મારા જેવી જોબનવંતીને મુકી તારી નજર પંદરવરહની ભોળી બાળા પર બગાડી

દૂઝતો જખમ (નવલિકા - સુમંત રાવલ)

નવલિકા – સુમંત રાવલ
દૂઝતો જખમ
કાળુકણકિયાને દસ વરસની સખતકેદની સજાનો ચુકાદો સાંભળી તખુ કોર્ટરૃમમાં જ ભાંગી પડી, કોર્ટના બાંકડા પર તે બેઠી હતી. જજસાહેબે ભાવહીન ચહેરો કરી ચુકાદો આપી દીધો. તખુને ચક્કર આવી ગયાં, તેણે બાજુમાં બેઠેલી મંછામાસીના ખભા પર માથું મુકી દીધું અને રડી પડી.
કાળુ પીંજરાની બહાર નીકળ્યો કે તરત જ બે પોલીસવાળાએ તેના હાથમાં હાથકડી પહેરાવી દીધી. કાયદાની નજરમાં કાળુ કેદી હતો.
મંછામાસીએ પોતાના સાડલાના છેડા વડે તખુની આંખોનાં આંસ લૂછી નાખ્યા અને સાડલાનો છેડો પકડીને પંખાની જેમ તખુને હવા નાખવા લાગી… ‘હિંમત ન હાર તખુ… દહ વરહતો આમ..’ કહેતાં ચપટી વગાડી, ‘નીકળી જશે… હું તારી ભેગી છું.. સુખમાં ભલે તારાથી છેટી રહી, પણ દુઃખમાં તારી હારે છું… ‘
બે પોલીસવાળા વચ્ચે કાળુ પગલાં ભરી રહ્યો હતો, તેના માથા પર ડૉક્ટરે બાંધેલો પાટો હતો. સફેદ પાટા પર લોહીનું એક લાલ ટીપું ઉપસી આવ્યું હતું. તેના ગાલ પર દાઢી ચઢી ગઈ હતી, છતાં બેય ગાલ પર ઉપસી આવેલા ન્હોરના ઉઝરડાના ઊભા લીંટોડા ચોખ્ખા દેખાતા હતા, વધેલી દાઢી, સૂઝેલી આંખો અને સુકાયેલા હોઠ.. તખુએ દોટ મુકી અને કાળુની છાતી પર માથંુ મુકી રડી પડી. બંને પોલીસવાળા ડઘાઈ ગયા. પછી સમજી ગયા કે કાળુની ઘરવાળી લાગે છે!
‘કાળુ તારા વગર દહ વરહ કેમ જશે?’
‘બેન મૂંઝાવો નહીં. બે એક એક વરસે પેરોલની પંદર દી’ની રજા મળશે..’
તેણે આંખો લૂછતા પોલીસવાળા સામે જોયું. કહેવાનું મન થયું કે કાળુ વગર જેણે એક દિવસ પણ વિયોગ નથી સહન કર્યો તે એક વરસ કેવી રીતે કાઢી શકશે? ‘તખુ, તું ધરપત રાખ…’ છેવટે કાળુએ મોં ખોલ્યું. ‘મેં પાપ નથી કર્યું. પાપ તો બાબુ બાદશાહે કર્યું હતું એને જનમટીપ પડી, પણ ઈ પાપી હારે રહેવાને લીધે વગર ગુને હું દંડાઈ ગયો.’
‘હું તને છોડાવવા ઉપલી કોરટે અરજી કરીશ. ભલે મારે ઘર ગીરવી મૂકવું પડે.’ ‘ના તખુ ના.. ઘર ગીરવી ન મૂકતી.. ઘર વગર તું રખડી પડીશ.’
કોર્ટની બહાર લોબીમાં ભીંતને અઢેલીને ગોઠવેલા બાંકડા પર ઓશિયાળું મોં લઈ કેટલાય માણસો બેઠા હતા, કેટલાક ભીંતને ટેકે ઊભા હતા, ભીડભાડ અને ઉદાસી હતી, ક્યાંક કોઈ રડી રહ્યું હતું. તો ક્યાંક કોઈ ખડખડાટ કરતું હસી રહ્યું હતું, પોલીસના નિર્દયા ચહેરા નજીરે પડતા હતા, તો વકીલના નફ્ફટ ચહેરા ખોટા ભરોસો બતાવતા હતા, બધી બાજુ નાટકના ખેલ ખેલાઈ રહ્યા હતા. એક કાળા ડગલાવાળો વકીલ સફેદ
સાડીવાળી વિધવાને ઊઠાં ભણાવી રહ્યો હતો. હાથમાં ચાની કીટલી પકડીને એક છોકરો દોડાદોડી કરી રહ્યો હતો. રૃપિયામાં એક કપ.. કડક મીઠી ચા.. એક ખડતલ ગુંડાને સાંકળો વડે બાંધીને ચાર પોલીસવાળા પસાર થઈ ગયા, બધાંએ ખસીને મારગ આપી દીધો. ગુંડો લહેરથી પાન ચાવતો ડગલાં ભરી રહ્યો હતો.
કોર્ટના પરિસરમાં પોલીસવેન ઊભી હતી. પાછલા દરવાજે કાળુને વેનમાં ધકેલી દીધો. વેનમાં ચાર-પાંચ કેદીઓ પહેલેથી મોજૂદ હતા. વેનમાં બેસતાં પહેલાં એકવાર કાળુએ મોં ફેરવી તખુ સામે જોયંુ અને હાથકડીવાળો હાથ ઊંચો કરી ‘આવજો’ કર્યું. તખુ ફરી રડી પડી… વેન દોડી ગઈ.
‘તખુ, તારે કાળુને હરમત આપવાની હોય એના બદલે તું ઢીલી થઈ રડી પડી.!’
શું કરું માસી, હજુ પરણ્યાને બે વરહે ય નથી થયાં ત્યાં દહ વરહનો વિજોગ આવી પડ્યો. કાળુ વગર હું નોધારી બની ગઈ…’
‘હું છું ને!’
‘તું ધણીની જગા થોડી લઈ શકે! ઈ ખટારો ચલાવીને પગાર લઈ ઘેર આવતો ત્યારે કંઈકને કંઈક લેતો આવતો, કેટલીવાર તો ખટારો લઈને સીધો કારખાને મને લેવા આવતો ત્યારે બધી મજૂરબાઈઓ હસી પડતી.’ લો, વિજાણંદ શેણીને લેવા આવી પોંગ્યો!’
તખુ દોરી બનાવવાના કારખાનામાં કામ કરતી હતી અને કાળુ લખાશેઠની ટ્રક ચલાવતો હતો. ટ્રકમાં સામાન ભરીને બીજા શહેરમાં ઠાલવવા જવું પડતું. મહિને
લખોશેઠ પગાર આપતો હતો અને વરસે બોનસમાં આખો પગાર આપતો હતો. બંને સુખી હતાં ત્યાં આ દુઃખના દહાડા આવી પડ્યા!
તખુ અને મંછામાસી મીણાપુરના પાદરમાં બસમાંથી ઊતર્યા ત્યારે સૂરજ આથમી ગયો હતો અને સાંજ પડી ગઈ હતી.
‘તખુ દસ દિવસ મારા ઘરમાં મારા ભેગી રહે.. પછી તું તારા ઘરનું બારણુ ઉઘાડજે.’
‘કેમ?’
‘અત્યારે તને એકલું લાગશે!’
‘આજ તમે પણ કાલે કોણ! હવે તો માસી, એકલા રે’વાની ટેવ પાડવી પડશે.’
આજુબાજુ જોઈ માસીએ તખુના કાનમાં કહ્યું ઃ ‘અધરણી છે?’
તખુ હસી પડી… પોતાના પેટ પર હાથ મૂકતા નિસાસો નાખ્યો ઃ ‘હોત તો સારું હતું, પણ પેટ ખાલી છે, રોયો ખટારો ચલાવીને આવતો ત્યારે થાકીને ટેં થઈ ગયો હોય એટલે પડે એવો ઊંઘી જાય.’
