ભ્રમણા – ભાગઃ ૩ (નવલિકા)
– પ્રફુલ્લ કાનાબાર
‘ના, ના એવું તો બિલકુલ નથી. મમ્મી પપ્પાના બાળપણમાં ડિવોર્સ જોયાં હતાં ત્યારથી જ પુરુષો પ્રત્યેની નફરત વધતી ગઈ હતી. પાંચ વર્ષની હતી ત્યારથી હું પેન્ટ શર્ટ જ પહેરીને મમ્મીનો દીકરો બની ગઈ હતી. તે સમયે મમ્મીને પણ સારું લાગતું હતું. મારા શોખ પણ છોકરાઓ જેવા જ રહ્યા હતા. એટલે કે ગિલ્લી દંડા રમવા, ક્રિકેટ રમવું, ટૂંકા વાળ રાખવા.. સુમનને બોલતી અટકાવીને પ્રકાશ બોલી ઊઠ્યો. એ તો સારું કહેવાય સુમન, આઈ એપ્રિસિએટ યોર ફિલિંગ્સ.’
હા.. પ્રકાશ, પણ છેલ્લાં થોડાં વર્ષોથી મને એવું જ લાગવા માંડ્યું છે કે હું પુરુષ જ છું. યુવાનીમાં પગ મૂક્યો ત્યારથી મને કોઈ છોકરા પ્રત્યે આકર્ષણ જ નથી થયું. ફિઝિકલી ભલે હું સ્ત્રી છું, પરંતુ માનસિક રીતે નથી. પ્રકાશ ઊંડા વિચારમાં પડી ગયો.
‘ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી.. પ્રકાશ’ સુમન ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
‘સુમન તારી ઇચ્છા પ્રમાણે જ થશે, પરંતુ ચાર દિવસ બાદ સત્ત્વ અને તાન્યાનાં લગ્ન છે. ત્યાં સુધી હું ના નહીં પાડું. નાહકનો તે બધાંનો ઉત્સાહ પણ પડી ભાંગશે.’
સુમનને પ્રકાશની દીર્ઘદ્રષ્ટિ પર માન ઉપજ્યું.
‘ઠીક છે પ્રકાશ, અત્યારે નરો વા કુંજરોવા રાખીશું.’
રાત્રે પ્રકાશ રાજકોટ જવા નીકળી ગયો. તાન્યા બધાં કામ પડતાં મૂકીને સુમનના ઘરે પહોંચી ગઈ.
‘કેવું રહ્યું સુમન?’
સુમન શરમાઈને નીચું જોઈ ગઈ. સુમનને મનમાં તો તાન્યા પાસે નાટક કરતાં ખૂબ જ દુઃખની લાગણી થતી હતી, પરંતુ નાટક કર્યાં સિવાય છૂટકો પણ ક્યાં હતો? તાન્યાએ સુમનનો લજામણીનો છોડ જેવો ચહેરો ઊંચો કર્યો.
‘વાહ….. ક્યા બાત હૈ? પહેલી હી મુલાકાત મેં ઘાયલ?’
સુમન તાન્યાને વળગી પડી. સુમને મહાપરાણે આંખમાં આવેલાં આંસુ રોકી રાખ્યાં.
બરોબર તે જ સમયે જશોદાબહેન રૃમમાં પ્રવેશ્યાં.
‘તાન્યા, આપણી તો હા જ છે. બસ હવે પ્રકાશના જવાબની રાહ જોવાની રહી.’
‘તાન્યાએ સેલફોનમાં સત્ત્વનો નંબર કાઢ્યો. હમણા જ સત્ત્વને પૂછી લઉં.’ તાન્યાએ બીજા હાથે ચપટી વગાડતાં કહ્યું.
સુમને ચીલઝડપે તાન્યાના હાથમાંથી ફોન ઝડપી લીધો.
‘તાન્યા, તને મારા સમ છે. પ્લીઝ, તું તેમને જવાબ આપવાની બિલકુલ ઉતાવળ ન કરાવતી.’
‘સુમન, પ્રકાશે તને છેલ્લે શું કહ્યું હતું?’
‘તાન્યા, તેણે વિચારવાનો સમય માંગ્યો છે. તે છેલ્લે એવું બોલ્યો હતો કે હજુ તો ચાર દિવસ બાદ સત્ત્વની જાનમાં આવવાનો જ છું ને?’
‘વાહ…. તો તો દો સિતારોંકા જમીં પર મિલન હજુ થવાનું જ છે. એમને?’ તાન્યા ખુશ થઈને બોલી ઊઠી.
‘હા… અને તે પણ તારાં લગ્નના માંડવામાં.’
તાન્યાના ગયા બાદ જશોદાબહેન હૉસ્પિટલે જવા નીકળ્યાં. સુમન એકલી પડી. જીવનમાં આજે પહેલીવાર તે તાન્યા અને જશોદાબહેન પાસે ખોટું બોલી હતી. તેનો તેને પારાવાર અફસોસ થતો હતો.
ચાર દિવસ બાદ તાન્યાના માંડવે સત્ત્વ જાન લઈને આવી પહોંચ્યો હતો. શરણાઈના સૂર વચ્ચે ગોર મહારાજે જ્યારે કન્યા પધરાવો સાવધાનની બૂમ પાડી ત્યારે દુલ્હનના પરિવેશમાં શોભતી તાન્યા મેડી પરથી ઊતરીને ધીમા પગલે નીચે આવી રહી હતી. સત્ત્વ ચહેરો ઊંચો કરીને આકાશમાંથી ઊતરતી પરીને એકીટશે જોઈ રહ્યો. અચાનક તાન્યાની નજર યુવાન ગોર મહારાજ પર પડી. તે ચમકી. અરે.. આ તો તર્પણ છે.
