મંદીમાં પણ તેજીનો અહેસાસ દોઢ લાખ કરોડની દુર્ગાપૂજા ઇકોનોમી

આ વરસે એક પંડાલમાં ૫૦ કિલોગ્રામ સોનાની નવ દુર્ગાની મૂર્તિ સ્થાપવામાં આવી છે
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

આ વરસે દેશમાં મંદીની હવા ચાલી રહી છે. સરકારનો અને કેટલાક ઉદ્યોજકોનું માનવું છે કે તહેવારોની ખરીદી અને ખર્ચાઓને કારણે સુસ્ત અર્થતંત્રમાં તેજી આવશે. તે અલગ વિષય છે, પણ બંગાળમાં કહેવાય છે કે દુર્ગાપૂજાની ઉજવણીને કોઈ મંદી નડતી નથી. ઉત્સવના દસ-બાર દિવસ અને રાત લોકો બહાર જમે, હરે ફરે અને આનંદ કરે તે ખર્ચ તો ખરો જ! પરંતુ ઉજવણીની તૈયારીઓ ત્રણ ચાર મહિનાઓ અગાઉથી થઈ જતી હોય છે અને મૂર્તિકારો, કલાકારો, કુંભારો ઉત્સવ પૂરો થાય પછીના થોડા દિવસ બાદ આગલા વરસની તૈયારીઓ શરૃ કરી દે. બંગાળના મૂર્તિકારો દેશ-વિદેશમાં જાણીતા છે અને તેઓ બંગાળ બહાર પણ મૂર્તિઓની રચના માટે જતા હોય છે.

ભારતમાં માનસરોગ નિષ્ણાતોની કમી છે, લોકોમાં પણ માનસિક બીમારીઓ બાબતે ખાસ જાગૃતિ નથી. આ સ્થિતિમાં લોકો માનસિક બીમારીઓ જેવી કે હતાશા, ડિપ્રેશન, ચિંતામગ્નતા, ક્રોધ બેચેની વગેરેના ઇલાજ માટે ક્યાં જાય? પશ્ચિમના તબીબી જગતનો આ એક સવાલ હોય છે, તેનો જવાબ ભારતના તબીબો નહીં, પણ સમાજશાસ્ત્રીઓ આપે છે. જવાબ છે કે લોકો મંદિરોમાં જાય, ઉત્સવો અને તહેવારો ઊજવે અને શક્તિનું સાંનિધ્ય અનુભવીને માનસિકપણે સાજા નરવા રહે છે.

કોલકાતા, મુંબઈ, દિલ્હી જેવાં મહાનગરોમાં હાડમારીઓ બેસુમાર છે. ત્યાં મુસીબતોમાં પડેલા માણસો ભીડભંડન મહાદેવ, વિઘ્નહર્તા વિનાયક, દુઃખહર્તા હનુમાન પાસે પહોંચી જાય છે. આ શરણાગતિની કેવી અને કેટલી ચોક્કસ અસર પડે છે તેનો સચોટ વૈજ્ઞાનિક અભ્યાસ ભારતમાં થયો નથી, પણ લોકો ખુશાલી અનુભવતા હશે તો જ દસ દિવસનો ગણપતિ મહોત્સવ, નવમાંથી હવે પંદર દિવસનો થયેલો નવરાત્રિ મહોત્સવ અને બંગાળમાં બાર દિવસનો દુર્ગાપૂજા મહોત્સવ ઊજવતા હશે ને! વળી દિવાળી, જન્માષ્ટમી, હોળી અને મહાશિવરાત્રિની ઉજવણીમાં પણ બેસુમાર ઉત્સાહ જોવા મળે. બીજા નાના મોટા તહેવારો, હોમ-હવન, સત્યનારાયણની પૂજાઓ, ઓનમ, છઠપૂજા વગેરે સતત ચાલતા રહે. માંદા પડવાનો સવાલ જ ક્યાં આવે છે? તામિલનાડુમાં જલ્લીકૂટી અને પંજાબમાં વૈશાખી. બંગાળમાં પણ ખરી. દેશમાં સાદા દિવસો ઝાઝા છે કે તહેવારના દિવસો ઝાઝા છે તે નક્કી કરવા માટે કેલેન્ડર લઈને લાંબો સમય બેસવું પડે.

