રાષ્ટ્રવાદ અને વૈશ્વિકીકરણઃ આઝાદી સામેનો નવો પડકાર

રાષ્ટ્રવાદનું નકારાત્મક પાસું એ છે કે તે ઘણીવાર લોકોમાં સંકુચિતતા ઊભી કરે છે
  • સ્વાતંત્ર્ય વિશેષ – હેમન્તકુમાર શાહ

રાષ્ટ્રવાદ એક વિચારધારા છે કે જેમાં રાષ્ટ્ર સૌથી મહત્ત્વનું છે અને તેમાં વ્યક્તિનું અસ્તિત્વ રાષ્ટ્ર માટે છે, રાષ્ટ્ર છે તો વ્યક્તિ છે એમ સમજવામાં આવે છે. પોતાના દેશ કે રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અને વફાદારીની ભાવના એટલે રાષ્ટ્રવાદ. આ ખ્યાલ તદ્દન નવો ખાસ કરીને ૧૮મી સદીમાં ઊભો થયેલો ખ્યાલ છે કે જેને આધારે ધીમે ધીમે ૨૦મી સદીમાં ભારત સહિતના ગુલામ દેશો આઝાદ થયા. રાષ્ટ્રવાદનું એક વિધાયક પાસું એ છે કે તે લોકોમાં એકતાની લાગણી જન્માવે છે. પોતાના દેશ કે સમાજને માટે કશુંક કરવાની સંવેદના તેમાં ઊભી થાય છે. તે માટે લોકો સંગઠિત પણ થાય છે. ઘણી વાર આર્થિક-સામાજિક વિકાસ માટે પણ લોકો રાષ્ટ્રને નામે અને રાષ્ટ્રભક્તિને નામે પણ સહિયારાપણુ અનુભવે છે.

રાષ્ટ્રવાદનું નકારાત્મક પાસું એ છે કે તે ઘણીવાર લોકોમાં સંકુચિતતા ઊભી કરે છે. પોતાના દેશ પ્રત્યે લોકો એટલો બધો પ્રેમ ધરાવે છે કે પોતે અને પોતાનું રાષ્ટ્ર જ શ્રેષ્ઠ છે એમ લોકો સમજવા માંડે છે અને પરિણામે અન્ય દેશો અને લોકો પ્રત્યે દુશ્મનાવટ જન્મે છે. રાષ્ટ્રવાદ આવી કટ્ટરતાને જન્મ આપે છે ત્યારે તેમાંથી મિથ્યા દેશાભિમાન, હિંસા અને યુદ્ધો આકાર લે છે. તેમાં પછી એમ માનવામાં આવે છે કે દરેક માણસની સૌથી વધુ વફાદારી રાષ્ટ્ર પ્રત્યે છે.

આધુનિક વૈશ્વિકીકરણ આમ જુઓ તો કોલંબસ નવી દુનિયા શોધવા નીકળ્યો ત્યારથી શરૃ થયું હતું, પણ તેણે પોતાનું સ્વરૃપ ૧૯૫૦ના દાયકાથી બદલી નાખ્યું કે જ્યારે વીજાણુ ક્રાંતિની શરૃઆત થઈ. ગઈ સદીના અંતમાં સંચાર ક્ષેત્રે અને પરિવહન ક્ષેત્રે જે ક્રાંતિ થઈ તેણે વૈશ્વિકીકરણને નવો જ વળાંક આપ્યો. તેમાં જે આર્થિક પાસું ઉમેરાયું તેણે જગત બદલી નાખ્યું અને જગતને જોવાની રીત પણ બદલી નાખી.

વૈશ્વિકીકરણની આ પ્રક્રિયા દ્વારા રાજ્ય સામે બહુ મોટો પડકાર ઊભો કરવામાં આવ્યો છે. રાજ્ય એક સંસ્થા તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે શરૃઆતમાં સલામતી તેનું મુખ્ય કાર્ય હતું અને પછી તેમાં વિકાસ અને કલ્યાણનાં કામો ઉમેરાયાં, પણ હવે તેમાં રાષ્ટ્રવાદ ભળે છે. એક તરફ વિકાસ માટે વિદેશી મૂડી તરફ નજર દોડાવાય છે અને બીજી બાજુ રાષ્ટ્રવાદની દુહાઈ દેવામાં આવે છે. આ બંને એકબીજાથી વિરોધી બાબત છે. જેમ કે, એક ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને ગુલામ બનાવી દીધો અને આજે ૨૦૧૭ના આંકડા મુજબ દેશમાં ૪૬૩૦ વિદેશી કંપનીઓ છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ દેશના આર્થિક સાર્વભૌમત્વને આ રીતે ખતમ કરી નાખ્યું છે અને તેનું ભાન પણ સામાન્ય રીતે લોકોને હોતું નથી. ભારતમાં આઝાદી તેથી જ માત્ર રાષ્ટ્રગીત અને ધ્વજવંદનના રિવાજ પૂરતી મર્યાદિત થઈ ગઈ છે. હકીકતમાં સાર્વભૌમત્વનો ખ્યાલ જ વૈશ્વિકીકરણને લીધે જરીપુરાણો થઈ ગયો છે અને રાષ્ટ્રવાદનો ખ્યાલ પણ તેથી જ ઘસાતો જાય છે.

પ્રશ્ન એ છે કે જેઓ આર્થિક રાષ્ટ્રવાદમાં માને છે તેઓ સ્વદેશીમાં માને છે, પણ આજનો સ્વદેશીનો ખયાલ મહાત્મા ગાંધીના સ્વદેશી જેટલો શુદ્ધ નથી. તેમાં વ્યક્તિનું પ્રભુત્વ નથી, પણ કંપનીઓનું વર્ચસ્વ છે. એટલે વિદેશી કંપનીઓનું પ્રભુત્વ ઊભું થતું હોય તો તેની સામે વાંધો હોઈ શકે છે, પણ દેશની કંપનીઓનું વર્ચસ્વ જામતું હોય તેની સામે કોઈને કશો વાંધો હોતો નથી. મહાકાય બહુરાષ્ટ્રીય કંપનીઓ દુનિયા પર વર્ચસ્વ ધરાવે છે અને તેઓ જેમ કહે છે તેમ દુનિયાના દેશોની સરકારો વર્તે છે, તેવા કાનૂનો અને નિયમો બનાવે છે કે જે આ કંપનીઓને વધુ અનુકૂળ આવે તેમ હોય છે.  જેમ કે, ભારતમાં ૨૦૧૫માં સરકારે સંસદમાં જમીન સંપાદન ધારામાં એવા ફેરફારો કરવા માટેના પ્રયાસો કર્યા હતા કે જેથી કંપનીઓને આસાનીથી ખેતીની કે અન્ય જમીનો મળી જાય. દુનિયાની ૬૦,૦૦૦ બહુરાષ્ટ્રીય કંપનીઓમાંથી આશરે ૧૦૦૦ કંપનીઓ એવી છે કે જેઓ દુનિયાના ૧૩૦ દેશોના બજેટ કરતાં વધુ ધંધો ધરાવે છે. તેઓ કહે છે તેમ કાયદા અને નિયમો ઘડાય છે, તેમના લાભ માટે ઘડાય છે. સાર્વભૌમ રાજ્ય એ રીતે સાવ નબળું અને માયકાંગલું પડી ગયું છે.

વૈશ્વિકીકરણનો પાયો બજાર છે અને બજારનો હેતુ નફાનો છે. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રનો વિચાર તેમાં ભાગ્યે જ કરવામાં આવે છે. તેમાં તો જે બજારમાં જે જરૃરી છે અને જે ઇચ્છનીય છે તે જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ વૈશ્વિકીકરણ ‘વસુધૈવ કુટુમ્બકમ’વાળું નથી. એમાં કોઈ કુટુંબ નથી, એમાં માત્ર બધા દેશો, બધા લોકો અને બધાં સંસાધનો બજારમાં છે. સ્વદેશી એ વૈશ્વિકીકરણનો વિરોધી ખ્યાલ છે એમ સમજવામાં આવે છે. આર્થિક વૈશ્વિકીકરણનો માયનો એ છે કે તેમાં વિદેશી નહીં, પણ સ્વદેશી ઉત્પાદનને મહત્ત્વ અપાય, પણ તેમાં સ્વદેશી મહાકાય કંપનીઓ અગત્યની બની જાય છે એનું ધ્યાન રહેતું નથી. એટલે કોઈ વિદેશી શોષણ કરે તેને બદલે સ્વદેશી વ્યક્તિ કે કંપની શોષણ કરે છે, શોષણની પ્રક્રિયા ચાલુ જ રહે છે.

આમ, જ્યારે રાષ્ટ્રવાદની વૈશ્વિકીકરણ સાથે ભેળસેળ થઈ જાય છે ત્યારે રાષ્ટ્રવાદને નામે તથા વિકાસ, રોજગારી, આવક વગેરેને નામે રાજ્ય કંપનીઓને ખોળે બેસી જાય છે. બજાર અને રાજ્ય ભેગાં થઈ જાય છે અને લોકોનું અને દેશનાં સંસાધનોનું શોષણ કરવા માટે તરસે છે, તલપાપડ બને છે. એમાં વળી જ્યારે ધર્મના આધારે રાષ્ટ્રવાદનો ખ્યાલ મજબૂત બનતો જાય છે ત્યારે રાજ્ય, ધર્મ અને બજારની મિલીભગત જન્મે છે. તેની સામે કશું બોલવું એ પણ દેશદ્રોહ બની જાય છે. રાજ્ય અને સરકાર વચ્ચેનો ભેદ આમેય બહુ પાતળો હોય છે અને તે ધર્મને નામે તો સાવ જ ભૂંસાઈ જાય છે. રાજ્ય મનમાની કરે છે અને લોકો પણ તેને વિકાસ અને દેશભક્તિને નામે વાજબી ઠેરવે છે.