તાન્યાએ માંડ માંડ તેની જાતને સંભાળી. તર્પણે તાન્યાને જોઈને આંખો બંધ કરીને મોટેથી સંસ્કૃતમાં શ્લોક બોલવાનું ચાલુ કરી દીધું હતું. તર્પણ લગ્નવિધિ ત્વરિત ગતિએ આગળ ધપાવી રહ્યો હતો. સત્ત્વ સાથે ફેરા કરવા માટે તાન્યા મંડપમાં જ્યારે ઊભી થઈ ત્યારે અનાયાસે જ તેનાથી તર્પણ તરફ જોવાઈ ગયું. કૉલેજના દિવસોમાં જિન્સમાં તેની સાથે ફરતો તર્પણ આજે ટિપિકલ ગોરમહારાજના વેશમાં હતો. તર્પણ તો હજુ પણ આંખ બંધ કરીને શ્લોક બોલવામાં જ મશગૂલ હતો. લગ્નની વેદીના ધુમાડામાં જાણે કે તાન્યાનો તર્પણ પ્રત્યેનો પ્રેમ ધુમાડો બનીને ઊડી રહ્યો હતો! થોડે દૂર બેઠેલી સુમન આ બધું ધ્યાનપૂર્વક જોઈ રહી હતી. અનાયાસે જ સુમનનું ધ્યાન બીજી તરફ પડ્યું તો પ્રકાશ તેને તાકી રહ્યો હતો. પ્રકાશની આંખમાં સુમન પ્રત્યે હમદર્દીનો ભાવ હતો. લગ્ન હંમેશાં સ્વર્ગમાંથી જ નક્કી થતાં હોય છે. તે કહેવત આજે દરેકના કિસ્સામાં સાચી પડી રહી હતી. જેમ કે તાન્યાનો પ્રથમ પ્રેમ તર્પણ હતો, પરંતુ તર્પણ તેને પરણવા તૈયાર ન્હોતો. પ્રકાશને સુમન પસંદ પડી ગઈ હતી, પરંતુ સુમન કોઈ પણ પુરુષ સાથે લગ્ન કરવા માગતી ન્હોતી. સુમનનું ચાલે તો તે તાન્યા સાથે જીવનભર રહેવા માગતી હતી જે શક્ય ન્હોતું.
થોડા દિવસમાં જ તાન્યા પણ સત્ત્વ પાસે શિકાગો પહોંચી ગઈ હતી.
સમયનું ચક્ર ફરતું ગયું. ઇન્ડિયા અને અમેરિકામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વારાફરતી થતા રહ્યા. દસકો વીતી ગયો. દસકામાં ઘણુ બધું બદલાઈ ગયું હતું. હા… આજે દસકા બાદ તાન્યા સાત વર્ષના પાર્થને લઈને વેરાવળ આવી હતી. સફેદ વસ્ત્રોમાં લપેટાયેલું ક્રશ શરીર. બિન્દી વગરનું કોરું કપાળ અને નિસ્તેજ ચહેરો તાન્યાની નવી જ ઓળખ બનીને ઊભરી આવી હતી. કાળના ક્રૂર પંજાની થપાટ તાન્યાના સુહાગને બે વર્ષ પહેલાં લાગી ચૂકી હતી. સત્ત્વનું કાર અકસ્માતમાં અવસાન થયું હતું. તાન્યાના જીવનમાં અકાળે પાનખર બેસી ગઈ હતી. ઘરેથી ઑફિસે જવા નીકળેલા સત્ત્વનો ચાર કલાક બાદ સીધો મૃતદેહ જ ઘરે આવ્યો હતો. તાન્યા અને નાનકડા પાર્થ પર આભ ત્રાટક્યું હતું. મા દીકરાનું આક્રંદ જોઈને ગમે તેવા કઠોર હૃદયની વ્યક્તિનું પણ કાળજું કંપી જાય તેવા કરુણ દ્રશ્યો સર્જાયાં હતાં. ચંદ્રિકાબહેન અને કૈલાસરાય ન્યુયૉર્ક પહોંચી ગયા હતાં. મહિનો રોકાયા બાદ પરત આવતી વખતે તેમણે તાન્યાને દેશમાં પરત આવી જવા માટે ખૂબ સમજાવી હતી. તાન્યાએ દીવાલ પર હાર ચડાવેલા સત્ત્વના ફોટાની સામે જોઈને સજળનેત્રે કહ્યું હતું, ‘પપ્પા, હું અહીં એકલી નથી. સત્ત્વ મારી સાથે જ છે.’ તાન્યાની વાત સાંભળીને ચંદ્રિકાબહેન અને કૈલાસરાયની આંખમાં ફરીથી ચોમાસું બેસી ગયું હતું. સત્ત્વની યાદ માત્ર ઘરના દરેક ખૂણામાં જ નહીં, બલ્કે તાન્યાના હૃદયના દરેક ખૂણામાં મહેકતી હતી. સત્ત્વએ તાન્યાને દિલ ફાડીને પ્રેમ કર્યો હતો. અમેરિકાના નવા વાતાવરણમાં તાન્યાને એકલું ન લાગે તે માટે પહેલા દિવસથી જ સત્ત્વએ તાન્યાની ભરપૂર કાળજી લીધી હતી. પાર્થના જન્મ બાદ તો બંને વચ્ચે ઈશ્વરને પણ ઈર્ષ્યા થાય તેટલી હદે પ્રેમ પાંગર્યો હતો.
