જૈન શાસનનો ‘જયઘોષ’ સદીઓ સુધી રણક્યા કરશે….!

ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ તા. ૧૩ નવે. ૨૦૧૯ના દિવસે કાળધર્મ પામ્યા.
  • ભાવાંજલિ – રોહિત શાહ

મૂળ પાટણના વતની, જવાહર નામના ૧૪ વર્ષના કિશોરે, પ્રવ્રજ્યાપંથે પ્રયાણ કર્યું હતું. મુનિ જયઘોષવિજય નામથી શરૃ થયેલી તેમની સંયમયાત્રા ગચ્છાધિપતિ પદના શિખર સુધી પહોંચી હતી. કુલ ૬૯ વર્ષનું સંયમી જીવન જીવીને ૮૩ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યા. તેમની આ જીવનયાત્રામાં એવું તે શું હતું કે હજારો-લાખો શ્રદ્ધાળુઓ તેમના અનુયાયી બનવા, આજ્ઞાંકિત બનવા તત્પર રહેતા હતા?

વર્તમાન જૈન સમાજ જેના માત્ર નામશ્રવણથી જ શ્રદ્ધાપૂર્વક સમર્પિત થઈ જવા થનગનતો હતો એવા, ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ તા. ૧૩ નવે. ૨૦૧૯ના દિવસે કાળધર્મ પામ્યા. તા. ૧૪ નવે.ના રોજ તેઓની પાલખીયાત્રા અને અંતિમ સંસ્કાર થયા હતા.

જૈન સાધુના અવસાન માટે અદ્ભુત શબ્દ  ‘કાળધર્મ’ પ્રયોજાય છે. તીર્થંકરો ‘નિર્વાણ’ પામે છે અને જૈન સાધુ કે સાધ્વીજી ‘કાળધર્મ’ પામે છે. કાળ (સમય)નો ધર્મ છે કે દરેક વસ્તુનો નાશ કરવો. કાળ પોતે ક્યારેય નાશ પામતો નથી, કાળને આદિ કે અંત હોતા નથી, પણ એ બીજી તમામ બાબતોનો નાશ કરે છે! આ એનો ધર્મ છે. સામાન્ય માણસ મૃત્યુ કે અવસાન પામે છે, પરંતુ જેણે જીવનનો ધર્મ શોધી લીધો હોય છે, એ કાળધર્મ પામે છે.

અસ્તિત્વ એટલે માત્ર હોવું અને વ્યક્તિત્વ એટલે કંઈક વિશેષ હોવું. અસ્તિત્વ નાશ પામી શકે છે, વ્યક્તિત્વ ચિરંજીવ હોય છે. મૂળ પાટણના વતની, જવાહર નામના ૧૪ વર્ષના કિશોરે, પ્રવ્રજ્યાપંથે પ્રયાણ કર્યું હતું. મુનિ જયઘોષવિજય નામથી શરૃ થયેલી તેમની સંયમયાત્રા ગચ્છાધિપતિ પદના શિખર સુધી પહોંચી હતી. કુલ ૬૯ વર્ષનું સંયમી જીવન જીવીને ૮૩ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યા. તેમની આ જીવનયાત્રામાં એવું તે શું હતું કે હજારો-લાખો શ્રદ્ધાળુઓ તેમના અનુયાયી બનવા, આજ્ઞાંકિત બનવા તત્પર રહેતા હતા?

જગતમાં કોઈ પણ વ્યક્તિ ચાર બાબતોથી પ્રતિષ્ઠા પામે છે ઃ પ્રજ્ઞા, પ્રતિભા, પ્રકૃતિ અને પારદર્શિતા.

૦૧. પ્રજ્ઞા એટલે જ્ઞાન. જ્ઞાન માત્ર ગોખેલું ન હોય, કિંતુ ભવિષ્યને ઉજ્જ્વળ કરનારું અને સહુના વિકાસની દિશા બતાવનારું હોય એ ઇચ્છનીય છે. ગોખેલા વાસી જ્ઞાનને વળગી રહેનારો માણસ અલ્ટિમેટલી કશું પામતો નથી હોતો. એનું જ્ઞાન સમયની સાથે પરિષ્કૃત થતું રહેવું જોઈએ.

