ડાબોડી બેટ્સમેન અને જમણે હાથે બોલ ફેરવતા સૌરવ ગાંગુલી નવા દાવમાં…

કોલકાતાની ક્રિકેટ ક્લબો સાથે સારો ઘરોબો ધરાવતા, સૌરવ ગાંગુલીને તેમનો ટેકો મળતો.
  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

ઇડન ગાર્ડનમાં દાખલ થાય એ માણસ એક ક્ષણ માટે તો એવો રોમાંચિત થઈ જાય, તેને એવું મહેસૂસ થાય કે કોઈ નવી દુનિયામાં આવી પહોંચ્યો છે. આ ઇડન ગાર્ડનમાં પ્રેક્ષકો અને ક્રિકેટરોએ એવાં અજબગજબનાં દૃશ્યો જોયાં છે જે ભાગ્યે કોઈ ક્રિકેટના મેદાનમાં જોવા મળે! બંગાળનો કોઈ ખેલાડી રમતો હોય ત્યારે રોમાંચ અનેકગણો વધી જાય અને તે ખેલાડી સીએબી એટલે ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાલનો અધ્યક્ષ બને તે પછી ભારતીય ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા બીસીસીઆઈનો અધ્યક્ષ બને એટલે આખું બંગાળ ઇડન ગાર્ડન જેવું ઘેલું થઈ જાય તેમાં નવાઈ પામવા જેવું કંઈ નથી!

પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન તરીકે સૌરવ ગાંગુલીનો દેખાવ લડાયક રહ્યો. કોલકાતામાં ફૂટબોલ રમત બહુ લોકપ્રિય છે. સૌરવ ગાંગુલીને પણ ફૂટબોલ રમતનું આકર્ષણ હતું, પણ પિતા ચંડીદાસ ગાંગુલી ક્રિકેટના વહીવટ સાથે જોડાયેલા હતા, તેઓ ૧૯૭૪/૭૫માં સીએબીના સહાયક સચિવ હતા. ત્યાર બાદ સચિવ, ખજાનચી, ઉપપ્રમુખ અને ટ્રસ્ટ બોર્ડના સભ્ય બન્યા. સૌરવ ગાંગુલીના મોટાભાઈ સ્નેહાશિષ ગાંગુલી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા. મોટાભાઈ પાસેથી રમત અને પિતાથી વહીવટના દાવપેચ મળ્યા જે ક્લબ ક્રિકેટથી ઇડન ગાર્ડનના ક્લબ હાઉસ અને બીસીસીઆઈના અધ્યક્ષ સુધીના માર્ગમાં સતત કામ આવ્યા.

સપ્ટેમ્બર મહિનામાં બીસીસીઆઈના ૯૦ વરસના ઇતિહાસમાં અધ્યક્ષપદ માટે જબરજસ્ત બેઠકો ચાલી રહી હતી. પૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસન પૂર્વ ક્રિકેટર બ્રિજેશ પટેલ માટે તરફેણ કરી રહ્યા હતા. દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ અને ઇન્ડિયા ટીવીના એડિટર ઇન ચીફ રજત શર્મા પણ દોડમાં હતા. રાજ્યકક્ષાના નાણા પ્રધાન અનુરાગ ઠાકુર અને અરુણસિંહ ધૂમલ વાટાઘાટ ચલાવી રહ્યા હતા. સૌરવ ગાંગુલી નામાંકન પત્ર દાખલ કરવાના છે તે પણ ચર્ચા ચાલતી હતી. છેલ્લી ઓવરમાં ખેલ પલટે તેમ વાર્ષિક સામાન્ય સભાની તારીખ નજીક આવતાં પાસા સૌરવ ગાંગુલીની તરફેણમાં ફરી ગયા.

ઇન્ડિયા ટીવીના એડિટર ઇન ચીફ રજત શર્મા પૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલીના ખાસ મિત્ર હતા. અરુણ જેટલી ક્રિકેટના વહીવટમાં સારું વર્ચસ્વ ધરાવતા હતા. તેમના મિત્ર રજત શર્માને તેમણે ડીડીસીઆઈના અધ્યક્ષપદે પહોંચાડ્યા. રજત શર્મા હસમુખા ખેલાડી છે. ક્રિકેટ અને ફિલ્મી દુનિયા સાથે તેમના સંપર્કો બહુ સારા રહ્યા છે. કોઈ વિવાદમાં પડતા નથી. સૌરવ ગાંગુલી સાથે પણ તેમના સંબંધો સારા છે. જો રજત શર્મા બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા હોત તો પુરી ટર્મ મળી શકે તેમ હતી જ્યારે સૌરવ ગાંગુલી ફક્ત નવ મહિના અધ્યક્ષ તરીકે સત્તા પર રહેશે. વાતનો વળાંક સૌરવ ગાંગુલી જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા ત્યાર પછી આવ્યો. સૌરવ ગાંગુલી સિવાય નિર્ણાયક દોડમાં બીજું કોઈ સામેલ થયું નહીં અને લડાયક મિજાજ ધરાવતા સૌરવ ગાંગુલીને એક સોનેરી તક મળી ગઈ. અમિત શાહ ક્રિકેટના વહીવટી ક્ષેત્રમાં નવું નામ નથી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની નરહરિ અમીનની સોળ વરસ લાંબી સત્તાની સાંકળ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ તોડી હતી. પશ્ચિમ બંગાળના રાજકારણ પર સૌરવ ગાંગુલીની નવી ઇનિંગ પ્રભાવ પાડશે એવી ધારણા સ્વાભાવિક છે.

એક નજર સૌરવ ગાંગુલીની ક્રિકેટ, કેપ્ટન અને સેલિબ્રિટી તરીકેની કારકિર્દી પર નાખીએ તો સ્પષ્ટ જણાઈ આવે કે ડાબોડી બેટ્સમેન સૌરવને પહેલી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે લૉડ્ર્સ ખાતે રમવા મળી. તે પણ કેવો સંજોગ હતો, ટીમના કેપ્ટન અઝરૃદ્દીન સાથે નવજ્યોત સિદ્ધુની ખટપટ થઈ. સિદ્ધુ સિરીઝ પડતી મૂકી પાછો ફર્યો. તે જગ્યા સૌરવ ગાંગુલીને ફળી. આ રાહુલ દ્રવિડની પણ પહેલી મેચ હતી. સૌરવ ગાંગુલીએ પ્રથમ ટેસ્ટ મેચમાં ૧૩૧ ફટકારી વિક્રમ નોંધાવ્યો.

સૌરવને ઓફ સાઇડમાં ફટકા મારવા માટેનો નિષ્ણાત ગણવામાં આવે છે. તેણે ક્રિકેટ ઉપરાંત પણ જ્યારે તક મળી ઓફ સાઇડ પર દાવ ચલાવ્યો છે, જ્યારે બંગાળમાં સામ્યવાદીઓ સત્તામાં હતા તેણે રાજ્ય સરકાર સાથે એક ક્રિકેટ એકેડમી શરૃ કરી. ચૂંટણી ગાજે ત્યારે તેનું નામ ઊપડે, પણ અટકી જાય.

બંગાળમાં ક્રિકેટમાં એક બહુ જાણીતું નામ હતું જગમોહન દાલમિયા. તેમણે સીએબીનું સફળ સંચાલન કર્યું. આ ઉપરાંત ત્રણવાર બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા. કોલકાતાની ક્રિકેટ ક્લબો સાથે સારો ઘરોબો ધરાવતા, સૌરવ ગાંગુલીને તેમનો ટેકો મળતો. જગમોહન દાલમિયાના નિધન પછી સૌરવ આગળ વધવા પ્રયત્ન કરતા રહ્યા છે. બંગાળના નવોદિત ક્રિકેટરો માટે સૌરવ પાસે ઘણી યોજનાઓ છે જે પરિપૂર્ણ કરવા તેને રસ્તો હવે મળશે.

સૌરવ ગાંગુલીએ ગૌતમ ભટ્ટાચાર્ય સાથે સંયુક્ત પોતાની આત્મકથા લખી છે, ‘એ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ’  તેમાં ઘણા પ્રકરણો છે જે દર્શાવે છે કે સંઘર્ષનો કોઈ અંત હોતો નથી. તેણે માન્યું કે ૨૦૦૫માં પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ગ્રેગ ચેપલને ભારતીય ક્રિકેટ ટીમના કોચ નીમવામાં ભૂલ થઈ હતી. ઝિમ્બાવેની ટૂર દરમિયાન બંનેના વિવાદ સર્જાયા હતા.

આઇપીએલની કોલકાતા નાઇટ રાઇડર્સના સળંગ ત્રણ સિઝન સુધી કેપ્ટન રહ્યા પછી તેને પડતો મૂકવામાં આવ્યો. કોલકાતા નાઇટ રાઇડર્સ શાહરુખ ખાનની છે. તે પછી કોમેન્ટ્રી કરી. ‘દાદાગીરી અનલિમિટેડ’ નામનો કવિઝ શૉ અને કેબીસીના બંગાળી સંસ્કરણ ‘કે હોબે કોટીપતિ’નું સંચાલન કર્યું. હવે જોવાનું એ છે કે વહીવટમાં બધાંને રાજી રાખવાની અને લડાયક ભૂમિકા એકસાથે તે નિભાવી શકશે?

બીસીસીઆઈના ૯૦ વરસના ઇતિહાસમાં પૂર્ણ મુદત ૧૯૫૪થી ૧૯૫૭ સુધી એક જ ભૂતપૂર્વ કેપ્ટન મહારાજા ઓફ વિઝિયાનગરમ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર વચગાળાના અલ્પ સમય માટે અધ્યક્ષ નિમાયા હતા.

સૌરવ અત્યાર સુધી ડાબે હાથે ઝમકદાર બેટિંગ અને જમણે હાથે મધ્યમ ગતિની બોલિંગ કરતા સફળ કેપ્ટન રહ્યા છે. બીસીસીઆઈના અધ્યક્ષની સત્તા ટ્વેન્ટી-ટ્વેન્ટીની મેચ જેવી ઝડપી અને રસાકસીભરી થવાની છે. રાજકારણની તો ખબર નથી તેની ચોતરફ રાજકારણીઓ તો રહેશે જ!

અભિનંદન અને શુભેચ્છાઓ ત્યારે કામમાં આવે જ્યારે ખેલદિલી સાથે કોઈ ખેલ રમી જાય. બંગાળીમાં મોટાભાઈને દાદા કહેવાય છે. સૌરવ ગાંગુલીને પણ દાદાનું ઉપનામ તેમના ચાહકોએ આપ્યું છે, હવે મોટાભાઈ એટલે કે દાદા શું કરે છે તે જોવાની અધીરાઈ બધાંને રહેશે!

————————

કોલકાતા કોલિંગમુકેશ ઠક્કરસૌરવ ગાંગુલી
Comments (0)
Add Comment