સત્ત્વ કાયમ તાન્યાને વળગીને કહેતો ‘તાન્યા, આપણો સાત જન્મોનો સંગાથ છે હોં… એટલા માટે જ તો તને સાત દરિયા પારથી અહીં સુધી લઈ આવ્યો છું.’ દરિયાના મોજાં જેવા જ ઊછળતાં સત્ત્વના પ્રેમમાં તાન્યા ભીંજાઈ જતી. સત્ત્વ સાથે ગાળેલા આઠ વર્ષના દાંપત્યજીવનની મધુર યાદોની સોનેરી સાંકળથી તાન્યા બંધાઈ ચૂકી હતી. એ યાદોના સહારે હવે તે પાર્થને કેન્દ્રમાં રાખીને જીવી રહી હતી.
પાંચેક વર્ષ પહેલાં મમ્મી-પપ્પા જૂનાગઢ શિફ્ટ થઈ ગયાં હતાં. જૂનાગઢથી ટેક્સીમાં પાર્થને લઈને તાન્યા વેરાવળ જવા માટે નીકળી ત્યારે મમ્મી-પપ્પાએ તાન્યાની સાથે વેરાવળ જવાનો આગ્રહ રાખ્યો હતો. તાન્યાનો એક જ જવાબ હતો, ‘પપ્પા, હું એકલી નથી. મારી સાથે પાર્થ છે અને ખાસ તો સત્ત્વની યાદોનો સહારો છે. મારે પાર્થને આપણુ જૂનું ઘર, જ્યાં મારું બાળપણ વીત્યું હતું તે બતાવવું છે અને ખાસ તો સોમનાથ મહાદેવનાં દર્શન કરાવવા છે.’ તાન્યાની એકલા જવાની જીદ સામે આખરે મમ્મી પપ્પાએ નમતું જોખ્યું હતું.
વેરાવળના બંધ હાલતમાં પડેલા ખખડધજ મકાનની ડેલીનું તાળું ખોલીને તાન્યાએ દરવાજો ખોલ્યો ત્યારે હવાની એક પરિચિત લહેર જાણે કે તાન્યાના નિસ્તેજ ચહેરાને સ્પર્શીને જતી રહી હતી! મકાનની જર્જરિત હાલત જોઈને તાન્યાને લાગ્યું કે તેના જીવનની દશા અને મકાનની હાલતમાં ખાસ ફરક નથી. બે વર્ષ પહેલાં સત્ત્વની અણધારી વિદાય બાદ રડી રડીને તાન્યાની આંખમાં આંસુ ખૂટી પડ્યાં હતાં. જર્જરિત મકાનના અવાવરું ખૂણામાં તદ્દન ખાલી કૂવો પણ તાન્યાની કોરી ધાકડ આંખો જેવો જ બિલકુલ પાણી વગરનો હતો. તાન્યાની નજર સમક્ષ તેના જીવનના બાળપણના અને કિશોરાવસ્થાનાં વર્ષોનાં સંસ્મરણોની ઝલક ફિલ્મના ટ્રેલરની જેમ દેખાઈ ને ઓઝલ થઈ ગઈ. કેટલી મસ્તીખોર અને પતંગિયા જેવી હતી તાન્યા? સમય અને સંજોગોએ તેને આજે જિંદગીના કેવા પડાવ પર લાવીને મૂકી દીધી હતી? સત્ત્વની અણધારી વિદાયથી તેના લગ્નજીવનનું તો બાળમરણ થઈ ગયું હતું, સાથે-સાથે નિર્દોષ પાર્થ પણ પિતાની છત્રછાયા વિહોણો થઈ ગયો હતો.
સોમનાથ મહાદેવનાં દર્શન કરીને મા દીકરો દરિયાકિનારે આવીને બેઠાં. સૂર્યાસ્તને હજુ ખાસ્સી વાર હતી. વિરાટ દરિયાનો ઘૂઘવાટ સાંભળવામાં મા-દીકરો તલ્લીન થઈ ગયાં હતાં. તાન્યાને બાળપણથી જ દરિયા સાથે દોસ્તી હતી. તાન્યા મનોમન વિચારી રહી.. ભરતી આવે કે ઓટ… દરિયો કેવો સતત ઘૂઘવતો રહે છે? ખરેખર દરિયા પાસેથી એ જ શીખવાનું છે કે જીવનમાં સુખ આવે કે દુઃખ…. બસ, તેને પચાવીને હસતાં મોઢે જીવી જવાનું હોય છે! અચાનક પાર્થે કહ્યું ‘મમ્મી, જો સામે દરિયો અને આકાશ એક થઈ જાય છે.’
‘બેટા, તે આપણો ભ્રમ છે. તેને ‘ક્ષિતિજ’ કહેવાય.’
‘ક્ષિતિજ’ બોલતી વખતે તાન્યાને એકાએક તર્પણ યાદ આવી ગયો. તર્પણ છેલ્લી મુલાકાત વખતે બોલ્યો હતો તાન્યા, આપણો સંબંધ સામે દેખાતી ક્ષિતિજ જેવો છે. સમુદ્ર અને આકાશના આભાસી મિલન જેવો.
પાર્થ થોડે દૂર જઈને દરિયાની ભીની માટીમાં ઘર બનાવવામાં મશગૂલ થઈ ગયો. તાન્યાએ ખુલ્લા દરિયા સામે જોઈને ઊંડો શ્વાસ લીધો અને આંખો બંધ કરી દીધી. અચાનક સફેદ લેંઘો, ઝભ્ભો અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલો તર્પણ પ્રગટ થયો. બિંદી વગરના કપાળ અને સફેદ ડ્રેસમાં સજ્જ તાન્યાને જોઈને તર્પણ બોલી ઊઠ્યો હતો.
‘તાન્યા, આ હું શું જોઈ રહ્યો છું? આટલી નાની ઉંમરે તારા પતિનું અવસાન?’
