કોઈ નિર્ણય ન લેવો એ જ એક નિર્ણય હતો

જ્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે દરરોજ સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો ત્યારે તેમની પાસે આ મામલામાં કેટલાક નિર્ણયો લેવાની સ્વતંત્રતા રહી નહોતી
  • કવર સ્ટોરી – માધવ ગોડબોલે

તાજેતરમાં એક પુસ્તક બહાર પડ્યું છે – ધ બાબરી મસ્જિદ, રામ મંદિર ડિલેમાઃ એન એસિડ ટેસ્ટ ફૉર ઇન્ડિયન કૉન્સ્ટિટ્યૂશન‘. આ એક મહત્ત્વપૂર્ણ પુસ્તક છે. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ કરવામાં આવી હતી. તે સમયે આ પુસ્તકના લેખક માધવ ગોડબોલે કેન્દ્રિય ગૃહ સચિવ હતા. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમની તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભૂમિકા શું રહી હતી, તેની મહત્ત્વપૂર્ણ માહિતી આ પુસ્તકમાં છે. હાલના સમયે આ પુસ્તક બહાર પડવું એ પણ ઘણુ મહત્ત્વનું છે. તેનું કારણ છે કે રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસનો ન્યાયિક ચુકાદો હવે આવી ગયો છે. ગોડબોલેના આ પુસ્તકમાં સમગ્ર ઘટનાક્રમ સાથે જોડાયેલી ઘણી ગુપ્ત અને ચોંકાવનારી માહિતી રજૂ કરવામાં આવી છે.

ટોળાં દ્વારા એક કલાકમાં જ બાબરી મસ્જિદ તોડી પાડવાની અચાનક બનેલી ઘટના અને તેમાં તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવની ભૂમિકા વિશે ઘણુ બધું લખાઈ ગયું છે, પરંતુ શું તે ખરેખર લાંબા સમયથી કારસેવકોના રોષને દબાવવાનું અને તેના અચાનક ફાટી નીકળવાનું જ પરિણામ હતું?, જેનો વારંવાર દાવો કરવામાં આવે છે. શંકા એટલા માટે પણ ઊભી થાય છે કે આટલી મોટી મસ્જિદ કોઈ વિસ્ફોટક વિના જ ફક્ત એક કલાકમાં જમીનદોસ્ત કરવામાં આવી. અહીં અમે બચાવમાં કરવામાં આવેલા તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવનાં નિવેદનોનું એક-એક કરીને વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીશું.

આ ઘટના હકીકતમાં તો આપણી બંધારણીય સંસ્થાઓની નિષ્ફળતાનું પણ એક ઉદાહરણ છે. સૌથી સારું એ છે કે, ૬ ડિસેમ્બરની ઘટના સંદર્ભે જે નિર્ણય પ્રક્રિયા રહી તેના પર આપણે ચર્ચા કરીએ. આ ઘટના અંગે પહેલી કેબિનેટ બેઠક મસ્જિદ ધ્વંસ કરાયા બાદ ૬ ડિસેમ્બર, ૧૯૯૨ની સાંજે મળી શકી હતી. આ મુદ્દે રાજકીય બાબતો અંગેની કેબિનેટ સમિતિની પહેલા જેટલી પણ બેઠકો મળી હતી, તેમાંથી મોટા ભાગની અનૌપચારિક જ હતી. કહેવાનો અર્થ એ છે કે કેબિનેટ સચિવાલય સાથે તેનો કોઈ રેકોર્ડ જ નથી. મોટા ભાગની બેઠકોની અધ્યક્ષતા વડાપ્રધાન નરસિંહ રાવે કરી હતી, જેમાં ગૃહ મંત્રી એસ.બી. ચવ્હાણ, સંરક્ષણ મંત્રી શરદ પવાર, માનવ સંસાધન વિકાસ મંત્રી અર્જુન સિંહ, નાણામંત્રી ડૉ. મનમોહન સિંહ પણ સામેલ હતા.

