અરબી ત્રિદેવી માતાઓ

સામર્થ્યવાન તરીકે પ્રસિદ્ધ દેવી અલઉઝઝા અરબી માતાઓમાં અન્ય બેની માફક સર્વોચ્ચ સ્થાને હતી.
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

અજાણ્યા માઈ સ્વરૃપ ને અગણિત માઈના લાલ આવશે જશે
કોઈ માઈ વગરનો લાલ હોય ના તો રંગબેરંગી જન્મશે મરશે

માતાજી અલ્લાતની વાત આપણે ગયા અંકે કરી. એ જેમની સાથે ત્રિદેવી તરીકે પૂજાતાં તે અલઉઝઝા તથા મનાત વિષે ‘ને એમની આસપાસની અમુક વાત બાકી રહેલી. આ ત્રણે બહેન કહેવાતી. અલ્લાત ‘ને મનાત દેવીઓના નામમાં છેલ્લે જે ત આવે છે તે અમુક લોકો ટ તરીકે પણ ઉચ્ચારે તો મૂળ અરબી રીત મુજબ તે અક્ષર હ તરીકે ઉચ્ચારી શકાય છે. એ રીતે અલ્લાત એટલે અલ-લાહ યા અલ-ઇલ્લાહત થાય જેનો સીધો મતલબ ઈશ્વર થાય. મનાહ શબ્દને આપણે મન સાથે જોડી શકીએ. ત્યાં મનાહ શબ્દના મૂળમાં અરબી ક્રિયાપદ મન લઈએ તો મનાહનો અર્થ જે તોલમાપ કરીને નિશ્ચિત કરે છે તે એવો અર્થ થાય. જો અરબી મનીયા યાને ભાગ્ય એવો અર્થ લઈએ તો પ્રારબ્ધની અધિષ્ઠાતા શક્તિ એવો અર્થ થાય. અલ-ઉઝઝા શબ્દમાં અલ એટલે આપણે જાણીએ છીએ તેમ અંગ્રેજીમાં ચોક્કસાઈ દર્શક ઉપપદ તરીકે શબ્દની પૂર્વે ડેફિનિટ આર્ટિકલ ધ પ્રયોજાય છે તેના જેવું સંબોધન છે. ઉઝઝા એટલે શક્તિવાન. અલઉઝઝા અર્થાત્ ધ મોસ્ટ પાવરફુલ.

આ ત્રણમાંથી ક્યારેક અલ-લાહ તો ક્યારેક અલ-ઉઝાને ચડિયાતા દરજ્જાની કે ઉપરી દેવી માનવામાં આવતી. આપણે ત્યાં પણ વખતોવખત એવું જોવામાં આવ્યું છે કે કોઈ એક દેવ ક્યારેક ઉચ્ચ કક્ષાએ લોકપ્રિયતા એવં અધિકાર પામ્યા હોય ‘ને પછીના સમયમાં એ દેવ સામાન્ય કક્ષામાં આવી ગયા હોય. નવરાત્રિ દરમિયાન માતાજીનાં વિવિધ સ્વરૃપની ચર્ચા ‘ને આરાધના થાય તે પછી મોટા ભાગના તેમાંથી એકાદ મા જ યાદ રાખે છે. ધરતી માતા ગણાતી અલ્લાત ક્યારેક સર્વે દેવદેવીની માતા ગણાતી, ક્યારેક અલઉઝઝા અને બંને એક ગણાતાં. એ જમાનામાં અરબમાં સૂર્યને સામ્સ ‘ને સ્ત્રીલિંગ ગણવામાં આવતો ‘ને અલ્લાતનું જ સ્વરૃપ લેખાતું. તેમનું પ્રતીક એટલે બીજનો ચાંદ ‘ને ઘણી વાર બીજનો ચાંદ હોય તેમાં ચક્ર રૃપે સૂર્ય. આકૃતિ હોય ત્યાં તેમની પાસે કે હાથમાં ઘઉંનો ડૂંડો કે પૂળો રહેતો જે પ્રજોત્પત્તિ એવમ વસંત અંગેની તેમની શક્તિ દર્શાવતું. લોબાન ધૂપ તેમની પસંદગી હતી.

