- પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર
કચ્છની ભૂપરિસ્થિતિ સૌર અને પવન ઊર્જા માટે ઉત્તમ મનાય છે. તેથી એક જમાનામાં માત્ર વીજળી વાપરતું કચ્છ પવન તથા સૌર ઊર્જાની મદદથી મોટા પાયે વીજળીનું ઉત્પાદન કરે છે. જિલ્લાની જેટલી ખપત છે તેનાથી વઘુ માત્રામાં વીજ ઉત્પાદન થાય છે. અત્યારે દરિયાનાં મોજાંમાંથી વીજળી ઉત્પન્ન કરવા અંગે પ્રાયોગિક ધોરણે કામ થઈ રહ્યું છે. જ્યારે સરકાર દ્વારા દરિયાનાં મોજાંમાંથી વીજળી ઉત્પન્ન કરાશે ત્યારે તે ઉત્પાદન લિગ્નાઇટ, સૌર કે પવન ઊર્જાથી પણ સસ્તું થવાની શક્યતા છે.
અત્યારે કચ્છમાં પવનની મદદથી ૨૦૦૦ મેગાવૉટ અને સૂરજનાં કિરણોની મદદથી ૨૦૦થી વધુ મેગાવૉટ જેટલી વીજળીનું ઉત્પાદન થાય છે. આગામી ત્રણેક વર્ષમાં ૭ હજાર મેગાવૉટ પવનઊર્જાનું ઉત્પાદન થશે. દસેક વર્ષમાં કચ્છમાં ૩૦થી ૪૦ હજાર મેગાવૉટ વીજળી ઉત્પાદિત થવાની ધારણા છે.
રણ, ડુંગરો અને દરિયો ધરાવતા કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ વિશિષ્ટ છે. ઓછો વરસાદ, ભરપૂર ગરમી અને ઠંડીના પ્રદેશમાં પવન સુસવાટા મારતો હોય છે અને સૂરજનાં કિરણો ત્રાહિમામ પોકારાવતા હોય છે. સામાન્ય માણસો આવા હવામાનથી ત્રાસી જાય, પરંતુ આ જ વાતાવરણ કચ્છને ઊર્જા ઉત્પાદન કરતો મહત્ત્વનો વિસ્તાર બનાવે છે. અહીં અઢળક ખનીજ સંપત્તિ પણ ધરબાયેલી પડી છે. લિગ્નાઇટના ભંડારોના કારણે અત્યાર સુધી કોલસા આધારિત વીજમથકો કચ્છમાં છે, પરંતુ વિશ્વભરના કોલસાના ભંડારોની સાથે કચ્છના ભંડારો પણ ખાલી થવા લાગ્યા છે. તેના કારણે લિગ્નાઇટ આધારિત વીજમથકો બંધ થઈ રહ્યાં છે. આધુનિક જીવનશૈલી, વધતું ઔદ્યોગિકીકરણ, વધતી ખેતીના કારણે વીજળીની ખપત તો સતત વધતી રહે છે. તેથી જ બિનપરંપરાગત કે પુનઃપ્રાપ્ય ઊર્જા જ તેનો ઉત્તમ વિકલ્પ સાબિત થાય તેમ છે. છેલ્લા એકાદ દાયકામાં અહીં પુનઃપ્રાપ્ત ઊર્જા ઉત્પાદન માટે પ્રયત્ન વધવા લાગ્યા છે. આજે કચ્છ ગુજરાતનું બિનપરંપરાગત ઊર્જા માટેનું હબ ગણાઈ રહ્યું છે. અત્યારે વીજ ઉત્પાદન ભલે ઓછું લાગતું હોય, પરંતુ આગામી એક દાયકામાં કચ્છ ૩૦થી ૪૦ હજાર મેગાવૉટ વીજ ઉત્પાદન કરતું થવાની ક્ષમતા ધરાવે છે.
કચ્છના માંડવીના દરિયાકિનારે એશિયાનું પહેલું વિન્ડફાર્મ ૧૯૮૩ના સ્થાપવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જોકે આ એક પ્રયોગ હતો. માત્ર દોઢ મેગાવૉટનું આ વિન્ડફાર્મ હતું. ત્યાર પછી કચ્છમાં લાંબો સમય આ ક્ષેત્રે કોઈ મોટી કામગીરી ન થઈ, પરંતુ ૨૦૧૧-૧૨ પછી વિન્ડફાર્મ ઊભા કરવાની વિવિધ કંપનીઓમાં રીતસરની હોડ લાગી. અત્યારે કચ્છના અબડાસા અને નખત્રાણા તાલુકામાં સૌથી વધુ પવનચક્કીઓ ઊભી કરાયેલી છે. એમ તો કચ્છમાં પ્રવેશતી વખતે જ સામખિયાળીની પહેલાં જ ઠેર-ઠેર પવનચક્કીઓના પાંખડા હવામાં હલતા દેખાય છે. ભુજ, માંડવી, મુન્દ્રા તાલુકામાં પણ પવનચક્કીઓ ઊભી કરાઈ છે, પરંતુ અબડાસા અને નખત્રાણા કરતાં પ્રમાણમાં ઓછી છે.
