- પર્યાવરણ – દેવેન્દ્ર જાની
સરકારી સ્તરે સ્વચ્છતા અભિયાન એક ઝુંબેશના સ્વરૃપમાં હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પ્રકૃતિ પ્રેમીઓમાં રંજ એ છે કે કુદરતના સફાઈ કામદાર એવા પક્ષીરાજ ગીધને વિસરાયા છે. આ દુર્લભ પ્રજાતિની વસતી વધે તે માટે થઈને નક્કર પગલાંનો અભાવ જોવા મળી રહ્યો છે.
ગીધની વાત નીકળે એટલે રામાયણકાળ યાદ આવી જાય છે. સીતાજીને બચાવવા લંકાના રાજા રાવણનો સામનો કરીને પોતાની જિંદગીની આહુતિ આપનાર જટાયુનો ઇતિહાસ જાણીતો છે. જટાયુ પક્ષીરાજ ગીધની એક જાતિના હતા. આમ, હજારો વર્ષ જૂની સંસ્કૃતિ સાથે ગીધનો ઇતિહાસ જોડાયેલો છે. સમાજજીવન સાથે ગીધના સંબંધોની વાત કરીએ તો પારસી સમાજમાં એવો રિવાજ છે કે પારસી સમાજમાં કોઈ મૃત્યૃ પામે તો તેમના મૃતદેહને ગીધના હવાલે કરી દેવામાં આવે છે. આમ ગીધ એે માત્ર વાઇલ્ડ લાઇફ માટે જ મહત્ત્વ ધરાવતું પક્ષી નથી, પણ સમાજની સંસ્કૃતિ સાથે તેનો નાતો જોડાયેલો છે. આવા દુર્લભ પ્રજાતિના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને લઈને દેશભરમાં સ્વચ્છતા અભિયાન છેડાયું છે. ગુજરાતમાં પણ એક ઝુંબેશના રૃપમાં કામ થઈ રહ્યું છે ત્યારે પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ એ છે કે કુદરતના સફાઈ કામદાર એવા ગીધના સંવર્ધનનો મુદ્દો જ ભુલાઈ ગયો છે. આ તક છે એ આ મુદ્દે ગંભીરતાથી કોઈ પગલાં લેવાની. કોઈએ આ વિષયને લઈને ચર્ચા પણ છેડી નથી કે દુર્લભ જાતિને બચાવવા સરકારના કોઈ ઠોસ પ્રયાસો નજરે ચડ્યા નથી.
ગુજરાતમાં એશિયાટિક લાયનને બચાવવા માટે કરોડોની યોજનાઓ બને છે, પણ પક્ષીરાજ ગીધને બચાવવામાં પૂરતો રસ લેવામાં આવતો નથી. મૃત પશુઓ જ જેમનો ખોરાક છે તેવા કુદરતી રીતે સ્વચ્છતામાં સાથ આપનાર ગીધની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. શહેરોમાં વધતાં જતાં કોંક્રિટનાં જંગલોથી ગીધ અદ્રશ્ય થઈ ગયાં છે, જ્યારે ગામડાંઓમાં વેરાન જગ્યા પર એક સમયે ગીધ જોવા મળતાં હતાં, પણ હવે તો ગામડાંઓમાં પણ ગીધ જોવા મળતાં નથી. ગીધની વસતી ચિંતાજનક રીતે લગાતાર ઘટી રહી છે.
ગુજરાત વન વિભાગ હેઠળની સંસ્થા ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે ગીધની વસતીની ગણતરી કરવામાં આવે છે. સ્ટેટ વાઇલ્ડ બોર્ડના મેમ્બર અને રાજ્યમાં ગીધની ઘટતી જતી વસતી અંગેનો એક અહેવાલ રાજ્ય સરકારને આપનાર ભૂષણભાઈ પંડ્યા કહે છે, ‘ચિંતા એ છે કે આપણી નજર સામે જ ગીધ નામશેષ થઈ રહ્યાં છે. વર્ષ ર૦૦પમાં જ્યારે રાજ્યમાં ગણતરી કરવામાં આવી ત્યારે ર૬૪૭ની સંખ્યા હતી અને છેલ્લે ર૦૧૬માં જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે માંડ ૯૯૯ની સંખ્યા હતી. આમ, ત્રણ આંકડાની અંદર ગીધની સંખ્યા પહોંચી ગઈ છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજુલા, જાફરાબાદ, મહુવા, વિરમગામ, સુરેન્દ્રનગર અને સુરતના હજીરા વિસ્તારમાં ગીધની વસતી જોવા મળે છે. ગુજરાતમાં દુર્લભ એવા ગીધને બચાવવા માટેનો મુદ્દો થોડા સમય પહેલાં સ્ટેટ વાઇલ્ડ બોર્ડની બેઠકમાં એજન્ડામાં ન હોવા છતાં મેં ઉઠાવ્યો હતો અને બાદમાં આ અંગેનો એક અહેવાલ રાજ્ય સરકારને આપ્યો છે. વર્તમાન સ્થિતિ અને ગીધને બચાવવા શું થઈ શકે તે અંગેનાં સૂચનો કર્યા છે.’
