બાપુના વિચારો યુવાનો માટે જીવનમંત્ર

સામાન્ય રીતે તો બાપુના સુવાક્ય સાથે અનેક રીતે બધા જોડાયેલા હોય છે
  • યુવા – હેતલ રાવ

બે ઑક્ટોબર એટલે ગાંધી જયંતી, જેની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. તાજેતરમાં જ્યારે બાપુની જન્મતિથિની ઉજવણી થઈ ત્યારે યુવાનોમાં ઘણો જોશ જોવા મળ્યો હતો. કોઈએ સ્વચ્છતાને હંમેશાં વળગી રહેવાના સોગંદ લીધા, તો કોઈ ગાંધી વિચારોને પોતાના જીવનમાં ઉતારવાના. આ બધા વચ્ચે એવા યુવાનો પણ જોવા મળ્યા જેમણે ગાંધી વિચારોની લખાયેલી ફુલસ્કેપ નોટબુક જ વાપરવાની અનોખી પહેલ કરી.

‘તેમના (શ્રીમદ્ રાજચંદ્રજીના) જીવન અને લખાણ વિષે હું જેટલો વધારે વિચાર કરું છું તેટલું મને વધારે લાગે છે કે તેઓ એમના જમાનામાં હિન્દના સર્વશ્રેષ્ઠ પુરુષ હતા.’ 

‘ આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી જ કીર્તિ પ્રાપ્ત થાય છે.’

‘જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો પૂરો સદુપયોગ નથી કરી શકતા.’ 

‘તમે જગતમાં ભલાઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ બુરાઈ તો કદી કરશો નહીં.’

ઉપરના તમામ સુવાક્ય મહાત્મા ગાંધી એટલે કે આપણા રાષ્ટ્રપિતાના છે અને આવા તો અસંખ્ય સુવાક્ય છે જેમાંથી થોડા ઘણા પણ આપણા જીવનમાં ઊતરી જાય તો ઘણા બધા સવાલોના જવાબ શોધ્યા વિના જ મળી જાય અને જો તેનું રોજબરોજ કથન કરવામાં આવે તો નવી ઊર્જાનો સંચાર પણ થાય છે. આવા વિચારો જો આજની જનરેશનમાં જોવા મળે તો ચોક્કસથી નવાઈ લાગે, પરંતુ હકીકતમાં બાપુના જીવનમંત્રને અનેક યુવાનો અપનાવતા થયા છે. એટલું જ નહીં, ઘણા યુવાનો તો બાપુના ફોટાવાળા અને તેમના સુવાક્ય લખ્યા હોય તેવા ફુલસ્કેપનો ઉપયોગ જ અભ્યાસ માટે કરે છે. ઘણી નાની પરંતુ વિચાર કરવા માટે મજબૂર કરે તેવી વાત છે. કબીરસિંહ અને વોર જેવી ફિલ્મોને પસંદ કરનારા યુવાનોને ગાંધી વિચાર ગમે.. પણ આપણે ભૂલવું ના જોઈએ કે લગે રહો મુન્નાભાઈ ફિલ્મ પણ એટલી જ સુપરહિટ બની હતી જેટલી અન્ય એક્શન ફિલ્મો છે. આ ફિલ્મ તો બાપુના વિચારો અને અહિંસાના મંત્ર શિખવતી હતી છતાં યુવાનોએ તેને હોંશે હોંશે વધાવી. હવે ફરી મૂળ વાત પર આવીએ. અહીં માત્ર ગાંધી વિચારોને પસંદ કરવાની વાત નથી, પરંતુ શાળા, કૉલેજ કે પછી ટ્યૂશનમાં ઉપયોગ થતાં ફુલસ્કેપ પર ગાંધી વિચારોને સતત વાગોળવાની વાત છે.

નિયમ ઠક્કર કહે છે, ‘સામાન્ય રીતે તો બાપુના સુવાક્ય સાથે અનેક રીતે બધા જોડાયેલા હોય છે. તેમની પુસ્તકો છે, અનેક કાર્યક્રમો યોજાતા હોય છે, પરંતુ મારો અનુભવ કહે છે કે જ્યારે પણ હું બાપુના સુવિચારવાળા ફુલસ્કેપમાં જ્યારે પણ લખવા બેસું છું ત્યારે મને પોઝિટિવ ફિલિંગ્સ આવે છે. વાત કોઈના માન્યમાં કદાચ ન આવે, પણ હું તો બાપુના વિચારો સાથે જોડાયેલો છું. મારા ગ્રૂપમાં પણ મિત્રો અન્ય ચિત્રો કે ડિઝાઇનવાળા ફુલસ્કેપની જગ્યાએ સાદા બાપુના સુવાક્ય વાળા જ ફુલસ્કેપને પ્રાધાન્ય આપે છે.’

ઘણી નવાઈ લાગે તેવી વાત છે, પણ આજના યુવાનોમાં માત્ર બાપુ પ્રત્યે માન છે તેવંુ નથી, પણ તેમના વિચારોને પણ એટલું જ સન્માન આપે છે. અહિંસા પરમોધર્મનો ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળે છે.

————————————-

ગાંધીવિચારનવી સોચયુવા
Comments (0)
Add Comment