વડાપ્રધાનના મુખ્ય સચિવ એ.એન. વર્મા, વડાપ્રધાનના વરિષ્ઠ સલાહકાર નરેશ ચંદ્રા, કેબિનેટ સચિવ એસ. નેપાલ, કાયદા સચિવ પી.સી. રાય, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના ડાયરેક્ટર વી.જી. વૈદ્ય અને ગૃહ સચિવ એટલે કે હું માધવ ગોડબોલે પણ તેમાં સામેલ થયા હતા.

આમાં સૌથી વધુ સક્રિય અર્જુનસિંહ હતા, જેમનો આ મુદ્દે હસ્તક્ષેપ ઘણીવાર કડવો થઈ જતો હતો. તેમના વિચાર આ મુદ્દા પર મોટા ભાગે વડાપ્રધાનની વિરુદ્ધ જ રહેતા હતા. આવા પ્રસંગોએ બેઠકમાં સોય પડે તોય સંભળાય તેવો સન્નાટો છવાઈ જતો હતો, જેમાં ઘણી વખત હસ્તક્ષેપ કરવાની જરૃર પડતી હતી. મનમોહન સિંહ આવા પ્રસંગો પર ભાગ્યે જ બોલતા હતા. તેઓ બેઠકમાં ભાગ લેવાને બદલે માત્ર દર્શક બની રહેતા હતા. આ બેઠકોના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગીદાર પી.વી. નરસિંહ રાવ, એસ.બી. ચવ્હાણ અને અર્જુન સિંહ હવે આ દુનિયામાં નથી. ત્યાં સુધી કે બે મહત્ત્વના અધિકારીઓ એ.એન. વર્મા અને નરેશ ચંદ્રા પણ હવે નથી. તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા, જેમનો ઉલ્લેખ નરસિંહ રાવે પણ તેમના ઇન્ટરવ્યૂમાં કર્યો હતો, હવે તેઓ પણ આ દુનિયામાં નથી, પરંતુ નરસિંહ રાવ, અર્જુન સિંહ અને શરદ પવાર દ્વારા લખાયેલી-કહેવાયેલી વાતો ઉપલબ્ધ છે. મેં એ મુશ્કેલ સમયના મારા લેખો અને સંસ્મરણોમાં ઘણી વખત તેનો ઉલ્લેખ કર્યો છે.

તે સમયે વડાપ્રધાન નરસિંહ રાવ આ કઠિન ટેસ્ટ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ એવા કેપ્ટન સાબિત થયા જે ખુદ રમી જ રહ્યા નહોતા. ૧૧ મે, ૨૦૦૪ના દિવસે એમ.ડી. નલપતને આપેલા નરસિંહ રાવના પહેલા સત્તાવાર ઇન્ટરવ્યૂનો મેં ઉલ્લેખ કર્યો છે. આ શાનદાર ઇન્ટરવ્યૂ માટે નિશ્ચિતરૃપે નલપત અભિનંદનને પાત્ર છે. આ મુલાકાતમાં રાવ ઘણુ બિનધાસ્ત બોલ્યા છે અને તેમને આ માટે ખૂબ ઉશ્કેરવામાં પણ આવ્યા હતા.

પોતાના બચાવમાં રાવની મુખ્ય દલીલો આ મુજબ છેઃ જ્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે દરરોજ સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો ત્યારે તેમની પાસે આ મામલામાં કેટલાક નિર્ણયો લેવાની સ્વતંત્રતા રહી નહોતી, તે આ કેસમાં કોર્ટે આપેલા તમામ આદેશોનું પાલન કરવા કટિબદ્ધ અને બંધારણની કલમ-૩૫૬ હેઠળ તેમને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની મંજૂરી આપતા નહોતા અથવા ક્યાંક હકીકતમાં એવું કોઈ બંધારણીય સંકટ હતું જ નહીં, રાજકીય બાબતો અંગેની કેબિનેટ સમિતિના બાકીના સભ્યોનો પણ આ પ્રકારનો મત હતો, હું જ્યારે જી-૧૫ દેશોની બેઠક માટે ત્રણ-ચાર દિવસ સેનેગલ ગયો ત્યારે મારા સહયોગીઓને સંપૂર્ણ છૂટ આપીને ગયો હતો કે જો તેમને લાગે કે બંધારણીય સંકટ છે તો તેઓ રાજ્ય સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદી દે, પરંતુ તેમણે એવું કર્યું નહીં. પ્રદેશના રાજ્યપાલે પણ રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ ચેતવણી આપી હતી કે, આવું કરવાથી ફક્ત રાજ્યની જ નહીં, પરંતુ દેશની સ્થિતિ પણ બગડશે. ત્યાર બાદ મુખ્યમંત્રી કલ્યાણસિંહે કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટને વચન (બાંહેધરી) આપ્યું હતું કે બાબરી મસ્જિદને કોઈ નુકસાન થવા દેવામાં આવશે નહીં. તેમનું માનવું હતું કે, કારસેવા શાંતિપૂર્ણ રીતે થશે.