આચાર્યશ્રી જયઘોષસૂરિજી મહારાજ જૈન આગમ શાસ્ત્રોના ઊંડા જાણકાર હતા, અભ્યાસુ હતા. તેમણે શાસ્ત્રોનો અભ્યાસ પોતે પણ કર્યો અને અનેક સાધુ-સાધ્વીજી મહારાજને કરાવ્યો પણ હતો. શાસ્ત્રોના જ્ઞાનની બાબતમાં તેઓ હરતીફરતી પાઠશાળા-જ્ઞાનશાળા સમાન હતા.

૦૨. પ્રતિભા એટલે કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સામર્થ્ય. એ સામર્થ્ય કલાજગતનું હોય, વેપારઉદ્યોગનું હોય, સાહસ-પરાક્રમનું હોય, રમતગમતનું હોય, શિક્ષણ અને વિજ્ઞાનનું હોય કે આધ્યાત્મિક પણ હોય.

આચાર્યશ્રી જયઘોષસૂરિજી મહારાજની આધ્યાત્મિક પ્રતિભા સાત્ત્વિકતાથી સભર હતી. એમની પાસે જનારને આડંબરયુક્ત કશી ઝાકઝમાળ જોવા ન મળે, પરંતુ કોઈ દિવ્ય ચેતનાનો સાક્ષાત્કાર અવશ્ય થતો હતો. એમની પ્રતિભાની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ પોતાની મર્યાદાઓ જાણતા-સમજતા હતા અને પોતાની વિશેષતાઓથી વાકેફ હતા. તેઓ જાણતા હતા કે પોતે સારા વ્યાખ્યાનકાર કે પ્રવચનકાર નથી, એટલે બહુ અનિવાર્ય હોય ત્યારે જ વ્યાખ્યાન આપતા, પરંતુ સારું વ્યાખ્યાન કોને કહેવાય એની એમને ખબર હતી, એટલે એમણે પોતાના શિષ્યોને સારા વ્યાખ્યાનકાર બનાવવાની કોશિશ કરી. અનેક સાધુ-સાધ્વીજી મહારાજને શાસ્ત્રોનું જ્ઞાન તો આપ્યું જ, પણ એ જ્ઞાન વિશાળ ભક્તસમૂહ સુધી ક્યારે, કેટલું અને કઈ રીતે પહોંચાડવું તેની ખૂબી શીખવાડી. વક્તવ્ય-અભિવ્યક્તિની કળા (જીંઅઙ્મી ર્ક ૅિીજીહંટ્ઠંર્ૈહ) શીખવાડી. શ્રોતાઓ સામે ડોળા કાઢી-કાઢીને કે શ્રોતાઓનું ઇન્સલ્ટ થાય એવા વાહિયાત પ્રશ્નો પૂછી-પૂછીને સારા વ્યાખ્યાતા ન બની શકાય, એવું કેટલાક જ્ઞાની વ્યાખ્યાનકારો પણ જાણતા નથી હોતા. આચાર્યશ્રી જયઘોષસૂરિજી મહારાજ જાણતા હતા કે પોતાનો પ્રભાવ પાડવા માટે નહિ, પરંતુ સામે બેઠેલા જિજ્ઞાસુ-સમૂહના હૃદયમાં સાચી અને સાત્ત્વિક વાત પહોંચાડવા માટે વ્યાખ્યાન આપવાનું હોય છે. જો તમે તમારો પ્રભાવ પાડવા પ્રયત્ન કરશો તો તમે સારા વક્તા નહીં બની શકો. તમારા શબ્દોમાં એવી તાકાત છલકાવજો કે જેથી એ શબ્દ અને એનો અર્થ બંને શ્રદ્ધેય બની જાય.

૦૩. પ્રકૃતિ એટલે સ્વભાવ, દાનત, નિષ્ઠા. માણસ પાસે ગમે તેટલું જ્ઞાન હોય અને એની પ્રતિભા ગમે તેટલી પ્રભાવક હોય, પણ જો એની પ્રકૃતિ સર્વસ્વીકૃત ન હોય તો એની કિંમત ફૂટી કોડીની પણ નથી.

