- ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
જીવન એટલે જન્મ ‘ને મરણનો મેળ
દિવાળી એટલે કાળા ‘ને ધોળાનો ખેલ
દીપાવલી એટલે દીવાની હારમાળા. દિવાળીના તહેવારો પૂર્ણ થાય અને વૅકેશન અંત પામે એટલે દીવાની હારમાળા તૂટી જાય છે કે દીવાઓ છૂટાં પડી જાય છે. આવલિ અર્થાત્ પંક્તિ, પંગત, કતાર, માળા, શ્રેણી. એક અર્થ છે વંશવેલો. દીપાવલી એટલે એક જે દીપકમાંથી એકથી વધુ દીપક તે મૂળનો અંશ બની આગળ વધે તેવા દીપકના વંશનો વેલો. પ્રકાશના શેરડા પર તલવાર વીંઝો તો તેના ટુકડા ના થાય. જ્યોત પ્રગટી જાય ‘ને પ્રકાશ જન્મી જાય પછી ખાલી કોડિયું બચે તોય અંધકારનો પરાજય શરૃ થઈ ગયો હોય. અંધકારાવલિ કે તમાવલિ જેવા કોઈ શબ્દ નથી. દુઃખ, શોક કે વેદના ગમે તેટલી આયુ ધરાવે તેનો મહિમા કરવાની મનાઈ છે. આવલિ એટલે હાર, પરાજય નહીં. પ્રકાશનું સ્રોત સૂર્ય હંમેશ વિજયી જ હોય. સૂર્યાસ્ત શબ્દ છે સૂર્યનાસ્ત નથી. અસ્ત શબ્દ અસ્તિ તો છે જ તેમ કહે છે. સૂર્ય એટલે અરુણ. જેના પર કોઈનું દેવું નથી. જે સદૈવ દાતા છે. અરુણ અર્થાત્ પરોઢ, સોનું ‘ને સાત રંગોમાં સૌથી શાંત એવો લાલ રંગ.
અરુણ અર્થાત્ પરોઢ, સૂર્ય ‘ને સોનું. આરુણિ ઋષિની આવલિમાં આગળનો દીપ એટલે ઉદ્દાલક ઋષિ. ઉદ્દાલક શબ્દને મધ સાથે સંબંધ. એ આવલિમાં આગળ નચિકેતા આવે છે. નચિકેતા શબ્દને અગ્નિ સાથે સંબંધ. પ્રથમ અગ્નિને નચિકેત નામ આપવામાં આવેલું છે. કહેવાય છે કે નચિકેતા નામ ‘ને તેની સાથે જોડાયેલો વૃત્તાંત ઉત્તર ભારતમાં ઘણે ઠેકાણે છોટી દિવાળી તરીકે ઊજવાય છે તે યાને દિવાળીની આગલી રાતે ઘટેલો. રામ ‘ને પાંડવો ઘરે પરત ફર્યા, કૃષ્ણ ‘ને મહાવીરની સમાધિ કે ફસલની ઉજવણી જેવાં પરિબળ સિવાય દિવાળી સાથે કઠોપનિષદમાંનો યમ-નચિકેતા સંવાદ જોડાયેલો છે. આખું વરસ ગમે ત્યારે કોઈને કહેવા કે વંચાવવા જેમને ઘણા લોકો યાદ કરે છે એ વિવેકાનંદને નચિકેતા ખૂબ ગમતો ‘ને તેમના મતે કઠોપનિષદ આત્મસાત કરવું જ જોઈએ. આપણને દિવાળીમાં ઘણા કારણ સર સમય ના મળે એ સામાન્ય વાત છે. તો લો હવે સમય અસામાન્ય વાત કરવાનો થયો છે.
