આફ્રિકાના દેશોમાં દુનિયાને કેમ રસ પડ્યો છે?

હવે દુનિયામાં આફ્રિકા પ્રત્યેનો ત્રીજો પણ શાંત જુવાળ આવ્યો છે.
  • કવર સ્ટોરી  – વિનોદ પંડ્યા

હવે દુનિયામાં આફ્રિકા પ્રત્યેનો ત્રીજો પણ શાંત જુવાળ આવ્યો છે. દુનિયાને આફ્રિકાનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. આફ્રિકાના નવા મહત્ત્વ સાથે નવાં નવાં રાજદૂતાવાસો ખૂલી રહ્યાં છે. વધુ અને વધુ વડાપ્રધાનો અને રાષ્ટ્ર પ્રમુખો આફ્રિકાની મુલાકાત લઈ રહ્યા છે. વેપારી સંબંધોમાં નવાં સમીકરણો રચાયાં છે, જેમાં ભારતને ફાયદો થયો છે.

‘જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ (ધર્મ પ્રચારકો) આફ્રિકામાં આવ્યા ત્યારે તેઓની પાસે બાઇબલ હતું અને અમારી પાસે જમીન હતી. તેઓએ અમને આંખો બંધ રાખીને પ્રાર્થના કરતાં શિખવાડ્યું. જ્યારે અમે આંખો ખોલીને જોયું ત્યારે અમારા હાથમાં બાઇબલ હતું અને મિશનરીઓ પાસે અમારી જમીન હતી.’ આ પ્રસિદ્ધ શબ્દો કેન્યાના પ્રથમ પ્રમુખ જોમો કેન્યાટાના છે, જેને વખતોવખત દક્ષિણ આફ્રિકાના પાદરી દેશમંડ ટુટુ જેવા અનેક નેતાઓએ ટાંક્યા છે.

કેન્યા ૧૯૬૩માં અંગ્રેજોથી સ્વતંત્ર થયું. બીજા દેશો પણ સ્વતંત્ર થયા. તેઓએ પશ્ચિમની ગોરી પ્રજા પાસેથી એ જમીનો પાછી મેળવી છે. ઝિમ્બાબ્વે, જે અંગ્રેજોના શાસન વખતે રહોડેશિયા તરીકે ઓળખાતું હતું તે સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં સ્વતંત્ર બન્યું, પણ ગોરા જમીનદારોના હક્ક તેણે ૨૦૦૬માં ખતમ કર્યા. ઝિમ્બાબ્વેમાં દસેક લાખ ગોરા નાગરિકો હતા. હવે ખૂબ થોડા બચ્યા છે. તેઓના એક એક કુટુંબ પાસે હજારો એકર જમીન હતી. તેઓ યાંત્રિક પદ્ધતિથી ખેતી કરતા હતા અને આખા આફ્રિકાને અનાજ પૂરું પાડતા હતા. ૨૦૦૬ સુધી ઝિમ્બાબ્વે આફ્રિકાની ‘ફૂડ બાસ્કેટ’ ગણાતું હતું, પરંતુ ગોરા જમીનદારોની જમીન છીનવી લીધા બાદ ખુદ ઝિમ્બાબ્વેને હમણા સુધી અનાજ-પાણીના ફાંફાં પડવા માંડ્યા છે. આવી સ્થિતિ આફ્રિકાના સ્વતંત્ર બનેલા લગભગ તમામ દેશોમાં થઈ, પણ હવે સ્થિતિ સુધરી રહી છે. ક્યાંક બગડી પણ રહી છે. દુનિયા સાથે આફ્રિકાના વેપારવણજ વધ્યાં છે. સ્થાનિક પ્રજા ભૂલો કરીને શિખી રહી છે. ચીન અને ભારતનો આજે સમગ્ર આફ્રિકા સાથે વેપાર વધ્યો છે. આફ્રિકામાં મૂડી રોકાણ પણ વધ્યું છે. આજથી દસ વરસ અગાઉ ચીન આફ્રિકાના દેશો સાથે વરસે દસ અબજ ડૉલરનો ધંધો કરતું હતું. આજે ૨૦૦ અબજ ડૉલરનો કરે છે. કુદરતે આફ્રિકાને લખલૂટ, અમાપ સંપદા આપી છે. સોના, હીરા, તાંબુ, કોલસાના ભંડારો અને ખાણો, જમીન, જંગલો, નદીઓ, સરોવરની કોઈ કમી નથી. યુરેનિયમ અને બીજા અનેક ઔદ્યોગિક ખનીજો પણ પુષ્કળ.

