યુદ્ધ, શાંતિ ‘ને સમૃદ્ધિનાં અરબી માતાજી

ઇલાત કે ઈલાટ તરીકે એ દેવી જૂના યુહૂદીના મુખ્ય ભગવાન ઇલાનાં પત્ની. યસ, ઇલા ત્યાં પુરુષનું નામ હતું. તેમની મૂર્તિમાં આખલો 'ને સિંહ મુખ્ય. ઇલાયચી શબ્દના મૂળમાં જે ઇલ છે તેનો એક અર્થ સંસ્કૃત મુજબ ઇડા યાને ચંદ્ર નાડી થાય છે.
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

ઈસુ ઘણા પછી આવ્યા અને એ પછી મહમદ આવ્યા
બધું કાયમ ઈશ્વરનું તો માતાજી લોકો ક્યાંથી લાવ્યાં

માતા પ્રથમ કે સંતાન? આ સવાલ હવે નવરાત્રિ ક્યારે આવશે કે મરઘી ‘ને ઈંડુંમાં પહેલું કોણ જેવો જટિલ નથી ભાસતો. મરઘી ‘ને ઈંડું એ બે શબ્દમાં વૃક્ષ ‘ને બીજ કે ફળ જેવા બે પૂરક વડે રચાયેલું સપાટ સાદૃશ્યતા ભરેલું સાદું ચક્ર છે. સવાલમાં મરઘો નથી. સ્ત્રી પહેલાં કે સંતાન પહેલાં એમ પૂછતાં મુદ્દો બીજા સવાલ પર જતો રહે કે પુરુષ ‘ને સ્ત્રી બંને વિના સંતાન કેવી રીતે થાય? માતા શબ્દ જોડીનો એ ભાગ સૂચવે છે જે જોડીના અન્ય ભાગ વડે ગર્ભ ધારણ કરે છે ‘ને નવજાતને જન્મ આપે છે. ધ લેફ્ટ હેન્ડ ઓફ ડાર્કનેસ નામની છેક ‘૬૯માં આવેલી નોવેલમાં વ્યક્તિઓને લિંગના આધારે અલગ નથી ગણવામાં આવતાં ‘ને પુરુષ તેમ જ સ્ત્રી બંને સમાન રીતે ગર્ભવાન બની શકે છે. એ વાર્તા હતી. ‘૮૬ની સાયન્સ ફિક્શન ઇથન ઓફ એથોઝ એવી દુનિયા બતાવે છે જેમાં ફક્ત પુરુષો જ હોય છે ‘ને એ પ્રેગ્નન્ટ થાય છે. એ વાર્તા હતી. સાચુકલી જીવસૃષ્ટિમાં પાઇપફિશ, સીહોર્સ ‘ને લિફી સીડ્રેગોન જેવા સિંગાથીડાએ ફેમિલીના દરિયાઈ મત્સ્ય જીવોમાં એક વાર ગર્ભ બની જાય એટલે નર તેનો ઉછેર વા સંભાળ રાખે છે. એમ તો સંસારમાં એકલા હાથે પુરુષે કે પિતાએ બાળકનું જતન કર્યું હોય તેવું બને છે, પરંતુ માતા જેવું ‘ને માતા, એ બંને વચ્ચે સ્પષ્ટ ‘ને સુદીર્ઘ અંતર રહી જાય.

