ટહુકાની ટૅક્નોલોજી – બાયો એકોસ્ટિક સાયન્સ

રશિયાએ અવકાશયાત્રીઓની માનસિક સ્વસ્થતા જાળવવા જીવ ધ્વનિ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે.
  • ધનંજય રાવલ

વૃક્ષો પર બેઠેલાં પંખીઓનો કલરવ, નેવાં પર બેઠેલાં કબૂતરોનું ઘૂ….ઘૂ….. ઘૂ….. આંબાવાડિયામાં ટહુકતી કોયલનું કુઉઉઉ….. કુઉઉઉઉ….. કોને ના ગમે? પણ ક્યારેક પક્ષીઓના કલરવ કકળાટ બની જાય છે ત્યારે પથ્થરો ફેંકીને ઉડાડી મૂકવાનું મન થાય. ખાસ કરીને કાગડાની બાબતમાં તો આવું જ બને છે. એક વખત કાગડાઓની વસ્તી મોસ્કોમાં ક્રેમલીન માટે સમસ્યા બની ગઈ. કાગડાઓના ત્રાસમાંથી કેમ છૂટવું એ ક્રેમલીનના રખેવાળો માટે મોટો પ્રશ્ન બની ગયો. માત્ર કાગડાઓ ન નહીં, અન્ય પક્ષીઓ પણ ગ્લોબલાઈઝેશન માટે ખલેલ રૃપ અને ઘાતક સાબિત થયા છે. પક્ષીઓ દ્વારા થતી આ બધી સમસ્યાના ઉકેલ રૃપે એક નવા વિજ્ઞાનનો જન્મ થયો તેને નામ અપાયું બાયો એકોસ્ટિક સાયન્સ અર્થાત્ જીવ વિજ્ઞાન.

આ બાયો એકોસ્ટિક વિજ્ઞાન વન્ય જીવનના ધ્વનિ અવાજોનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. પક્ષીઓને કારણે વિમાન અકસ્માત થયાનું આપણે ઘણીવાર સાંભળીએ છીએ. આવાં સ્થળો જીવ ધ્વનિ વિજ્ઞાન વ્યવહારુ થઈ શકે છે. પક્ષીઓના અવાજમાં એક ચોક્કસ પ્રકારની ભાષા હોય છે. ભયની સ્થિતિ આવે તો પક્ષીઓ ચેતવણીના સૂર કાઢતો અવાજ કાઢે છે અને અન્ય પક્ષીઓને ચેતવે છે. વિજ્ઞાનીઓએ સસ્તન પ્રાણીઓ, માછલીઓ અને અન્ય જીવજંતુના ધ્વનિનો અભ્યાસ પણ કર્યો છે.

વૈજ્ઞાનિકોએ પક્ષીઓના ગુંજારાઓને પૃથ્વીના વાતાવરણની બહાર અવકાશ સુધી પહોંચાડ્યો છે. જીવ ધ્વનિ વિજ્ઞાનનો એક થેરાપી તરીકે પણ ઉપયોગ થાય છે. હૉસ્પિટલમાં દાખલ કરાયેલાં બાળકો અને માનસિક રોગીઓની સારવારમાં પક્ષીઓનો અવાજ મદદરૃપ થઈ શકે છે. પક્ષીઓનો અવાજ એક રીતે સંગીત છે. પક્ષીઓ પાસે શબ્દો નથી, ધ્વનિ છે, આ સંગીતના ધ્વનિની માનવીના મન પર ચોક્કસ અસર થાય છે. તે સાબિત થઈ ચૂક્યું છે.