આ લખનાર આજથી દસેક વરસ અગાઉ આફ્રિકા ગયા હતા ત્યારે ગુજરાતીઓના રેસ્ટોરાં, કલબો અને કસીનોમાં ચીની ગ્રાહકો સર્વત્ર જોવા મળતા હતા. ઝામ્બિયાના લુસાકામાં ‘ત્રિવેદી બીઅર’ અને ‘વ્યાસ પબ’ જોવા મળે. પટેલ, લોહાણા, વાણિયા જેવી વેપારી કોમો હવે આફ્રિકા છોડી બ્રિટન, અમેરિકા અને ભારતમાં જતાં રહ્યા છે અને તો પણ આજે આફ્રિકાના દેશોમાં ત્રીસેક લાખ ભારતીયો વસે છે. જોહાનિસબર્ગમાં એક જયેશ સોલંકી નામના સજ્જન મળ્યા હતા. એમની પાંચ પેઢી ઝિમ્બાબ્વેમાં જીવી હતી અને જયેશ સોલંકી ક્યારેય ભારત આવ્યા ન હતા. એમના વડીલો ભારતના ક્યા પ્રદેશમાંથી આફ્રિકા આવ્યા હતા તેની પણ તેમને પાકી ખબર ન હતી. ભાંગ્યું તૂટ્યું ગુજરાતી અંગ્રેજી સાથે બોલતા હતા. નાઈ (વાળંદ) પટેલો, દરજીઓ અને ગુજરાતી મુસ્લિમો નાની દુકાનોથી મોટા સ્ટોર અને બીજા મોટા ધંધાઓ ચલાવતા જોવા મળે. ભારત અને મુંબઈથી તેઓ કાપડ, કપડાં, દવાઓ, મશીન પાર્ટ્સ અને સાઇકલોની આયાત કરતા હતા, પણ હવે ચીનનો માલ વધુ આયાત થાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જૈનો, લોહાણા, ખોજાઓ, વહોરાઓ, મેર, ગઢવી, બ્રાહ્મણો, ચરોતર, ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પટેલો, અનાવિલ દેસાઈ બ્રાહ્મણો, સુરતીઓ મોટી સંખ્યામાં આફ્રિકામાં સ્થાયી થયા હતા. કેન્યાનું નૈરોબી લોહાણાઓનો ગઢ બની ગયું હતું. કેન્યા ઉપરાંત પડોશના તાન્ઝાનિયા અને યુગાન્ડામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ સ્થાયી થયા હતા. અંગ્રેજોના સમયમાં સરકારી નોકરીઓમાં હિન્દીઓ અને તેમાંય ગુજરાતીઓની ભરતી સવિશેષ થતી હતી. નૈરોબીની બજારોમાં ગુજરાતીઓની જ દુકાનો હતી. રસ્તાનાં નામોનાં પાટિયાં પણ ગુજરાતીમાં લખવામાં આવતા. સ્થાનિક ચલણ પર ગુજરાતી લખાણ રહેતું. ખુદ અંગ્રેજો કેન્યાને ‘હિન્દુ અમેરિકા’ તરીકે ઓળખાવતા હતા. દારેસલામમાં ખોજાઓ બેન્કિંગના વ્યવસાયમાં આગળ હતા. જામનગર જિલ્લાના જૈનો ટેક્સ્ટાઇલની મિલો ચલાવતા હતા. હમણાના વરસોમાં કેન્યામાં મકાન બાંધકામમાં તેજી હતી ત્યારે સૌરાષ્ટ્રના અમુક પટેલ કુટુંબો ત્યાં જઈને વસ્યા છે, પણ ગુજરાતીઓની જે જૂની બોલબાલા હતી તે રહી નથી. પશ્ચિમ આફ્રિકાના યુગાન્ડા, કેન્યા, તાન્ઝાનિયામાં માધવાણી, મહેતા (નાનજી કાળીદાસ), નથવાણી કુટુંબો વિશાળ ઔદ્યોગિક હાઉસો બની ગયા હતા. મુમતાઝને પરણેલા મયૂર માધવાણી તેમાંના એક છે.

નાનજી કાળીદાસની અનેક સ્યુગર અને સિમેન્ટ મિલો આફ્રિકામાં હતી. એ કુટુંબના જય મહેતા જુહી ચાવલાને પરણ્યા છે. નથવાણી કુટુંબના એક સભ્ય મૉડેલ મેનકા ભાટિયાને પરણ્યા હતા અને પાછળથી ખૂબ પછતાયા હતા. શેખર મહેતા આફ્રિકન સફારી નામની જંગલ, પર્વતોમાંથી પસાર થતી મોટરકાર રેસમાં મોટું નામ કમાયા હતા. મહેતા કુટુંબ પોરબંદર નજીકનું લોહાણા કુટુંબ હતું અને તેઓની મૂળ અટલ બદિયાણી હતી. આફ્રિકામાં સ્થાયી થયેલા ગુજરાતીઓને બોલિવૂડનો ખૂબ ચસકો હતો. આફ્રિકામાં અનેક હિન્દી મૂવીનાં થિયેટરો હતાં. કેન્યાના શરદ પટેલે યુગાન્ડાના ઈદી અમીનના તરંગી અને ક્રૂર જીવન પર ‘રાઈઝ એન્ડ ફોલ ઓફ ઈદી અમીન’ શીર્ષકથી ફિલ્મ બનાવી હતી જે દુનિયાભરમાં ખૂબ સફળ થઈ હતી. ઈદી અમીને સિત્તેરના દાયકામાં ગુજરાતીઓ અને હિન્દીઓને યુગાન્ડામાંથી પહેરેલા લૂગડે કાઢી મૂક્યા હતા. એક ધનાઢ્ય ગુજરાતી કુટુંબના એક વિધવા સાથે ઈદી અમીન ધરાર લગ્ન કરવા માગતો હતો જેથી એ સંપત્તિનો માલિક બની જાય. પરિણામે એ કુટુંબને ખૂબ જ માનસિક અને રાજકીય ત્રાસ આપ્યો હતો, પણ કુટુંબ ટસથી મસ ના થયું. ઈદી અમીન યુગાન્ડાનો લશ્કરી સરમુખત્યાર બન્યો હતો. ગુજરાતીઓ અને હિન્દીઓ પાસે યુકેના પાસપોર્ટ હતા. કેટલાક યુકે જઈને વસ્યા અને કેટલાક ભારતમાં આવી ગયા. મર્સિડિઝ ગાડીઓ ઍરપોર્ટ પર રેઢી છોડીને તેઓ યુગાન્ડામાંથી નીકળી ગયા. આ ઘટનાની સમગ્ર આફ્રિકાના હિન્દીઓ પર ખૂબ અસર પડી. યુગાન્ડાના વેપાર ધંધાઓ, ઉદ્યોગો ભાંગી ગયા. દેશ કંગાળ બની ગયો. ગુજરાતીઓને ફરીથી તેડાવાયાં. તેઓની જમીન જાયદાદો પાછી સોંપવામાં આવી, પણ પહેલાં જેવી મજા અને વિશ્વાસ રહ્યાં નથી. મોટા ભાગનાં પાછાં ફર્યાં જ નહીં. પડોશના કેન્યામાંથી પણ ગુજરાતીઓ વિદેશોમાં ખસવા માંડ્યા. લાખો લોકો બ્રિટન જવા તૈયાર હતા, કારણ કે તેઓ પાસે બ્રિટનના પાસપોર્ટ હતા, પણ અંગ્રેજોએ દર વરસે માત્ર ૧૫૦૦ જણને સ્વીકારવાની નીતિ અપનાવી. વરસોથી દર વરસે ૧૫૦૦ જણની યાદી બહાર પડાય છે તેની ગુજરાતીઓ કાગડોળે રાહ જુએ છે. જેઓનાં નામ યાદીમાં હોય તેઓના  ઘરે પાર્ટીઓ યોજાય છે. સગાંવહાલાંઓ અભિનંદન આપવા આવે છે.

