- પંચામૃત – ભૂપત વડોદરિયા
જિંદગીને અલગારી રખડપટ્ટી ગણીને જીવનારાઓમાં અમેરિકન નવલકથાકાર હેનરી મીલરનો સમાવેશ મોખરાની કતારમાં કરવો પડે. એના એક પુસ્તકનું નામ છે, ‘ઍરકન્ડિશન્ડ નાઇટમેર!’ વાતાનુકૂલિત ખંડની ભૂતાવળ! આજે લોકો વાતાનુકૂલિત ખંડમાં બેઠા બેઠા દુઃસ્વપ્નો જુએ છે. પૈસા છે, સુખ અને સગવડનાં સાધનોની ખોટ નથી, પણ જિંદગી ખુદ કાચના પિંજરની અંદર એક સાહસહીન મત્સ્યયાત્રા બની ગઈ છે. ખુલ્લા આકાશ નીચે ખુલ્લા પગે ચાલતાં જે સામે આવે તેને માથે ચઢાવીને આગળ વધવાની ખુમારી નથી. બચીબચીને છુપાઈ છુપાઈને એક ભાગેડુની જેમ જીવવાની એક રીત માણસને કોઠે પડી ગઈ છે.
હેનરી મીલરનું ખિસ્સું ખાલી જ છે. તેના પગની સ્લીપરની એક પટ્ટી તૂટેલી છે. પેરિસના માર્ગો પર એ ઘૂમે છે. જરૃર પડે તો કોઈક જાણીતા કે અજાણ્યાની પાસે હાથ પણ લંબાવે છે, પણ એનામાં યાચકવૃત્તિ નથી. માણસ છું અને માણસ પાસે કાંઈક માગવાનો મને હક નહીં? માગુ પણ ખરો અને આપું પણ ખરો!
તાજેતરમાં જાપાનમાં કોજી નાકાનો નામના લેખકનું એક પુસ્તક બહાર પડ્યું છે. પુસ્તકનું નામ છે – ફિલોસોફી ઓફ ધી નોબલ પોવર્ટી – ઉમદા ગરીબીની ફિલસૂફી! આ પુસ્તકની છ લાખ ત્રીસ હજાર નકલો ખપી ગઈ છે. આ પુસ્તકમાં જાણે કે જાપાનના લોકો માટે એક લેખક આત્મમંથનનું તારણ આપી રહ્યો છે. જાપાન તો ઉદ્યોગ અને ટૅક્નોલોજીમાં મોખરાનું સ્થાન મેળવી ચૂકેલો એક દેશ – જાપાનની પ્રજા ખૂબ ઉદ્યમી – ખૂબ મહેનતુ અને ધન-સંપત્તિ પેદા કરવામાં ભારે કુશળ, પણ છેવટે તેની સામે પણ મૂળ સવાલ આવીને ઊભો છે – વૈભવના આ ખડકલાની વચ્ચે માણસની જિંદગીના રસકસમાં વધારો થયો છે? કે ઘટાડો થયો છે? માણસોની ભીડ અને આંધળી દોટમાં જિંદગી સપડાઈ ગઈ છે કે શું? હવે જાપાનની પ્રજાને જૂના દિવસોની યાદ સતાવે છે! મહત્ત્વાકાંક્ષાના ઘોંચપરોણા નીચે આગળ જવાની મરણિયા દોટ કાઢતી આજની જિંદગી સારી ગણવી કે વર્ષો પૂર્વેની થોડાંક જ સાધનોમાંથી સુખ અને સંતોષ નિપજાવતી જિંદગી સારી હતી?
કચેરી વાતાનુકૂલિત છે. મોટરમાં પણ અંદરનું હવામાન ઠંડકવાળું છે અને ઘરના શયનખંડમાં પણ ઠંડક જ છે, પણ મનમાં ક્યાંય ચેન નથી. હૃદયમાં ક્યાંય શાંતિ નથી. એક દિવસ એવો હતો કે ઘરમાં ગરીબી હતી, પણ એ ગરીબીને મોંઘેરા મહેમાનની જેમ માનપાન આપ્યું હતું. ખિસ્સામાં, પહેરવેશનાં કપડાંમાં, ભાણામાં ગરીબી ડોકાતી હતી, પણ માણસની અંદર અમીરી હતી, એના મિજાજમાં અમીરી હતી. આ ગરીબી આળસુની નહોતી કે આ ગરીબી સામાજિક વિષમતાનું ફરજંદ નહોતી. આ ગરીબી સ્વૈચ્છિક હતી – જિંદગીને માણવાની આ એક રીત હતી. જેને એક ટંકનું ભોજન ના મળે, માથે છાપરું ન હોય, બાળકો માટે દૂધ ન હોય એવી સ્થિતિમાં જીવનારા લોકોને આપણે એવું કહીએ કે તમે સુખી છો, ખૂબ સુખી છો તો એ નિર્દયતા જ કહેવાય. અહીં જે વાત કરી છે તે એવા લોકોની નથી કે જેમને એક અગર બીજા કારણસર સમાજ કે રાજસત્તાએ મનુષ્ય તરીકે જીવવાની તક જ નથી આપી! મનુષ્ય તરીકે જીવવાનો અધિકાર દરેકને છે. એ અધિકાર તેને ના મળે અને સમાજ કે રાજસત્તા તેને માત્ર ખેરાત આપે તો તેથી તેનું દારિદ્ર્યહ ફીટે નહીં. અહીં એમની વાત નથી. અહીં જેમની વાત કરી છે તે તો એવા માણસોની છે જેઓ ધારે તો દોડાદોડી અને દેખાદેખીના ચક્કરમાંથી છૂટીને સંતોષથી અને સ્વમાનપૂર્વક પોતાની જિંદગી જીવી શકે તેમ છે, પણ જીવતા નથી! કેમ કે તેમને મનમાં એવું ઠસી ગયું છે કે ‘ગરીબી’ અસાધ્ય રોગ છે અને ગમે તેવા જલદ ઉપાયો કરીને તેને મટાડવામાં નહીં આવે તો માર્યા જઈશું! પછી માણસો પોતાની ગરીબી દૂર કરવા જલદ ઇલાજો શરૃ કરે છે! કોઈ પણ રીતે, કોઈ પણ રસ્તે ધન મેળવો! એમને ખબર નથી હોતી કે આ રીતે ગમે તેમ કરીને ધનની અછત દૂર કરી શકશો, પણ તમારા મનની અછત એ રીતે દૂર થવાની નથી!
તમે બહારથી શ્રીમંત બનશો, પણ અંદરખાને તો નિર્ધનના નિર્ધન અને કંજૂસના કંજૂસ જ રહેશો. તમે સાચી અમીરી જાતે પણ નહીં પામો, તમારા કુટુંબીઓને પણ નહીં આપી શકો અને તમે બંધ કરીને બેઠેલા તમારા બંગલામાંથી પ્રકાશનું એક પણ કિરણ રાહદારી સહિત અન્ય કોઈને નહીં પહોંચાડી શકો અને એક ક્ષણે તમને તમારી આ ઝળાંહળાં રોશની તેજને બદલે માત્ર તાપ જ આપતી લાગશે અને તમે બત્તી બુઝાવી જાતે અંધકારમાં માથું છુપાવશો.
————————————–