કુદરતની વ્યવસ્થા જ એવી છે કે માતા એ પિતા કરતાં માત્ર અલગ નહીં, અનન્ય રીતે ઉચ્ચતા ધરાવે. બચ્ચું ગાયનું હોય કે સિંહ યા હાથીનું, માતા સમીપ જ શ્વાસ લે. લાખોના લાખો વર્ષથી મનુષ્ય નામનું શિંગડા જેવી બેઝિક તાકાત વગરનું સાધારણ પ્રાણી ડાયનોસોર જેવા મહાજંગલીઓની યુદ્ધખોરીની વચ્ચે ‘ને અંદરોઅંદરની લડાઈમાં સર્વાઇવ થઈ આગળ વધી શક્યું તેનું એક અસાધારણ કારણ છે માતાની મમતા. મનુષ્યના રોલમાં જેમ જીવ ઉત્કૃષ્ટતા પામ્યો તેમ માતાની મમતા મનુષ્યના દેહમાં ભૂલોકમાં અવ્વલ દરજ્જે પહોંચી. મમતા શબ્દનો સીધો અર્થ થાય મારા પણુ. સર્જક પોતાના સર્જનને પોતાના જેટલું જ મહત્ત્વ સ્વભાવગત આપે છે. ભગવદ્ગીતા કૌરવ પિતા મામકાથી શરૃ કરે છે ‘ને ઈશ્વર તરીકે કૃષ્ણ મામૈકમથી પૂર્ણવિરામ મૂકે છે. મહારાષ્ટ્રના ઘણા સમજુ ભક્તો કૃષ્ણને માતા તરીકે જુએ છે, ઠાઈ ઠાઈ માઝી વિઠાઈ. હિન્દી ફિલ્મનો હીરો હોય કે વિશ્વ ભરના પેગંબરો વા સંતો, પોતાની માતા પ્રત્યે વિશેષ આદર ધરાવતાં હોવાનું આપણે જાણ્યું છે. સામાન્યતઃ પુખ્ત થયેલ મનુષ્યને એ સમજાવવું ના પડે કે માતાનું સ્થાન સદૈવ સ્પેશિયલ સલામી આપવા યોગ્ય છે, ચમત્કાર વડે પણ રિપ્લેસ ના થઈ શકે તેમ છે.

મનનાત ત્રાયતે ઇતિ મન્ત્રહ. મનની જગ્યાએ મમનું જે ત્રાયમાણ કરે તે માતૃ. ત્રાયતે એટલે સુરક્ષિત કે જીવંત રાખવું, બગડવા ન દેવું, જાળવવું. ત્ર સાથે ત્રિગુણ, ત્રિદોષ ‘ને ત્રિવિધ તાપ સંકળાયેલા. ત્રિદેવનું માતા સામે શું થયેલું એ અનસૂયા માતાની વાત વડે ઘણા જાણે છે, પ્રથમ ગુરુ દત્તાત્રેય માતાને કારણે જન્મ્યા. બીજા બધા વગડાના વા કહેવા કદાચ ઘણા તૈયાર ના હોય, પણ મા તે મા એ આદિમાનવનેય ભાન હશે જ એમાં કોઈ સંશય નથી અને જો વાત સામાજિક પ્રકારના મનુષ્યની હોય તો તો આપણે ખાતરી સાથે કહી શકીએ કે દુનિયાના કોઈ ખૂણાનો સમાજ માતાપ્રેમી ના હોય એવું શક્ય નથી અને એમાંય જો વાત સંસ્કૃતિ ‘ને ધર્મ પર આવે તો શું એ શક્ય છે કે જગતનો કોઈ માનવ સમુદાય એવો હોય જેમાં મૂળે માતૃશક્તિની વંદના ના થઈ હોય? ઉત્ક્રાંતિ પામેલો સમજુ ‘ને ઠરેલો મનુષ્ય અન્ન, શસ્ત્ર કે ચલણ જેવી સત્તાના મોહમાં જકડાયેલો એ પહેલાં પ્રકૃતિ સાથે ઘણો ઘણો ઘણો તાલમેલ ધરાવતો હતો. એ સત્તા કહો કે બળ, આવડત ‘ને સંપન્નતા જેવા પરિબળને બહુ બહુ તો ઊર્જા ગણતો, શક્તિ નહીં. નિસર્ગને માતા તરીકે જોવાનો વારસો વિશ્વની બહુમત સિવિલાઇઝેશન આપીને ગઈ છે. ઇસ્લામ ધર્મના જન્મ પહેલાં જે-તે વિસ્તારમાં પણ માતૃશક્તિનો મહિમા થતો.

