મનનું રોકાણ આશામાં કરો

મનનું રોકાણ નિરાશામાં કરવા કરતાં આશામાં કરવું વધુ શાણપણભર્યું છે.
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

નેપોલિયન એની જિંદગીનાં છેલ્લાં સાડા પાંચ વર્ષ સેન્ટ હેલેના ટાપુ પર અંગ્રેજોનો બંદીવાન રહ્યો હતો. પ્રથમ બે વર્ષ તો એની તબિયત સારી રહી હતી, પણ પછી એની તબિયત કથળી. એના રોગનું બરાબર નિદાન ના થયું. તેને હોજરીનું કૅન્સર હતું. એનું વજન ખૂબ ઘટી ગયું હતું.

સવારે ઊઠીને એ અરીસામાં પોતાનો ચહેરો જોતો અને બોલી ઊઠતો ઃ ‘પુઅર મી! હું બિચારો! હું ગરીબડો!’

અંગ્રેજોએ સેન્ટ હેલેનાના જે ટાપુ ઉપર નેપોલિયનને બંદીવાન બનાવ્યો હતો તે ટાપુ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં એક ટચૂકડો ટાપુ હતો. તે વખતે તો ઈ.સ. અઢારસો પંદરમાં ટાપુની વસતિ માંડ બે હજારની હતી અને વધારામાં ચૌદસો જેટલા અંગ્રેજ સૈનિકો હતા. આ ટાપુથી નજીકમાં નજીક જમીન ૧૧૪૦ માઈલ દૂર આફ્રિકાનો પશ્ચિમ કાંઠો હતો અને ટાપુથી ફ્રાન્સની ધરતી પાંચ હજાર માઈલ દૂર હતી. નેપોલિયને ટાપુ જોઈને જ કહ્યું હતું કે આ ખરેખર કેદ છે. મારે ઘણી હિંમત અને બળ દાખવવાં પડશે. પત્ની અને પુત્રથી આટલા દૂર નેપોલિયને તેની જિંદગીનાં આ અંતિમ વર્ષોમાં જે મનોબળ દાખવ્યું તે દાદ માગે તેવું છે. વોટરલૂમાં મળેલા પરાજય માટે અને સત્તાના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા પછી તેણે કરેલી ભૂલો માટે તેને કોઈ કોઈ વાર ખેદની લાગણી થતી, પણ તે કદી હતાશ થયો નહીં. આવા એકાંતવાસમાં પણ તે બીજાઓની ફિકર કરતો હતો.

માણસને કોઈ વાર પોતાની જાત પર દયા આવી જાય તે સમજી શકાય છે, પણ પોતાની જાતની દયા ખાવાની આ મનોવૃત્તિને તાબે થવું નહીં જોઈએ. તમારા અંતરમાં જે કરુણાની લાગણી પડી છે તેને તમે તમારી જાત ઉપર ઢોળી દો તો પછી બીજાઓ માટે તમારા હૃદયમાં દયાની ઝાઝી પુરાંત ક્યાંથી બચે? તમારી દયાની લાગણી પોતાનાથી પણ વધુ દુઃખી બીજા મનુષ્યો પરત્વે વળવી જોઈએ અને જે માણસો પોતાની જાતની દયા ખાવાને બદલે પોતાની કરુણાનું ઝરણુ બીજા મનુષ્યો તરફ વાળે છે તેમની સ્વસ્થતા એકંદરે વધે છે. જાત માટે પરમશક્તિની કરુણા માગવી અને પોતાના અંતરની કરુણાને બીજા મનુષ્યો તરફ વાળવી એ જ વધુ તંદુરસ્ત વલણ છે. આથી માણસનું હૈયું હળવું બને છે અને મનોબળ વધે છે.

થોડાંક વર્ષો પહેલાં મુંબઈમાં ૬૫ વર્ષના એક શ્રીમંત વેપારીને લાખો રૃપિયાની ખોટ ગઈ. આર્થિક ધરતીકંપનો એ મોટો આંચકો હતો. આ આઘાતને લીધે પક્ષાઘાતનો હુમલો આવ્યો. પત્ની, પુત્રો અને કુટુંબીઓએ સારવારમાં કંઈ કચાશ રાખી નહીં, પણ ગૃહસ્થનું મન ભાંગી ગયું હતું અને મનમાં ઊંડે ઊંડે એમ થતું હતું કે રમત પૂરી થઈ ગઈ. હવે કશુંક સારું બનવાની આશા રાખવા માટે જગા જ ક્યાં છે? ભાગ્યનો એવો ધક્કો લાગ્યો છે કે હું ખીણની ધાર પર આવી ઊભો છું. હવે બચવાનો-ઉગારનો કોઈ રસ્તો જ ક્યાં છે?

પછી એ ગૃહસ્થે વિચાર્યું કે આ રીતે મનથી હારી જવાનું પરિણામ શું આવશે? મરવાના વાંકે જીવવાનો અર્થ શો? એમણે સંકલ્પ કર્યો કે, ‘આ બીમારીમાંથી શક્ય તેટલે અંશે મુક્ત થઈને ફરીવાર પુત્રોને આગળ કરીને હું ધંધા પર ફરી ધ્યાન આપીશ.’ પક્ષાઘાતની અસરમાંથી આજે એ ઠીક અંશે મુક્ત થયા છે. એક હાથમાં થોડી નબળાઈ અને થોડી નિષ્ક્રિયતા દેખાય છે. ચાલી શકે છે. પોતાનું કામ પણ જાતે કરી શકે છે. ધંધામાં પૂર્વવત્ સ્થિતિ આવી નથી, પણ ઘણાબધા ગૂંચવાડામાંથી બહાર નીકળી ગયા છે અને એકંદરે સ્થિતિ સુધારા પર છે. આજે એમની ઉંમર એંસી વર્ષની છે અને હવે થોડીક જાત્રા કરવાનો મનસૂબો પણ કરી રહ્યા છે. એમણે કહ્યું કે, પથારીમાં પડ્યા પડ્યા જીવવા કરતાં જે કંઈ સ્થિતિ બચી તેને એકઠી કરીને માણસે ઊભા થવાની કોશિશ કરવી જોઈએ અને મેદાન છોડી દેવંુ નહીં જોઈએ.

એક સંબંધીએ હમણાં કહ્યું કે, જિંદગીમાં ઘણી ઊથલપાથલ જોઈ. નિરાશાની ખીણમાં ઊભો રહ્યો છું અને આશાના ડુંગરની ટોચે પણ રહ્યો છું. એક વાત હું પચાસ વર્ષના સંઘર્ષમય જીવનમાંથી શીખ્યો છું કે મનનું રોકાણ નિરાશામાં કરવા કરતાં આશામાં કરવું વધુ શાણપણભર્યું છે. મનને નિરાશામાં રોકવાથી માત્ર નકારાત્મક વિચારો જ ઊભરાયા કરે છે. મનને તમે આશામાં રોકો તો ઓછામાં ઓછું તમારી અંદરનું વાતાવરણ બદલાય છે અને તાજી હવા અને તાજા વિચાર-તરંગોનો અનુભવ પણ થાય છે.

——————————-

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment