જીવતરને અજવાળે એવો સંબંધ ક્યાં?

લાભની ગણતરીએ માણસ સંબંધને એકદમ કૃત્રિમ રીતે પકવી નાખે છે
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

એક સંબંધીએ કહ્યું ઃ ‘તહેવારો તો અગાઉ આવતા હતા અને આજે પણ આવે છે. લોકો ધૂમ ખર્ચા કરે છે. આ હવે પ્રકાશનો-રોશનીનો-દીવા પ્રગટાવવાનો ઉત્સવ રહ્યો જ નથી. હવે આ તો માત્ર શોરબકોર અને ઘોંઘાટનો ઉત્સવ છે. આખી રાત અંધાધૂંધ દારૃખાનું ફૂટ્યા કરે છે. બસ, અંતરમાં ક્યાંક કોઈક મીઠી લાગણી કે મીઠો અવાજ પેદા થાય તો તેની અનુભૂતિ થાય જ નહીં એ માટે માણસ એકદમ બહેરો-મૂંગો બની જવા માગતો હોય એવું લાગે છે. આંખો આંજી નાખે એવા પ્રકાશના ભડકા અને કાન ફૂટી જાય એવા અવાજના ધડાકા. ક્યાંક માટીના કોડિયાનું શાંત તેજ જવલ્લે જ જોવા મળે છે. ફટાકડા ફોડવાનો આનંદ માણતાં બાળકો પણ ઓછાં દેખાય છે. બાળક ફટાકડા ફોડતાં શીખીને અગ્નિની પાવક-દાહક શક્તિનો પરિચય મેળવતાં શીખે છે, પણ હવે બાળકો તો માત્ર લાચાર-ડરી ગયેલા પ્રેક્ષકોથી વધુ કશું હોતાં નથી. આગની સાથે અડપલાં કરતાં મોટેરાઓ જ ગાંડાતૂર થઈને તડાફડીમાં મચી પડે છે.’

આવી ફરિયાદ કરીને સંબંધીએ પોતાની વાતનું સમાપન કર્યું ઃ ‘માણસમાં મીઠાશ રહી નથી અને સગપણમાં હવે કશું ગળપણ રહ્યું નથી.’

એમની વાત સાવ કાઢી નાખવા જેવી નથી. માણસમાં સાચી મીઠાશ ઓછી થતી જાય છે એટલે સંબંધોમાં પણ મીઠાશ મળતી નથી. સગપણ લોહીનું હોય કે લાગણીનું -સાચી મીઠાશ જ નથી. જે મીઠાશ છે તેમાં સેકરીનનું અધિક ગળપણ છે. માણસની જીભમાં, તેની વાતચીતમાં એક કૃત્રિમ મીઠાશ દેખાય છે. એક સારી રીતભાત તરીકે તે આ મીઠાશ વાપરે છે, તેમાં કોઈ જીવનદાયક શક્તિ નથી. માણસ માણસને બહારથી આવકારવાનો દેખાવ કરે છે, પણ કદાચ અંદરથી તો ધિક્કારે છે.

આનું કારણ શું? કારણ કદાચ એ જ છે કે આપણે હવે સંબંધોને માનવજીવનની રક્તવાહિનીઓ ગણતા જ નથી, પણ ચોક્કસ હેતુ માટેનાં કામચલાઉ જોડાણો સમજીએ છીએ. જે કંઈ સંબંધો બાંધીએ છીએ તેમાં ટૂંકા ગાળામાં લાંબો લાભ લેવાની જ ગણતરી સર્વોપરી બની જાય છે. મોટા ભાગના સંબંધો ઔપચારિક અને ગરજ કે વહેવાર પૂરતા નિભાવીએ છીએ. કેટલાક સંબંધો તો તેની લાભ આપવાની ગંુજાશના અંદાજ પર જ બાંધીએ છીએ. કોઈની ઓળખાણ થાય અને તેને સંબંધમાં ઢાળવાનું નક્કી કરવા જતાં એક જ કસોટી આગળ કરીએ છીએ ઃ માણસ કામનો ખરો? માણસ ક્યાંય ખપમાં આવે ખરો? બસ, જો સંબંધ દૂઝણી ગાય જેવો પુરવાર થવાની શક્યતા હોય તો તેમાં આગળ વધવાનું. નહીંતર કાગળનાં રંગીન ફૂલો જેવા થોડા મીઠા શબ્દો ભેટ આપવાના અને લટકતી સલામી, ક્યાંય મળી જાય તો લળી લળીને સલામ કરવાની, ઓછા ઓછા-અર્ધા થઈ જવાનું પણ પછી આગળ કશું જ નહીં. સંબંધો પણ રોકડિયા પાકના વાવેતરરૃપે કેળવવાના – પ્રાણપોષક અન્નક્ષેત્ર તરીકે નહીં. એટલે માણસ સંબંધોની મોટી મૂડી હોવાનો દાવો કરે છે, પણ એમાંથી બે-પાંચ સંબંધો પણ એવા હોતા નથી કે જેને સાચો સંબંધ કહી શકીએ. એક જ સાચો સંબંધ હોય તો પણ માણસમાં અને જીવતરમાં અજવાળું થઈ જાય, પણ એવો સંબંધ ક્યાં? એક સારો પાડોશીસંબંધ દસ સગાંની ગરજ સારે. એક સારો-સાચો મિત્ર તમારા સુખની મીઠાશ વધારી શકે અને તમારા દુઃખની કડવાશ ગાળી નાખે.

