ભારતમાં ચાર ધામ, હજારો વર્ષ બાદ સનાતન ધર્મનો ઇતિહાસ બદલાશે

આદિ શંકરાચાર્યએ નિર્માણ કરેલા ચાર ધામ બાદ હવે દુનિયામાં આ પાંચમું ધામ બનશે.
  • ધર્મ – દેવેન્દ્ર જાની

હજારો વર્ષ પુરાણા સનાતન ધર્મમાં પર શક્તિપીઠ, સાત પુરી અને ચાર ધામનંુ વિશેષ મહત્ત્વ છે. આદિ શંકરાચાર્યજીએ ભારતની ચારેય દિશામાં ચાર ધામની સ્થાપના કરી હતી. તેમાં ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર, પશ્ચિમમાં દ્વારકા અને પૂર્વમાં જગન્નાથ પુરીનો સમાવેશ થાય છે. ભારતની ભૂમિ પર આ ચાર ધામનંુ નિર્માણ થયેલું છે, પણ હવે વિશ્વનું પાંચમું ધામ નિર્માણ પામી રહ્યું છે અને તેનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે વિદેશની ધરતી પર આ પહેલું ધામ નિર્માણ પામી રહ્યું છે. આવો, આ નવા ધામ વિશે જાણીએ, એક વિશેષ અહેવાલમાં.

દક્ષિણ-પૂર્વ એશિયામાં કમ્બોડિયાની ધરતી પર તા. ૩૦ મે, ર૦૧૮ના રોજ જ્યારે નદી, જંગલ અને પહાડોના અદ્ભુત સૌંદર્યની વચ્ચે આવેલા એક સ્થળે જ્યારે શાસ્ત્રોક્ત વિધિ સાથે પાંચમા ધામના નિર્માણનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું ત્યારે પ્રાચીન સનાતન ધર્મના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો હતો. સૈકાઓથી હિન્દુ ધર્મમાં જ્યારથી બાળક સમજતંુ થાય ત્યારથી સાંભળતંુ આવે છેે કે ભારતવર્ષની ભૂમિ પર ચાર ધામ અને સાત પુરી તીર્થ ધામ આવેલાં છે. પુણ્યનંુ ભાથંુ બાંધવા જીવનમાં કમ સે કમ એકવાર આ ચાર ધામની યાત્રા કરવી જોઈએ. હજારો વર્ષ પૂર્વે આદિ શંકરાચાર્યજીએ ભારતમાં સનાતન ધર્મની સંસ્કૃતિના પ્રચાર – પ્રસાર માટે દેશની ચાર દિશામાં ચાર સ્થળો પર ધામનું નિર્માણ કર્યું હતંુ. આ ચાર ધામ જોઈએ તો ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર, પશ્ચિમમાં દ્વારકા અને પૂર્વમાં જગન્નાથ પુરીનો સમાવેશ થાય છે. શંકરાચાર્યજીએ ચાર દિશામાં ચાર ધામ – પીઠનું નિર્માણ કર્યું તેનો ઉદ્દેશ્ય એ હતો કે આ ચારેય ધામની યાત્રા કરનાર વ્યક્તિ ભારતના જુદા જુદા પ્રાંતોના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાથી અવગત થાય. હિન્દુ ધર્મમાં સાંસ્કૃતિક એકતા આવશે. હજારો વર્ષથી આ પવિત્ર ચાર ધામની યાત્રા કરવા રોજ હજારો ભાવિકો આવી રહ્યા છે.

સૈકાઓ બાદ હવે ભારતના સનાતન ધર્મમાં એક નવો ઇતિહાસ આલેખાઈ રહ્યો છે. ચાર ધામ બાદ હવે પાંચમું ધામ નિર્માણ થવા જઈ રહ્યું છે. ભારતમાં મંદિર નિર્માણ એ કોઈ નવી વાત નથી. જુદા જુદા સંપ્રદાયો દ્વારા કરોડોના ખર્ચે અનેક શિખરબદ્ધ વિશાળ મંદિરો ભારતમાં અને ભારતની બહાર નિર્માણ પામ્યાં છે અને પામી રહ્યાં છે, પણ પહેલીવાર વિદેશની ધરતી પર એક એવું મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે કે જેની વિશ્વભરમાં નોંધ લેવામાં આવી રહી છે. કમ્બોડિયાની ધરતી પર વિખ્યાત અંગકૌર વાટ મંદિરથી રપ કિે.મી. દૂર સિયામ રીપની ભૂમિ પર પાંચમું ધામ બની રહ્યું છે. ૧રમી સદીમાં વિશાળ ભૂમિ પર નિર્માણ પામેલું સ્થાપત્યકલાનું બેનમૂન સમંુ અંગકૌર વાટ મંદિર એ હિન્દુ ધર્મનું સૌથી પ્રાચીન અને સૌથી મોટું મંદિર હોવાનો ઇતિહાસ ધરાવે છે. આ મંદિર નજીક પાંચમા ધામનું નિર્માણ એ કોઈ સામાન્ય બાબત નથી. આદિ શંકરાચાર્યએ નિર્માણ કરેલા ચાર ધામ બાદ હવે દુનિયામાં આ પાંચમું ધામ બનશે.

