સેલ્સ એન્ડ માર્કેટિંગ ક્ષેત્રે ઝળહળતી કારકિર્દી

કોર્પોરેટ જગત એક વિકસિત સેક્ટર ગણવામાં આવે છે.
  • નવી ક્ષિતિજ – હેતલ રાવ

દરેક કંપની માટે પોતાની પ્રોડક્ટનું વેચાણ યોગ્ય રીતે થાય તે જરૃરી છે. જેના માટે કંપનીઓ પ્રોફેશનલ્સની મદદ લેતી હોય છે. વૈશ્વિક માર્કેટમાં સેલ્સ અને માર્કેટિંગમાં માહિર હોય તેવા યુવાનો માટે કારકિર્દીના અઢળક વિકલ્પો છે.

કોર્પોરેટ જગત એક વિકસિત સેક્ટર ગણવામાં આવે છે. માટે જ દરેક નાની-મોટી કંપનીઓ પોતાની પ્રોડક્ટને બેસ્ટ સાબિત કરવાની હોડમાં લાગેલી છે. તો કંપનીઓ પણ વિશ્વ ફલક પર પોતાના તૈયાર કરેલા ઉત્પાદનને લોકો સુધી પહોંચાડવાના નવા નવા કીમિયા અપનાવી રહી છે. માત્ર ખાનગી સેક્ટર જ નહીં, સરકારી સંસ્થાઓને પણ આ સ્પર્ધામાંથી પસાર થવંુ પડે છે. તમામ કંપનીઓ માટે જૂના સાથે નવા ઉત્પાદન અને સેવાઓની માગને વધારવી જરૃરી બની ગઈ છે. આ જ કારણો છે જેથી દરેક ક્ષેત્રે સેલ્સ અને માર્કેટિંગમાં અભ્યાસુ વિદ્યાર્થીઓને નોકરીની તક મળી રહી છે. તો સાથે કારકિર્દીને આગળ વધારવાની પણ પર્યાપ્ત સંભાવનાઓ રહેલી છે.

સેલ્સ અને માર્કેટિંગ
કોઈ પણ કંપનીનો નફો તેના સેલ્સ અને માર્કેટિંગ વિભાગના કાર્ય પર આધાર રાખે છે. સેલ્સ વિભાગના કર્મચારીઓ સાથે મળીને કંપનીનું ઉત્પાદન અને સેવાઓના વેચાણમાં વધારો કરે છે. જેમાં માર્કેટિંગ વિભાગના કર્મચારી માર્કેટ રિસર્ચ, માર્કેટ સરવે યોજનાઓ અને જાહેરાતો દ્વારા પોતાનો સહયોગ આપે છે. એમ પણ કહી શકાય કે આ પ્રોફેશનલ્સ પોતાની આવડતના આધારે માર્કેટમાં બ્રાન્ડ વેલ્યૂ વધારવાનો સતત પ્રયત્ન કરે છે. સેલ્સ અને માર્કેટિંગ બંને વિભાગોનું કાર્ય લગભગ એક સરખંુ જ હોય છે છતાં પણ તેમના આયોજનમાં ઘણો તફાવત હોય છે. નામાંકિત કંપનીઓ આ કાર્યમાં બેસ્ટ હોય તેવા યુવાનોને તક આપે છે.

નોકરીના વિકલ્પ
સેલ્સ અને માર્કેટિંગમાં એચએચસી પછી નોકરીના દ્વાર ખૂલી જાય છે, પરંતુ સ્નાતક પછી આ ક્ષેત્રે પ્રવેશવું વધુ યોગ્ય છે. કોઈ પણ વિષય સાથે સ્નાતક થયેલા યુવાનો આ ક્ષેત્રે એન્ટ્રી લઈ શકે છે, પરંતુ સેલ્સ અને માર્કેટિંગમાં કારકિર્દીની શરૃઆત કરવા ઇચ્છતા યુવાનોમાં આત્મવિશ્વાસ અને કોઈ પણ પ્રોડક્ટનું વેચાણ કરવાની કલા જરૃરી છે. ઓનલાઇન સેલ્સ, સેલ્સ મૅનેજમૅન્ટ ઉપરાંત કોઈ પણ ઉત્પાદનને લોકો સુધી સરળતાથી પહોંચાડવાની કુનેહ ધરાવતા યુવાનોને કંપનીઓ વધારે તક આપે છે. આ પ્રકારના અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે પણ સ્કોપ વધી જાય છે. ઉપરાંત નિયોક્તા ડાયરેક્ટ કન્ઝ્યુમર સેલ્સ, પ્રોમોશનલ સેલ્સ, ઇવેન્ટ એન્ડ ટ્રેડ એક્ઝિબિશનમાં ઉમેદવારોની કુશળતાની પરખ કરે છે.

