ડૉ. કુલદીપ હજુ સંમોહિત અવસ્થામાંથી બહાર નહોતા નીકળી શક્યા

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નોંધ્યું કે પ્રશ્ન પૂછતી વેળા સ્ત્રી સહજ શારીરિક પ્રતિક્રિયા આપે તેવું ઇવામાં મુકાયેલું જુદી અનેક   સંવેદના અનુભવતું સોફ્ટવેર અત્યારે તો બરાબર કામ કરી રહ્યું હતું.

એક અધૂરી વાર્તા- નવલકથા – પ્રકરણ-૨

  • નીલમ દોશી હરીશ થાનકી

પ્રથમ પ્રકરણનો સાર…

ડો. કુલદીપનું સર્જન એટલે ઇવા
ડો. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની હતા. તેઓ ભારત સરકાર સંચાલિત એક વિશાળ વૈજ્ઞાનિક સંસ્થા ઇન્ડિયન રૉબોટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કે જે ઇરોના નામથી જાણીતી હતી તેની સાથે વરસોથી જોડાયેલા હતા. ડો.કુલદીપ ઇરોના ચૅરમેન હતા. તેમનું સપનું હતું એક એવો રૉબોટ બનાવવો જે રૉબોટ નહીં પણ માણસ જેવો જ દેખાય. તેનામાં હ્યુમન ટચ હોવો જોઈએ. તેમનું આ સપનું સાકાર કરવામાં તેઓ સફળ રહ્યા હતા. એ રૉબોટમાં માનવીય સંવેદનાઓ પણ હોવી જોઈએ એવું તેમનું દ્રઢપણે માનવું હતું. દિવસ રાત એક કરીને તેમણે તેમનું આ સપનું સાકાર કરવામાં સફળતા મેળવી. જોકે, તેમણે તેમના આ મિશનમાં પોતાની આસિસ્ટન્ટ મિસ આયનાને પણ સામેલ નહોતી કરી. ડૉ. કુલદીપ સાથે કામ કરતાં ડૉ. શર્મા કુલદીપને ધૂની તરંગી કહી તેમને આ મિશન પડતું મૂકવાની વાત કરતાં. એ સમયે કુલદીપ શર્માની વાત હસીમાં ઉડાવી દેતા અને ફરી પાછા પોતાના મિશનમાં લાગી જતા. આખરે દસ વર્ષના પરિશ્રમ બાદ પોતાની અંગત પ્રયોગશાળામાં કુલદીપ રૉબોટને માનવદેહ આપી શક્યા હતા. એ દેહને એક સ્ત્રીનું સ્વરૃપ આપવું ડૉ. કુલદીપને યોગ્ય લાગ્યું હતું. કદાચ સ્ત્રીઓ લાગણીની માત્રા વધુ પ્રબળતાથી અનુભવી શકતી હોય છે તેથી. ડૉ. કુલદીપ પોતે વિસ્ફારિત નયને પોતાના આ સર્જનને નીરખતા ધરાતા નહોતા. સૌથી મોટી વાત એ હતી કે એનું મિકેનિઝમ એવું પરફેક્ટ હતું તેમાં રિમોટની જરૃર ન પડે. તેમણે આ સ્ત્રીનું નામ ઇવા આપ્યું હતું.                         

હવે આગળ વાંચો…

ઇવા..

રૃપાની ઘંટડી જેવો મંજુલ અવાજ સંભળાયો. ડૉ. કુલદીપ ચોંકી ઊઠ્યા. કોણ બોલ્યું?

અહીં તો પોતે સાવ એકલા હતા. તો આ શબ્દો ક્યાંથી આવ્યા? કે પછી પોતાનો ભ્રમ?

આ સત્ય હતું કે માત્ર પોતાનો ભ્રમ?

પણ કશું નક્કી થાય એ પહેલાં જ ફરીથી..

‘યેસ સર, આઇ એમ ઇવા.’

એકાદ બે ક્ષણ માટે ડૉ. કુલદીપને  પોતાના આંખ અને કાન પર ભરોસો જ ન આવ્યો.

