હવે કચ્છમાં સફરજન પણ ઊગશે

'સોશિયલ મીડિયામાં મેં ગરમ પ્રદેશમાં થતાં સફરજનની જાતો અંગેનો વીડિયો બે વર્ષ પહેલાં જોયો હતો.
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

અત્યંત ઓછા વરસાદ અને ભારે ગરમીવાળા કચ્છના પ્રયોગશીલ ખેડૂતો ઠંડા હવામાનમાં થતાં સફરજન ઉગાડવા પ્રયોગો કરી રહ્યા છે. પહેલી વખત ઊગેલાં સફરજન સુંદર લાલ રંગનાં અને ખટમીઠા હોવાથી માર્કેટમાં તેની સારી માગ રહેવાની પૂરી શક્યતા છે.

કચ્છ અપૂરતા વરસાદવાળો વિસ્તાર છે. અહીં ભાગ્યે જ સારો વરસાદ પડે છે. દર વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતો સારો પાક લઈ શકતા ન હોવાની ફરિયાદો કરતાં હોવા છતાં અહીંના ધરતીપુત્રો પ્રયોગશીલ છે. નવનવા અખતરા કરતાં રહે છે. આથી જ અહીં ખારેક, કેસર કેરી, દાડમ જેવા વૈવિધ્યસભર બાગાયતી પાકો થાય છે. હવે ખેડૂતો હિમાચલ કે કાશ્મીર જેવા ઠંડા વિસ્તારના ગણાતાં સફરજનનો પાક કચ્છની આબોહવામાં લેવા માટે અખતરા કરી રહ્યા છે. અત્યાર સુધી કરાયેલા પ્રયોગોનાં પરિણામો જોતાં તેમાં યશસ્વી થવાની અને જો વેચાણલક્ષી ખેતી કરવામાં આવે તો તેને પૂરતી સફળતા મળવાની આશા તેઓ સેવી રહ્યા છે.

સામાન્ય રીતે વધુ ઊંચાઈવાળા એટલે કે ૧૬૦૦ ફીટ કરતાં વધુ ઊંચાઈવાળા અને ૩૨ ડિગ્રીથી વધુ તાપમાન જ્યાં જતું ન હોય તેવા સૂર્યપ્રકાશથી ભરપૂર વિસ્તારમાં સફરજન સારા થાય છે. આવા વિસ્તારમાં ઊગેલાં સફરજન સ્વાદમાં મીઠા અને ગુણવત્તામાં વધુ સારાં હોવાનું મનાય છે, પરંતુ હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત હરિમન શર્માએ સફરજનની એક એવી જાત શોધી છે કે જે દરિયાઈ સપાટીથી ખૂબ ઊંચે ન હોય, જ્યાં તાપમાન વધુ ત્યાં પણ ઊગી શકે છે. સફરજનની આ જાત હર્મન ૯૯ નામથી ઓળખાય છે. કચ્છના ખેડૂતોએ આ પ્રકારનાં સફરજન ગરમ વાતાવરણમાં ઉગાડવાનો પ્રયોગ કર્યો છે.

નખત્રાણા તાલુકાના શાંતિલાલ માવાણી નામના પ્રયોગશીલ ખેડૂત જણાવે છે, ‘સોશિયલ મીડિયામાં મેં ગરમ પ્રદેશમાં થતાં સફરજનની જાતો અંગેનો વીડિયો બે વર્ષ પહેલાં જોયો હતો. મને પહેલેથી અલગ-અલગ પ્રકારના બાગાયતી પાક લેવાનું ગમે છે. આથી મેં આ અંગે વધુ માહિતી મેળવી અને અન્ના, હર્મન ૯૯, ડોરસન ગોલ્ડ જેવી જાતના સફરજનના રોપા મગાવ્યા હતા. આ રોપાનું ગ્રાફ્ટિંગ કર્યું છે. આવતે વર્ષે તેમાં ફળ લાગશે. જે લોકોએ અત્યાર સુધી સફરજનનું વાવેતર કર્યું છે તેમને સારાં પરિણામો મળ્યાં છે. અત્યારે મેં ઘનિષ્ઠ ખેતી થઈ શકે તેવા રોપા પણ મગાવ્યા છે. જેમાં ઓછી જમીનમાં વધુ રોપા, નજીક નજીક રોપી શકાય છે. તેથી નાના ખેડૂતો પણ સહેલાઈથી આ પાક લઈ શકે અને સારું ઉત્પાદન મેળવી શકે. મારે ત્યાં રોપેલા રોપાઓનો વિકાસ ખૂબ સારો છે તેથી નિષ્ફળ જવાની શક્યતા નથી. મેં રાસાયણિક અને ગૌઆધારિત ખેતી એમ બંને અપનાવ્યા છે. આ વૃક્ષો મૂળ ઠંડા પ્રદેશના હોવાથી તેમને વધુ પડતી ગરમીથી બચાવવા મેં નેટ બાંધી છે અને તેમનાં મૂળિયાંને તડકો ન લાગે તે માટે જમીન ઘાસાચ્છાદિત રાખી છે. રેતાળ જમીન હોઈ વધુ પાણી અને માટીવાળી જમીન હોય તો ઓછું પાણી આપવું પડે છે. તેમાં પણ ડ્રીપ ઇરિગેશન વધુ ઉપયોગી થાય છે. મેં કરેલું વાવેતર જોઈને ભુજ, વિથોણ, દેવપુરના ખેડૂતોએ પણ સફરજનનું વાવેતર કર્યું છે.’