આ ઉપરાંત રાવનું કહેવું હતું કે, ગૃહ સચિવે કોઈ પણ અણધારી ઘટના માટે જે યોજના બનાવી હતી, તે કામ આવી નહીં, ત્યાં સુધી કે અડધી રાતે કેબિનેટે જે યોજના નક્કી કરી તે પણ નિષ્ફળ રહી.

હકીકતમાં એક સવાલના જવાબમાં રાવ કહે છે, ‘ઉપરોક્ત સજ્જને જે યોજના બનાવી હતી તેને તેમણે એટલી ગુપ્ત રાખી હતી કે અંતિમ ક્ષણ સુધી વડાપ્રધાનને પણ તેની કોઈ જાણકારી નહોતી.’ તેનો અર્થ એ કેગૃહ સચિવ એટલે કે હું હવે ‘ઉપરોક્ત સજ્જન’ બની ગયો હતો. ભગવાનનો આભાર કે તેમણે મને સજ્જન કહ્યો, ખલનાયક નહીં, જેણે તત્કાલીન વડાપ્રધાનના ઢીલા વલણની જાણકારી રાષ્ટ્રપતિને આપી હતી.

પી.વી. નરસિંહ રાવનું પુસ્તક ‘અયોધ્યા ઃ ૬ ડિસેમ્બર, ૧૯૯૨’ ૨૦૦૬માં પેંગ્વિન/વાઇકિંગ દ્વારા પ્રકાશિત થયું હતું, જેના પ્રકાશકીયમાં લખ્યું હતુંઃ ‘પી.વી. નરસિંહ રાવે ૧૯૯૨માં અયોધ્યામાં જે બન્યું તે મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો છે, ત્યાર બાદ ૧૯૯૬માં તેમનું વડાપ્રધાન પદ ગયું હતું. લાંબા સમય સુધી તેમણે આ પુસ્તક છપાવ્યું નહીં, કેમ કે તેઓ આ મામલે વધુ અભ્યાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમની જિંદગીમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. ૨૦૦૪માં મૃત્યુ પહેલાં તેમણે આ પુસ્તક પર ફરીથી કામ કર્યું હતું. જે પણ તથ્ય આ સંબંધમાં તેમના કાગળો પરથી તેમના મૃત્યુ બાદ હાથ લાગ્યા તે તેમના પરિવારની સહમતીથી આ પુસ્તકમાં સમાવાયા છે. આ પુસ્તક લેખકની ઇચ્છાથી તેમના મૃત્યુ બાદ જ પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.’

આ પુસ્તક પર મારી સમીક્ષા ૨૭ મે, ૨૦૦૬ના રોજ ઈપીડબ્લ્યુમાં ‘અયોધ્યા ઔર ભારત કે સંવૈધાનિક મુદ્દોં ઔર મર્યાદાઓં કા મહાભારત’ શીર્ષકથી પ્રકાશિત કરવામાં આવી હતી. મેં આ લેખમાં જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન દ્વારા લખાયેલું આ પુસ્તક કઈ રીતે આ મુદ્દા પર નવો પ્રકાશ પાડી શકે છે, પરંતુ તેને મૃત્યુ બાદ છપાવવાની તેમની ઇચ્છાએ તેના પર ઠંડું પાણી રેડી દીધું. દુર્ભાગ્યે આ પુસ્તક એ આકાંક્ષાને ખોટી સાબિત કરે છે.

પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રેન્ચ જનરલે (સેનાપતિએ) લખ્યું કે, કોની સાથે ફ્રેન્ચ સેનાઓ યુદ્ધમાં બહાદુરીથી લડી અને તેમણે જીત મેળવી. જ્યારે સત્ય એ હતું કે ફ્રેન્ચ સૈન્યને ઘણુ બધું સહન કરવું પડ્યું હતું અને તેઓ અપમાનજનક રીતે હારી ગયા હતા. જ્યારે જનરલે આ પત્ર પોતાના સેકન્ડ કમાન્ડને એમ કહીને આપ્યો હતો કે, તેને આર્મી હેડક્વાર્ટર પહોંચાડી દેવામાં આવે ત્યારે તેણે પત્ર લઈ લીધો. બીજા દિવસે જનરલે સેકન્ડ કમાન્ડને પૂછ્યું કે, પત્રનું શું થયું? સેકન્ડ કમાન્ડે જવાબ આપ્યો કે, તેણે મોકલ્યો નથી, કેમ કે તેમાં જે લખ્યું હતું તે આપણી સાથે જે થયું તે હકીકતથી બિલકુલ ઊલટું હતું. જનરલે તેને શાંતિથી કહ્યું, ‘મિત્ર, આ પત્ર ઇતિહાસ માટે હતો.’ લગભગ આવું જ રાવના પુસ્તક વિશે પણ કહી શકાય તેમ છે. આ બર્બર ઘટનાના તેર વર્ષ પછી રાવે પુસ્તકમાં જે કંઈ લખ્યું હતું તેમાં નવું કંઈ નહોતું. તેમાં લગભગ એ જ બધી વાતોનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું, જે અયોધ્યામાં ૧૯૯૩માં જારી કરાયેલા શ્વેતપત્રમાં હતી. એ વાત સમજાતી નથી કે રાવ શા માટે આ પુસ્તકને તેમના મૃત્યુ બાદ જ છપાવવા ઇચ્છતા હતા? શું તેઓ એ વાતથી ડરી ગયા હતા કે લોકો તેનાથી આ મુદ્દા પર સવાલ કરશે અને તેમને કઠેડામાં ઊભા કરશે?’

રાવ લખે છે કે ‘મેં આ વિવાદ સાથે સંકળાયેલા ઘણા લોકો અને જૂથો સાથે મુલાકાત કરી હતી અને ત્યાં સુધી કે પત્રકારો, રાજનીતિ અને ધાર્મિક-સામાજિક નેતાઓ સાથે પણ વાતચીત કરી’. તેમના કહેવા મુજબ, આ બધી મુલાકાતો એ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી કે આ વિવાદ સાથે જોડાયેલા તમામ પાસાંઓ પર વિચાર કરી શકાય અને કોઈ સમજૂતી થઈ શકે. રાવ લખે છે કે, ‘સરકાર તરફથી કોઈ ખાસ સમાધાન કે પ્રસ્તાવ મૂકવામાં આવ્યા નહોતા.’ રાવ એ અંગે મૌન છે કે, તેમણે ખાનગીમાં જે આટલી બધી બેઠકો કરી તેમાં શું નિષ્કર્ષ નીકળ્યો?

પુસ્તક આ મુદ્દે સરકારની નિર્ણય પ્રક્રિયા પર પણ કોઈ પ્રકાશ પાડતું નથી. જ્યારે કોઈ વડાપ્રધાન આવા સંવેદનશીલ મુદ્દા પર લખે છે ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે તેઓ એ પણ જણાવે કે સત્તાવાર અને રાજનૈતિક સ્તર પર શું વાત થઈ અને શું નિર્ણય લેવામાં આવ્યા? હકીકતમાં રાવનો કોઈ નિર્ણય ન લેવો એ જ એમનો નિર્ણય હતો.

(કોણાર્ક પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત પુસ્તકના સંપાદિત અંશ)
—————————-

કવર સ્ટોરીમાધવ ગોડબોલેરામ મંદિર ચુકાદો
Comments (0)
Add Comment