એક ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાની ક્ષણે…

આજે કાશ્મીરનું ખરા અર્થમાં ભારત સાથે જોડાણ શક્ય બની રહ્યું છે
  • કવર સ્ટોરી  – તરુણ દત્તાણી

કિશોર અને યુવાવસ્થામાં ઇતિહાસના અભ્યાસક્રમમાંથી ખાસ કરીને સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનાં પ્રકરણોમાંથી પસાર થતી વેળાએ અસંખ્ય યુવાનોએ એવી લાગણી અનુભવી હશે કે આ ઇતિહાસ રચાતો હતો એ વખતે આપણે પણ મોજૂદ હોત તો એ ઇતિહાસ-પુરુષો સાથે કામ કરવાનો, તેમને મળવાનો, ઇતિહાસના સહભાગી બનવાનો અને આમાંનું કશું નહીં તો આખરે ઇતિહાસના સાક્ષી બનવાનો અવસર મેળવી શક્યા હોત. ઇતિહાસના સહભાગી કે સાક્ષી બનવાની તક મળવી એ જીવનનું સૌભાગ્ય ગણાતું હોય તો આજે આપણે સૌ ભાવી ભારતીય ઇતિહાસની એક એવી ઘટનાના સાક્ષી બની રહ્યા છીએ ત્યારે આપણી લાગણી અને અનુભૂતિ કેવી છે? પ્રત્યેક વ્યક્તિ તેને વ્યક્ત કરી નહીં શકે, પણ સાત દાયકા પહેલાંની એક ગંભીર રાષ્ટ્રીય ભૂલને સુધારીને જમ્મુ-કાશ્મીરને ખરા અર્થમાં ભારતનો અભિન્ન હિસ્સો બનતો જોયા પછી આગામી દિવસોમાં દેશનાં અન્ય રાજ્યોની માફક જ કાશ્મીરમાં ધંધો-રોજગાર, નોકરી-વ્યવસાય કે પછી નિવૃત્ત જીવન વિતાવવાના સપના સાકાર થઈ શકશે. અત્યાર સુધી કાશ્મીરમાં પ્રવાસી તરીકે જતા ભારતીયોને કોઈ ટેક્સીવાળો કે દાલ સરોવરના શિકારાવાળો ‘ઇન્ડિયનોનું સ્વાગત છે’ એવા શબ્દો સંભળાવતો ત્યારે અસંખ્ય લોકોએ પ્રચ્છન્ન વેદના અનુભવી છે.

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે એવું સંસદમાં અને જાહેર મંચ પરથી નેતાઓ કહેતા, પણ ભારતીયોને એવી અનુભૂતિ થતી નહોતી તેનું કારણ આ કલમ ૩૭૦ની દીવાલ ઊભી કરી દેવામાં આવી હતી તેનું છે. કાશ્મીરિયતના ખોટા અને ભ્રામક ખયાલો પ્રચલિત કરવામાં આવ્યા હતા. રાજકારણીઓએ દેશવાસીઓને અને કાશ્મીરીઓને સાત દાયકા સુધી ગુમરાહ કરવાનું ભયાનક પાપ કર્યું છે. આજે તેનું પ્રાયશ્ચિત થઈ રહ્યું છે. મહાપુરુષો ભૂલ નથી કરતા એવી માન્યતાને મૂળમાંથી તોડી પાડે એવી એક ગંભીર ભૂલ આપણા સ્વાતંત્ર્ય આંદોલનના એક નાયક એવા મહાપુરુષે કરી હતી. ગુલામીમાંથી સ્વતંત્ર થઈને નવનિર્માણની દિશામાં સાત દાયકા પહેલાં પ્રયાણ કરી રહેલા એક રાષ્ટ્રની ધુરા જેમને અખૂટ વિશ્વાસ સાથે સોંપવામાં આવી હોય એવા નેતાને આવી ઇરાદાપૂર્વકની અને સમજપૂર્વકની ભૂલ કરવાનો અધિકાર મળી જતો નથી.