આ બધામાં કેરળનો ઓનમ, મહારાષ્ટ્ર ગુજરાતનો ગણપતિ ઉત્સવ અને મુંબઈ-ગુજરાતના નવરાત્રિ ઉત્સવની ઉજવણીમાં ખાસ ઝનૂન જોવા મળે છે, પણ એ બધામાં બંગાળનો નવરાત્રિ અને દુર્ગાપૂજા ઉત્સવ સૌથી જોશીલો, સૌથી મોટો, વિવિધતા અને કલાદ્રષ્ટિએ અજોડ અને સૌથી ભવ્ય બની રહે છે. દુર્ગાપૂજા ઉત્સવનું ઝનૂન દર વરસે ૩૫ ટકાની ઝડપે વધી રહ્યું છે. અહીં ખર્ચનો અર્થ ઝનૂન કર્યો છે. આજે બંગાળનો અને ખાસ કરીને કોલકાતાનો દુર્ગા ઉત્સવ દુનિયાનો સૌથી મોટો શેરી ઉત્સવ ગણાય છે. તેની આગળ બ્રાઝિલના રીઓ દ જાનેરો શહેરમાં ફેબ્રુઆરીમાં યોજાતો લગભગ લગભગ નગ્ન યુવતીઓની પેશગી કરતો કાર્નિવલ (ઉત્સવ) પણ હવે ઝાંખો પડવા માંડ્યો છે. બ્રાઝિલના ઉત્સવમાં નગ્નતા, બહેકી બહેકી હવા અને ગ્લેમર વધુ હોય છે તેથી વિદેશના સહેલાણીઓ મોટી સંખ્યામાં તે જોવા પહોંચે છે, પરંતુ ખર્ચ, વિશાળતા અને ભવ્યતાની રીતે દુર્ગાપૂજા ઉત્સવ અજોડ છે. તેનું અંકગણિત અને અર્થશાસ્ત્ર એવડા મોટા છે કે તે ઉત્સવ યોજાતો ન હોય તો બંગાળની કુલ વાર્ષિક આવક (જીડીપી) અથવા ઉત્પાદનમાં દસ ટકા જેટલો ઘટાડો નોંધાય. હજારો લોકો બેકાર બની જાય.

આ વરસે દેશમાં મંદીની હવા ચાલી રહી છે. સરકારનો અને કેટલાક ઉદ્યોજકોનું માનવું છે કે તહેવારોની ખરીદી અને ખર્ચાઓને કારણે સુસ્ત અર્થતંત્રમાં તેજી આવશે. તે અલગ વિષય છે, પણ બંગાળમાં કહેવાય છે કે દુર્ગાપૂજાની ઉજવણીને કોઈ મંદી નડતી નથી. ઉત્સવના દસ-બાર દિવસ અને રાત લોકો બહાર જમે, હરે ફરે અને આનંદ કરે તે ખર્ચ તો ખરો જ! પરંતુ ઉજવણીની તૈયારીઓ ત્રણ ચાર મહિનાઓ અગાઉથી થઈ જતી હોય છે અને મૂર્તિકારો, કલાકારો, કુંભારો ઉત્સવ પૂરો થાય પછીના થોડા દિવસ બાદ આગલા વરસની તૈયારીઓ શરૃ કરી દે. બંગાળના મૂર્તિકારો દેશ-વિદેશમાં જાણીતા છે અને તેઓ બંગાળ બહાર પણ મૂર્તિઓની રચના માટે જતા હોય છે. બંગાળની સ્ત્રીઓને સાડીઓનો અને આભૂષણોનો ખાસ શોખ, નૃત્યકળામાં પણ તેઓ પ્રવીણ.દુર્ગા ઉત્સવમાં સાડીઓ વચ્ચે જાણે કે સ્પર્ધા જામી હોય. કંઠ (અથવા કાંઠા), ઢકાઈ, જમદાની વગેરે સાડીઓની ખરીદી મહિનાઓ અગાઉથી શરૃ થઈ જાય. પંડાલ અને મંડપોનું બાંધકામ પણ લાંબા સમય અગાઉ શરૃ થાય.

બંગાળની નવરાત્રિ અને દુર્ગાપૂજાની આગવી લાક્ષણિકતા છે તે તેના પંડાલો, મૂર્તિઓ અને અલગ અલગ થીમ હોય છે. પંડાલ અથવા મંડપની ભવ્યતા અને વિશાળતા બેનમૂન હોય છે. હજારો પંડાલો ઊભા થાય છે. એક જુઓ અને એક ભૂલો. આ વરસે એક પંડાલમાં ૫૦ કિલોગ્રામ સોનાની નવ દુર્ગાની મૂર્તિ સ્થાપવામાં આવી છે તો બીજો એક પંડાલ અમૃતસરના સુવર્ણ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ જેવો રચવામાં આવ્યો છે. અંદરનું શિલ્પ અને ઝીણવટભરી કારીગરી જોઈને થાય કે બસ માત્ર બાર દિવસ પૂરતો આ સાચો વૈભવ ખડો કરવામાં આવ્યો?