‘માસી મૂંગી થઈ ગઈ, પછી પીઠ થાબડતાં કહ્યું ઃ
‘કાલથી કામે ચડી જજે. કામે ચડીશ તો બધું ભૂલી જઈશ, ઘરમાં એકલી પડી રઈશ તો બધું યાદ આવશે અને રોય રોયને અડધી થઈ જઈશ.. શરીર સાચવજે, હજુ તારે બચ્ચું જણવાનું છે.’
ઘર આવતા તખુએ તાળું ખોલ્યું અને પરસાળમાં આવી તો ગઈ, શ્રાવણી આઠમમાં કમખિયાના મેળામાં કાળુ ભેગો પડાવેલો ફોટો ભીંત પર લટકતો હતો. ફોટા સામે તે ક્યાંય સુધી આંખો ટેકવી જોઈ રહી. પછી અંધારું થયું એટલે લાઈટ કરી.. લાઇટ લબુક લબુક થવા લાગી. ઘણીવાર ગામડામાં અચાનક લાઈટ ચાલી જતી હતી એટલે ફાનસ રાખવું પડતું હતું, તખુએ ફાનસ પેટાવી ખીંટીએ લટકાવ્યું. ફાનસના પીળચટ્ટા અજવાશનો લીસોટો સીધો બંનેના ફોટા પર પડતો હતો.
સવારે તે ન્હાઈ ધોઈ તૈયાર થઈ કારખાને જવા નીકળી ગઈ. રઘુભા દરબારનું દોરી બનાવવાનું કારખાનું હતું. મોટા ભાગે સ્ત્રીઓ કામે આવતી હતી. ગરગડી પર રિબિનમાંથી નીકળતી જુદા જુદા રંગની દોરી મશીન દ્વારા વીંટોળાતી હતી. જુદી જુદી સાઇઝના ધાગા તૈયાર થતા હતા, રીલ તૈયાર થતી હતી. કારખાનાના શેડ નીચે થોડા થોડા અંતરે મશીનરી ગોઠવી હતી. જે મશીન સામે ઊભા રહીને કામ કરવું પડતું હતું, લોખંડની પ્લેટ અને પ્લેટ પર ગરગડીઓ ગોળ ગોળ ફરતી હતી. જુદા જુદા રંગના ઝીણા, જાડા, દોરાની રીલ તૈયાર થતી હતી. મશીન ચાલુ કરવાની અને ગરગડીઓ ઘૂમાવવાની બહેનોને તાલીમ આપવામાં આવી હતી. સૌથી વધુ રીલ તખુ ઉતારતી હતી અને ખાસ્સા પૈસા કમાતી હતી. રઘુભા હરતા-ફરતા તખુ પર નજર નાખતા અને તૈયાર થયેલી રીલોને ગણતા પછી વખાણ કરતા, તખુ તો જબરી બાઈ છે, રોજના પચાસ રીલ ઉતારે છે.
અઠવાડિયું પસાર થઈ ગયું. રવિવારે કારખાનામાં રજા હતી. તખુ નવરી પડી એટલે કબાટ ખોલ્યો અને છાપાં બહાર કાઢી વાંચવા બેઠી. અનેકવાર વાંચી ચૂકી હતી. છતાં ફરી ફરી વાંચવાનું મન થતું હતું. મોટા કાળા કાળા કાળા અક્ષરે લખ્યું હતું ઃ માધાપરની મૂંગી બાળા મંગુ પર બે નરાધામે ગુજારેલો પાશવી બળાત્કાર… કાળુ સાથે બાબુબાદશાહનો ફોટો છપાયો હતો… લખ્યું હતું ઃ નશીલી ચીજોની હેરાફેરી કરનારા નામચીન ગુનેગાર બાબુબાદશાહ અને અમીઝરા ગુડ્ઝ ટ્રાન્સપોર્ટના ટ્રક ડ્રાઇવર કાળુ કણકિયાએ મોકો જોઈ, માધાપરની નદીના પટમાં એક પંદર વરસની મૂંગી બાળકી મંગુ પર અમાનુષી બળાત્કાર ગુજારી તેને મોતને ઘાટ ઉતારી દીધી. બાબુબાદશાહ આ કાળુ કૃત્ય આચર્યા પછી નાસી છૂટ્યો હતો જ્યારે ટ્રક ડ્રાઇવર કાળુ કણકિયાએ જાતે પોલીસ સ્ટેશને હાજર થઈ ગુનો કબૂલી લીધો હતો. અઠવાડિયામાં ભાગેડુ ગુનેગારને પોલીસ ઝડપી કોર્ટ હવાલે કરી દીધો હતો.