આ શબ્દો ઇવા બોલી હતી? કુલદીપે આંખો ચોળી, પટપટાવી..પોતે હજુ પણ કોઈ કલ્પના કે સપનામાં તો નથી ને?

પણ ના, તેમને ખાત્રી થઈ કે તે શબ્દ સામે ઊભેલી એક સર્વાંગસંપૂર્ણ સ્ત્રી ઇવા જ બોલી હતી. ઇવા.. એમનું વર્ષોની અથાક મહેનતનું પરિણામ..પૃથ્વી પરની પ્રથમ માનવીય લાક્ષણિકતા ધરાવતી અને હૂબહૂ વાસ્તવિક સ્ત્રી જેવી જ દેખાતી સ્ત્રી રૉબોટ. તેમની સફળતાનો જીવંત પુરાવો તેની સામે હતો.

ડૉ. તેની નીલી આંખો સામે તાકી રહ્યા. ઇવાએ આંખો પટપટાવી સહેજ હસી ડૉ. કુલદીપ સામે જોયું. પછી પોતાની સુરાહીદાર ગૌર ગરદનને સહેજ નમાવી મસ્તકની રેશમી ઝુલ્ફો પર હાથ પસારી બોલી,

‘સર, હું ઇવા છું, આપ કોણ?’

ડૉ. કુલદીપ હજુ સંમોહિત અવસ્થામાંથી બહાર નહોતા નીકળી શક્યા. તેથી જલ્દી જવાબ ન આપી શક્યા.

‘સર, આર યુ ઓલરાઈટ?’

વીસ વર્ષની અલ્લડ યુવતીની અદાથી પૂછાયેલો આ પ્રશ્ન સાંભળી ડૉ. કુલદીપ ફરીથી વાસ્તવિક જગતમાં આવી રહ્યા.

ફરી પોતાની અસલી ભૂમિકામાં આવી જતા એમની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નોંધ્યું કે પ્રશ્ન પૂછતી વેળા સ્ત્રી સહજ શારીરિક પ્રતિક્રિયા આપે તેવું ઇવામાં મુકાયેલું જુદી અનેક   સંવેદના અનુભવતું સોફ્ટવેર અત્યારે તો બરાબર કામ કરી રહ્યું હતું.

પોતાના જવાબની રાહ જોઈ રહેલી ઇવાએ ડૉ. કુલદીપને વિચાર કરતાં જોઈ ફરીથી પૂછ્યું,

‘સર, તમે કહ્યું નહીં કે તમે કોણ છો?’

એક્સલન્ટ.. ડૉ. કુલદીપ મનમાં જ વિચારી રહ્યા.

જવાબ આપવામાં પોતે થોડું મોડું કર્યું એટલે ઇવાના ચહેરા પર કંટાળાનો ભાવ જોઈ તે રાજી થયા…ગુડ..ઇટ્સ વર્કિંગ.

એકાએક તેમને ભાન થયું કે અત્યારે ઇવાનું માઇન્ડ નવી ઇન્ટ્રોડક્ટરી મેમરી ભરી રહ્યું છે ત્યારે એમણે પોતાનો પરિચય આપવામાં મોડું ન કરવું જોઈએ.

‘હું છું ડૉ. કુલદીપ. હું ભારત સરકાર સંચાલિત રૉબોટ બનાવતી એક સંસ્થા ઇરોમાં રિસર્ચ વિભાગનો પ્રમુખ વૈજ્ઞાનિક છું. હું અને મારા સાથી વૈજ્ઞાનિક મિત્રો સાથે મળી વિવિધ જાતના રૉબોટ્સનું સર્જન કરીએ છીએ. અને…’

પછી ‘મેં જ તારું સર્જન કર્યું છે…’

એમ આગળ બોલવા જતા હતા કે પરંતુ અચાનક કશુંક વિચારી અટકી ગયા.

‘રૉબોટ એટલે શું?’ એ કેમ બને?’ ઇવાએ એકદમ સહજતાથી પૂછ્યું. પ્રોફેસર ચોંક્યા. વાત એક અણધાર્યો વળાંક લઈ રહી હતી.એક રૉબોટને જવાબ આપવાનો હતો કે રૉબોટ એટલે શું?