બંગાળની વસતિ દસ કરોડની છે તેમાં સવા સાત કરોડ હિન્દુઓ છે. પણ બંગાળમાં હિન્દુ-મુસ્લિમો સાથે મળીને દુર્ગાપૂજા ઉજવે છે. આ વખતે તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં હિન્દુ રીતિરિવાજ મુજબ સેંથામાં સિંદૂર અને ગજરો નાખીને પૂજામાં આવી હતી અને આરતી પણ કરી. અન્ય મુસ્લિમો ભલે નુસરતની માફક આરતી-પૂજામાં ભાગ લેતા ન હોય તો પણ અન્ય રીતે સાથ સહકાર આપતા હોય છે. દુર્ગાષ્ટમીના દિવસે બંગાળીઓ દુર્ગાનું સ્વરૃપ માનીને કુંવારી કન્યાઓની પૂજા કરતા હોય છે. આ લખાઈ રહ્યું છે ત્યારે કોલકાતાના બાગુઈહાટી ખાતે મૌસમી અને તમલ દત્તાના ઘરમાં ફાતીમા નામની કુમારીની પૂજા કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. મૌસમી દત્તા માને છે કે દુર્ગામાની કોઈ જાતિ, જ્ઞાતિ કે ધર્મ નથી. અમે કુમારી કન્યાની મા તરીકે પૂજા કરીએ છીએ અને માતૃત્વને કોઈ ધર્મ હોતો નથી. હિન્દુ ધર્મ ઉદારતાવાદી ધર્મ છે અને આપણે રૃઢિચુસ્ત બનવું જોઈએ નહીં, પણ બધા મૌસમી અને તમલ દત્તાની માફક વિચારતા નથી.

કોલકાતાના બલિયાઘાટ ખાતેના એક નવદુર્ગા પંડાલ ખાતે, ‘ધર્મનિરપેક્ષ’ ઉજવણી માટે, પંડાલમાંથી આઝાનનું ગાન શરૃ થાય છે. મસ્જિદ પરથી મુલ્લા મુસ્લિમોને નમાઝ પઢવાની યાદ અપાવવા માટે કુરાનની આયાત ગાય છે તે બાંગને આઝાન કહેવામાં આવે છે. બલિયાઘાટના નવદુર્ગા પંડાલનો આ વીડિયો જાહેર થયો પછી સોશિયલ મીડિયામાં વિરોધ ફાટી નીકળ્યો અને મંડળના આયોજકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી. વિરોધીઓએ પંડાલની આ રીતને ‘મુસ્લિમોનું તુષ્ટિકરણ’ અને ‘ધર્મ નિરપેક્ષતા દેખાડવાનો અભરખો ગણાવ્યો અને ટીકા કરી. શાંતનુ સિંઘા નામના એક વકીલે ફુલબાગાન પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી કે પોતાની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. એમણે કુલ દસ જણ સામે ફરિયાદ નોંધાવી છે તેમાં એક તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા પરેશ પૌલ છે. વકીલે આરોપ મૂક્યો છે કે, ‘પરેશ પૌલ રાજ્યમાં શાંતિ અને સ્થિરતાનો ભંગ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને તે માટે પૂજા વખતે તેઓ આઝાનનો એક વીડિયો વગાડે છે. હિન્દુઓની ધાર્મિક માન્યતાઓ અને લાગણીઓને ઈજા પહોંચાડવા માટેની આ એક હેતુપૂર્વકની હરકત છે.’

આયોજકો કહે છે કે, અકારણ વિવાદ પેદા કરવામાં આવી રહ્યો છે. બંગાળ રાજકીય વિચારધારાઓની બાબતમાં ખૂબ સંવેદનશીલ રાજ્ય છે. અથવા કહો કે બંગાળીઓ ખૂબ સંવેદનશીલ છે. લોકોમાં વૈચારિક તકરારો ચાલતી જ હોય. રાજકીય પક્ષો પોતાની રીતે નવદુર્ગા પૂજામાં ફાયદો ઉઠાવવા મથતા હોય છે. હમણા હમણા બંગાળમાં ‘હિન્દુઓ તરફી’ અને ‘મુસ્લિમો તરફી’ એવા બે સ્પષ્ટ જૂથો પડી ગયા છે. રામનામ લેવાના મુદ્દે મમતા ખૂબ વગોવાયાં છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ, નુસરત જહાં વગેરે ધર્મનિરપેક્ષતા જતાવવા પ્રયત્નો કરી રહ્યાં છે, પણ હિન્દુવાદીઓ હમણા વધુ બોલકા થયા છે. મમતા બેનર્જીએ દુર્ગાપૂજા મંડળને સરકાર તરફથી રૃપિયા દસ હજારનું ફંડ મળતું હતું તે આ વરસે વધારીને રૃપિયા ૨૫ હજારનું કરી આપ્યું છે.

