ગુજરાતનાં ગામડાંની તસવીર અને તકદીર બદલાઈ

છેલ્લાં કેટલાંક વર્ષો બાદ આ વર્ષે ગુજરાતનાં ગામડાંઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
  • સાંપ્રત – દેવેન્દ્ર જાની

છેલ્લાં કેટલાંક વર્ષો બાદ આ વર્ષે ગુજરાતનાં ગામડાંઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ચોમાસામાં સમગ્ર ગુજરાત પર મેઘરાજાએ મહેરબાની કરતા ગ્રામ્ય વિસ્તારોની તસવીર અને તકદીર જાણે બદલાઈ ગઈ છે. દિવાળીના તહેવારો પર ખેડૂતોના ચહેરા પર રોનક જોવા મળી હતી. સામાન્ય રીતે સોૈરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારો મેઘકૃપાથી વંચિત રહેતા હોય છે, પણ આ વર્ષે મેઘરાજાએ સમદ્રષ્ટિ રાખતા ચારે કોર હરિયાળી છવાઈ છે. પાણીની ચિંતા તો દૂર થઈ ગઈ છે, પણ આગામી શિયાળુ પાક માટે ખૂબ સારું પાક-પાણીનંુ ચિત્ર ઊભું થયું છે, જેના કારણે ગ્રામ્ય અર્થતંત્રને મોટું બળ મળ્યું છે. આવો જાણીએ મંદીની ચર્ચા વચ્ચે રૃરલ ઇકોનોમી કેવી રીતે મજબૂત બનશે.

‘છેલ્લા એક દસકામાં પહેલીવાર અમારા વાડી – ખેતરમાં પાક જે લહેરાઈ રહ્યો છે તે જોઈને અમારા હૈયાને ટાઢક વળી છે. નદી – નાળા , વોંકળા, કૂવાઓ અને ડેમ બધંુ જ છલકાઈ ગયંુ છે. પીવાના પાણીની તો નહીં, સિંચાઈના પાણીની સમસ્યાનો પણ મેઘરાજાએ હલ કરી દીધો છે. વર્ષો પછી દિવાળી પર ખેડૂતોના ચહેરા પર રોનક અને વેપારીઓના ચહેરા પર લાલી જોવા મળી હતી. વરુણદેવે કૃપા કરી છે એટલે અમારે કોઈ સહાયની જરૃર નથી. વધારે વરસાદથી ક્યાંય થોડું નુકસાન થયું છે. તલ – કઠોળ જેવા પાકને થોડંુ નુકસાન થયું છે, પણ તેની સામે શિયાળુ પાક અમે સારો લઈ શકીશું તેનો ખૂબ આનંદ છે.’ ગોંડલ તાલુકાના મોવિયા ગામના જીવાભાઈ નામના એક ખેડૂતના આ શબ્દોમાં સૌરાષ્ટ્ર – ગુજરાતના ગ્રામ્ય વિસ્તારનો સ્થિતિનો પડઘો પડે છે.

સમગ્ર રાજ્યની વાત કરીએ તો સરકારના સત્તાવાર અહેવાલ મુજબ સમગ્ર રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં એવરેજ ૧૪૬ ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતના ૧૧૮ તાલુકા એવા છે કે સરેરાશ ૪૦થી વધુ ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ૧પ૦ ટકા કરતાં વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના ર૦૪ ડેમમાં કુલ ક્ષમતાના ૯૬ ટકા પાણી ભરાયું હતંુ જ્યારે વાત સૌરાષ્ટ્રની કરીએ તો ૧૩૯ ડેમોમાં ૯૪ ટકા જ્યારે સતત વરસાદ ઝંખતા એવા કચ્છમાં આ વર્ષે વરુણદેવે

કૃપા કરી હતી અને કચ્છના ર૦ ડેમમાં ૭૭ ટકા પાણીનો જથ્થો ભરાયો હતો. સૌરાષ્ટ્રમાં જામનગર – દ્વારકાના કલ્યાણપુર, લાલપુર વિસ્તારમાં છેલ્લાં ત્રણેક વર્ષથી અછત જેવી સ્થિતિ હતી, પણ આ વર્ષે સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લામાં પડ્યો છે. જામનગર જિલ્લામાં સરેરાશ ૧૮૩ ટકા વરસાદ પડ્યો છે, જ્યારે રાજકોટ જિલ્લામાં ૧પર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૧પ૬ ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના મહેનતકશ ખેડૂતોને પાણી મળી જાય એટલે તેમને બીજું કંઈ જોઈતંુ નથી. હવે વીજળીનો પ્રશ્ન બહુ મહત્ત્વનો રહ્યો નથી.

ચોમાસાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ – ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં ક્યાંક અતિભારે વરસાદ પડ્યો હતો. એક સમયે ખેડૂત લોબીમાંથી એવી ફરિયાદો ઊઠી હતી કે આ વર્ષે લીલો દુષ્કાળ પડશે. ભારે વરસાદથી બિયારણ ફેલ ગયંુ છે. પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની આ વાતમાં થોડો દમ જરૃર હતો. અતિ ભારે વરસાદ જ્યાં પડ્યો હતો એ વિસ્તારમાં તલ અને કઠોળના પાકને નુકસાન થયંુ હતંુ અને તેનો સરકાર પણ સ્વીકાર કરે છે, પણ ઓવરઓલ સ્થિતિ જોવામાં આવે તો નુકસાન કરતાં ફાયદો વધુ થશે. સારા વરસાદથી સૌરાષ્ટ્રનો મુખ્ય જે પાક છે મગફળી અને કપાસની ખેતીમાં સારા ઉત્પાદનનો અંદાજ છે. ખરીફ પાક ઉપરાંત શિયાળુ પાક ઘઉં, ચણા જેવા પાકનું સારું ચિત્ર ઊભું થયું છે તેના કારણે ખેડૂત લોબી ખુશ છે. દિવાળી પછી માર્કેટ યાર્ડ ખૂલતા જ મગફળી જેવી જણસો લાવવા લાંબી કતારો લાગી રહી છે.

સૌરાષ્ટ્રનો મુખ્ય પાક મગફળી છે. આ વર્ષે સારા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન ગયા વર્ષથી બમણુ થવાનો અંદાજ છે. સોલવન્ટ પ્લાન્ટ ધરાવતા લોકોનું એક સંગઠન છેે સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા. આ એસોસિયેશનની વીસ સભ્યોની ટીમે સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ત્રણ દિવસ સુધી જુદા જુદા વિસ્તારોની જાત મુલાકાત લીધા બાદ એવો અંદાજ આપ્યો હતો કે આ વર્ષે ગુજરાતમાં ૩ર લાખ ટન કરતાં વધુ મગફળી થશે. તેમાં સૌરાષ્ટ્રમાં જ ર૭ લાખ ટનના ઉત્પાદનનો અંદાજ છે. ગયા વર્ષે માત્ર ૧૬ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતંુ. આમ આ વર્ષે મગફળીનું બમણુ ઉત્પાદન થશે. મગફળીનો ઉતારો આ વર્ષે પ્રતિ હેક્ટર ર૦૭૦ કિલોનું થશે  જે આંકડો ગયા વર્ષે ૧૦૮પનો હતો. મગફળીના બમ્પર ઉત્પાદનથી ખેડૂતોની આવક વધશે અને જે તેલ મિલો બંધ પડી હતી તે આ વર્ષે ફરી ધમધમતી થઈ જશે. આવી જ ધારણા સૌરાષ્ટ્રના ઓઇલ મિલરોની છે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહ પણ આ વાતમાં સૂર પૂરાવતા કહે છે, ‘આ વર્ષે સારા વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન બમણુ થવાનો અંદાજ છે. ગયા વર્ષે ૧૬ લાખ ટન મગફળીનંુ ઉત્પાદન થયું હતંુ જ્યારે આ વર્ષે ૩૦ લાખ ટન કરતાં વધુ થવાનો અમારો અંદાજ છે. એક ટન મગફળના ૪૦ હજારનો ભાવ ગણીએ તો ૧ર૦ અબજ રૃપિયા થાય. આટલી મોટી રકમ ખેડૂતો પાસે આવશે તેનો સીધો લાભ માર્કેટને થશે. દિવાળી પછી ખેડૂતો પાસેનો કેશ ફલો વધશે તેના કારણે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનશેે. માર્કેટમાં તરલતા વધશે તેના કારણે મંદીને મહાત કરવામાં મોટંુ બળ મળશે. આ વખતે સ્થિતિ સારી છે ત્યારે અમારી સરકારને અપીલ છે કે તેલની આયાત કર અંકુશ મુકે જેનાથી સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને ફાયદો થાય.’

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૃપાલાએ ‘અભિયાન’ સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે, ‘આ વર્ષે ખૂબ સારો વરસાદ થતા દરેક વિસ્તારમાં નદી – નાળાં છલકાઈ ગયાં છે. છેલ્લાં કેટલાંક વર્ષો બાદ પાક-પાણીનું સારું ચિત્ર જોવા મળ્યું છે. ગામડાંઓમાં ખુશીનો માહોલ છે. ચોમાસાના છેલ્લા સમયમાં ક્યાંક અતિ ભારે વરસાદ પડ્યો છે તેના કારણે તલ જેવા પાકને થોડંુ નુકસાન થયાનું અમારા ધ્યાન પર આવ્યું છે, પણ તેની સામે શિયાળુ પાક સારો લઈ શકાશે, કારણ કે કૂવાઓ – ડેમ ભરાઈ ગયા છે. સિંચાઈના પાણીનો કોઈ પ્રશ્ન નહીં રહે. આમ એકંદરે જોઈએ તો સારા ચોમાસાના કારણે ગ્રામ્ય અર્થતંત્રને એક નવું બળ મળશે. ગામડાંઓમાં સમૃદ્ધિ આવશે તો તેની સીધી અસર શહેરોના વેપાર-ધંધા પર પડશે.’

રાજકોટ માર્કેટ યાર્ડના પ્રમુખ અને સહકારી આગેવાન ડી.કે. સખિયા કહે છે, ‘આ વર્ષે એક વીઘા જમીનમાં  રપથી ૩૦ મણ મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. દિવાળી પછી તો એવી સ્થિતિ છે કે માર્કેટ યાર્ડ પાસે મગફળી રાખવાની જગ્યા નહીં હોય. હાલ માત્ર રાજકોટ માર્કેટ યાર્ડમાં જ ૮૦ હજાર ગુણી મગફળીની આવક થઈ રહી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે મગફળીના ભાવની વાત કરીએ તો હાલ એક મણ (ર૦ કિલો)ના ભાવ રૃ. ૮૦૦થી ૧૦૦૦ મળી રહ્યા છે. દિવાળી પછી ટેકાના ભાવે પણ ખરીદી શરૃ થઈ છે તેના ભાવ રૃ.૧૦૮૦ છે. કપાસનું ઉત્પાદન પણ આ વર્ષે વધવાનો અંદાજ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યો છે તેના કારણે ખેતીને ભાંગતી બચાવી શકાશે. ખેતીમાં ખેડૂતો બે પૈસા કમાશે તો તેની અસર રિયલ એસ્ટેટ કે અન્ય માર્કેટ પર પણ જોવા મળશે. દિવાળીના તહેવારો ગામડાંઓમાં ભારે હર્ષોલ્લાસ વચ્ચે ઉજવાયા હતા. લોકોના ચહેરા પર આ વર્ષે રોનક જોવા મળી રહી છે.’

કૃષિ નિષ્ણાત રમેશભાઈ ભોરણિયા કહે છે, ‘આ વર્ષે ગામડાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મને એવા કેટલાય વૃદ્ધ ખેડૂતોએ કહ્યું હતું કે આવું સારું વર્ષ લાંબા સમયે જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના અર્થતંત્રનો મોટો આધાર ખેતી પર રહ્યો છે. જો ખેતી સારી થાય તો વેપાર-ધંધા વધે છે. ખેડૂતો પાસે પૈસા આવશે તો એ માર્કેટમાં ફરશે. આ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનની સીધી અસર ગ્રામ્ય અર્થતંત્ર પર પડી રહી છે. મંદીની ચર્ચા દેશભરમાં છે ત્યારે પાક – પાણીનું જે સારું ચિત્ર જોવા મળી રહ્યું છે તેના કારણે મંદીને મહાત કરી શકવામાં એક મોટંુ બળ મળશે. ખેડૂતોના ખિસ્સામાં સારા પૈસા આવશે તો દીકરા-દીકરીનાં લગ્ન જેવા પ્રસંગો કરશે અથવા તો મોટા શહેરોમાં રોકાણ કરશે આમ દિવાળી પછી માર્કેટમાં પૈસો ફરતો દેખાશે.
—.