વૈશ્વિકીકરણનું આધુનિક ચાલક બળ ‘વિશ્વ વ્યાપાર સંગઠન’ (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન), આઇએમએફ અને વિશ્વ બેંક જેવી સંસ્થાઓ, ધનવાન દેશો અને તેમની તથા ગરીબ દેશોની મહાકાય બહુરાષ્ટ્રીય કંપનીઓ  છે. દુનિયાનું અર્થતંત્ર કેવી રીતે ચાલશે તે આ બધા ભેગા મળીને નક્કી કરે છે. તેમાં લોકોના પ્રતિનિધિઓ નથી, સરકારોના પ્રતિનિધિઓ હોય છે. તેઓ જે નિર્ણયો લે છે તેને આધારે દુનિયાનું અર્થતંત્ર ચાલે છે. જેમ કે, ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદો અને દેશમાં કે દુનિયામાં મળતી આ પ્રકારની પરિષદો એ વાતની સતત યાદ અપાવે છે કે વિકાસ માટે ગમે તેનો ભોગ લઈ શકાય તેમ છે અને લેવામાં પણ આવશે. આ વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં સામાન્ય લોકોનો કચ્ચરઘાણ નીકળી જાય છે. રાષ્ટ્રવાદ તેમને માટે કશું જ નથી. માત્ર નફો હસ્તગત કરવાનું સાધન માત્ર છે. દેશોની સરહદો બહુરાષ્ટ્રીય કંપનીઓને નડતી જ નથી. તેમને માટે નફો જ ચાલક યંત્ર છે કે જે તેમને ઉત્પાદન, ટૅક્નોલોજી અને વપરાશનાં ધોરણો ઘડવા માટે પ્રેરે છે. મૂડીવાદી અર્થતંત્રનો આજ માયનો હતો અને છે અને વૈશ્વિકીકરણ તેને જ અનુસરે છે.

આ અર્થમાં રાષ્ટ્રવાદને નવા વૈશ્વિકીકરણના ખ્યાલ સાથે મૂલવવાની જરૃર છે. માત્ર રાષ્ટ્ર, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદના નારા લગાવવાથી દેશનો કે લોકોનો વિકાસ થતો નથી કે પરમ વૈભવ પ્રાપ્ત પણ થતો નથી, પણ વૈશ્વિકીકરણ દ્વારા જે અન્યાયજનક અને કેન્દ્રીકૃત શાસન વ્યવસ્થાને વાજબી ઠરાવવાના પ્રયાસો થાય છે તેની સામે નાગરિકો દ્વારા પડકાર ફેંકાવો જોઈએ. વૈશ્વિકીકરણથી નાગરિક બજારતંત્રમાં જંતુ જેવો થઈ ગયો છે અને રાષ્ટ્રવાદના ખ્યાલથી માણસ નિર્દય અને ઘાતકી બનતો જાય છે અને રાજ્ય તેને સીધી કે આડકતરી રીતે સમર્થન આપે છે, રાજ્ય પોતે જ એવા કિસ્સામાં છૂમંતર થઈ જાય છે, કારણ કે રાજ્ય તો સ્વભાવે જ ક્રૂર અને નિષ્ઠુર છે. રાજ્ય પોતે જ આવી નિર્દયતા અનેક વાર દેખાડે છે.

વ્યક્તિની સ્વતંત્રતા એ સૌથી મોટું મૂલ્ય છે. રાષ્ટ્રવાદ અને તેને નામે રાષ્ટ્રની સેવા તથા વૈશ્વિકીકરણ બંને ઘણી વાર વ્યક્તિની આઝાદીને બાનમાં લે છે. આ પડકાર ઝીલી લેવો પડશે અને રાજ્યને, બજારને અને માણસને માનવીય ચહેરો આપવો પડશે. તો જ વૈશ્વિકીકરણ દ્વારા વિજ્ઞાન અને ટૅક્નોલોજીના જે લાભો પ્રાપ્ત થઈ શકે તેમ છે તે સૌને પ્રાપ્ત થશે અને સૌના વિશ્વાસ સાથે સૌનો વિકાસ થશે. વૈશ્વિકીકરણ કે રાષ્ટ્રવાદ કોઈની પણ કોઈ પણ કારણસર બાદબાકી કરવા તરફ દોરી જાય તો એ આજે નહીં તો કાલે સર્વનાશ જ આણે.
——————————

આર્થિક કારોબારમુડીવાદરાષ્ટ્રવાદવૈશ્વિકીકરણહેમંતકુમાર શાહ
Comments (0)
Add Comment