સરકારી આંકડા મુજબ બંગાળમાં ૨૮ હજાર જેટલા દુર્ગાપૂજા મંડળો છે અને તેમાંના ચાલીસ ટકા જેટલા કોલકાતામાં છે. વેપારી અને ઔદ્યોગિક મંડળોના આંકડા પ્રમાણે બંગાળમાં દર વરસે નવાં દસ હજાર મંડળો અસ્તિત્વમાં આવે છે. મંડળો સાથે જોડાઈને રાજનેતાઓ, વેપારી કંપનીઓની પ્રોડક્ટ્સ વગેરેને વધુ પ્રસિદ્ધિ મળે. આઝાનને કારણે વિવાદમાં આવેલા બલિયાઘાટના મંડળે આ વરસે ‘અમારા એક, એકા નોયે’ થીમ રાખી છે. આમ તો આ તૃણમૂલ કોંગ્રેસની થીમ છે જેનો અર્થ થાય છે, ‘અમે એક છીએ, એકલા નથી.’ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી મમતા બેનરજીએ સંખ્યાબંધ પંડાલોનાં ઉદ્ઘાટનો કર્યાં હતાં અને ભાજપના સ્થાનિક રાષ્ટ્રીય નેતાઓ મમતાના ઉદ્ઘાટનોના સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓ મમતાના ઉદ્ઘાટનોના આંકડાને વળોટી જવાનો ઇરાદો ધરાવતા હતા. અમિત શાહે કહ્યું કે, બંગાળમાં ધાર્મિક આઝાદી માટે ભાજપને મત આપવો જરૃરી છે. ટૂંકમાં દરેક પક્ષો પૂજાને પ્રજા સુધી પહોંચવા માટેનું માધ્યમ બનાવે છે.

પૂજા મંડળો અને વેપારી પેઢીઓ અને કંપનીઓ પણ માતાની પૂજાનું ફળ મેળવે છે. કોલકાતાના સંતોષ મિત્રા ચોક ખાતેનો પંડાલ દર વરસે ભવ્ય અને આકર્ષક રીતે સજાવવામાં આવે છે. પ્રથમ દસ પંડાલોમાં તેની ગણતરી થાય છે. આ વરસે ત્યાં ૫૦ કિલો સોનામાંથી તૈયાર કરેલી માતાજીની મૂર્તિ બેસાડવામાં આવી છે. સંતોષ મિત્રા ચોક સાર્વજનિક દુર્ગોત્સવ સમિતિ છેલ્લાં ૮૪ વરસથી અહીં દુર્ગા ઉત્સવનું આયોજન કરે છે. આ વરસે આ મૂર્તિનું પાણીમાં વિસર્જન થશે નહીં, પરંતુ તેને દર વરસે ત્યાં જ રાખવામાં આવશે, સમગ્ર પંડાલને એવી રીતે સજાવાયો છે કે એક શિશ મહેલ લાગે. કાચના દસ હજાર ટુકડાઓ શિશ મહેલમાં જડવામાં આવ્યા છે અને જ્યારે દીવડાંઓની રોશની પ્રગટે ત્યારે સમગ્ર પંડાલ ઝળહળી ઊઠે છે. સોનાની પ્રતિમા તૈયાર કરવા માટે ૨૫૦ કારીગરોને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. ગયા વરસે આ પંડાલમાં માતાજી ચાંદીના રથમાં પસાર થઈને પદ્યાર્યાં હતાં. તે અગાઉ ૨૦૧૮માં માતાજીને ૨૨ કેરેટના ૨૨ કિલોગ્રામ સોનામાંથી બનાવેલી સાડી પહેરાવવામાં આવી હતી. હાલમાં જે મૂર્તિ પધરાવવામાં આવી તે માટે અઢાર કરોડ રૃપિયાનું સોનું વપરાયું છે જે એક સ્થાનિક જ્વેલર કંપની દ્વારા બાર્ટર સિસ્ટમ મુજબ અપાયું છે.