બ્રિટને હવે કેન્યાના નાગરિકોને સ્વીકારવાની સંખ્યા વધારી છે. દર વરસે ત્રણ હજારને પરમિટ મળે છે. આ ઝડપે આગળ વધાશે તો પણ કેન્યાના તમામ ગુજરાતી, હિન્દી નાગરિકોનું લિસ્ટ ક્લીઅર થતાં હજી બીજા દસ વરસ લાગી જશે એવી ગણતરી છે. ઘણા લોકોએ આફ્રિકામાં ઘણી સંપત્તિ વસાવી છે. ઝામ્બિયાના લિવિંગ્સ્ટન ખાતે દુનિયાનો સૌથી મોટો કંદરા ધોધ છે જે વિક્ટોરિયા ફોલ્સ તરીકે ઓળખાય છે. લિવિંગ્સ્ટનમાં ગુજરાતીઓની સંખ્યા મોટી છે. ગુજરાતી સમાજનું એક મકાન છે. ત્યાં એક અનાવિલ દેસાઈ આ લખનારને મળ્યા હતા, જેમની પાસે હજારો એકર જમીન હતી. મોઝામ્બિકમાં એક ભયાનક ગણાતા વિસ્તારમાં એક લોહાણા સદગૃહસ્થ એક સ્ટોર ચલાવતા હતા. આઠેક વરસ પહેલાંની વાત છે. આ લખનારે એમને પૂછ્યું કે તમને અહીં ડર નથી લાગતો? જવાબમાં એમણે કહ્યું, ‘ડર તો લાગે, પણ આવી સ્થિતિ હોય ત્યાં જ પૈસા વધુ રળી શકાય.’ કચ્છી પટેલો હોય, જામનગરના જૈનો હોય, પોરબંદર, રાજકોટ અને અમરેલીના લોહાણાઓ હોય, ખોજા હોય કે ચરોતર, સુરત, નવસારી અને બારડોલીના પટેલો હોય કે અનાવિલો હોય, મોચી કે નાઈ સમાજ હોય કે ભરૃચ અને સુરતના મુસ્લિમો હોય, એ બધા આફ્રિકા જઈને સુખી થયા. બે પાંદડે થયા અને હવે આફ્રિકામાંથી નીકળી વિશ્વભરમાં ફેલાઈ ગયા છે. એવું નથી કે આફ્રિકામાં નવેસરથી કોઈ જતું નથી. સૌરાષ્ટ્રના એક પટેલ બિલ્ડરે કેન્યામાં હમણા જ એક સુંદર અને વિશાળ મકાન બનાવ્યું છે. તેનો ગૃહપ્રવેશ વિધિ આજકાલમાં છે, તેમાં હાજરી આપવા ગુજરાતમાંથી ઘણા લોકો જઈ રહ્યા છે. ભારતમાંથી હમણાનાં વરસોમાં ગયેલા સોફ્ટવેર એન્જિનિયરો અને ડૉક્ટરો વગેરે પણ આફ્રિકાનાં શહેરોમાં મળી જાય. કાગડા બધે કાળા હોય તે કહેવત ઝામ્બિયામાં ખોટી પડે. ત્યાં તમને આખી સફેદ ડોકવાળા સહેજ મોટા કદના કાગડા જોવા મળે.

આફ્રિકાના બધા જ દેશો કહેવામાં આવે છે એટલા અસલામત નથી. છતાં સાવ સલામત પણ નથી. વિદેશીઓને વધુ અસલામતી લાગે, એટલી ભારતના લોકોને ના લાગે. ગુજરાતીઓ પણ વધુ અસલામતી અનુભવે, પણ ડહાપણ વાપરીને ટકી જાય. સ્થાનિક કાળી પ્રજામાં એવા સારા લોકો પણ છે જે ગુજરાતીઓ સાથે રહેવામાં આનંદ અનુભવે છે. અનેક કાળાઓ ગુજરાતીઓની માફક ગુજરાતી બોલે. રસોઈ બનાવે અને ખાય. શાકાહારને પસંદ કરતા થયા. નૈરોબી કે મોમ્બાસાની ગલીઓમાં અનેક મંદિરો અને સંપ્રદાયોનાં સ્થાનકો છે. ગુજરાતીઓ સ્વાહીલી બોલે. ઘણા ગુજરાતીઓ કાળી સ્ત્રીઓને પરણ્યા છે. મિશ્ર જાતિનાં એમનાં સંતાનો સુંદર દેખાય છે. આ લખનારનું મૂળ ગામ અમરેલી જિલ્લામાં. ગામમાં લોહાણાઓ મોટી સંખ્યામાં હતા. ઘણા આફ્રિકામાં સ્થાયી થયા હતા. તેઓના વૃદ્ધો જીવનની સંધ્યા ટાણે ગામમાં પાછા ફર્યા હતા. તેઓ આપસમાં સ્વાહિલી ભાષામાં વાત કરતાં. સ્વાહિલી ભાષામાં દુકાન, સાબુ, દવા જેવા અનેક ગુજરાતી શબ્દો કાયમ માટે સ્થાન પામ્યા છે.

સમય, ઇતિહાસ અને માણસોના મિજાજ બદલાતા રહે છે. આ એ જ કેન્યા છે જ્યાં પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના પિતા જન્મ્યા હતા અને જિંદગી ગુજારી હતી. એક પ્રમાણિક, તેજસ્વી અને માયાળુ રાષ્ટ્ર્પ્રમુખ તરીકે ઓબામા દરેકને યાદ રહેશે. ઓબામાનો એક સ્ટેપ બ્રધર આજે નૈરોબીના સ્લમમાં રહે છે. અંગ્રેજોથી આઝાદી મેળવ્યા બાદ મુંબઈ શહેરને ઘણી પ્રારંભિક બીમારીઓ લાગુ પડી તેમ નૈરોબીને પણ લાગુ પડી છે. આફ્રિકાના દેશોમાં કરપ્શન અને ગેરવ્યવસ્થા ચરમસીમા પર છે, પરંતુ તેનો સામનો કરતાં કરતાં પણ ઘણા આફ્રિકી દેશો પ્રગતિ કરી રહ્યા છે. ભારતીય ઉદ્યોગપતિઓએ આફ્રિકાના ઘણા સેક્ટરોમાં મૂડી રોકાણ કર્યું છે. સંબંધોનો એક નવો અને બીજો તબક્કો શરૃ થયો છે.