‘હા… તર્પણ, મારા પતિ સત્ત્વને કાર અકસ્માત..’ તાન્યા આગળ બોલી ન શકી. તેનો અવાજ રૃંધાઈ ગયો.
‘તાન્યા, તારી આ દશા હું જોઈ શકતો નથી.’
તાન્યા અપલક નેત્રે તર્પણને તાકી રહી.
‘તાન્યા, મારી બંને નાની બહેનોનાં લગ્ન થઈ ગયાં છે. મારાં હજુ બાકી છે. હું તને અપનાવવા તૈયાર છું.’
‘તર્પણ, તારો રૃઢિચુસ્ત સમાજ બીજી જ્ઞાતિની એક બાળકવાળી વિધવાને તારી પત્ની તરીકે સ્વીકારશે?’
‘તાન્યા, ભાડમાં જાય સમાજ… મને તારા પ્રત્યે અનહદ પ્રેમ છે.. સહાનુભૂતિ છે.’
‘તર્પણ, મારે તારી સહાનુભૂતિની બિલકુલ જરૃર નથી.’ તાન્યાએ મક્કમતાથી કહ્યું.
તર્પણની આંખમાં પશ્ચાત્તાપનાં આંસુ તગતગ્યાં.
અચાનક એક પ્રચંડ મોજું આવીને તાન્યાના પગને પલાળીને જતું રહ્યું. તેની આંખ ખૂલી ગઈ. તેણે આજુબાજુમાં જોયું. તર્પણ ક્યાંય ન્હોતો. તાન્યાને ખ્યાલ આવી ગયો કે તર્પણ સાથેનો સંવાદ તાન્યાનો માત્ર ભ્રમ જ હતો.
અચાનક પાર્થ દોડતો આવીને ફરિયાદના સૂરમાં કહેવા લાગ્યો… ‘મમ્મી, મારું ઘર પાણીનાં મોજાંએ તોડી નાખ્યું.’
‘બેટા, ઘર બનાવવાનું અને તોડવાનું કુદરતના હાથમાં હોય છે.’
‘મમ્મી, તો પછી આપણા હાથમાં શું હોય છે?’ નિર્દોષ પાર્થ પૂછી બેઠો.
‘પાર્થ, આપણા હાથમાં માત્ર લકીર હોય છે. જેને કિસ્મત કહેવામાં આવે છે.’
સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. પાર્થની આંગળી પકડીને તાન્યા ટેક્સી તરફ જઈ રહી હતી.
સામેથી એક યુવાને તાન્યાની તદ્દન નજીક આવીને કહ્યું. ‘હાય, તાન્યા ઓળખાણ પડી?’ તાન્યા તે યુવાનને તાકી રહી. ચહેરાનો અણસાર અસ્સલ સુમન જેવો જ હતો. જાણે કે સુમનનો સગો ભાઈ હોય તેવું જ લાગી રહ્યું હતું. ‘તાન્યા હું સુમન જ છું. મેં જેન્ડર ચેન્જ કરાવી લીધી છે.’ સુમને ધડાકો કર્યો.
સુમનને પુરુષના સ્વરૃપમાં જોઈને તાન્યાએ આશ્ચર્યનો આંચકો અનુભવ્યો હતો. તાન્યાને યાદ આવી ગયું કે તે સત્ત્વને પરણીને સ્વિત્ઝર્લેન્ડ હનીમૂન પર ગઈ ત્યારે જ તેને ખબર પડી હતી કે પ્રકાશે સુમન સાથે લગ્ન કરવાની ના પાડી છે. તેણે ત્યાંથી સુમન સાથે ફોનમાં વાત પણ કરી હતી. સુમને ત્યારે એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું કે ‘તાન્યા, આમ પણ તું તો મારી ફિલિંગ્સ જાણે જ છે. હું લગ્ન કરવા માગતી જ નથી.’
‘સુમન, એવું ન બને કે તારી ફિલિંગ્સ તારી ભ્રમણા હોય?’ તાન્યાએ પૂછ્યું હતું.
‘ના તાન્યા, એવું નથી. મારાથી વધારે મારી ફિલિંગ્સ કોણ સમજી શકે?’
સમય વિતતો ગયો તેમ તાન્યાનો સુમન સાથેનો સંપર્ક ક્રમશઃ ઓછો થતો ગયો હતો. તાન્યાને વિચારમાં પડી ગયેલી જોઈને સુમને કહ્યું. ‘તાન્યા, મારું ઘર અહીં નજીકમાં જ છે. ચાલ ત્યાં નિરાંતે બેસીએ.’ મંદિરના જમણા હાથે આવેલા શેરીમાં થોડું ચાલીને એક ડેલી બંધ મકાનમાં ત્રણેય પ્રવેશ્યાં. ‘સુમન, તું વેરાવળથી અહીં ક્યારે શિફ્ટ થઈ ગઈ? આઈ મીન થઈ ગયો?’
‘મમ્મીનાં અવસાન બાદ.’
‘ઓહ… આન્ટીને શું થયું હતું?’
‘કૅન્સર.’
ઘરમાં પ્રવેશીને સુમને ગેસ પર ચા મૂકી.
તાન્યા, પહેલાં તારી વાત કર, તારી આ દશા જોઈને ખૂબ દુઃખ થાય છે. સત્ત્વને એકાએક શું થયું હતું?
તાન્યા સત્ત્વ સાથેના છેલ્લા દસકાના સુખના પ્રસંગો વાગોળતી રહી. સુમને ગેસ પરથી ચા ઉતારીને કપરકાબીમાં કાઢી. સુમને ટૂંકમાં પણ મહત્ત્વના પ્રસંગો દિલ ખોલીને કહ્યાં. પાર્થ તો એટલો થાકેલો હતો કે પલંગ પર ઘસઘસાટ ઊંઘી ગયો. તાન્યાની વાતમાં ચા પણ ક્યારે પીવાઈ ગઈ તેનો બેમાંથી એકેયને ખ્યાલ ના રહ્યો.
