ભારતમાં રાષ્ટ્રવાદ એક સંકુલ સમસ્યા

દેશ ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે, જ્યારે રાષ્ટ્ર વિશેષપણે અમેપણાની ભાવના છે.
ભારતમાં રાષ્ટ્રવાદ એક સંકુલ સમસ્યા
  • સ્વાતંત્ર્ય વિશેષ – વિદ્યુત જોશી

એક અમેરિકન અને એક રશિયન નાગરિક પોતપોતાના રાષ્ટ્રની સર્વોપરિતા પર વાદે ચડ્યા. અમેરિકન નાગરિકે કહ્યું, ‘હું વૉશિંગ્ટન જઈ વ્હાઇટ હાઉસ સામે ઊભો રહી ટ્રમ્પ મુર્દાબાદ બોલી  છું.’ રશિયન નાગરિકે કહ્યું, ‘હું પણ મોસ્કો જઈ પુતિનના નિવાસસ્થાન સામે ઊભો રહી બોલી શકું છું.’ અમેરિકાને પૂછ્યું, ‘શું?’ રશિયન નાગરિકે કહ્યું, ‘ટ્રમ્પ મુર્દાબાદ.’ તમે શું બોલો છો, શું માનો છો, શું કરો છો, કોની તરફેણમાં કે વિરુદ્ધમાં બોલો છો તેના ઉપર તમારી રાષ્ટ્રવાદી ઓળખ નક્કી થાય છે. ભારતમાં કાશ્મીરને લગતી ૩૭૦ (૨) અને (૩) કલમ નાબૂદી અને કાશ્મીરનું પુનર્ગઠન કરતા ઠરાવો સંસદમાંથી પસાર થયા અને ત્યારે જે ચર્ચાઓ થઈ તેણે ભારતમાં રાષ્ટ્રવાદની ચર્ચાને ફરી એક વાર કેન્દ્રસ્થ બનાવી દીધી છે, પરંતુ રાષ્ટ્ર, દેશ, રાજ્ય અને સરકાર વચ્ચે તફાવતો સમજવા જરૃરી છે. રાષ્ટ્ર અને દેશ ક્યારેક સમાનાર્થી તરીકે વપરાય છે અને તમામ વફાદારીઓને એક તરીકે ખપાવી દેવામાં આવે છે, પરંતુ આ વિભાવનાઓનો અર્થ અલગ છે.

દેશ ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે, જ્યારે રાષ્ટ્ર વિશેષપણે અમેપણાની ભાવના છે. દેશને જમીન હોય છે અને દેશભક્તિ શબ્દ રૃઢ થયેલો છે. ૧૯૭૧ પહેલાં આજનું બંગલા દેશ પાકિસ્તાનનો ભાગ હતું ત્યારે તે એક દેશ હતો, પરંતુ બે રાષ્ટ્રો હતા. બીજા વિશ્વયુદ્ધ પછીના પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની બે દેશ હતા, પરંતુ એક રાષ્ટ્ર હતા, એકીકરણ પછી એક દેશ-એક રાષ્ટ્ર બન્યા. ભારત એક દેશ છે, પરંતુ તેને પોતાનું રાષ્ટ્ર ન માનનાર કેટલાક તત્ત્વો અહીં અસ્તિત્વ ધરાવે છે. રાજ્ય એ દેશની સંસ્થા છે. દેશનું શાસન ચલાવવા માટે રાજ્ય હોય છે. અમને ભણાવતા શિક્ષક કહેતા કે રાજ્ય એટલે પ.પ.સ.સ. (પ્રજા, પ્રદેશ, સરકાર અને સાર્વભૌમત્વ). સમાન તત્ત્વો અને હિતો ધરાવતા લોકો થકી રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ બને અને તેમાં નિશ્ચિત પ્રદેશ આવે એટલે દેશ બને. દેશને રાજ્ય હોય અને રાજ્ય ચલાવવા માટે સરકાર હોય. લોકશાહીમાં હું સરકારનો વિરોધ કાયદેસર કરી શકું, પરંતુ રાજ્યનો વિરોધ ન કરી શકું. દેશનો ખ્યાલ ૧૨થી ૧૪ સદી વચ્ચે યુરોપમાં ઉદ્ભવ્યો. દેશ માટે વફાદારી રાખવી કે બલિદાન આપવું એટલે દેશભક્તિ (પેટ્રીઓટિઝમ). પરંતુ રાષ્ટ્રનો ખ્યાલ તો છેક ૧૮મી સદીમાં ઉદ્ભવ્યો. રાષ્ટ્રભક્તિ શબ્દ સામાન્ય રીતે પ્રયોજાતો નથી, રાષ્ટ્રવાદ (નેશનાલિઝમ) શબ્દ રાષ્ટ્રના સમાન હિતોના સંદર્ભમાં પ્રયોજાય છે.