નૈરોબી આધુનિક શહેર છે. કેન્યાનું પાટનગર છે. હમણા થોડાં વરસોથી ઇસ્લામિક ત્રાસવાદનો શિકાર બનતું રહે છે. શોપિંગ મૉલમાં અને બીજા સ્થળોએ ત્રાસવાદી હુમલાઓમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા છે. આ સંદર્ભમાં પૂર્વ, દક્ષિણ તેમજ પશ્ચિમ આફ્રિકાના રાષ્ટ્રોના બનેલા ‘આફ્રિકન યુનિયને’ ભારત સાથે સંરક્ષણ સમજૂતીઓને મજબૂત રૃપ આપવાની હિમાયત ગયા સપ્તાહે જ નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સમક્ષ આગળ ધપાવી હતી. ભારતે ઇથિયોપિયા, સુદાન અને સોમાલિયા જેવા દેશોને દરિયાઈ ચાંચિયાઓ અને ત્રાસવાદીઓથી નિસ્વાર્થભાવે સંરક્ષણ પૂરું પાડ્યું છે. કેન્યા અને તાન્ઝાનિયા પણ અરબી સમુદ્રને કાંઠે આવેલા દેશો છે. આ દેશોની માગણી છે કે ભારત તેઓના દેશમાં જઈ ત્યાંની સરકારી સેનાઓને સંરક્ષણની તાલીમ આપે. ભારત ઝામ્બિયા, નાઇજિરિયા, ઘાના, ઇથિયોપિયા, બોત્સવાના, યુગાન્ડા, નામિબિયા અને મોઝામ્બિક સાથે સંરક્ષણ સમજૂતીઓ ધરાવે છે. હવે ભારત કેન્યા અને બીજા દેશોને પણ એ સમજૂતીઓમાં દાખલ કરવા માગે છે. આફ્રિકાના દેશો સંસ્થાનવાદમાંથી મુક્ત થયા બાદ ભારતે ઇથિયોપિયામાં મિલિટરી એકેડેમી સ્થાપવામાં પૂરેપૂરી મદદ કરી હતી. નાઇજિરિયામાં એક ડિફેન્સ કૉલેજ અને નેવલ વૉર કૉલેજ, ઘાનામાં હવાઈ દળની રચના તેમજ બીજા દેશોમાં કેટલીક મહત્ત્વની સંરક્ષણ સંસ્થાઓ ઊભી કરવામાં ભારતે પ્રમુખ અને સક્રિય ભૂમિકા ભજવી છે. નાઇજિરિયાના લશ્કરી વડાઓ સહિત બીજા ઘણા દેશોના લશ્કરી અધિકારીઓએ ભારતમાં તાલીમ લીધી છે. ભારત ખાતેના આફ્રિકી દેશોના રાજદૂતોનું એક સંગઠન છે જે ‘આફ્રિકન હેડ્સ ઓફ મિશન્સ’ તરીકે ઓળખાય છે અને તેના ઉપક્રમે ‘ઇન્ડિયા આફ્રિકા ફોરમ સમિટ (આઈએએફએસ) નામની એક પેટા સમિતિ પણ કાર્યરત છે, જે ભારત અને આફ્રિકાના સંબંધોને વધુ મજબૂત બનાવી રહી છે.

આફ્રિકામાં હવે દુનિયાને નવેસરથી રસ પડી રહ્યો છે. ભારતના પૂર્વ આફ્રિકા સાથે સદીઓ જૂના સંબંધો હતા. અંગ્રેજો અને યુરોપિયન સંસ્થાનવાદીઓ આફ્રિકા અને ભારતમાં આવ્યા તે અગાઉ ભારતના પશ્ચિમ દરિયાકાંઠા અને આફ્રિકાના પૂર્વ દરિયાકાંઠાના લોકો વચ્ચે આવનજાવન અને વેપાર થતો હતો. સન ૧૪૯૨માં વાસ્કો ડી ગામા ભારતની તલાશમાં પૂર્વ આફ્રિકાના કાંઠે આવી પહોંચ્યો ત્યારે એણે કેન્યાના માલિન્દી બંદર ખાતે ગુજરાતી વહાણવટીઓની મદદ લીધી હતી. કાનજી નામના ખંભાતના માલમે વાસ્કોને કાલીકર જવાનો માર્ગ બતાવ્યો હતો. આરબો, યહૂદીઓ અને ઈરાનીઓ હજારો વરસથી દરિયાઈ માર્ગે ભારત આવતા હતા. તેથી ભારત અને આફ્રિકા વચ્ચેનો આ કોમન સમુદ્ર અરબી સમુદ્ર કહેવાયો. બારમી સદીમાં સિરિયાના ખ્રિસ્તીઓએ કેરળમાં આવી ખ્રિસ્તી ધર્મ ફેલાવ્યો હતો જેના અનુયાયીઓ આજે સિરિયન ક્રિશ્ચિયન તરીકે ઓળખાય છે. બે હજાર પૂર્વે કેરળ, મહારાષ્ટ્ર અને સુરતમાં યહૂદીઓ આવીને સ્થાયી થયા હતા. તેમાંના કેટલાક કોંકણસ્થ બ્રાહ્મણો બની ગયા, પણ તેઓની માંજરી અને ભૂરી આંખો આજે પણ માંજરી અને ભૂરી છે. ગુજરાતના કાંઠે ૧૪૦૦ વરસથી પારસીઓ આવીને વસ્યા તેનો વિષ્ણુ પુરાણમાં પણ ઉલ્લેખ છે. સન ૧૮૦૦ બાદ પૂર્વ આફ્રિકાનાં બંદરો પર ભારતીય વેપારીઓ વસવા માંડ્યા હતા. મસ્કત અને ઓમાનના સુલતાન સૈયદ બિન સુલતાને ભારતીયોને વેપાર કરવાની વિશેષ છૂટછાટો આપી હતી. કચ્છના ભાટિયા કુટુંબો તે વખતે આફ્રિકા અને મિડલ ઈસ્ટમાં સ્થાયી થયા હતા. તેઓએ બહેરીનમાં ૨૦૦ વરસ પૂર્વે હવેલી ચણાવી હતી તેના જીર્ણોદ્ધારની વિધિનો હમણા જ વડાપ્રધાને બહેરીન ગયા ત્યારે પ્રારંભ કર્યો. કેટલાક કચ્છીઓ આફ્રિકામાં ગુલામોના વેપાર સાથે સંકળાયેલા હતા. આફ્રિકન હબસી અથવા સીદીઓએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નાનાં રજવાડાં સ્થાપ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં જાફરાબાદ, સુરત નજીક સચિન અને મુંબઈ નજીક ઝંઝીરામાં સીદી રજવાડાંઓ હતાં અને ભારતને આઝાદી મળી ત્યાં સુધી અસ્તિત્વમાં હતાં. તેઓના સીદી બાદશાહો મુસ્લિમો હતા, પણ કર્ણાટકમાં આવેલા સીદીઓ હિન્દુ બની ગયા અને આજે પણ છે.

