પ્રબંધનકાર આર.કે. ત્યાગી લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દ્વારા શસ્ત્રસરંજામના ઉત્પાદનમાં, મૂડી રોકાણની, આયાતની અને નિકાસ માટેની સવલતોમાં સરકારે વૃદ્ધિ કરી તેની પ્રશંસા કરે છે. એમના કહેવા પ્રમાણે વરસ ૨૦૧૭-૧૮માં ડિફેન્સ પ્રોડક્શનમાં રૃપિયા ૭૦ હજાર કરોડનો વધારો થયો છે. મોટી સંખ્યામાં મેજર પ્રોડક્ટ્સ વિકસાવવામાં આવી છે. ભારતીય નૌકાદળે ઘરઆંગણે ઉત્પાદન માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સિત્તેરના દશકમાં આઈએનએસ નીલગિરિ જહાજ ભારતમાં બાંધવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મોટા ભાગનાં આપણા જહાજો અને સબમરીનો ભારતમાં જ બાંધવામાં આવી રહ્યાં છે.

જોકે ઍરફોર્સ માટેનાં વિમાનો અને અન્ય શસ્ત્રો હજી વિદેશોમાંથી ખરીદવામાં આવી રહ્યાં છે. ૧૯૬૦ના દશકમાં ‘મરુુત’ નામનાં ફાઇટર વિમાનો આપણે ડેલવપ કર્યા હતા. તે માટે જર્મનીના ઍરોનોટિકલ એન્જિનિયર કુર્ટ વાલ્દેમાર ટેન્કને ખાસ રોકવામાં આવ્યા હતા અને આટલો ખર્ચ કર્યા પછી મિગ-૨૧નો ઓર્ડર અપાયો. આર.કે. ત્યાગી એચએએલના વડા હતા તેથી તે સંસ્થાની કામગીરીના ભલે વખાણ કરે, પણ સંસ્થાએ વિમાનોની રચનાઓ, પ્રોડક્શન વગેરે ઘોંચમાં અને ઢીલમાં નાખ્યાં હતાં. ત્યાગી તેના માટે જવાબદાર નહીં હોય, પણ સંસ્થાની કામગીરીથી કોઈ રાજી ન હતું. બીજા એક કેસમાં એચપીટી પ્રકારનાં ૩૨ વિમાનોને એકાએક જમીન પર કાયમીપણે ઉતારી દેવામાં આવ્યા. આવી તત્પરતા મિગ-૨૧ના કિસ્સામાં દાખવવાની ખાસ જરૃર હતી, પણ રશિયન લોબીને, સત્તાને અને દલાલોને ખુશ રાખવા જરૃરી હતા અને છે.

ત્યાગીના કહેવા મુજબ રક્ષા સાધનો અને શસ્ત્રોની પ્રાપ્તિ માટે જીડીપી (કુલ વાર્ષિક આવક)ની અરધો રકમ વપરાય છે તે વધારીને પોણા બે ટકા કરવી જોઈએ, જેમાં આર એન્ડ ડી પર વધુ ધ્યાન આપવું જોઈએ તો શસ્ત્રોની બાબતમાં આત્મનિર્ભર બની શકાય, પણ રકમ વધારીને શસ્ત્રો વિદેશોમાંથી જ ખરીદવાનાં હોય તો આત્મનિર્ભર કેવી રીતે બની શકાય?

હાલમાં રાજકીય પક્ષો અને સરકાર વચ્ચે દાવાઓ, પ્રતિદાવાઓ, આરોપો થઈ રહ્યા છે. સંસદના ગયા શિયાળુ સત્રમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ સરકારને સવાલો પૂછ્યા હતા કે ‘શું એ સાચું છે કે છેલ્લાં ત્રણ વરસમાં “મેઇક ઇન ઇન્ડિયા” પ્રોગ્રામ હેઠળ સંરક્ષણ ઉત્પાદનો માટે કોઈ મોટો પ્રોજેક્ટ ભારતમાં શરૃ થયો નથી!’ સાંસદોનો બીજો સવાલ હતો કે, ‘શું એ સાચું છે કે કુલ સાડા ત્રણ લાખ કરોડના કેટલાક મેગા ડિફેન્સ પ્રોજેક્ટ જુદા જુદા તબક્કે અટકી પડ્યા છે અને તે પણ એટલા માટે કે તેઓને કોન્ટ્રેક્ટ આપવાના આખરી કાગળો પર સહી સિક્કાઓ થયા નથી?’