જ્યારે સમાન ઇતિહાસ અને સમાન વારસો ધરાવતો સમુદાય અમેપણાની (તમેપણાની સામે) ભાવના ધરાવતો થાય, પોતાના આર્થિક હિતો માટે અને કર માટે અને આર્થિક વ્યવહારો ચલાવવા માટે, વ્યક્તિ (રાજા)ના શાસનને બદલે સમાન કાનૂનની અથવા તો ‘રૃલ ઓફ લૉ’ની સ્થાપના માટે રાજ્ય સ્થાપે અથવા તો રાજ્ય સ્થાપવા માટેની માગ કરે અને એક ભૌગોલિક સીમામાં સ્થાપિત થાય અથવા સ્થાપિત થવા માગ કરે ત્યારે તે રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. યુરોપમાં મધ્યયુગમાં રાજાશાહી હતી ત્યારે રાજાઓ વચ્ચેની લડાઈમાં તે રાજાની પ્રજા રાજાને અને તેથી કરીને દેશને ટેકો કરતી તેમાંથી

દેશભક્તિ શબ્દ આવ્યો. તે સમયે દેશભક્તિ  એટલે રાજ્યભક્તિ અથવા રાજાભક્તિ. સમય જતા વ્યાપાર વધ્યો, દેશો વચ્ચે વેપાર પણ વધ્યો. કારખાનામાં ઉત્પાદન વધ્યું. આયાતનિકાસ વધ્યા. રાજાશાહીમાં વેપારી હિતોને પ્રાધાન્ય નહોતું મળતું અને દેશભક્તિ-રાજભક્તિને પ્રાધાન્ય મળતું. આથી વેપાર વધે તે માટે જે નિયમો, કર માળખું, સમાન વ્યવસ્થા, સમાન ચલણ, બેન્ક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેની જરૃર માટે સમાનતા ધરાવતા સમુદાયો રાષ્ટ્ર બનવા લાગ્યા. આવા સમુદાયોએ રાજાશાહી સામે લોકશાહીને મહત્ત્વ આપ્યું. ફ્રાન્સની ક્રાંતિ આનું જ્વલંત ઉદાહરણ છે. વ્યાપાર અને ઉદ્યોગોનો વિકાસ થઈ શકે તે માટે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના ત્રણ મૂલ્યો રાષ્ટ્રવાદના કાનૂની માળખાનાં પ્રતીકો બન્યાં. યુરોપમાં ઘણા દેશોમાં રાજાશાહીનું પતન થયું અને લોકશાહી સરકારો આવી. દરેક રાષ્ટ્રને પોતાનું ચલણ, કર માળખું, નિયમો, બજાર તંત્ર, બેન્ક વગેરે સેવાઓ અસ્તિત્વમાં આવ્યા. આમ રાષ્ટ્રવાદ શરૃ થયો. અહીં વેપાર-ઉદ્યોગોને વિકસાવવાની વાત વધુ છે અને રાષ્ટ્રભક્તિની વાત ઓછી છે. આ રાષ્ટ્રવાદનાં પ્રતીકો તરીકે એક ઓળખ, એક ધ્વજ, એક ચલણ, એક રાષ્ટ્ર ગીત, એક હીરો વગેરેનું નિર્માણ થયું. આ બધાં પ્રતીકો સેમ સ્વરૃપે શેઅર કરે તે લોકો એક રાષ્ટ્રના ગણાય.

