કચ્છમાં વિજ્ઞાનીઓએ શોધ્યું બાયોપ્લાસ્ટિક

પ્લાસ્ટિક પર્યાવરણને ક્યારેય પૂરી ન શકાય તેવું નુકસાન કરે છે.
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

ચેરિયા અને તેની આસપાસમાં મળતાં બેક્ટેરિયામાંથી પ્રયોગશાળામાં બનાવેલું પ્લાસ્ટિક નાશવંત છે. આ પ્લાસ્ટિક કુદરતી અને ઇકોફ્રેન્ડલી છે. પ્રાયોગિક તબક્કે મળેલી સફળતાને વ્યાવસાયિક ધોરણે શરૃ કરવા માટે અનેક કોઠા વિંધવાના બાકી છે. જો વ્યાવસાયિક ધોરણે યશસ્વી રીતે બાયોપ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ શકે તો પર્યાવરણને હાનિ પહોંચાડનારા પ્લાસ્ટિકથી છુટકારો મળી શકે.

જ્યારે શોધાયું ત્યારે માનવજાત પર આશીર્વાદરૃપ મનાતું રહેલું પ્લાસ્ટિક આજે પર્યાવરણ અને સરવાળે માનવજાત માટે અભિશાપ બની ચૂક્યું છે. એક વખત ઉત્પાદન થયા પછી વર્ષોનાં વર્ષો સુધી તેનો નાશ થઈ શકતો નથી. આથી જ પ્લાસ્ટિક મુક્ત દુનિયા માટે સર્વત્ર અભિયાન ચલાવાય છે, પરંતુ એટલી હદે આપણા જીવનમાં પ્લાસ્ટિક વણાઈ ગયું છે કે તેનો યોગ્ય પર્યાય નહીં મળે ત્યાં સુધી તેનો ઉપયોગ બંધ થાય તેમ દેખાતું નથી. આથી વિશ્વભરના વિજ્ઞાનીઓ પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા લાગ્યા છે. ભુજમાં કાર્યરત ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઇડ) સંસ્થાના વૈજ્ઞાનિકોએ પણ ત્રણ વર્ષની જહેમતથી પ્લાસ્ટિકના પર્યાય એવા બાયોપ્લાસ્ટિકની શોધ કરી છે. પ્રાયોગિક ધોરણે આ શોધ સફળ નિવડી છે. જોકે વ્યાવસાયિક ધોરણે આવા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવા માટે એકાદ દાયકાની રાહ જોવી પડે તેવું પણ બને.

‘ગાઇડ’ સંસ્થાના ડાયરેક્ટર વિજયકુમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ગાઇડ’ સંસ્થા હંમેશાં અવનવા પ્રયોગ કરે છે. પ્લાસ્ટિક પર્યાવરણને ક્યારેય પૂરી ન શકાય તેવું નુકસાન કરે છે. આથી અમે તેનો વિકલ્પ શોધવા પ્રયત્નશીલ હતા. અનેક પ્રકારના પ્રયોગો બાદ અમને ખ્યાલ આવ્યો કે જખૌ, મુન્દ્રા જેવા વિસ્તારમાં ઊગતા ચેરિયા (મેન્ગ્રુવ્ઝ)માંથી અને તેની આસપાસમાં મળતાં અમુક પ્રકારના બેક્ટેરિયામાં બાયોપોલિમર હોય છે, જે પ્લાસ્ટિક બનાવવા માટે ઉપયોગી હોય છે. ‘હેલો ટોલેરન્ટ માઇક્રોબિયલ એન્ડોફાઇટ્સ’ નામના ગ્રૂપના આ બેક્ટેરિયા છે. જોકે તેના વિશે સંશોધન કાર્ય ચાલુ છે. તેનું નામ પણ હજુ અપાયું નથી. આ બેક્ટેરિયામાંથી બાયોપોલિમરને એક્સ્ટ્રેક્ટ (અર્ક) મેળવીને પ્રયોગશાળામાં તેની પાતળી ફિલ્મ બનાવી હતી.’

બાયોપ્લાસ્ટિક માટે સતત ત્રણ વર્ષ પ્રયોગ કરનારાં મહિલા વૈજ્ઞાનિક જી. જયંતીએ જણાવ્યું હતું કે, ‘બાયોપ્લાસ્ટિક માટે બાયોપોલિમર જેમાંથી મળી આવ્યા છે તે બેક્ટેરિયાની વૈજ્ઞાનિક ઓળખ થવાની હજુ બાકી છે. તે માટે સેમ્પલ અમે રાજ્યની જીન બેંકમાં વધુ સંશોધનાર્થે મોકલાવ્યું છે. અમે ૯ સે.મી. વ્યાસની પ્લાસ્ટિકની પાતળી ફિલ્મ બનાવી છે. તેની જાડાઈની તપાસ માટે ફિલ્મ પણ લેબોરેટરીમાં મોકલાવી છે. પ્રાયોગિક રીતે અમે બાયોપ્લાસ્ટિક બનાવવામાં સફળ થયા છીએ. આ પ્લાસ્ટિક ડિગ્રેડેબલ છે. તે વાતાવરણમાં પોતાની જાતે જ ઓગળી જાય છે. તે કુદરતી હોવા ઉપરાંત પર્યાવરણને નુકસાન કરતું નથી. આથી જ તે ઇકોફ્રેન્ડલી છે.