કમ્બોડિયાના આ પાંચમા ધામને નિર્માણ કરવાનું બીડંુ ઝડપ્યું છે, વિશ્વ શાંતિ અધ્યાત્મિક જ્યોતિષ ટ્રસ્ટ – મુંબઈના સંસ્થાપક અને હિન્દુ ધર્મના પ્રચાર – પ્રસાર માટે વિશ્વનું સતત પરિભ્રમણ કરતા ગુરુ કુમારન સ્વામીએ. છેલ્લાં થોડાં વર્ષોથી રાષ્ટ્રીય સ્વયં સેવકનંુ શીર્ષ નેતૃત્વ પાંચમા ધામના નિર્માણ માટે સંતો – મહંતો સાથે વિચાર વિર્મશ કરી રહ્યું હતું. ઊંડા અધ્યયન બાદ અંતે કમ્બોડિયામાં પાંચમંુ ધામ બનાવવાના પ્રસ્તાવ પર સંઘનું નેતૃત્વ સહમત થયું હતું. સંઘના રાષ્ટ્રીય નેતા ઇન્દ્રેશ કુમાર આ મંદિરનો રોડ મેપ તૈયાર કરવામાં અને તેના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. તા.૩૦ મે, ર૦૧૮ના રોજ જ્યારે કમ્બોડિયામાં સનાતન ધર્મના પાંચમા ધામના ભૂમિ પૂજનના કાર્યક્રમમાં ઇન્દ્રેશ કુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુમારન સ્વામીએ પણ ઇન્દ્રેશ કુમારનો ખાસ ઉલ્લેખ કરીને તેમના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે એવું પણ કહ્યું હતું કે, કમ્બોડિયામાં પાંચમું ધામ બનાવવાનો સંકલ્પ લેતાં પહેલાં ભારતની ચારે પીઠના શંકરાચાર્યો અને ધર્મગુરુઓ સાથે વિસ્તારથી વાત કરવામાં આવી હતી. કોઈને એમ ન લાગે કે અમને વિશ્વાસમાં લીધા વિના આ ઐતિહાસિક ધામ બનાવવામાં આવી રહ્યું છે. પુરીના શંકરાચાર્યજી સાથે બે વખત મુલાકાત થઈ હતી. સ્વામી સ્વરૃપાનંદ શંકરાચાર્યજી સાથે પણ આ મામલે ચર્ચા થઈ હતી. આમ, શંકરાચાર્યોની સહમતી બાદ હિન્દુ ધર્મના રક્ષણ અને પ્રસાર – પ્રચાર માટે કાર્ય કરતી સંસ્થાઓ અને ધર્મગુરુઓ સાથે ચર્ચા કરી હતી. તમામ સ્તરની સહમતી બાદ કમ્બોડિયાની ધરતી પર પાંચમું ધામ બનાવવાના નિર્ણયને અંતિમ રૃપ આપવામાં આવ્યું હતંુ. છેલ્લા દોઢેક વર્ષથી આ અંગેની કામગીરી ચાલી રહી છે. ઉદ્યોગપતિઓ પણ આ કાર્યમાં મદદ કરી રહ્યા છે.

ચારેય ધામમાંથી જળ લેવાના કાર્યનો દ્વારકાથી આરંભ
કમ્બોડિયાની ધરતી પર નિર્માણ પામી રહેલા પાંચમા ધામમાં ભારતના ચારેય ધામ દ્વારકા, જગન્નાથ પુરી, બદ્રીનાથ અને રામેશ્વરની પાવનભૂમિ પરથી જળ, માટી અને ધાતુ લાવીને કમ્બોડિયા લઈ જવામાં આવશે અને ત્યાં નિર્માણ પામી રહેલા મંદિરમાં પધરાવવામાં આવશે. આ જળ એકત્ર કરવાની શરૃઆત દ્વારકા મંદિરથી કરવામાં આવી હતી. કુમારન સ્વામી તેમની પૂરી ટીમ સાથે ગત સપ્તાહે દ્વારકા આવ્યા હતા. દ્વારકાધીશનાં દર્શન કર્યાં બાદ સ્વામીજીએ ગોમતી નદીમાંથી જળ, દ્વારકાની માટી અને ધાતુ એકત્ર કર્યાં હતાં. દ્વારકાની મુલાકાત વખતે કુમારન સ્વામીએ કહ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી અહીં આવવાનંુ સૌભાગ્ય સાંપડ્યું છે. દેશની બહાર કમ્બોડિયાની ધરતી પર બની રહેલા પાંચમા ધામમાં ચારેય ધામમાંથી પવિત્ર જળ, માટી લઈને પધરાવવામાં આવશે અને તેનો આરંભ દ્વારકાથી કરવામાં આવ્યો છે. દ્વારકા બાદ રામેશ્વરમનાં દર્શન કરી આશીર્વાદ લેવામાં આવશે. અમારા માર્ગદર્શક ઇન્દ્રેશ કુમારની પરિકલ્પના મુજબ કમ્બોડિયામાં કાર્ય આગળ ધપી રહ્યું છે. કમ્બોડિયાનું આ મંદિર ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વના ફલક પર પહોંચાડવાનું કાર્ય કરશે. આવનારી પેઢીમાં સનાતન ધર્મના સંસ્કાર સિંચવામાં આ પાંચમા ધામની અહમ ભૂમિકા રહેશે.