આચાર્યશ્રી જયઘોષસૂરિજી મહારાજ શાસ્ત્રાર્થ અને સંયમ બંનેના શિખર પર બિરાજમાન હોવાથી ધીરગંભીર અને શાંત હતા. એમની વાણી સાંભળનારને એમની દરેક વાત અનુભવસિદ્ધ લાગતી. તેમનો શાંત અને પ્રસન્ન ચહેરો એમના શુદ્ધ સાધુત્વનો પર્યાય બની ગયો હતો. તેઓ તપગચ્છ સાધુ પરંપરાના સર્વોચ્ચ સ્થાને હતા. સાંપ્રદાયિક સંકુચિતતાઓને તેઓ ગાંઠતા નહોતા. અન્ય સમુદાયનાં સાધુ-સાધ્વીજીની સારી બાબતને તેઓ એપ્રિશિયેટ કરતા હતા. પોતે ગુણગ્રાહી હોવાથી દરેક વ્યક્તિની ગુણવત્તાનું અનુમોદન કરનારા હતા. આચાર્યશ્રી જયઘોષસૂરિજી મહારાજ પોતાની સહજ પ્રકૃતિના કારણે સમગ્ર જૈન સમાજ માટે બ્રાન્ડ નેમ બની ગયા હતા.

૦૪. ચોથી બાબત છે પારદર્શિતા. પારદર્શિતા એટલે સરળતા અને સહજતા. માણસ પાસે ભલે બીજું કશું જ ન હોય, પણ જો એનું વ્યક્તિત્વ પારદર્શક હશે તો લોકો એને પોતાની પાસે બેસાડવા જગા કરી આપશે.

આચાર્યશ્રી જયઘોષસૂરિજી મહારાજ પારદર્શિતાનો પુરસ્કાર કરનારા હતા. આવું કામ એ જ વ્યક્તિ કરી શકે જે સ્વયં પારદર્શી હોય. આપણે તો આપણી લાઇફમાં કેટ-કેટલું છુપાવી રાખવું પડતું હોય છે! સાચા સાધુત્વની પહેચાન એ છે કે તેની પાસે કશું છુપાવવા જેવું ન હોય અને કશું ખોવાઈ જવાનો તેને ભય ન હોય. તેમને મળવા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે જઈ શકતી હતી. એમની તબિયત નાદુરસ્ત હોય કે પોતે અભ્યાસ કરવા બેઠા હોય ત્યારે પણ કોઈ મુલાકાતીને પાછા જવું પડતું નહોતું. ભલે થોડી ક્ષણો માટે પણ, તેઓ એ વ્યક્તિને અચૂક મળતા હતા. એક વખત પર્યુષણ પ્રસંગે તેઓશ્રીને મળીને આજના યુગની જનરેશન માટે તેમનો શુભેચ્છા-સંદેશ મેળવવા માટે હું ફર્સ્ટ ટાઇમ તેમને મળવા ગયો હતો. ઉંમરને કારણે તેમની તબિયત અસ્વસ્થ હતી. એમણે મને કહ્યું કે મારા વતી આચાર્યશ્રી જયસુંદરસૂરિ મહારાજ તમને સંદેશો આપશે. આચાર્યશ્રી જયસુંદરસૂરિશ્વરજી મહારાજ પાસેથી મને લખાણ મળી ગયું. કોઈકને ઉપયોગી થવું એ એમના સ્વભાવ સાથે જોડાયેલી એક બાબત હતી.

વિવાદના નહીં, સંવાદના સમર્થક ઃ
ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજનું નામ ક્યારેય કોઈ વિવાદમાં આવ્યું નથી. સામાન્ય રીતે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં કેટલાક પ્રોબ્લેમ્સ હોય છે. ક્યારેક મમત્વને કારણે એ પ્રશ્નો વધારે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા હોય છે. ઘણી વખત સૈદ્ધાંતિક બાબતોને કારણે બે પક્ષો વચ્ચે વિવાદ અને ઘર્ષણ થતું જોવા મળે છે; પરંતુ ગચ્છાધિપતિશ્રી કોઈ પણ વિવાદ ન થાય એ માટે દરેક પ્રશ્નનું સમાધાન પ્રથમ વિચારતા હતા અને તેમને હૈયાસૂઝથી સમાધાન મળી પણ જતું! તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે માણસ સંઘર્ષમાં ઊતરવાનું ન ઇચ્છે તો સંઘર્ષ પેદા થવાનું કોઈ કારણ જ ન રહે. માણસ સમાધાન માટે માત્ર એક દરવાજો ખોલવા તૈયાર થશે તો તેની સામે અનેક દરવાજા આપોઆપ ખૂલી જશે!