સામર્થ્યવાન તરીકે પ્રસિદ્ધ દેવી અલઉઝઝા અરબી માતાઓમાં અન્ય બેની માફક સર્વોચ્ચ સ્થાને હતી. ઉષા ‘ને સંધ્યા સમયે તારાની જેમ આકાશમાં તેજથી ટમટમતાં શુક્ર ગ્રહને તેમનું સ્વરૃપ માનવામાં આવતું. પેટ્રા ખાતે તેમનું મંદિર હતું. આકાશી તારા તરીકે તેમનું આહ્વાન કરી આરાધના કરવા સ્ત્રીઓ છાપરે ચઢી તેમને સંબોધતી. તે પ્રેમ સાથે યુદ્ધ અંગેની દેવી હતી. ગ્રીક લોકો અલ ઉઝઝાને સ્વર્ગીય એફ્રોડાઇટ સાથે સાંકળતા. આ દેવીને કેરાકેલ યાને રણની જંગલી બિલાડી સાથે સંબંધ. યહૂદી ‘ને ખ્રિસ્તી ધર્મમાં મેટાટ્રોન નામક એક ઉચ્ચ કક્ષાના દેવદૂત છે, તેમનું બીજું નામ ઉઝઝા છે. ખ્રિસ્તી કથા મુજબ ઉઝઝા નામનો યેરૃસલેમમાં બગીચો હતો જેમાં ખાસ રાજાઓ દફન કરવામાં આવેલા. અમુક મત પ્રમાણે અલ-ઉઝઝા શબ્દને અલ-અઝીઝ યાને મહાજોરાવર સાથે સંબંધ છે. ઘણાના કહેવા મુજબ આ ત્રણે દેવી ચંદ્રની દીકરીઓ છે. રસપ્રદ બાબત એ છે કે અલ-ઉઝઝાનો સીધો સંબંધ અકેશિયા અર્થાત્ બાવળ વર્ગના વૃક્ષ સાથે હતો.

મક્કા ‘ને અતતૈફ વચ્ચે નખલાહ નગર. ત્યાં ત્રણ અકેશિયા ઝાડ હતાં જેમાં અલઉઝઝા દેવી ઊતરી આવતાં તેમ કહેવાય છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટ યાને યહૂદીઓની બાઇબલમાં આ ટ્રીને પવિત્ર કીધું છે. અલ-ઉઝઝાની મૂર્તિ આ વૃક્ષના લાકડામાંથી બનતી. આ ઝાડ જ્યાં વધુ ઊગતાં હોય તેવા સ્થળે આરબો બસ્સ કરીને મકાન બનાવતાં, વિશેષ પ્રાર્થનાસ્થળ. વિજ્ઞાન મુજબ આ ટ્રીમાં ડીએમટી કરીને તત્ત્વ છે જે સીધું ચેતાતંત્ર પર કામ કરે છે. વનસ્પતિશાસ્ત્રીઓએ આ વૃક્ષની જાતિ હજુ ૧૮૨૯માં શોધી છે. ૨૦૦૦માં આ જાતિના વિવિધ વૃક્ષના વર્ગીકરણ અંગે આંતરરાષ્ટ્રીય મગજમારી થયેલી. ભાવાર્થનું કહેવાનું કે આ ઝાડનું પૂર્ણ મહત્ત્વ સમજવા મહદ્અંશે વિજ્ઞાનને હજુ વાર છે. જગદીશ ચંદ્ર બોઝને વનસ્પતિમાં કેવી રીતે જીવ છે એ સાબિત કરવામાં તકલીફ પડેલી. આપણે ત્યાં જ્યોતિષ સહિત તંત્રશાસ્ત્રએ ઘણા વૃક્ષને અવકાશી કે આકાશી દુનિયા સાથે શું સંબંધ છે એ કીધું છે. એમના મતે ટ્રી પૃથ્વી પરથી બહારની દુનિયા સાથે તરંગની આપલે કરવા એન્ટેના વ ટાવર તરીકે કામ આપે. ઘણા માને છે કે આ ઝાડ પર ઊંગતી પરોપજીવી વેલ ઐકા પર રાતે વધુ ચમકીલા લાગે તેવા લાલ ફૂલ બેસે છે એટલે શ્રદ્ધાળુઓ આ ઝાડ દૈવી માનતા હશે. બાય ધ વે અકેશિયાને ચંદ્રવાદીઓ જૂની અરબીમાં સમરહ કહેતાં ‘ને સંસ્કૃતમાં તેનું એક નામ સોમસાર છે.

