- કવર સ્ટોરી – હિંમત કાતરિયા
૧૯૮૯નું વર્ષ ધાર્મિક અને રાજકીય બંને સ્વરૃપે ભારે ગરમાગરમીનું રહ્યંુ હતું. ૧૯૮૬માં રામમંદિરનાં તાળાં ખૂલ્યાં એ સાથે સદીઓ જૂનાં મંદિર-મસ્જિદ વિવાદને જાણે કે હવા મળી ગઈ અને એની પરિણતિ ૧૯૮૯માં રામમંદિરના શિલાન્યાસ સ્વરૃપે થઈ. રામમંદિરના શિલાન્યાસમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે ભાજપનો ફાળો તો હતો જ, પરંતુ કોંગ્રેસનું યોગદાન પણ ઓછું નહોતું. આવો સમજીએ.
આખરે ૯ નવેમ્બર, ૧૯૮૯ના રોજ રામજન્મભૂમિનો શિલાન્યાસ થયો તેની ભૂમિકા ૧૮૮૬માં બંધાઈ હતી, જ્યારે રાજીવ ગાંધી સરકાર સમયે આ સ્થળે તાળાં ખૂલ્યાં હતાં. તાળાં માત્ર આ જગ્યાના જ નહીં, અનેક શંકાઓના પણ ખૂલ્યાં હતાં. એ જોગાનુજોગ છે કે નિયતિ, બરાબર ૩૦ વર્ષ પછી એ તમામ શંકાઓનું સમાધાન પણ ૯ નવેમ્બર, ૨૦૧૯ના દિવસે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ આપ્યું છે.
૧૯૮૯ દેશમાં લોકસભાની ચૂંટણીઓનું વર્ષ હતું. રાજકીય પક્ષો લોકો પાસે મત માગવા માટેના રાજકીય મુદ્દાઓની શોધમાં હતા. વિપક્ષી દળોએ ધર્મથી લઈને જાતિવાદ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ઉછાળ્યા હતા. એ સિવાય ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીનું રાષ્ટ્રીય ફલક પર ઝડપથી ઊભરવું અને તેમની રથયાત્રાની સફળતા રાષ્ટ્રીય રાજનીતિ પર અસર ઊભી કરી રહી હતી. બીજી તરફ, સત્તાધારી પક્ષ શાહબાનો કેસ, બોફોર્સ કાંડ, પંજાબ, કાશ્મીર અને શ્રીલંકામાં તેમની ભૂમિકાને લઈને આરોપીના કઠેડામાં ઊભો હતો. એ સિવાય વી.પી. સિંહ જેવા કદાવર નેતાનું કોંગ્રેસ છોડીને જનતાદળમાં ભળી જવું કોંગ્રેસ માટે ભારે દબાણનું કામ કરી રહ્યું હતું. આ દબાણો વચ્ચે કહોને કે દબાણને ધ્વસ્ત કરવા રાજીવ ગાંધી સરકારે રામજન્મભૂમિ શિલાન્યાસનો ટ્રમ્પ કાર્ડ તરીકે ઉપયોગ કરવાનું વિચાર્યું હતું. રાજીવ ગાંધી સરકારે ભલે એકદમ એવું વિચાર્યું હોય તો પણ લોકો વચ્ચે એવો સંદેશો તો જરૃર ગયો.
કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓનું માનવું હતું કે ૧૯૮૬માં મંદિરનું તાળું ખોલાવ્યંુ એટલા માત્રથી શાહબાનો કેસનું ડેમેજ કન્ટ્રોલ નહોતું થતું. આ નેતાઓને લાગતું હતું કે સમાજનો મોટો ભાગ આજે પણ તેમને મુસ્લિમોના તુષ્ટિકરણ માટે જવાબદાર માને છે. આ અસમંજસે પણ રાજીવ ગાંધી સરકારને એક ડગલું આગળ ભરીને શિલાન્યાસ જેવા કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ મામલે વધુ એક રસપ્રદ વળાંક આવ્યો. વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને નિવૃત્ત ન્યાયાધીશ દેવકી નંદન અગ્રવાલે ૧ જુલાઈ, ૧૯૮૯ના રોજ ફૈજાબાદની એક અદાલતમાં રામના મિત્ર રૃપે દાવો દાખલ કરી દીધો. તેમનો દાવો હતો કે રામ અને જન્મસ્થાન બંને પૂજ્ય છે અને તેઓ જ આ સંપત્તિના માલિક છે. અલબત્ત, તેમણે એ સ્વીકાર્યું કે ૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ રામ ચબૂતરાની મૂર્તિઓ મસ્જિદની અંદર મૂકવામાં આવી હતી.
