નિયતિ (નવલિકા)

'એક મિનિટ કબીર, મારી વાત સાંભળ, હું તારી જેમ કુંવારી નથી. વિધવા છું.
  • હરીશ થાનકી

ટનનન…

તાસ પૂરો થયો એટલે બેલાએ સાવ ઘસાઈ ચૂકેલા ચોકના કટકાને હળવેથી ટેબલ પર મૂક્યો અને ક્લાસ છોડ્યો.  હજુ તો લોબીમાં એ ચાર ડગલાં ચાલી ત્યાં તો…

‘મે’મ..એક મિનિટ’ એક જાણીતો અવાજ કાને પડતાં એના પગ રોકાયા. સહેજ પાછળ ફરીને જોયું.

કમર પર લટકી રહેલું ઢીલા કોથળા જેવું જિન્સ પેન્ટ, હોવો જોઈએ તેના કરતાં થોડો વધુ પહોળો સફેદ શર્ટ. એ કાયમ આવાં જ કપડાં પહેરતો. કૉલેજે ટીપટોપ થઈને આવતા બીજા છોકરાઓ કરતાં એ સાવ જ અલગ..એની આંખોમાં એક અલગારીપણું દેખાતું.

‘બોલ કબીર..’

‘મે’મ આજે સાંજે આવું’…..અવાજમાં થોડો ખચકાટ અને પછી એ આગળ બોલ્યો, ‘તમારા ઘરે..?’

‘કેમ ઘરે?’ એ પ્રશ્ન બેલાના હોઠ પર આવ્યો અને અટકી ગયો. એને યાદ આવ્યું કે ગયા અઠવાડિયે એ વાત થઈ ચૂકી હતી…કબીરે કહ્યું હતું ત્યારે હા પણ પાડી હતી એ દિવસે બેલાએ. પણ આજે કબીરે ફરીથી પૂછ્યું ત્યારે ભૂલી જવાયું હતું.

‘હા આવજે, પણ સાંજે સાડા પાંચ પછી. ઓ.કે.?’

સામેથી જવાબ ન આવ્યો, પણ હકારમાં ડોકું હલ્યું. બેલાએ પોતાના ઘરના સરનામાવાળું કાર્ડ આપ્યું અને કબીર સામે એકીટશે જોઈ રહી.

બેલાની નજર સમક્ષ છેલ્લા પંદર દિવસના ભૂતકાળનો નાનો ટુકડો ફરીથી સજીવન થઈ ગયો.

હજુ થોડા વખત પહેલાં ઉનાળુ વૅકેશન પૂરું થયા બાદ કૉલેજ ખૂલી ત્યારે ફર્સ્ટ યરમાં પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓના ક્લાસમાં એનું પહેલું જ લેક્ચર હતું. વર્ષોનો પ્રોફેસર તરીકેનો અનુભવ અને પોતાના સબ્જેક્ટનું અગાધ જ્ઞાન એ બંને બાબતોને કારણે એને માટે સાવ અજાણ્યા અને ગમે તેવા હોનહાર વિદ્યાર્થીઓ સામે લેક્ચર આપવું એ કોઈ મુશ્કેલ કામ નહોતું. પણ એ દિવસે…

સામાન્ય રીતે એનું લેક્ચર ચાલતું હોય ત્યારે બધા જ વિદ્યાર્થીઓની નજર તેના ચહેરા પર સ્થિર થઈ રહે એમાં તેને ક્યારેય અજુગતું ન લાગતું. એક પ્રોફેસર માટે એ બાબત તદ્દન સ્વાભાવિક હતી. સતત બોડી કોન્સિયસ રહેવું એ એક લેડી પ્રોફેસરને પાલવે નહીં, પરંતુ એ દિવસે ચાલુ લેક્ચર દરમિયાન બધા જ સ્ટુડન્ટ્સ પર સરેરાશ ઘૂમતી રહેતી એની નજર જ્યારે કબીર પર જઈ પહોંચતી ત્યારે એને લાગતું કે કબીરની દ્રષ્ટિ અન્ય વિદ્યાર્થીઓની માફક સામાન્ય નથી. એની આંખમાં કશીક ઝંખના છે. કોઈ અભાવની પીડા છે. કૉલેજનાં ઘણા વરસોના પ્રોફેસર તરીકેના અનુભવ પછી એ ઘણી જ ઘડાઈ ચૂકી હતી. એ તાસ પૂરો કરી સ્ટાફ રૃમમાં જઈ સીધી જ વૉશબેસિન પાસે ગઈ. અરીસામાં થોડો સમય પોતાના પ્રતિબિંબને નીરખી રહી. એને લાગ્યું કે એનો પાંત્રીસ વર્ષીય ચહેરો હજુયે આકર્ષક દેખાતો હતો.