ઇસ્લામના ઉદય સાથે પ્રથમ બનેલા મુસલમાનોમાં જૂના ધર્મ પાળનાર માટે અબ્દુ-એ-ઉઝઝા અર્થાત્ સમર્થોત્તમના ગુલામો એવી ઉક્તિ પ્રચલિત બનેલી. મહમદ સાહેબે મક્કા પ્રાંતમાં ઇસ્લામનો ઝંડો લહેરાવવા આક્રમણ માટે જેટલી ટુકડી મોકલેલી એમાં સૌપ્રથમ સફળતા પેલા ત્રણ અકેશિયા

વૃક્ષવાળી પૂજાસ્થળીનો નાશ કરવા ગયેલી ટુકડીને મળેલી. અમુક મત અનુસાર અહીં જે પૂજાસ્થળી તોડી પાડવામાં આવેલી ત્યાં ટુકડીએ બે વાર આવવું પડેલું. એક વાર ખોટી મૂર્તિ તોડી, પણ મહમદ સાહેબે કીધું કે મૂળ દેવી હજુ ત્યાં જ છે એટલે એમના આદેશ પર ખાલિદ પાછો ગયો. ત્યાં મૂર્તિ નજીક તેને અલ-ઉઝઝા દેવી રૃબરૃ મળી. તેણે અલ્લાહનું નામ લઈને એ દેવીના બે ટુકડા કર્યા ‘ને પછી મૂળ મૂર્તિ તોડી નાખી. પાછો ફરી ખાલિદે સમાચાર આપ્યા તો મહમદ સાહેબે કીધું કે એ જ ખરી અલ-ઉઝઝા હતી, હવે પછી એ તમારા પ્રદેશમાં નહીં પૂજાય.

સેક્યુલર તેમ જ અંગ્રેજી વાંચવાના શોખીન લોકોમાં પ્રિય એવા બુકર ઍવૉર્ડ વિજેતા સલમાન રશ્દીના બહુ ચર્ચાયેલા શેતાનિક કે સેતાનિક વર્સિસ પુસ્તકના શીર્ષકના મૂળ આ માતાજીઓમાં છે. આ સપ્ટેમ્બરમાં એ પુસ્તકને એકત્રીસ વર્ષ થયાં. અલ્લાત દેવી પરના ગયા અંકના લેખમાં જણાવેલું કે કુરાઇશ કોમના લોકો કાબા આસપાસ પરિક્રમા કરતી વખતે આ પ્રકારનું મંદગાન કરતાં- અલલાત ‘ને અલઉઝઝા અને મનાત જે ત્રીજી મૂર્તિ સમીપ છે તે થકી, ખચીત તેઓ સર્વોચ્ચ દેવીઓ છે જેમની મધ્યસ્થી અત્યંત ઇચ્છનીય છે. ઇસ્લામના પંડિતોના કહેવા મુજબ મહમદ સાહેબ સામે પહેલાં એવી કોઈ વર્સ પ્રકટ થયેલી જેમાં અલ્લાત, અલઉઝઝા ‘ને મનાત ત્રિદેવીઓની આરાધના કરવાનું સૂચવવામાં આવેલું. અમુક સમય બાદ મહમદ સાહેબ સામે ફરી સુધારેલી વર્સનું પ્રકટીકરણ થયું જેમાં એ વર્સ નાબૂદ કરવામાં આવી ‘ને એ શેતાને દીધેલી દખલ હતી તેવું જાહેર થયેલું. ફાઇનલ કુરાનમાં ત્રણે દેવીને ખારિજ કરવામાં આવેલી. આ ઘટનાને દુનિયામાં ઘણા ‘ડોટર ગેટ સ્કેન્ડલ’ કહે છે. અહીં યાદ રહે કે સાદી ભાષામાં સમજીએ તો ખ્રિસ્તી ધર્મની જેમ ઇસ્લામમાં ઈશ્વરના પ્રતિપક્ષે શેતાન છે.