એમના દાદાગુરુ આચાર્યશ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજને એમની બહુશ્રુત અને બહુમુખી સાત્ત્વિક પ્રતિભાનો પરિચય થઈ ચૂક્યો હતો. એટલે જ તો અગાઉથી ભવિષ્યમાં તેમને પોતાના સમુદાયના સર્વોચ્ચ સ્થાને બેસાડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી! દાદાગુરુની આ ઇચ્છાને આજ્ઞા સમજીને એ વખતે અન્ય વડીલ આચાર્ય મહારાજ તથા પંન્યાસ મહારાજ વગેરેએ સહર્ષ શિરોમાન્ય કરી હતી. તેમણે એવી ભલામણ પણ કરી હતી કે ભવિષ્યમાં જ્યારે જ્યારે જૈન સંઘ, સિદ્ધાંત કે શાસ્ત્ર બાબતે કોઈ વિચારણા કરવાની થાય ત્યારે મુનિ જયઘોષવિજયની સલાહ લેવી. એ મુનિ જયઘોષવિજય પછી તો આચાર્ય અને ગચ્છાધિપતિ પદ સુધી પહોંચ્યા અને સેંકડો સાધુ-સાધ્વીજી મહારાજના ગણનાયક તરીકે તેમનું સુકાન સંભાળ્યું.

લાભ લેવાનો નહીં, ધર્મલાભ આપવાનો! ઃ
ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિજી મહારાજ પાસે ભક્તોની કોઈ ખોટ નહોતી. શ્રીમંત ભક્તો પણ ખરા અને અઢળક શ્રદ્ધા ધરાવતા ભક્તો પણ ખરા. તેમની એક આજ્ઞા થતાં જ એનું પાલન કરવા ઉત્સુક બની જાય એવા યુવાનો પણ ખરા અને તેમના માર્ગદર્શન અનુસાર સંઘ કે સંસ્થાના વહીવટને સુધારવા સહમત થાય એવા ટ્રસ્ટીઓ પણ ખરા. પોતાનો આટલો વિશાળ ભક્તગણ હોવા છતાં ગચ્છાધિપતિશ્રી એમની પાસેથી કોઈ અંગત લાભ મેળવવાની વૃત્તિ રાખતા નહોતા. સૌને ‘ધર્મલાભ’ આપવા સિવાયની કોઈ વાત એમને મંજૂર નહોતી.

જૈન સંઘ અને જૈન શાસન માટે સમર્પિત ઃ
સાધુ હોવાને કારણે જૈન શાસન પ્રત્યે તેમની નિષ્ઠા હોવી સ્વાભાવિક હતી. સાથેસાથે તેઓ જૈન સંઘના ઉત્કર્ષ માટે પણ સતત ચિંતા અને ચિંતન કરતા હતા. એ માટે પ્રેરણા આપતા હતા. પોતાના છેલ્લા ચાતુર્માસ દરમિયાન અમદાવાદમાં ઓપેરા જૈન સંઘ(પાલડી)ની નવી જનરેશન સાથે આયોજન કરીને તેમણે ‘વર્ધમાન ભક્તિ ગ્રૂપ’ની સ્થાપના કરી હતી. વર્તમાન ભક્તિ ગ્રૂપના યુવાનો સંઘનાં વિવિધ કાર્યોમાં તેમજ પાઠશાળાના વિકાસ માટે સક્રિય બને એવા ઉદ્દેશથી તેની સ્થાપના કરવામાં આવી છે. એ સિવાય માર્ચ ૨૦૧૮માં આચાર્યશ્રી મહાબોધિવિજયજી મહારાજની પ્રેરણાથી શરૃ થયેલી સંસ્થા

‘સુકૃત સેન્ટર’નું ઉદ્ઘાટન ગચ્છાધિપતિશ્રીના હસ્તે અને તેમના આશીર્વાદથી ઓપેરા જૈન સંઘમાં થયું હતું. આ સુકૃત સેન્ટર ધાર્મિક શિક્ષણ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે, સાધુ-સાધ્વીજીની વેયાવચ્ચ (સેવા) અને સાધર્મિક ભક્તિનાં કાર્યો કરે છે. દર મહિનાના પહેલા શનિવારે વિવિધ વિદ્વાન વક્તાઓનાં વ્યાખ્યાનોનું આયોજન કરીને નવી જનરેશન ધર્મના માર્ગે સુદ્રઢ બને એવી પ્રેરણા આપવાનો પુરુષાર્થ આ સંસ્થા કરે છે. દિવાળી વગેરે પર્વોત્સવ પ્રસંગે આર્થિક નબળા જૈન પરિવારોને ઓછી કિંમતે અથવા વિનામૂલ્યે મીઠાઈ વહેંચવા સહિતની અનેક પ્રવૃત્તિઓ સંસ્થાના સૂત્રધાર શ્રી અમરભાઈ ઠાકોરભાઈ શાહના નેતૃત્વમાં ચાલી રહી છે.