કઠોપનિષદ નચિકેતાના પિતા વાજશ્રવસથી શરૃ થાય છે. વાજ એટલે ધન, ખજાનો ‘ને ભીતરી શક્તિ. વજ્ર ‘ને વાજીકરણ શબ્દને વાજ સાથે સીધો સંબંધ. વાજશ્રવસ એટલે પોતાની તાકાતના દાન માટે જેમની ખ્યાતિ ચોમેર સંભળાય છે તે. વાજશ્રવસ દેવતાઓને પ્રસન્ન કરવા માગતા હતા. તે માટે તેમણે પોતાનું બધું જ ત્યાગ કરવા નક્કી કરેલું અને સર્વ દક્ષિણા નામક ક્રિયા અમલમાં મૂકેલી. તેમના વંશજ એવા નચિકેતાને થયું કે એ સ્વયં હજુ પણ તેમની પાસે જ છે, વાજશ્રવસ તો માત્ર ભૌતિક ચીજ જ અર્પણ કરી રહ્યા છે. સ્વર્ગમાં ઘરડી, વાંઝણી, પાંગળી કે નેત્રહીન ગાય ખાસ કામ ના લાગે. નચિકેતાને થયું કે તેના જનક પાસે જે સૌથી શ્રેષ્ઠ વસ્તુ હોય તેનું તેમણે દાન કરવું જોઈએ. તેણે તેમને પોતાની ગણતરી વિષે કહ્યું. વાજશ્રવસ સહમત થાય છે અને નચિકેતાને મૃત્યુના દેવ યમને દાન કરવાનું નક્કી કરે છે.
નચિકેતા મૃત્યુના ઘરે જાય છે, પરંતુ ઘર બંધ હોય છે. નચિકેતાના મન પાસે કોઈ વિકલ્પ નથી હોતો, એ ત્યાં જ ત્રણ દિવસ ઘરના માલિકના આવવાની રાહ જોઈ બેસી રહે છે. મૃત્યુગૃહના અધિપતિ યમ જ્યારે આવે છે ત્યારે એક બાળકને ભૂખ્યો તરસ્યો બહાર રાહ જોતો બેઠેલો જોઈ દિલગીરી અનુભવે છે. ઓફ કોર્સ, નચિકેતા યમના દ્વારે મહેમાન કે મુલાકાતી હતો. યમ જાતે એને પકડી નહોતા લાવ્યા. યમ નચિકેતાને કહે છે કે તેં મારા ઘરે પધારી કોઈ જ આગતાસ્વાગતા વગર ત્રણ દિવસ મારી રાહ જોઈ તો તું મારી પાસે ત્રણ વરદાન માંગ. નચિકેતા પ્રથમ વરદાનમાં તેના ‘ને પિતાના માટે શાંતિ આરક્ષિત કરી લે છે. બીજા વરદાનમાં યજ્ઞ કરવાનું શીખી લે છે. અને ત્રીજા અને અંતિમ વરદાનમાં યમ પાસે નચિકેતા મૃત્યુ પછીના રહસ્યજ્ઞાનની પ્રાપ્તિ ઇચ્છે છે. યમને ત્રીજું વરદાન પૂર્ણ કરવાનું તરત જ યોગ્ય નથી લાગતું. એ જણાવે છે કે એ જ્ઞાન અસામાન્ય રીતે ગૂઢ છે, દેવો માટે પણ અલભ્ય છે.
આપણે ત્યાં કવિ, સાધુ ‘ને આમ ઇન્સાન મૃત્યુ સૌથી મોટું સત્ય છે એવી વાતો કરે છે. બીજી બાજુ જન્મ-મરણ માયાનું ચક્ર છે એવું આપણે આખું જીવન સાંભળીએ છીએ અને કઠોપનિષદના આ ટર્નિંગ પોઇન્ટ પર મોતના દેવ યમ નચિકેતાને માયા ‘ને સત્ય બંને વચ્ચે હીંચકા ખવડાવી જુએ છે. યમ નચિકેતાને
મૃત્યુ પછીનું રહસ્યજ્ઞાન નહીં બીજું કશું પણ જે સુખ આપે એવું માગવા લલચાવે છે. નચિકેતા ઉત્તર વાળે છે કે ભૌતિક ચીજ તો કાલ સુધી જ રહેશે. જે મૃત્યુ સાથે વ્યક્તિગત મળ્યો હોય તે પૈસા વગેરેની ઇચ્છા ના કરે. બીજું કશું જ મારે નથી જોઈતું. યમને એ ઉત્તરથી આનંદ થાય છે. મૃત્યુના દેવ યમ એ પછી આત્માની અસલિયત જણાવે છે ‘ને સાથે બ્રહ્મનની પણ. અસ્તિત્વનો પ્રાણ એવા બ્રહ્મન ‘ને આત્મા વચ્ચે કોઈ ભેદ નથી એ વાત કરે છે. તેમ કરીને પરોક્ષ રીતે શરીરને અનુલક્ષીને જન્મ તથા મરણ વચ્ચે મનુષ્ય જે જીવે તે નહીં, કિન્તુ સાચું જીવન કોને કહેવાય તે સમજાવે છે.
