- સાંપ્રત – જયેશ શાહ
ભારત આરસીઇપીમાં એક જ શરતે જોડાવા તૈયાર થયું હતું કે વાટાઘાટો દરમિયાન ભારતે સૂચવેલ સલામતીની પદ્ધતિઓનો સમાવેશ આરસીઇપીમાં કરવામાં આવે. ભારતના સીમાંત ખેડૂતો, મધ્યમ અને નાના ઉદ્યોગો (એમએસએમઈ) તથા કુટિર અને ગૃહ ઉદ્યોગો જેવા આર્થિક રીતે નબળાં ક્ષેત્રોને કોઈ પ્રકારનું આર્થિક નુકસાન ન થાય તેની કાળજી લેવાય તે માટે જ આવી સલામતીની પદ્ધતિઓની જોગવાઈઓ કરવા ઉપર આરસીઇપીની વાટાઘાટોમાં ભારત ભાર મુકી રહ્યું હતું. તેમાં સફળ ન થતાં અંતે ભારતે પીછેહઠ કરીને તેમાં ન જોડાવાનો નિર્ણય લીધો.
આરસીઇપીમાં ભારતે પીછેહઠ કર્યા પછી ભારતે તેમાં સામેલ થવું જોઈએ કે ન થવું જોઈએ એ ઉપર સમગ્ર દેશમાં વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે સૌથી પ્રથમ આરસીઇપી શું છે તે જોઈએ. આસિયાન (એસોસિયેશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ) સંગઠનના દસ સભ્ય દેશો (બ્રુનેઇ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામ) તથા છ સંવાદ ભાગીદાર દેશો (ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ચીન) –આ સોળ દેશો વચ્ચે નવેમ્બર ૨૦૧૨થી વાટાઘાટોનો પ્રારંભ થયો હતો. આ સોળ દેશમાં વિશ્વની કુલ વસ્તીના ૪૫% લોકો રહે છે. તદુપરાંત વિશ્વના કુલ જીડીપીના ૨૮%, વૈશ્વિક વ્યાપારના ૪૦% તથા સમગ્ર વિશ્વમાં જે કુલ વિદેશી રોકાણ થાય છે તેના ૩૦% આ સોળ દેશોમાં જ કરવામાં આવે છે. છેલ્લાં સાત વર્ષમાં મુખ્ય એશિયાઈ અર્થતંત્ર સાથે સંકળાયેલા આસિયાન સંચાલિત આ સોળ દેશો વચ્ચે આરસીઈપી માટે બહુસ્તરીય વાટાઘાટોના અનેક તબક્કાઓ યોજાયા છે, પરંતુ નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આરસીઇપીને લગતી વાટાઘાટોમાં ભારતે પારોઠનાં પગલાં ભર્યા છે.
અત્યાર સુધી સોળ દેશોએ કુલ ૨૨૫ કરારમાંથી ૧૮૫ કરાર ઉપર સહમતી સાધી લીધી છે. આરસીઇપી કરાર અનુસાર સોળ દેશોની વચ્ચે એક ઇન્ટિગ્રેટેડ માર્કેટ બનાવવામાં આવશે જે વેપારને સરળ બનાવે તથા આ સોળ દેશોમાં એકબીજાના ઉત્પાદન અને સેવાઓ આસાનીથી ઉપલબ્ધ થઈ શકે. આ કરારમાં ઉત્પાદન અને સેવાઓ, મૂડી રોકાણ, આર્થિક સહયોગ, ટૅક્નોલોજિકલ સહયોગ, ઇ-કોમર્સ, બૌદ્ધિક સંપદા અને નાના-મોટા ઉદ્યોગ સામેલ થશે.