હેરકલર અને ફેસિયલ કરાવવાની જરૃર છે અને આઈ બ્રો પણ.. આ વીક એન્ડમાં વાત…એણે મનોમન સંવાદ કર્યો.

‘મે’મ, યુ લુક સો ગોર્જિયસ..’ વીક એન્ડમાં બ્યુટી-પાર્લરની પાંચ કલાકની મુલાકાત પછીના સોમવારે રિસેસ દરમિયાન સ્ટાફરૃમમાં કૉફી પીતા-પીતા કૉલેજના યંગ પ્રોફેસર મયંક કાનાણીએ જ્યારે એનાં સહજ વખાણ કર્યા ત્યારે એને ખૂબ સારું લાગ્યું હતું.

‘મે’મ..એક મિનિટ..’ એ દિવસે કૉલેજ પૂરી કરી ગાડીના પાર્કિંગ તરફ જઈ રહી હતી ત્યાં રસ્તામાં ઊભેલા કબીરના અવાજે એને રોકી.

‘યસ..?’ એણે બને તેટલી સ્વાભાવિકતાથી પૂછ્યું.

કબીર એની થોડી નજીક આવ્યો. કશુંક બોલવા ગયો, પરંતુ અટકી ગયો.

‘કશું કામ હતું કબીર?’ એણે કબીર સામે નજર સ્થિર કરી.

કબીર નજર નીચી ઢાળી ઊભો રહ્યો. એને કશુંક કહેવું હતું, પણ કહી શકતો નહોતો.

‘કબીર, શું કહેવું છે? બોલ, સંકોચ રાખવાની જરૃર નથી.’ બેલાએ અવાજમાં સહાનુભૂતિ લાવી પૂછ્યું.

‘મે’મ, મારે તમને એક વાત કરવી છે..’ સહેજ ધ્રૂજતા અવાજે એ બોલ્યો.

‘હા બોલ..’

‘મે’મ..ગઈકાલે તમે લેક્ચરમાં કહ્યું હતું ને કે તમે તમારા ઘરે એક સરસ ટેરેસ ગાર્ડન બનાવ્યો છે. મને પણ ગાર્ડનિંગનો બહુ શોખ છે. હું આવું તમારા ઘરે એ ગાર્ડન જોવા..? મારે પણ ગુલાબનો એક છોડ વાવવો છે. તમારી પાસે એની એકાદ કલમ હશે?’

‘યસ, શ્યોર…પણ આ આખું વીક તો હું ફ્રી નથી અને શનિ-રવિ બહારગામ જવાની છું. નેક્સ્ટ વીકમાં આવજે. ઓ.કે.?’

‘ઓ.કે..થેન્ક્સ મે’મ..’ કહી એ ઝડપથી ચાલતો થયો.

એ થોડું હસી અને પાર્કિંગમાં પહોંચી. કારનો દરવાજો ખોલતાં પહેલાં એક વખત પાછળ ફરીને જોયું. કૉલેજ બિલ્ડિંગ સુધી પહોંચી ગયેલો કબીર એના તરફ જોઈ રહ્યો હતો. એ થોડું હસીને કબીર સામે હાથ હલાવી ‘બાય’ કર્યું.

જોકે એ પછી તો એ વાત પોતે ભૂલી ગઈ હતી પણ કબીર..! એ નહોતો ભૂલ્યો.

એટલે તો અત્યારે એ ઘરે આવવાની રજા માગી રહ્યો હતો.

લગભગ પોણા છ વાગ્યે એ આવ્યો.

‘આવ કબીર..હું બસ તારી જ રાહ જોતી હતી..’ કહી એ પાણીનો ગ્લાસ ભરી લાવી.