ઇતિહાસનાં તથ્યોને તપાસીએ છીએ ત્યારે અનુભવાય છે કે આવી ભૂલ કરનાર નાયકે દેશની સાથે છળ કર્યું હતું જેના ભયાનક પરિણામો દેશની ભાવી પેઢીએ આજ સુધી ભોગવવા પડ્યા છે. એટલું જ નહીં તો આજે એ ભૂલ સુધાર અને પ્રાયશ્ચિતની વેળાએ પણ એ ભૂલનો બચાવ કરનારા અને નવા સુધારાનો વિરોધ કરનારાઓને રસ્તા પર ઊતરી પડતા જોઈએ છીએ ત્યારે વિરોધ કરવાના લોકતાંત્રિક અધિકારનો સ્વીકાર કરીએ તો પણ વ્યાપક રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધમાં જઈને થતાં આવાં કૃત્ય સામે આમ ભારતીય નાગરિક વ્યથિત તો થાય જ છે. એ અર્થમાં એક સામાન્ય નાગરિક જેટલી સમજ કહેવાતા બૌદ્ધિકો ધરાવતા નથી અને વિરોધી રાજકારણીઓ કોઈ ને કોઈ સ્વાર્થથી પ્રેરિત થતાં હોવાનું અનુભવાય છે.

-પરંતુ ઇતિહાસના સાક્ષી અને સહભાગી બનનારે આ વ્યથા અને વેદનામાંથી પણ પસાર થવું પડે છે. એક ઐતિહાસિક ઘટનાની પ્રસવ વેદનાને લોકો અથવા કહો કે રાષ્ટ્રીય સમુદાય અનુભવે ત્યારે જ તેની સિદ્ધિ અથવા પરિણતી સાર્થક બને છે. ઇતિહાસનું સર્જન એ કાંઈ સુંવાળા અને પુષ્પાચ્છાદિત મુલાયમ માર્ગની મંજિલ નથી. એ કંટકાકીર્ણ અને અગ્નિપથ સમાન રાજમાર્ગ છે. ઇતિહાસના સાક્ષી બનનારે ઋજુ હૃદયમાં કઠોર લોહ કવચ ધારણ કરવા પડે છે. જરા મનમાં માત્ર કલ્પના જ કરી જુઓ કે આઝાદીના સ્વર્ણિમ પ્રભાતે અને ત્યાર પછી દિવસો સુધી વિભાજનને કારણે સરહદી પ્રાંતોમાં લાખો લોકોની કત્લેઆમ અને બધું જ છોડીને હિજરત કરવા મજબૂર બનેલા વતનવછોયા લોકોના આક્રંદ અને વેદનાપૂર્ણ ચહેરાઓને દિવસો સુધી નિહાળતા રહેવાનું દુર્દૈવ સ્વાતંત્ર્ય દિનના સાક્ષી દેશવાસીઓએ ભોગવવાનું આવ્યું એ કેવી કરુણ સ્થિતિ હશે!

આજે કાશ્મીરનું ખરા અર્થમાં ભારત સાથે જોડાણ શક્ય બની રહ્યું છે ત્યારે દેશવાસીઓના હૃદયમાં સ્વયંભૂ આનંદની અને સંતોષની લાગણી ઉછાળા મારી રહી છે. આ સ્વપ્ન પ્રત્યેક દેશવાસીનું હતું. એક એવું સ્વપ્ન જે વાસ્તવમાં ક્યારે સાકાર થશે તેને વિશે સ્થાયી શંકા પ્રવર્તતી હતી. તેનું કારણ એક જ – લોકોએ આજ સુધી દૃઢ અને લોખંડી ઇચ્છા શક્તિ વિનાના રાજપુરુષોને જ જોયા છે. એવા માહોલમાં દેશનું આ સ્વપ્ન સાકાર થતું જોવું એ જીવનને ધન્ય બનાવનારી ક્ષણ છે. સાત દાયકા પહેલાં એક ગુજરાતી ગૃહપ્રધાનને જે કામ કરતા અટકાવાયા હતા એ કામ આજે સિત્તેર વર્ષ પછી એક અન્ય ગુજરાતી ગૃહપ્રધાનના હાથે થયું છે એનો સવિશેષ આનંદ ગુજરાતીઓ અનુભવે એમાં આશ્ચર્ય નથી. દેશના સ્વાતંત્ર્ય આંદોલનના નેતૃત્વથી લઈને દેશની એકતા અને અખંડતાને સાકાર કરવામાં ગુજારાતીઓના અનન્ય પ્રદાનના ઇતિહાસમાં એક નૂતન પ્રકરણ આલેખાયું છે.
————————————-

કલમ-370કવરસ્ટોરીકાશ્મિરતરૂણ દત્તાણીદેશનું સ્વપ્નું
Comments (0)
Add Comment