રાષ્ટ્રવાદની વિભાવના સાવ અપ્રસ્તુત તો નથી જ

વિશ્વના અન્ય કેટલાક દેશોમાં પણ રાષ્ટ્રવાદનો પ્રભાવ વધી રહ્યાનાં લક્ષણ દેખાય છે.
  • સ્વાતંત્ર્ય વિશેષ – તરુણ દત્તાણી

ભારતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીઓમાં ભાજપના વિજય અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર રચાયા પછી આ સમયગાળા દરમિયાન દેશમાં અવારનવાર રાષ્ટ્રવાદ વિશે ચર્ચા થતી રહે છે. ડાબેરી વિચારના પ્રભાવ હેઠળનો બુદ્ધિજીવી વર્ગ એવું માને છે કે દેશમાં રાષ્ટ્રવાદના ઉછાળા અને પ્રભાવને કારણે ભાજપ વિજયી થાય છે. આ બુદ્ધિજીવી વર્ગનો સતત એવો પ્રયાસ રહ્યો છે કે રાષ્ટ્રવાદના પરિબળને હાનિકારક, સંકુચિત, અલગાવવાદી ગણાવવું. રાષ્ટ્રવાદને જુનવાણી, જડ અને કાલબાહ્ય ગણાવવા સુધીના પ્રયાસ થઈ રહ્યા છે. કેટલાક તેને માનવતા વિરોધી પણ ગણાવે છે, તો કોઈ વળી વિકાસ વિરોધી પરિબળ તરીકે રાષ્ટ્રવાદને વર્ણવે છે. ખરેખર રાષ્ટ્રવાદ એટલી બધી ખરાબ બાબત છે?

રાષ્ટ્રવાદના પ્રભાવને અટકાવવાના અને રાષ્ટ્રવાદને અનિચ્છનીય, હાનિકારક પરિબળ તરીકે વર્ણવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ બૌદ્ધિકોની ચિંતા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. તેમને તો વિશ્વના અન્ય કેટલાક દેશોમાં પણ રાષ્ટ્રવાદનો પ્રભાવ વધી રહ્યાનાં લક્ષણ દેખાય છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય એ પણ અમેરિકન રાષ્ટ્રવાદનું એક સ્વરૃપ માનવામાં આવ્યું છે.

મુદ્દાની વાત એ છે કે બૌદ્ધિકોની ચર્ચા કે વાદ-વિવાદથી રાષ્ટ્રવાદના પ્રભાવને અટકાવી શકાય ખરો? શું રાષ્ટ્રવાદ જેવો વર્ણવવામાં આવે છે એવો ખતરનાક છે?

આ મુદ્દે એક પાયાની વાત એ સમજવાની જરૃર છે કે વિશ્વમાં વિવિધ રાષ્ટ્રોનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી રાષ્ટ્રવાદ પણ રહેશે. યુરોપના દેશોએ સાથે મળીને યુરોપિયન યુનિયનની રચના કરી. તે મુખ્યત્વે અને મહદ્અંશે આર્થિક આધાર પર થઈ હોવા છતાં આજે બ્રિટન તેનાથી અલિપ્ત થવા જઈ રહ્યું છે. બ્રિટનમાં એ માટે લોકમત લેવાયો ત્યારે ત્યાંના લોકો રાષ્ટ્રવાદથી જ દોરવાયા હતા. અલબત્ત, તેમાં બ્રિટનના વ્યાપક આર્થિક હિતોની વાત પણ હતી. કોઈ તેને બ્રિટનના નાગરિકો ગેરમાર્ગે દોરાયાનું પરિણામ પણ કહી શકે, પરંતુ આજે પણ બ્રિટનનો મોટો વર્ગ – કહો કે લગભગ અડધો અડધ પ્રજા યુરોપિયન યુનિયનથી અલગ થઈને પોતાના વિકાસનો માર્ગ નક્કી કરવાના મૂડમાં છે.

યાદ રહે, સમય પ્રમાણે રાષ્ટ્રવાદનું સ્વરૃપ પણ બદલાતું રહે છે. ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન અંગ્રેજોએ ૧૯૦૫માં બંગાળના વિભાજનની વાત કરી ત્યારે ધર્મ-જાતિ આધારિત આ વિભાજનને અટકાવવામાં રાષ્ટ્રીયતાના જુવાળે મોટો ભાગ ભજવ્યો હતો. તેને ભારતમાં રાષ્ટ્રવાદના પ્રથમ આવિર્ભાવ સ્વરૃપે જોવામાં આવે છે અને જો વાત એમ જ હોય તો અહીં રાષ્ટ્રવાદે જોડવાનું કામ કર્યું હતું. તુર્કસ્તાનમાં કમાલ આતા તુર્કે સુધારાની ઝુંબેશ શરૃ કરી તેમાં તુર્કી ઓળખને પ્રાધાન્ય આપવાની વાત મૂળમાં હતી. એ તુર્કી રાષ્ટ્રવાદનું જ સ્વરૃપ હતું. એ સુધારા તરફી હતું. જે સામ્યવાદને રાષ્ટ્રવાદ વિરોધી વિચારધારા તરીકે ગણવામાં આવે છે એ સામ્યવાદી રાષ્ટ્રોને પણ યુદ્ધ જેવા સમયે લોકોમાં રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરવા માટે રાષ્ટ્રવાદનો જ આશ્રય લેવો પડે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સામ્યવાદી સોવિયેત રશિયામાં પણ તેના સૈનિકો અને લોકોમાં જર્મન સેના સામે લડવાનો જુસ્સો ઉત્પન્ન કરવા માટે ત્યાંની દેવી સમાન વોલ્ગા નદીના સોગંદ લેવડાવવામાં આવ્યા હતા. યાદ રહે, ભારતની ગંગા નદીની માફક રશિયામાં વોલ્ગાને અત્યંત પવિત્ર નદી માનવામાં આવે છે અને ત્યાંના લોકો વોલ્ગા પ્રત્યે અપાર આસ્થા ધરાવે છે.

વિશ્વની વર્તમાન આર્થિક વ્યવસ્થાએ અને જનસંચારની આધુનિક ટૅક્નોલોજીએ વિવિધ દેશો વચ્ચે પરસ્પર સંપર્ક અને સંબંધોને ગાઢ બનાવ્યા હોવા છતાં કોઈ દેશ તેની રાષ્ટ્રીય સરહદોમાં બાંધછોડ કરવા તૈયાર થતો નથી. દરેક દેશને પોતાના રાષ્ટ્રીય અસ્તિત્વ અને ઓળખ જાળવી રાખવાની ચિંતા હોય છે. વૈશ્વિક આર્થિક વ્યાપાર વ્યવસ્થામાં પણ હવે જ્યારે અનેક દેશોના આર્થિક હિતો જોખમાઈ રહ્યા છે ત્યારે આ વૈશ્વિક આર્થિક વ્યાપાર વ્યવસ્થા સામે પણ વિદ્રોહના સ્વર ઊઠવા લાગ્યા છે એ પણ એક પ્રકારનો રાષ્ટ્રવાદ છે. રાષ્ટ્રવાદ આખરે તો લોકો માટે એક પ્રકારે રાષ્ટ્રીય ભાવનાના પ્રેરણાસ્ત્રોતનું કામ કરે છે. આ સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રવાદની વિભાવનાને યથાર્થ રીતે સમજવાનું આવશ્યક છે.
————————————–

તરૂણ દત્તાણીરાષ્ટ્રવાદરાષ્ટ્રહીતસ્વતંત્રતા દિન
Comments (0)
Add Comment