ખરી લડાઈ તો ડેન્ગ્યુ અને લોકો વચ્ચેની છે

ડેન્ગ્યુને કાબૂમાં લેવાનું કામ વહીવટી તંત્રની સાથે લોકોએ જાતે જ કરવું જોઈએ.
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

આરોગ્ય તંત્ર ડેન્ગ્યુને કાબૂમાં લેવા પૂરતાં પગલાં ભરતું નથી એવી ફરિયાદો વચ્ચે જનજાગૃતિ માટે અનોખી પહેલ કરનારા તબીબ કહે છે, ડેન્ગ્યુને કાબૂમાં લેવાનું કામ વહીવટી તંત્રની સાથે લોકોએ જાતે જ કરવું જોઈએ. આ જીવલેણ બીમારીને દૂર કરવા ઘરની આસપાસ પાણી ભરેલા અવાડા, કૂંડી દર અઠવાડિયે સાફ કરીને કોરા કરવા જરૃરી છે.

ગુજરાતના અનેક વિસ્તારોની સાથે ડેન્ગ્યુએ પોતાનો પંજો કચ્છમાં પણ ફેલાવ્યો છે. અહીં પણ દિન- પ્રતિદિન ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યા છે. જિલ્લાની જી.કે. જનરલ હૉસ્પિટલના સિવિલ સર્જન ખુદ ડેન્ગ્યુની ઝપટે ચડી ગયા છે. સત્તાવાર આંકડા મુજબ ૭૩૫થી વધુ દર્દીઓ અત્યારે વિવિધ હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જોકે બિનસત્તાવાર આંક તો આનાથી ખૂબ વધુ હોવાની શક્યતા છે. કચ્છમાં નગરપાલિકાઓ, ગ્રામપંચાયતો દ્વારા મચ્છરના ફેલાવાને રોકવા કોઈ અસરકારક પગલાં લેવાતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે. આવી સ્થિતિમાં જનજાગૃતિ માટે ભુજના એક તબીબે મિત્રોની સહાયથી એક નવતર અભિયાન શરૃ કર્યું છે. થોડા લોકોને મચ્છરની ઉત્પત્તિની જગ્યાઓ શોધવાની, મચ્છરના બચ્ચા – લાર્વાનો નાશ કરવાની કામગીરી શીખવીને તેમને અલગ-અલગ વિસ્તારમાં મોકલાય છે. આ તબીબના કહેવા મુજબ, ગાય, કૂતરાં  કે પક્ષીઓ માટેની કૂંડી, અવાડાઓમાં ભરાયેલું પાણી ડેન્ગ્યુને ફેલાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી આ અવાડા, કૂંડીઓને અઠવાડિયામાં એક વખત ખાલી કરી, સાફ કરીને કોરી કરવાથી ડેન્ગ્યુ પર અંકુશ આવી શકે. જો આખા ભુજમાં એક જ સમયે બધી જ કૂંડીઓ સાફ થઈ જાય તો ત્રણ અઠવાડિયામાં ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ નહિવત થઈ શકે.

ભુજના બાળરોગ નિષ્ણાત ડૉ. નેહલ વૈદ્યએ ‘દેખો ત્યાં ઠાર કરો’ એવા આક્રમક સૂત્ર સાથે ડેન્ગ્યુ સામે અભિયાન છેડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મચ્છરની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે વાતની સામાન્ય લોકોને ખબર પણ હોતી નથી. ડેન્ગ્યુ માટે જવાબદાર મચ્છર ગંદા પાણીના બદલે ચોખ્ખા પાણીમાં જન્મે છે. અહીંની પ્રજા દયાળુ છે. ઠેર ઠેર કૂંડીઓ, અવાડાઓમાં પાણી ભરાયેલા હોય છે. તે જ મચ્છરનું જન્મસ્થાન બને છે. આમ જીવદયા કરવામાં લોકો પોતાના જીવ જ જોખમમાં મુકી દે છે. આ અવાડા, કૂંડીઓ અઠવાડિયે એક વખત કોરી કરવી જરૃરી છે. મચ્છરના લાર્વાને પુખ્ત થવામાં સાત દિવસ લાગે છે એટલે તે મોટા થાય તે પહેલાં જ તેનો નાશ કરી નાખવો જોઈએ.’