*           નોકરી માટે યોગ્ય સ્કિલ અને અનુભવના આધારે સેલ્સ ટ્રેનીથી લઈને સેલ્સ મેનેજર અને ડાયરેક્ટર (સેલ્સ એન્ડ માર્કેટિંગ) સુધીના હોદ્દા સુધી પહોંચી શકાય છે. શરૃઆતના સમયમાં પગાર ધોરણ ઓછંુ હોવા છતાં પણ ઇન્સેન્ટિવ અને અન્ય એલાઉન્સ મળી રહે છે. સારા વેચાણના આધારે સારી એવી આવક મળી રહે છે.

*           સેલ્સ એન્ડ માર્કેટિંગ વિભાગમાં રસ દાખવતા યુવાનો નોકરી માટે પ્લેસમેન્ટ એજન્સી અથવા તો ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે. ઇન્ટરવ્યૂ આપતા પહેલાં આ ક્ષેત્રમાં નોકરી કરતા પોતાના મિત્રોની મદદ મેળવી લેવી યોગ્ય છે. ઉપરાંત જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવાનો હોય તેના ઉત્પાદન અને હરીફો વિશે માહિતગાર હોવું જરૃરી છે, કારણ કે આ જાણકારીના આધારે તમારા વિચારો કંપનીને પસંદ આવી શકે છે.

ક્ષમતા જરૃરી
નાના-મોટા વેપારીઓથી લઈને ગ્રાહકોને પોતાની સેવાઓ અને ઉત્પાદન ખરીદવા માટે તૈયાર કરવા તે ઘણુ મહેનત માગી લે તેવંુ કાર્ય છે. માટે જ આ પ્રકારની નોકરી માટે વાતચીતમાં ઉત્તમ હોવંુ મહત્ત્વનું છે. યુવાનોની બહિર્મુખી પ્રકૃતિ પણ ઉપયોગી બની રહેશે. સામાન્ય રીતે આ વ્યવસાય તમને ઘણો વ્યસ્ત બનાવે છે માટે જે યુવાનો કોઈ પણ જગ્યા પર અવર-જવર કરવામાં સહજતા અનુભવતા હોય તેમણે જ રસ દાખવવો યોગ્ય ગણાશે. આ કાર્ય માટે ધૈર્યવાન સાથે બેસ્ટ શ્રોતાની ફરજ નિભાવવાની હોય છે. સર્જનાત્મક વિચાર અને પ્રતિસ્પર્ધીઓથી આગળ વધવા માટે ઉમદા રણનીતિ ઘડવાની આવડત તમારા કામને વધુ પ્રભાવિત બનાવે છે.

કોર્સ
સ્નાતક અને અનુસ્નાતક સ્તર પર સેલ્સ, માર્કેટિંગ સાથે જોડાયેલા ઘણા કોર્સ ઉપલબ્ધ છે. મેથ્સ અને કોમર્સનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે આ કોર્સમાં પ્રવેશ મેળવવો સરળ બને છે. જોકે ખાસ કરીને પ્રવેશ પરીક્ષાના આધારે જ આ કોર્સમાં એડ્મિશન મળે છે. સ્નાતક સ્તર પર બીબીએ (સેલ્સ એન્ડ માર્કેટિંગ), બીબીએ (ડિજિટલ માર્કેટિંગ), બીકોમ (માર્કેટિંગ) જેવા કોર્સ કરાવવામાં આવે છે. પીજી કોર્સમાં એમબીએ (માર્કેટિંગ) કોર્સ કરાવવામાં આવે છે. આ ઉપરાંત પીજી ડિપ્લોમા ઇન માર્કેટિંગ એન્ડ સેલ્સ જેવા કોર્સ સરકારી અને ખાનગી બંને સંસ્થાઓમાં કરાવવામાં આવે છે.