પાણી પીતાં પીતાં કબીરની દ્રષ્ટિ આખા ઘરમાં ફરી રહી હતી.

‘ઘરમાં બીજું કોઈ નથી મે’મ?’

‘બીજું તે વળી કોણ હોય..?’

‘આય મીન..તમારું ફેમિલી..’

‘ના નથી, મારે કોઈ ફેમિલી નથી. ચાલ, છોડ એ બધું…શું લઈશ તું? ચા, કૉફી કે ઠંડું…?

‘કશું જ નહીં મે’મ..મારે તો પેલો ટેરેસ ગાર્ડન જોવો છે અને ગુલાબની કલમ..’ બેલાને લાગ્યું કે ઘરમાં એના સિવાય બીજું કોઈ નથી એ જાણ્યા બાદ કબીર જાણે કે થોડો અસહજ થઈ રહ્યો હતો.

‘ઓ.કે. ચાલ, પહેલાં એ બધું જોઈ લઈએ પછી હું તારા માટે કશુંક બનાવું છું..’ કહી બેલા એને ટેરેસ પર લઈ ગઈ. ત્યાં ગલગોટા, ગુલાબ, સૂર્યમુખી વગેરેના ઘણા છોડ બતાવ્યા. સાથે સાથે કેટલા પ્રેમથી એ બધાંને એણે ઊછેર્યા હતા એ પણ કહ્યું. વળી, એના ઊછેરમાં શું શું ધ્યાન રાખવું જોઈએ એ પણ કહેતી ગઈ પરંતુ એ સમગ્ર વાતચિત દરમિયાન એણે નોંધ્યું કે કબીર માત્ર એને સાંભળતો જ નહોતો. એના ચહેરા સામે એકધારું જોઈ રહ્યો હતો.

અંતે, બેલાએ ગુલાબના એક છોડની કલમ માટી સહિત બહાર કાઢી, પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી, કબીરને આપી. બંને નીચે આવ્યાં.

‘કબીર, તને દરેક વ્યક્તિની સામે આમ એકીટશે જોઈ રહેવાની ટેવ છે?’ ડ્રોઈંગરૃમમાં બેસી ચાના કપમાંથી એક એક ચૂસકી લઈ રહેલા કબીરને આખરે એણે પ્રશ્ન પૂછી જ નાંખ્યો..

જવાબમાં કબીરે બેલા પરથી નજર હટાવી લીધી અને જાણે કે ચોરી કરતાં પકડાઈ ગયો હોય એમ બોલ્યો, ‘ના..ના..મે’મ, એવું નથી.’

‘કબીર, કૉલેજમાં પણ હું જેટલો વખત તારા ક્લાસમાં હોઉં છું એટલો સમય તું મને સતત તાકી તાકીને જોયા કરતો હોય છે..બોલ જોઉં, શું વાત છે?’

‘કશું નથી. એ તો અમસ્તું જ..તમે ભણાવતા હોવ ત્યારે ધ્યાન તો તમારા પર જ રાખવું પડે ને?.. હવે હું નીકળું મે’મ? તમારે પણ મોડું થતું હશે..!’ કહેતાં કહેતાં ચાનો ખાલી પ્યાલો ટિપાઈ પર છોડી એ ઊભો થવા ગયો ત્યાં બેલાએ સત્તાવાહી અવાજે એને બેસાડી દીધો.

‘થોડીવાર બેસ કબીર, મારે કશેય જવાનું મોડું થતું નથી અને તારે પણ હોસ્ટેલની મેસમાં ડિનર શરૃ થવાને હજુ ઘણી વાર હશે.

બરાબરને?’

કબીર ફરીથી સોફા પર બેસી ગયો.

‘જો કબીર, બીજા છોકરાઓ જ્યારે મને એકચિત્તે સાંભળતા હોય ત્યારે એમની નજર મારા પર જ હોય, પણ વચ્ચે જરા જેટલો પણ સમય મળે એટલે એ લોકો તરત આજુબાજુ નજર ફેરવી લેતા હોય છે. હું જોઉં છું કે તારી નજર એક પળ માટે પણ મારા પરથી ખસતી નથી. માટે સાચું કહી દે..તારા આ વર્તન પાછળ શું કારણ છે..?’