દેશના ત્યારના રક્ષા મંત્રી નિર્મલા સિતારામને સંસદમાં નિવેદન આપ્યું હતું કે કેટલાક ‘મેઇક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ્સ શરૃ થઈ ગયા છે, જેમાં જમીન પરથી હવામાં માર કરતી મિસાઇ સિસ્ટમ ‘આકાશ’, આર્ટિલરી તોપ ‘ધનુષ’, સબમરીન ‘કલ્વારી’, શસ્ત્રોની ભાળ મેળવતું રડાર ‘સ્વાતી’, ભારતે વજનના છતાં ઊંચી ઝડપવાળા જહાજમાંથી છોડવામાં આવતાં ટોરપીડો સિસ્ટમ ‘વરુણાસ્ત્ર’ વગેરે પ્રોજેક્ટ કામ કરતાં થઈ ગયા છે.

સિતારામને કહ્યું કે ૧ લાખ ૭૮ હજાર ૯૦૦ કરોડ રૃપિયાના ઓર્ડર પર સહીઓ થઈ છે. આ ઓર્ડરો (ઇન્ડિયન-ઇન્ડિજિનસલી ડિઝાઇન્ડ, ડેવલપ્ડ એન્ડ મેન્યુફેક્ચર્ડ અર્થાત ‘ઇન્ડિયન-આઈડીડીએમ’ પૉલિસી હેઠળ અપાયા છે. તેમાં ત્રણ કેટેગરીનો સમાવેશ થાય છે. ૧; બાય ઇન્ડિયન, ૨; બાય એન્ડ મેઇક ઇન્ડિયન અને ‘મેઇક’ ઇન્ડિયન. ભારતમાં ઉત્પાદનનું પ્રમાણ વધે તે હેતુથી આ કેટેગરીઓ તૈયાર કરવામાં આવી છે. તે નીતિની હેઠળ જે ઉત્પાદન થશે તે સરકાર ખરીદશે. એપ્રિલ ૨૦૧૬થી ડિફેન્સ પ્રોક્યુરમેન્ટ પ્રોસિજર (ડીપીપી)ની નવી નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. છતાં છેલ્લાં પાંચ વરસમાં જે મહત્ત્વના કોન્ટ્રેક્ટ થતા તેની પર નજર નાખીએ તો બે બાબત બહાર આવે છે. જે ખૂબ મોટા ઓર્ડર હતા તે વિદેશોમાંની ઓરિજિનલ ઉત્પાદન કંપનીઓને ફાળે ગયા છે. જોકે ભારતે સંરક્ષણ દળોને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કરવા હોય તો આમ કરવું અનિવાર્ય બને છે, કારણ કે દેશમાં વિકસાવેલી સામગ્રી પુરવાર ના થાય ત્યાં સુધી તેના ભરોસે અને રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે બેસી ના રહેવાય. આ ઉપરાંત જે ઓર્ડર ભારતીય કંપનીઓને અપાયા તેમાં મોટા ભાગના ઓર્ડર જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓને ફાળે ગયા. છેલ્લાં ત્રણ વરસમાં ભારતીય કંપનીઓને લગભગ ૭૪ હજાર કરોડ રૃપિયાના ૧૨૧ કોન્ટ્રેક્ટ્સ અને બહુરાષ્ટ્રીય કંપનીઓને ૧ લાખ ૬૬ હજાર કરોડ રૃપિયાના ૬૭ કોન્ટ્રેક્ટ્સ અપાયા છે.