આજે ગુજરાતમાં ૬ હજાર મેગાવૉટ જેટલી પવન ઊર્જા ઉત્પન્ન થાય છે. તેમાંથી કચ્છ ૧૯૫૦ મે.વો. પવન ઊર્જા ઉત્પન્ન કરે છે. એટલે કે રાજ્યના ઉત્પાદનમાં કચ્છનો હિસ્સો ત્રીજા ભાગનો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ગુજરાતમાં ૭ હજાર મે.વો. વીજળીના ઉત્પાદન માટે પવનચક્કીઓ લગાવવાની મંજૂરી આપી છે જે તમામ મુન્દ્રા તાલુકામાં લાગશે. અત્યારે તે પૈકીની ૮૦૦ મે.વૉ.નું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. ૨૦૨૨ સુધીમાં બાકીનું કામ પણ પૂરું થવાની શક્યતા છે. જ્યારે રાજ્ય સરકારે ૪ હજાર મે.વૉ. માટે મંજૂરી આપી છે, પરંતુ તેમાંથી મોટા ભાગનું ઇન્સ્ટોલેશન સૌરાષ્ટ્રમાં થશે.
અબડાસા અને નખત્રાણામાં વધુ પવનચક્કીઓ કેમ છે? તેવા સવાલના જવાબમાં વિસ્તૃત સમજૂતી આપતા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જેડા)ના ટૅક્નિકલ ઓફિસર બુલચંદાણી જણાવે છે કે, ‘આ બંને તાલુકાઓમાં પવન પૂરતી ગતિથી મહત્તમ સમય વહેતો હોય છે. સામાન્ય રીતે વિદ્યુત ઊર્જા મેળવવા માટે ૧૦થી ૬૦ કિ.મી. પ્રતિ કલાકની પવનની ગતિ જરૃરી છે. જો ઓછી ગતિ હોય તો પવનચક્કીના મશીનો કામ કરી શકતા નથી અને વધુ ગતિ હોય તો મશીનને નુકસાન પહોંચે છે અને તે બંધ પડી જાય છે. અબડાસા અને નખત્રાણા તાલુકામાં સામાન્ય રીતે આદર્શ ગતિથી પવન ફૂંકાતો હોય છે. તેવી જ રીતે આ તાલુકાઓમાં પૂરતા પ્રમાણમાં જમીન ઉપલબ્ધ છે. અહીં સરકારી ખરાબાની જમીન મોટા પાયે હોવાથી કંપનીઓને સસ્તાભાવે વિશાળ જમીન સહેલાઈથી મળી રહે છે. તેવી જ રીતે ઉત્પન્ન થયેલી ઊર્જાના પરિવહનની ક્ષમતા પણ હોવી જરૃરી છે. નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ૬૬ કે.વી.નું સબસ્ટેશન હોવાથી ઊર્જા પરિવહન સહેલાઈથી થઈ શકે છે. નજીકમાં જ સબસ્ટેશન હોવાના કારણે ટ્રાન્સમિશન લાઇનોની લંબાઈ પણ ઓછી રાખવી પડે છે. જેના કારણે ઘટ ઓછી થાય છે. આ ઉપરાંત આ વિસ્તારમાં નાની- મોટી ટેકરીઓ હોવાના કારણે તેની ઊંચાઈનો પણ લાભ મળે છે. સામાન્ય રીતે ટેકરીઓ પર પવનચક્કીઓને ૧૦૦થી ૧૫૦ ફીટની ઊંચાઈનો લાભ મળી રહે છે. જેટલી ઊંચાઈ પર પવનચક્કી હોય તેટલું ઊર્જા ઉત્પાદન વધુ થઈ શકે. આમ આ બધાં કારણોને લીધે અબડાસા અને નખત્રાણા તાલુકામાં પવનચક્કીઓ વધુ છે. અન્ય તાલુકાઓમાં પણ પવનચક્કીઓ છે, પરંતુ પ્રમાણ ઓછું છે.’