અત્યારે શરૃ કરાયેલા અભિયાનના પહેલા તબક્કે ભુજના સાઇકલ ચલાવી શકતા સેવાભાવી લોકોને એકત્ર કરીને તેમને મચ્છરની ઉત્પત્તિ રોકવા અવાડા, કૂંડીઓ સાફ કરવા, અગાસી પર ભરાયેલું પાણી દૂર કરવા, ટાયર કે નકામી વસ્તુઓમાં ભરાયેલું પાણી સાફ કરવા, ઘરમાં ફૂલદાની કે ફ્રીઝની ટ્રેમાં એકઠું થયેલું પાણી સમયાંતરે બદલવા અને જે જગ્યાએ એકઠું થયેલું પાણી સાફ કરી શકાય તેમ ન હોય તેવી જગ્યાએ બળેલું તેલ, કોઈ પણ જાતનું તેલ, કેરોસીન નાખીને કે એબેટ નામની દવા નાખીને મચ્છરની ઉત્પત્તિ રોકી શકાય જેવી બાબતોનો ખ્યાલ અપાયો હતો. ત્યાર પછી આ સેવાભાવી લોકોને અલગ- અલગ વિસ્તાર ફાળવીને ત્યાં લોકજાગૃતિ કરવાનું કામ સોંપાયું હતું. અભિયાનના બીજા તબક્કામાં મોટરસાઇકલ જેવા વાહનોવાળા સેવાભાવીઓને પણ તેમાં જોડવાનું આયોજન છે.

આવા અભિયાન ઉપરાંત તેઓ નવરાત્રિ વખતે અલગ-અલગ ગરબીઓમાં, શાળાઓમાં જાગૃતિ માટે પ્રયત્ન કરતા રહે છે. બાળકોને એકઠા કરીને સમજાવે છે અને મચ્છરની ઉત્પત્તિ અટકાવવા પ્રયત્ન કરવા કહે છે. તેઓ કહે છે, ‘ડેન્ગ્યુના ૭૦ ટકા મચ્છરની ઉત્પત્તિ કૂંડી અને અવાડામાં થાય છે જ્યારે બાકીના ૩૦ ટકા ઘરોમાં એકઠાં થયેલા પાણીમાં જન્મે છે. મચ્છરનું આયુષ્ય ૩થી ૪ અઠવાડિયાંનું હોય છે. તેના લાર્વાને વધતા ૭ દિવસ લાગે છે. આથી જો અઠવાડિયે એક વખત કૂંડી- અવાડા સાફ કરાય તો તેની ઉત્પત્તિ અટકી શકે. સરકારી તંત્ર દરેકના ઘર પાસેની કૂંડી કે અવાડા સાફ કરે તે અનેક વખત મુશ્કેલ બને છે આથી જો લોકો પોતે જ આ કામ કરે તો ડેન્ગ્યુને નાથવો સહેલો પડી શકે.’

આમ જો દર અઠવાડિયે એક નક્કી કરેલા દિવસે ભુજ કે કોઈ પણ ગામ, શહેર આખાની કૂંડીઓ, અવાડાઓ એકસાથે સાફ કરીને કોરા કરાય અને આ કામ નવેમ્બર માસ સુધી નિયમિત કરાય તો ડેન્ગ્યુ પર કાબૂ મેળવી શકાશે અને બહુમૂલી માનવજિંદગી પણ બચાવી શકાશે. આ માટે જરૃર છે સામાન્ય લોકોએ આળસ છોડીને જાગૃત થઈને કાર્ય કરવાની.
———————————–

ડેન્ગયુ. સુચિતા બોઘાણી કનર
Comments (0)
Add Comment