છેલ્લાં પાંચ વરસમાં વિદેશોની ઓરિજિનલ કંપનીઓ (ઓઈએમ)ને પ્રમુખ ઓર્ડરો અપાયા તેમાં લગભગ રૃપિયા ૬૧ હજાર કરોડ રૃપિયાના રાફેલ ફાઇટર જેટ પ્લેન લગભગ ૩૬,૫૦૦ કરોડ રૃપિયાની રશિયન એસ-૪૦૦ ઍર ડિફેન્સ સિસ્ટમના ઓર્ડર છે. રાફેલ ફ્રાન્સની દાસોં કંપની પાસેથી અને એસ-૪૦૦ સિસ્ટમ રશિયન સરકારની માલિકીની ‘અલ્માઝ-એન્ટે’ કંપની પાસેથી ખરીદવાની છે. રાફેલનાં ૩૬ વિમાનો ખરીદાયાં છે અને તેની સપ્લાય મળવાની શરૃઆત હમણા થઈ ચૂકી છે. જ્યારે રશિયન પ્રમુખ પુતિને હમણા બ્રાઝિલમાં નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે એસ-૪૦૦ સિસ્ટમની ડિલિવરી ઝડપી બનાવાશે. એસ-૪૦૦ ટ્રાયમ્ફ નામની આ જમીનથી આકાશમાં માર કરતી સિસ્ટમ ૨૫૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે.

ભારતનો ટોટલ સિનારિયો જોઈએ તો શસ્ત્રસરંજામના નિર્માણમાં જાહેર ક્ષેત્રની (સરકારી) નવ કંપનીઓ અને ૪૧ ઓર્ડનન્સ ફેક્ટરીઓ કાર્યરત છે. ૨૦૧૦-૧૧થી આજ સુધીમાં આ તમામ યુનિટોએ મળીને કુલ સાડા ત્રણ લાખ કરોડ રૃપિયાનાં શસ્ત્રોનું નિર્માણ કર્યું છે. એચએએલ દ્વારા હળવા વજનના ‘તેજસ’ કોમ્બેટ વિમાનો અને સરકારી શિપયાડ્ર્સમાં વિમાન વાહક જહાજો નિર્માણ પામી રહ્યાં છે. દેશની ખાનગી કંપનીઓને સરકાર તરફથી કોઈ મહત્ત્વની વરદીઓ મળી રહી નથી તેથી આ ક્ષેત્રમાં આગળ વધેલી ખાનગી કંપનીઓ ચિંતામાં છે.

ભારતે વિદેશોમાંથી શસ્ત્રો અને ટૅક્નોલોજી મેળવવાના કરારો કર્યા તેમાં એક અમેરિકાની ‘એમ ૭૭૭’ નામક હળવી તોપો માટેનો કરાર છે. અમેરિકામાં બીએસી સિસ્ટમ્સ નામક કંપની તેનું નિર્માણ કરે છે. ૨૦૧૬માં થયેલા કરાર મુજબ ૨૫ તોપોની આયાત થશે જ્યારે બાકીની ૧૨૦ તોપ ભારતમાં ‘મહિન્દ્રા ડિફેન્સ’ કંપનીના સહયોગમાં એસેમ્બલ કરાશે. નિષ્ણાતો કહે છે કે ભારતની કંપની માટે પાઇપલાઇનમાં કોઈ નવા પ્રોજેક્ટ નથી. તોપો એસેમ્બલ કર્યા પછી શું કરવાનું? મૂડી રોકાણનું શું?

ખાનગી કંપનીને જે કોઈ મોટો કોન્ટ્રેક્ટ અથવા ઓર્ડર અપાયો હતો તે લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી)ને ફાળે ગયો હતો. એલ એન્ડ ટી દક્ષિણ કોરિયાની એક કંપની ‘હન્વા ટેકવિન’ સાથે મળીને ભારતની સેના માટે ૧૦૦ કે નાઇન વજ્ર-ટી તોપોનું નિર્માણ કરે છે. એ તોપો હમણા પોખરણમાં કવાયતમાં ઉપયોગમાં પણ લેવાઈ હતી. આ કરાર લગભગ પાંચ હજાર કરોડ રૃપિયાનો છે. એક નિરવ મોદી આવા ત્રણ પ્રોજેક્ટ ગળી ગયો. આ પ્રકારના ડીલ ‘દીવાદાંડી’ અથવા લાઈટહાઉસ સમાન ગણાય છે. જો આવા વધુ ને વધુ કરારો થાય તો સ્વદેશી શસ્ત્રસરંજામ ઉદ્યોગ સ્થિર અને ચોક્કસ બની શકે, પરંતુ રોલેન્ડ બર્જર નામની આંતરરાષ્ટ્રીય સલાહકાર કંપનીના ભારતના ભાગીદાર રાહુલ ગંગલના કહેવા પ્રમાણે આવા અનેક લાઈટહાઉસ પ્રોજેક્ટ આગળ વધતાં અટકી ગયા છે.