‘રૉબોટ એટલે યંત્રમાનવ. એ યંત્રમાનવ કે જે પોતે એક મશીન હોવા છતાં મનુષ્યની માફક બધાં જ કાર્યો કરી શકે. મનુષ્યના કામમાં અનેક રીતે મદદ કરવા માટે તેનું સર્જન કરવામાં આવે છે.’

વાત કરતાં કરતાં પ્રોફેસર થોડા થોથવાયા. એમને લાગ્યું કે આ પ્રશ્નનો જવાબ તેઓ બીજી સારી રીતે આપી શક્યા હોત, પરંતુ ઇવા તરફથી પ્રશ્ન અણધાર્યો જ આવી જતા થોડું મૂંઝાઈ જવાયું હતું.

વીતતી દરેક ક્ષણે ડૉ. કુલદીપને ભાન થતું જતું હતું કે પોતાને હવે માત્ર એક ચીલાચાલુ રૉબોટ સાથે નહીં, પણ માનવીય સંવેદના ધરાવતી યુવતી સાથે કામ કરવાનું છે. અત્યાર સુધી તેમને મર્યાદિત શક્તિવાળા, કોઈ પણ જાતની સંવેદના અનુભવ્યા વગર માત્ર ચીંધ્યું કામ કરનાર યંત્રમાનવ સાથે પનારો પડ્યો હતો. હવે વાત જરાક અલગ હતી. ઇવા માત્ર ચીંધ્યું કામ કરનાર રૉબોટ નહોતી. તેમાં દિમાગની સાથે ભાવનાઓ હતી, લાગણીઓ હતી.

ઇવાની રચના વખતે ડૉ. કુલદીપને કદી એવો વિચાર આવ્યો જ નહોતો જ્યારે ઇવાને તેની જ આઇડેન્ટિટી આપવાની થશે ત્યારે એ કઈ રીતે આપવી? શું કહેશે તે એને? જોકે એમને ખુદને જ ક્યાં ખબર હતી કે પોતે આટલું સંપૂર્ણ મૉડેલ રૉબોટ બનાવી શકશે! માનવ રૉબોટ અને તે પણ જીવતી જાગતી, સ્ત્રી રૉબોટ બનાવ્યા પછી, તેનામાં આટઆટલી સંવેદનાઓ ભર્યા બાદ તેની સાથેના ઇન્ટરેક્શનમાં શું શું તકલીફો પડશે તેનો અંદાજ લગાવવામાં પોતે કદાચ પાછા પડ્યા હતા. તેને શું કહેવું, કેટલું કહેવું તે બધું પહેલાં જ નક્કી કરી લેવાની જરૃર હતી, પણ હવે એ બધી વાતનો કોઈ અર્થ ક્યાં હતો?

‘શું યંત્રમાનવ માનવ જેવો જ દેખાય..?’

ઇવાનો પ્રશ્ન ફરીથી કાનમાં પડઘાયો એટલે પ્રોફેસર ફરી વર્તમાનમાં આવી ગયા.

‘હા હા..ના..ના..’ પ્રોફેસર ફરીથી ગૂંચવાયા.

‘હા કે ના..?’ ઇવાએ ધારદાર નજરે કુલદીપ સામે જોયું પછી તુરંત હસીને બોલી,

‘મને નવાઈ લાગે છે સર, તમે તો ગભરાઈ ગયા! તમારે તો કાયમ રૉબોટ સાથે જ પનારો પડતો હશે ને? તો પછી રૉબોટ વિશેના આટલા સામાન્ય પ્રશ્નનો ઉત્તર આપવામાં આટલી બધી મૂંઝવણ..!’