બીજું છાપંુ પ્હોળું કર્યું… પંદર-દિવસ પછીના છાપાના સમાચાર હતા, જેમાં ફરીથી બંનેના એ જ ચહેરાવાળા ફોટા છપાયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મંગુ પર બળાત્કાર થયો હતો અને ગળંુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. બાબુબાદશાહના આંગળાનાં નિશાન મંગુના ગળા પર મળી આવ્યાં હતાં અને મેડિકલ રિપોર્ટ અનુસાર મંગુ પર બાબુબાદશાહે બળાત્કાર ગુજાર્યો હતો. કનુ કણકિયાએ મંગુ પર હુમલો કર્યો હતો, મંગુએ તેનાથી છૂટવા પોતાના બંને હાથના પંજાના ન્હોર કનુકણકિયાના મોં પર ભરાવી દીધા હતા. છતાં કણકિયાએ તેને છોડી નહોતી એટલે એ ખુદ પણ આ બળાત્કારના ગુનામાં સામેલ હતો. એવું કોર્ટ માનતી હતી..! આંખ ભરાઈ આવી, અક્ષરો રેળાઈ ગયા, ઝાંખા પડી ગયા, આગળ ન વાંચી શકી. ગળું સુકાઈ ગયું. પાણી પીધું છતાં ગળામાં શોષ પડતો હતો.
હૈયામાં આગ લાગી હતી. મારા જેવી જોબનવંતીને મુકી તારી નજર પંદરવરહની ભોળી બાળા પર બગાડી. ફટ છે તારી જાતને! તું તો બદનામ થઈ ભેગી મનેય બદનામ કરી દીધી. બાબુડો તો રીઢો ગુનેગાર હતો.. ઈને નથી આગળ ઉલાળ કે પાછળ ધરાળ.. વિધવા મા સિવાય એનું કોઈ નથી, પણ તારી પાસે તો મારા જેવી રૃડી રૃપાળી બાયડી હતી. શું જોઈને ઈ ભોળી પારેવડી પર તરાપ મારી દીધી! તેણે બધાં છાપાં સળગાવી દીધાં…. વાંચવું નહીં અને વિચારવું ય નહીં.
ધીમે-ધીમે કારખાનાના કામમાં જીવ પરોવ્યો. તખુ કામ કરતી હોય, સંચા સામે ઊભી હોય. ચાંપ દબાવતી હોય, ગરગડી પર રીલ ઉતારતી હોય ત્યારે તેની જાણ બહાર રઘુભા તેની પાછળ આવી ઊભો રહી જતો અને તેની નછોરવી કાયાને નિરખ્યા કરતો… એકવાર તખુ જોઈ ગઈ. ‘માલિક… તમે?’
‘હા… હું… કોઈ વાતે મૂંઝાતી નહીં… અડધી રાતે જરૃર પડે તો બારણુ ખખડાવજે. કોઈથી બી ન જતી, બૈરાની એકલી જાત હોય ત્યારે લુખ્ખા લોકો મોકો ગોતતા હોય, પણ તું એકલી નથી.’
‘તમારી ઓથ છે, પછી મને કોઈની બીક નથી.’ તખુએ કહ્યું એટલે રઘુભાના મોં પર રાજીપાનો અણસાર આવી ગયો.
રાતે સૂતી વખતે તખુને વિચાર આવ્યો આ રઘુભા ભલે પૈસાદાર હતો, પણ ખાનદાન હતો. અત્યારે એની ઓથની જરૃર હતી.