આરસીઇપીને વધુ સમજતા પહેલાં તેની પાછળનો ઇતિહાસ પહેલાં સમજીએ. સૌથી પ્રથમ ‘લુક ઇસ્ટ પૉલિસી’નો અમલ ૧૯૯૧થી વડાપ્રધાન નરસિંહરાવના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો, પરંતુ આ પૉલિસી સાઉથ-ઇસ્ટ એશિયા પૂરતી સીમિત હતી અને તેમાં દેશના માત્ર આર્થિક હિતોને જ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા ઉપર આવતાં જ ડિસેમ્બર ૨૦૧૫માં ‘એક્ટ ઇસ્ટ પૉલિસી’ અમલમાં મૂકી છે. આ પૉલિસી ભારતના આર્થિક હિતોને તો ધ્યાનમાં રાખે છે, પરંતુ સાથે-સાથે રાષ્ટ્રની સુરક્ષા અને સલામતીને લગતા વ્યાપક હિતોને પણ નજર સમક્ષ રાખે છે. ‘એક્ટ ઇસ્ટ પૉલિસી’ માત્ર સાઉથ-ઇસ્ટ એશિયા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇસ્ટ એશિયા તથા પેસિફિક પ્રદેશોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. તદુપરાંત સાઉથ-ઇસ્ટ એશિયા, ઇસ્ટ એશિયા તથા પેસિફિક પ્રદેશોમાં વિકસી રહેલી જીઓ-પોલિટિકલ વ્યૂહાત્મક તકો અને ભયસ્થાનોને પણ ‘એક્ટ ઇસ્ટ પૉલિસી’માં સામેલ કરવામાં આવેલ છે. આ ‘એક્ટ ઇસ્ટ પૉલિસી’ અંતર્ગત જ ભારત આરસીઇપીમાં સામેલ થયું છે.
ભારત આરસીઇપીમાં એક જ શરતે જોડાવા તૈયાર થયું હતું કે વાટાઘાટો દરમિયાન ભારતે સૂચવેલ સલામતીની પદ્ધતિઓનો સમાવેશ આરસીઇપીમાં કરવામાં આવે. ભારતના સીમાંત ખેડૂતો, મધ્યમ અને નાના ઉદ્યોગો (એમએસએમઈ) તથા કુટિર અને ગૃહ ઉદ્યોગો જેવા આર્થિક રીતે નબળાં ક્ષેત્રોને કોઈ પ્રકારનું આર્થિક નુકસાન ન થાય તેની કાળજી લેવાય તે માટે જ આવી સલામતીની પદ્ધતિઓની જોગવાઈઓ કરવા ઉપર આરસીઇપીની વાટાઘાટોમાં ભારત ભાર મુકી રહ્યું હતું. કોઈ પણ મુક્ત-વ્યાપાર કરાર કરવામાં આવે ત્યારે દેશના સ્થાનિક ઉદ્યોગો અને વ્યાપારનું વ્યાપક હિત જળવાય તેનું ધ્યાન રાખવું એ તેના મુખ્ય સ્થાને હોવું જ જોઈએ અને તે અંતર્ગત જ આરસીઇપીના વિવિધ કરારોની વાટાઘાટોમાં કોઈ પણ ક્ષેત્રમાં વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન ન જાય તે અંગે ‘પાણી પહેલાં પાળ’ બાંધવાની મહેનત ભારત કરી રહ્યું હતું. તેમાં સફળ ન થતાં અંતે ભારતે પીછેહઠ કરીને તેમાં ન જોડાવાનો નિર્ણય લીધો.
ભારતના સીમાંત ખેડૂતો, મધ્યમ અને નાના ઉદ્યોગો (એમએસએમઇ) તથા કુટિર અને ગૃહ ઉદ્યોગો જેવા આર્થિક રીતે નબળા ક્ષેત્રોને કોઈ પ્રકારનું આર્થિક નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવે અને તે અંગે યોગ્ય અને પૂરતી જોગવાઈઓ કરારમાં કરવામાં આવે તો આવી રીતે આરસીઇપી કરાર થયા પછીના લાભાલાભ અંગે ચર્ચા કરીએ તે પહેલાં ભારત સરકાર દ્વારા ભૂતકાળના વર્ષોમાં કરવામાં આવેલા મુક્ત-વ્યાપાર કરાર ઉપર એક નજર નાખીએ. હાલમાં ભારતમાં કુલ સોળ મુક્ત વ્યાપાર કરાર જુદા જુદા વર્ષથી અમલમાં છે જેમાં પાંચ મુખ્ય છેઃ (૦૧.) ઇન્ડિયા-સિંગાપોર કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ (જૂન ૨૦૦૫થી) (૦૨.) ઇન્ડિયા-આસિયાન ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ (જાન્યુઆરી ૨૦૧૦થી) (૦૩.) ઇન્ડિયા-જાપાન કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (ફેબ્રુઆરી ૨૦૧૧થી) (૦૪.) ઇન્ડિયા-સાઉથ કોરિયા કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (જાન્યુઆરી ૨૦૧૦થી) અને (૦૫.) ઇન્ડિયા-મલેશિયા કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ(જુલાઈ ૨૦૧૧થી).
