પ્રેક્ષકો બોરિંગ થાય તેના કરતાં રિસ્ક લેવું વધુ સારુઃ સૈફ

ઇન્સ્ટાગ્રામ પર લોગઇન થઈ શકે છે સૈફ
  • મૂવીટીવી – હેતલ રાવ

ચોકલેટી અભિનેતાની ઇમેજને તોડીને ડેશિંગ – રિસ્કી અને કોઈ પણ રોલ નિભાવી શકવાની ક્ષમતા ધરાવતા અભિનેતા નવાબ સૈફ અલી ખાને બોલિવૂડમાં પોતાની અલગ ઇમેજ ઊભી કરવા ઘણી મહેનત કરવી પડી હતી. જોકે તેની આ મહેનત ત્યારે રંગ લાવી જ્યારે ચાહકો તેની આ ઇમેજના ઘાયલ બની ગયા. ફિલોમાં પોતાના હટકે રોલ અને દીકરી સારા સાથેના સંબંધ વિશે સૈફ મન ખોલીને વાત કરે છે.

એક અભિનેતા તરીકે સૈફ અલી ખાન કોઈ પણ રિસ્કી રોલ માટે તૈયાર રહે છે. પછી તે એક હસીના થી અને ઓમકારા ફિલ્મમાં ભજવેલો નેગેટિવ રોલ હોય કે પછી સેક્રેડ ગેમ્પ્સ દ્વારા ડિજિટલ મીડિયામાં ડેબ્યુ કરવાની વાત હોય. સૈફ કંઈક નવંુ કરવા હંમેશાં તૈયાર હોય છે. છેલ્લા કેટલાક સમયથી તે કાલાકાંડી, બાજાર જેવા ટ્રેન્ડથી અલગ હટકે ફિલ્મો કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ લાલ કપ્તાનમાં તે એક નાગા સાધુનો અભિનય કરી રહ્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ વિશે સૈફે વાત કરતા કહ્યંુ કે, આ રોલ કરવો મારા માટે સૌથી મોટો પડકાર હતો. એમ પણ કહી શકું કે આ પહેલાં આવી ચેલેન્જિંગ ભૂમિકા ક્યારેય નથી કરી. આ નાગા સાધુ એક યોદ્ધા છે, પાત્ર આક્રમક અને મુશ્કેલી ભરેલું છે માટે જ તેના માટે ઘણો વિચાર કરવો પડ્યો. સાથે જ તૈયારી પણ. સામાન્ય રીતે કોઈ પાત્ર માટે અભિનેતાને મેકઅપ દ્વારા ન્યાય મળી જતો હોય છે, પરંતુ વાત જ્યારે આ રીતના રોલની હોય તો માત્ર મેકઅપ કામ નથી આવતો. તમારે પોતાની જાતને પણ રિયલ લાઇફમાં પાત્ર સાથે ઢાળવી પડે છે. સૈફની ફિલ્મ માટે માત્ર તે પોતે જ નહીં, તેના ચાહકો પણ ખૂબ જ એક્સાઇટેડ છે.