આ હતી ભારત અને આફ્રિકા વચ્ચેના પ્રાચીન સંબંધોની એક આછી ઝલક. આફ્રિકા ખંડમાં ૫૪ દેશો છે. જેમાંના ઉત્તર આફ્રિકાના સાતથી આઠ દેશો આરબ દેશો છે. બાકીના દેશો સહારાથી દક્ષિણે આવેલા સબ સહારાન દેશો છે જેમાં મુખ્યત્વે કાળી પ્રજા વસે છે. આરબ અને સબસહારાન દેશો જ્યાં મળે તેવા સુદાન, ઇથિયોપિયા જેવા દેશોમાં આરબ અને કાળી પ્રજાની મિશ્ર જાતિ પેદા થઈ છે, તેઓ કાળા હોય તો પણ ખૂબ નમણા હોય. અહીં પેદા થયેલી કાળી સ્ત્રીઓ દુનિયામાં મૉડેલિંગમાં ખૂબ નામ કમાઈ રહી છે. એ લોકો દોડવામાં અને એથ્લેટિક્સમાં પણ ખૂબ પાવરધા હોય છે. મેરેથોન કે અન્ય ઑલિમ્પિક્સ દોડમાં કેન્યાનાં સ્ત્રી-પુરુષો પણ આગળ હોય છે. દુનિયાની તમામ માનવજાતિના મૂળ સબ સહારાન આફ્રિકામાં છે તેમ વિજ્ઞાનીઓ કહે છે, પણ દુનિયાની બીજી પ્રજા વિકસી એટલી આફ્રિકન પ્રજા વિકસી નથી. હજી ૧૫૦થી ૨૦૦ વરસ પૂર્વે માનવભક્ષ આફ્રિકનોમાં સામાન્ય વાત ગણાતી હતી. તે હિસાબે ૨૦૦ વરસમાં ઘણી પ્રગતિ કરી છે. આફ્રિકા દુનિયાનો બીજા ક્રમનો ખંડ છે. દક્ષિણ આફ્રિકામાં ગઈ સદીના અંત સુધી ગોરી પ્રજાનું શાસન હતું. હવે કોઈ દેશ પર ગોરાઓનું રાજ નથી. ૧૯૬૦ બાદ આફ્રિકન દેશો આઝાદ થવા માંડ્યા તેમ તેમ સોવિયેત સંઘ અને અમેરિકા વચ્ચેના શીતયુદ્ધની ઝપેટમાં આવવા માંડ્યા. સોવિયેત યુનિયને માર્ક્સવાદી આપખુદોને ટેકો આપવા માંડ્યો અને અમેરિકાને એવા શાસકો પસંદ હતા જેઓ મૂડીવાદમાં આસ્થા જાહેર કરતા હતા. પરિણામે આફ્રિકામાં અંગોલા જેવા લાંબા આંતરિક યુદ્ધો થયાં. ઈદી અમીન ફૂટી નીકળ્યા અને આફ્રિકાને લગભગ ૫૫ વરસ સ્થિર થવા દીધું નહીં. હજી ચાડ, ઘાના, નાઇજિરિયા, રોબોન, સિએરા લીઓન વગેરેમાં કશ્મકશો ચાલતી રહે છે. ઇથિયોપિયા, સોમાલિયા અને સુદાનની વાત જ નહીં પૂછવાની!

હવે દુનિયામાં આફ્રિકા પ્રત્યેનો ત્રીજો પણ શાંત જુવાળ આવ્યો છે. દુનિયાને આફ્રિકાનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. વિશાળ આફ્રિકાના ૫૪ દેશો છે, પણ તેની વસતિ ચીન કરતાં ઓછી અને ભારતની લગોલગ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની આગાહી મુજબ ૨૦૨૫ સુધીમાં સમગ્ર આફ્રિકાની વસતિ ચીનની વસતિ કરતાં આગળ નીકળી જશે. આજે દુનિયાના તમામ વિકસિત અને વિકાસશીલ દેશો આફ્રિકાના દેશો સાથે રાજકીય, વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધો બાંધવા માટે તત્પર થયા છે. આ સ્થિતિ આફ્રિકામાં અનેક નવી તકો પેદા કરી રહી છે. દુનિયાનાં મોટાં ઉદ્યોગ ગૃહો આફ્રિકા પહોંચી રહ્યાં છે. આફ્રિકનો આ તકનો સદ્ઉપયોગ કરશે તો તેમાં દુનિયા કરતાં આફ્રિકનોનું વધુ ભલું થશે.

