ન્યૂ ઇન્ડિયામાં પાંખો ફેલાવતું થિંક ટેંક કલ્ચર

ગ્લોબલ યુગમાં પોતાના દેશને અગ્રેસર રાખવામાં બ્યુરોક્રસી
  • સ્પર્શ હાર્દિક

સન ૧૯૮૯-૯૨ની બર્લિન વૉલના ધ્વંસની અને એ પછી સોવિયેત યુનિયનના પતનની ઘટનાઓ વૈશ્વિક રાજકારણના ફલક પરનાં એ સીમાંકનો છે, જ્યાંથી મૂડીવાદ વત્તા લોકશાહીનું એક નવું પ્રકરણ આરંભાય છે અને ફ્રી માર્કેટ ઇકૉનોમીના ઉદય સાથે ગ્લોબલાઇઝેશન એક વિચાર તરીકે સમગ્ર વિશ્વમાં ફરી વળે છે. જે પૂર્વે એક સીમિત વર્ગની લક્ઝરી ગણાતી, એ માહિતીની દેવી માધ્યમોના પ્રસાર સાથે જનસામાન્ય પર અપાર કૃપા વરસાવે છે અને ફલસ્વરૃપે અત્યારની ઇન્ટરનેટ એજમાં ખુદના નેશનની ખરા હૃદયથી ચિંતા કરતા સૌ કોઈ નાગરિકો પાસે એમની સરકારોએ શું કરવું કે ન કરવું જોઈએ એ મુદ્દે કશું ને કશું કહેવા યોગ્ય છે. કિંતુ સૌ કોઈને એનું દુઃખ પણ છે કે સરકારો એમનું સાંભળતી નથી.

સાંપ્રતકાળમાં, ‘નીઓ-લિબરલ’ જેનું મહત્ત્વનું લક્ષણ ગણાય છે, એવી સરકારો વિશ્વભરમાં સત્તા હાંસલ કરી રહી છે અને એ સાથે ગવર્નન્સ આર્કિટેક્ચરના એક મહત્ત્વના અંગ તરીકે ‘થિંક ટેંક’ કહેવાતી સંસ્થાઓનું પ્રમાણ પણ વધ્યું છે. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના આ વર્ષના એક રિપૉર્ટ પ્રમાણે ભારતમાં કુલ ૫૦૯ થિંક ટેંકો કાર્યરત છે. યાદીમાં યુએસ(૧૮૭૧) પ્રથમ પાયદાને, ચાઇના(૫૦૭) ત્રીજા અને બ્રિટન(૩૨૧) ચોથા ક્રમે છે. એ રિપૉર્ટમાં વિશ્વની શ્રેષ્ઠ થિંક ટેંકનું સન્માન મેળવનાર અને એવી સંસ્થાઓની આર્કિટાઇપ (અસલ-કૃતિ) ગણાતી યુએસની બ્રુકિંગ ઇન્સ્ટિટ્યૂશને ૨૦૧૧માં દિલ્હી ખાતે પોતાની શાખા  બ્રુકિંગ ઇન્ડિયા’ની સ્થાપના કરેલી. ત્રીજા ક્રમે રહેલી, વિદેશનીતિ સંબંધિત થિંક ટેંક ‘કાર્નૅગી ઇન્ડાઉમૅન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ’એ ૨૦૧૬માં ભારતમાં આગમન કરેલું. પોતાની પૂર્વજ, ‘પ્લાનિંગ કમિશન’ના વિસર્જન બાદ, ૨૦૧૫માં અલાયદી થિંક ટેંક ‘નીતિ આયોગ’ જન્મી હતી. ૨૦૧૭માં પીએમ મોદીએ ૧૫-જનપથ, નવી દિલ્હી ખાતે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે કહેલું કે એ સ્થળ સમાવર્તી વિકાસ માટે એક થિંક ટેંક તરીકે કાર્ય કરશે.