કોન્ટ્રાક્ટ અથવા ઓર્ડર આપવાના લાંબો સમય લાગી જાય છે તેની પાછળ વાજબી કારણો પણ છે. કેટલાંક જોખમો નિવારવાના  હોય છે. પ્રથમ એ કે ઓર્ડર આપ્યા પછી ટૅક્નોલોજી આઉટડેટેડ અથવા જૂની બની જાય. નવી ટૅક્નોલોજીઓ આવી જાય. બીજું જોખમ ભારતની નવી શરૃ થયેલી કંપનીઓ, એ પ્રકારના નિર્માણમાં રોકાયેલી વિદેશી કંપનીઓ કરતાં યુવાન હોવાથી ઓર્ડર ના મળે તો રસ અને ઇરાદાઓ ગુમાવી બેસે છે અને મોટી રકમના નુકસાન કરે છે. ત્યાં સુધી કે ડિફેન્સ ઉત્પાદનમાં સાતત્ય જાળવીને આગળ વધવા માટે એલ એન્ડ ટી જેવી કંપનીને તકલીફ પડી રહી છે તેવું નિષ્ણાતોનું કહેવું છે. કંપનીએ ત્રણ દાયકા સુધી ડિફેન્સનાં સાધનો અને યુદ્ધ જહાજો બાંધી શકાય તે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી રોકાણ કર્યું છે, પણ તે પ્રમાણમાં ઓર્ડર મળ્યા નથી. ૨૦૧૮-૧૯ના ડિસેમ્બર ત્રિમાસિકમાં એલ એન્ડ ટી પાસે કુલ બે લાખ ૮૪ હજાર કરોડ રૃપિયાના ઓર્ડર હતા તેમાં સંરક્ષણ ક્ષેત્રને લગતા માત્ર ચાર ટકા જેટલા ઓર્ડર હતા. બાકીના ઓર્ડરો દેશમાં રસ્તા અને બીજા માળખાકીય પ્રોજેક્ટ્સ માટેના હતા. બીજી કંપનીઓના ડિફેન્સ બિઝનેસમાં ઘટ આવી રહી છે. એક પ્રવક્તાના કહેવા મુજબ સરકાર મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમને પ્રમોટ તો કરવા માગે છે, પણ તે મુજબ સ્વદેશી કંપનીઓને કોઈ વધુ કામ મળ્યું નથી. ખાનગી કંપનીઓ શસ્ત્રો નિર્માણમાં જોડાય તે બાબતમાં દેશના સંરક્ષણ વિભાગો મોકળું મન ધરાવતાં નથી. આ કંપનીઓને આશા છે કે ભવિષ્યમાં ભારતને વધુ શસ્ત્રોની જરૃર પડશે. યુદ્ધ માટે સાબદા રહેવાની જરૃર અત્યારથી જ છે. તે માટે માત્ર વિદેશી શસ્ત્રો પર આધાર રાખી શકાય નહીં. તે ખૂબ ખર્ચાળ અને મોંઘા હોય છે. માટે જેનો વિકલ્પ શક્ય હશે તે ભારતમાં બનશે અને ખાનગી ડિફેન્સ ઉદ્યોગ માટે વર્તમાન ખરાબ છે તો ભવિષ્ય ઉજળું છે.

જોકે રાહુલ ગંગલ અને અન્ય નિષ્ણાતો એટલા આશાવાદી નથી. ગંગલ કહે છે કે ભારત વૈશ્વિક સ્તરે ખરીદી કરવાના દોરમાં પાછું જઈ રહ્યું છે. ત્યાં સુધી કે જે સાધનોના નિર્માણમાં ભારત સક્ષમ છે તેની ખરીદી પણ વૈશ્વિક ધોરણે થઈ રહી છે. જોકે તેની પાછળનાં કેટલાંક વાજબી કારણો પણ હોય છે, પણ દર વખતે હોતાં નથી. હિન્દુસ્તાન ઍરોનોટિક્સે વરસોનાં ઠાગાઠૈયાં બાદ તેજસ વિમાનો તૈયાર કર્યા, પણ ખાનગી કંપનીઓ આવો વેડફાટ ન કરે. કહે છે કે તેજસ સારાં વિમાનો બન્યાં છે અને ઉપયોગી છે, પણ કેટલાં વરસે? સામે પક્ષે ખાનગી ઉદ્યોગો સરકારને વારંવાર સલાહ આપી રહ્યા છે કે દેશના અર્થતંત્રમાં ચેતના આણવી હોય તો ખાનગી ક્ષેત્રને ડિફેન્સ પ્રોડક્શનમાં વિસ્તૃત ભાગીદાર બનાવો.