અરબી શબ્દ અલ્લાહ ‘ને પર્શિયન કે ઈરાની શબ્દ ખુદા મૂળે અલિંગી છે. હા, વ્યવહારમાં લોકો પુલ્લિંગ બનાવી દે છે તે ખરું. ઇસ્લામ ગોડને નિરાકાર માને છે. કિન્તુ ઇસ્લામના આગમન પહેલાં અરબી વિસ્તારોમાં આકારનું મહત્ત્વ હતું. એ દૈવી આકારમાં અલ્લાત દેવી માતાજીઓમાં મુખ્ય હતી જે અલ્લાતુ, અલીલાત કે ઇલાત તરીકે પણ ઓળખાય છે. સ્વાભાવિક છે કે એ દેવીના નામમાં અલ્લા ‘ને ઇલા શબ્દ એમ જ નહીં હોય. આ એ જ દેવી છે જે અબ્રાહમ ઉર્ફે ઇબ્રાહીમના પ્રાગટ્ય પહેલાં મૂળ યહૂદીઓમાં અશેરાહ કે અથીરાત તરીકે જાણીતી માતૃત્વ ‘ને સાગરની દેવી હતી જે અશ્રતુમ, અસેર્દું કે અસેર્તુ તરીકે પણ જાણીતી હતી. યહૂદીઓની આ દેવીના નામમાં ઋગ્વેદમાં દેવ તરીકે વપરાયેલા શબ્દ અસુરની છાંટ છે. અહીં એય યાદ આવે કે મૂળ પારસી વા ઈરાની એમના ઈશ્વરને ખોદા કહે જે પાછળથી અહુરા મઝદા તરીકે સંબોધન પામ્યા છે. અલ્લાટ પ્રાચીન ગ્રીસની ચતુરાઈ, હસ્તકળા ‘ને યુદ્ધ અંગેની દેવી એથના ‘ને એ બાબતોની રોમન દેવી મિનર્વા સાથે બહુ જ સામ્યતા ધરાવે છે. એ જમાનામાં અન્ય બે દેવી અલઉઝઝા ‘ને મનાત સાથે અલ્લાતનું ત્રિદેવી સ્વરૃપ પૂજવામાં આવતું.

ઇલાત કે ઈલાટ તરીકે એ દેવી જૂના યુહૂદીના મુખ્ય ભગવાન ઇલાનાં પત્ની. યસ, ઇલા ત્યાં પુરુષનું નામ હતું. તેમની મૂર્તિમાં આખલો ‘ને સિંહ મુખ્ય. ઇલાયચી શબ્દના મૂળમાં જે ઇલ છે તેનો એક અર્થ સંસ્કૃત મુજબ ઇડા યાને ચંદ્ર નાડી થાય છે. હા, એ અરબી પ્રદેશોના ધર્મ કહો કે સંસ્કૃતિ પર ચંદ્રનો પ્રભાવ હતો. ઋગ્વેદના સાતમા મંડળના બીજા સૂક્તના આઠમા શ્લોકમાં ઇલા શબ્દ છે જેનો અર્થ ઘણા માતૃભૂમિ કાઢે છે, તમિલ લોકો જેને ઇલમ કહે છે તે શબ્દ આ ઋગ્વેદી ઇલા પરથી જ આવેલ છે. ઇલા એટલે પ્રથમ પુરુષ મનુની પુત્રી થાય. ઇલા-સૂક્ત પણ છે. હોમરના પ્રાચીન ગ્રીક મહાકાવ્ય ઇલિયાડમાં ઇલા વંશની વાત છે. એલાઇજા, એલિઆઝ કે ઇલિયાઝ કરીને એક પેગંબર પણ થઈ ગયા. મેસોપોટેમિઅન દેવી એરેશકિગલ ‘ને સુમેરિઅન દેવી ઇર્કલ્લા બંને અલ્લાતુમથી પણ ઓળખાતાં. એ અને આ અલ્લાત એટલે એક જ માતાજી.

શુક્ર ગ્રહ સાથે સંબંધિત પ્રેમ, સૌંદર્ય, રાગ ‘ને પ્રજોત્પત્તિ સાથે સંકળાયેલી દેવી એફ્રોડાઇટ જેના પરથી એફ્રિડિઝિએક અર્થાત્ કામોદ્દીપક શબ્દ આવેલ છે તે અને અલ્લાત સમકક્ષ કહેવાય એવું ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસ ખ્રિસ્ત અગાઉ પાંચમી સદીમાં લખી ગયા છે. એસિરિઅન એમને માય્લીત્તા કહેતાં. જેમનું બીજું નામ મલીસ્સુ અને એ એસિરિઅન્સ મુજબ અશુર નામના દેવની પત્ની, જે સૂર્યવંશ સાથે સંબંધ ધરાવતાં. હા, અહીં પણ અસુર શબ્દ કનેક્ટેડ છે. હેરોડોટસ લખે છે કે અલ્લાતને પર્શિઅન યાને ઈરાનીઓ ન્યાય, પ્રકાશ ‘ને સત્ય તેમ જ પાક ‘ને પાણીના દૈવી તત્ત્વ મિથ્ર તરીકે ઓળખતાં. એ લોકો મિથ્રને કરારનામાં ‘ને પ્રતિજ્ઞાની પ્રતિનિધિ શક્તિ ગણતાં. મિત્ર શબ્દ જેમના પરથી આવ્યો એ મિત્ર દેવ અહીં આપણે ત્યાં સર્વ પ્રથમ વાર પ્રથમ વેદ ઋગ્વેદમાં દેખા દે છે. બેશક ઋગ્વેદના મિત્ર પણ કરાર ‘ને સંધિ અંગેના છે. આગળ જતાં હજારો વર્ષ પહેલાં અહીં ભારત ભૂમિમાં મિત્ર દેવ પરોઢના પ્રકાશ સાથે સંકળાયા. સમજૂતી કરાર ‘ને ઉષાને લઈને એ મૈત્રી સંબંધ સાથે સંકળાયા. ઈરાન ‘ને ઇન્ડિયા બંને મુજબ મિત્ર કે મિથ્રનો અર્થ થાય છે જે એકસૂત્ર રીતે જોડે છે તે.