અત્યારે કચ્છમાં દેશવિદેશના ૨૦૦૦થી વધુ રોકાણકારોએ પવનઊર્જા ક્ષેત્રે ઝંપલાવ્યું છે. ભારત ઉપરાંત ડેન્માર્ક, જર્મની, અમેરિકા અને ચીનની કંપનીઓએ કચ્છમાં પવનચક્કીઓ નાખી છે. જોકે ટૅક્નોલોજી બધી ડેન્માર્ક અથવા જર્મનીની છે. મંદીની બૂમરાડ વચ્ચે પણ નવું રોકાણ આવતું જાય છે. હાલના સંજોગોમાં ઊર્જા ઉત્પાદન માટે વિન્ડફાર્મ એ એક મહત્ત્વનો પર્યાય છે. સામાન્ય રીતે પવનચક્કીથી એક મેગાવૉટ વીજ ઉત્પાદન માટે ૫.૫૦થી ૬ કરોડનો ખર્ચ આવે છે. કચ્છમાં લાગેલી પવનચક્કીઓ વધુમાં વધુ અઢી મે.વૉ.ની છે. તેને ઊભી કરવા માટે અંદાજે ૧૧થી ૧૩ કરોડનો ખર્ચ આવે છે. જોકે વિદેશોમાં તો દસ મે.વૉ. ક્ષમતાવાળી પવનચક્કીઓ લગાવાય છે. એક પવનચક્કી માત્ર ૧૦૦ ચો.મી. જમીન પર ઊભી થઈ શકે છે. વિદેશોમાં દરિયામાં પવનચક્કીઓ ઊભી કરવામાં આવે છે. જ્યારે આપણે ત્યાં હજુ પવનચક્કીઓ માટે જમીન ઉપલબ્ધ હોવાથી દરિયામાં નખાતી નથી. દરિયામાં પવનચક્કી ઊભી કરવાનો ખર્ચ દોઢ ગણો આવે છે. આથી જ્યારે જમીનની ઉપલબ્ધતા નહીં હોય ત્યારે દરિયામાં તે ઊભી કરવા વિચારાશે.
પવન ઊર્જાની જેમ જ સૌર ઊર્જા પણ કચ્છમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને રણનો વિસ્તાર બંને પ્રકારની બિનપરંપરાગત ઊર્જા મેળવવા માટે આદર્શ છે. રાજ્યમાં ૨૧૦૦ મે.વૉ. જેટલી સૌર ઊર્જાનું ઉત્પાદન થાય છે, જ્યારે કચ્છમાં લગભગ ૨૦૦ મે.વૉ.નું. તેમાંથી ૧૫૦ મે.વૉ.નું ઉત્પાદન જમીન પર લગાવેલા પેનલમાંથી મળે છે અને અંદાજિત ૫૦ મે.વૉ.નું ઉત્પાદન ઘરો અને સરકારી કચેરીઓની છત પર લગાવેલી પેનલોમાંથી મળે છે. આ ક્ષેત્રે ઊર્જા ઉત્પાદનની ઘણી તકો રહેલી છે. ભવિષ્યમાં કચ્છમાં સોલાર પાવરનું ઉત્પાદન ૪થી ૫ મે.વૉ.નું થશે. રણમાં સૂર્યનાં કિરણોનો લાભ વધુ મળી શકે તેમ છે, પરંતુ સોલર પેનલોની સમયાંતરે સફાઈ કરવા માટે પાણીની જરૃર પડે છે, જે રણ વિસ્તારમાં દોહ્યલું છે. આ ઉપરાંત રણમાં મોટી ટ્રાન્સમિશન લાઇનો નાખવાની બાકી છે, તેમ જ સબસ્ટેશન પણ ઊભું કરવાની જરૃર છે, પરંતુ નજીકના ભવિષ્યમાં આ કાર્ય થશે, તેવો આશાવાદ બુલચંદાણી રાખી રહ્યા છે.