સવાલ જાગવો સહજ છેઃ વાસ્તવમાં થિંક ટેંક છે શું? અને સામાન્ય પ્રકારની રિસર્ચ/ઍકેડેમિક ઇન્સ્ટિટ્યૂટોથી એને શું જુદું પાડે છે? થિંક ટેંકો જાણે છે કે સરકારના હજારો કાનમાંથી કયા કાનમાં કામની વાત નાખવી અને એનો અમલ બરાબર કેવી રીતે કરાવવો. આઇડિયા ફૅક્ટરી, આઇડિયા બ્રોકર અને બ્રેઇન ટ્રસ્ટ જેવા શબ્દો જેના માટે વપરાય છે એ થિંક ટેંક સ્થાનિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરની જાહેર કે ખાનગી પૉલિસી રિસર્ચ સંસ્થાઓ છે. કોઈ એને વિદ્યાર્થીઓ વિનાની યુનિવર્સિટીઓ પણ કહે છે, જ્યાં સ્કૉલરો અન્ય કોઈ જાતના ભારણ વગર રિસર્ચ કરવાની સ્વતંત્રતા ભોગવે છે. લૉન્ગમેન મૉડર્ન ડિક્શનરી પ્રમાણેની વ્યાખ્યાઃ એલિટ કક્ષાના બુદ્ધિજીવીઓનું એક એવું જૂથ જે અગત્યના મુદ્દાઓ પર ચર્ચા-વિમર્શ કરે, જેનો સમાજ તથા સૈદ્ધાંતિક સંશોધનો પર પ્રભાવ હોય અને જે સૂચન-પરામર્શ કરવાની યોગ્યતા ધરાવતું હોય. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી સ્ટ્રૅટેજીના સંદર્ભમાં ચલણમાં આવેલો ‘થિંક ટેંક’ શબ્દ, શરૃઆતમાં યુએસના ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું ફન્ડિંગ મેળવતી ‘રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન’ માટે પ્રયોજાતો હતો, જે આગળ જઈને એ પ્રકારની અન્ય સંસ્થાઓ માટે પણ વપરાતો થયો. એન્ડ્ર્યુ રીચ એની વ્યાખ્યા આપે છેઃ ‘થિંક ટેંક સ્વતંત્ર અને કોઈ પ્રકારના હિતસંબંધો કે આર્થિક લાભના હેતુઓ ન ધરાવતી એ સંસ્થા છે, જે નવાં જ્ઞાન અને વિચારોનું ઉત્પાદન કરે છે તથા નીતિ-ઘડતરની પ્રક્રિયાને પ્રભાવિત કરવા અને (નીતિ-ઘડવૈયાઓનો) ટેકો પ્રાપ્ત કરવા તજજ્ઞોના જ્ઞાન અને વિચારો પર અવલંબે છે.’

થોમસ મેડ્વટ્ર્ઝની દ્રષ્ટિએ થિંક ટેંક એવું ચોપગું છે, જેનો એક પગ યોગ્યતા અને વિશ્વાસપાત્રતાની સિદ્ધિ માટે શૈક્ષણિક સંશોધનની પરંપરામાં, બીજો જ્ઞાનના પ્રસાર માટે પત્રકારત્વમાં, ત્રીજો ફન્ડિંગ મેળવવા માટે માર્કેટમાં અને ચોથો નીતિ-વિષયક બાબતોને પ્રભાવિત કરવા માટે રાજકારણમાં ખોડાયેલો રહે છે. થિંક ટેંકના મુખ્ય હેતુઓ છેઃ જાહેર નીતિઓને લગતા વિચારો, યોજનાઓ અને ચર્ચાઓને પ્રોત્સાહન આપવું તથા ભિન્ન દ્રષ્ટિકોણોની આપ-લે કરવી. એની કાર્યપ્રણાલિઓનાં અંગો છેઃ સલાહ/માર્ગદર્શન, માહિતીઓનું એકત્રીકરણ તથા પૃથક્કરણ, સામાજિક, રાજકીય વગેરે જેવી બાબતોને લગતું સંશોધન અને વિદેશનીતિના ક્ષેત્રમાં ટ્રેક-ટૂ પ્રકારની ડિપ્લોમસી (અર્થાત્ વિવિધ દેશોની બિન-સરકારી વ્યક્તિઓ કે સંસ્થાઓનો પરસ્પરનો અનૌપચારિક પ્રકારનો સંવાદ). યુનિવર્સિટીઓનું શૈક્ષણિક સંશોધન મોટા ભાગે જે-તે વિષયના સૈદ્ધાંતિક જ્ઞાનને સમૃદ્ધ કરનારું હોય છે. જ્યારે થિંક ટેંકોનું સંશોધન જે-તે ક્ષેત્રની સમસ્યાઓના વહેવારું ઉકેલ કે પથદર્શન માટે સૂચનો આપવા પર વધારે ભાર મૂકે છે.