ઇવાને ક્યાં ખ્યાલ હતો કે અત્યાર સુધી જથ્થાબંધ રૉબોટ બનાવતી કંપનીમાં કામ કરતાં પ્રો. કુલદીપને માટે આ ક્ષણ શું હતી? આ ક્ષણ સુધી પહોંચવા માટે કેટકેટલાં વરસો તેમણે ખર્ચ્યા હતા? અનેક સંઘર્ષ પછી આજે તે એક સપનું સાકાર કરી શક્યા હતા અને એ સપનું એટલે ઇવા પોતે.. એક સ્ત્રી અને છતાં એક રૉબોટ માત્ર…

કદાચ ડૉ. કુલદીપ માટે પણ આ પળ અણધારી હતી. આ બધું વિચારવા માટે એને પોતાને પણ કદાચ થોડો સમય જોઈતો હતો.  કપાળ પરથી પસીનો લૂછતા એમણે વાત બદલાવી,

‘એવું કશું નથી, પણ એ બધું તને ક્યારેક નિરાંતે સમજાવીશ. અત્યારે તો કૉફી પીવાનો મૂડ છે. તને કૉફી બનાવતાં ફાવશે..?’

‘ચોક્કસ, હમણા જ બનાવી લાવું છું..’ બોલી ઇવા કૉફી બનાવવા કિચન તરફ ચાલી. રસોઈ બનાવવાનો પ્રોગ્રામ ઇવામાં ઇન્સ્ટોલ કરેલો હતો જ. એથી એના જવાબની કુલદીપને જાણ હતી.

હવે ડૉ. કુલદીપ થોડા રિલેક્સ થયા. એમને થયું કે ઇવા સાથે વાત કરતાં પહેલાં પોતે મનોમન થોડું રિહર્સલ કરી લેવું જરૃરી હતું. એમની નજર સહજતાથી કૉફી બનાવવા જઈ રહેલી ઇવાની પીઠ પર પડી. એકદમ સ્ત્રી સહજ ચાલ..! ચાલતી વેળા તેનાં નિતંબોનું સહેજ થરકવું…ખભાની ગોળાઈનું આગળ પાછળ થવું…મસ્તકનું સહેજ ઝૂકવું, આ બધું એટલું તો પરફેક્ટ હતું કે કોઈ અજાણી વ્યક્તિ માની જ ન શકે કે ઇવા એક યંત્રમાનવ છે!.

ફરીથી પોતાની જાત પર ડૉ. કુલદીપને ગર્વ થયો. જે કલ્પના પર એમના સાથી મિત્રોએ પેટભરીને મજાક ઉડાવી હતી, જે વિચારને કારણે એમને ખાનગીમાં શેખચલ્લીનું બિરુદ મળ્યું હતું. એ જ કલ્પના…એ જ કલ્પના આજે વાસ્તવમાં પરિણમી હતી. એમને થયું કે તે આજે ઇવાને લઈને કુતુબ મિનાર કે એફિલ ટાવર પર પહોંચી જાય. તેનો હાથ પકડી આખું જગત સાંભળે તેમ પોકારી પોકારીને કહે કે,

‘જુઓ…જુઓ આ મારું સર્જન..ધ્યાનથી જુઓ. વૈજ્ઞાનિક ક્ષેત્રે આજ સુધીમાં થયેલી સૌથી મોટી શોધ.. રૉબોટિક સાયન્સમાં થયેલું વર્લ્ડ બેસ્ટ સાયન્ટિફિક રિસર્ચ…જગતની કોઈ પણ લેબોરેટરીમાં હજુ સુધી કોઈ મનુષ્ય બનાવી શક્યું નથી..પરંતુ જુઓ, આજે મેં એ શક્ય બનાવ્યું છે! જુઓ આ ઇવાને….આ ઇવાને મેં બનાવી છે..મેં બનાવી છે.’

‘કોણે બનાવી છે સર..?’ બોલતાં બોલતાં હાથમાં કૉફીનો મગ લઈને ઓરડામાં પ્રવેશી રહેલી ઇવાએ પૂછ્યું ત્યારે જ પ્રો. કુલદીપને ભાન આવ્યું કે ઉત્સાહના અતિરેકમાં છેલ્લું વાક્ય એમણે કદાચ જોરથી બોલી નાંખ્યું હતું એટલે સહેજ સંકોચ સાથે બોલ્યા,

‘ના ના, કશું નહીં..એ તો બસ જરા અમસ્તું જ.’