‘પ્રાયોગિક ધોરણે સફળતા મળ્યા પછી વ્યાવસાયિક રીતે તેનું ઉત્પાદન શરૃ કરતા પહેલાં પણ અનેક પ્રકારના પ્રયોગો કરવા જરૃરી છે. આ પ્લાસ્ટિક કેટલા સમયમાં ડિગ્રેડ થઈ શકશે?, તેમાંથી બનેલી વસ્તુઓ ઝેરી છે કે નહીં?, તેમાં ખોરાકની વસ્તુઓ ભરી શકાય કે નહીં?, તે કેટલું ટકાઉ છે?, જેવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવાના બાકી છે. જોકે કોઈ પણ વસ્તુ બનાવતી વખતે તેમાં વપરાયેલું બાયોપ્લાસ્ટિક કેટલા સમયમાં ઓગળી જાય તે જરૃરી છે, તેનો અભ્યાસ કરીને તેનો સમયગાળો પણ નક્કી કરી શકાય તેમ છે. અમુક વસ્તુ માટે વપરાતું બાયોપ્લાસ્ટિક જલદી ઓગળી જાય તે હિતાવહ હોઈ શકે તો અમુક વસ્તુનું પ્લાસ્ટિક થોડો લાંબો સમય યથાવત્ રહે તે જરૃરી હોઈ શકે. આમ બાયોપ્લાસ્ટિકનો ડિગ્રેડેશનનો સમયગાળો પ્રયોગો કરીને નક્કી કરી શકાય છે. આ બધા પ્રયોગો થયા બાદ જ તેના વ્યાવસાયિક ઉત્પાદન માટે આગળ વધી શકાશે. આ પ્રયોગો માટે સરકારી સહાયની અતિઆવશ્યકતા રહે છે. ખાસ કરીને આર્થિક સહયોગ અને પ્રયોગો માટે આવશ્યક એવા ઉપકરણો જરૃરી છે. આ માટે ૩થી ૪ કરોડ રૃપિયાના ખર્ચનો પ્રાથમિક અંદાજ છે. લગભગ પાંચથી આઠ વર્ષનો સમય આ પ્રયોગોમાં લાગી શકે છે. ત્યાર બાદ તેના પેટન્ટ માટે પણ પ્રયત્ન કરવા પડશે. જરૃરી એવાં અનેક સર્ટિફિકેટ પણ મેળવવા પડશે.’ સરકારી સહાયની વાત કરતાં ‘ગાઇડ’ના ડાયરેક્ટર વિજયકુમાર ખાનગી કંપનીઓની મદદ મેળવવા પણ ઉત્સુક છે.

બાયોપ્લાસ્ટિક બનાવવા ઉપયોગી થતાં બેક્ટેરિયા એક વખત ચેરિયામાંથી મેળવાયા પછી લેબોરેટરીમાં કલ્ચર પ્રોસેસથી કૃત્રિમ રીતે તેનું નિર્માણ કરી શકાય છે. આથી વધુ બેક્ટેરિયા કે તેમાંથી મળનારા બાયોપોલિમર સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. જો એક વખત પૂરતી સહાય મળ્યા પછી તમામ પ્રયોગોમાં બાયોપ્લાસ્ટિક ખરું ઊતરે તો આજના પ્લાસ્ટિકનો તે યોગ્ય વિકલ્પ બની શકે છે. વિજયકુમારના જણાવ્યા મુજબ, ‘હજુ બાયોપ્લાસ્ટિક કેટલા ખર્ચમાં તૈયાર થઈ શકશે તેનો ચોક્કસ અંદાજ મંડાયો નથી, પરંતુ શરૃઆતના તબક્કામાં તે હાલના પ્લાસ્ટિક કરતાં જરૃર થોડું વધુ મોંઘું હશે, પરંતુ ભવિષ્યમાં તેનું જથ્થાબંધ ઉત્પાદન શરૃ થયે તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો આવી જશે તે નક્કી છે.’