પોતાના વિષયોમાં તજજ્ઞ, કિંતુ દેશહિતને કોરાણે મૂકનારા પબ્લિક ઇન્ટિલેક્ચ્યૂઅલના પ્રભાવ અને વિશ્વસનીયતાનું ઘટવું, ગ્લોબલ યુગમાં પોતાના દેશને અગ્રેસર રાખવામાં બ્યુરોક્રસી અને સરકારની વહેવારું જ્ઞાનની જરૃરિયાતો અને પબ્લિક-ઇસ્યૂ પર એ પ્રકારના નવા જ્ઞાનના સર્જનની આવશ્યકતાઓ સંતોષવામાં અત્યારની યુનિવર્સિટીઓની નિષ્ફળતા વગેરે જેવા બહુવિધ કારણોથી ખાલી પડતા એક વિશાળ અવકાશમાં કોઈ નવા ખેલાડીના આગમનની આવશ્યકતા થિંક ટેંકની સ્થિતિને મૉડર્ન પૉલિટિક્સમાં મજબૂત બનાવે છે. જોકે સામાજિક, આર્થિક, રાજકીય વગેરે પ્રકારની સમસ્યાઓ અને મુદ્દાઓ પર સેમિનાર, કૉન્ફરન્સ, વર્કશોપ યોજવાથી લઈને પુસ્તક, જર્નલ, શોધપત્ર અને ઑપ-એડ લેખ પ્રકાશિત કરીને વિશ્વાસપાત્ર તજજ્ઞતા સિદ્ધ કરવાનો મનસૂબો પાળતી થિંક ટેંકોનું મુખ્ય ઑડિઅન્સ એ લોકો છે, જેના ખભે નીતિ-નિર્ધારણની જવાબદારી રહેલી છે અથવા તો જેઓ એ પ્રક્રિયા પર ઓછો-અધિક પ્રભાવ પાડી શકે છે. થિંક ટેંકો લાંબા ગાળે સામાન્ય નાગરિકોને અસર કરતી હોવા છતાં, તેઓ એમનું ગૌણ ઑડિઅન્સ છે.

થિંક ટેંકો ઇલ્યૂમિનિટી પ્રકારની ભેદી સંસ્થાઓ નથી, જેના અદ્રશ્ય હાથ વિશ્વનું સંચાલન કરતા હોય, પરંતુ ગ્રે-એરિયામાં કાર્ય કરતી હોવાથી એ સંસ્થાઓ લોકશાહી માટે કેટલા અંશે લાભદાયક છે અને કેટલા અંશે નુકસાનકારી, એનો સ્પષ્ટ ઉત્તર મળતો નથી. છતાં એ હકીકતનો પણ નકાર ન થઈ શકે, કે જે-તે મુદ્દાઓ પર ખંતથી વસ્તુલક્ષી સંશોધન કરીને વૈચારિક સ્તરે પોતાના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની ભૂમિકામાંથી બહાર નીકળીને, નીતિ ઘડતરની પ્રક્રિયાઓને પ્રભાવિત તથા લાભાન્વિત કરવામાં આજની થિંક-ટેંકો ખૂબ જ આગળ વધી ગઈ છે. એટલે જ રાજ્યશાસનના નિષ્ણાતોની ચિંતા છે કે આજની ઘણી થિંક ટેંકો કૉર્પોરેટ એકમોની લૉબિઇસ્ટ બનવા લાગી છે અને એ સાથે પોતાનું એક અલાયદું એમ્પાયર પણ ખડું કરી રહી છે. ખાસ કરીને ફ્રી માર્કેટ ઇકોનોમીની વકાલત કરીને ક્લાઇમેટ ચેન્જની થિયરીને રદિયો આપતી થિંક ટેંકો. દા.ત. ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન પર જેનો ખાસ્સો પ્રભાવ છે એ ‘હેરિટેજ ફાઉન્ડેશન’ અને ખાણ તથા અન્ય ઉત્પાદક ઉદ્યોગો તરફથી તગડું ભંડોળ મેળવતી ઑસ્ટ્રેલિયન થિંક ટેંક ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક અફેર્સ’.