કહે છે કે આ ત્રણે માતાજીઓમાં મનાહ ઉર્ફે મનાત જૂના ‘ને મૂળભૂત. વિભાવનામાં બીજનો ચંદ્ર એમના માથા ઉપર રહેતો, માથા કે કપાળ પર નહીં. આ દેવીથી લોકો સૌથી વધુ ડરતાં. તે શ્યામ રંગી હતી. અસુંદર હતી. મૃત્યુ, વિનાશ ‘ને પ્રલયની દેવી ભય સાથે જોડાયેલી હોય તે સ્વાભાવિક છે. હિન્દુ  દ્રષ્ટિએ સમજવાની કોશિશ કરીએ તો અલ-ઉઝઝા ઉષા યા સરસ્વતી, અલ-લાત લક્ષ્મી તો મનાત કાલી હતી. અત્રે એ જાણી લઈએ કે સરસ્વતી સ્વરૃપ અગાઉ વેદના સમયમાં ઉષા દેવી હતી. ઋગ્વેદમાં ચાલીસથી વધુ જગ્યાએ ઉષાનું સ્થાન છે. ખેર, મનાત દેવીની લાકડા પર કોતરેલી મૂર્તિમાં આકાર રૃપે લોહી દેખાય છે. તેમનું મુખ્ય સ્થાન મક્કા ‘ને મદીનાની વચ્ચે રેડ સીના કિનારે ખજરાજમાં હતું. ત્યાં બલિ ચઢાવવામાં આવતી જેના વગર મનાત માટે થતી વાર્ષિક યાત્રા અધૂરી મનાતી. શ્રદ્ધાળુઓ માથાના વાળ કપાવી અર્પણ કરતાં. મનાત કબ્રસ્તાન ‘ને મૃત્યુ પછીની સફર પર ચાંપતી નજર રાખતી તેમ મનાતું. લોકો કબર પર તેમને પ્રાર્થના કરતાં શબ્દ કંડારતાં.

‘ને ૬૩૦માં મહમદ સાહેબે વીસ હથિયારધારી ઘોડેસવાર અલ-માશાલ્લાલમાં આવેલી મનાત દેવીની મૂર્તિ તોડવા મોકલેલા. કહે છે કે ત્યાં પણ એક કાળી દિગંબર સ્ત્રી છાતી કૂટતી પ્રકટ થયેલી. ત્યાં પણ તે દેવીના તથાકથિત પ્રકટ સ્વરૃપ પર હથિયાર વીંઝવામાં આવ્યું ‘ને મૂર્તિ તોડી નાખવામાં આવી. મનાત દેવીની લાકડા પર કોતરેલી મૂર્તિ એ જમાનામાં મહદ લોકોના ઘરમાં રહેતી. આપણે સીધીસાદી કલ્પના કરવાની રહી કે એ બધી મૂર્તિઓનું શું થયું હશે. કાબા જેનો અર્થ અરબીમાં ક્યૂબ યાને ઘન થાય છે ત્યાં એ જમાનામાં ૩૬૦ મૂર્તિઓ રહેતી ‘ને તેમાંથી એક મનાતની હતી. બેશક કાબાની સાત વાર પરિક્રમા કરવાનો રિવાજ ત્યારે હતો. આજે કાબામાં ચાંદીના કવચમાં બદ્ધ એકથી વધુ પથ્થરનો એકાકાર સમૂહ છે જેને મુસ્લિમ ભક્તો આસમાનમાંથી આવેલો એમ જણાવે છે. અમુક હિન્દુઓ તેને શિવલિંગ જાહેર કરે છે અને વિચિત્રતા કે વક્રતા કે વિકૃતિ તો એ છે કે બહુ બધાં મુસ્લિમ ‘ને તેમના તરફી ગેરમુસ્લિમ તથા સેક્યૂલર પ્રકારના માણસો એવું માને છે કે સોમનાથનું મૂળ શિવલિંગ હકીકતમાં મનાત દેવીની મૂર્તિ હતી.