તેમના મતે આજે રણમાં કંઈ નથી તેવું ભલે લાગી રહ્યું હોય, પરંતુ ઊર્જા ક્ષેત્રે તો ભવિષ્ય રણમાં જ છે. ત્યાં જ સૌથી વધુ ઊર્જાનું ઉત્પાદન થશે. કચ્છ ભાવિ સમયમાં ઊર્જા ઉત્પાદનનું મોટું હબ બનશે. પુનઃપ્રાપ્ત ઊર્જા એ ગ્રીન અને ક્લીન ઊર્જા છે. આ ઊર્જા ઉત્પાદનથી કાર્બન કે સલ્ફર બાયપ્રોડક્ટ તરીકે ઉત્પન્ન થતાં નથી, તેથી પ્રદૂષણ ઘટે છે. તેને ઉત્પન્ન કરવા માટે જોઈતી પવન અને સૌર ઊર્જા એ કુદરતી છે, એક વખત પવનચક્કી કે સોલાર પેનલ લગાવી દેવાય તો પછી મેન્ટેનન્સ સિવાય વિશેષ ખર્ચ આવતો નથી. તેમ જ વધુ કર્મચારીઓની પણ જરૃર રહેતી નથી. લિગ્નાઇટ પાવર પ્લાન્ટમાં જ્યાં ૨૫૦ માણસોની જરૃર પડે ત્યાં વિન્ડ કે સોલાર પ્લાન્ટમાં માત્ર ૨૫ કે ૩૦ માણસો જોઈએ છે. આમ આ પ્લાન્ટમાં લિગ્નાઇટ પ્લાન્ટની સાપેક્ષમાં માત્ર ૮થી ૧૦ ટકા લોકોને રોજગાર મળી શકે છે.
પવનચક્કીઓથી પક્ષીઓને નુકસાન થાય છે, તેવી એક વ્યાપક ફરિયાદ ઊઠે છે. પવનચક્કીના પાંખિયામાં પક્ષીઓ આવી જવાના કારણે મૃત્યુ પામે છે. પક્ષીઓના મોતનું પ્રમાણ ઘટાડવા માટે અમુક પ્રકારનો અવાજ ઉત્પન્ન કરવાના પ્રયોગો ચાલે છે. આવો અવાજ સાંભળીને પક્ષીઓ પવનચક્કીની નજીક નહીં આવે, પરંતુ આ વાત હજુ પ્રાયોગિક ધોરણે જ ચાલી રહી છે. અત્યારે તો અમુક વખતે અલભ્ય અને લુપ્તપ્રાય પક્ષીઓ પવનચક્કીઓના કારણે ઘટી રહ્યાં છે. ઘોરાડ જેવા પક્ષીઓની સંખ્યા આ કારણે જ ઘટી છે, તે હકીકત છે. પક્ષીઓના મોતનું કારણ ઘટાડવા વહેલી તકે પ્રયત્ન કરવા જરૃરી છે.
જોકે સોલર અને વિન્ડ એનર્જી પ્રતિ યુનિટ રૃ.૨.૫૦થી ૩.૦ના ભાવે વેચાય છે. કચ્છમાં અત્યારે અંદાજે ૨૫૦૦ મે.વૉ. વીજળીનું ઉત્પાદન થાય છે. જ્યારે જિલ્લામાં ઔદ્યોગિક, ખેતીવાડી અને ઘરવપરાશ મળીને ૧૫૦૦થી ૧૭૦૦ મે.વૉ. વીજળીની ખપત છે. આમ ઉત્પાદિત વીજળીનો મોટો ભાગ પાવરગ્રીડમાં સપ્લાય કરાય છે. પવન ઊર્જા ક્ષેત્રનો વિકાસ ખૂબ ઝડપી છે. થર્મલ પાવર ઉત્પાદન માટે ખાણની મંજૂરીથી માંડીને કોલસા મળવા સુધી અને ત્યાર પછી પાવર ઉત્પન્ન થાય ત્યાં સુધી તો ૪-૫ ગણો સમય લાગે છે. તેની સામે પવન ઊર્જાનો વિકાસ ખૂબ ઝડપથી થાય છે.
દરિયાઈ મોજાંમાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રયોગો થાય છે
કચ્છ પાસે ખૂબ મોટો દરિયા કિનારો છે. તેથી દરિયાઈ મોજાંમાંથી વીજળી ઉત્પન્ન કરવાના ઉજળા સંજોગો છે. કેરળમાં વરસાદી પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. મોજાંમાંથી ઉત્પન્ન થતી ઊર્જા પવન અને સૌર ઊર્જાથી સસ્તી પડે છે. કચ્છમાં પણ આ રીતે વીજળી ઉત્પન્ન કરી શકાય તેમ છે. અત્યારે આ પ્રાયોગિક તબક્કે છે. સરકારે આ અંગે શરૃઆત કરીને અન્ય કંપનીઓને આ ક્ષેત્રે આવવા ઉત્તેજન આપવું જોઈએ. અત્યારે
જોકે કોઈ કંપનીએ આ અંગે રસ બતાવ્યો નથી.
———————–