‘થિંક ટેંક્સ ઍન્ડ ગ્લોબલ પૉલિટિક્સ’ પુસ્તક થિંક ટેંકોને ચાર વર્ગમાં વિભાજિત કરે છે. એકઃ ખાનગી ભંડોળ મેળવતી બજાર અભિમુખ, સ્પર્ધાત્મક અને પક્ષપાતી ગણાતી સંસ્થાઓ. યુએસની ઘણી થિંક ટેંકો આ પ્રકારની છે. બેઃ વિકેન્દ્રિત અને મુક્ત અવસ્થા જેનું લક્ષણ છે એવી, જાહેર નીતિઓ પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરતી અને ઘણા કિસ્સાઓમાં રાજ્ય પાસેથી ભંડોળ મેળવતી સંસ્થાઓ. દા.ત. જર્મનીની ઘણી થિંક ટેંકો. ત્રણઃ કેન્દ્રિત અવસ્થા અને સ્વાયત્તતા જેનાં લક્ષણો છે એવી, મુક્ત અર્થતંત્ર સાથે સંબંધિત, સરકારી કે ખાનગી બંને પ્રકારનું ભંડોળ મેળવતી તથા વિવિધ રાજકીય પક્ષો, સંગઠનો અને ઉદ્યોગ-ગૃહો સાથે સંતુલન જાળવતી સંસ્થાઓ. જેમ કે યુકે અને ઑસ્ટ્રેલિયાની થિંક ટેકો. ચારઃ મહદંશે અર્થશાસ્ત્રના તંત્રજ્ઞો પર નિર્ભર કરતી, રાજ્યનું ભંડોળ મેળવતી અને નિષ્પક્ષ ગણાતી સંસ્થાઓ જે અર્થકારણને રાજકારણથી અલગ રાખવાનો પ્રયાસ કરે છે. ઘણી ફ્રેન્ચ થિંક ટેંકો આ પ્રકારની છે.

સવાલ એ કે ભારતની થિંક ટેંકોની સ્થિતિ શું છે? આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને સંરક્ષણ ક્ષેત્રની કેટલીક થિંક ટેંકો કોઈ ને કોઈ રીતે યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી છે. યુનિવર્સિટીઓ તથા સરકારનાં સંસાધનો પર આધાર રાખે છે અને એમાંની અમુક થિંક ટેંકો સીધી મંત્રાલય હસ્તક છે. સામા પક્ષે, સરકાર અને યુનિવર્સિટીઓથી સ્વતંત્ર થિંક ટેંકો પણ અસ્તિત્વમાં છે. જ્યારે કેટલીક થિંક ટેંકો કેન્દ્ર અને રાજ્ય સરકારોની જરૃરિયાતો મુજબ અલગ-અલગ પ્રોજેક્ટો પર કાર્ય કરે છે, જેના કારણે નિયમિત ફન્ડિંગના અભાવમાં એમની પાસે એક સ્વતંત્ર ઑર્ગેનાઇઝેશન તરીકે વિકસવાનો અવકાશ નથી રહેતો. પેન્સિલ્વેનિયા રિપૉર્ટમાં સંખ્યાની બાબતે બીજા ક્રમે રહેનાર ભારત, એવા વિધવિધ કારણોસર થિંક ટેંકની કાર્યદક્ષતાના મામલે પાછળ છે. એ રિપૉર્ટમાં ટોપ-૧૭૭ થિંક ટેંકોમાં ફક્ત ૧૦ જ ભારતની છે.