પોતાના ચાહકો માટે બધાથી અનોખું લઈને આવવું તે દરેક કલાકારો માટે પડકાર હોય છે. ટ્રેન્ડથી દૂર જઈને ફિલ્મ કરી શકાય, પરંતુ સાથે દર્શકો તેને કેટલી આવકારશે તેનું પણ ધ્યાન રાખવું પડે છે. સૈફ પોતાના ચાહકો માટે સારો અભિનય લઈને આવે છે તો પોતે પણ એક્ટિંગને એન્જોય કરે છે. તેનું માનવંુ છે કે દર્શકો તમારા અભિનયથી ખુશ થાય તો તે રોલ ક્યારેય રિસ્કીના કહેવાય, પરંતુ એમ પણ કહી શકાય કે જો તમારી એક્ટિંગથી ફેન્સ બોરિંગ થાય તેના કરતાં અલગ કરવું વધારે યોગ્ય કહેવાશે. બોક્સ ઑફિસની ચિંતા દરેક અભિનેતાને રહે છે તેવી જ રીતે નવાબ ખાન પણ તેના વિશે વિચારે છે, પણ દરેક વખત માત્ર બોક્સ ઑફિસને ધ્યાનમાં રાખીને કામ કરવંુ સૈફને મંજૂર નથી, કારણ કે જો તેનો જ વિચાર કરવામાં આવે તો કદાચ આંખે-ટુ જેવી ફિલ્મોમાં જ સૈફને જોઈ શક્યા હોત. બધા જ અભિનેતાની તો ખબર નથી, પણ સૈફ કહે છે, હું ફિલ્મ શૂટને એન્જોય કરું છું. જો ફિલ્મ હિટ થાય પણ તે બોરિંગ હોય અને મને મજા ના આવે તો તે હું ક્યારેય નહીં કરું. કમર્શિયલ ફિલ્મો પણ સૈફને પસંદ છે, પણ દરેક ફિલ્મો તેવી કરવા નથી ઇચ્છતો. તેની ફિલ્મોની પસંદગી પરથી લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી તે સમજી વિચારી પોતાના રોલને ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે. ભવિષ્યમાં તે જવાની જાનેમન અને ભૂત પુલિસ જેવા પ્રોજેક્ટ કરતો જોવા મળી શકે.

રિસ્કી રોલની ઇમેજમાં બંધાઈ બેઠેલો સૈફ પોતાના અંગત જીવનને લઈને ઘણો જ લાગણીશીલ છે. પછી તે કરિના-તૈમૂર હોય કે દીકરી સારા. નવાબ ખાનના ચાહકો જાણતા જ હશે પિતા-પુત્રીના વિષય પર આધારિત ફિલ્મ જવાની જાનેમનમાં પહેલા સૈફની સાથે દીકરી સારા અલી ખાનને લેવાની વાત હતી, પરંતુ પછી તે રોલ માટે આલિયા ફર્નિચરવાલાને સિલેક્ટ કરવામાં આવી. આ નિર્ણયથી સૈફ ઘણો ખુશ હતો. તેના મતે દીકરી સારા સાથે કામ કરતા સમયે માત્ર તે એક્ટર બનીને વિચારી ન શકે. અન્ય ઘણી બધી વાતો પણ તેના ધ્યાન પર આવે, પરંતુ ભવિષ્યમાં સારી સ્ક્રિપ્ટ અને સહયોગ હશે તો સારા-સૈફને સાથે જોવાની ઇચ્છા ચાહકોની જરૃર પુરી થશે.

કરિનાના રેડિયો શૉનું શૂટિંગ કર્યા પછી ઘણા લોકો સૈફિનાની ફિલ્મ ક્યારે આવશે તેવું પૂછી રહ્યા હતા ત્યારે પણ સૈફે કહ્યું હતું, સારી સ્ટોરી હશે તો ચોક્કસથી બેબો સાથે કામ કરીશ. જીવનને માત્ર કામ કરીને નહીં, પરંતુ મનભરીને માણવા માગતા સૈફને લાગે છે કે ટીવી કલાકારો પાસે ૧૫થી ૧૬ કલાક કરાવવામાં આવતું કામ શોષણ છે.

દરેક વ્યક્તિને પોતાનું જીવન જીવવા અને માણવા માટે સમય જોઈએ. દરેકનો પરિવાર હોય છે જે તેમની રાહ જોતો હોય. માટે કામ તો નવ-દસ કલાક કરવું જ યોગ્ય છે.

પોતાની વધતી ઉંમરને લઈને તેનું માનવું છે કે સમય રેતની જેમ સરકી રહ્યો છે. માટે ક્વૉલિટી ઓફ લાઇફ મહત્ત્વની છે. આપણને ક્યારેય ન લાગવું જોઈએ કે જિંદગીનો વધુ સમય સેટ પર વિતાવ્યો છે. પરિવારને સમય આપવાનું ચુકાઈ ગયું. માટે મસ્તીથી જીવો. સૈફનો જીવન ફંડા હોય કે ફિલ્મી ફંડા, દર્શકો દરેકને આવકારી રહ્યા છે.
——.