અંગે્રજો નીચે ભારત ગુલામ હતું ત્યારે ‘બ્રિટિશ એમ્પાયર’ માટે જે કોઈ વ્યક્તિ ખાસ કામ કરીને વફાદારી દાખવે તેને ઇલ્કાબ અપાતો. રાય સાહેબ હિન્દી ફિલ્મમાં સાંભળ્યું હશે. તેથી ઉપર રાય બહાદુર. દક્ષિણમાં તેને રાવ બહાદુર કહેતા. કરોડો મુસ્લિમની લાગણી દુભાવનાર લેખક રશ્દીને આવકારો આપી સન્માનથી રાખનાર બ્રિટન અહીં ભારતમાં ઇલ્કાબ બાબતેય ભેદભાવ કરતું. મુસ્લિમ ‘ને પારસીને ખાન બહાદુર ‘ને શીખને સરદાર બહાદુર મેડલ મળતો. તેથી ઉપર દીવાન બહાદુર આવે. અંગે્રજોનું રાષ્ટ્રીય ગીત ‘ગોડ સેવ ધ ક્વીન/કિંગ’ ગતિ વેળાએ હિન્દુ કે મુસ્લિમ શું વિચારતો હશે? એવા એક રાય બહાદુરના પૌત્રી રોમિલા થાપર. મૂળે એ કુટુંબ લાહોરનું. જવાહરલાલ નહેરુ એમના સગા થાય. એમના કુટુંબમાં ઘણા વડીલો રાય સાહેબ ‘ને બહાદુર ‘ને દીવાન બહાદુર વગેરે થઈ ગયા. હા, પૈસાવાળા લોકો. એ રોમિલાબહેન સોમનાથ મૂળે મનાતનું સ્થાનક એ કહાનીના એક શોધક. સોમનાથ- ધ મેની વાઇસિઝ ઓફ હિસ્ટ્રી એવી બુક એમણે લખેલી. એ કહે છે કે હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોઈ કોમી સમસ્યા નહોતી યાને મહમૂદ ગઝનીને હિન્દુઓ પ્રત્યે કોઈ તકલીફ નહોતી.

શંકરાચાર્ય ૭૮૮માં જન્મી ૮૨૦માં દેહથી મુક્ત થયા. શંકરાચાર્યને સોમનાથ એટલે શું એ ખબર ના પડે ‘ને હિન્દુ ધર્મ, રામાયણ વત્તા રામ અંગે મન ફાવે તેમ માનનાર રોમિલાજીને ખબર પડી જાય? હશે! ગઝની ૯૭૧માં જન્મી ૧૦૩૦માં મરી ગયો. ૧૦૧૫માં કાશ્મીર પર નિષ્ફળ આક્રમણ કરનાર ગઝની અવારનવાર ભારત પર આક્રમણ કરતો રહ્યો. ૧૦૨૫માં સોમનાથ પર હુમલો કર્યો તે પહેલાં એ લાહોર ખાઈ ગયેલો. આ માણસ સ્પષ્ટ રીતે લુંટારો, હિંસક ‘ને કટ્ટરવાદી હતો. મુસ્લિમ લેખક એવં ઇતિહાસકારો જણાવે છે કે એણે સોમનાથ ખેદાનમેદાન કરેલું ‘ને શિવલિંગ જાતે તોડીને તેના ટુકડા પોતાના વતન ગઝની લઈ ગયેલો. ત્યાં તેણે ૧૦૨૬માં શહેરની નવી જામા મસ્જિદનાં પગથિયાં તે ટુકડાથી બનાવ્યા. આ બધું તેણે અરબમાં ધર્મના વડાને જણાવ્યું, ધનદોલત લૂંટી એ સાથે. તેને શાબાશી વગેરે પ્રાપ્તિ થયેલી. અલબત્ત, ઘણા હિન્દુ માને છે કે મૂળ શિવલિંગ બચાવી લેવામાં આવેલું. રોમિલા એન્ડ કંપની પોતાની સ્ટોરીને પ્રૂવ કરતાં કહે છે કે સોમનાથનું મૂળ નામ સુ-મનાત હતું. સુ એટલે? અરબીમાં માંદુ કે દુષ્ટ. પાછું સુમનાતવાદીઓ કહે છે કે સોમનાથમાં લિંગના સ્થાને માનવ આકૃતિ હતી. એનિવેઝ, મહમદ સાહેબ સંતુષ્ટિ પામેલા કે મનાતની મૂર્તિ તોડી નાખવામાં આવી છે. તેઓ ૬૩૨માં નીકળી ગયેલા.