મુક્ત-વ્યાપાર કરાર પછી જાપાન સાથે કુલ વેપાર ૬૬% વધ્યો તેની સામે વ્યાપાર ખાધ ૯૫% વધી. જાપાન સાથે કુલ આયાત ૭૧.૮% વધી તો કુલ નિકાસ ૪૮.૬% વધી. તેવી જ રીતે આસિયાન દેશો સાથે કુલ વેપાર ૮૫% વધ્યો તેની સામે વ્યાપાર ખાધ ૬૮% વધી. આસિયાન દેશો સાથે કુલ આયાત ૮૨.૭% વધી તો કુલ નિકાસ ૮૮.૮% વધી. ઉદાહરણ તરીકે જોઈએ તો મુક્ત-વ્યાપાર કરાર પછી આસિયાન દેશો સાથેનો ભારતનો વ્યાપાર ૮૧ બિલિયન યુએસ ડૉલર થયો તેની સામે વ્યાપાર ખાધ ૧૨.૯ બિલિયન યુએસ ડૉલર રહી. બીજા અર્થમાં જોઈએ તો આસિયાન દેશો સાથેની વ્યાપાર ખાધ નવ વર્ષમાં આશરે દોઢ ટકો ઘટી છે. આ ઉદાહરણ એવું સૂચિત કરે છે કે આસિયાન દેશો સાથે ભારતનો કુલ વ્યાપાર વધ્યો છે અને તેને કારણે ભારતના અર્થતંત્રમાં વિદેશ વ્યાપારની ખાધ પચાવવાની તાકાત વધી છે.
કોષ્ટકમાં જે પાંચ મુક્ત-વ્યાપાર કરાર અંતર્ગત માહિતી આપવામાં આવી છે તેમાં નોન-ફિનિશ્ડ પ્રોડક્ટની આયાત મહત્ત્વપૂર્ણ રીતે વધી છે. અહીં હું એવું વિશ્લેષણ કરી રહ્યો છું કે ભારતના અર્થતંત્રમાં સ્ટ્રક્ચરલ ફેરફારો આવી રહ્યા છે. કોષ્ટકમાં દર્શાવેલ માહિતી અનુસાર ભારતની આયાત મુખ્યત્વે હેવી મશીનરી, આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટની રહી છે તેની સામે નિકાસ નોન રૉ-મટીરિયલ વસ્તુઓની રહી છે. ઉદાહરણ તરીકે આસિયન દેશોમાંથી જે આયાત કરવામાં આવે છે તેમાંથી ૮૪% આયાત નોન-કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ હોય છે. હેવી મશીનરી, આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટની તથા નોન-કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની આયાત વધે તેનો મતલબ એ થયો કે ભારત જે આયાત કરે છે તેમાં ફિનિશ્ડ અને કન્ઝ્યુમર પ્રોડક્ટનું જે પ્રમાણ છે તેના કરતાં નોન-ફિનિશ્ડ પ્રોડક્ટ્સની આયાત વધારે કરે છે. તેના કારણે ભારતની પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ કેપેસિટીમાં આવનારા ત્રણથી પાંચ વર્ષમાં વધારો થઈ શકે છે, કારણ કે નોન-ફિનિશ્ડ પ્રોડક્ટ આયાત ત્યારે જ થાય જયારે પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં તેની રૉ-મટીરિયલ તરીકે અનિવાર્યતા હોય.
