કાર્તિક પૂર્ણિમાની ઐતિહાસિક સવારીનાં ૨૦૬ વરસ!

શોભાયાત્રાનો ૨૦૬ વર્ષનો ઇતિહાસ છે
  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

મહાનગર કલકત્તા-કોલકાતા હંમેશાં સરઘસના શહેર તરીકે જગતભરમાં પ્રખ્યાત છે. જોકે અહીં એક એવું સરઘસ પણ નીકળે છે જે આપણા ભવ્ય, સાંસ્કૃતિક, ઐતિહાસિક ધર્મસંદેશનું જીવંત દર્શન કરાવે છે. મંગળવાર, ૧૨ નવેમ્બર કાર્તિક પૂર્ણિમાનો દિવસ હતો.આ તિથિ અનેક રીતે આપણા દેશમાં ઊજવાય છે. કોલકાતામાં આ દિવસે જૈનોની ઐતિહાસિક શોભાયાત્રા નીકળે છે. ધ્વજા, તોરણ અને પુષ્પ-વર્ષા સાથે વાજતે-ગાજતે નીકળતી શોભાયાત્રાનો ૨૦૬ વર્ષનો ઇતિહાસ છે. કાર્તિક પૂર્ણિમાની સવારીનો મહિમા કંઈક અલગ છે. જૈન સાધુ-સાધ્વીઓ ચોમાસા દરમિયાન એક જ ધર્મસ્થાનમાં મુકામ કરે છે, જ્યાં જપ, તપ થાય છે. નિયમિત વ્યાખ્યાનો થાય છે. બાકીના દિવસો દરમિયાન સાધુ-સાધ્વીઓ વિહાર કરે છે. કાર્તિક પૂર્ણિમાની સવારી એ પરમાત્માના વિહારનું પ્રતીક છે. અનાદિકાળથી ભગવાન ઋષભદેવના પૌત્ર દ્રાવિડ વારિખિલ્લના સમયથી જૈનોમાં આ પરંપરા ચાલતી આવી છે. કાર્તિક પૂર્ણિમાની સવારી પરમાત્માના વિહાર સાથે ધર્મદર્શન અને જૈન સંસ્કૃતિનું પ્રકાશ પાથરતું પર્વ છે.

૨૦૬ વર્ષની સવારીની સાક્ષી પૂરે છે આશરે ૩૫ ફૂટ ઊંચી ઇન્દ્રધ્વજા, જેના પર દર વરસે એક ધ્વજા ઉમેરાઈ જાય છે. આ ઐતિહાસિક ઇન્દ્રધ્વજા ભગવાનની પધરામણીનો સંકેત કરતી સૌથી આગળ રહે છે. અચરજની વાત એ છે કે આ યાત્રા આરંભ થઈ ત્યારે કોલકાતામાં ટ્રામસેવા ચાલુ નહોતી થઈ, પરંતુ ટ્રામસેવા ચાલુ થયા બાદ તેના જાડા કેબલ્સ-વાયર અવરોધ બન્યા એટલે આ સવારી વખતે એના સમ્માનમાં તેમને નમાવી ખોલી નાખવામાં આવે છે.

ઇન્દ્રધ્વજા પવિત્ર અભિષેકની પાછળ કૂચ કરે છે. એ પછી શરણાઈના સૂરો સાથે નોબતખાના, ઐરાવત હાથી, મેરુુ પર્વત, ચાંદીની કળાકૃતિઓ, કલ્પવૃક્ષ, શત્રુંજય પર્વત, રંગીન ધ્વજાઓ,  ક્ષમાનો સંદેશ આપતાં બેનરો, પુષ્પગૃહ…ટેબ્લો, મોડલો, શહેરની મોટા ભાગની બેન્ડ પાર્ટીઓ, જૈન ભજન-કીર્તન મંડળીઓ, શાળાનાં વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓની સ્કાઉટ, ગાઇડ્સના બેન્ડ, શ્રાવકો-ભક્તો અને આખા વિશ્વને જાણે માનવતા, જીવદયા અને અહિંસાનો સંદેશ પ્રસારિત કરવા ,તીર્થંકરોનાં દિવ્ય જીવન દર્શનને રજૂ કરતી ઝાંખી…

આ સવારી મધ્ય કોલકાતાના તુલાપટ્ટી દેરાસર તરીકે જાણીતા શ્રી જૈન શ્વેતાંબર પંચાયતી મંદિરમાંથી નીકળી ઉત્તર કોલકાતાના મંદિર દાદાવાડીમાં પૂર્ણ થાય છે. આ સવારી સાથે જ શ્રી દિગમ્બર જૈન બડા મંદિરથી નીકળેલી સવારી જોડાઈ જાય છે, જે વધુ આગળ જઈ બેલગછિયાના ઉપવન એટલે દાદાજીના બગીચામાં પૂર્ણ થાય છે.

આ શોભાયાત્રામાં આ વરસે શંખ ફૂંકાયા તો બંગાળી લોકસંગીતના ઢાકવાદકો પણ સૂરતાલ મિલાવતાં જોડાયા હતા, દાદાવાડી અને દાદાજીના બગીચા આસપાસ હવે શાકાહારી બનવા, જીવ હત્યા ન કરવાનાં સૂત્રો વાંચવા મળે છે.

ભગવાન ધર્મનાથની પાલકી ઓછામાં ઓછા બાર શ્રાવકો  ઊંચકીને દાદાવાડી સુધી ધર્મના જયજયકાર સાથે લઈ જાય એની અસરદાર નોંધ બંગાળી બાબુઓ અને બોઉદી (ભાભી) પણ લે છે. બંગાળીઓની વસ્તી વધારે છે તે વિસ્તારોમાં દૂરથી સવારી આવતી દેખાય ત્યારે લોકો પોકારીને બધાંને બોલાવી લે છે. તેઓ આ સવારીને ભગવાન  પાર્શ્વનાથ તરીકે સત્કારતા આવ્યા છે એટલે ઇન્દ્રધ્વજા દેખાય એટલે પોકાર સંભળાય પારસનાથ આવ્યા…

શ્રાવકો, ભક્તોની વણઝાર ધીમે-ધીમે ભક્તિ સંગીત, ધૂનમાં લીન થઈ સાડા છ કલાકની શોભાયાત્રામાં આનંદ સાથે વધતી જાય છે.

આ સવારી અંગે એક વાતની ખાસ નોંધ લેવી પડે વિગત ૨૦૬ વરસ દરમિયાન અનેકવાર અનરાધાર વરસાદ થયો, વાવાઝોડું ત્રાટક્યું છે. બે દિવસ પહેલાં જ બુલબુલ નામના તોફાની પવન સાથે વરસાદ પડ્યો. અગાઉ કોમી હુલ્લડ તથા નક્સલવાદીઓનો ભય હતો.રાજકીય અસ્થિરતા હતી છતાં પારસનાથની આ શોભાયાત્રા ૨૦૬ વરસથી અચૂક નીકળી છે. જાણે કાર્તિક પૂર્ણિમાની તિથિ અહિંસા માટે જ સુરક્ષિત રહી છે અને કાયમ રહેશે.
——————————–

કોલકાતા કોલિંગપાલખીભગવાન ધર્મનાથની પાલકીશ્રી જૈન શ્વેતાંબર પંચાયતી મંદિર
Comments (0)
Add Comment