તાન્યાની વાત પૂરી થઈ ત્યારે તેની આંખમાંથી ટપકેલાં આંસુમાં જાણે કે સોમનાથના આખા સમુદ્રની ખારાશ આવીને ભળી ગઈ હતી! સુમને તાન્યાને પાણી આપ્યું. તાન્યાને સ્વસ્થ થતાં ખાસ્સી વાર લાગી. તાન્યાની આંખમાં હવે સુમનની જેન્ડર ચેન્જ વાળી વાત જાણવાની તાલાવેલી હતી. સુમને વાત માંડી. સુમન તેના જીવનના દરેક બનાવનું વર્ણન એટલું રસપ્રદ રીતે કરી રહી હતી કે તાન્યાની નજર સમક્ષ વીતી ગયેલા બનાવોનું તાદૃશ ચિત્ર ઊભું થઈ રહ્યું હતું.
તાન્યાનાં લગ્ન બાદ પ્રકાશ ફરીથી વેરાવળ આવ્યો હતો. તે સુમનને એકાન્તમાં ફરીથી મળ્યો હતો.
‘સુમન, તારી સમસ્યા હું સમજી ગયો છું. લંડનમાં તો આવી વ્યક્તિઓ ઑપરેશન દ્વારા જેન્ડર ચેન્જ પણ કરાવી લેતાં હોય છે. ત્યાંનો સમાજ આવી બાબતને તદ્દન સહજતાથી સ્વીકારી પણ લે છે. હું તને કઈ રીતે મદદરૃપ થઈ શકું?’
‘પ્રકાશ, તમને તકલીફ આપવાનો મારો કોઈ જ હક્ક નથી બનતો.’
‘સુમન, તું તાન્યા ભાભીની ખાસ ફ્રેન્ડ છો એ નાતે પણ હું તને મદદરૃપ ન થઈ શકું?’ વળી તારાં મમ્મી તો નર્સ છે. એટલે અડધાં ડૉક્ટર જ કહેવાય. તેમને મનાવવા ખાસ મુશ્કેલ નહીં પડે. મુંબઈમાં મારા એક પરિચિત લેડી ડૉક્ટર છે, સાઇકિયાટ્રિસ્ટ છે. આપણે તેની સલાહ લઈશું.
‘પ્રકાશ, એ બધાં ખર્ચાની અમારી કેપેસિટી જ નથી.’
‘સુમન, એ બધી ચિંતા તું મારા પર છોડી દે. તારા કેસમાં પહેલાં કાઉન્સેલિંગ ખૂબ જ જરૃરી છે, કારણ કે ફિઝિકલી યુ લુક્સ વેરિમચ ફિટ એઝ એ ગર્લ.’
એ વાત તો સુમન પણ જાણતી જ હતી કે તેના શરીરનો વિકાસ સ્ત્રી જેવો જ હતો. માત્ર માનસિક રીતે જ તે પુરુષ હોવાનો અહેસાસ કરતી હતી.
શરૃઆતમાં તો જશોદાબહેને આનાકાની કરી, પણ પ્રકાશે સચોટ રીતે સમજાવતાં કહ્યું,
‘આન્ટી, આપણે ડૉક્ટર નથી, આપણે તો માત્ર ડૉક્ટર જે સલાહ આપશે તે પ્રમાણે કરીશું. માત્ર મુંબઈ બતાવવા જવામાં આપને શું વાંધો છે? હું સાથે છું ને?’ આખરે જશોદાબહેન માની ગયા હતાં. પ્રકાશે સુમનની સાથે તેમને પણ લઈ લીધાં. મુંબઈ ઍરપોર્ટ પર ઉતરીને પ્રકાશે એવું સરસ પ્લાનિંગ કર્યું હતું અને ડૉ. નીલા શાહની ઍપોઇમૅન્ટ પણ લઈ રાખી હતી કે કોઈ તકલીફ જ ન પડે. ડૉ. નીલા શાહની કેબિનની બહાર જશોદાબહેન અને પ્રકાશ બેઠાં હતાં. સુમન સાથે ડૉ. નીલાએ દોઢેક કલાક કાઉન્સેલિંગ કર્યું. સુમન ડૉ. નીલાના સવાલના જે જવાબો આપતી હતી તેની નોંધ બીજા આસિસ્ટન્ટ ડૉક્ટર્સ અલગ-અલગ કોમ્પ્યુટર પર લઈ રહ્યા હતા. ડૉ. નીલાએ પ્રકાશ અને જશોદાબહેનને કેબિનમાં બોલાવ્યાં. બંને અંદર આવીને ખુરશી પર બેઠાં એટલે ડૉ. નીલાએ સુમન સામે જોઈને કહ્યું.
‘સુમન, તારું શરીર ભલે સંપૂર્ણપણે સ્ત્રીનું છે, પરંતુ મન અને મગજ પુરુષના છે. તું નોર્મલ છોકરી નથી. તું અલગ છે. ભગવાન પણ ક્યારેક ભૂલ કરી બેસતાં હોય છે, પણ તારે તેમાં ગુનાની લાગણી અનુભવવાની બિલકુલ જરૃર નથી. સુમન, માઈન્ડવેલ યુ આર નોટ લેસ્બિયન. તારા જેવી વ્યક્તિને અમારી મેડિકલ ભાષામાં ટ્રાન્સજેન્ડર કહેવામાં આવે છે. જેમ એક પુરુષને સ્ત્રી પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ થાય તેમ તારા જેવી ટ્રાન્સજેન્ડર વ્યક્તિને સ્ત્રી પ્રત્યે આકર્ષણ થતું હોય છે. તને પુરુષ પ્રત્યે ક્યારેય આકર્ષણ થશે જ નહીં, કારણ કે માનસિક રીતે તું પુરુષ જ છે. અત્યારે પણ હું તને આ વાત કરી રહી છું ત્યારે પણ તને કોઈક સ્ત્રીના જ વિચારો આવતા હશે જેને તું ચાહતી હોઈશ.’