રશિયાએ અવકાશયાત્રીઓની માનસિક સ્વસ્થતા જાળવવા જીવ ધ્વનિ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે. લાંબા મિશન પર ગયેલા અવકાશયાત્રીઓને ખડખડતા પાંદડાં, વરસતો વરસાદ અને એની સાથે મિશ્રિત પક્ષીઓના કલરવનું રેકોર્ડિંગ સંભળાવવામાં આવે છે. સૌ પ્રથમ ઈ.સ. ૧૯૮૫માં રશિયાએ આ પ્રયોગ કર્યો હતો. વ્લાદીમીર અને એમના બે સાથી અવકાશયાત્રીઓએ ‘સેલ્યુત-૭’ નામના અવકાશયાનમાં સાડા ત્રણ મહિના ગાળ્યા ત્યારે તેમને બાયો એકોસ્ટિક દ્વારા ધ્વનિ સંભળાવવામાં આવ્યો હતો. આ અવકાશયાત્રીઓએ કહ્યું હતું કે, પૃથ્વી પર રોજિંદા જીવનની દોડધામમાં કાનને પરિચિત એવા આ અવાજો વિશે આપણે બેધ્યાન રહીએ છીએ. એ અવાજો અવકાશમાં અમારો થાક અને પરેશાની દૂર કરવામાં મદદરૃપ થયા.

‘સેલ્યુત-૭’ના અનુભવના આધારે તૈયાર કરવામાં આવેલા એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું કે અવકાશની પ્રગાઢ શાંતિમાં જ્યારે અવકાશ મથકને તરતું મૂકવામાં આવે ત્યારે હોમસિકનેસ એટલે કે ઘરની યાદ ટાળવા વન્ય જીવના ધ્વનિ ટેપનો ઉપયોગ કરી ધરતી જેવો અવાજ ઊભો કરવો.

પક્ષીઓના અવાજનું સૌ પ્રથમ ધ્વનિમુદ્રણ ‘નાઈટિંગલ’ નામે ઓળખાતા અને માત્ર રાત્રે જ ગાતાં પક્ષીઓનું કરાયું હતું. આ અવાજની રેકોર્ડ ઈ.સ. ૧૯૧૦માં સૌ પ્રથમ વખત જર્મનીમાં બહાર પડી હતી. ત્યાર બાદ આવા અઢળક પક્ષીઓ અને વન્ય જીવના અવાજ રેકોર્ડ થયા. ‘વોઇસિઝ ઓફ બર્ડ્સ ઇન નેચર’ નામની કેસેટ બેસ્ટ સેલર સાબિત થઈ છે. ઠેઠ ૧૯૬૦માં મોસ્કો ખાતે તૈયાર થયેલી કેસેટનું વેચાણ ૭૫ લાખને પાર કરી ગયું હતું. ત્યાર બાદ દુનિયાના અનેક દેશોએ આવાં અઢળક પક્ષીઓ અને વન્યજીવના અવાજ રેકોર્ડ કર્યા. ભારતમાં પણ આવા પ્રયત્નો થયા છે. ભારતીય સંગીતકારોએ પોતાનાં ફિલ્મીગીતમાં ઘણીબધી વાર પક્ષીઓના અવાજનો ઉપયોગ કરીને સુમધુર સંગીત તૈયાર કરેલું છે.

બોરીસ વેપ્રિન્તસેવ નામના ઉચ્ચકક્ષાના સાઉન્ડ રેકોર્ડિસ્ટે ૭૫૦ જાતનાં પક્ષીઓ અને વન્ય જીવના અવાજોનું રેકોર્ડિંગ કરેલું છે. તેના ૨૫ સીડીના આલ્બમનું નામ છે – ‘ધ બડ્ર્ઝ ઓફ રશિયા સાઉન્ડ ગાઈડ’. પક્ષીઓના આલ્બમમાં ઉત્તર ધ્રુવની ભીની-ભીની રેતીવાળા પ્રદેશમાં ઊડતાં ઊડતાં ગીત ગાતું ‘સેન્ડપાઈપર’ અને ‘સ્કાઇલાક’ના જેવું જ નાનકડું પ્રિયતમાને સાદ પાડતું સતત દસ મિનિટ લાંબો પ્રેમધ્વનિ તેમજ ‘સ્ટિન્ટ’ અને ‘કરલ્યુ’ જેવાં પક્ષીઓનો અવાજ બોરીસ સિવાય કોઈ મેળવી શક્યું નથી.

