રામેશ્વરઃ આંખોને દ્રષ્ટિકોણ ચીંધતો ૧૭ વર્ષનો શૉર્ટ ફિલ્મમેકર !

હકલાવાની બીમારીને ફિલ્મ મેકિંગ થકી મા'ત આપી માત્ર ૧૩ વર્ષની ઉંમરે રામેશ્વરે ફિલ્મો બનાવવાનું શરૃ કરેલું
  • સિદ્ધિ – નરેશ મકવાણા

અમદાવાદના ઉસ્માનપુરામાં રહેતા ૧૭ વર્ષના રામેશ્વરને નાનપણમાં બોલતી વખતે હકલાવાની સમસ્યા હતી. આથી તે જાહેરમાં બોલતા સંકોચ અનુભવતો, પણ આ ખામીએ તેને આસપાસની દુનિયાને જુદી રીતે જોવાની તક આપી. માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેણે એ અનુભવોને મોબાઇલ કૅમેરામાં કેદ કરવા શરૃ કર્યા અને એ પછી જ લોકોને તેનામાં પડેલી પ્રતિભાની જાણ થઈ.

ફિલ્મ નિર્માણ એક કળા છે અને તેને જોવા-સમજવાની દ્રષ્ટિ દરેક દર્શકમાં નથી હોતી – આ વાક્ય ફિલ્મલાઇનની વ્યક્તિ પાસેથી આપણે એકથી વધુ વખત સાંભળતા આવ્યા છીએ. એ વાતમાં દમ એટલા માટે પણ છે કેમ કે, આપણે ત્યાં બહુમતી લોકો મનોરંજન માટે ફિલ્મો જોતાં હોય છે. તેમને ફિલ્મની ટૅક્નિકલ બાબતો ઉપરાંત કળામાં બહુ રસ હોતો નથી. બહુ ઓછા લોકો હોય છે, જે ફિલ્મમાં રહેલા કળાના તત્ત્વને સમજવા માટે થિયેટર સુધી લાંબા થતા હોય છે. માટે સ્વાભાવિક રીતે જ આર્ટનાં તત્ત્વને જોવા-સમજવાવાળો વર્ગ મર્યાદિત જ હોવાનો. આ તફાવતને ધ્યાનમાં રાખીને જ આપણે ત્યાં ફિલ્મો કોમર્શિયલ અને આર્ટ એમ બે ભાગોમાં વહેંચાયેલી છે. તેમને મુખ્યધારાનું સિનેમા અને સમાંતર ધારાનું સિનેમા પણ કહીએ છીએ. સામાન્ય રીતે શુદ્ધ મનોરંજનના હેતુ સાથે કરોડોના ખર્ચે તૈયાર થતી, બોલિવૂડની ફિલ્મોને આપણે કોમર્શિયલ ગણીએ છીએ. તેમાં દર્શકો, રાજકીય-સામાજિક પરિસ્થિતિ અને બજારની માગ પર ઘણુ ધ્યાન આપવામાં આવે છે. વળી, મનોરંજન થકી પૈસા કમાવાનો ઉદ્દેશ્ય મુખ્ય હોઈ તેને પાર પાડવા માટે જરૃરી તમામ મસાલા ઉમેરવામાં પણ કોઈ છોછ નથી હોતો. સામે આર્ટ ફિલ્મોનો ઢાંચો મજબૂત હોય છે, વાર્તા કળાત્મક સ્વરૃપે રજૂ કરાય છે, ચોક્કસ દ્રષ્ટિકોણ કે લાગણીને કેન્દ્રમાં રાખીને આખી વાત કહેવાતી હોય છે. વિભિન્ન દ્રશ્યોનું સ્થાન, રંગ, અવાજ, એડિટિંગ, સિનેમૅટોગ્રાફી, સેટ વગેરે કાળજીપૂર્વક તૈયાર કરાય છે, જેનો આખી ફિલ્મ પર પ્રભાવ પણ બહુ હોય છે. મોટા ભાગે આવી ફિલ્મો વિવિધ ફિલ્મ ફેસ્ટિવલોમાં જ રિલીઝ થતી હોઈ સરેરાશ દર્શકોને આકર્ષતી હોતી નથી. પરિણામે તેને કોઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ઍવૉર્ડ પણ મળી જાય તો પણ બહુમતી લોકોને તેના વિશે જાણકારી હોતી નથી.