ડૉ. નીલાની વાત સાંભળીને સુમન દંગ રહી ગઈ. ડૉ. નીલાની વાત સાવ સાચી હતી. સુમનને તાન્યાના જ વિચારો આવતા હતા.
‘સુમન, તને તે છોકરી પ્રત્યે પઝેસિવનેસ એટલે કે માલિકીભાવ પણ હશે, કારણ કે પુરુષના પ્રેમનું એ પ્રથમ લક્ષણ છે.’ સુમનને તાન્યાનું તર્પણ સાથેનું હરવા ફરવાનું ગમતું ન્હોતું. ઈવન સત્ત્વ જ્યારે તાન્યાને ડોલીમાં બેસાડીને લઈ ગયો ત્યારે પણ સુમનને દુનિયા લૂંટાઈ ગઈ હોય તેવો જ ભાવ થયો હતો. તાન્યાની વિદાય સમયે તે ખૂબ રડી હતી.
જોકે લોકોએ તો તે બાબતને બહેનપણીઓના સ્નેહ તરીકે જ જોયો હતો. ખુદ તાન્યા પણ એ સમયે સુમનની મનઃસ્થિતિથી અજાણ હતી. ડૉ. નીલાએ ઊંડો શ્વાસ લીધો. તેમની કેબિનમાં ભારે મૌન છવાઈ ગયું. એ.સી.નો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો.
‘મેડમ, હવે આનો ઉપાય શું?’ જશોદાબહેને ચિંતિત થઈને પૂછ્યું.
‘તમારી પાસે બે વિકલ્પ છે.’ ડૉ. નીલાએ સ્પષ્ટતા કરતાં કહ્યું.
‘કયા?’ પ્રકાશ બોલી ઊઠ્યો.
‘પહેલો વિકલ્પ એ છે કે મન સાથે સમાધાન કરીને જિંદગી ખેંચી કાઢવી. આ પ્રકારની દસમાંથી નવ વ્યક્તિઓ સમાધાન કરીને જીવી લેતી હોય છે.’
‘અને બીજો?’ પ્રકાશે પૂછ્યું.
‘બીજો વિકલ્પ જાતીય પરિવર્તનના ઑપરેશનનો છે. અમારા કોમ્પ્યુટરના સ્કોર પ્રમાણે પણ સુમનનું મન મજબૂત છે. તે કોઈ પણ ભોગે પીંજરામાંથી છૂટવા માગે જ છે.’
‘મેડમ, યુ મીન ટુ સે.. સુમનનું ઑપરેશન થઈ શકે?’
‘હા…. પણ ટ્રીટમેન્ટ ખૂબ લાંબી છે. લગભગ છ જેટલાં ઑપરેશનો તથા છેલ્લે પ્લાસ્ટિક સર્જરી પણ કરવી પડે. ખર્ચ પણ લગભગ પચ્ચીસેક લાખનો થશે.’
‘મેડમ ખર્ચની ચિંતા નથી.’ પ્રકાશ બોલી ઊઠ્યો.
સુમને સજળનેત્રે પ્રકાશ સામે જોયું. જાણે ભગવાને જ આ દેવદૂતને મોકલ્યો હતો.
ડૉ. નીલા શાહે મુંબઈના સૌથી મોટા પ્લાસ્ટિક સર્જન પર ભલામણ ચિઠ્ઠી લખી આપી. ડૉ. નીલાની કેબિનની બહાર નીકળીને જશોદાબહેને પ્રકાશને પૂછ્યું. ‘દીકરા, મને માત્ર એટલું જણાવ કે તું આ બધું શા માટે કરાવી રહ્યો છે? મારી દીકરી પાછળ આટલો બધો હેરાન શા માટે થાય છે? મારે કારણ જાણવું છે.’
પ્રકાશે સુમનના માથા પર હાથ ફેરવ્યો.
‘આન્ટી…. તમારી દીકરી પાછળ હું જે કાંઈ કરી રહ્યો છું તેનું કારણ છે. ચોક્કસ કારણ છે. સુમનની ઓળખ પુરુષ તરીકે થશે તો સૌથી વધારે આનંદ મને થશે. જશોદાબહેન અને સુમને પ્રશ્નાર્થભરી નજરે પ્રકાશની આંખમાં જોયું. પ્રકાશની આંખમાં આંસુ હતાં.’
‘આન્ટી,
સુમનની ઓળખ પુરુષ તરીકે થશે તો સૌથી વધારે આનંદ મને જ થશે.’
બોલતી વખતે પ્રકાશની આંખમાં ભીનાશ હતી. સુમન અને જશોદાબહેન પ્રકાશ સામે પ્રશ્નાર્થભરી નજરે તાકી રહ્યાં હતાં.
‘આન્ટી, થોડાં વર્ષો પહેલાં અમે મુંબઈમાં રહેતા હતા ત્યારે મારાથી દશ વર્ષ મોટી બહેન નેહાને સુમન જેવી જ સમસ્યા હતી. હું તો ત્યારે સ્કૂલમાં ભણતો હતો. પૈસાની સગવડ હોવા છતાં મારા પપ્પા નેહાને ખુશ કરી શક્યા ન્હોતા. અરે, પપ્પા પાસે તો વિદેશમાં ઑપરેશન કરાવી શકાય તેટલા પૈસા હતા, પરંતુ સમાજ શું કહેશે તેની ચિંતાને કારણે તેમણે નેહાની સગાઈ એક છોકરા સાથે પરાણે કરાવી દીધી હતી. નેહા તારી જેમ તેના થનાર પતિ સમક્ષ સ્પષ્ટતા ન્હોતી કરી શકી અને આખરે લગ્નના બે દિવસ પહેલાં જ તેણે આત્મહત્યા કરી લીધી હતી.’ રૃમમાં ભારેખમ મૌન પથરાઈ ગયું હતું.