ભૂતકાળનાં વર્ષોમાં કરવામાં આવેલા મુક્ત-વ્યાપાર કરાર ઉપર એક નજર નાખ્યા પછી હવે આરસીઇપી કરારની વાટાઘાટો દરમિયાન ભારતે કેમ પીછેહઠ કરી તે અંગે વિશ્લેષણ કરીએ. હાલની પરિસ્થિતિના આધારે જોઈએ તો આરસીઇપીમાં સામેલ સોળ દેશોમાંથી ભારત ૧૬૫.૪ બિલિયન યુએસ ડૉલરની આયાત કરે છે જે દેશની કુલ આયાતના ૩૬% છે તેની સામે ૬૧ બિલિયન યુએસ ડૉલરની નિકાસ કરે છે જે દેશની કુલ નિકાસના ૨૦% છે. આરસીઇપીના કુલ સોળ દેશોના વ્યાપારમાં કુલ ૧૦૪.૪ બિલિયન યુએસ ડૉલરની વ્યાપાર ખાધ રહે છે જે દેશની કુલ વિદેશ વ્યાપાર ખાધના ૬૪% થાય છે.
ભારતના ખેડૂતો અને લેબર ઇન્ટેન્સિવ લઘુ ઉદ્યોગોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને ભારતે આરસીઇપીમાં વિવિધ કરારોની વાટાઘાટોમાં વિવિધ વાંધાઓ રજૂ કરીને કરારમાં સામેલ ન થવાની જાહેરાત કરી છે. અહીં મારો મત એવો છે કે ભારત પાસે બહુ મોટો યુવા-વર્ગ છે. દેશની કુલ વસ્તીના લગભગ ૬૦% લોકો ૩૫ વર્ષથી નાના છે. આ યુવા-વર્ગને જુદાં જુદાં ક્ષેત્રોમાં તાલીમ આપીને કુશળ બનાવવામાં આવે તો ભારતના આ યુવા વર્ક-ફોર્સને આરસીઇપીમાં રહેલા અન્ય પંદર દેશોમાં મોકલીને સર્વિસ સેક્ટરમાં વ્યાપક પ્રમાણમાં નવી તકો ઊભી કરી શકાય તેમ છે, કારણ કે અન્ય પંદર દેશોમાં આવનારાં દસ વર્ષ પછી તેઓની વસ્તીમાં વૃદ્ધોની સંખ્યામાં ખૂબ જ વૃદ્ધિ થશે. ભારતે જનસંખ્યાની જે તાકાત છે તેનો હકારાત્મક ઉપયોગ કરવો જ જોઈએ. તેને માટે આરસીઇપીમાં ખાસ જોગવાઈઓ થવી જોઈએ. આ જોગવાઈઓ થયા પછી જ ભારતે આરસીઇપીમાં સામેલ થવું જોઈએ. ભારતે આ અંગે કડક વલણ અપનાવ્યું છે તે દેશના યુવા-વર્ગના વ્યાપક હિતમાં સરાહનીય છે.
આરસીઇપીમાં ચીન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી આવનારી ૭૪% વસ્તુઓ ઉપરની ટેરિફમાં ઘટાડો કરવા માટે સંમતિ આપી છે અને તેને આરસીઈપીમાં સમાવેશ થયેલ છે તે સોળ દેશો માટે ૮૬% વસ્તુઓ ઉપર ટેરિફમાં ઘટાડો કરવા સુધી લઈ જવા માટે ભારતે તૈયારી દર્શાવી છે, પરંતુ અન્ય પંદર દેશો તેને ૯૨% વસ્તુઓ સુધી લઈ જવા માંગે છે. તદુપરાંત ‘બેઝ વર્ષ’ માટે ભારતની રજૂઆત ૨૦૨૨ની છે, જ્યારે અન્ય ૧૫ દેશો ‘બેઝ વર્ષ’ ૨૦૧૪ રાખવા માગે છે. આ બંનેના સંદર્ભમાં ભારતે તેને બહુ જ મહત્ત્વાકાંક્ષી બતાવીને ઉગ્ર વિરોધ કરીને કરારમાંથી બહાર રહેવાનું મન બનાવી લીધું છે.