એ જ વર્ષે ૨૪ સપ્ટેમ્બર, ૧૯૮૯ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારી (ચરિત્રને કારણે કુખ્યાત એવા એન.ડી. તિવારી)એ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સાથે એક મિટિંગ કરી. આ મિટિંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી બૂટા સિંહ પણ સામેલ હતા. એ બેઠકમાં દેશનાં અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવનારા શિલાન્યાસ કાર્યક્રમો વિશે ચર્ચા થઈ. એ સિવાય તેમાં ૯ નવેમ્બરે અયોધ્યામાં રામજન્મભૂમિ પર થવા જઈ રહેલા શિલાન્યાસ અંગે પણ ચર્ચા થઈ. આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ ઉપર સર્વસંમતિ સધાઈ. આ સર્વસંમતિ સામાન્ય રૃપે દેશમાં શાંતિ અને પરસ્પર ભાઈચારાને બગડવા નહીં દેવા મુદ્દે સધાઈ હતી. મહત્ત્વની વાત એ છે કે રાજીવ ગાંધીના એકદમ નિકટના હોવા છતાં નારાયણ દત્ત તિવારી રાજીવ ગાંધીના શિલાન્યાસના કાર્યક્રમ સાથે સંમત નહોતા. આ કારણે જ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ૮ નવેમ્બરની સવારે કેન્દ્રીય મંત્રી બૂટા સિંહને લખનૌ મોકલ્યા હતા.
ખૈર, તમામ ખેંચતાણો વચ્ચે શિલાન્યાસનો દિવસ પણ આવી ગયો. ૯ નવેમ્બરે કાયદેસર મુહૂર્ત જોઈને એકદમ વિધિ-વિધાન સાથે ભૂમિનું પૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યો. ભૂમિપૂજન સ્વામી વામદેવે કર્યું. વાસ્તુપૂજા પંડિત મહાદેવ ભટ્ટ અને પંડિત અયોધ્યા પ્રસાદે કરાવી. શિલાન્યાસ માટે મહંત અવૈધનાથે પાવડો ચલાવ્યો.
અહીં ઉલ્લેખનીય વાત એ છે કે શિલાન્યાસની પહેલી શિલા પાંત્રીસ વર્ષીય દલિત યુવક કામેશ્વર ચૌપાલના હાથે રાખવામાં આવી. એક દલિત યુવકના હાથે આ કાર્યક્રમ સામાજિક સમરસતાના રૃપમાં જોવાઈ રહ્યો હતો અને આ જ કોશિશ રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતાઓ અને વિશ્વ હિન્દુ પરિષદની હતી. એ સમયે આંદોલન સાથે જોડાયેલા અશોક સિંઘલ સહિતના તમામ મોટા નેતા હાજર હતા.
એક તરફ આ કાર્યક્રમ થઈ રહ્યો હતો ત્યારે બીજી તરફ બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ તેનો વિરોધ કરી રહી હતી. તેમણે શિલાન્યાસના વિરોધમાં એક રેલી કાઢી અને ધરપકડો વહોરી. આમાં રસપ્રદ વાત એ હતી કે સમિતિના નેતાઓ અને ઉલેમૌઓએ બાદમાં એવું નિવેદન આપ્યું કે બાબરી મસ્જિદ સુરક્ષિત છે. શિલાન્યાસ વિવાદિત કબ્રસ્તાનની જમીન ઉપર થયો છે. આ પ્લાન નંબર ૫૮૨ છે. એક રીતે કહીએ તો સમિતિએ સરકારની નિયત સામે સવાલ ઊભો કરી દીધો હતો. સમિતિનું માનવું હતું કે સરકારે હિન્દુઓને પણ ગુમરાહ કર્યા છે.