રઘુભાએ કાળુ માટે કોર્ટમાં જામીન અરજી કરાવી, પણ બળાત્કારનો કેસ હોવાથી કોર્ટે જામીન મંજૂર ન કર્યા. ઉપલી કોર્ટમાં સજા કમ કરવા ‘અપીલ’ દાખલ કરી, સારો વકીલ રોક્યો. તખુ માટે રઘભા ખાસ સમય કાઢી મદદ કરતા હતા.
કાળુ પણ તખુને મળવા આતુર હતો…
બે વરસથી જેલમાં હતો, બે વરસથી પેરોલ પર છૂટવા અરજી કરતો રહેતો હતો, પણ જેલર અકડુ હતો, એ કોર્ટને ભલામણ કરતો નહોતો. કાળુને પત્નીથી અલગ રાખવામાં તેને આનંદ આવતો હતો. તેને પોતાની પત્ની સાથે અણબનાવ બન્યો હતો એટલે પત્ની તેને છોડીને પિયર ચાલી ગઈ હતી. પોતાના વિયોગની પીડાનો બદલો જાણે તે કાળુ સાથે લઈ રહ્યો હતો. બે વરસથી કાળુ તડપતો હતો અને સામે તખુ પણ તડપતી હતી, ત્યાં એ જેલરની બદલી થઈ અને નવો જેલર હાજર થયો જે ભલો અને માયાળુ હતો. તેણે પેરોલની અરજી મંજૂર કરવા કોર્ટને ભલામણ કરી. અને કોર્ટે પંદર દિવસની પેરોલ મંજૂર કરી દીધી. કાળુ રાજી થઈ ગયો. બે વરસના વિયોગ પછી તે તખુને મળવા જવાનો હતો. બે વરસથી તનમાં તરસ હતી જે હવે ઊભાગળે પાણી પીને તનને ઠંડંુ કરવાનો હતો.
કાળુએ તખુને કહ્યું ઃ આ સોમવારે હું પેરોલ પર છૂટવાનો છું.. પંદર દિવસ અને રાત આપણે સાથે રહીશું… આ સાંભળી તખુની છાતીમાં લોહી ભરાઈ આવ્યું. શરીરનું એક એક અંગ ફરકવા લાગ્યું અને કાળુ જેમ એ પણ તરસ છીપાવવા આતુર થઈ ઊઠી.
સોમવારે કાળુુને લેવા તે જિલ્લાની જેલના દરવાજે ઊભી રહી ગઈ, દગરવાજાની બારી ખૂલી, કાળુ બહાર આવ્યો. ધીમે ધીમે ચાલીને સાવ સામે આવી ઊભો રહી ગયો, તખુએ તેના ચહેરા સામે ધારી ધારીને જોવા કર્યું, ગાલ પર ન્હોરનાં ઊભાં નિશાન હતાં. કાળા ગાલ પર સફેદ ઊભી રેખાઓ હતી. કપાળમાં ઘાની નિશાની હતી, તેણે દાઢી કરી હતી. એટલે ગાલ મુલાયમ હતા.
ચોમાસાના દિવસો હતા, વાદળો ઘેરાયાં હતાં, બંને મીણાપુર પહોંચ્યાં ત્યાં વરસાદ શરૃ થઈ ગયો, વાદળો ગડગડી ઊઠ્યા અને મોરલા ટહુકા ઊઠ્યા, જાણે ચોમાસાના છાંટાએ કાળુનું સ્વાગત કરી દીધું.
વાતાવરણમાં ‘વીજળી’ શરૃ થઈ, પવનનું જોર વધ્યું… ઝાડની ડાળીઓ ઊછળવા લાગી, તેના કરતાંય મોટું તોફાન તો કાળુની આંખમાં દેખાતું હતું…
રાતે તેણે તખુને બાથમાં ભીંસતા કહ્યું ઃ
‘આ પંદર દી’ની રાતમાં કંઈક કરવું છે.’
‘શું કંઈક?’ તખુની આંખમાં તોફાન હતું.