સોમાલિયા અને ઇથિયોપિયાની નજીક એડનના અખાતમાં આવેલા નાનકડા જીબુટી દેશમાં ખારોપાટ ફેલાયેલો છે. આ પ્રદેશને આફ્રિકાનું શિંગડું (હૉર્ન ઓફ આફ્રિકા) પણ કહે છે. એ જમીન પર ચીને લશ્કરી છાવણી બાંધ્યા બાદ તમામ મોટા દેશોએ ત્યાં જવાની હોડ આદરી. દુનિયાના કુલ વહાણવટા અને દરિયાઈ જહાજોના ટ્રાફિકના ત્રીજા ભાગનાં જહાજો જીબુટી બંદર નજીકથી પસાર થાય છે. તેના પાટનગરનું નામ પણ જીબુટી છે. ત્યાં દુનિયાના લગભગ તમામ દેશોના લોકો જોવા મળે છે. દરિયાકાંઠા નજીક ચીન, જાપાન, ફ્રાન્સ અને ઇટલીએ લશ્કરી થાણાઓ બાંધ્યાં છે. નજીકના કેમ્પ લેમોનીઅર ખાતે આફ્રિકામાંનું અમેરિકાનું એકમાત્ર કાયમી લશ્કરી થાણુ આવેલું છે. થાણાની નજીક ઍરપોર્ટ છે. આ થાણા કંઈ પોલીસ થાણા જેવા નથી. એક એક થાણુ અનેક ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હોય. ત્યાંથી થોડે દૂર ઉત્તરમાં ચીનનું થાણુ છે. જીબુટી ખાતે હવે ભારત અને બ્રિટિશ સરકારો પોતપોતાના રાજદૂતાવાસો ખોલવા માગે છે. આગળ લખ્યું તેમ અહીં નજીકના સમુદ્રમાં ભારતીય નૌકાદળ ચોકી પહેરાનું કામ કરે છે, તેથી જીબુટી ખાતે ભારતની રાજકીય હાજરી જરૃરી છે. આ શહેરમાં તુર્કીની એક સંસ્થા ખૂબ વિશાળ મસ્જિદ ચણાવી રહી છે. આકાશમાં ફાઇટર જેટ વિમાનોની ગર્જનાઓ વચ્ચે મસ્જિદના મુએઝીનો બાંગ પોકારતા હશે.

જીબુટી શહેર નાનું છે, પણ તેનું બંદર મલ્ટિ-પર્પઝ છે. ત્યાંથી ઇથિયોપિયા સુધી રેલવે જાય છે. આફ્રિકાનો સૌથી મોટો ફ્રી ટ્રેડ ઝોન અહીં બંધાઈ રહ્યો છે. ચીનની સરકારી કંપનીઓ તે બાંધી રહી છે અને તેઓ જ તેનો વહીવટ કરશે. કોમર્શિયલ જહાજોની સાથે ચીનનાં નૌકાદળનાં જહાજો અહીં લાંગરેલાં જોવાં મળે. દુનિયાની પ્રમુખ મૅનેજમૅન્ટ કન્સલ્ટન્સી મેકકિન્સીના રિપોર્ટ મુજબ આફ્રિકા ખંડના દેશોમાં હાલમાં દસ હજાર જેટલા ચાઇનીઝ ધંધાઓ ધમધમી રહ્યા છે. ચીનની આફ્રિકામાંની આ નાટ્યાત્મક એન્ટ્રીએ ભારતને પણ પ્રોત્સાહન આપ્યું છે. ચીન પોતાની આર્થિક સત્તાનો અને વગનો ઉપયોગ આ પ્રદેશમાં લશ્કરી તાકાત વધારવા માટે કરી રહ્યું છે. તુર્કી અને રશિયા પણ એ જ કામ અહીં કરી રહ્યાં છે.

આફ્રિકાના નવા મહત્ત્વ સાથે નવાં નવાં રાજદૂતાવાસો ખૂલી રહ્યાં છે. ૨૦૧૦થી ૨૦૧૬નાં સાત વરસ દરમિયાન દુનિયાના દેશોએ આફ્રિકામાં કુલ મળીને ૩૨૦ રાજદૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો ખોલ્યાં હતાં. એકલા તુર્કીએ ૨૬ (છવીસ) દૂતાવાસો શરૃ કર્યાં. ગયા વરસે ભારતે જાહેર કર્યું હતું કે, નવાં ૧૮ દૂતાવાસો શરૃ કરાશે. નવી મિટિંગો અને પરિષદોનો ધમધમાટ શરૃ થયો છે. આ વરસે વ્લાદીમિર પુતીન પ્રથમ વખત રશિયા – આફ્રિકા શિખર સંમેલન યોજી રહ્યા છે. ગયા વરસે ચીને બીઇજિંગ ખાતે ‘ફોરમ ઓન આફ્રિકા – ચાઈના કોઑપરેશન’નું આયોજન કર્યું હતું, તેમાં મોટી સંખ્યામાં આફ્રિકી દેશોના નેતાઓએ હાજરી આપી હતી. આવા પ્રકારનાં સંમેલનો જાપાન અને બ્રિટનમાં પણ યોજાયાં છે.

વધુ અને વધુ વડાપ્રધાનો અને રાષ્ટ્ર પ્રમુખો આફ્રિકાની મુલાકાત લઈ રહ્યા છે. ૨૦૧૮ સુધીનાં દસ વરસમાં ચીનના અગ્રણી નેતાઓ ૭૯ વખત આફ્રિકાની મુલાકાતે ગયા હતા. તુર્કીના વડા એરદોગાન ૩૦ વખત જઈ આવ્યા છે. ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુઅલ મેકરોને ૨૦૧૭માં ગાદી સંભાળ્યા બાદ નવ વખત અને નરેન્દ્ર મોદીએ પ્રથમ પાંચ વરસમાં આઠ વખત આફ્રિકી દેશોની મુલાકાત લીધી હતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ કાળા ગાયક કાન્યે વેસ્ટના ચાહક છે. કાન્યે અને એની એની ખૂબસૂરત ગણાતી જગમશહૂર પત્ની કિમ કાર્દાશિયાને અનેક વખત આફ્રિકાની મુલાકાત લીધી છે, પણ ટ્રમ્પ હજી સુધી એક પણ વખત આફ્રિકા ગયા નથી. ઘરઆંગણે કાળી પ્રજામાં અપ્રિય ડોનાલ્ડ ટ્રમ્પને ડર છે કે આફ્રિકનો હૂટિંગ કરશે.

વેપારી સંબંધોમાં નવાં સમીકરણો રચાયાં છે, જેમાં ભારતને ફાયદો થયો છે. વરસ ૨૦૦૬ સુધી આફ્રિકાનો વેપાર મુખ્યત્વે અને અનુક્રમે અમેરિકા, ચીન અને ફ્રાન્સ સાથે હતો, પણ હવે સૌથી વધુ વેપાર ચીન કરે છે અને પછી બીજો ક્રમ ભારતનો આવે છે. ત્રીજા ક્રમે અમેરિકા છે. મતલબ કે અમેરિકા કરતાં પણ આફ્રિકા સાથે ભારત વધુ વેપાર કરે છે. ફ્રાન્સ સાતમા સ્થાને ગયું છે.

