- વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ
ઈબી-૫ ઇન્ટરવ્યૂ
અમેરિકામાં ન્યુ કમર્શિયલ એન્ટરપ્રાઇઝ અથવા તો માન્યતા પામેલા રિજનલ સેન્ટરમાં રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવવાના ઈબી-૫ પ્રોગ્રામમાં ૨૧ નવેમ્બર, ૨૦૧૯થી મોટા ફેરફારો આવવાના છે. મુખ્ય અને રોકાણકારોને અણગમતો ફેરફાર છે રોકાણની રકમમાં અધધધ વધારો. હાલમાં દસ લાખ ડૉલર અને પછાત પ્રદેશ યા ટાર્ગેટેડ ઍમ્પ્લોઇમૅન્ટ એેરિયામાં પાંચ લાખ ડૉલરનું જે ઇન્વેસ્ટમૅન્ટ કરવાનું છે એ ૨૧ નવેમ્બર, ૨૦૧૯થી વધીને ૧૮ લાખ ડૉલર અને નવ લાખ ડૉલર થવાનું છે. ફક્ત પૈસાનું રોકાણ કરવાથી ગ્રીનકાર્ડ મળી નથી જવાનું. રોકાણના પૈસા ક્યાંથી આવ્યા?
રોકાણકારે ઇમિગ્રેશન ખાતાને પુરાવા સહિત દેખાડી આપવાનું છે. રોકાણકારે રોકાણના પૈસા જાતે કમાયેલા હોય, વડીલોપાર્જિત મિલકત હોય, પ્રોપર્ટી વેચીને મેળવ્યા હોય, લોન લીધી હોય, ગિફ્ટ મળ્યા હોય, ગમે ત્યાંથી મેળવ્યા હોય એ પૈસાનું ‘સોર્સ ઑફ ફંડ’ અને ‘પાથ ઑફ ફંડ’ જરૃરી દસ્તાવેજો સહિત દેખાડવાનું રહે છે. આજે રોકાણ કરો અને દોઢ-બે વર્ષ પછી તમારી પિટિશન એપ્રુવ્ડ થાય, એટલે ગંગા નહાયા એ સમજવું ભૂલ ભરેલું છે. જેના લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવી હોય એ ઇન્વેસ્ટરે, એની પતિ યા પત્ની અને એકવીસ વર્ષથી ઓછી વયનાં અવિવાહિત સંતાનો, જેઓ ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટર વિઝા મેળવવા ઇચ્છતા હોય એમણે એમના દેશમાં આવેલ કોન્સ્યુલેટમાં જાતે હાજર થઈ ઇમિગ્રન્ટ વિઝાનો ઇન્ટરવ્યૂ આપવાનો રહે છે. ઇન્ટરવ્યૂમાં એમણે કોન્સ્યુલર ઓફિસરને ખાતરી કરાવી આપવી પડે છે કે જે પૈસાનું રોકાણ કર્યું છે એ પૈસા કાયદેસરના મેળવેલા છે. મની લોન્ડરિંગ, ટ્રાફિકિંગ કે ડ્રગ્સના ધંધાના એ પૈસા નથી. આટલું જ નહીં, ઇમિગ્રન્ટ વિઝાના બધા જ અરજદારે એ વાતની પણ ખાતરી કરાવવી પડે છે કે તેઓ કોઈ પણ પ્રકારના ગુનામાં સંડાવાયેલા નથી. એમના દેશમાં હજારો, લાખો, કરોડોનું દેવું કરીને, એમની બેન્કોને ડુબાડીને તેઓ અમેરિકા ભાગી નથી જતા. તેઓ અમેરિકા પહોંચે પછી ત્યાં ‘પબ્લિક ચાર્જ’ નહીં થઈ જાય. અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાનું આ પહેલાં એમણે ઉલ્લંઘન નથી કર્યું.
ઈબી-૫ પ્રોગ્રોમ હેઠળ ઇન્વેસ્ટમૅન્ટ કર્યું, પિટિશન એપ્રૂવ્ડ થઈ એટલે વિઝા મળશે જ એવી કોઈ જ ગૅરન્ટી નથી હોતી. જો કૉન્સ્યુલર ઓફિસરને લાગશે કે તમે તમારી પિટિશનમાં દેખાડેલી વિગતો ખોટી છે, તમે તમારું ‘સોર્સ ઓફ ફંડ’ અને ‘પાથ ઓફ ફંડ’ પુરાવાઓ સહિત દર્શાવી નહીં શકો, ઓફિસરને એવું લાગે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતાં કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, જૂઠાણું આચર્યું છે. ખોટા દસ્તાવેજો રજૂ કર્યા છે અથવા જરૃરી દસ્તાવેજો રજૂ નથી કર્યા તો તેઓ તમારી ઇમિગ્રન્ટ વિઝાની અરજી નકારશે, તમારું એપ્રૂવ્ડ થયેલ પિટિશન ડિએપ્રૂવ્ડ કરવામાં આવે એવું એમના ઇમિગ્રેશન ખાતાને જણાવશે. જો કૉન્સ્યુલર ઓફિસરને તમારી કોઈ બાબત વિશે શંકા જશે તો તેઓ તમારી ઇમિગ્રન્ટ વિઝાની અરજી ઍડ્મિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં મૂકશે અને તમારા વિશે, તમે કરેલા રોકાણ વિશે ઊંડી તપાસ આદરશે.
