‘માઇક્રોબાયોલોજી’ રિસર્ચમાં છે ઉજ્જ્વળ કારકિર્દી

માઇક્રોબાયોલોજિસ્ટનું મહત્ત્વ વધી રહ્યું છે. યુવાનો માટે કારકિર્દી બનાવવાનો પણ બેસ્ટ વે બની રહ્યું છે.
  • નવી ક્ષિતિજ – હેતલ રાવ

વિશ્વભરમાં પ્રતિદિન નવા-નવા રોગોનો જન્મ થઈ રહ્યો છે. એટલે કે આજના સમયમાં રોજ એક નવી બીમારી વિશે જાણવા મળે છે. તો સામે તેના નિવારણ માટે પણ તનતોડ મહેનત કરવી અનિવાર્ય બની રહી છે. તેના કારણે માઇક્રોબાયોલોજીના અભ્યાસની પણ જરૃર ઊભી થઈ છે. પરિણામે માઇક્રોબાયોલોજિસ્ટનું મહત્ત્વ વધી રહ્યું છે. યુવાનો માટે કારકિર્દી બનાવવાનો પણ બેસ્ટ વે બની રહ્યું છે.

ટીબી જેવા રોગ સામે લડવા માટે સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે, ત્યારે તાજેતરમાં જ બેંગ્લુરુની એક લેબમાં એવો ટેસ્ટ વિકસિત કરવામાં આવ્યો જે ટીબીના દર્દીઓની સારવારમાં ડૉક્ટરને મદદરૃપ બની રહેશે. વર્તમાન સમયમાં ઘણી નવી બીમારીઓ અસ્તિત્વમાં આવી છે. જેના જીવાણુ સામે લડવામાં સશક્ત ઍન્ટિબાયોટિક્સ દવાઓ પણ અશક્ત સાબિત થઈ છે, ત્યારે જે પ્રમાણે રોગપ્રતિકારક શક્તિ માટે ટેસ્ટ વિકસિત થઈ રહ્યા છે તે માઇક્રોબાયોલોજિસ્ટનું મહત્ત્વ દર્શાવે છે. સૂક્ષ્મ જગતમાં એવા ઘણા જીવ છે જે આપણા જીવનને પ્રભાવિત કરે છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી અનેક બીમારીઓ વિષાણુ કે જીવાણુ દ્વારા જ ફેલાઈ રહી છે, જેની અસરકારક સારવાર માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે. વિજ્ઞાન પ્રવાહની વિવિધ શાખાઓમાંથી બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાનમાં પણ ઘણી બધી પેટાશાખાઓ અને એ પેટાશાખાઓ અંતર્ગત વિવિધ વિષયોનો અભ્યાસ રોચક તેમજ અન્ય માટે કામમાં લાગે તેવો બની રહે છે. આવો જ એક વિષય છે માઇક્રોબાયોલોજી. આપણી આસપાસ વાતાવરણમાં અને પ્રાણીજગતમાં વિવિધ જીવાણુઓ અને વિષાણુઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાંના કેટલાક નુકસાનકર્તા છે તો કેટલાક બિનહાનિકારક છે. માઇક્રોબાયોલોજિસ્ટ માત્ર પોતાની કારકિર્દી ઘડવાનું જ કામ નથી કરતો, પણ સમાજની સેવા કરવાનું કામ પણ કરે છે.

માઇક્રોબાયોલોજી વિષય અંતર્ગત સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવામાં આવે છે.બાયોલોજી અને કેમેસ્ટ્રી સાથે અનેક શૈલી (વિદ્યા)નો સમાવેશ થાય છે. જાહેર આરોગ્ય હોય કે પર્યાવરણ, દરેક જગ્યાએ માઇક્રોબાયોલોજીના જાણકારોની માગ છે. આવા પ્રોફેશનલ માઇક્રોબાયોલોજિસ્ટ તરીકે ઓળખાય છે. યુવાનો આ વિષય પહેલેથી જ પસંદ કરતા આવ્યા છે. શોધ સાથે જોડાયેલું ક્ષેત્ર હોવાના કારણે વિદ્યાર્થીઓએ વધુ સમય પ્રયોગશાળામાં જ પસાર કરવો પડે છે.

કોર્સની માહિતી
બાયોલોજી વિષયમાં ૫૫ ટકા સાથે એચએસસી (ધોરણ-૧૨) પાસ કરેલા વિદ્યાર્થીઓ બેચરલ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. ઘણી સંસ્થાઓ મેરિટના આધારે તો કેટલીક સંસ્થાઓ પ્રવેશ પરીક્ષાના આધારે ઍડ્મિશન આપે છે. વિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ માટે ઘણા બધા માસ્ટર્સ કોર્સ ઉપલબ્ધ છે. યુવા માસ્ટર્સ કર્યા પછી પીએચડી પણ કરી શકે છે. સંસ્થાઓ માઇક્રોબાયોલોજી/ એપ્લાઇડ માઇક્રોબાયોલોજી, ફૂડ ટૅક્નોલોજી/ ક્લિનિકલ માઇક્રોબાયોલોજી જેવા વિષયોમાં બીએસસી કોર્સ કરાવે છે. માસ્ટર લેવલ પર એમએસસીમાં મેડિકલ માઇક્રોબાયોલોજી અને એપ્લાઇડ માઇક્રોબાયોલોજી કોર્સ કરી શકાય છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ માઇક્રોબાયોલોજી, માઇક્રોબિયલ ફિઝિયોલોજીમાં વિશેષતા મેળવી શકાય છે.

ક્ષમતા અનિવાર્ય
પ્રોફેશનલ્સે લેબ કે કાર્યક્ષેત્રમાં કલાકો મહેનત કરવી પડે છે. જેથી સંવાદ કૌશલ્ય અસરકારક હોય તે જરૃરી છે. ઉપરાંત કોઈ પણ તથ્યોને ઊંડાણપૂર્વક સમજવા, તાર્કિક દ્રષ્ટિ, સમસ્યાને દૂર કરવાની અભિરુચિ, સમય શિસ્ત, સચોટ આકલન અને ગાણિતિક કુશળતા જેવા અનેક ગુણ આ વિષયના વિશેષજ્ઞોમાં હોવા અનિવાર્ય છે.

જાણીતા વ્યવસાય
બેક્ટિરિયોલોજિસ્ટ ઃ
આ વિશેષજ્ઞો બેક્ટેરિયાના વિકાસ અને તેની ગુણવત્તાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરે છે. બેક્ટેરિયાના છોડ અને પ્રાણી સૃષ્ટિ (જીવ-જંતુ) પર કેવી અસર થાય છે તેની જાણકારી પણ મેળવે છે.

ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ ઃ આ પ્રોફેશનલ્સ છોડ અને પ્રાણીઓમાંથી એકત્ર કરેલા નમૂનાઓનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરીને જુદી-જુદી બીમારીઓ સાથે જોડાયેલી દવાઓમાં ઉપયોગ કરે છે.

ઍન્વાયરન્મૅન્ટલ માઇક્રોબાયોલોજિસ્ટ ઃ સૂક્ષ્મજીવ અને બેક્ટેરિયા ગ્રસ્ત વાતાવરણ તેમાં રહેનારા અન્ય લોકોને કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ ઍન્વાયરન્મૅન્ટલ માઇક્રોબાયોલોજિસ્ટ કરે છે. છોડ પર થતા જીવાણુની ઓળખ કરવાનું કામ પણ આ પ્રોફેશનલ્સનું છે.

 

ઇન્ડસ્ટ્રિયલ માઇક્રોબાયોલોજિસ્ટ ઃ ઉદ્યોગોમાં આ પ્રોફેશનલ્સનું કામ ઉત્પાદનમાં આવતી મુશ્કેલી દૂર કરવાનું છે. કેમિકલ ફેક્ટરી સાથે જોડાયેલી પાઇપોમાંથી ઉત્પન્ન થતા સૂક્ષ્મજીવોને ઓળખી તેને દૂર કરવાનું કાર્ય પણ તે કરે છે. એટલું જ નહીં, પરંતુ ફેક્ટરીમાંથી નિકળતા અવશેષોથી વાતાવરણને થતાં નુકસાનની પણ જાણકારી મેળવે છે.

પેરાસિટોલોજિસ્ટ ઃ પરજીવીઓના જીવનચક્ર અને તેની સાથે જોડાયેલો તમામ અભ્યાસ આ પ્રોફેશનલ્સ કરે છે. પરજીવી કેવી રીતે જુદા વાતાવરણને અનુરૃપ બની શકે છે તેનું પરીક્ષણ પણ કરે છે. તેમના અભ્યાસનો ઉપયોગ મેલેરિયા અને અન્ય જીવાણુથી ઉત્પન્ન થતી બીમારીઓ સામે લડવા માટે કરવામાં આવે છે.

વાયરોલોજિસ્ટ ઃ આ પ્રોફેશનલ્સ આપણા શરીરના વિવિધ વાયરસની જાણકારી પ્રાપ્ત કરે છે કે તે કેવી રીતે શરીરના જુદા-જુદા અંગને નુકસાન પહોંચાડે છે.

રોજગારીના અનેક અવસર ઃ
માઇક્રોબાયોલોજીના પ્રોફેશનલ્સને હૉસ્પિટલ, લેબોરેટરી, ક્લિનિક, ફાર્મા કંપની, વૉટર ઇન્ડસ્ટ્રી, ડેરી અને ફૂડ ઇન્ડસ્ટ્રી, લેધર અને પેપર ઉદ્યોગ. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરીના વિકલ્પ મળી રહે છે. ઘણી એનજીઓ છે જે જાહેર આરોગ્ય માટે કામ કરી રહી છે તેમાં પણ મોટા પાયે માઇક્રોબાયોલોજિસ્ટની ભરતી થાય છે. બાયોટેક અને બાયોપ્રોસેસ સાથે જોડાયેલા ઉદ્યોગમાં પણ યુવાનોને તક મળી રહે છે.

સેલેરી પેકેજ ઃ
આ ક્ષેત્રમાં ડગ માંડનારા યુવાનોને શરૃઆતના સમયમાં ૪૦થી ૪૫ હજાર રૃપિયા પ્રતિમાસ પગાર મળે છે. ત્રણ-ચાર વર્ષના અનુભવ પછી સેલેરી સ્કેલ વધીને ૬૦થી ૭૦ હજાર રૃપિયા પ્રતિમાસ થઈ જાય છે. એટલું જ નહીં, બહુરાષ્ટ્રીય કંપનીઓનું પેકેજ ઘણુ સારું હોય છે. ટૂંકમાં, આ ફીલ્ડમાં જોડાયા પછી પગાર સ્કેલ હંમેશાં સારો રહે છે.

ઘણીવાર એવું પણ બની શકે કે કલાકોના કલાકો મહેનત કર્યા પછી પણ ધાર્યું પરિણામ ન મળે અથવા તો મહેનત નિષ્ફળ નિવડે. આવા સમયે સતત વાંચવાની આદત અને નવી જાણકારી મેળવવાની આદત તમને આગળ વધવામાં મદદ કરે છે. માટે આ ક્ષેત્રમાં વાંચન પ્રત્યે રુચિ હોવી અનિવાર્ય છે. ઉપરાંત લેબમાં વપરાતાં સાધનોની જાણકારી હોવી પણ ઉપયોગી બની રહે છે.
—————————————————.

મહત્ત્વની સંસ્થાઓ

*           ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

*           એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા

*           દ.ગુજરાત યુનિવર્સિટી, સુરત

*           હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, પાટણ

*           બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી

*           અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ

*           દિલ્હી વિશ્વવિદ્યાલાય, નવી દિલ્હી

*           ચૌધરી ચરણ સિંહ વિશ્વવિદ્યાલય, મેરઠ

*           પટના વિશ્વવિદ્યાલય, પટના, બિહાર

*           ગોવિંદ વલ્લભ પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટૅક્નોલોજી, ઉત્તરાખંડ
———————

નવી ક્ષિતિજહેતલ રાવ.
Comments (0)
Add Comment