વેપાર વૃદ્ધિના પ્રમાણમાં ભારત ચીન કરતાં પણ આગળ રહ્યું છે. ૨૦૦૬થી ૧૮ દરમિયાન ચીનના વેપારમાં ૨૨૬ ટકાની તો ભારતના આફ્રિકા સાથેના વેપારમાં ૨૯૨ ટકાની વૃદ્ધિ થઈ. ભૌગોલિક સમીપતાને કારણે ભારતનો માલ આફ્રિકાને ચીનના માલ કરતાં સસ્તો પડે. ચીન આફ્રિકી દેશો સાથે લશ્કરી સંબંધો વિકસાવી રહ્યું છે. અમેરિકા અને ફ્રાન્સ પણ આફ્રિકામાંની જેહાદી તાકાતો સામે લડવા મોટું લશ્કરી નાણા રોકાણ કરે છે, પરંતુ આફ્રિકાના સબ સહરાન દેશોને સૌથી વધુ શસ્ત્રો ચીન દ્વારા પૂરાં પડાય છે. ૪૫ દેશો સાથે ચીને સંરક્ષણ ટૅક્નોલોજી અંગેના કરારો કર્યા છે. છેલ્લાં પાંચ વરસમાં રશિયાએ ૧૯ દેશો સાથે લશ્કરી કરારો કર્યા છે. આફ્રિકી દેશો રશિયા અને ચીનની સરકારો અને કંપનીઓ સાથે કરારો કરે છે જેમાં આ બંને દેશો પારદર્શિતા અને પ્રમાણિકતાને મહત્ત્વનાં ગણતાં નથી તેથી ભ્રષ્ટાચાર પોષાય છે. આ દેશો આફ્રિકી દેશોને મની પાવરથી વશમાં રાખી યુનોની બેઠકોમાં તેઓની પાસે ધાર્યું કરાવી શકે છે. વિદેશી કંપનીઓ આફ્રિકામાં નવું મૂડી રોકાણ કરે છે. ભારતની ઍરટેલ કંપનીએ આફ્રિકાના મોબાઇલ નેટવર્કમાં મૂડી રોકાણ કર્યું છે. રવાન્ડા અને ઇથિયોપિયા જેવા દેશોમાં ચાઇનીઝ ફેક્ટરીઓ ધમધમતી થઈ છે. તુર્કીશ ઍરલાઇન આફ્રિકાનાં ૫૦ શહેરો સુધી ઊડાન ભરે છે. પરિણામે સન ૨૦૦૦ પછી સબ સહરાન દેશોની જીડીપીમાં ચાલીસ ટકાનો વધારો થયો છે. ચીને કેટલાક ખતરનાક રાષ્ટ્ર પ્રમુખોને અને સરકારોને ખાનગીમાં લોન આપી રાખી છે. ગયા વરસે ત્રણ રશિયન પત્રકારોની સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં હત્યા થઈ હતી. આ દેશ પાસે હીરા, સોના, યુરેનિયમ અને તેલના કુદરતી ભંડારો છે, પણ હંમેશાં યુદ્ધમાં જ વ્યસ્ત રહે છે અને પ્રજા સાવ ગરીબ રહે છે. હીરા ખનન, સીએઆરના પ્રમુખ અને રશિયાના ક્રેમલિનને સાંકળતા કોઈ કૌભાંડની રશિયન પત્રકારો તપાસ કરી રહ્યા હતા ત્યારે માફિયાએ તેઓની હત્યા કરી નાખી હતી.

કેન્યા, તાન્ઝાનિયા જેવા સબ સહરાન દેશોનો વાર્ષિક વિકાસ દર આ વરસે પાંચ ટકા રહેશે તેવી વિશ્વબેન્કની ગણતરી છે. મોબાઇલ ફોનની સંખ્યા અને ડેટાનું લવાજમ હવે પછીનાં પાંચ વરસ સુધી પાંચ ટકાના દરથી વધશે, જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણુ હશે. ૨૦૨૫ સુધીમાં ૩૦ કરોડ આફ્રિકનો ઈન્ટરનેટ વાપરતા હશે. જોકે ગયા વરસે ચીનની એક સરકારી કંપનીએ આફ્રિકામાં એક અબજ અમેરિકી ડૉલર ગુમાવીને હાથ દઝાડ્યા હતા. પછી આફ્રિકામાં મૂડી રોકાણ કરવા બાબતે ચીન સાવધ બની ગયું છે. જીબુટીથી ઇથિયોપિયા સુધીની રેલલાઈનના મૂડી રોકાણમાં સાઇનોસ્યોર નામની ચીની વીમા કંપનીએ આ રકમ માંડવાળી કરવી પડી હતી. કેન્યા અને ગુજરાતીઓના સંબંધોનો ઇતિહાસ વિસ્તૃત અને ઉજ્જ્વળ છે. કેન્યાએ અનેક ગુજરાતી અને હિન્દી બિઝનેસમેન દુનિયાને આપ્યા. હાલમાં હોલિવૂડના પ્રસિદ્ધ એક્ટર દેવ પટેલ મૂળ નૈરોબીના છે. ભારતની રિઝર્વ બેન્કના હમણા સુધી ગવર્નર હતા તે ઊર્જિત પટેલ કેન્યામાં જન્મ્યા અને ભણ્યા હતા. રતન ટાટા સાથેની ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગ થકી જાણીતાં બનેલાં નીરા રાડિયા પણ મૂળ નૈરોબીનાં. મૂળ એ નીરા શર્મા હતાં, પણ રાડિયા અટકધારી ગુજરાતી લોહાણાને પરણ્યાં હતાં. નૈરોબી અને કેન્યામાં સફળ થયેલા ગુજરાતી બિઝનેસમેનોની એક મોટી લાંબી યાદી થાય. અનેક લેખકો અને પત્રકારો, ચળવળકારો અને સંગીતકારો ગુજરાતી સમાજમાં પેદા થયા હતા. ત્યાં સુધી કે નૈરોબીને ગુજરાતીઓનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાવી શકાય. કેન્યા નજીકના ઝાંઝીબારમાં વલસાડનું એક પારસી કુટુંબ જઈને વસ્ય્ું હતું. તેમને એક દીકરો હતો. નામ ફરોખ બલસારા. બાળપણમાં એ પંચગીનીમાં ભણ્યો. એ ચાર સપ્તકમાં ગાઈ શકતો. પિયાનો પર તેને બાળપણથી અદ્ભુત ફાવટ હતી. ૧૯૬૩માં ઝાંઝીબારમાં તોફાનો થયાં અને ફરોખ અને માતા-પિતા બોમી અને જેર બલસારા લંડન રહેવા ચાલી ગયા. લંડનમાં સંગીત ક્ષેત્રમાં ફરોખે એટલી નામના મેળવી કે ફ્રેડી મરક્યુરી તરીકે એ જગતભરમાં બિટલ્સ અને રોલિંગ સ્ટોન્સ જેટલો જ લોકપ્રિય થયો.