આ ‘એક’ સમુદાયનો પાયો શું? તે બાબતમાં અલગ-અલગ સિદ્ધાંતો છે. જર્મનીનો રાષ્ટ્રવાદ પ્રજાતિ (રેસ)આધારિત હતો અને હિટલરના સમયમાં જર્મનીની પ્રજાતિ-કોકેસોઈડ રેસ- શુદ્ધ પ્રજાતિ ગણાતી અને તેથી તેઓ જગત પર રાજ કરવા સર્જાયા છે તેમ મનાતું. તે સામે ફ્રાન્સનો રાષ્ટ્રવાદ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ગણાતો. ફ્રાન્સને પોતાની સંસ્કૃતિ પર ગૌરવ હતું. પાકિસ્તાન સામે બાંગ્લાદેશનો રાષ્ટ્રવાદ બંગાળી

સંસ્કૃતિનો રાષ્ટ્રવાદ હતો. તો સ્પેનનો રાષ્ટ્રવાદ અમુક અંશે બ્રિટનની અંગ્રેજી ભાષા સામે ભાષાકીય (એસ્પેરાન્તો) રાષ્ટ્રવાદ હતો. રાષ્ટ્રવાદ સાંસ્થાનિક (કોલોનિયલ) પણ હોઈ શકે. બ્રિટનનો રાષ્ટ્રવાદ સંસ્થાનવાદ પર આધારિત હતો અને કહેવાતું, ‘જીેહ હીદૃીિ જીંજ ર્હ મ્િૈંૈજર ીદ્બૅૈિી.’ જગતભરમાં અંગ્રેજી ભાષા, અંગ્રેજી

સંસ્કૃતિ, ક્રિકેટ, પેન્ટ-શર્ટ પહેરવેશ, કાયદાનું માળખું  વગેરે બાબતો બ્રિટનના સંસ્થાનવાદની અસર છે. બ્રિટનના એક વખતનાં સંસ્થાનો આજે પણ પોતાને કોમન વેલ્થના સભ્યો માને છે. તો મોટા ભાગના આરબ દેશોમાં અને પાકિસ્તાન, ઈરાન જેવા દેશોમાં ધાર્મિક સ્વરૃપનો રાષ્ટ્રવાદ વિકાસ પામ્યો. પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે અને અન્ય સમુદાયોનો ધર્મ કનિષ્ઠ છે તેવી માન્યતામાંથી ધાર્મિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થાય છે. તો રશિયા અને ચીન જેવા દેશોમાં સામ્યવાદી વિચારધારા શ્રેષ્ઠ છે તેવો વિચારધારાકીય રાષ્ટ્રવાદ ઉદ્ભવ્યો. ક્યાંક ધર્મ અને વિચારધારામાં ભેળ-સેળ પણ થઈ જતી જોવા મળે છે. આમ સમુદાયની એકતા કયા સ્વરૃપની હોઈ શકે તે અંગે અનેક સિદ્ધાંતો પ્રવર્તે છે.

હવે સવાલ થાય કે ભારતનો રાષ્ટ્રવાદ કયા પ્રકારનો રાષ્ટ્રવાદ છે? શું ૧૮૫૭નું આંદોલન રાષ્ટ્રવાદી આંદોલન હતું? આ અંગે અનેક મતો પ્રવર્તે છે. જો તે રાષ્ટ્રવાદી આંદોલન હોય તો પણ તે આંશિક અને રાજાશાહી સ્વરૃપનું હતું. અલબત્ત, તે બ્રિટનના સંસ્થાનવાદની સામે હતું તે સ્પષ્ટ છે. પછી ૧૮૮૫થી ૧૯૧૫ સુધીનો સમય આવે છે. કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫માં થઈ. તે સમયની કોંગ્રેસ ભદ્ર અથવા તો ઉચ્ચ વર્ગની કોંગ્રેસ હતી. સામાન્ય વર્ગ તેમાં ભાગીદાર નહોતો. આ ભદ્ર વર્ગીય કોંગ્રેસીઓ બ્રિટિશ સરકારને આવેદન પત્ર આપીને સંતોષ માનતા હતા. ૧૯૧૫માં ગાંધીજી ભારતમાં આવતા તેમણે કોંગ્રેસમાં સામાન્ય લોકોને જોડ્યા અને કિસાન આંદોલનો શરૃ કર્યા. તેમણે સીધી રીતે બ્રિટિશ વસાહતવાદનો વિરોધ કરી અંગ્રેજો ચાલ્યા જાઓનું આંદોલન ચલાવ્યું. આમ ૧૯૧૫થી ૧૯૪૭ સુધીનું આંદોલન વસાહતવાદ  વિરોધી રાષ્ટ્રવાદ હતો તેમ કહી શકાય.