ગુજરાતમાં ભૌગોલિક રીતે ગીધની ઘટતી જતી સંખ્યા પાછળ અનેક કારણો જવાબદાર છે. પશુઓના મૃતદેહો એ ગીધનો મુખ્ય ખોરાક છે. પશુઓને પેઇનકિલર ડાયક્લોફેનાક નામની દવા આપવામાં આવે છે. આ પશુઓનું માંસ ખાવાથી ગીધનાં મોત થાય છે. આ દવા પર હાલ પ્રતિબંધ હોવા છતાં ચોરીછૂપીથી તેનો ઉપયોગ કરાતો હોય છે તે બંધ થવો જોઈએ. આ ઉપરાંત શહેરો ક્રોંકિટનાં જંગલો બની રહ્યાં છે. ગામડાંઓ પણ હવે આધુનિક બની રહ્યાં છે. વેરાન વિસ્તારો રહ્યા નથી. ગીધ ઊંચી જગ્યાઓ પર વસવાટ કરે છે. જંગલો અને પહાડી એરિયામાં ગીધ જોવા મળે છે. કચ્છમાં સૌથી વધુ ગીધની વસતી છે. આ ઉપરાંત જૂનાગઢ – ગિરનાર ગીધની એક અલગ જાતિ જોવા મળે છે. ગીર બચાવવાના કાર્યમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે રાજ્યમાં ગીધની મુખ્ય ચાર જાતિ જોવા મળે છે. તેમાં (૦૧). સફેદ પીઠ ધરાવતું ગીધ (૦ર). ગિરનારી ગીધ (૦૩). રાજ ગીધ ( રેડ હેડેડ) અને (૦૪). ઇજિપ્શિયન ગીધ જોવા મળે છે.
ગુજરાતમાં ભૌગોલિક રીતે ઝોન વાઇઝ ગીધની વસતીના આંકડા જોઈએ તો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૪પ૮, ઉ.ગુજરાત ર૦૩, મધ્ય ગુજરાતમાં ૧પ૭, દ.ગુજરાતમાં ૧૦૯ અને કચ્છમાં ૭ર ગીધ હોવાનું સામે આવ્યું છે. ગિરનારના જંગલમાં ગીધની વસતી વધારે છે. ગીધની વસતીને બચાવવા માટે જૂનાગઢ અને રાજુલા પંથકમાં એનજીઓની મદદથી કંઈક રાહત અનુભવાય તેવું કામ થઈ રહ્યું છે. રાજુલા નજીક ગીધની વસાહતો હજુ બચી છે. ગીધ રપથી ૩૦ ફૂટ ઊંચે રહેતું હોય તેવું પક્ષી છે. આ વિસ્તારમાં નાળિયેરના ઝાડ પર ગીધના માળા જોવા મળે છે. નાળિયેરીના બગીચાઓમાં ગીધનો વસવાટ છે. સફેદ પીઠ ધરાવતા ગીધ આ પંથકમાં વધુ જોવા મળે છે. હાલ સ્વચ્છતા અભિયાન હેઠળ અનેક યોજનાઓ ચાલી રહી છે ત્યારે કુદરતના સફાઈ કામદાર એવી ગીધની વસતી વધારવા સરકાર ગંભીરતાથી પગલાં લે અને કોઈ યોજના જાહેર કરી એક્શન લે તેવી માગણી પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે. હવે જો કોઈ પ્રયાસો કરવામાં નહીં આવે તો આ દુર્લભ જાતિને બચાવવામાં બહુ મોડું થઈ જશે..!
—————————