શાંતિભાઈએ આ અગાઉ જૂનાગઢની કેસર કેરી, ભગવા સિંદૂરી દાડમ, સીડલેસ લીંબુનું પ્રથમ ઉત્પાદનલક્ષી વાવેતર કરીને કચ્છના ખેડૂતોને બાગાયતી ખેતી ક્ષેત્રે એક નવો રાહ ચીંધ્યો છે. દાડમના છોડને તડકો ન લાગે તે માટે દાડમની સાથે સરગવાનું પણ વાવેતર કર્યું છે.

અંજાર તાલુકાના નાગલપર ગામના ખેડૂત અજય ટાંક તો કચ્છમાં સફરજનનો પાક યશસ્વી રીતે લઈ શક્યા છે. તેમણે પણ આ પ્રકારના સફરજન અંગે યુ-ટ્યૂબ પર વીડિયો જોયો હતો. પ્રથમ પ્રયોગાત્મક રીતે હર્મન ૯૯ જાતના પાંચ રોપા તેમણે મગાવ્યા હતા. એક જ વર્ષના સમયગાળામાં ફેબ્રુઆરી માસમાં ફૂલ આવ્યાં અને માર્ચ માસમાં તો ફળ દેખાવા લાગ્યાં, મે મહિનામાં ફળ તૈયાર થઈ ગયા. આ ફળ લાલ રંગનાં ખટમીઠા હતાં. પહેલા જ વર્ષે એક ઝાડ ઉપર દોઢસોથી અઢીસો ગ્રામ વજનનાં ૨૫૦થી ૩૦૦ ફળો ઊતર્યાં હતાં. તેમણે કોઈ પણ જાતની ખાસ ટ્રીટમેન્ટ આ પાકને આપી ન હતી. તેઓ જણાવે છે કે, ‘મેં ઓર્ગેનિકની સાથે રાસાયિક ખાતરો પણ વાપર્યા છે. સરગવાની સિંગનો અર્ક, વેસ્ટ ડિકામ્પોઝ, બકરીની લીંડી, લિંબોળી અને એરંડાનો ખોળ વગેરે વાપર્યા હતા. નાઇટ્રોજન, ફોસ્ફરસ તથા પોટાશના બેક્ટેરિયા ઉછેરી, તેનો પણ ઉપયોગ કર્યો હતો.’

જ્યારે હિમાચલનાં સફરજન હજુ વાડીઓમાં હોય ત્યારે કચ્છનાં સફરજન બજારમાં આવી શકશે. આથી બજાર મેળવવામાં કોઈ મુશ્કેલી આવશે નહીં, તેવું બધા ખેડૂતોને લાગે છે. જોકે હજુ સફરજનનો પાક બજારમાં મુકી શકાય તેવો થયો નથી, પરંતુ આ ખેતી જો સફળ થાય તો કચ્છના લોકોને કૉલ્ડ સ્ટોરેજના નહીં, પણ કચ્છના જ સફરજન ખાવા મળશે, તેમાં કોઈ શંકા નથી.
—————————–

કચ્છસફરજનની ખેતીસુચિતા બોઘાણી
Comments (0)
Add Comment