ઇન્સ્ટાગ્રામ પર લોગઇન થઈ શકે છે સૈફ
કલાકારો પોતાના ચાહકોની વધુ નજીક જવા સોશિયલ મીડિયાના માધ્યમને વધુ પસંદ કરી રહ્યા છે, પણ આ બધાથી સૈફ ઘણો દૂર છે. જોકે એમ પણ કહેવાય છે કે જલ્દી તે ઇન્સ્ટા પર લોગઇન થઈ શકે છે, પણ તેના વિચારો આ વિશે જરા હટકે છે. સૈફનું માનવંુ છે કે લગભગ દરેક સોશિયલ સાઇટ બોરિંગ છે. તમને એકના એક ફોટા અને એકની એક વસ્તુ જોવા મળે છે. ફોટા મૂકવાની ચાહતના કારણે એકબીજાથી દૂર જઈ રહ્યા છે. જ્યાં ફરવા જાય તે સ્થળની મજા લેવાની જગ્યાએ ફોટા પાડવામાં અને તેને અપલોડ કરવામાં વ્યસ્ત બની જાય છે. આ બધાથી દૂર થઈ સમયને એન્જોય કરતા શીખો. નવાબ પરિવાર પાપારાઝી માટે પણ ફેવરિટ છે. છોટે નવાબ તૈમૂર હંમેશાં તેના પર છવાયેલો રહે છે. ત્યારે ઘણાને સવાલ થાય છે કે શું તૈમૂર જાણે છે કે મીડિયા તેના ફોટો ક્લિક કેમ કરે છે, ત્યારે સૈફ કહે છે, હજુ તો તે ઘણો નાનો છે. બસ, તેને એટલી ખબર છે કે મારા ફોટા પાડવામાં આવી રહ્યા છે.
——.

કબીર સિંહ જેવી ફિલ્મો સમાજ માટે કલંક છે
ટિક ટોક પોપ્યુલર વિલન જોની દાદા એટલે કે અશ્વિની કુમારે ફિલ્મ કબીર સિંહથી પ્રભાવિત થઈને એક યુવતીની હત્યા કરી. જોની દાદા વિલનના વીડિયો બનાવીને પોસ્ટ કરતો હતો. તેને એક ફ્લાઇટ અટેન્ડેન્ટ યુવતી સાથે પ્રેમ થયો, પરંતુ તેનાં લગ્ન અન્ય યુવક સાથે નક્કી થવાના કારણે તેણે યુવતીની હત્યા કરી દીધી. કબીર સિંહનો ડાયલોગ કે, ‘જો મેરા નહીં હો સકા ઉસે કીસી ઓર કા હોને કા મૌકા નહીં દૂંગા’થી ઘણો પ્રભાવિત થયો અને તેના કારણે જ તેની હત્યા કરી. જોકે પાછળથી પોતે પણ આત્મહત્યા કરી લીધી. જેના પછી ફિલ્મને લઈને ઘણો વિવાદ શરૃ થયો છે. એક વર્ગ આ ફિલ્મને પસંદ કરી રહ્યો છે ત્યારે અન્ય વર્ગનું માનવંુ છે કે આવી વાહિયાત ફિલ્મ બનાવીને યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ વિશે ફિલ્મના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાનું માનવંુ છે કે અમે ક્યારેય એવા વિષયની પસંદગી કરવા નથી ઇચ્છતા જેનાથી કોઈને નુકસાન થાય. મારી લાગણી મૃત્યુ પામેલી યુવતીના પરિવાર સાથે છે. જોકે હકીકત એ છે કે યુવતીના પરિવારને સંદીપની લાગણીની કોઈ જરૃર નથી, કારણ કે આવી વિષયહીન ફિલ્મો આજની યુવાપેઢીને બરબાદી તરફ લઈ જઈ રહી છે. આવી ફિલ્મો પર રોક લાગવી જોઈએ.

——————————

મૂવીટીવીસૈફ અલી ખાનહેતલ રાવ.
Comments (0)
Add Comment