કબીર ચૂપ જ રહ્યો..

‘શું તું મારા પ્રેમમાં પડ્યો છે..

કબીર?’

કબીર ચમક્યો, ‘ના..ના..એવું કશું નથી મે’મ..’ એના અવાજમાં ગભરાટ ભળ્યો.

‘જુઠ્ઠું ન બોલ, જે હોય તે સાચું કહી દે..તું મારા પ્રેમમાં છે..?’

‘ખરું કહું તો, એ તો મને પણ ખબર નથી મે’મ, પણ કૉલેજ શરૃ થાય ત્યારથી તમારા લેક્ચરની રાહ જોેતો હોઉં છું. તમે ક્લાસમાં આવો ત્યારે તમને જોતા રહેવું ગમે છે. જે દિવસે તમારો પિરિયડ નથી હોતો એ દિવસે મને ક્લાસમાં ગમતું  નથી…’ કબીર નીચું જોઈ એકીશ્વાસે બોલી ગયો.

બેલા એકદમ કબીરની પાસે સોફા પર આવીને બેસી ગઈ અને એનો હાથ પકડી બોલી, ‘કબીર, તને ખ્યાલ છે કે હું તારા કરતાં તેર વરસ મોટી છું!’

‘નહીં..પણ એ બધું જે હોય તે… તમે મને ગમો છો મે’મ..જે દિવસે મેં તમને પહેલી જ વખત જોયા ત્યારથી જ મને તમારા પ્રત્યે અદમ્ય આકર્ષણ જાગ્યું છે. હું તમારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું.’ કહેતા કબીરમાં અચાનક જ હિંમતનો સંચાર થયો હોય એમ એણે પોતાના બંને હાથ બેલાના શરીર ફરતા વીંટાળ્યા..

‘એક મિનિટ કબીર, મારી વાત સાંભળ, હું તારી જેમ કુંવારી નથી. વિધવા છું. થોડા વરસ પહેલાં જ મારા હસબન્ડ અનિકેતનું મૃત્યુ થયું છે.’ બેલાએ પોતાની જાતને કબીરના બાહુપાશમાંથી સહેજ મુક્ત કરવાનો પ્રયત્ન કરતા કહ્યું.

‘નો પ્રોબ્લેમ, આઈ વિલ મેરી યુ.’ કબીરનો બાહુપાશ વધુ મજબૂત બની બેલાને ભીંસી રહ્યો. હવે કબીરના ગરમ શ્વાસ બેલાના કાનને અથડાતા હતા. બેલાનું શરીર ધીમે ધીમે તપ્ત થઈ રહ્યું હતું જેમાં પતિ અનિકેતનો વર્ષોનો વિયોગ ધીમે ધીમે ઓગળી રહ્યો હતો.

‘પ્લીઝ..પ્લીઝ…ડોન્ટ રિજેક્ટ મી..’ કબીરના હોઠ બેલાના હોઠ તરફ આગળ વધ્યા. એ જ પળે બેલાએ અત્યાર સુધી બાંધેલા જાત પરનાં તમામ બંધનો ફગાવી દીધા અને….

એ પછી વીસ મિનિટ સુધી ચાલેલી એ અનંગલીલા દરમિયાન તેના કાનમાં કબીરનું ‘આઈ લવ યુ મે’મ..’ એ વાક્ય વારંવાર અફળાતું રહ્યું…ને એ અમળાતી રહી.

બેલા સ્નાન કરી બાથરૃમમાંથી બહાર આવી. કબીર હજુ ડબલબેડ પર સૂતો હતો.

‘કબીર, તું હજુ ગયો નથી?’

કબીરે જાણે કે સાંભળ્યું ન હોય એમ આંખ બંધ કરી પડ્યો રહ્યો.

‘કબીર હું તને કહું છું..નાવ પ્લીઝ ગો..’ એણે કબીરને ઢંઢોળ્યો.

‘જાઉં છું. શું ઉતાવળ છે?’ કબીરની આંખમાં શરારત ચમકી. કદાચ એ છેલ્લી અડધી કલાકનું પુનરાવર્તન ઇચ્છતો હતો.