હિન્દુ શાસ્ત્રના જાણકારને સંસ્કૃતમાં સુમન્ત્રજ્ઞ કહે છે. જૈન ધર્મ મુજબ ઇક્ષ્વાકુ વંશમાં અયોધ્યા ખાતે જન્મેલા સુમતિનાથ વર્તમાન કાળના પાંચમાં તીર્થંકર છે. લંડનમાં સુમનાત નામનું એક બુટિક બ્યૂટી સલૂન છે. પદ્મભૂષણ સુમંત મૂલગાંવકર ટાટા મોટર્સના આર્કિટેક હતા. મરાઠી સુમનાત શબ્દનો અર્થ છે તડકામાં. સંસ્કૃત જોડીએ તો સુમનાત એટલે સારા મનવાળું. રોમિલાવાદીઓને કહેવાનું કે તમો કશા પણ સાંધા જોડી શકો છો. હશે. જવા દો. આજની તારીખમાં અલ્લાત, અલઉઝઝા ‘ને મનાત ત્રિદેવીનું આહ્વાન કરનાર ‘ને એમને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરનાર અરબી પડ્યા છે. પોતાની રીતે નવી પ્રાર્થના બનાવે કે જે કશું જૂનું હાથ લાગે એ રીતે એ લોકો સાધના કે જે કહેવું હોય તે કરતાં હોય છે. ત્રણમાંથી પોતાને લગાવ થાય તે દેવીનું અરબીમાં નામ લખીને ચોપડા ભરે છે. તેવા એક વ્યક્તિનું કહેવું છે કે આ ત્રણે દેવી એક જ સ્ત્રીશક્તિના અલગ-અલગ સ્ટેજ છે. કુંવારી કે અપરણિત, માતૃત્વમય અને વૃદ્ધા. સરસ્વતી માતા કુંવારી કહેવાય છે. જી, નદી કુંવારિકા અને ઘરડી મા કોણ? દસ મહાવિદ્યામાંના એક એવા કુરૃપ, વિધવા ‘ને બિહામણા ડોશીમા એટલે ધૂમાવતી માતા. ‘ને મધ્યની મમ્મી કક્ષામાં બ્રહ્માંડને જન્મ આપનારી કુષ્માંડા, શિવ સહિત સરવે કણને પ્રત્યેક ક્ષણ પ્રાણ ધવડાવનારી અન્નપૂર્ણા કે જગદંબા જેવાં ઘણા સ્વરૃપ છે. નિઃસંદેહ આ ત્રણે અવસ્થામાં દૈવી શક્તિના માનવરૃપનો ચહેરો ભક્તને વિદ્યમાન થાય, કારણ કે દેવી ના ઘૂમટો તાણે કે ના બુરખો પહેરે.

ઇસ્લામના આગમન પહેલાં પણ એકેશ્વરવાદી ‘ને મૂર્તિપૂજાના વિરોધી મક્કામાં જીવતા હતા, ખાસ કરીને અબ્રાહમના યહૂદી ‘ને ખ્રિસ્તી ધર્મને કારણે. તેમાં ઝઇદ ઇબ્ન અમ્ર એક પ્રસિદ્ધ નામ છે. ૬૦૫માં તેમની હત્યા થયેલી. વરક ઇબ્ન નૌફલ કરીને મહમદ સાહેબના એક અનુચરે ઝઇદના મૃત્યુ પર એક શોકકાવ્ય લખ્યાનું કહેવાય છે. હે ઇબ્ન અમ્ર, તું પૂર્ણ રૃપે સાચા રસ્તા પર હતો. તું નરકના સળગતા ભઠ્ઠાથી બચી ગયો છું, એક ‘ને કેવળ એક ઈશ્વરની સેવા કરીને તથા પોકળ મૂર્તિઓનો ત્યાગ કરીને. એ મનુષ્યો સુધી ઈશ્વરની દયા પહોંચે જે પૃથ્વીથી સિત્તેર ખીણ નીચે ભલે હોય.