આપણે ત્યાં મહાત્મા ગાંધી થઈ ગયા. કોઈને લઘુ, ગુરુ કે મધ્યમ આત્મા જાહેર કર્યાનું ધ્યાનમાં નથી. સાહિત્યકળાને કારણે દુરાત્મા જેવા ટૅક્નિકલી રોન્ગ શબ્દો આપણે વાપરીએ છીએ. આત્મા ખરાબ હોય? સુઆત્મા શબ્દ પાછો શોધે જડે તેમ નથી. હા, સામાન્ય આત્મા એવી અભિવ્યક્તિ અથડાઈ જાય. શિવાનંદ સ્વામી કોઈને પણ પોતાના પર આવેલા પત્રનો જવાબી પત્ર લખતા તો ‘પ્રિય આત્મન’ એમ સંબોધન કરતા. પરમાત્મા ‘ને પરબ્રહ્મ જેવા શબ્દો પણ સાધારણ લોક માનસ કે મર્યાદિત મગજમાં સમજ આવે એટલે સર્જન પામ્યા. તેમ છતાં પરમ આત્મા કે પરમ બ્રહ્મ સીધો ‘ને એક જ અર્થ આપે છે એટલે કોઈ ગૂંચ પડવાની શક્યતા નહિવત છે. પરમાત્મસાક્ષાત્કાર કે મહાત્માસાક્ષાત્કાર જેવું કશું સક્ષમ ચ યોગ્ય સોર્સમાં વાંચવામાં ના આવે. સાચો મામલો આત્મસાક્ષાત્કાર છે. હું ‘ને બધાં એક છે, બધાંના આત્મા એક જ છે તથા આત્મા બધે જ છે એ હકીકત અનુભવમાં આવવી એટલે આત્મસાક્ષાત્કાર.
યમ જણાવે છે કે સાક્ષાત્કાર એટલે હું અર્થાત આત્મા ‘ને બ્રહ્મન અભિન્ન છે. બંને એક જ છે અને અમુક અંતરાલ માટે અલગ પડ્યા છે એવું નથી. આત્મા ઉર્ફે બ્રહ્મનનું સંક્ષિપ્ત સ્વરૃપ કે પ્રતીક એટલે અઉમ. આત્મા સૌથી નાનું તેમ જ સૌથી મોટું અસ્તિત્વ છે. આત્મા કોઈ એક આકારમાં બદ્ધ નથી ‘ને તે સર્વવ્યાપી છે. હોશિયાર કહો કે વિદ્વાન કહો કે ડાહ્યો જીવ હોય તેનો ધ્યેય એક માત્ર આત્મજ્ઞાન જ હોય. આત્મા એક અસવાર છે. ઇન્દ્રિયો ઘોડા છે. આત્મા ઇચ્છા વડે ઇન્દ્રિયો પર સવારી કરે છે. શરીરના મૃત્યુ બાદ આત્મા જીવિત રહે છે. શાસ્ત્રના વાંચન કે બૌદ્ધિક સમજણ વડે આત્મસાક્ષાત્કાર ના થાય. બ્રહ્મજ્ઞાન ના થાય ત્યાં સુધી જન્મ-મરણ ચાલે. ઇચ્છાનું સિંહાસન શરીર છે. આત્મા તેથી અળગો જાણવો. સ્વયમ યાને આત્માને જાણવો એટલે મોક્ષ. આખરે નચિકેતા એવું બધું જ્ઞાન પામી મોક્ષ મેળવે છે. શરૃઆતમાં નચિકેતાના મતે યમ એટલે કાર્તિક અમાવસ્યા જેવા શ્યામ લાગતા હશે, પણ એમને રૃબરૃ જોયા પછી તે પ્રકાશનાં દર્શન કરે છે. અંતે એ પોતે પ્રકાશ બની જાય છે.