‘તારા આ પેટમાં’ કહેતા તેણે પેટ પર હાથ મુકી દીધો, તખુ તરફડી ઊઠી… ‘તારા આ પેટમાં મારી નિશાની મુકીને જવું છે… હું જેલમાંથી છૂટીને આવું ત્યારે તારી ગોદમાં મારું બાળ રમતું હોવું જોઈએ… બસ.. આ એક આશા લઈને તારી પાસે આવ્યો છું.. વીજળીની બત્તી ઝાંખી પડી ગઈ, તખુ ઊભી થઈ અને ફાનસ હલાવીને અંદર કેરોસીન હોવાની ખાતરી કરી, પછી ફાન પેટાવ્યું..
‘હજુ લાઈટ જતી રે’ છે…’
‘હા, ચોમાસંુ હોય ત્યારે લાઈટનો ભરોસો નહીં!’
પછી કાળુની છાતી પર માથું મુકી મોં સામે એકીટશે જોવા લાગી.
‘જેલનું ખાણુ ફાવી ગયું લાગે છે…’
‘નાછૂટકે!’
ત્યાં તખુની નજર તેના ગાલ પર અને કપાળ પર પડી અને ત્યાં થીજી ગઈ, હાથની આંગળી ગાલ પર ઘૂમાવતા પૂછ્યું ઃ ‘આ જખમ તો રહી ગયો…’
‘ એ જીવીશ ત્યાં સુધી રે’શે… અને જીવીશ ત્યાં સુધી મારા પાપની યાદ અપાવતો રહેશે…’ કાળુનો અવાજ ઢીલો પડી ગયો… ચહેરો કરુણ બની ગયો, આંખોમાં આંસુ તગતગવા લાગ્યાં..
‘આજ તારી પાસે મારે મારંુ પાપ પોકારવું છે તખુ.’
‘પોકારી લે, એટલે તારા મનનો ભાર હળવો થઈ જશે.’
‘મને તારા ખોળામાં માથું મુકીને સૂવા દે…’ કાળુએ કહ્યું એટલે તખુ બેઠી થઈ, પલાંઠી વાળી અને કાળુએ તખુની પલાંઠી પર માથંુ મુકી શરૃ કર્યું…
‘તખુ તને ખબર્ય તો છે કે હું લખાશેઠની લોરી ચલાવી તેનો માલસામાન લઈ જવાનું કામ કરું છું.. એ દિવસે તેલના ડબ્બા લઈને ભાવનગર જવાનું હતું.. મને શી કમત સૂઝી કે રસ્તામાં બાબુબાદશાહ મળ્યો… નશીલી ચીજની હેરાફેરી કરનાર એ રીઢા ગુનેગારને મેં મારી સાથે લીધો.. વચ્ચે વાઘપર ગામની નદીના બેઠા પુલ પર મેં ટ્રકને ધીમી પાડી, ત્યાં બાબુની નજર નદીના વહેતા પાણીના પટ પર પડી… ‘જો તો કાળુ.. જોવા જેવું છે!’ પાણીમાં ઉઘાડા ડીલે એક પંદરેક વરસની છોકરી ન્હાતી હતી. હું થીજી ગયો… વાઘપર મારા મામાનું ગામ.. હું ત્યાં અવારનવાર જતો હતો, એ છોકરીને હું ઓળખી ગયો… ‘અરે આ તો મંગુ છે!’
‘મંગુ!’ લાળ ટપકાવતા કૂતરાની જેમ બાબુએ કહ્યું.
‘હા, પણ ઈ બિચાડી જન્મથી જ મૂંગી છે…’
‘મૂંગી છે!’ તેની આંખોમાં વાસનાનો કીડો સળવળતો મેં જોયો… ‘તો તો… આકડે મધ છે અને એ પણ વગર માખોવાળું!’
‘હું સમજ્યો નહીં….’