જીવ ધ્વનિશાસ્ત્રમાં સંશોધન દ્વારા ઍરપોર્ટને સંપૂર્ણપણે પક્ષી રહિત કરવાના પ્રયોગોને ઍવિએશન અર્નિથોલોજી એટલે કે અવકાશ વ્યવહાર પક્ષી શાસ્ત્ર કહે છે. બાયો એકોસ્ટિક સાયન્સમાં એવું સંશોધન થયું છે કે કોઈ એક જ જગ્ચાએથી એક જ જગ્યાએ રાખેલા લાઉડસ્પીકરમાંથી આવતાં અવાજથી પક્ષીઓ ધીમે-ધીમે ટેવાતાં જાય છે અને આવા અવાજથી બહુ જલ્દી સતેજ થતા નથી, પણ જો કોઈ વાહન પર લાઉડસ્પીકર રાખીને પક્ષીની ભાષામાં ચિચિયારીઓ પ્રસારિત કરાય કે ‘જીવ બચાવવા ભાગો’ તો પક્ષીઓ ચોકીને જરા પણ વિલંબ વિના ઊડી જાય છે. હવે જ્યારે વિમાન ટેકઓફ કે લેન્ડિંગ થતું હોય ત્યારે બોર્ડર રોડ પર કોઈ વાહન આવતું જતું દેખાય ત્યારે આ વાત ધ્યાન રાખજો. ખેતરમાં થતાં પાકને પક્ષીઓ દ્વારા નુકસાન અટકાવવા માટે આ પદ્ધતિ અપનાવવામાં આવે છે. બાયો એકોસ્ટિક ટૅક્નિકની અસર ચકલીઓ પર ખૂબ જ ઓછી અને બતક પર સૌથી વધુ થાય છે. પક્ષીઓને ગમે તેવા અવાજ ઉત્પન્ન કરીને બાયો એકોસ્ટિશિયન પક્ષીઓને આકર્ષિત કરીને તેનો વિસ્તૃત અભ્યાસ પણ કરે છે. રશિયામાં ‘બાયો એકોસ્ટિક સાયન્સ’નો એક અદ્ભુત પ્રયોગ થયો. વૈજ્ઞાનિકોએ ઇન્ક્યુબેટરમાં રાખેલાં ઈંડાંના સેવનમાં લાગતા સમયમાં ભારે ઘટાડો કર્યો છે. આ માટે તેમણે ઈંડાંના ગર્ભમાં રહેલાં બચ્ચાંના કણસવાનો અવાજ રેકોર્ડ કરી વારંવાર વગાડ્યો હતો. આ ઉપરાંત મરઘીનો અવાજ પણ રેકોર્ડ કરી વારંવાર વગાડ્યો હતો. આમ કરવાથી ઇન્કયુબેટરમાં રાખવામાં આવેલાં ઈંડાંમાંથી બચ્ચાં માત્ર ૩૦ મિનિટમાં બહાર આવી ગયાં. આ અગાઉ ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવેલા ઇંડામાંથી બચ્ચા નીકળતા ૨૪ કલાક લાગતા હતા. ભારતમાં પણ આવા પ્રયોગો થયા છે. ગૌશાળામાં સુમધુર સંગીત વગાડવામાં આવે તો ગાયોમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વધી જાય છે. ગર્ભ સંસ્કારમાં પણ આવા અનેક પ્રયોગો ભારતનાં શાસ્ત્રોમાં જોવા મળે છે.

પશુપક્ષીઓની ભાષા જેવા ગૂઢ વિષયમાં વિજ્ઞાનીઓને ખાસ કરીને રશિયન બાયો એકોસ્ટિક સાયન્સના નિષ્ણાતોને આટલો બધો રસ શા માટે? ભારતમાં પણ પક્ષીઓની બોલી જાણતા હોય એવા લોકો મેં જોયા છે. વિશ્વના બીજા દેશોમાં આ વિષય પર સંશોધન થયું એવું નથી, પણ રશિયનો જેટલા તેઓ ઊંડા ઊતરી શક્યા નથી. એનું કારણ એ છે કે રશિયનો પ્રકૃતિના અને વિવિધ નૈસર્ગિક ધ્વનિના ચાહક છે.

———————

દીપોત્સવી વિષેશધનંજય રાવલ
Comments (0)
Add Comment