કૉફીનો મગ ડૉ. કુલદીપના હાથમાં આપતા ઇવા બોલી,

‘ સર, હમણા જ તો તમે એવું કશુંક બોલતા હતા કે ઇવાને મેં બનાવી છે..મેં બનાવી છે..’

બીજી જ પળે એકદમ ગંભીર મુખમુદ્રા ધારણ કરતાં તે બોલી ઊઠી,

‘એક વાત પૂછું? સાચંુ કહેજો સર..શું હું એક રૉબોટ છું..?’

જાત સાથે સંવાદ કરતી વેળા ક્યારેક જોરથી બોલવા લાગવાની ટેવને કારણે ડૉ. કુલદીપ આજે ફસાઈ ગયા. હવે વાત વાળી શકાય તેમ નહોતું. ઇવાના દિમાગમાં સુપર ઇન્ટેલિજન્સ કામ કરી રહી હતી. તેને  છેતરવી કદાચ એટલી સહેલી નહોતી.

એ જ ક્ષણે એમણે ઇવાને સાચેસાચું કહી દેવાનો નિર્ણય કર્યો.

‘યસ ઇવા યસ..તું રૉબોટ છો. તું મારું જ સર્જન છો. આ લેબોરેટરીમાં જ મેં તને સર્જી છે. છેલ્લા દસ વરસની મારી સાધનાનું તું ફળ છો ઇવા.’

એ પછી દસેક મિનિટ સુધી એમણે ઇવાને તેની સર્જનગાથા કહી સંભળાવી. એ બધું કહેતાં કહેતાં એ થોડા ભાવુક બની ગયા. એમની આંખ ભીની થઈ ગઈ.

ડૉ. કુલદીપને આમ લાગણીભીના થઈ જતા જોઈ ઇવાની આંખમાં પણ ભીનાશ છવાઈ કે શું? કે પછી એમને એવો ભાસ થયો?

એકાદ બે પળ મૌન છવાઈ રહ્યું.

ઇવા ધીમે પગલે કુલદીપ પાસે આવી.

‘ખૂબ આભાર સર..તમે મને આ જગતમાં લાવ્યા એનો આનંદ છે, પણ એક રિક્વેસ્ટ કરું?’

‘સ્યોર..’

‘સર, હું ઇચ્છું છું કે હું એક રિયલ વુમન નહીં, પણ માત્ર એક રૉબોટ છું, એક યંત્ર છું. એ વાત તમે કોઈને ન કહેશો. એટલિસ્ટ હમણાં તો નહીં જ. હું પણ એ વાત ભૂલી જવા માગું છું. જો તમે મારી એટલી મેમરી ભૂંસી શકતા હો તો પ્લીઝ…ડૂ ઈટ. હું દરેક ક્ષણે એ વાત યાદ રાખવા નથી માગતી કે હું એક રૉબોટ છું. જો તમે મારામાં એક સ્ત્રીની સંવેદનાઓ મૂકી છે તો મને એક સ્ત્રી તરીકે જીવવાનો હક્ક આપો..’

ડૉ. કુલદીપ તો જોઈ જ રહ્યા. પોતે આટલી હદે સફળ થયા હતા? પોતે એક રૉબોટ છે, એક યંત્ર છે એ સાંભળતા ઇવાને એક માનવી જેવી જ ફિલિંગ્સ, એના જેવું જ દુઃખ અનુભવાયું. વાહ..કમાલ છે!

ડૉ. મનોમન પોતાની જાતને શાબાશી આપી રહ્યા.

‘સોરી, સર, મારી માગણી અઘટિત હોય તો..’

ડૉ.ને મૌન જોઈ ઇવા બોલી ઊઠી.

‘ના..ના એવું કશું નથી. હું તો તારી વાત શક્ય છે કે નહીં એનો વિચાર કરતો હતો. એનો જવાબ આપવા માટે મારે થોડી મથામણ કરવાની રહેશે. ખાસ તો એટલી મેમરી ભૂંસવા માટે. બાકી તું રૉબોટ છે એવું હમણા કોઈને કહેવાનો સવાલ જ નથી.