‘અરે મૂરખા… આખી નદીનો પટ ખાલી છે, બપોરનું એકાંત છે અને મંગુ મૂંગી છે…’
‘હું બહેકી ગયો, તખુ તારો કાળુ બહેગી ગયો… કરોડો રૃપિયાનો કાળો કોડીનો થઈ ગયો… ઊંડે ઊંડે પાપનું જીવડું સળવળી ઊઠ્યંુ…’
ટ્રક સાઇડમાં લીધી અને મશીન બંધ કર્યું, પછી બાવળિયાના ઝુંડમાં દબાતા પગલે ચાલતા ચાલતા અમે બેઉં એની પીઠ સુધી પહોંચી ગયા, એ પીઠ ફેરવીને ન્હાતી હતી, શરીરે સાબુ રગડતી હતી, શરીર ફીણફીણ હતું, તેના માથાના વાળ છૂટા હતા, બાબુએ તેના વાળ પકડીને ઊભી કરી દીધી. એકાએક થયેલા હુમલાને લીધે તે ડઘાઈ ગઈ. આંખો ફાટી ગઈ. બાબુએ તો તેને બે હાથ વડે ઊંચકી લીધી. તે ફાટી આંખે મને જોતી રહી, કદાચ તેણે મને ઓળખી લીધો હતો… તેને ભરોસો ન પડતો હોય તે રીતે મને તાકી રહી હતી. જાણે તેનું મૂંગંુ મોં મને કહી રહ્યું હતું, કાળુ તું? તું આવા કામ કરે.. એ માની શકાતંુ નથી.
અમે બંને તેને ઝાડીમાં લઈ ગયાં, ત્યાં ગમે તે રીતે બાબુની પકડમાંથી તે છૂટી ગઈ અને ભાગી, પણ વચ્ચે હું હતો, મેં તેને પકડી લીધી. ત્યાં તેણે મારા કપાળમાં બચકું ભર્યું, પોતાના આગલા દાંત કપાળમાં બેસાડી દીધા. કપાળમાંથી લોહીની ધાર છૂટી, છતાં મેં તેને પકડી રાખી.. સા…કૂતરી… ત્યાં તેણે પોતાના હાથના ન્હોર મારા ગાલ પર ભેરવ્યાં.. અને ચામડી ચીરાય તે રીતે ન્હોર ઊંડા ઉતારી દીધા.. પીડાને લીધે મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ.. તારી જાતની મંગુડી… હવે હું તને નહીં છોડું… મારા મગજનો પારો છટકી ગયો.. ત્યાં બાબુ આવી પહોંચ્યો, તેણે પાછળથી પકડી લીધી અને તે તરફડતી રહી, છૂટવા મથતી રહી, પણ બાબુની પક્કડ મજબૂત હતી… તેણે લાખ કોશિશ કરી છતાં છૂટી ન શકી.. બાબુએ કામ તમામ કરી દીધું અને પછી મને કહ્યું.. કાળુ હવે તારો વારો… પણ સાચું કહું તખુ… હું સાવ ઠરીને ઠીકરું થઈ ગયો ‘તો… ત્યાંને ત્યાં બેસી રહ્યો. મંગુ બેહોશ પડી હતી, બાબુએ બંને હાથ વડે તેની ડોકી દબાવી ત્યાં મેં કહ્યું ‘બાબુ, રહેવા દે, તેને મારીશ નહીં..!’ ‘ના… કાળુ, તેને જીવતી ન છોડાય…’ તેણે ધરાર ગળાચીપ દઈ દીધી. હું સૂનમૂન થઈ બેસી રહ્યો. બાબુ નાસી છૂટ્યો. હું સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો. હું નિર્દોષ હતો, બાબુએ ગુનો કર્યો હતો, મેં જાતે ફરિયાદ લખાવી દીધી… સ્થળ પર પંચનામું લીધું અને એ જગાએ લઈ ગયા, રેતીમાં પગલાંની નિશાનીઓ હતી… મેં બળાત્કાર પણ કર્યો નહોતો, હત્યા પણ કરી નહોતી.. મેડિકલ ટેસ્ટમાં પણ મારો કોઈ પુરાવો મળ્યો નહોતો… મેં તો સામેથી પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી હતી. બાબુ પકડાઈ ગયો, એને તો જનમટીપ પડી, પણ હું ગુનેગાર ન હોવા છતાં ગુનેગારને મદદ કરનાર તરીકે મને દસ વરસની જેલ પડી.. મંગુ તારી આગળ ખોટું નહીં બોલું.. જે કંઈ બન્યું એ બધું કોર્ટમાં રજે રજ કરી બતાવ્યું હતું અને અત્યારે તને પણ કહું છું. હવે તું મને શી સજા કરે છે બોલ!’ તેણે સૂતા સૂતા કહ્યું.