દુર્ગાપૂજાની ઉજવણીની શરૃઆત સૌ પ્રથમ પંદરમી સદીમાં બંગાળના માલ્દા અને દીનાજપુર વિસ્તારમાં જમીનદાર અને ભદ્ર લોકોએ કરી હતી. ત્યાર બાદ આ વિસ્તારોમાં ધર્મપરિવર્તન મોટા પાયે થયું અને આ વિસ્તારો આજે બંગાળના મુસ્લિમ બાહુલ્ય ધરાવતા જિલ્લાઓ છે. નવરાત્રિમાં નવ દેવીઓની પૂજા થાય છે, પણ દુર્ગા પૂજા વિશેષ રૃપે થાય છે. દુર્ગા એ પાર્વતીનું બીજું સ્વરૃપ માનવામાં આવે છે. દુર્ગ એટલે અભેદ્ય, અજેય શબ્દ પરથી દુર્ગા નામ આવે છે. હિન્દુ ધર્મગ્રંથો મુજબ મહિષાસુર નામના રાક્ષસને મારવા દેવતાઓએ એક બનીને સ્ત્રી શક્તિને જન્મ આપ્યો જેમાં એ તમામ દેવતાઓની અખૂટ શક્તિ ભરેલી છે. દેવતાઓએ એ શક્તિને અપરાજિત, અજેય રહેવાના આશીર્વાદ આપ્યા હતા.

દુર્ગોત્સવની ઉજવણી કુલ દસ દિવસ થાય છે, પણ ઉત્સવ અને ધામધૂમની ખરી શરૃઆત ષષ્ઠી અથવા છઠ્ઠા દિવસથી થાય છે. પ્રથમ દિવસે મહાલયની વિધિ થાય છે જે આ વરસે ૨૮ સપ્ટેમ્બરે થઈ હતી. મંત્રો અને વિધિઓ સાથે દેવીને પૃથ્વી પર પધારવાનું આહ્વાન (આમંત્રણ) અપાય છે. પ્રથમ નોરતું શરૃ થાય તે અગાઉથી જ દેવીની મૂર્તિ અને પંડાલ તમામ સાજોશણગાર સાથે તૈયાર રખાય છે. માત્ર દેવીની પ્રતિમા પર આંખોનું ચિત્રણ કરવાનું બાકી રખાય છે. પ્રથમ દિવસે આહ્વાન અપાય ત્યારે દેવી દુર્ગા કૈલાસમાંથી નીકળી પૃથ્વી તરફ પ્રયાણ કરે છે. ષષ્ઠીના દિવસે મંત્રો અને વિધિઓ સાથે કલાકારો દ્વારા પ્રતિમા પર આંખોનું ચિત્રણ થાય છે. આ વિધિને બંગાળીમાં ‘ચોખ્ખું દાન’ કહે છે. વિધિ ચાલુ થાય ત્યારે માતાજી પૃથ્વી પર પધારે છે તેમ મનાય છે. દેવીઓની મૂર્તિઓ મુખ્યત્વે કોલકાતાના ‘કુંભારતુલી’ વિસ્તારમાં ઘડવામાં આવે છે. ચોખ્ખું દાનને તમે પ્રાણપ્રતિષ્ઠા કહી શકો, પણ સાતમીના દિવસે એક કેળના છોડને નદીના કિનારે લઈ જવામાં આવે, તેને સ્નાન કરાવી, ચૂંદડી અને વસ્ત્રો પહેરાવી પંડાલમાં કે ઘરે લઈ આવવામાં આવે તે વિધિને પણ પ્રાણપ્રતિષ્ઠા કહે છે. દેવીની મૂર્તિ સાથે એમના પુત્રો ગણેશ અને કાર્તિકેયની પ્રમાણમાં નાની મૂર્તિઓ અચૂક રખાય છે. દશમી સુધી પંડાલોમાં નૃત્યો, ભજનો અને બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે. આ વરસે મહાલય અથવા પ્રથમ દિવસ ૨૮ સપ્ટેમ્બરે હતો, ષષ્ઠી ચાર ઑક્ટોબરે અને દશમી આઠ ઑક્ટોબરે હતી. દશમીના દિવસે મુંબઈમાં જે રીતે ગણપતિનું વિસર્જન થાય છે તે રીતે કોલકાતામાં નાચગાન સાથે દેવીનું વિસર્જન મૂર્તિને પાણીમાં પધરાવીને થાય છે. કોલકાતામાં ઇડન ગાર્ડન નજીક હુગલી નદીના બાબુઘાટ ખાતે મુખ્યત્વે વિસર્જન થાય. વિસર્જનના દિવસને દશમી અથવા વિજયાદશમી તરીકે ઓળખાવાય. એ દિવસે મહિષાસુર દમન બાદ દેવી કૈલાસ તરફ રવાના થાય છે. પરણેલી સ્ત્રીઓ દેવીના કપાળ અને માથા પર અને એક બીજી સ્ત્રીઓના સેંથામાં સિંદૂર પૂરે છે અને દેવીને રજા આપે છે. સિંદૂરને લગ્ન અને સંતાનમય જીવનનું પ્રતીક માનવામાં આવે છે.

