ગુજરાતની પેટા ચૂંટણીઃ ભાજપ માટે આત્મમંથન – કોંગ્રેસ માટે સંજીવની

ભાજપની ટોચની નેતાગીરી આ હારને હળવાશથી લેવા માગતી નથી.
  • જનમત – દેવેન્દ્ર જાની

ગુજરાતની છ વિધાનસભાની બેઠકોની ચૂંટણી દિવાળી પહેલાં યોજાઈ હતી. આ ચૂંટણીને શરૃઆતમાં તો કોઈએ ગંભીરતાથી લીધી ન હતી, કારણ કે કેન્દ્ર સરકારે ૩૭૦મી કલમ હટાવ્યા બાદની રાજ્યમાં આ પહેલી ચૂંટણી હતી. આ પેટા ચૂંટણીનાં પરિણામોએ સૌ કોઈને ચોંકાવ્યા હતાં. આ પરિણામો ભાજપ માટે આત્મમંથન અને કોંગ્રેસ માટે આ સંજીવની સાબિત થઈ રહ્યાં છે. ભાજપની ટોચની નેતાગીરી આ હારને હળવાશથી લેવા માગતી નથી.

મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યની સાથે ગુજરાતની છ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. રાધનપુર, બાયડ, અમરાઈવાડી, થરાદ, ખેરાલુ  અને લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં તા. ર૧ મીએ મતદાન થયું હતંુ અને તા. ર૪ મીએ પરિણામો આવ્યાં હતાં. ગુજરાતની છ બેઠકોની આ પેટા ચૂંટણીને શરૃઆતમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોએ હળવાશથી લીધી હતી. ભાજપમાં આત્મવિશ્વાસ છલકાતો હતો તો કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ મૂર્છિત અવસ્થામાંથી હજુ બહાર આવી ન હતી. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦મી કલમ હટાવ્યાનો ઐતિહાસિક નિર્ણય લીધા બાદ ભાજપ તરફી જે માહોલ જામ્યો હતો તેમાં ગુજરાતની આ પેટા ચૂંટણીમાં તમામ સીટ ભાજપને મળશે તેવું માનનારો વર્ગ મોટો હતો. ખુદ કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ આવું જ માનતા હતા, પણ જ્યારે તા. ર૪ મીએ પેટા ચૂંટણીનાં પરિણામો આવ્યાં તો સૌ કોઈ ચોંકી ઊઠ્યા હતા. ભાજપને સૌથી મોટો આંચકો લાગ્યો હતો. પેટા ચૂંટણીમાં સહુ કોઈની નજર રાધનપુર બેઠક પર હતી. આ બેઠક પર કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા હતા. અલ્પેશ ઠાકોર તો ચૂંટણીનાં પરિણામો પહેલાં જ મંત્રીના સપના જોવા લાગ્યા હતા, પણ પરિણામો આવ્યાં ત્યારે તેમના સપના રોળાઈ ગયા હતા. અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તેમના એક વખતના સાથીદાર રઘુભાઈ દેસાઈની સામે ૩૮૦૭ મતથી હાર્યા હતા. ભાજપના બેનર પર અલ્પેશની હાર થઈ છે તે હાર હજુ ગુજરાત ભાજપ પણ પચાવી શક્યું નથી. તેનંુ આત્મમંથન કરવામાં આવી રહ્યું છે. પક્ષપલટો કરીને ભાજપમાંથી ચૂંટણી લડનાર અલ્પેશ અને બાયડ પરથી ધવલસિંહ ઝાલાની પણ હાર થઈ હતી. પક્ષપલટુઓને મતદારોએ જાકારો આપી એક સંદેશ આપ્યો હતો કે પોતાના સ્વાર્થ ખાતર પક્ષ બદલતા નેતાઓ મતદારો તેમના ખિસ્સામાં છે તેવું ન સમજે. બાયડની બેઠક ભાજપે માત્ર ૭૪૩ મતોથી ગુમાવી હતી. ભાજપ માટે શહેરી વિસ્તાર એવા અમરાઈવાડીની બેઠક એ સેફ કહેવાતી હતી, પણ પરિણામ આવ્યાં ત્યારે શરૃઆતથી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલનો ઘોડો જ આગળ દોડતો હતો, પણ છેલ્લા રાઉન્ડમાં ભાજપના જગદીશ પટેલ બાજી મારી ગયા હતા. અમરાઈવાડીની બેઠક ભાજપ માંડ માંડ જીત્યો હતો.

ગુજરાત વિધાનસભાની છ બેઠકોની ચૂંટણી હતી તેમાં બે બેઠક પર અગાઉ કોંગ્રેસ અને ચાર બેઠક ભાજપ પાસે હતી. આ પેટા ચૂંટણીનાં પરિણામો ભાજપની અપેક્ષા બહારના આવ્યા હતા. કુલ છમાંથી ત્રણ બેઠક પર જ જીત મળી હતી. કોંગ્રેસે રાધનપુર અને બાયડ જાળવી રાખી ઉપરાંત ખેરાલુ વધારાની મેળવી હતી. ભાજપ નેતાગીરીએ  આત્મવિશ્વાસમાં મહારાષ્ટ્રની ચૂંટણીમાં વધુ ધ્યાન આપ્યું છે. રાજ્યના અન્ય વિસ્તારોમાંથી આગેવાનોને મહારાષ્ટ્ર મોકલી દેવાયા હતા તો બીજી તરફ કોંગ્રેસે પણ જીતની આશા વિના જ જાણે ચૂંટણી વ્યવસ્થા ગોઠવી હતી. કોઈ મોટા નેતાઓ પ્રચારમાં ડોકાયા ન હતા. સ્થાનિક મુદ્દાઓ જ ચર્ચામાં રહ્યા હતા, પણ આ વખતે મતદારો જાગૃત રહ્યા હતા. નેતાઓને માપમાં રાખ્યા અને પક્ષપલટુઓને તેમની ઓકાત બતાવી દીધી હતી. જ્યારે ખુદ કોંગ્રેસના એક ધારાસભ્યએ એવંુ કહ્યું હતું કે કોંગ્રેસને તો આ પેટા ચૂંટણીમાં બગાસું ખાતા પતાસંુ મળી ગયંુ હતું. ગુજરાત કોંગ્રેસને સંજીવની સાબિત થઈ રહ્યું છે નિષ્ક્રિય કાર્યકરો ફરી સક્રિય થઈ ગયા છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો દોર હાલ પૂરતો તો અટકી ગયો છે. વાત ભાજપની કરીએ તો ગુજરાતની આ પેટા ચૂંટણીનાં પરિણામોના પડઘા ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં પડશે તેવા સંકેતો મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમના હૉમ સ્ટેટમાં ત્રણ વિધાનસભાની બેઠક ગુમાવવી પડે તેને હળવાશથી લેવા માગતા નથી અને આવો સંકેત પણ તેમણે ગુજરાત ભાજપના નેતાઓને આપી દીધો છે.
——————————–

કોન્ગ્રેસગુજરાત પેટા ચૂંટણીદેવેન્દ્ર જાનીભાજપ
Comments (0)
Add Comment