વિશ્વસ્તરની થિંક ટેંકો સામે ભારતની થિંક ટેંકો હજીયે અમુક રીતે અપરિપક્વ ગણાય છે. અપૂરતાં ફન્ડિંગ અને રિસર્ચ-સ્ટાફની ઘટને કારણે એમનું કદ સંકોચાયેલું રહે છે. અમુક કિસ્સાઓમાં એ યોગ્ય રીતે ‘ઇન્સ્ટિટ્યૂશનલાઇઝ્ડ’ નથી થઈ શકી અને એકલદોકલ વ્યક્તિઓની ક્ષમતા પર જ નિર્ભર કરે છે. એપ્રિલ, ૨૦૧૬ના એક લેખમાં ધ્રુવ જયશંકર ભારતીય થિંક ટેંકોની સ્થિતિ અંગે લખે છે કે એ ક્ષેત્રની સંસ્થાઓ ખાસ પ્રકારની ઊણપોથી પીડાય છે, જેમ કે સ્વાયત્તતા અને પારદર્શકતાનો અભાવ તથા સરકારી-તંત્ર જેવું જડ બ્યુરોક્રૅટિક માળખું. લાંબા સમયથી એમને પૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરવા માટે નિયંત્રિત કરવામાં આવેલી છે અને મોટા ભાગના કિસ્સાઓમાં એ સંસ્થાઓ નિવૃત્ત સરકારી અધિકારીઓ માટે રિટાયર્મેન્ટ-હોમ તરીકે ખપમાં લેવાય છે, જેથી અહીંના વાતાવરણમાં ખાનગી અને વિદેશી થિંક ટેંકો ફાયદામાં રહે છે. (દા.ત. રિલાયન્સ ગ્રૂપ વડે અનુદાનિત ‘ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ અને ‘બ્રુકિંગ ઇન્ડિયા’.)

ભારતીય થિંક ટેંકો સેમિનાર, કૉન્ફરન્સ અને વક્તવ્યો પર વધારે ભાર આપે છે, જ્યારે વાસ્તવમાં દેશને પ્રમાણભૂત, નવીન, પોતાના ક્ષેત્રમાં અગ્રણી સિદ્ધ થઈ શકે અને ભવિષ્યમાં ઉપયોગી બને એવા વિશ્લેષણાત્મક સંશોધનની વધારે જરૃર છે. ધ્રુવ જયશંકર આ માટે વિષયોની યાદી પણ સૂચવે છેઃ ભારતના દક્ષિણ એશિયાના અન્ય દેશો સાથેના સંબંધોનો ક્રમિક વિકાસ, પાકિસ્તાનનું સમકાલીન પોલિટિકલ ડાઇનેમિક્સ, ભારતની વ્યાપારનીતિ, ૧૯૬૫નું યુદ્ધ, સંરક્ષણ હસ્તાંતરણો અને પી.વી. નરસિમ્હા રાવના સમયનું ભારત.

ભૂતકાળમાં, ‘નૅશનલ સિક્યૉરિટી એડ્વાઇઝરી બૉર્ડ’ (NSBA) જેવા માળખાએ ભારત સરકારની ઇન-હાઉસ થિંક ટેંકની ગરજ સારવાનો પ્રયાસ કરેલો, જેની કામગીરી આંતરિક સુરક્ષા પર કેન્દ્રિત હતી. NSBAએ સૈન્ય-સજ્જતા, ચીન તરફથી વધતું જોખમ, મ્યાનમારનું વધતું મહત્ત્વ જેવા મુદ્દાઓ પર રિપૉર્ટ તૈયાર કરેલા અને રાષ્ટ્રીય સલામતીના સિદ્ધાંતો પર મુસદ્દો પણ ઘડેલો. ક્લાસિફાઇડ ડોક્યુમેન્ટો સુધીની પહોંચ ખાનગી થિંક ટેંકો પાસે નથી હોતી, એટલે ડિફેન્સ જેવા અત્યંત મહત્ત્વના મુદ્દે NSBA જેવા ઇન-હાઉસ સંગઠનનું મહત્ત્વ વધી જાય છે, કિંતુ એ સમયની સરકારે સત્તા બહારની વ્યક્તિઓથી રચાયેલી દ્ગજીછમ્ની વાત પર વધારે તવજ્જો આપવાનું કષ્ટ ન લીધેલું અને દ્ગજીછમ્ની કાર્યક્ષમતાનો પૂર્ણ રીતે ઉપયોગ ન થઈ શકેલો.