માણસ માણસ વચ્ચેના સંબંધમાં કંઈ ને કંઈ આપવાની ઇચ્છા અને કંઈ ને કંઈ મેળવવાની અપેક્ષા હોય તો તે સ્વાભાવિક છે, પણ જ્યાં આ બધા વહેવારો લાગણીના સાચા સંબંધને ખીલે બંધાયેલા હોય ત્યાં બંને વ્યક્તિ માટે સંબંધ સાર્થક બને છે. જ્યાં આપવાની અને મેળવવાની ગણતરી જ મુખ્ય બની જાય અને એ ગણતરીના આધારે જ અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં સંબંધના ખીલા ખોડાય ત્યાં કોઈને કશું જ હાંસલ થતું નથી. આ રીતે માત્ર એકંદર લાભની ગુંજાશ જોઈને રચેલા સંબંધો શરૃ શરૃમાં મીઠા લાગે છે અને પછી કડવા ઝેર લાગે છે. લાભની ગણતરીએ માણસ સંબંધને એકદમ કૃત્રિમ રીતે પકવી નાખે છે, પણ આ રીતે પાકેલા સંબંધમાં કોઈ સાચી મીઠાશ હોતી નથી અને પછી વધુ પડતા પાકી ગયેલા આ સંબંધો બગડીને દુર્ગંધ આપવા માંડે છે.

ટૂંકા કામચલાઉ સંબંધોમાંથી છેવટે પીડા જ ઉદ્ભવે છે. લાંબા કાયમી સંબંધોની વાત તદ્દન જુદી છે. આવા સંબંધોમાં, ગમે તેટલી નુકસાનીઓ વેઠવા છતાં, ટકી રહેવાની ક્ષમતા હોય છે. પત્ની થકી પતિને ઘણુ બધું ગુમાવવું પડ્યું હોય, ભાઈ થકી મુશ્કેલી વેઠવી પડી હોય કે ભાઈબંધ થકી જામીનગીરી માથે આવી પડી હોય, પણ આ બધી બાબતો છેવટે સોના જેવા સંબંધની અગ્નિપરીક્ષા બનીને તેને શુદ્ધ કરે છે, વધુ કીમતી બનાવે છે. તે મૂળ સંબંધને બાળીને ભસ્મીભૂત કરી શકતી નથી. ત્રણ-ચાર મહિના અમેરિકા ફરીને આવેલા એક મિત્રે કહ્યું ઃ ‘ત્યાં ઘણુ બધું સારું છે, પણ એક હકીકત જે સતત નજર સામે આવી તે એ કે ટૂંકા ગાળાના જ સંબંધો – ઔપચારિક – વ્યાવહારિક સંબંધો વિશેષ. કોઈ સંબંધની લાંબી જીવાદોરી જ નહીં. પત્ની, મિત્ર, રહેઠાણ બધા જ સંબંધોમાં જાણે કાયમી સરનામું નહીં. બધાં સરનામાં કામચલાઉ.’ નવી દુનિયાની આ બધી ગતિશીલતા ઠીક અંશે મૂળવિહીન અસ્તિત્વના લાચાર ઉધામા જેવી તો નહીં હોય?
—————–

પંચામૃત. ભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment