- ચિંતા – નરેશ મકવાણા
તમને જાણીને આંચકો લાગશે કે દેશભરમાં ખુલ્લા બોરમાં બાળકો પડી જવાની સૌથી વધુ ઘટનાઓ જે ત્રણ રાજ્યોમાં બને છે, તેમાંનું એક ગુજરાત પણ છે. ભારતમાં દર વર્ષે અંદાજે ૫૦ બાળકો ખુલ્લા બોરવેલમાં પડી જવાથી મોતને ભેટે છે. વધતી જતી આવી દુર્ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા બહાર પાડેલી છે, છતાં શા માટે ધાર્યું પરિણામ આવતું નથી તે ચર્ચાનો વિષય છે.
હાલમાં જ વધુ એક બાળક ખુલ્લા બોરમાં પડીને જિંદગીનો જંગ હારી ગયું. ૨૫ ઑક્ટોબરના રોજ તામિલનાડુના તિરુચેલાપલ્લી જિલ્લાના એક ગામમાં બે વર્ષીય સુજિત રમતાં-રમતાં ૬૦૦ ફૂટ ઊંડા ખુલ્લા બોરમાં પડી ગયો. ઘટનાની જાણ થતાં એનડીઆરએફ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સની છ ટીમોએ અત્યાધુનિક સાધનો સાથે સતત ત્રણ દિવસ સુધી બચાવ અભિયાન ચલાવ્યું, પણ સુજિત બચી શક્યો નહીં. એનડીઆરએફનો તર્ક એવો હતો કે રૉબોટિક ડિવાઇસને બોરમાં ઉતારવો, જે સુજિતની કમર ફરતે મજબૂત દોરડાની આંટી મારી આપે અને પછી તેને બહાર ખેંચી લેવાય, પણ પથરાળ વિસ્તાર અને ખરાબ વાતાવરણ બચાવ કાર્યમાં સૌથી મોટું વિઘ્ન સાબિત થયું અને આખરે સુજિતે બોરમાં જ અંતિમ શ્વાસ લઈ લીધા.
આ ઘટનાના બીજા જ દિવસે બિહારના સીવાનમાં પણ રાજુ નામનો કિશોર દોઢ ફૂટ સાંકડા ખાડામાં પડી ગયો હતો. દાઝ ચડે એવી વાત એ રહી કે ઘટનાના બે કલાક પછી પણ રાજુને બચાવવા રેલવે કે સ્થાનિક તંત્ર ડોકાયું નહોતું. આખરે ગામલોકોએ જ તુક્કાઓ લડાવીને તેને બહાર કાઢ્યો હતો. ગુજરાતમાં પણ સમયાંતરે આવી ઘટનાઓ બનતી રહે છે. ગત વર્ષે હિંમતનગરના ઈલોલ ગામે રાહુલ નામનો બાળક સાંજના સમયે રમતાં રમતાં ૨૦૦ ફૂટ ઊંડા બોરમાં પડી ગયો હતો. તેને બહાર કાઢવા માટે સ્થાનિક તંત્ર પાસે જરૃરી સાધનો ન હોવાથી છેક અમદાવાદથી રેસ્ક્યુ ટીમ બોલાવવી પડી હતી. અગાઉ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના જિલ્લાઓમાં પણ આવા બનાવો બન્યા છે.
થોડા મહિનાઓ પહેલાં મિનીટેબ નામની એક ખાનગી કંપનીએ વર્ષ ૨૦૦૬થી ૨૦૧૪ સુધીમાં બનેલી આવી ઘટનાઓના આધારે કેટલાક આંકડાઓ બહાર પાડ્યા હતા, જે મુજબ બોરમાં બાળકો પડી જવાની સૌથી વધુ ૧૭.૬ ટકા ઘટનાઓ હરિયાણા, તામિલનાડુ અને ગુજરાતમાં બની હતી. ત્યાર બાદ રાજસ્થાન(૧૧.૮ ટકા), મધ્યપ્રદેશ અને કર્ણાટક(૮.૮ ટકા), આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર(૫.૯ ટકા)નો ક્રમ આવ્યો હતો. બોરવેલમાં બાળકોના પડી જવાની મોટા ભાગની ઘટનાઓમાં મુખ્યત્વે બે કારણો સામે આવ્યા હતા. જેમાં ૪૩ ટકા ઘટનાઓમાં બાળકો રમતી વખતે પડી ગયાં હતાં, જ્યારે ૩૩.૩ ટકામાં બોરવેલ ખુલ્લા હોવાને કારણે પડી ગયાં હતાં.
સમસ્યા એ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, પરંતુ તેમાંથી કોઈ ધડો નથી લઈ રહ્યું. દરેક નવી દુર્ઘટના વખતે ફરી તે રિપીટ ન થાય તેની તકેદારીની વાતો થાય છે અને છતાં ફરી ફરીને તે બને છે. અનેક જગ્યાએ ખેડૂતો દ્વારા ખરાબ ટ્યૂબવેલ ઉપાડીને સ્થળાંતરિત તો કરી દેવાય છે, પરંતુ બોરની ખાલી જગ્યાને કોંક્રિટથી ભરીને કાયમ માટે બંધ કરી દેવામાં આવતાં નથી. એને બદલે ખુલ્લા બોરને શણના કોથળા કે પ્લાસ્ટિક વીંટી દેવાય છે. આવા બોર જ દુર્ઘટનાઓનું કારણ બનતાં હોય છે. હકીકતે બોર ખુલ્લા છોડી દેનાર ખેડૂતની સાથેસાથે ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્ર પણ આ માટે સરખા ભાગીદાર હોય છે. થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના એક ગામમાં એક વ્યક્તિને પોતાના ખેતરમાં સૂકાયેલો બોરવેલ ખુલ્લો છોડી દેવા બદલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે બે વર્ષની સખત કેદની સજા અને રૃ. ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે, લોકો બોર ખોદીને પછી ખુલ્લો છોડી દે છે, જેમાં પછી માસૂમ બાળકો પડી જવાની ઘટનાઓ બને છે. સમાજમાં વધી રહેલી બેદરકારીના આવા મામલાઓમાં સજા દેવાથી જ લોકોને બોધપાઠ મળશે. આજે દેશમાં દર વર્ષે સરેરાશ ૫૦ બાળકો ખુલ્લા બોરમાં કે ખાડામાં પડીને જીવ ગુમાવી બેસે છે. જોકે હજુ સુધી આવી દુર્ઘટનાઓના નક્કર આંકડાઓ ઉપલબ્ધ ન હોઈ ખરેખર કેટલાં બાળકો મૃત્યુ પામે છે તે છાતી ઠોકીને કહી શકાતું નથી.
બોરમાં બાળકો પડી જવાની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૦માં કેટલાક દિશાનિર્દેશો પણ જાહેર કર્યા હતા. એ પછી ૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે તેમાં સુધારો કરીને નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા હતા, જે અંતર્ગત ગામડાંઓમાં બોરનું ખોદકામ સરપંચ અને કૃષિ વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ કરાવવું ફરજિયાત છે, જ્યારે શહેરોમાં આ કામ ભૂજળ વિભાગ, આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરોની દેખરેખ હેઠળ થવું જોઈએ. આ સિવાય બોર ખોદનાર કંપનીનું રજિસ્ટ્રેશન થવું પણ ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર બોર ખોદવાના ૧૫ દિવસ પહેલાં જિલ્લા અધિકારી, ભૂજળ, આરોગ્ય અને કોર્પોરેશનને સૂચના આપવી જરૃરી છે. બોર ખોદવાની જગ્યા પર ચેતવણીનું બોર્ડ લગાવવાની સાથે તેના સંભવિત ખતરાથી લોકોને સચેત કરવા પણ જરૃરી છે. બોરની ખુલ્લી જગ્યા ફરતે કાંટાળી વાડ કરવી અને આસપાસ કોંક્રીટની દીવાલ ઊભી કરી બોરનું ખુલ્લું મોં લોખંડના ઢાંકણાથી સ્ક્રૂ મારીને બંધ કરવું ફરજિયાત છે.
અમદાવાદ શહેરના ચીફ ફાયર ઓફિસર બી.એન. દસ્તૂર વધતી જતી આવી ઘટનાઓ બાબતે ચિંતા વ્યક્ત કરવાની સાથે લોકોની બેદરકારી પ્રત્યે પણ ધ્યાન દોરે છે. ખુલ્લા બોરવેલમાં બાળક પડી જાય તો શું તકેદારી રાખવી તેની જાણકારી આપતાં તેઓ કહે છે, ‘બોરવેલમાં બાળક પડી ગયાની જાણકારી મળતાં સૌથી પહેલું કામ બોરમાં ઓક્સિજનની નળી ઉતારવાનું કરવું જોઈએ જેથી બાળકનો શ્વાસ ચાલતો રહે. એનડીઆરએફની ટીમ કે ફાયર ફાઈટરો જ્યારે ઘટનાસ્થળ પર પહોંચે છે ત્યારે બોરમાં બાળક કેવી પરિસ્થિતિમાં છે તેના આધારે સાધનનો ઉપયોગ કરતી હોય છે. જો તેના હાથ ઉપરના ભાગમાં ખુલ્લા હોય તો મજબૂત દોરીનો ગાળિયો કરીને હાથમાં ફિટ કરીને બહાર કાઢવા પ્રયત્ન કરે છે. ઘણીવાર સ્થાનિકો ફાયર ફાઈટરને કૉલ કરવામાં ઘણો વિલંબ કરતાં હોય છે, જેના કારણે બાળકને બચાવવું અઘરું થઈ પડતું હોય છે. આવી ઘટનામાં બોરની ઊંડાઈ પણ અગત્યની હોય છે. જો બાળકને વચ્ચે ક્યાંક પગ ટેકવવા જેટલી જગ્યા મળી જાય તો બચાવવાની શક્યતા વધી જાય છે, પણ જો બોરનું પાણી તેના માથા પરથી જતું રહે અથવા ઊંડાઈ વધુ હોય તો રૅસ્ક્યુ કાર્ય અઘરું બની જાય છે. તકેદારી રૃપે આપણે બોરનું કામ ચાલતું હોય ત્યારે બાળકો ત્યાં રમવા આવી ન ચડે તેનું ધ્યાન રાખીએ, બોરની આસપાસ બેરિકેડ્સ મૂકાય કે તાર બાંધી દેવામાં આવે તો બાળકો સરળતાથી ત્યાં જતાં અટકે. જો નકામો બોર હોય તો તેને ધૂળ, માટી નાખીને ઉપર કોંક્રીટનું પુરાણ કરી દેવું જોઈએ. ઘણીવાર લોકો પ્લાસ્ટિક ને શણનાં કપડાં બોરના ખુલ્લા મોંને ઢાંકીને આશ્વાસન મેળવી લેતાં હોય છે, પણ મેં એવા પણ કિસ્સા જોયા છે જ્યાં આવા સડી ગયેલા પ્લાસ્ટિક પર બાળક બેસવા ગયું હોય અને અંદર પડી જાય. આપણે ત્યાં આવો પહેલો બનાવ બન્યો ત્યારે કૅમેરા તો હતા, પણ બાકીનો સામાન એકઠો કરવો પડેલો. હવે કાયમ એક ગાડી આ પ્રકારના બનાવોમાં રેસ્ક્યુ કરવા માટે તૈયાર રહે છે. આજે આપણી પાસે ૪૦૦ ફૂટ સુધી ઊંડે ઊતરીને તપાસ કરી શકે તેવો કૅમેરા છે.’
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની દુર્ઘટના બાદ સેફ્ટી સોલ્જર્સ નામનું ગ્રૂપ બનાવી શાળા, કૉલેજોમાં જાગૃતિ કાર્યક્રમ કરતાં પ્રતીક ધોળકિયા, કે જેઓ પોતે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી નિષ્ણાત પણ છે, તેઓ બોરમાં પડી જતાં બાળકોના મુદ્દે કેટલીક પાયાની બાબતો તરફ ધ્યાન દોરતાં કહે છે, ‘સૌ પ્રથમ તો બોર ખુલ્લા ન રહે તે જોવાની જવાબદારી જે-તે ખેડૂતની છે. આપણે ત્યાં મોટા ભાગે ખેતરોમાં બોર હોય છે અને અત્યાર સુધીના બનાવોમાં ધ્યાને આવ્યું છે કે તેમાં પડી જતાં બાળકો મોટા ભાગે ખેતમજૂર પરિવારોનાં હોય છે. માતાપિતા ખેતરમાં મજૂરી કરતાં હોય છે અને બાળકો બોર આસપાસ જ રમતાં હોઈ ભોગ બનવાના ચાન્સ વધી જાય છે. એટલે પહેલાં તો ખેતરમાલિકે બોર બિનઉપયોગી હોય તો તાત્કાલિક પૂરી દેવો જોઈએ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તો બોર ખોદતી અને પૂરતી વખતે જવાબદાર અધિકારીની હાજરીમાં કામ કરવાનું હોય છે, પણ આપણે ત્યાં કોઈ તેનું પાલન કરતું નથી. એ સ્થિતિમાં ખેડૂત આવી કોઈ દુર્ઘટના પોતાને ત્યાં ન બને તે માટે જરૃરી પગલાં લે તે ઇચ્છનીય છે. એ જ રીતે શહેરી વિસ્તારોમાં સ્થાનિક તંત્રની જવાબદારી બને છે કે તેઓ ખુલ્લા બોરને તાત્કાલિક પૂરી દે.’
સમસ્યા એ છે કે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારાઓ માટે આકરા દંડની જોગવાઈ છે છતાં એકાદ અપવાદને બાદ કરતા કોઈને પણ બેદરકારી બદલ આકરો દંડ કે સજા થતી નથી. ક્યાંક બોર માટે ખોદાયેલા ખાડા સુકાઈ ગયેલા કૂવાઓને બોરી, પ્લાસ્ટિક કે શણિયાથી ઢાંકી દેવામાં આવે છે, તો ક્યાંક તો તેને સાવ ખુલ્લા છોડી દેવાય છે. એ સ્થિતિમાં ન માત્ર સરકાર, પરંતુ સમાજે પણ આવી બેદરકારીઓને લઈને ચેતવું પડશે. તો જ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય.
———————————