શબ્દ ‘ને નામ આજના સમયમાં પણ પોતાની બોલી કે ભાષા મુજબ માણસ બદલી કાઢે છે. યોગિનીનું જોગણી આખા દેશમાં ‘ને ગુજરાતમાં કૃષ્ણનું કરસન ‘ને અર્જુનનું અરજણ થયેલું છે. કરોડો હિન્દુ જીવતાં છે છતાં યોગા, કર્મા ‘ને રામા થઈ ગયું છે. મુંબઈનું બોમ્બે જેવું અંગ્રેજોએ પણ ઘણુ કરેલું. હિન્દુ શબ્દ સ્વયં પણ મૂળ શબ્દ નહોતો, સિંધુ પરથી ઇન્દુ પરથી બનેલો. ગીરમાં રહેનારને ભલીભાંતિ હાવજ કોને કહેવાય એ ખબર હોય છે, કિન્તુ દેશમાં ઢગલો લોકો શેર શબ્દનો ફાવે ત્યારે સિંહ ‘ને ગમે ત્યારે વાઘ અર્થ કાઢી લે છે. દીપડાને બાઘ કહેનાર પણ પૂરતાં પડ્યા હોય ત્યાં પેન્થર, જગુઆર, પુમા ‘ને ચિત્તા અલગ કહેવાય એ મુદ્દો નજાકતથી સમજવો પડે. ક્રોકોડાઇલ ‘ને એલિગેટર આમ એક, પણ તેમ જુદા એ ઘડિયાલ કોને કહેવાય એ સમજતી વખતે ભાન રાખવું પડે. વરાહ અવતારની પૂજા રેર થતી હોય ત્યાં વારાહી ‘ને વેરાઈ માતા વચ્ચેની એકરૃપતા સમજવા કોઈ ખાસ નવરું નથી હોતું. પલાશ એટલે ખાખરાનું ઝાડ વા કેસૂડો. ઇન્દોરના પલાશિયા એરિયાને પ્લાસિયા કહીએ તો મોટે ભાગે સામેવાળો સમજી જાય, પરંતુ પરીક્ષામાં પ્લાસીની જગ્યાએ મૂળ નામ પલાશી લખીએ તો માર્ક કપાય. બોલવા-સાંભળવાથી ટેલિફોન રમતની જેમ લાપસી રંધાય એ સિવાય મોબાઇલના કાળમાં એક લિપિ કે ભાષામાંનું લખાણ બીજી લિપિમાં લખવું તે લિપ્યાંતર અર્થાત્ ટ્રાન્સ્લિટરેશન શું લોચો કરી શકે તે આપણને અનુભવ છે.