સવાલ સ્વાતંત્ર્ય પછીના રાષ્ટ્રવાદના સ્વરૃપનો હતો. શું ભારત ધાર્મિક રાષ્ટ્રવાદ અપનાવી શકે? અઘરું હતું. ભારતમાં દસેક ધર્મના સમુદાયો વસે છે. જો હિન્દુ રાષ્ટ્રવાદ અપનાવે તો અન્ય ધર્મના લોકો નારાજ થાય.આવી જ રીતે ભાષાકીય રાષ્ટ્રવાદ અપનાવે તો હિન્દીની સામે બીજા પચીસ ભાષાના લોકો ઊભા થઈ જાય. જર્મની જેમ પ્રજાતિ રાષ્ટ્રવાદ એટલે કે આર્ય રાષ્ટ્રવાદ અપનાવે તો ભારતમાં દ્રવિડો, મોંગોલ પ્રજાતિના લોકો, આદિવાસી સ્વરૃપે પ્રોટો ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિના લોકો પણ રહે છે. આમ ભાષા, ધર્મ કે પ્રજાતિના માધ્યમ થકી ભારતના લોકોને રાષ્ટ્રીય સમુદાયમાં જોડવાનું કામ અઘરું હતું. આથી આપણા બંધારણના ઘડવૈયાઓ – બાબાસાહેબ આંબેડકર, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ, કે.એમ. મુન્શી, નહેરુ વગેરે લોકોએ- બહુ ડહાપણથી નક્કી કર્યું કે સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રવાદ માત્ર ભારતીય નાગરિકતાના આધારે નક્કી થઈ શકે.

આ દરમિયાન સામ્યવાદીઓ અને સમાજવાદીઓએ વિચારધારા આધારિત રાષ્ટ્રવાદ ઊભો કરવાની કોશિશ કરી, પરંતુ તેઓ સફળ ન થયા. તો ભાજપે હિન્દુ સંસ્કૃતિના સ્વરૃપનો રાષ્ટ્રવાદ ઊભો કરવાની કોશિશ કરી, પરંતુ સંપૂર્ણ ભારતને તે અપીલ ન કરી શક્યા. કેરળ, બંગાળ, ઓડિશા, પંજાબ, પૂર્વોત્તર પ્રદેશો વગેરેમાં અને જ્યાં ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ અને શીખ લોકો વસે છે ત્યાં તંગદિલી ઊભી થવા લાગી. આથી ભાજપે પણ ‘સબકા સાથ, સબકા વિકાસ’નું સૂત્ર આપવું પડ્યું. આ દરમિયાન ભારતમાં સામાજિક (એથનિક) ઓળખનું રાજકારણ શરૃ થયું છે. અનેક સમુદાયો પોતાની અસ્મિતાને નામે કે જાતિ-જ્ઞાતિના નામે અખિલ ભારતીય સ્તરે સંગઠિત બની રાજકારણમાં પોતાના વિશેષ સમુદાયનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરી રહ્યા છે. અત્યારે પાટીદાર, મરાઠા, જાટ, ક્ષત્રિય, ગુર્જર સામાજિક સમુદાયો આવી કોશિશમાં લાગ્યા છે. આથી ભારતના બંધારણના ઘડવૈયાઓએ જે નાગરિક રાષ્ટ્રવાદનું સર્જન કર્યું હતું તેને અત્યારે અનેક લઘુ પડકારો ઊભા થવાની સ્થિતિ આવી રહી છે. શું ભારતમાં ગુર્જર કાયદો, પાટીદાર ચલણ, મરાઠા રાષ્ટ્રગીત કે હિન્દુ રાષ્ટ્રધ્વજ હોઈ શકે..?
————————————-

ઇતિહાસરાજ્યરાષ્ટ્રભાવનાવિદ્યુત જોશીસ્વતંત્રતા દિન
Comments (0)
Add Comment