બંગાળ તેની વિધવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ માટે જાણીતું છે. ઘણા પંડાલોમાં મફત ભોજનની વ્યવસ્થા થાય છે. મીઠાઈઓની વ્યાપક લહાણી થાય. દરેક પંડાલમાં ભોગ અથવા પ્રસાદ તરીકે મીઠાઈની વહેંચણી સતત ચાલતી હોય. રાજમાર્ગો પર જમવા માટેના અનેક સ્ટોલ્સ ઊભા કરાય. પંડાલો અને માર્ગો રંગબેરંગી રોશનીમાં નાહી ઊઠે. દુર્ગાપૂજા આસામ, ત્રિપુરા, ઓડિશા, બાંગ્લાદેશ અને નેપાળમાં પણ યોજાય છે. આ વરસે તેલંગાણાના હૈદરાબાદમાં ત્રણ કરોડ, ૩૩ લાખ, ૩૩ હજાર અને ૩૩૩ રૃપિયાની નોટોમાંથી તેલંગાણામાં પંડાલ રચાયા છે. રૃપિયાની નોટો કરતાં તેની જે ખંતપૂર્વકની સજાવટ છે તે નયનરમ્ય છે. બંગાળીઓ દેશ અને દુનિયામાં અનેક જગ્યાએ જઈને વસ્યા છે. અમેરિકા અને યુરોપમાં તેઓની મોટી વસતિ છે. તેઓ બંગાળીઓ અને અન્ય ચીની અને ગોરી પ્રજા દુર્ગોત્સવ માણવા કોલકાતા અને બંગાળમાં મોટી સંખ્યામાં આવે છે. જે ઉત્સવો ઐતિહાસિક ધરોહર સમાન છે તેની જાળવણી અને રક્ષા કરવાનું કાર્ય અને ફરજ યુનેસ્કો દ્વારા નિભાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા બંગાળ અને કોલકાતાની દુર્ગાપૂજાને સત્તાવાર રીતે સરકાર દ્વારા નોમિનેટ કરાઈ છે. ચીનના યાત્રીઓની સંખ્યા દર વરસે મોટી સંખ્યામાં વધી રહી છે. વિદેશથી દુર્ગાપૂજા નિહાળવા આવતા યાત્રીઓમાં ચીનના લોકો ગયા વરસે બીજા ક્રમે હતા. ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, કેનેડા, સિંગાપુર, થાઈલેન્ડ અને બર્માથી પણ ખૂબ યાત્રીઓ આવે છે. પશ્ચિમ બંગાળની સરકાર હવે વિસર્જનના દિવસને વધુ સુચારું, વધુ ઓર્ગેનાઈઝ્ડ બનાવવા માગે છે. રીઓ દ જાનેરોના કાર્નિવલની લાઈન પર વિકસાવવા માગે છે જેમાં મૂર્તિ વિસર્જન દ્વાદશમી (બારસ)ના દિવસે થાય અને દુનિયાના પ્રવાસીઓ તેમાં મોટી સંખ્યામાં જોડાય. તેનાથી બંગાળની ઇકોનોમી અને રોજગારને બળ મળશે.

દુર્ગાપૂજાની ઇકોનોમી બાબતે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. દેશમાં ઉદ્યોગધંધાઓ માટેની પ્રતિષ્ઠિત સંસ્થા ‘એસોસીએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઈન ઇન્ડિયા (એસોશામ) દ્વારા વરસ ૨૦૧૩માં પશ્ચિમ બંગાળ અને દુર્ગાપૂજા બાબતમાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તે મુજબ ૨૦૧૩ના અગાઉના વરસમાં દુર્ગાપૂજામાં રૃપિયા ૨૫ હજાર કરોડની ખરીદીઓ અને ખર્ચ થયા હતા. અહેવાલ મુજબ આ ખર્ચનું પ્રમાણ દર વરસે ૩૫ ટકાના દરથી વધી રહ્યું છે. અહેવાલમાં ૨૦૧૫માં રૃપિયા ચાલીસ હજાર કરોડના વહેવારો દુર્ગાપૂજા નિમિત્તે થશે તેવો અંદાજ હતો. રિપોર્ટ પ્રમાણે ગણતરી માંડીએ તો પૂજાની ઇકોનોમી વરસ ૨૦૧૮માં રૃપિયા એક લાખ બાર હજાર કરોડ પર અને વરસ ૨૦૧૯માં રૃપિયા દોઢ લાખ કરોડ પર પહોંચવાની ધારણા હતી. પશ્ચિમ બંગાળની વર્તમાન જીડીપી દસ લાખ વીસ હજાર કરોડ રૃપિયા છે તે હિસાબે દુર્ગા ઉત્સવનો જીડીપીમાં કુલ ફાળો દસ ટકાથી વધુ થવા જાય છે. ગુજરાત સરકારે નવરાત્રિ અને દિવાળીની બાબતમાં આવો એક વર્તમાન રિપોર્ટ તૈયાર કરાવવો જોઈએ. ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અતનું વિશ્વાસના કહેવા મુજબ દુર્ગોત્સવની બંગાળના અર્થતંત્ર પર ખૂબ મોટી અસર છે. દુનિયાના કોઈ પણ સમાજના તહેવારોની એ સમાજના અર્થતંત્ર પર જે અસર પડે છે તેમાં સૌથી વધુ પૂજા ઉત્સવની બંગાળના અર્થતંત્ર પર પડે છે. ઉત્સવ સાથે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ સંકળાયેલી છે અને એ પ્રવૃત્તિઓ વરસભર ચાલતી રહેતી હોવાને કારણે અર્થતંત્ર પર પ્રચંડ સારી અસર પડે છે. ધાર્મિક જનો કહેશે કે શક્તિને પૂજવાથી આ લાભ થાય છે.