‘આ સજા!’ કહેતા મંગુ નીચી નમી અને કાળુના કપાળના જખમ પર બચ્ચી ભરી, પછી બંને ગાલ પર હોઠ મુકી બચીઓ ભરતી રહી… બસ.. હવે તું મારી નજરોમાં પવિત્ર થઈ ગયો…’
‘હું પવિતર…? અરે તખુ માર ચહેરા પરનાં આ જખમો સદા મને મારા પાપને યાદ કરાવતાં રહેશે. જ્યારે-જ્યારે અરીસામાં મારંુ મોં જોઈશ ત્યારે ત્યારે આ જખમ નજરે પડશે અને મારી ભીતરનું પાપ જાગી ઊઠશે..’ કાળુએ રડમસ અવાજે કહ્યું, ત્યારે તેની આંખોમાં આંસુ છલકાઈ ગયાં.
અડધી રાત વીતી ગઈ. બહાર વરસાદ અટકી ગયો હતો, દેડકાનું ડ્રાઉ… ડ્રાઉ શરૃ થઈ ગયું હતું અને ફાનસ ફરતી જીવાત ઉડાઉડ કરતી હતી. બહાર ભલે વરસાદ અટકી ગયો, પણ કાળુની અંદર વરસાદ શરૃ થયો, વાવાઝોડું ફૂંકાયું. આંધી ઊઠી…
તખુ તરફડી ઊઠી, ‘હળવે… મારા મનના માણિગર… મારા હાડકાંની ‘કડેડાટી બોલાવી દીધી, હાડકાં ભાંગી જશે તો અપંગ બની ગઈશ.. પછી કશા કામની નહીં રહું..!’ તે બેઠી થઈ અને સાડલા વડે ઉઘાડું અંગ ઢાંકતાં હાંફતા અવાજે કહેવા લાગી… ‘મંગુ ને બદલે તેં તો મારા પર બળાત્કાર ગુજારી દીધો!’
‘પંદર દી’ની મુદત મળી છે… આ પંદર દી’માં તારા પેટમાં નિશાની મુકીને જવું છે…’
કહેતા તે ફરીવાર મંગુના શરીર પર ઝૂક્યો, ત્યારે તેના ગાલ પરના ઉઝરડા ફાનસના પીળચટ્ટા ઉજાસમાં ઉપસી આવ્યા, ફરી તખુએ ગાલ પર આંગળી મુકી… આ જખમ… ‘હા, તખુ મારા જખમની કથા મેં કહી દીધી..’ તખુ ચૂપ રહી, મનોમન ગણગણી કે તારા જખમ તો બહારના છે, જે દેખાય છે, પણ મારે તો અંદર જખમ પડ્યો છે, જે દેખાતો નથી. તારા જખમ રૃઝાઈ ગયા, પણ મારી અંદર તો દૂઝતો જખમ પડ્યો છે જે જીવીશ ત્યાં સુધી દૂઝતો રહેશે. રૃઝાશે નહીં. કાળુ, મારે તને કેમ કહેવું કે તું ક્યારેય મારી અંદર બીજ નહીં રોપી શકે.. કારણ કે બાળક ન જન્મે અને રઘુભા સાથે શરીર સંબંધ ટકી રહે એ માટે મેં જાતે જ ગર્ભાશય કઢાવી નાખ્યું છે!
(સંપૂર્ણ)
———————

દૂઝતો જખમનવલિકાસુમંત રાવલ
Comments (0)
Add Comment