શિલાન્યાસ પછી રાજીવ ગાંધીએ પોતાના ચૂંટણી અભિયાનની શરૃઆત ફૈજાબાદથી કરી અને રામ રાજ્યની સ્થાપનાનો નારો આપ્યો હતો. નાગપુરમાં રાજીવ ગાંધીએ એક જનસભામાં રામજન્મભૂમિ શિલાન્યાસનો શ્રેય પોતાની પાર્ટી અને સરકારને આપ્યો. તેનો તેમને ચૂંટણીમાં કેટલો ફાયદો મળ્યો તે તો અત્યારે ઇતિહાસની વાત છે.
—.
શિલાન્યાસનાં ચાર પાત્રો
રાજીવ ગાંધીઃ વડાપ્રધાન થઈને ૧૯૮૬માં વિવાદિત સ્થળનાં તાળાં ખોલાવીને બાદ ૧૯૮૯માં મંંદિર નિર્માણના શિલાન્યાસમાં પણ પ્રમુખ ભૂમિકા ભજવી હતી. અલબત્ત, આ રાજીવ ગાંધીની ચૂંટણી ચાલ હતી. તેમણે એવું વલણ અપનાવ્યંુ કે જેથી રામમંંદિરના નિર્માણમાં કોઈ વિવાદ ન થાય અને મસ્જિદ પણ સલામત રહે, પરંતુ ૧૯૯૧માં તેમની હત્યા બાદ તેમની નીતિઓને યોગ્ય રીતે આગળ વધારવામાં ન આવી.
કામેશ્વર ચૌપાલઃ બિહારના સહરસાના એક દલિત પરિવારમાંથી આવતા ૩૫ વર્ષીય કામેશ્વરે રામમંદિરના શિલાન્યાસનો પહેલો પથ્થર રાખ્યો હતો. તે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર હતા. ત્યારે કામેશ્વર ઘટનાસ્થળે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના લોકો સાથે હાજર હતા. શિલાન્યાસ કાર્યક્રમમાં વીએચપીના નેતાઓએ તેમની પાસે પહેલી ઈંટ મુકાવી.
બૂટા સિંહઃ ભારતના તત્કાલીન ગૃહમંત્રી બૂટા સિંહ શિલાન્યાસના એક દિવસ પહેલાં તમામ મુસ્લિમ સમૂહો અને અલાહાબાદ હાઈકોર્ટના સબ-રજિસ્ટ્રાર સાથે વિવાદિત સ્થળે પહોંચ્યા. બૂટા સિંહે ત્યા હાજર સંઘ પરિવાર અને તેમના સાથી પક્ષોને શિલાન્યાસ માટે એકમત થવા માટે રાજી કર્યા. બૂટા સિંહને ક્યાં ખબર હતી કે આ પગલું ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસને મૂળ સોતી ઉખેડી નાખશે.
નારાયણ દત્ત તિવારીઃ રામમંદિરના શિલાન્યાસ સમયે ઉત્તર પ્રદેશમાં એન.ડી. તિવારી મુખ્યમંત્રી હતા. તિવારી વડાપ્રધાનના શિલાન્યાસ કાર્યક્રમ સાથે સંમત નહોતા. તેમની અસંમતિ છતાં વડાપ્રધાનના નિર્ણય સાથે રહ્યા અને એક મુખ્યમંત્રી તરીકે સહયોગ કર્યો. એન.ડી. તિવારી ઉપર કેન્દ્રિય ગૃહમંત્રીને બેસાડીને વડાપ્રધાન રાજીવ ગાંધીએ એમનો અવાજ દબાવી દીધો હતો.
———————–