ટૂંકમાં, ફિલ્મમેકિંગ એવો વિષય છે જેમાં અનેક પ્રકારનાં ગણિતો કામ કરતા હોય છે, પણ આપણે અહીં જેની વાત અહીં કરવી છે તે ફિલ્મમેકરને તેની આંકડાબાજીમાં રસ નથી, કેમ કે તે નિજાનંદ માટે એકલપંડે શોર્ટ ફિલ્મો બનાવે છે. પોતાની આસપાસ બનતી, પહેલી નજરે સામાન્ય લાગતી રોજિંદા જીવનની ઘટનાઓને કેમેરામાં કેદ કરીને મોજથી તેનો આનંદ લે છે. તેમ છતાં બહુ નાની ઉંમરમાં યુનાઇટેડ નેશન્સનું ઇનામ પણ જીતી આવ્યો છે. વાત થઈ રહી છે અમદાવાદના ૧૮ વર્ષીય શોર્ટ ફિલ્મમેકર રામેશ્વર ભટ્ટની. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતા અને હાલ અમદાવાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા રામેશ્વરે અત્યાર સુધીમાં ૧૫૦થી પણ વધુ ટૂંકી ફિલ્મો તૈયાર કરીને દેશ અને દુનિયાના જાણીતા ફિલ્મમેકરોનું ધ્યાન ખેંચ્યું છે.

હકલાવાની બીમારીને ફિલ્મ મેકિંગ થકી મા’ત આપી માત્ર ૧૩ વર્ષની ઉંમરે રામેશ્વરે ફિલ્મો બનાવવાનું શરૃ કરેલું. કેવી રીતે આટલી નાની ઉંમરમાં પોતે એક સારો ફિલ્મમેકર બની ગયો તેની વાત કરતા તે કહે છે, ‘નાનપણમાં હું બોલવામાં અચકાવાની સમસ્યાથી પિડાતો હતો. જેના કારણે સગાંસંબંધીઓ, મિત્રો સાથે બહુ ઓછું બોલતો. જોકે તેના કારણે ફાયદો એ થયો કે મારી અવલોકનશક્તિ તેજ થઈ ગઈ. એ પછી તો હું બોલતો ઓછું અને અવલોકન વધારે કરતો થઈ ગયો. તેના કારણે સામાન્ય ચીજ કે ઘટનાને પણ અસામાન્ય રીતે જોવાની દ્રષ્ટિ કેળવાતી ગઈ. દા.ત. કેરી હોય, તો માત્ર તેનો અને માણસનો સંબંધ જ નહીં. કેરી અને માખી, કેરી અને કીડી, કેરી અને ફૂગ, કેરી અને તેના પર પડતો પ્રકાશ, કેરી અને ઉઘડતો કેસરી રંગ વગેરેનો સંબંધ પણ દેવાખા માંડ્યો. આવી જ રીતે એક શૉર્ટ ફિલ્મ અમદાવાદના શાહપુર વિસ્તારમાં શાકભાજી વેચતાં એક બહેન, જેઓ સોલર લાઈટ પણ વેચતાં હતાં, તેમના પર બનાવેલી. જેને વર્લ્ડ બેંક ગ્રૂપ દ્વારા આયોજિત ‘કનેક્ટ ૪ ક્લાઇમેટ ફિલ્મ કોમ્પિટિશન’માં પ્રથમ ઇનામ મળ્યું હતું. શરૃઆતમાં મારા આઇફોનથી શૂટિંગ કરીને ૧૦૦ જેટલી શોર્ટ ફિલ્મ તૈયાર કરેલી, ત્યાર બાદ મેં કૅમેરા ખરીદ્યો. એ દરમિયાન મારી બીજી એક શોર્ટ ફિલ્મ, જે અમદાવાદના વધતાં જતાં તાપમાન પર બનાવી હતી, તેને એશિયાના મિનિસ્ટરોની કૉન્ફરન્સમાં મોંગોલિયાના ડૅપ્યુટી વડાપ્રધાનના હાથે ઇનામ મળ્યું. આ પ્રસિદ્ધિને કારણે મને આનંદ ગાંધી, ધીર મોમાયા, દારિયા ગાઇક્લોવા, ઝેન મેમણ જેવા ફિલ્મમેકરો સાથે કામ કરવાનો મોકો મળ્યો. ઉપરાંત વૉશિંગ્ટન ડી.સી.માં સ્મિશસોનિયન ઇન્સ્ટિટ્યૂટમાં બે વર્ષ ઇન્ટર્નશિપ કરવાનું આમંત્રણ મળ્યું. આ સિવાય ન્યૂયૉર્ક, એબ્રોન આર્ટ સેન્ટર, અવૅર ફાઉન્ડેશન, ઍમ્પ્ટી હેન્ડ્સ જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જોડે કામ કરવા મળ્યું. ફિલ્મમેકિંગે મને સામાન્ય ઘટનાને અસામાન્ય રીતે જોવાની દ્રષ્ટિ પુરી પાડી છે.’