એસોશામના એ રિપોર્ટમાં એક મહત્ત્વની નોંધ લેવામાં આવી હતી. રૃપિયાની કિંમત ઘટતી હતી. ફુગાવો વધી રહ્યો હતો ત્યારે પણ મોટા ઉદ્યોગો દુર્ગાપૂજાના દિવસોમાં મોટો નફો રળવાનું લક્ષ્યાંક ધરાવતા હતા, કારણ કે તેઓને નફો થશે તેવી ખાતરી હતી. જોકે આ વખતે મંદીની અસર દેખાઈ હતી. સાચી સ્થિતિ તો જ્યારે આખરી ગણિત મંડાય ત્યારે જાણવા મળશે. ધ ઓગીલ્વી ગ્રૂપ, ઇન્ડિયાની એક કંપનીમાં કામ કરતા સુમંત ચટ્ટોપાધ્યાય કહે છે કે, ‘દુર્ગાપૂજા એ દુનિયાનો સૌથી મોટો સ્ટ્રીટ ફેસ્ટિવલ છે જેમાં સમગ્ર રાજ્યની જનતા, રાજ્ય સરકાર, કંપનીઓ અને કોર્પોરેશનો સમગ્ર જોર લાગવે છે તેથી તેની વિશાળતા અત્યંત વધી છે. આ વરસની પૂજા પતે ત્યાં આવતા વરસની તૈયારીઓ શરૃ થઈ જાય છે. મનોરંજન, સાંસ્કૃતિક, કલા જગત, શોપિંગ, ફૂડ અને ડ્રિન્કસના ઉદ્યોગ પર તેની મોટી અસર પડે છે.

‘દુર્ગાપૂજા અને અર્થતંત્રનો સંબંધ શોધવાના પ્રયત્નો ઘણા વરસોથી થઈ રહ્યા છે. છેક ૧૯૫૪માં ‘ધી ઇકોનોમિક એન્ડ પોલિટિક્લ વીકલી’માં લેખ છપાયો હતો તેમાં નોંધવામાં આવ્યું હતું કે દુર્ગાપૂજાની ખરીદીના આધારે લોકોની આવકનો નિષ્કર્ષ મેળવી શકાય છે. આ એક શ્રેષ્ઠ સૂચકાંક છે.’ પશ્ચિમ બંગાળમાં કામ કરતા લોકોને વાર્ષિક બોનસ પૂજાના થોડા દિવસ અગાઉ જ ચૂકવવામાં આવે છે. ગુજરાતમાં જેમ દિવાળી અંકો છપાતા હતા અને હજી પણ છપાય છે તેમ બંગાળમાં દુર્ગાપૂજા નિમિત્તે ખાસ અંકો પ્રકાશિત થતા. જાહેરખબરો અને સાહિત્યથી ભરપૂર. હવે તેનું સ્વરૃપ બદલાયું છે. આજના ઇ-કોમર્સના યુગમાં શોપિંગની માત્રા ખૂબ વધી છે. મૅગેઝિનો પણ ડિજિટલ સ્વરૃપમાં બહાર પડે છે અને નેટના માધ્યમથી દુનિયાભરના બંગાળીઓને પહોંચે છે.