સમૃદ્ધ ખેતીએ હીરાઘસુઓની દિવાળી સુધારી
ગામડાંઓમાં ખેડૂતોની દિવાળીના આ વર્ષે સારા શુકન થયા છે. દિવાળી સુધરી છે. હવે આગામી આખું વર્ષ સારું જાય તેવી આશા છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં સારો વરસાદ થયો છે. સર્વત્ર ખુશીનો માહોલ છે. સૌરાષ્ટ્રમાં ખેતીમાં સમૃદ્ધિ જોવા મળતા સુરતમાં મંદીમાં ફસાયેલા હીરાના કારીગરોને એક મોટો આશરો મળી ગયો છે. દિવાળી કરવા માટે વતન સૌરાષ્ટ્રમાં આવેલા હજારો હીરાના કારીગરો તહેવારો પછી એકાદ સપ્તાહમાં સુરત પરત ફરતા હોય છે, પણ આ વર્ષે તેઓ સુરત જવાની ઉતાવળમાં નથી, કારણ કે વતન ગામડામાં ખેતીમાં જરૃર છે અને સુરતમાં હીરામાં મંદીના કારણે લાંબું વૅકેશન છે એટલે વધુ દિવસ સૌરાષ્ટ્રમાં રોકાયા છે. સુરતમાં હીરા અને ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ હોવાથી વહેલા વતનમાં આવેલા યુવાનોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, જસદણ, ગઢડા, બોટાદ, પાલિતાણા જેવા વિસ્તારોમાં એક પણ ગામ એવું નહીં હોય કે એ ગામના યુવાનો રોજીરોટી કમાવવા સુરત ન ગયા હોય. આ યુવાનો દર દિવાળીએ વતનમાં આવતા હોય છે. વતનમાં પરિવારના સભ્યો સાથે દિવાળી ઉજવીને જતા હોય છે. આ વર્ષે વતન આવેલા અનેક યુવાનો એવું કહી રહ્યા હતા કે ઉપરવાળાએ આ વર્ષે મહેરબાની કરી છે. મંદીના માહોલમાંથી અમને બહાર નીકળવાનું એક મોટું બળ મળ્યું છે.
—-.

માવઠાએ તૈયાર થયેલા પાકને નુકસાન કર્યું 
આ વર્ષે સારા ચોમાસાના કારણે દિવાળીના તહેવારો પર ખેડૂતોના ચહેરા પર રોનક જોવા મળી હતી, પણ સંવત ર૦૭૬ના વર્ષનો આરંભ થાય તે પૂર્વે વાતાવરણમાં પલટો આવ્યો અને સૌરાષ્ટ્ર – ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠાને કારણે મગફળી – કપાસ જેવા પાકને થોડંુ નુકસાન થયું છે. પાક ખેતરોમાં લહેરાતો હતો, ખેડૂતો તૈયાર થઈ ગયેલા પાકને હરખભેર ઘરે લઈ આવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ વાતાવરણ બદલાયું હતંુ. સૌરાષ્ટ્રના સાગર કિનારે વાવાઝોડાની આગાહી હવામાન ખાતાએ કરી હતી. આગાહીના પગલે રાજકોટ, ગોંડલ, પડધરી, જેતપુર, સુરેન્દ્રનગર, જામનગર, લાલપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ખેડૂતોના કહેવા મુજબ આ વર્ષે પાક સારો થયો હતો, પણ માવઠાએ અમારી આશા પર પાણી ફેરવી દીધું છે. કિસાન અગ્રણી પાલ આંબલિયાએ ખેડૂતોને જે નુકસાન થયું છે તેની સામે પાક વીમો ઝડપથી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા અને સહાય જાહેર કરવા સરકારને રજૂઆત કરી છે.
———————-

ગુજરાતદેવેન્દ્ર જાનીસાંપ્રત
Comments (0)
Add Comment