શૉર્ટ ફિલ્મોથી યુએન સુધી પહોંચ્યાની વાત
રામેશ્વર ગત ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ યુનાઇટેડ નેશન્સ ઑફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (યુ.એન.ડી.આર.આર.) દ્વારા આયોજિત યૂથ ક્લાઇમૅટ ઍક્શન સમિટમાં પણ પોતાના વિચાર રજૂ કરી આવ્યો છે. આ એ જ કાર્યક્રમ હતો, જ્યાં દુનિયાભરના ૨૪૦૦થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વડાઓ અને ગ્રેટા થનબર્ગ જેવા ક્લાઈમૅટ ચૅન્જ માટે કામ કરતી પ્રતિભાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રામેશ્વરે અહીં એશિયા-પૅસિફિક તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. તેના ભાષણનો વિષય હતો, ‘ફિલ્મ અને પર્યાવરણ’. જેમાં તેણે કહ્યું હતું કે, ‘ફિલ્મમાં લોકોની આદતો બદલવાની શક્તિ છે. વાસ્તવિકતાને છતી કરવાની જે તાકાત ફિલ્મમાં છે તેવી બીજા કોઈ માધ્યમમાં ભાગ્યે જ હશે. આપણે મનુષ્યો વર્તન બદલીશું તો પર્યાવરણને બચાવી શકીશું. એ રીતે અસહ્ય ગરમી, વાવાઝોડાં, દુકાળ, પૂર જેવી કુદરતી આપત્તિઓથી પણ બચી શકીશું. હું માનું છું કે પર્યાવરણને સતત નુકસાન પહોંચાડનારું પરિબળ માનવી છે. પર્યાવરણ બચાવવા માટે તેણે પોતાની જરૃરિયાતો પર ચોક્કસ નિયંત્રણો લાદવા પડશે. જેમ કે તરસ લાગે તો પાણીની બોટલ કે પાઉચ ખરીદીને પીવાને બદલે ઘેરથી પાણી લઈ જઈએ અથવા પીને જ બહાર નીકળીએ. બોટલ શોધાઈ તે પહેલાં પણ માણસ પાણી પીતો હતો, પ્રવાસ કરતો હતો, છતાં તરસે મરી જતો નહોતો. ત્યારે વધુ પ્લાસ્ટિક પેદા ન થાય તે પણ જોવાનું રહેશે. સમય પાકી ગયો છે કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને ઔદ્યોગિકરણનો વિકલ્પ શોધીએ. સોસાયટીના નાકે કાર કે બાઇક પર જવા કરતાં ચાલીને અથવા સાઇકલ પર જવું તે વર્તન પરિવર્તન આપણા હાથમાં છે અને મને લાગે છે લોકોને ત્યાં સુધી દોરી જવાની સૌથી મોટી ક્ષમતા ફિલ્મોમાં રહેલી છે. છતાં આપણે સાથે મળીને આ પગલાં લેવાના છે. જો સાથે મળીને યોગ્ય દિશામાં આગળ વધતાં રહીશું તો પરિણામ ઝડપથી અને ઓછા ખર્ચે આવશે. આપણે યાદ રાખવું પડશે કે આપણે પૃથ્વીના ટ્રસ્ટી છીએ. તેની જાળવણી આપણી જવાબદારી છે. એ ત્યારે જ શક્ય બને જો આપણે એકબીજાને ઓળખીએ અને સહકારથી પગલાં લઈએ. ટ્રસ્ટીશિપનો આધુનિક વિચાર ૧૯૧૭માં ગાંધીજીએ અમદાવાદથી આપેલો. જેને હવે વૈશ્વિક સ્તરે લઈ જઈ, રૃપિયા કે મિલકતના નહીં, પરંતુ સ્વચ્છ હવા, શુદ્ધ પાણીના ટ્રસ્ટી બનીએ. મારી ફિલ્મો એ ઉપદેશનો સંદેશ નહીં, પરંતુ ઉપાય અને ઉકેલનો સંવાદ બની રહે તેવી ઇચ્છા છે.’

——————————–

ક્લાઇમૅટ ઍક્શનનરેશ મકવાણાયુનાઇટેડ નેશન્સરામેશ્વર
Comments (0)
Add Comment