‘આન્ટી, એમ સમજોને કે જે અન્યાય પપ્પાએ મારી મોટી બહેન સાથે કર્યો હતો તેનું પ્રાયશ્ચિત્ત કરવા જ હું આ બધું સુમન માટે કરી રહ્યો છું. મારે પપ્પા સાથે સુમન બાબતે વાત થઈ ત્યારે તેમણે પણ મારી ભાવનાને બિરદાવીને કહ્યું હતું કે, સુમન માટે તારાથી બનતું બધું કરી છૂટજે. આ બહાને નેહાને મારાથી જે અન્યાય થઈ ગયો હતો તેનું કાંઈક અંશે પ્રાયશ્ચિત્ત થશે. નેહાના અવસાન બાદ આ વિષયમાં હું ખૂબ ઊંડો ઊતર્યો હતો. થોડો મોટો થયો એટલે મને નેહાની માનસિક મૂંઝવણનો બરોબર તાગ મળી ગયો હતો, પરંતુ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું.
જશોદાબહેન પ્રકાશને વળગીને રડી પડ્યાં. ‘દીકરા, તું તો ખરેખર સુમન માટે દેવદૂત બનીને જ આવ્યો છે. ભગવાન તારું ભલું કરશે. આ એક વિધવા માના અંતરના આશીર્વાદ છે.’
સુમનની આંખમાંથી પણ અશ્રુધારા વહી રહી હતી.
મુંબઈમાં સુમનની સારવાર યુદ્ધના ધોરણે થવા લાગી હતી. બે ઑપરેશન બાદ તો સુમનના નમણા ચહેરા પર હળવી દાઢી અને મૂછ પણ ઊગવા માંડ્યા હતા. એક વાર હૉસ્પિટલના રૃમમાં સુમન એકલો જ હતો. ત્યાં અચાનક પ્રકાશ આવી ચડ્યો હતો. તેણે સુમનની દાઢી પર હાથ ફેરવીને હસતાં હસતાં કહ્યું હતું, ‘યુ આર લુકિંગ હેન્ડસમ બોય.’ સુમન ખુશ થઈ ગયો હતો. તેણે બંને હાથની મુઠ્ઠીઓ વાળીને મજાકમાં પ્રકાશના હાથ સાથે અથડાવી હતી.
‘સુમન, હજુ તો અડધી જ ટ્રીટમેન્ટ થઈ છે. પૂરી થશે તો તું મારી સાથે પંજો લડાવીને મને હરાવી પણ દઈશ.’
‘ભાઈ, મારે તને હરાવવો નથી.’ સુમન હવે પ્રકાશને ભાઈ જ કહેતો હતો. પ્રકાશ સુમનના ગાલે ટપલી મારીને બહાર જવા નીકળી ગયો હતો. તાન્યાને વાત કરતાં કરતાં સુમન પાણી પીવા માટે રોકાયો. પાર્થ પડખું ફરીને ઊંઘી ગયો.
તાન્યાને યાદ આવ્યું કે સત્ત્વ સાથે તે સ્વિત્ઝર્લેન્ડ હનીમૂનમાં ગઈ હતી ત્યારે સત્ત્વએ તેને માહિતી આપી હતી કે પ્રકાશ બિઝનેસના કામે મુંબઈમાં રોકાયો છે. બે વર્ષ બાદ પાર્થના જન્મ સમયે તે હૉસ્પિટલમાં હતી ત્યારે જ પ્રકાશનું ઍરક્રેશમાં અકસ્માતમાં મોત થયાના સમાચાર મળ્યા હતા.
સત્ત્વ એકલો જ લંડન પ્રકાશના બેસણામાં ગયો હતો. સત્ત્વ શિકાગો પરત આવ્યો ત્યારે કેટલાય દિવસો સુધી અપસેટ રહ્યો હતો. એકવાર તો તે એમ પણ બોલી ગયો હતો. ‘તાન્યા, સારું થયું કે પ્રકાશની સાથે તારી પેલી ફ્રેન્ડ સુમનનાં લગ્ન ન્હોતાં થયાં અધરવાઈઝ બિચારીને નાની ઉંમરે આઘાત સહન કરવાનું આવ્યું હોત!’ જોકે તે વાતના આઠ વર્ષ બાદ ખુદ સત્ત્વ જ પ્રકાશ પાસે જતો રહ્યો હતો અને તાન્યાને વૈધવ્યનો યોગ ઊભો થયો હતો.
પાણીના બે ગ્લાસ પીધા બાદ સુમન બોલ્યો, ‘પ્રકાશનું આયુષ્ય જ ઓછું હતું. ભલા માણસોને ભગવાન જલ્દી બોલાવી લેતાં હોય છે. મેં તો મારો મોટો ભાઈ ગુમાવ્યો.’
સુમનની આંખમાંથી આંસુ ટપક્યાં. તાન્યાએ ઊભા થઈને સુમનને ફરીથી પાણી આપ્યું.
‘સુમન, એક વાત પૂછું?’
‘બોલ.’
‘તેં હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા?’
‘તાન્યા, મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધ્યું છે તે વાત સાચી, પરંતુ મારા જેવા જેન્ડર ચેન્જ કરીને બનેલો યુવાન પિતા નથી બની શકતો. નાહકની કોઈની જિંદગી બગાડવી.’