ભારત ફોર્ઝ (કલ્યાણી ગ્રૂપ)ના વડા બાબા કલ્યાણી કહે છે કે, અર્થતંત્ર માટે હવે પછીની મોટી અને મહત્ત્વની ચીજ ડિફેન્સ ઇન્ડર્સ્ટ્રી બનશે. સ્કિલ ડિવલપમેન્ટ, ટૅક્નોલોજી ટ્રાન્સફર, રાષ્ટ્રીય સુરક્ષા, નોકરીઓનું સર્જન અને અર્થતંત્ર, તે દરેકમાં ચેતના લાવવા માટે ડિફેન્સ ઉદ્યોગ ખૂબ મહત્ત્વનો પુરવાર થશે. મેઇક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ પણ સફળ બનશે જો ૨૦૧૮માં સરકારે અપનાવેલી ડિફેન્સ પ્રોડક્શન પૉલિસીનો પ્રમાણિક  અમલ થાય તો. આ પૉલિસીમાં ભારતને ડિફેન્સમાં આત્મનિર્ભર બનાવવાનું વિઝન છે. બાબા કલ્યાણીના અભિપ્રાય મુજબ તેનો યોગ્ય અમલ થાય તો ભારતના ઍરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં દુનિયાના પ્રથમ પાંચ દેશોમાં ગણના થઈ શકે તેમ છે. એ પૉલિસીમાં ૨૦૨૫ સુધીમાં સ્વદેશી ડિફેન્સ ગુડ્સ અને સર્વિસિસનું વાર્ષિક ટર્ન ઓવર ૧૮૨૦ અબજ રૃપિયાનું અંદાજવામાં આવ્યું છે. ક્ષેત્રમાં ૭૦૦ અબજ રૃપિયાનું વધારાનું મૂડી રોકાણ આવી શકે તેમ છે જેના પરિણામે ૨૦થી ૩૦ લાખ નવી નોકરીઓ પેદા થઈ શકે. એક ડિફેન્સ એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપીને ખરીદી અને સ્વદેશી ઉત્પાદન વચ્ચે તાલમેળ સાધી શકાશે. મહત્ત્વની વૅપન સિસ્ટમો જેવી કે ફાઇટર ઍરક્રાફ્ટ્સ, હેલિકોપ્ટરો, યુદ્ધ જહાજો, તોપ સિસ્ટમો અને બેટલ ટેન્કોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાશે. અશોક લેલેન્ડના ડિફેન્સ વિભાગના વડા અમનદીપ સિંહ માને છે કે ભારતમાં ઇન્ફર્મેશન ટૅક્નોલોજી (આઈટી) ઉદ્યોગના પગલે જે ક્રાન્તિ આવી તેવી બીજી ક્રાન્તિ આણવાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં ક્ષમતા છે. ઍરબસ, ભારતના અને દક્ષિણ એશિયાના પ્રેસિડેન્ટ અને એમડી આનંદ સ્ટેનલી પણ માને છે કે ભારત પાસે માત્ર ઍરોસ્પેસ ઉદ્યોગ જ નહીં, બીજા મહત્ત્વના ઉદ્યોગોને બળ પૂરું પાડવાની ક્ષમતા છે.

ભારતનાં સંરક્ષણ દળોના ટોચના વડાઓ, નિષ્ણાતો અને ઉદ્યોગોના માંધાતાઓ ઉપરાંત ખુદ સરકાર એક સરખો જ અભિપ્રાય ધરાવતા હોવા છતાં ઢીલ શાની છે?
———————————–

ઇકોનોમિમેક-ઇન-ઇન્ડિયાવિનોદ પંડ્યાસંરક્ષણ સાધનોસ્વનિર્ભરતા
Comments (0)
Add Comment