પુલ્લિંગ શબ્દ નચિકેત એકથી વધુ અર્થ સાથે જોડાયેલ છે. ન એટલે નકારો. ચિ અક્ષર ચૈતન્ય સાથે સંબંધિત છે. કેત કે કેતા શબ્દને સંબંધ છે કેતુ સાથે. કેતુ અર્થાત નિરંતર ચક્રમાન રહેતી ક્રિયા. નચિકેતા એટલે જે પોતાની શક્તિને નિરંતર પુનરાવર્તન પામતાં ચક્રમાં વહી જવા નથી દેતો તે. ઉદ્દાલક ઋષિની દીપમાળાના દીપ એવા છાંદોગ્ય ઉપનિષદ ફેમ શ્વેતકેતુ અત્રે યાદ આવ્યા. શ્વેત એટલે સર્વે તત્ત્વના ઉગમનો રંગ. વિજ્ઞાન મુજબ બ્લેકહૉલ બધું જ હડપ કરી જાય તેમ વ્હાઇટહૉલમાંથી બધું જ આવે. શ્વેત એટલે તેજસ્વી. શ્વેતકેતુ અને નચિકેતા શબ્દના અર્થમાં કોઈ તાત્ત્વિક ફેર નથી જણાતો. નચિકેતા એટલે એવી નિરાકાર તાકાત જે ધૂળ, લાકડાં ‘ને અવકાશી રજકણમાં પણ છે. નચિકેતા અર્થાત એવી ભીતરી ઊર્જા જે અગમ્ય ‘ને અલખને પામવાની અમર પ્યાસ આપે છે. નચિકેતાનો મતલબ થાય છે કે જે ઇન્દ્રિય દ્વારા જાણી ના શકાય તે.
આ ઉપનિષદનાં હજારો વર્ષ પહેલાં ઋગ્વેદના દસમ મંડળના એકસો પાત્રીસમા સૂક્તમાં આવેલી ત્રીજી રુચામાં એ જ ‘નચિકેતા’ જાણે સંબોધન પામે છે. યમ કુમાર નવમ રથમ અચક્રમ મનસા અક્રુણોઃ એક ઇષમ વિશ્વતઃ પ્રાગ્ચમ અપશ્યન. આ સૂક્ત ૩૨૦ કંપનવાળા ગાંધાર સ્વરમાં ગાવાનું છે. દેવ છે યમ. રુચામાં કુમાર સંબોધન ખાસ સૂચન કરે છે. કુત્સિત માર. મૃત્યુ કે જેના પર ઘૃણા થાય છે. કહે છે કે અમર એવો નવરથ એટલે આત્મા નવા અચક્રમ એટલે શરીરને માનસિક સંસ્કાર વા કર્મ વડે પ્રાપ્ત કરે છે જેની એક ઇષમ એટલે એક ગતિ ભોગ પ્રવૃત્તિ છે જેને તમામ યોનિમાં સૌથી વધુ પ્રગતિશીલ યોનિ મળ્યા પછી પણ મનુષ્ય જાણ્યા વિના રાજ્ય કરે છે. ભાવાર્થ સૌએ ઘણી વાર સાંભળ્યો છે તે જ છે કે આત્મા અમર છે છતાં અજ્ઞાનને કારણે શરીરના બંધનમાં આવી નવું-નવું શરીર મેળવે છે જે ભોગ પ્રવૃત્તિ જ કર્યા કરે છે ‘ને મનુષ્ય તેવી રીતે રાજ્ય કરતો રહી શરીરને જ સર્વસ્વ માની બેસે છે.