કહેવાય છે કે મહમદ સાહેબે કાબામાં આવેલ તમામ મૂર્તિ યા ચિત્રનો નાશ કર્યા બાદ બાળ જિસસ ‘ને માતા મેરીનું ચિત્ર રહેવા દેવાનું કહેલું. દરરોજ સલાત યાને પર્શિયન ભાષામાં જેને નમાજ કહે છે તે પ્રકારની પ્રાર્થના કરતો જગતભરનો મુસ્લિમ અલ ફતિહા એટલે કે કુરાનની પ્રથમ સુરાનું પઠન કે સ્મરણ કરે છે. જેના પ્રારંભમાં અભ્યર્થના કરવામાં આવે છે. બિસ્મિલ્લાહ અર રહેમાન નિર રહીમ કે બિસ્મિલ્લાહ અલ રહેમાન અલ રહીમ. ભાવાર્થ છે કે સૌ પ્રથમ અલ્લાહનું નામ લઉં છું, જે પરમ કૃપાળુ અને મહેરબાન છે. અહીં રહમાન ‘ને રહીમ બંને શબ્દના મૂળ રહમમાં છે. રહમનો અર્થ છે ગર્ભાશય, કૂખ અથવા શરીરમાંથી જન્મ પામતા સજીવનું જન્મસ્થાન. અલ્લાહને સર્જક જાહેર કરવામાં આવ્યા છે. સાથે સ્ત્રીની માતા બનવાની ભૂમિકાનો પરોક્ષ ઉલ્લેખ છે. તત્ત્વમીમાંસાની રીતે સમજીએ તો અલ્લાહને સર્વસ્વની મા ગણી શકવાનો સ્પષ્ટ મોકો ‘ને ઇશારો છે. અલ્લાહનું એક નામ અલ-હકીમ અર્થાત પરમ પંડિત કે જ્ઞાની કે બુદ્ધિમાન છે. સંસ્કૃતમાં સુમનસ પણ કહે. અલ-હકીમ સ્ત્રીલિંગી નામ છે. સૂફીવાદ અને ફિલોસોફીને અધ્યાત્મિક કે જ્ઞાનાત્મક પ્રકારના શરૃઆતના ખ્રિસ્તીઓના મેઘા, પ્રજ્ઞા કે વિવેકનું સ્ત્રી સ્વરૃપ એવા દેવી સોફિયા સાથે સંબંધ એ આ સાથે મગજમાં આવી જાય. સૂફી લોકો વજહ અર્થાત ચહેરો શબ્દ પરમ સાર માટે કામમાં લે. મિરાજ યાને મહમદ સાહેબની સ્વર્ગ તરફની સફરમાં નર પ્રકારના એવા ઉચ્ચ દેવદૂત ગેબ્રિયલ ઉર્ફે જિબ્રાઇલ તેમને લેવા આવ્યા હોય છે. જ્યારે જે બૂરાક નામના વાહન પર તેઓ સફર કરે છે તેનો ચહેરો સ્ત્રીનો હોય છે. વેલ, આ સાથે અહીં આપણે ભૂત, વર્તમાન ‘ને ભવિષ્ય નામક ત્રિકાલને નમન કરી એ ત્રિદેવીઓની વાત પૂર્ણ કરીએ.

બુઝારો – આપણે ત્યાં વ્યવહારમાં શેપ એટલે આકાર, ફોર્મ એટલે રૃપ કે ઘાટ, સ્કલ્પચર કે શિલ્પ, સ્ટેચ્યૂ કે પૂતળું, ડ્રોઈંગ એટલે રેખાંકન, પેઇન્ટિંગ એટલે ચિત્ર, આ શબ્દો સ્ત્રીલિંગ નથી. આઇડોલ એટલે મૂર્તિ, ઇમેજ એટલે પ્રતિમા કે આકૃતિ, છબી, પ્રતિકૃતિ, કલ્પના, છાયા આ શબ્દો સ્ત્રીલિંગ છે.
——————————

ગૌરાંગ અમીનચર્નિંગ ઘાટ
Comments (0)
Add Comment