ઇન્વેસ્ટરો એમનું ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ દાખલ કરવામાં આવેલ પિટિશન એપ્રૂવ્ડ થતાં એવું જ માનવા લાગે છે કે બસ, હવે તો ઇમિગ્રન્ટ વિઝા મળી જ જશે. આવી ગેરમાન્યતાને કારણે તેઓ એમના પિટિશનમાં એમના એટર્નીઓએ શું લખ્યું છે એ વાંચવાની, જોવાની, જાણવાની, તસ્દી નથી લેતા. પિટિશનની જોડે કયા કયા દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા છે એની એમને જાણ નથી હોતી. એમના વતીથી જે સપોર્ટ લેટર મોકલાવ્યો છે એમાં શું લખ્યું છે એનો ખ્યાલ સુદ્ધાં નથી હોતો. મોટા ભાગના ઇન્વેસ્ટરો આ બધા દસ્તાવેજો જોવાની, જાણવાની, તકલીફ જ નથી લેતા.
અમારી જાણમાં એવા કિસ્સાઓ આવ્યા છે જેમાં પિટિશન એપ્રૂવ્ડ થઈ હોય તોયે ઇમિગ્રન્ટ વિઝા આપવામાં નથી આવ્યા. ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની અરજી ઍડ્મિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં મૂકવામાં આવી છે. આમ થવાનું કારણ ફક્ત ને ફક્ત એ જ હોય છે કે અરજદારો ઇમિગ્રન્ટ વિઝાના ઇન્ટરવ્યૂને એક ફોર્માલિટી સમજે છે. ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં તેઓ જરૃરી કાયદાકીય સલાહ નથી મેળવતા. એમની પિટિશન, એની જોડે આપવામાં આવેલ દસ્તાવેજો, એમના એટર્નીએ લખેલ સપોર્ટ લેટર, આ બધામાં શું લખવામાં આવ્યું છે એ જાણવાની તેઓ પરવા નથી કરતા. એવું પણ જોવામાં આવ્યુું છે કે રોકાણકારોએ અમુક અગત્યની બાબતો છુપાવી હોય છે. ખોટી બાતમી આપી હોય છે. ખોટા દસ્તોવેજો રજૂ કર્યા હોય છે. આગલું-પાછલું કંઈ ખોટું કર્યું હોય એ જણાવ્યું નથી હોતું.
ઇબી-૫ પ્રોગ્રામ હેઠળ પિટિશન એપ્રૂવ્ડ થઈ હોય ત્યાર બાદ જ રોકાણકારની ખરી કસોટી થાય છે. ઇન્ટરવ્યૂમાં શું સવાલો પૂછવામાં આવી શકે એની એમને જાણ હોવી જોઈએ. એ સવાલોના કેવા જવાબોની અપેક્ષા રખાતી હોય છે એનો પણ ખ્યાલ હોવો જોઈએ. ઇન્ટરવ્યૂમાં કેવી રીતે વર્તવું જોઈએ, કેવાં કપડાં પહેરીને જવું જોઈએ, કેવા કેવા દસ્તાવેજો સાથે લઈ જવા જોઈએ, એ કેવી રીતે ગોઠવવા જોઈએ, આ સઘળી જાણકારી રોકાણકારે મેળવી લેવી જોઈએ. નહીં તો અધધધ રકમ રોકાણ કરી હોય, ઍડિ્મનિસ્ટ્રેટિવ ફી આપી હોય, એટર્નીની ફી અને ફાઇલિંગ ફી આપી હોય, બે-અઢી વર્ષ સુધી વાટ જોઈ હોય અને અંતે ઇમિગ્રન્ટ વિઝાની અરજી યા તો ઍડ્મિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં મૂકાય અથવા તો નકારાય.
ઈબી-૫ના ઇન્ટરવ્યૂમાં શું-શું સવાલો પૂછવામાં આવી શકે છે? ‘અભિયાન’ની વિઝા-વિમર્શ કોલમમાં આવતા અઠવાડિયે જણાવીશું.——————————-