ઘણા પરિવારમાં નચિકેતા પ્રિય પાત્ર છે. અમુક પોતાના દીકરાનું નામ નચિકેતા રાખે છે. બેશક યમ નામ પાછળ વિવિધ અટક લગાડીને સર્ચ કરતાં કશું હાથ નથી આવતું. લોકોને મૃત્યુ અને તેના દેવ પ્રત્યે ભાવ નથી, કદાચન અભાવ કે દુર્ભાવ છે. યમ જાણે કિલર છે. કર્મયોગની કથા કે શિબિર ચાલતી હોય ત્યાં બૂમ મારો કે યમ રાજા આવ્યા છે તો નાસભાગ મચી શકે. કોઈને પોતાના કર્મને કારણે મૃત્યુ થશે એવો વિશ્વાસ નથી. સૌને શ્રદ્ધા છે કે યમ રાજા આવે એટલે એ મારી નાંખશે. નચિકેતા પરથી આપણે શું નથી શીખ્યા એ આપણને ખબર છે. નચિકેતા પ્રત્યે જે કોઈ આદર કે ચાહના ધરાવતા નથી તેમનો કિસ્સો અલગ છે, પરંતુ નચિકેતાને માન આપવામાં ગર્વ અનુભવી શકે છે એ માનવી, ભારતીય કે હિન્દુ યમથી દૂર ભાગે છે ‘ને યમને દૂર રાખે છે તે આશ્ચર્ય છે. અષ્ટાંગ યોગમાં કેવળ આસન કરીને સ્વયમના શરીરની આરાધના કરતાં જીવને આ મુદ્દે કશું ના કહેવાય, પણ, જે સ્વ-યમ અને સોહમ સમાનાર્થી છે તેમ ગોખીને ગમે ત્યારે બોલી શકે છે તેમને પતંજલિ યોગનું પ્રથમ અંગ યમ યાદ કરાવવું રહ્યું.
યોગમાર્ગે આગળ વધવાની લાયકાત કેળવવા માટે સૌપ્રથમ સાધકે યમ દ્વારા પોતાના અસ્તિત્વને સ્વચ્છ ‘ને સ્વસ્થ કરવું પડે. એ પહેલાં સ્વ એટલે શું પૂછી ના શકાય, સમજવાની શક્યતા તો પછી સંભવ બને. ઘણક્ કહે યમ થકી જીવન સાત્ત્વિક અને દિવ્ય બનાવવું પડે. એ મુદ્દે જાણવું કે સત્ત્વ અને સત્યમાં ફરક. વાજશ્રવસનો વ. યમનો ય. સત્ય એટલે પરમ તત્ત્વ અથવા બ્રહ્મન અથવા આત્મા. ઘણા યમને ભારતીય
સંસ્કૃતિમાં દર્શાવાયેલો એક આદર્શ કહે છે તો ઘણા હિન્દુ ધર્મનું પ્રથમ પગથિયું કે બારણુ. એ મુદ્દે જાણવું કે યોગ ‘ને યમ ભૌગોલિક, ધાર્મિક કે રાજકીય મર્યાદામાં બાંધવા એટલે કુયોગ કરવો. ઓકે, યમ પાંચ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ‘ને અપરિગ્રહ. ભેદ કે અનેકતા જોવી એટલે હિંસા. ઈશ્વરથી દૂર રાખે તે અસત્ય. કશું જ મારું નથી કે બધું જ બધાનું અથવા ઈશ્વરનું છે એટલે અસ્તેય. ઈશ્વર સિવાય કશામાં પણ ચિત્ત જવું એટલે બ્રહ્મની બહાર ચરણ મૂકવા યાને અબ્રહ્મચર્ય. પોતાની તમામ ઓળખ, માન્યતા, ટેવ કે ગમા-અણગમાવાળી સ્વ-ભાવની છાંટ દૂર કરવી એટલે અપરિગ્રહ.
શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધના ઓગણીશમા અધ્યાયમાં બાર યમ કહેલા છેઃ અહિંસા, સત્ય, અસ્તેય, અસંગ, લજ્જા, અસંચય, ધર્મમાં વિશ્વાસ, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા અને અભય. યોગકૌસ્તુભમાં કહેલું છે કે પરમાણુથી માંડીને આકાશ પર્યંતનું જે જગત છે તેનો બાધ કે મિથ્યાપણાનો દૃઢ નિશ્ચય કરીને એક બ્રહ્મના જ સત્યપણાનો નિશ્ચય કરવો અને મન સહિત અગિયાર ઇન્દ્રિયો વશ રાખવી તે યમ કહેવાય છે. ભરણી નક્ષત્રના સ્વામી યમ છે. કશ્યપ ઋષિ અને અદિતિથી પ્રગટ થયેલા બાર આદિત્યમાં એકનું નામ યમ છે. દક્ષિણ દિશાના લોકપાલ. પ્રેતપતિ. પિતૃપતિ. માર્કંડેય પુરાણમાં લખ્યું છે કે જ્યારે વિશ્વકર્માની કન્યા સંજ્ઞાએ પોતાના પતિ સૂર્યને જોઈને ભયથી આંખો બંધ કરી લીધી, ત્યારે સૂર્યે ગુસ્સે થઈને તેને શ્રાપ આપ્યો કે તને જે પુત્ર થશે તે બધા લોકોનું સંયમન કરનાર થશે. આથી જ્યારે સંજ્ઞાએ તેની તરફ ચંચળ દૃષ્ટિથી જોયું ત્યારે ફરીને તેણે કહ્યું કે તને જે પુત્રી થશે, તે આ પ્રકારે ચંચળતાપૂર્વક નદીના રૃપમાં વહ્યા કરશે. પુત્ર તે યમ અને પુત્રી તે યમી યાને યમુના. મનાય છે કે યમ રંગે શ્યામ અને લાલ વસ્ત્ર પહેરે છે, હાથમાં દંડ લઈ પાડાની સવારી કરે છે. કર્બૂર ને શ્યામ નામના શ્વાન તેમના ચોકીદાર છે. માંડવ્ય ઋષિના શ્રાપે યમ વિદુર રૃપે પૃથ્વી ઉપર અવતર્યા હતા.
એવો તે ગોકળિયો ગાંડો હોય કે દિવાળીના દહાડે ઘેંસ ખાય? ઉક્તિનો અર્થ છે કે એવું કોણ ગાંડું હોય કે જે દિવાળીના દિવસોમાં આનંદ ના માણે? દિવાળી એટલે અંધકાર વત્તા પ્રકાશ. અંધકાર હોય છે, પ્રકાશ કરવાનો હોય છે. માનવ દ્રષ્ટિએ જોઈએ તો યમ એટલે અંધકાર તથા નચિકેતા એટલે પ્રકાશ. દિવસ કે રાત જાગતાં હોય છે તેવું જેમના વિષે મનાય છે તે હનુમાનજી દિવાળી પર્વના જાણીતા કારણ એવા રામને ક્યાં આસન આપે છે? હૃદયમાં. હૃદય એટલે અનાહત ચક્ર. અનાહત ચક્ર અદ્વૈતનું છે, પોતાનાં કર્મની ઉપર આવી કશું કરવાનું સ્થાન કે સ્ટેજ છે. શિવ ‘ને શક્તિનું ઐક્ય જાણવાની જગ્યા છે. અગાઉ કદી ના સાંભળી શકાયો હોય તે પરમ નાદ અઉમ અહીં સંભળાય છે, જે સાંભળવા ક્યો મંત્ર કરવાનો? અનાહત ચક્રનો બીજ મંત્ર છે યમ. રંગ અરુણ. આ સ્થાનમાં યમ રાજાએ જે ત્રીજા વરદાનમાં વિકલ્પ આપેલો તે શક્યતા છે, સિદ્ધિ પ્રાપ્તિ. આ સ્થાનને કલ્પવૃક્ષ કહેવાય છે. વિચારો કે યમ એટલે કલ્પવૃક્ષ. ભાવાર્થનું કહેવાનું કે દિવાળીનો પ્રકાશ ભલે ગયો, આપણી પાસે યમનો અંધકાર છે, જે આપણને બધું જ આપી શકે તેમ છે.
બુઝારો – રામના વિજયની ઉજવણી તેણે જ કરવાની હોય જેના દિલમાં રામ વસેલા હોય, કેમ કે માણસોના દિલને અથવા આત્માને અજવાળવાને એક ઈશ્વર જ સમર્થ છે એ અજવાળાની જ કીમત છે. – ગાંધીજી
————————————–