‘નોનસેન્સ, ઉતાવળ તારે નહીં, મારે છે સમજ્યો. કમ ઓન, બી ક્વિક…’ બેલા જાણે કે એને ધક્કો મારીને બહાર કાઢવા માંગતી હોય તેમ ઉશ્કેરાઈને બોલી.

‘એક વાત પૂછું મે’મ, આખા ઘરમાં તમારા હસબન્ડનો એક પણ ફોટો કેમ નથી દેખાતો?’

કબીરે સહજતાથી પ્રશ્ન કર્યો અને એ સાથે જ બેલાનું શરીર ગુસ્સાથી ધ્રુજી ઊઠ્યું.

‘કેમ? તારે શું કામ છે એના ફોટાનું? ચાંદલો કરવો છે? તારું કામ તો પૂરું થઈ ગયું ને? તું હવે કપડાં પહેર અને જલ્દીથી નીકળ અહીંથી..’ બેલાએ ડબલબેડના ખૂણે પડેલા એના કોથળા જેવા પેન્ટનો એની તરફ ઘા કરતા કહ્યું.

બેલાના આટલી ઝડપથી બદલાયેલા રૃપનું કારણ કબીરને સમજાયું નહીં. એણે ફટાફટ કપડાં પહેરી, વાળ ઓળ્યા અને દરવાજા પાસે પહોંચી જતાં જતાં બોલ્યો, ‘આઈ લવ યુ મે’મ..’

‘શટ અપ..પ્લીઝ ગો અવે..’ બેલાએ ટિપાઈ પર રહેલું નાનકડું ફ્લાવરવાઝ ઉપાડી કબીર તરફ ફેંક્યું.

કબીરે માંડ માંડ એનાથી જાતને બચાવી. બીજી જ પળે એ એ જોરથી દરવાજો પછાડી બહાર નીકળી ગયો..

‘આઈ હેઈટ યુ કબીર..આઈ હેઈટ યુ ઓલ..તમે બધા જ સરખા છો..યુ ઓલ આર સેલ્ફિશ.’ બોલતાં બોલતાં બેલાનું ગળું રૃંધાવા લાગ્યું.

એ દોડીને બેડરૃમમાં ગઈ. કબાટમાંથી દસ વરસ પહેલાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા પતિ અનિકેતનો ફોટો કાઢી, છાતી સાથે ભીંસી, ડબલબેડ પર ફસડાઈ અને ગળગળા અવાજે બોલી.. ‘આઈ મિસ યુ અનિકેત..આઈ લવ યુ….યાદ છે, તું મને આ બેડ પર જ્યારે પ્રેમ કરતો ત્યારે મારા કાનમાં હજાર વખત ‘આઈ લવ યુ બેલા, આઈ લવ યુ બેલા…’ કહેતો. આ…આ..આજકાલના છોકરડાઓ તો સાલા પ્રેમ કરતી વખતે પણ ‘આઈ લવ યુ મે’મ’ કહે છે..અહીં બેડરૃમમાં એ બધા મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે, પણ એક વખત કૉલેજ પૂરી કરીને જાય એ પછી કોઈ યાદ પણ કરતું નથી. મને એનો કોઈ અફસોસ નથી અનિકેત, કારણ કે હું જાણું છું કે મે’મ પાસે તો બધું શીખવાનું હોય ને..! એની સાથે કોઈ લગ્ન કરે ખરું?’ બોલતાં બોલતાં અત્યાર સુધી આંખમાં દબાવી રાખેલા આંસુ બહાર આવી ગયાં અને એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

એકાદ કલાક પછી સ્વસ્થ થયા બાદ એ ડ્રોઈંગરૃમમાં આવી. અચાનક એની નજર કબીરને આપવા માટે કાઢેલા ગુલાબના છોડની કલમ પર પડી. એણે કલમને ધીમેથી પોતાના કોમળ હાથે ઊંચકી અને ટેરેસમાં જઈ ફરીથી કુંડામાં રોપી અને ધીમેથી ગણગણી.. ‘આપણે બંને એ કાયમ અહીં જ રહેવાનું છે, સમજી? આપણને કોઈ ક્યાંય લઈ જવાનું નથી…’

———————-

દીપોત્સવી વિશેષહરીશ થાનકી
Comments (0)
Add Comment