ડિજિટલ માર્કેટિંગ ઓન ડિમાન્ડ
આજની ઝડપી જીવનશૈલીમાં લગભગ દરેક કંપનીઓ ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરે છે. જેની પાછળ મહત્ત્વનું કારણ છે ઓછો ખર્ચ. હા, માર્કેટિંગ માટેની જૂની ઢબની તુલનામાં ડિજિટલ માર્કેટિંગમાં ઘણો ઓછો ખર્ચ થાય છે. જેમાં કોઈ પણ પ્રોડક્ટની માહિતી ડિજિટલ સ્વરૃપે આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેની માટે ઇ-મેઇલ, સોશિયલ મીડિયા, વેબસાઇટ, મોબાઇલ ઍપ માર્કેટિંગ, સોશિયલ મીડિયા, વેબસાઇટ, મોબાઇલ ઍપ માર્કેટિંગ, સોશિયલ બ્લોગનો વિશેષ રૃપે ઉપયોગ કરવામાં આવે છે.

યુવાનો જ્યારે આ ક્ષેત્રને કારકિર્દી માટે પસંદ કરે છે ત્યારે જે કંપની માટે કામ કરતા હોય તેની પ્રોડક્ટને ગ્રાહકોમાં લોકપ્રિય બનાવવી તે ચેલેન્જિંગ કાર્ય છે, પરંતુ સફળતા માટે આવશ્યક પણ છે. ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા પ્રોફેશનલ્સ માટે વધુ પડકારો રહેલા છે, કારણ કે કંપનીઓને જરૃર પ્રમાણેનું કામ ન મળે તો તે પ્રોફેશનલ્સને ના કહેતા વાર નથી કરતા. સતત ફિલ્ડમાં ફરવાની સાથે હરીફ કંપનીની રણનીતિ પર ધ્યાન રાખવું અને તે પ્રમાણે પોતાની સ્ટ્રેટેજીમાં બદલાવ કરતા રહેવું, ઉત્તમ પ્રોફેશનલ્સ બનવા તરફની હોડમાં આગળ વધવામાં મદદરૃપ બની રહે છે. ખાનગી સેક્ટરમાં કંપની બદલાતી રહે છે. આવા સમયે દરેક કંપનીની કામ કરવાની રીત જુદી-જુદી હોય છે, માટે તે સમજવી અને તેને અનુસરવાની તૈયારી રાખવી પડે છે.

સેલ્સ અને માર્કેટિંગમાં સારી આવકની સાથે સેલ્સ ટાર્ગેટ પણ આપવામાં આવે છે. જેને પૂર્ણ કરવામાં સ્ટ્રેસનો સામનો કરવો પડે છે, પરંતુ એક વાર આ ફિલ્ડમાં સેટ થયા પછી કામ કરવંુ સરળ બની જાય છે.

–.

મુખ્ય સંસ્થાઓ

*           મગધ વિશ્વવિદ્યાલય, ગયા, બિહાર

*           સરદાર ભગત સિંહ કૉલેજ ઓફ ટૅક્નોલોજી એન્ડ મૅનેજમૅન્ટ, લખનઉ

*           સેમ હિગિનબૉટમ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર ટૅક્નોલોજી એન્ડ સાયન્સીઝ, પ્રયાગરાજ

*           પટના વુમન કૉલેજ (પટના યુનિવર્સિટી સાથે જોડાયેલી) પટના, બિહાર

*           નાલંદા ઓપન યુનિવર્સિટી

—————————————

નવી ક્ષિતિજ - હેતલ રાવ
Comments (0)
Add Comment