‘થેન્ક્સ સર.’ ઇવાએ આગળ આવીને ડૉ.નો હાથ હળવેથી દબાવ્યો.

ડૉ. કુલદીપને જીવનમાં અત્યારે પહેલી વાર લાગ્યું કે કોઈ તેની સાથે છે, જે છાતી ફાડી નાખે તેવી ખુશીના આ અવસરે પોતાના જેટલું જ આનંદિત થઈ રહ્યું છે. આમેય માણસ માત્રને અત્યંત સુખ કે દુઃખની ક્ષણોએ કોઈ નિકટના સ્વજનની જરૃરિયાત વર્તાતી હોય છે.  દુઃખ તો કદાચ એકલા જીરવી પણ જવાય, પરંતુ દરિયા જેટલા સુખને નાનકડી છાતીમાં કેમ ભરી શકાય..!

ડૉ. કુલદીપને પણ આ પરમ સુખની પળમાં કોઈ સ્વજનની હૂંફની જરૃર વર્તાતી હતી. કોઈ સાથે સુખની ક્ષણોને શેઅર કરવી હતી. અચાનક પ્રોફેસર ઇવાની નજીક સર્યા અને હળવેથી તેના મસ્તકને ચૂમ્યું. ઇવાએ પણ આંખો બંધ કરી દીધી અને ચૂપચાપ કુલદીપના ખભા પર માથું ઢળી દીધું. સર્જક અને સર્જન બંને એક અલૌકિક નિર્વિકાર ભાવસમાધિમાં ડૂબી ગયાં. એક કુદરતી માનવ અને એક કૃત્રિમ માનવ..બંનેની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા હતા. સમય જાણે કે થંભી ગયો. આ કદાચ શાશ્વતીની પળ હતી.

એ રાત્રે ફરી એકવાર ડૉ. કુલદીપ પોતાના લેપટોપમાં મચી રહ્યા. કંઈક ગણતરીઓ કરતા રહ્યા.  આખરે વહેલી સવારે એક હાશકારા સાથે પથારી ભેગા થયા ત્યારે રાત વીતી ચૂકી હતી. ઇવાની મેમરીનો એ હિસ્સો ડિલીટ કરી નાખવામાં અને તેમાં તેની એક નવી પહેચાન ભરવામાં આખરે તેઓ સફળ થયા હતા. અંધકારને હડસેલીને ભળુ ભાંખળું અજવાળું પ્રવેશી રહ્યું હતું. ડૉ. કુલદીપની થાકેલી આંખો ક્યારે બિડાઈ ગઈ એની તેમને પણ સૂધ નહોતી રહી.

છેલ્લા ઘણા સમયથી સતત કામમાં રહેલા ડૉ. કુલદીપ બીજે દિવસે સવારે જાગ્યા ત્યારે એમ લાગ્યું કે એમને હવે એક નાનકડા વૅકેશનની જરૃર હતી. વરસોના  સખત પરિશ્રમ પછી થોડી નવરાશની પળોની જરૃરિયાત વર્તાતી હતી. રિચાર્જ થવા માટે  બહુ દૂર જવાનું અત્યારે શક્ય નહોતું અને આમ પણ બીજી રીતે પણ ક્યાંક જવું, ઇવા સાથે જવું ખૂબ જરૃરી હતું. કેમ કે ઇવાને વિશ્વ સમક્ષ પેશ કર્યા પહેલાં હજુ એના દરેક વર્તનનું ઓબ્ઝર્વેશન કરવું અગત્યનું હતું. ઇવા સાથે બહાર જાય ત્યારે એ સમય દરમિયાન થનારા અલગ અનુભવો વખતે ઇવાના વર્તનનું ઓબ્ઝર્વેશન થઈ શકે અને  તેનામાં કોઈ ટૅક્નિકલ ખામી રહી ગઈ હોય તો તેનો પણ ખ્યાલ આવી જાય.