ચીન સાથેના વ્યાપારમાં દેશની કુલ વિદેશ વ્યાપાર ખાધના ૪૦% એટલે કે ૬૩ બિલિયન યુએસ ડૉલરની ખાધ રહે છે. એને ધ્યાનમાં રાખીને ભારત આરસીઇપીના કરારોમાં વધુ પ્રમાણમાં ઉદારીકરણનો વિરોધ કરી રહ્યું છે. હાલમાં ચીનમાંથી ૭૬.૩ બિલિયન યુએસ ડૉલરની આયાત થઈ રહી છે અને તેને કારણે ભારતના ઘણા ઉદ્યોગોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારત હવે આરસીઇપીના કરારમાં તેનાથી વધારે પડતી છૂટ આપવાના પક્ષમાં નથી. જો ભારત વધારે પડતી છૂટ આપવા માટે સંમત થાય તો ચીન ભારતમાં ટેક્સ્ટાઇલ અને સ્ટીલ ક્ષેત્રમાં તેની પ્રોડક્ટનો ધોધ વહાવી દઈને ભારતના સ્ટીલ અને ટેક્સટાઇલ ઉદ્યોગની કમર ભાંગી શકે છે. આ ડરના કારણે જ સ્ટીલ અને ટેક્સટાઇલ ઉદ્યોગોના ફેડરેશન આરસીઇપીનો વિરોધ કરી રહ્યા છે. આ બંને ઉદ્યોગના માંધાતાઓને ડર છે કે જાપાન અને દક્ષિણ કોરિયા સાથે મુક્ત-વ્યાપારના કરાર અંતર્ગત જે કરારો થયા તેના કારણે ત્યાંથી સ્ટીલ અને ટેક્સ્ટાઇલની પ્રોડક્ટ્સ દેશમાં આવતી થઈ. તેની સામે તે દેશમાંથી જેટલા પ્રમાણમાં વિદેશી મૂડીરોકાણ થવું જોઈએ તે ન થયું. તેવી જ રીતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો ડેરી ઉદ્યોગ ભારતના ડેરી ઉદ્યોગને ખૂબ જ નબળો પાડીને ભારતના ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે. તેના કારણે આ ત્રણે ઉદ્યોગોને ડર છે કે જો આરસીઇપીના કરારમાં ઝીણવટભરી કાળજી રાખવામાં નહીં આવે તો ચીન કે જે સમગ્ર વિશ્વમાં ૫૦%થી વધારે સ્ટીલ ઉત્પન્ન કરતો દેશ છે તે ભારતના સ્ટીલ અને તેને આધારિત ઉદ્યોગોને ધરમૂળથી ઉખાડી શકે છે.
અહીં મારું વિશ્લેષણ એવું છે કે આરસીઇપીના કરારો કરતી વખતે ઝીણવટભરી કાળજી રાખીને ભારતે કરારો કરવા જ જોઈએ. હજુ ફેબ્રુઆરી ૨૦૨૦ એટલે કે લગભગ ત્રણ મહિનાનો સમય છે. ભારતના ઉદ્યોગોના આર્થિક હિતને નુકસાન કરનારા મુદ્દાઓ ઉપર સલામતીની જોગવાઈઓ થાય તેવા પ્રયાસો ભારતે ‘બૅકડોર ડિપ્લોમસી’ દ્વારા કરવા જોઈએ.તેની પાછળનું કારણ એ છે કે આજે ભારતના ઉદ્યોગો ઘણા ક્ષેત્રોમાં વૈશ્વિક કક્ષાની ગુણવત્તા ધરાવે તેવી પ્રોડક્ટ બજારમાં મૂકી શકે તેમ છે. તેની સામે ભારતના ઘણા ઉદ્યોગો એવા પણ છે કે જે સમય સાથે તાલ મિલાવીને આધુનિક ટૅક્નોલોજીથી સજ્જ નથી થયા અને વ્યવસાયીકરણ નથી કર્યું. તેઓ આરસીઇપી થાય કે ન થાય, લાંબા સમય સુધી વૈશ્વિક કક્ષાની હરીફાઈમાં ટકી શકશે નહીં. આથી ભારતે ‘વિનર્સ’ને ધ્યાનમાં રાખીને કરારો કરવા જોઈએ. ‘લોસર્સ’ તો આમ પણ હરીફાઈમાં ટકી શકવાના નથી. તેઓને ધ્યાનમાં ન લેવા જોઈએ. જો આવું થશે તો જે ઉદ્યોગોએ આધુનિક ટૅક્નોલોજીથી સજ્જ થઈને વ્યવસાયીકરણ નથી કર્યું તેઓએ વૈશ્વિક હરીફાઈમાં ટકી રહીને વિસ્તૃત ફલક ઉપર જવા માટે આધુનિક ટૅક્નોલોજી તરફ અને ઉચ્ચ ગુણવત્તા તરફ વળવું પડશે જે અંતે ભારતના અર્થતંત્રના હિતમાં હશે.