લંડનના કેન્સિંગટન ખાતે ૪૫ વરસની વયે એનું બીમારીથી મરણ થયું. દુનિયાના પ્રથમ હરોળના તમામ ઍવૉર્ડ એને મળ્યા હતા. એના મરણના દસ જેટલાં વરસ બાદ ૨૦૦૨માં બીબીસી દ્વારા દુનિયામાં જન્મેલા સૌથી મહાન એકસો બ્રિટિશરો (બ્રિટોન્સ)નો સર્વે થયો હતો તેમાં ફ્રેડીને ૫૮મો ક્રમ મળ્યો હતો. એમનાં માતા ૨૦૧૬ સુધી હયાત હતાં. ફ્રેડીને આફ્રિકાના ગુજરાતીઓ અને કાળાઓ હજી પણ ખૂબ યાદ કરે છે. કેન્યા આમ તો વિષુવવૃત્તનો ગરમ પ્રદેશ. વિષુવવૃત્ત તેની બિલકુલ મધ્યમાંથી પસાર થાય, પણ જેમ આખું સબ સહરાન આફ્રિકા ખૂબસૂરત છે તેમ વિશાળ સરોવરો અને સમુદ્રકાંઠો ધરાવતું આખું કેન્યા ખૂબસૂરત છે. વન્યજીવો અને જંગલો પારાવાર છે. કુલ વસતિ સાડા ચાર કરોડથી પણ ઓછી છે. જંગલી પ્રાણીઓ અને પશુઓ માટે કેન્યા સ્વર્ગ છે અને તે જોવા નિહાળવા દુનિયાભરના પ્રવાસીઓ કેન્યામાં આવે છે. કેન્યાને પર્યટનમાંથી મોટી કમાણી થાય છે. મસાઈ મારા અને તેના ગૌપાલક ગોવાળો પણ દુનિયામાં પ્રસિદ્ધ છે. કેન્યાની ક્રિકેટ ટીમમાં હમણા સુધી હિન્દુ યા મુસ્લિમ ગુજરાતીઓ જ હતા. દીપક ચુડાસમા, દીપક પટેલ, રાકેશ પટેલ, રવિન્દુ શાહ, નરેન્દ્ર ઠક્કર, આસીફ કરીમ, મહમૂદ કુરેશી વગેરે.  ઘણા ગુજરાતીઓ કેન્યાના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા. કોઈ ક્ષેત્ર એવું ન હતું જેમાં ગુજરાતીઓ આગળ ન હોય. ૧૯૬૨માં કેન્યામાં પોણા બે લાખથી વધુ ગુજરાતીઓ હતા તે ૨૦૦૯ની છેલ્લી વસતી ગણતરીમાં ૮૧ હજાર રહ્યા હતા. એ પૈકીનાં દસ વરસમાં સંખ્યા ઘણી ઘટી ગઈ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ, ૨૦૧૬માં નૈરોબીની મુલાકાતે ગયા ત્યારે હિન્દીઓ અને ગુજરાતીઓને ખાસ મળ્યા હતા. ત્યાર બાદ જુલાઈ ૨૦૧૭માં પ્રમુખ ઉહુરુ કેન્યાટાની સરકારે એશિયન પ્રજાને ખાસ રાહત આપી હતી. એશિયનોને કેન્યાની ૪૪મી ટ્રાઇબ અથવા જાતિ તરીકે માન્યતા આપવામાં આવી હતી. પ્રમુખ ડેનિયલ આરપ મોઈના સમયમાં પણ એશિયનોને ખાસ રંજાડવામાં આવ્યા ન હતા, પણ ૧૯૮૨માં પ્રમુખ મોઈ સામે પ્રજા તોફાને ચડી ત્યારે ગુજરાતીઓ અને એશિયનોની દુકાનો લૂંટી લેવાઈ હતી. સ્ત્રીઓ પર બળાત્કારો થયા હતા, પણ એશિયનોએ પલાયન કર્યું ન હતું, કારણ કે એ તોફાનો એશિયનો વિરુદ્ધનાં ન હતાં.

હાલમાં કેન્યાના પ્રમુખ છે તે ઉહુરુ કેન્યાટા કેન્યાના પ્રથમ પ્રમુખ જોમો કેન્યાટાના પુત્ર છે. એ આફ્રિકાના ચોથા પ્રમુખ છે અને ૨૦૧૩થી પ્રમુખપદે છે. આફ્રિકાના દેશોમાં શણગાર, પ્રસાધન અને તથાકથિત ઔષધો પ્રાપ્ત કરવા માટે હાથી, ચિત્તા, કીડીખાઉ (એન્ટ ઈટર) જેવાં પ્રાણીઓની અમર્યાદ હત્યા કરવામાં આવે છે. બીજા પ્રમુખ આરપ મોઈએ હાથીદાંતના ગંજ સળગાવી દઈને આ હત્યાઓ વિરુદ્ધમાં અભિયાન શરૃ કર્યું હતું તે આજના પ્રમુખ સુધી ચાલુ છે, પણ પ્રાણીઓની હત્યા ઘટવાને બદલે વધી રહી છે. તેમાં ઓટ આવતી નથી. તમે આફ્રિકા અને કેન્યાના સફારી પાર્કને યાદ કરો એટલે નજર સામે જીરાફ, હાથી, ચિત્તા, ગેંડા અને હિપોપોટેમસ હાજર થાય. આ કુદરતી સંપદા બચાવવાના ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે, પણ હજી ઓછા પડે છે.
—————————-

આફ્રિકાનૈરોબીતાન્ઝાનિયાવિનોદ પંડ્યા
Comments (0)
Add Comment