હેરોડોટસનું પુસ્તક હિસ્ટોરિઝ જણાવે છે કે અરબજનો ડાયોનાઇસેસ તથા એફ્રોડાઇટ સિવાય અન્ય કોઈ ભગવાનમાં નહોતા માનતા. એ લોકો ડાયોનાઇસે ‘ને ઓરોટાલ્ટ ‘ને એફ્રોડાઇટને અલીલાટ કહેતાં. ઓરોટાલ્ટ કોણ? ઓરોટાલ્ટ દુશર કે દુસરેશથી ઓળખાતાં. મિરીઅમ-વેબસ્ટર્સ એન્સાઇક્લોપીડિયા ઓફ વર્લ્ડ રિલિજન્સ કહે છે કે સૂર્ય દેવ રૃડાનું ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન અર્થાત્ વાચિક ધ્વનિને બંધબેસતું કરવા બનેલો શબ્દ એટલે ઓરોટાલ્ટ. આપણને તો રૃડા પરથી વેદના સમયના એક મુખ્ય ભગવાન રુદ્ર સ્મરણમાં આવી જાય. બ્રૂઅર્સ ડિક્શનરી ઓફ ફ્રેઝ એન્ડ ફેબલ કહે છે કે એ યહૂદી લોકોના આઇ અક્ષરને ગ્રીક લોકોના આર અક્ષર સાથે સાંકળવો રહ્યો અને આરને આઇ સાથે. દાખલા તરીકે આરઆઇવીઈઆર યાને રિવર શબ્દ અરબીમાં નાહર, હિબ્રૂમાં નેહર ‘ને અન્ય યહૂદી ભાષામાં નહલ કે નાહાલ બને છે જે ગ્રીક ભાષામાં નાઇલોસ કે નૈલોસ બને છે. વધુમાં ઉમેરીએ તો લેટિનમાં નાઇલસ. એ ગ્રંથના કહેવા મુજબ ઓરોટાલ્ટ શબ્દ એટલે મૂળે અલાહતાલા અર્થાત્ પ્રતિષ્ઠા પામેલા ઈશ્વર કે ઉન્નત ઈશ્વર. વેલ, ઓરોટાલ્ટ ભગવાનનું પૂજાવું તે મહમદ સાહેબના પ્રાગટ્યના વર્ષો અગાઉની ઘટના છે.

અલ્લાત એટલે અલ ઈલા હોઈ શકે. અલ એટલે અંગ્રેજી ધ યાને જે અનન્ય છે તેને પ્રમાણિત કરતો ઉપસર્ગ કે જાહેર કરતું સંબોધન. તે મહાદેવી કહેવાતી. ધ ફોર્મેશન ઓફ ઇસ્લામ- રિલિજન એન્ડ સોસાયટી ઇન નીઅર ઇસ્ટ, ઇસ્લામ- એ કોન્સાઇઝ ઇન્ટ્રોડક્શન, મુહમ્મદ એન્ડ ધ ઓરિજિન્સ ઓફ ઇસ્લામ તથા મુહમ્મદ- પ્રોફેટ ઓફ ગોડ જેવા પુસ્તકો અનુસાર અલ્લાત તેમની સહ મુખ્યદેવીઓ અલઉઝઝા ‘ને મનત સાથે અલ્લાહની દીકરીઓ ગણાતી. મક્કા ‘ને કાબા વિસ્તાર પર ઐતિહાસિક રીતે કાબૂ ધરાવનાર અરબી વેપારી કોમ એટલે કુરાઇશ. મોહમદ સાહેબ એ કોમની હશેમૈટ જાતિમાં જન્મેલા. ૬૩૦ સુધી એમણે ઓવરઓલ મહમદ સાહેબ ‘ને ઇસ્લામનો વિરોધ કરેલો. કિતાબ અલ અસ્નામ ઉર્ફે બુક ઓફ આઇડોલ્સ મુજબ કુરાઇશ કોમના લોકો કાબા આસપાસ પરિક્રમા કરતી વખતે આ પ્રકારનું મંદગાન કરતાં- અલલાટ ‘ને અલઉઝઝા અને માનાત જે ત્રીજી મૂર્તિ સમીપ છે તે થકી, ખચીત તેઓ સર્વોચ્ચ દેવીઓ છે જેમની મધ્યસ્થી અત્યંત ઇચ્છનીય છે.

કહેવાય છે કે અલ્લાત મૂળે બનું થકિફ જાતિની મુખ્ય દેવી હતી. તે મક્કામાં આવેલા અતતૈફ શહેરમાં અર-રબ્બા તરીકે પૂજનીય હતી. ત્યાં સોના ‘ને રત્નથી શૃંગાર પામેલી તેની મુખ્ય પૂજાસ્થળી હતી. ત્યાં તે ગ્રેનાઇટના ઘન આકારના કાળા પથ્થરના સ્વરૃપમાં પૂજાતી. તે પવિત્ર ગણાતી પૂજાસ્થળી આસપાસ કોઈ વૃક્ષ, પ્રાણી કે મનુષ્યને હાનિ પહોંચાડવાની મનાઈ હતી. એ પૂજાસ્થળી મહમદ સાહેબના આદેશથી તોડી પાડવામાં આવેલી. કુરાનમાં અલઉઝઝા ‘ને મનત સાથે અલ્લાતનો ઉલ્લેખ છે. જ્યાં મહમદ સાહેબને જે શેતાનની વાણી પ્રત્યે ભ્રમ થયેલો ‘ને તેને દિવ્ય વાણી ગણેલી એ વાત છે. અંતે દેવદૂત ગેબ્રિઅલ ઉર્ફે જીબ્રાઇલ આવી કશી સ્પષ્ટતા કરે છે કે શું તમારા એ નર હોય ‘ને તેની નારીઓ હોય? આ તો ખરેખર અન્યાયી ભેદભાવ કહેવાય. ટૂંકમાં સાદી ભાષામાં સમજીએ તો ત્યાં મહમદ સાહેબને ‘ને તેમના થકી ઇસ્લામના અનુચરોને સ્પષ્ટતા કરવામાં આવે છે કે અલ્લાહ ઉર્ફે ઈશ્વરના રાજમાં નર કે નારીના ભેદ નથી હોતાં, પરમ તત્ત્વ એ બે લિંગથી ઉપર નિર્લિંગી છે.

અલ્લાતની ગાથા આટલામાં સમાવી શકાય તેમ નથી. અરેબિયાના જે-તે વિસ્તારમાં એમની હાજરી ખાસ વર્તાતી ત્યાં પુરાતત્ત્વીય ખોદકામની મનાઈ જેવું છે. વર્ષોથી સમગ્ર અરબસ્તાન યહૂદી ‘ને મુસ્લિમ ધર્મને અનુસરે છે. પ્રાચીન માતાજીઓ પુરાણી કથા થઈ ચૂકી છે. એક જમાનામાં અલ્લાતનું વાહન સિંહ હતું, આ જમાનામાં મિડલ ઇસ્ટમાં છેલ્લો જાણવામાં આવેલો સિંહ ચૌદમી સદીમાં પેલેસ્ટાઇન ખાતે હણાયેલો. સીરિયામાં આવેલું પ્રાચીન યહૂદી વારસો ધરાવતું પૌલમાયરા શહેર અલ્લાત માતાજીનું મંદિર ‘ને લાયન ઓફ અલ્લાતનું પૂતળું સાચવી રહ્યું છે. ૨૦૧૫માં ઈરાકની સલાફી જેહાદી લશ્કરી સંસ્થા ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ ધ લેવન્ટ દ્વારા એ પ્રભાવી પૂતળાંને નુકસાન પહોંચાડવામાં આવેલ જેનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે એ સારા સમાચાર છે, પરંતુ એ અત્યારે કોઈ ગેબી કારણો સર દમાસ્કસના નેશનલ મ્યુઝિયમમાં રાખ્યું છે. કોને ખબર અલ્લાત માતાજીના સિંહનું પૂતળું ફરી પાછું એમના મંદિરમાં ક્યારે પહોંચશે. ખેર, અલ્લાત સાથેના અન્ય બે માતાજી ‘ને એમની આસપાસની અમુક રસપ્રદ એવમ મહત્ત્વની વાતો સાથે આપણે અહીં ફરી મળીશું.

બુઝારો    –   આઝાદીની લડાઈમાં તિલક વગેરેના પક્ષને જહાલ નામ આપવામાં આવેલું. જહાલ શબ્દનો સાચો અર્થ લાંબો વિચાર ન કરનારું, ઉતાવળે નિર્ણય લેનારું ને અજ્ઞાની છે. એ શબ્દ પરથી જાહિલ શબ્દ આવ્યો. નિરક્ષર, મૂર્ખ, અસભ્ય, ગમાર. ને ૬૧૦માં ઇસ્લામના આગમન પહેલાંનો સમય ઇસ્લામવાદીઓ જાહિલિયાહ તરીકે કરાર આપે છે અને સેક્યુલર આધુનિકતા માટે પણ જાહિલિયાહ શબ્દ વાપરે છે.
————————-

ગૌરાંગ અમીનચર્મિંગ ઘાટ
Comments (0)
Add Comment