જે બ્રાન્ડ અને પ્રોડક્ટ્સ બંગાળી પૂજા સાથે લાંબો નાતો બાંધવા માગતી હોય તેને દુર્ગાપૂજા મહોત્સવની અવગણના કરવાનું પાલવે નહીં. ગ્રાહકોને જીતવા માટે મહોત્સવમાં તો જોડાવું જ પડે. ઘણી કંપનીઓ અને ખાસ કરીને નવી કંપનીઓ તો પૂજાના દિવસોમાં જ પબ્લિસિટી કરે, જેનાથી જૂના ગ્રાહકો સાથે સંબંધ બંધાઈ રહે અને નવા ગ્રાહકો પણ મળે. જેમ કે ‘શોપર્સ સ્ટોપ’ સ્ટોર્સ ચેઈન દ્વારા સ્ત્રીઓને ઉદ્દેશીને એડ કેમ્પેઈન ચલાવવામાં આવ્યો કે, ‘જાગો, તમે જાગો.’ દુર્ગાપૂજામાં સ્ત્રી શક્તિનું માહાત્મ્ય છે અને સ્ત્રી શક્તિને જાગવાનું આહ્વાન અપાયું તેમાં તહેવાર સાથે જોડાઈને સંદેશો અપાયો છે. બીજી અનેક કંપનીઓએ અનેકવિધ કેમ્પેનો આદર્યા હતા, તેમાં મુખ્ય વિષય વસ્તુ દુર્ગાપૂજા અને શક્તિની આરાધના જ હતી. એક ધારણા છે કે લોકોએ આ વરસે પણ જ્વેલરી, કપડાં અને બીજી ચીજવસ્તુઓ મન મૂકીને ખરીદી છે. મંદીની ખાસ અસર જણાઈ નથી. છેલ્લાં થોડાં વરસોથી જાયન્ટ મલ્ટિનેશનલ કંપનીઓ જેવી કે કોક, પેપ્સી, ઓપો, વિવો, સેમસંગ બંગાળના ગ્રાહકોનું ધ્યાન ખેંચવા મોટી રકમો વાપરી રહી છે. ડયુરેબલ્સ કન્ઝ્યુમર્સ ગૂડસની કંપનીઓને આ એક સારી તક મળે છે. ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન માટે આ સારી તક છે. કંપની સાથે મળીને પૂજા પંડાલોને ખાસ આગવી ઢબે શણગારવાની સ્પર્ધાઓ વધી છે. પૂજાના દિવસથી દિવાળી સુધી કંપનીઓ માટે આ બોનાન્ઝા પિરિયડ છે. અખબારો, હોર્ડિંગ્સ, ટીવીમાં જાહેરખબરો છવાઈ જાય છે. બીજા ડિજિટલ માધ્યમો પણ ખરાં. કંપનીઓ પંડાલ અને પૂજાની ઘણી આઇટમો અને વિધિઓ સ્પોન્સર કરે. પ્રસાદ અથવા ભોગ પણ તેમાં આવી જાય. કોર્પોરેટ સ્પોન્સરશિપને કારણે પંડાલોની ભવ્યતા અને વિશાળતા વરસોવરસ વધતી ચાલી છે. હવે આયોજકોએ સ્થાનિક લોકોના ફંડફાળા પર ખાસ મદાર રાખવો પડતો નથી. એક એક પંડાલ લાખો અને કરોડો રૃપિયાના ખર્ચે નિર્માણ થવા માંડ્યા છે. આઉટડોર ઍડ્વર્ટાઇઝિંગ અને કોર્પોરેટ ફન્ડિંગમાંથી ખર્ચની ૯૦ ટકા રકમ મળી રહે છે. એક એક પંડાલમાં રોજના બેથી ત્રણ લાખ લોકો દર્શને આવે છે તેથી નાની મોટી તમામ કંપનીઓને તેઓનું ધ્યાન ખેંચવા માટેની તક મળી રહે છે.

કોલકાતા તેની ગીચતા, અવ્યવસ્થા અને પ્રદૂષણને કારણે પ્રવાસીઓનું માનીતું રહ્યું નથી. ભારતમાં ગોવા, કેરળ, રાજસ્થાન, આગ્રા અને દિલ્હી ટૂરિસ્ટો માટેનાં માનીતાં સ્થળો ગણાય છે, પરંતુ દુનિયાનો સૌથી મોટો શેરી ઉત્સવ ઊજવાતો હોવા છતાં વિદેશી મુસાફરો આવવા જોઈએ એવી મોટી સંખ્યામાં આવતા નથી. બંગાળીઓ કાર્લ માર્કસને ત્યજીને (જે સારી બાબત તો નથી) ટ્રેડ માર્કસને અપનાવતા થશે ત્યારથી ટૂરિઝમ પણ વધશે અને શક્તિનું સ્વરૃપ વધુ ફળશે.
————————

કવર સ્ચોરીદુર્ગા પૂજાવિનોદ પંડ્યા
Comments (0)
Add Comment