આજની સ્થિતિમાં, જ્યાં ખ્યાતનામ શિક્ષણ-સંસ્થાઓના પારંગતો રાજકીય અને સામાજિક પ્રવાહોમાં ભાગ્યે જ કોઈ જાતના વમળ પેદા કરી શકે છે, ત્યાં થિંક ટેંકો સમગ્ર પ્રવાહની દિશા બદલવાની ક્ષમતા કેળવી રહી છે. હાવર્ડ વીઆર્ડા વિદેશનીતિના સંદર્ભમાં એનું કારણ આપતા લખે છે કે ઍકડેમિક રાઇટિંગ જમીની વાસ્તવિકતાથી દૂરનું, આત્યંતિક ડાબેરી વિચારધારાનું અને અમલમાં મૂકી ન શકાય એવું હોય છે. વર્તમાન સમયમાં ભારતની વિદેશનીતિમાં આવેલા બદલાવો, વિશ્વ ફલક પર ભારતના વધેલા પ્રભાવ અને એના કારણે પાકિસ્તાન, કાશ્મીર, આતંકવાદ જેવા મુદ્દે ભારતને થઈ રહેલા ફાયદાઓ પાછળ પણ કેટલીક થિંક ટેંકોની ભૂમિકા અગત્યની રહી હોવાનું ધ્યાનમાં આવે છે. ૧૯૪૩થી કાર્યરત ગવર્મેન્ટલ થિંક ટેંક ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર’, ‘ઇન્ડિયા ફાઉન્ડેશન’ (જેની સાથે રામ માધવ, નિર્મલા સિતારમણ, સુરેશ પ્રભુ, એમ.જે. અકબર અને અજિત ડોભાલના પુત્ર શૌર્ય ડોભાલ જેવાં નામો જોડાયેલાં છે), ‘વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન’ (જેની સાથે પ્રધાન સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રા અને અજિત ડોભાલ સંકળાયેલા છે) તથા રિલાયન્સ ગ્રૂપની ‘ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ (ORF) હાલમાં વિદેશનીતિ બાબતની નોંધપાત્ર થિંક ટેંકો ગણાય છે. ૨૦૧૬માં જેનો આરંભ થયેલો એ ‘રાયસીના ડાયલૉગ’ પરિષદની યજમાની ORF અને મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ સાથે મળીને કરે છે.

રક્ષા-ક્ષેત્રમાં, ૧૯૬૨ના યુદ્ધનો ઘાવ સહ્યા પછી સ્થપાયેલી ‘ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ એનાલિસિસ’ની ભૂમિકા મહત્ત્વની છે. સામાજિક તથા સ્વાસ્થ્યને લગતી બાબતોમાં ‘સેન્ટર ફોર સિવિલ સોસાઇટી’, ‘સેન્ટર ફોર પૉલિસી રિસર્ચ’ અને ‘સેન્ટર ફોર હેલ્થ કૅર મૅનેજ્મૅન્ટ’ જેવી થિંક ટેંકો નોંધપાત્ર છે. પર્યાવરણ તથા જળ સુરક્ષાના ક્ષેત્રે ‘ધ એનર્જી ઍન્ડ રિસોર્સિઝ ઇન્સ્ટિટ્યૂટ’, ‘સેન્ટર ફોર સાયન્સ ઍન્ડ ઍન્વાયરન્મૅન્ટ’, ‘અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી ઍન્ડ ઍન્વાયરન્મૅન્ટ’; શિક્ષણ ક્ષેત્રે ‘ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ અને ‘ફાઉન્ડેશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સ’ જેવી થિંક ટેંકોએ કાર્યદક્ષતા સિદ્ધ કરી છે.

જાહેર નીતિઓ પર નોંધપાત્ર પ્રભાવ ધરાવતી થિંક ટેંકમાં ‘ફાઉન્ડેશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સ’ અગ્રેસર છે. ડેવલપમેન્ટ ઑલ્ટર્નેટિવ્ઝ'(ડ્ઢૈં)એ ઊર્જા-સંસાધનો અને પર્યાવરણ અંગેની નીતિઓમાં સુધારાઓ પ્રેરવામાં પ્રયાસો કર્યા છે. એ ઉપરાંત ડ્ઢૈંએ ગ્રામ્ય ક્ષેત્રોના લોકો માટે ત્યાંનાં સ્થાનિક સંસાધનો વડે આર્થિક તકો ઊભી કરવામાં અને એમની સમસ્યાઓ માટે નવીન ટૅક્નૉલોજિકલ ઉકેલો શોધવામાં સહાય કરી છે.

થિંક ટેંકોના નિષ્ણાતો સરકારમાં વિવિધ પદે કાર્યરત વ્યક્તિઓ સાથે સતત સંવાદ સાધતા રહે એ અત્યંત આવશ્યક છે, કારણ કે નિષ્ણાતોની ગમે એટલી નેક ઇરાદા ધરાવતી નીતિ જો અમલીકરણની દ્રષ્ટિએ વહેવારું ન હોય, તો નકામી નીવડે છે. ડાએન સ્ટોન પોતાના એક પુસ્તકમાં થિંક ટેંકનું કાર્ય કન્વેઅર બેલ્ટના જેવું ગણાવે છે. સામાજિક, રાજકીય, આર્થિક કે અન્ય કોઈ પણ વિષયોનું શાસ્ત્રીય જ્ઞાન ધરાવતા વિદ્વાનોની દુનિયા તથા સરકારી વ્યવસ્થાનો દોરીસંચાર કરતી, ગૂંચવણ ભરેલી અમલદારશાહીના જગતને ફક્ત જોડતી જ નહીં, કિંતુ ગતિમાં પણ રાખતી કડી એટલે થિંક ટેંક.

જે-તે સરકાર ટૂંકા ગાળાના રાજકીય ફાયદાઓને કેન્દ્રમાં રાખીને નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત સંશોધનના પાયા પર ખરા ઉતરતા નીતિ સંલગ્ન નિર્ણયો લે, એ માટે થિંક ટેંકની ભૂમિકા મહત્ત્વની બની જાય છે. ભારતમાં રાજ્યના વિષયોમાં શાસન બહારની વ્યક્તિ દ્વારા દિશાસૂચનની પરંપરા ચાણક્ય જેવી વ્યક્તિઓ કે તક્ષશિલા અને નાલંદા જેવી પ્રાચીન વિદ્યાપીઠોના સમયથી પણ પહેલાંની હશે. આજના યુગના જ્યારે પર્યાવરણ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન, સંરક્ષણ, અર્થવ્યવસ્થા, શાસન-વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સંબંધો વગેરેને લગતી બાબતો જટિલ અને અગણિત પરિબળોથી અસર પામતી રહે છે, એવામાં મૉડર્ન ચાણક્યનું સ્થાન બુદ્ધિ અને પ્રભાવથી બળવાન એવી થિંક ટેંકો લઈ રહી છે. એ સાથે, પરિવર્તન લાવવાના ઉદ્દેશથી સિવિલ-સર્વિસમાં જોડાતા, પરંતુ જડ શાસન વ્યવસ્થાને કારણે હતાશાનો ભોગ બનતા યુવાઓ માટે ભારતની વિકસી રહેલી થિંક ટેંકો આવનારા સમયમાં એક આકર્ષક કરિયર ચૉઇસ તરીકે લોકપ્રિયતા હાંસલ કરશે, એવી આશા રાખવામાં પણ કશું ખોટું નથી.

કૉફી-સ્ક્રિપ્ટ
‘વિશ્વમાં અત્યારે લોકશાહી દેશોની  સંખ્યા પહેલાં કરતાં ક્યાંય વધારે છે, જે હકીકત આઈ.એમ.એફ. અને વર્લ્ડ બૅંક માટે સારા તથા માઠા, બંને પ્રકારના સમાચાર છે. હમણા સુધી, વર્તમાન સરકારનું સમર્થન (એ સત્તામાં આવે એ) પહેલાંથી જ પ્રાપ્ત કરી લેવું, એ કોઈ અનિવાર્ય બાબત ન હતી, પણ હવે તમારે ભવિષ્યની સંભવિત સરકારો વિશે પણ વિચારવું જરૃરી છે. હું આ સંદર્ભમાં, નીતિના ક્ષેત્રે સર્વસંમતિ સાધવા માટે થિંક ટેંકોને મુખ્ય પ્રતિનિધિ તરીકે જોઉં છું.’

– એક બલ્ગેરિયન થિંક ટેંકના ડિરેક્ટર ઇવાન ક્રાસ્ટેવે વર્લ્ડ બૅંકના અધિકારી, ઇશાક દીવાનને લખેલા ઈમેલમાંથી. ઇશાક દીવાનના પ્રયાસોથી વિકાસશીલ દેશોમાં થિંક ટેંકોને પ્રોત્સાહન આપવા માટે, દિલ્હી ખાતે જેનું કેન્દ્ર છે એ ‘ગ્લોબલ ડેવલપમેન્ટ નેટવર્ક’ની સ્થાપના થયેલી.

—————————

દીપોત્સવી વિશેષસ્પર્શ હાર્દિક
Comments (0)
Add Comment