ઇવા કઈ કઈ સંવેદનાઓ, કેટલી માત્રામાં અનુભવી શકે છે, કયા સંજોગોમાં કેવી રીતે વર્તે છે એ બધું ચકાસવાનું હજુ બાકી હતું. એ બધું ન થાય ત્યાં સુધી ઇવાના રૉબોટ હોવાની વાતની ગંધ પણ કોઈને આવવા દેવાની નહોતી. વિશ્વ સમક્ષ ઇવાને પેશ કરવી એ કંઈ નાની સૂની વાત નહોતી. જાતજાતના સવાલોનો સામનો કરવાનો આવશે. ઇવાને, એ સ્ત્રી રૉબોટને અનેક કસોટીમાંથી પાર થવાનું આવશે. એમાં નાની સરખી પણ નિષ્ફળતા એટલે પોતે આખા યે વિશ્વમાં હાંસીપાત્ર બની રહે. આટલા વરસોની મહેનત પર નામોશીનું પાણી ફરી વળે..જે ડૉ. કુલદીપને મંજૂર ન જ હોય એ સ્વાભાવિક છે. એથી જ ઇવાને દુનિયા સમક્ષ પેશ કરતા પહેલાં પોતે સો ટકા ખાત્રી કરવી અગત્યની હતી.

એ દિવસે ડૉ. કુલદીપ ઇવાને લઈને મહાલક્ષ્મીના મંદિરે ગયા. મંદિર, આરતી, ઈશ્વર, દર્શન વગેરે જોઈને ઇવા કેવી રીતે વર્તે છે.

ઇવાને લઈને તે મહાલક્ષ્મીના મંદિરે  પહોંચ્યા ત્યારે આરતીનો સમય થઈ રહ્યો હતો. મંદિરની પશ્ચિમ દિશાથી આવતો મંદ મંદ પવન, સાંજની આરતીનો ઘંટારવ, અગરબત્તીની પવિત્ર સુગંધ અને મહાલક્ષ્મીની દેદીપ્યમાન મૂર્તિ આ બધું જ સાથે મળી અત્યંત દિવ્ય વાતાવરણની ઝાંખી કરાવતું હતું. દર્શનાર્થીઓની બહુ ભીડ ન હોવાથી બંને જણા બહુ જ શાંતિથી આંખો બંધ કરી લક્ષ્મીજીની સામે ઊભા હતા. પ્રત્યેક ક્ષણે ઇવા બાબતે સજગ રહેતા ડૉ. કુલદીપ અત્યારે પહેલી જ વખત ઇવા ઉપરથી ધ્યાન હટાવી દઈ આંખો બંધ કરી બે ચાર પળ ધ્યાનાવસ્થામાં ઊભા રહ્યા.

આરતી પૂરી થતા ડૉ. કુલદીપની ધ્યાન સમાધિનો ભંગ થયો. એમની નજર સીધી જ ઇવા જ્યાં ઊભી હતી ત્યાં ગઈ. ઇવા હજુ પણ બંધ આંખે ત્યાં જ ઊભી હતી. ડૉ. કુલદીપ તેને એકીટશે નિહાળી રહ્યા. પંજાબી ડ્રેસના દુપટ્ટાને માથા પર ઓઢી, હાથ જોડી ઊભેલી ઇવાની આંખોમાંથી આંસુનો રેલો તેના મુલાયમ ગાલ પર આવીને અટક્યો હતો તે જોઈ ડૉ. કુલદીપ અવાક્ થઈ ગયા.

તેના મોઢામાંથી ઉદ્ગાર સરી પડ્યો…

‘અદ્ભુત..લાજવાબ.’

ઇવાની અંદર મૂકાયેલી પ્રાર્થનાની ઇમોશનનું આ જબરદસ્ત પ્રેઝન્ટેશન હતું. આ પળે ઇવા એક ધાર્મિક ભાવના ધરાવતી સ્ત્રીની માફક વર્તી રહી હતી. મનોમન એકદમ ખુશ થયેલા ડૉ. કુલદીપ ઇવાને લઈને

મંદિરની બહાર નીકળ્યા. સમુદ્રનાં ઘૂઘવતાં મોજાંઓની તદ્દન નિકટ આવેલા એક મોટા ખડક પર બેઠા. ઇવા પણ ચૂપચાપ તેમની પાસે ગોઠવાઈ.

સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ આકાશે રંગછટા વેરી નીચે ઊતરી રહ્યો હતો. આસમાનમાં ભવ્ય રંગલીલા છવાઈ હતી. ડૉ. કુલદીપ અને ઇવા સમુદ્રના તરંગોને જોતા ખાસ્સી વાર એમ જ બેસી રહ્યાં. કદાચ બંનેના મનમાં પણ સમુદ્રના તરંગો જેવો જ વિચારોનો ઘૂઘવાટ ચાલી રહ્યો હતો.

અચાનક ઇવા બોલી ઊઠી,

‘સર, એક અકસ્માતમાં મારાં માતાપિતા મૃત્યુ પામ્યાં અને હું મારી યાદશક્તિ ખોઈ ચૂકી છું એ તમે જણાવ્યું. પપ્પાના એક સાચા દોસ્ત તરીકે તમે મને તમારા ઘરમાં તેડી લાવ્યા. એ માટે તમારો આભાર હું કયા શબ્દોમાં માનું?’

એક્સલન્ટ..

ડૉ. કુલદીપ ઇવા સામે જોઈ રહ્યા. ઇવાની વાતનો એ સ્પષ્ટ અર્થ થતો હતો કે ગઈ રાત્રે તેના રૉબોટ હોવાની મેમરી પોતે સરસ રીતે ડિલીટ કરી શક્યા હતા. એટલું જ નહીં, તે પોતાના એક મિત્રની પુત્રી છે એ સ્મૃતિ પણ તેનામાં પરફેક્ટલી ગોઠવાઈ ગઈ હતી. હવે ઇવા ફક્ત અને ફક્ત એક સ્ત્રી હતી. પોતાના રૉબોટ હોવાનો હવે ઇવાને પણ ખ્યાલ નહોતો. ફક્ત પોતે એક જ આ રહસ્યના જાણકાર રહ્યા હતા. ડૉ. કુલદીપ હરખાઈ ઊઠ્યા.

ડૉ. કુલદીપને મૌન જોઈ ઇવાએ કહ્યું,

‘થેન્કયુ સર, મને આશરો આપવા માટે..’

‘ઇવા, દોસ્તીમાં આભારની ફોર્માલિટી વચ્ચે નથી આવતી.’

‘થેન્કયુ સર..મને દોસ્ત કહેવા બદલ.’

‘ઇવા, તું મને ખાલી કુલદીપ પણ કહી શકે છે.’

‘તમે મારા કરતાં ઘણા મોટા હશો સર.’.

ડૉ. કુલદીપ મૌન રહ્યા.

‘સર, તમે એક વૈજ્ઞાનિક છો એ તો તમે મને જણાવ્યું પણ એક બીજી વાત પૂછું?’

‘તમારા કુટુંબમાં બીજું કોઈ નથી? તમે એકલા જ છો? તમે લગ્ન નથી કર્યાં? કેમ નથી કર્યાં?’

ઇવાએ એકીસાથે અનેક પ્રશ્નોની ઝડી વરસાવી.

શું જવાબ આપે ડૉ. કુલદીપ આ પ્રશ્નનો.?

તે આસમાનમાં છવાયેલાં વાદળો સામે ભીની આંખે તાકી રહ્યા. કદાચ એક ચહેરાને શોધવા મથી રહ્યા. ક્યાંકથી એક ચહેરો આવીને હાઉકલી કરશે એવી આશા આજે ફરી એકવાર સળવળી ઊઠી.

ઇવાના પ્રશ્નનો જવાબ આપવાને બદલે ડૉ. કુલદીપની સામે અતીતના આયનામાંથી  ડોકાઈ રહ્યો એક કદી ન વિસરાઈ શકેલો ચહેરો…

કોનો હતો એ ચહેરો? એ કયું પાનું હતું પ્રોફેસરની જિંદગીનું..?

(ક્રમશઃ)
——————–

એક અધૂરી વાર્તાનવલકથાનીલમ દોશી હરીશ થાનકી
Comments (0)
Add Comment