તાન્યા ઊંડા વિચારમાં પડી ગઈ. સુમનની જિંદગી ખરેખર જિગ્સો પઝલ જેવી હતી. ‘સુમન, મારા જીવનની પઝલ ઉકેલવામાં તું મને મદદરૃપ થઈ શકે તેમ છે.’
‘કઈ રીતે?’
સુમન તાન્યાની એકદમ નજીક સરક્યો. સુમને તાન્યાની આંખમાં જોયું. ‘તાન્યા, આખી દુનિયામાં તું એક માત્ર એવી સ્ત્રી છો જે મને સમજી શકે છે.’
‘મતલબ?’
‘તાન્યા, મમ્મીના અવસાન બાદ હું એકલતાનું આકાશ ઓઢીને જીવી રહ્યો છું. મને તારા સહારાની જરૃર છે. જો તું મને અપનાવી લઈશ તો પાર્થને પણ પિતાનો પ્રેમ મળી જશે.’
સુમને તાન્યાના બંને હાથ પકડીને કહ્યું. તાન્યાએ નોંધ્યું કે સુમનના બંને હાથના પંજા પુરુષના પંજા જેવા મજબૂત લાગતા હતા.
‘સુમન, મેં ઑપરેશનમાં શારીરિક યાતના પણ ખૂબ ભોગવી છે. પ્લાસ્ટિક સર્જરીના છેલ્લા ઑપરેશન વખતે તો મને કષ્ટ પણ ખૂબ પડ્યું હતું. જોકે સમય જતાં તે યાતના વિસરાઈ ગઈ અને ખાસ તો હું પીંજરામાંથી મુક્ત થઈ ગયો… આઝાદ થઈ ગયો.’ સુમને તાન્યાના નાજુક હાથને રમાડતાં કહ્યું. તાન્યાને એકાએક સત્ત્વનો સ્પર્શ યાદ આવી ગયો. તાન્યાએ આંખો બંધ કરી દીધી. સુમનનો ચહેરો ધીમે ધીમે તાન્યાના હોઠ પાસે આવી રહ્યો હતો. ત્યાં જ અચાનક પાર્થ બેઠો થઈ ગયો. ‘મમ્મી, આ સુમન અંકલ તારા બોયફ્રેન્ડ છે ને?’
‘હા… પાર્થ, ફ્રોમ ચાઈલ્ડ હુડ હી ઈઝ માય ક્લોઝ ફ્રેન્ડ.’
તાન્યાએ જવાબ આપ્યો.
‘સુમન અંકલ, તમે મમ્મી સાથે લગ્ન કરી લો ને.. મમ્મીને પણ ગમશે.’ પાર્થ નિર્દોષતાપૂર્વક બોલી ઊઠ્યો.
‘પાર્થ તને ગમશે કે નહીં?’ સુમને નાનકડા પાર્થના માથા પર પ્રેમથી હાથ ફેરવીને પૂછ્યું.
‘યસ્સ પપ્પા’ પાર્થ બોલી ઊઠ્યો. ત્રણેય જણા હસી પડ્યાં.
બીજે દિવસે સવારે સુમન અને તાન્યાની એક એક આંગળી પકડીને પાર્થ સોમનાથ મંદિરનાં પગથિયાં ચડી રહ્યો હતો. ત્યારે ખૂબ જ ખુશ હતો. ‘હેં મમ્મી, આ મંદિરમાં જે માગીએ તે બધું જ મળી જાય છે?’
‘હા… દીકરા.’ તાન્યાની બદલે સુમને જવાબ આપ્યો.
તાન્યાએ સુમનની આંખમાં જોયું. સુમનની આંખો હસી રહી હતી. તાન્યા સમજી ગઈ કે સુમને ચોક્કસ અહીં ક્યારેક ને ક્યારેક તાન્યાને પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરી છે.
‘હા… તાન્યા, મેં તને માગી હતી. સોમનાથ ભગવાને તો બોનસમાં મને પાર્થ જેવો દીકરો પણ સાથે આપી દીધો.’ સુમનની આંખમાં ભક્તિનાં આંસુ ઊભરાયાં.
* * *
થોડા દિવસ બાદ અમદાવાદ ઍરપોર્ટ પરથી શિકાગોની ફ્લાઇટ ટેઇક ઓફ થઈ રહી હતી. કૈલાસરાય અને ચંદ્રિકાબહેન તાન્યાના નિર્ણયથી રાજી રાજી હતાં. ટેક્સીમાં બેઠા બાદ કૈલાસરાય કહી રહ્યા હતા… ‘ચંદ્રિકા, આ તો ઈશ્વરે ચમત્કાર જ સર્જયો છે કે આજે સુમન તાન્યાનો પતિ છે.’
જમ્બોજેટમાં પાર્થ બારીની બહાર જોવામાં તલ્લીન થઈ ગયો હતો. તાન્યાએ સુમનના મજબૂત ખભા પર માથું ઢાળી દીધું હતું. તાન્યાનો નાજુક હાથ સુમનના મજબૂત હાથમાં હતો.
‘તાન્યા, સંસ્મરણોની કોઈ એક્સ્પાયરી ડેટ નથી હોતી. અત્યારે બાળપણમાં તારી સાથે ગાળેલી તમામ ક્ષણોની યાદ મને રોમાંચિત કરી રહી છે. આજે હું અને તું પતિપત્ની છીએ.’ જમ્બોજેટ તેજ ગતિએ ‘ભ્રમણા’નાં વાદળોને ચીરતું વાસ્તવિકતાના આકાશમાં ઊડી રહ્યું હતું..!
(સમાપ્ત)
—————————–