આરસીઇપીના કરારો ભારતના ઉદ્યોગો, એમએસએમઈ તથા ગૃહ ઉદ્યોગો માટે એક તક સમાન બની રહેશે. પાંચ ફાયદા તાત્કાલિક થઈ શકે તેમ છેઃ (૦૧.) અગાઉના જે મુક્ત-વ્યાપારના કરારો જુદા જુદા દેશો સાથે થયા છે તે એકત્રિત થઈ જવાથી આડકતરી રીતે ‘ટેરિફ વૉર’ બંધ થઈ જશે તથા નિયમો અને અમલીકરણમાં સરળતા આવશે. (૦૨.) ભારતમાં ઉદ્યોગો માટે વૈશ્વિક કક્ષાના નિયમો બનશે અને સરવાળે તે ભારતના ઉદ્યોગોના હિતમાં હશે. (૦૩.) વૈશ્વિક હરીફાઈમાં ટકી રહીને વિકસિત થવા માટે બહુ મોટું બજાર મળશે અને તેને મેળવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ બજારમાં લાવવી પડશે. આડકતરી રીતે દેશમાં સૌને ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ પ્રાપ્ત થશે. (૦૪.) સોળ દેશો વચ્ચે નેટવર્ક ઊભું થવાથી સરવાળે તમામ દેશોના ઉદ્યોગોને ફાયદો થઈ શકે છે અને એકબીજાના દેશમાં વિદેશી મૂડીરોકાણ વ્યાપક પ્રમાણમાં વધી શકે છે. (૦૫.) ઇન્ફોર્મેશન અને ટૅક્નોલોજીમાં ભારતનો દબદબો છે આથી આઈટી એનેબલ્ડ સર્વિસીસ તથા તેને લગતા અન્ય સર્વિસ ક્ષેત્રોમાં ભારતના ઉદ્યોગોને બહોળો લાભ મળી શકે છે.
હવે ભારતની રાજકીય દ્રઢ ઇચ્છાશક્તિ અને ભારતના બ્યુરોક્રેટ્સની કુશળ વ્યૂહરચના ‘બૅકડોર ડિપ્લોમસી’ દ્વારા કેવો રંગ લાવે છે તે તો જ્યારે આરસીઇપીના તમામ કરારો સંપન્ન થાય અને તેના ઉપર અન્ય ૧૫ દેશો સહીઓ કરે ત્યારે જ ખબર પડે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભારત સરકારે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ટૅક્નોલોજી ધરાવતા ઉદ્યોગોને રક્ષણ આપીને જેઓ વૈશ્વિક હરીફાઈમાં ટકી શકે તેમ નથી તેઓની સુરક્ષા હટાવી લઈને આરસીઇપીના કરારો અંતર્ગત વ્યાપક ફલક ઉપર લાભ પ્રાપ્ત કરવા માટે દ્રઢતાથી બીજી જનરેશનના આર્થિક સુધારાઓ તરફ આગળ વધવું પડશે.
—————————