ગાઇડદ્વારા અનેક અવનવા પ્રયોગો કરાય છે.
‘ગાઇડ’ સંસ્થા કચ્છમાં પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે કામ કરે છે. આ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા અવારનવાર અવનવા, લોકોને ઉપયોગી થાય તેવા પ્રયોગો કરાય છે. ભચાઉ તાલુકાનાં અમુક ગામોમાં ઘરે ઘરે પથરીના દર્દીઓ હતા. આ અંગે તપાસ કરતાં જણાયું હતું કે તેઓ જે પાણી પીએ છે તે દૂષિત છે. આ વિસ્તારમાં કપડાંને રંગવાનો ગૃહ ઉદ્યોગ ઘરેઘરે ચાલે છે. અજ્ઞાનતાના કારણે દૂષિત પાણી જમીન પર ઢોળી નાખતા હતા. તેથી ભૂગર્ભ જળ દૂષિત થતું હતું. આ અંગે ‘ગાઇડ’ દ્વારા યોગ્ય સંશોધન કરીને ઇકો ફ્રેન્ડલી ડાઈ બનાવાઈ હતી. આ વિસ્તારની જમીનમાંથી અમુક પ્રકારના બેક્ટેરિયા મળ્યા, જેમાંથી અમુક રંગબેરંગી છે. વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયામાંથી પીળો, કથ્થઈ (બ્રાઉન) જેવા રંગોનો અર્ક કાઢ્યો, તેને સફેદ રંગના દોરામાં મેળવ્યો, આ રંગ ટકે છે કે નહીં, સૂર્યકિરણોની તેને કેવી અસર થાય છે, ખારા (વધુ ક્ષારવાળા) પાણીમાં રંગ કેટલો સમય રહે છે, વગેરે પ્રયોગો કર્યા. બધા જ પ્રયોગો સફળ રહ્યા. હવે આ પ્રકારના રંગનું વ્યાવસાયિક ઉત્પાદન કરી શકાય તેમ છે. તેના પર પણ પ્રયોગો ચાલુ છે.

તેવી જ રીતે વૃક્ષોની વૃદ્ધિ માટે તેને ખાતર આપવાના બદલે માઇક્રોબ્સ (માઇક્રોસ્કોપમાંથી જ જોઈ શકાય તેવા જીવો) આપીને પ્રયોગો કરી જોવાયા છે. આ પ્રયોગો પણ સફળ થયા છે. રાઇસોબિયન બેક્ટેરિયા લેગ્યુમિનસ પ્રકારની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજન જમા કરે છે. જે જમીનની માટીમાં ભળી જાય છે. આ બેક્ટેરિયા વનસ્પતિની વૃદ્ધિમાં મદદરૃપ થાય છે.

કચ્છના સૂકા વાતાવરણમાં ‘ગાઇડ’ દ્વારા મશરૃમ ઉગાવવાનો સફળ પ્રયોગ પણ કરાયો હતો. મશરૃમ સામાન્ય રીતે ભેજવાળી અને અંધારી જગ્યાએ થાય છે. પ્રયોગ માટે શણના ખાલી કોથળા એેક ઓરડામાં લગાવીને ભેજ ઉત્પન્ન કરી, ત્યાં ખાઈ શકાય તેવા બટન મશરૃમ ઉગાડ્યા હતા. આ અંગે આંગણવાડીના કાર્યકરોને અને ૩૦ જેટલી અન્ય મહિલાઓને પણ તાલીમ આપી હતી. આ લોકો પોતાની રીતે મશરૃમ ઉગાડીને રોજગારી મેળવી શકે તેમ છે. આ ઉપરાંત કચ્છના રણમાં ૪૦થી ૧૭૦ સુધીની ખારાશ (સેલિનિટી) સહન કરી શકે તેવા માઇક્રોબ્સમાંથી બાયોડીઝલ બનાવવા પણ પ્રયોગો કરાયા હતા.

આ બધા પ્રયોગો પ્રાયોગિક ધોરણે સફળ રહ્યા હોવા છતાં વ્યાવસાયિક ધોરણે આગળ વધારવામાં સરકારી આર્થિક સહાય મળવામાં મુશ્કેલી પડે છે. તેથી તે રોજબરોજના વપરાશ માટે તાત્કાલિક રીતે ઉપયોગી થઈ શકતા નથી. બાયોપ્લાસ્ટિક માટે વ્યાવસાયિક રીતે આગળ વધવા જેવી સહાય જરૃરી છે તેવી જ સહાય અન્ય પ્રયોગોનાં ફળો લોકો સુધી પહોંચાડવા માટે જરૃરી છે. સરકારની સાથે જો કોઈ ખાનગી ઉદ્યોગગૃહ પણ આગળ આવે તો અનેક લોકો માટે આ પ્રયોગો ખૂબ ઉપયોગી સાબિત થાય તેમ છે.
————————

કચ્છબાયો-પ્લાસ્ટિકસુચિતા બોઘાણી કનલ
Comments (0)
Add Comment