કમ્બોડિયન સરકાર પણ પાંચમા ધામના નિર્માણ માટે પૂરો સહયોગ આપી રહી છે. ભારત સરકાર અને અનેક ધાર્મિક સંસ્થાઓ આ કાર્યમાં મદદરૃપ થઈ રહી છે. કમ્બોડિયાના આ નવા ધામમાં વિશ્વની સૌથી ઊંચી ૧૮૦  ફૂટની ભગવાન શિવની પ્રતિમા મૂકવામાં આવશે. આ ઉપરાંત ગણેશજી અને ભગવાન બુદ્ધની પ્રતિમાનંુ સ્થાપન કરવામાં આવશે. ભગવાન શિવની પ્રતિમાની સાથે ભગવાન બુદ્ધની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરવાનો હેતુ એ છે કે વિશ્વમાં સનાતન ધર્મની એકતાનો સંદેશ આપશે. બૌદ્ધ અને હિન્દુ ધર્મ બંને પ્રાચીન છે બંનેની સંસ્કૃતિ અને વિચારોમાં ઘણી સામ્યતા છે. પ૦૦ એકર ભૂમિ પર પથરાયેલા અંગકોરવાટ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. મૂળ ૧રમી સદીમાં ખમેર શાસનમાં નિર્માણ પામેલું આ મંદિર વિશ્વનું સૌથી પ્રાચીન હિન્દુ મંદિર છે. જોકે ૧૪મી સદીમાં ભગવાન બુદ્ધની પ્રતિમા આ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી. ત્યાર બાદ આ મંદિર બૌદ્ધ ધર્મીઓનું સૌથી મોટું આસ્થાનંુ કેન્દ્ર બન્યું હતું. કમ્બોડિયામાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યા વિશેષ છે. પાંચમા ધામના ભૂમિ પૂજન કાર્યક્રમમાં બૌદ્ધ ધર્મના સંતો – અનુયાયીઓ ઉપરાંત દક્ષિણ એશિયાના દેશો વિયેતનામ, થાઇલેન્ડ, બર્મા સહિતના દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
—–.

પાંચમા ધામ માટે કમ્બોડિયાની પસંદગી કેમ કરાઈ?
આદિ શંકરાચાર્યજીએ ભારતની ચારેય દિશામાં ચાર ધામનું નિર્માણ કર્યું હતું. દ્વારકા, જગન્નાથ પુરી, બદ્રીનાથ અને રામેશ્વરમ આ ચાર ધામ તરીકે પ્રસિદ્ધ છે. હવે હજારો વર્ષનો ઇતિહાસ બદલાશે. ચારના બદલે હવે પાંચ ધામ કહેવું પડશે. કમ્બોડિયાને આ પાંચમા ધામ માટે પસંદ કરવામાં કેમ આવ્યું? આ સવાલ અનેક લોકોએ પૂછતા કુમારન સ્વામીએ એક સમારોહમાં એવો ખુલાસો કર્યો હતો કે સનાતન ધર્મના પ્રચાર – પ્રસાર માટે દુનિયાના અનેક દેશોનો હું પ્રવાસ કરતો હતો, એ દરમિયાન જ્યારે એક વાત ધ્યાન પર આવી હતી કે વિશ્વ ફલક પર સનાતન અને હિન્દુ સંસ્કૃતિના પ્રચાર – પ્રસાર માટે વિદેશની ધરતી પર પાંચમું ધામ નિર્માણ થવું જોઈએ. ભારતમાં પણ ધર્મગુરુઓ સાથે ચર્ચા બાદ અનેક દેશોની મુલાકાત લીધી અને જ્યારે કમ્બોડિયાની ધરતી પર હું આવ્યો ત્યારે મારું મન મસ્તિષ્ક આ ભૂમિ પર ઝૂકી ગયું. અંદરથી એવો અહેસાસ થયો કે વિદેશમાં પાંચમા ધામ માટે કમ્બોડિયાથી ઉત્તમ કોઈ જગ્યા ન હોઈ શકે. કમ્બોડિયામાં વિશ્વનું સૌથી પ્રાચીન હિન્દુ મંદિર છે. હજારો વર્ષ પૂર્વે જ્યાં હિન્દુ ધર્મનું સૌથી વિશાળ મંદિર અંગકૌર વાટ આપણા પૂર્વજોએ નિર્માણ કર્યું હશે ત્યારે તેમણે પણ આ ભૂમિની પવિત્રતા વિશે વિચાર્યું હશે. કમ્બોડિયાના રાષ્ટ્રધ્વજમાં પણ આ મંદિરને સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુ અને શિવની આ ભૂમિ છે. અંતે અંગકૌર વાટથી રપ કિ.મી. દૂર પાંચમું ધામ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
—————————-

કંબોડિયાદેવેન્દ્ર જાની
Comments (0)
Add Comment