તેઓ વિહાર દરમિયાન અથવા ચાતુર્માસ સ્થિરતા પ્રસંગે કોઈ પણ જૈન સંઘના સંપર્કમાં આવે અને એ સંઘમાં કોઈ સમસ્યા હોય કે નાનામોટા પ્રશ્નો હોય તો એનું સમાધાન શાસ્ત્રીય રીતે છતાં સમયની અનુકૂળતા અનુસાર કરી આપતા હતા. આ કારણે સહુ એમની પાસેથી માર્ગદર્શન મળે તેવા હેતુથી તેમને મળતા. વિરોધી વ્યક્તિનો મત કે વિચાર પણ સાચો હોઈ શકે એવી સંભાવના વ્યક્ત કરતો જૈન ધર્મનો સૌથી

ઉત્કૃષ્ટ સિદ્ધાંત ‘અનેકાંતવાદ’, ગચ્છાધિપતિના શ્વાસેશ્વાસે ચરિતાર્થ થયેલો સહુએ અનુભવ્યો હતો. સાથેસાથે એમની સ્મરણશક્તિ પણ વિસ્મયકારક હતી. આ કારણે તેઓ શાસ્ત્ર-આધારિત ઉકેલ આપવામાં સૌથી પારંગત અને પારદર્શક પુરવાર થઈ ચૂક્યા હતા.

અન્ય સમુદાયનાં સાધુ-સાધ્વીજી સાથે આદરભર્યો વ્યવહાર ઃ
ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ પોતાના સમુદાયનાં સાધુ-સાધ્વી માટે વાત્સલ્યનો વ્યવહાર રાખતા હતા, એ જ રીતે અન્ય સમુદાયનાં સાધુ-સાધ્વીજી મહારાજ સાથે વાત્સલ્ય અને આદરભર્યો વ્યવહાર કરતા હતા. કલીકુંડ તીર્થોદ્ધારક આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજના શિષ્ય આચાર્યશ્રી રાજશેખરસૂરિશ્વરજી મહારાજને જ્યારે ગચ્છાધિપતિ પદ અર્પણ કરવાનું હતું ત્યારે પોતે નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી શકે તેમ નહોતા ત્યારે તેમણે પોતાના સમુદાયના આચાર્યશ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજને કલીકુંડ મોકલીને પોતાની પ્રતીકાત્મક ઉપસ્થિતિ અને છલોછલ આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓ જૈન સાધુનું વર્તમાન યુગનું સૌથી શ્રદ્ધેય ઉદાહરણ હતા.

જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ગની‘,
હોય ના વ્યક્તિ
ને એનું નામ બોલાયા કરે !

કવિ ‘ગની દહીંવાળાની આ પંક્તિને સાર્થક કરી જનાર ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજને ભાવાંજલિ.
——-.

આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજે આપેલી હિતશિક્ષા
બીજાના આર્ત્તધ્યાનમાં નિમિત્ત ન બનવું. બીજાની પ્રસન્નતા માટે લક્ષ્ય રાખવું. આપણુ જતું કરી, જાતનું નુકસાન વેઠીને પણ બીજાની પ્રસન્નતા વધારવી. બીજા સાથે મીઠાં વ્યવહાર-વચન રાખવાં. અકળાવાથી કર્મ સારું ફળ નથી આપતું, પરંતુ લેટ-ગો કરવાથી -જતું કરવાથી કર્મ સારું ફળ આપે છે. બીજાની પ્રશંસા કરો, એમનું ગૌરવ કરો; પણ જાત માટે એવી કોઈ અપેક્ષા કે ઇચ્છા ન રાખો. બસ, એટલું સમજી લેવું કે બીજાને આધારે આપણને શાંતિ અને સમાધિ છે અને આપણે જીવી રહ્યા છીએ!
—————————-

આચાર્યશ્રી જયઘોષસૂરિજી મહારાજજૈન શાસનરોહિત શાહ
Comments (0)
Add Comment