મિશન કાશ્મીરની પટકથાના ૧૩ શિલ્પીઓ

મોદીએ અમિત શાહને ફક્ત કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરી જવાબદારી સોંપી
મિશન કાશ્મીરની પટકથાના ૧૩ શિલ્પીઓ
  • કવર સ્ટોરી – પ્રજ્ઞેશ શુક્લ

આમ તો આપણે ત્યાં ૧૩ના આંકડાને અપશુકનિયાળ માનવામાં આવે છે, પણ સ્પેશિયલ ૧૩લોકોની બનેલી આ ટીમ આજે કાશ્મીર અને સમગ્ર દેશ માટે સૌથી વધુ શુકનવંતી સાબિત થઈ છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી અનેક અટકળો અને અજંપા ભરેલા સસ્પેન્સ પરથી આખરે પરદો ઊંચકાઈ ગયો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં કલમ-૩૭૦ અને ૩૫ (એ) હટાવવાની જાહેરાત કરતાની સાથે જ જમ્મુ-કાશ્મીરના રાજ્ય તરીકેના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યા. મોદી સરકારના આ ઐતિહાસિક, અભૂતપૂર્વ અને અદ્વિતીય ફેંસલાથી સમગ્ર દેશમાં અવર્ણનીય ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આટલા મોટા અને ઐતિહાસિક નિર્ણયની ઇમારત રાતોરાત ઊભી થાય તે શક્ય નથી. છેલ્લા સાત દાયકાથી કાશ્મીર અને ત્યાંની પ્રજા જે ક્રાંતિની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેની કિસ્મત લખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ખાસ અંગત, વિશ્વાસુ લોકોની બનેલી આ ખાસ ટીમ લાંબા સમયથી, ચુપચાપ, કોઈ પણ પ્રકારના પબ્લિસિટીના ઢોલ વગાડ્યા વગર અજોડ રણનીતિ બનાવી રહ્યા હતા.

ઈતિહાસ જેને હંમેશાં યાદ રાખે તેવા પરિવર્તનની પટકથા લખાઈ રહી હતી, માહોલ બનાવવામાં આવી રહ્યો હતો. કેન્દ્ર સરકારે અગાઉ આવી ગુપ્તતા ક્યારેય રાખી નહોતી. અમેરિકા સહિતના અનેક દેશોને ભારત શું કરવા જઈ રહ્યું છે તે સમજાતું નહોતું, પણ બધા જાણતા હતા કે કંઈક મોટું બનવા જઈ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે તેમના આ મિશન કાશ્મીરને એટલું ગુપ્ત રાખ્યું કે સરકારના જ અનેક ટોચના પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓને પણ ખબર નહોતી કે કાશ્મીરમાં શું થવાનું છે.

કેન્દ્રમાં બીજી ઈનિંગ્સ શરૃ થવાની સાથે જ મોદીએ તેમના ખાસ વિશ્વાસુ અને કૂટનીતિના શહેનશાહઅમિત શાહને ફક્ત કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરી વર્ષોથી સતાવી રહેલી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની કપરી જવાબદારી સોંપી હતી. એ માટે જ શાહે ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમ પ્રવાસ જમ્મુ-કાશ્મીરનો જ કર્યો હતો અને ત્યાંની વિસ્તૃત માહિતી મેળવી હતી.

સમગ્ર દેશ અને દુનિયાને ચોંકાવી દઈને અચાનક જ કલમ-૩૭૦ નાબૂદ કરવાનો નિર્ણય લેવા સુધીની સફર ખૂબ રોમાંચક રહી હતી. વર્ષોથી દેશની જનતાએ જોયેલાં સપનાંને સાકાર કરનારી આ સ્પેશિયલ ૧૩ની ટીમ પર એક નજર કરીએ…

નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સ્પેશિયલ ૧૩’ ટીમના સફળ સુકાની છે. તેમની જ સીધી સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવાનો તખ્તો ઘડાયો હતો. નરેન્દ્ર મોદીએ રાજનીતિમાં પ્રવેશ કરવાની સાથે જ કાશ્મીરને કલમ-૩૭૦માંથી મુક્ત કરાવવાનું સપનું જોયું હતું. આ કારણે જ તેમણે કલમ-૩૭૦નો વિરોધ કરીને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે ‘એકતા યાત્રા’ યોજી હતી અને વર્ષ ૧૯૯૨માં શ્રીનગરના લાલ ચોક ખાતે તિરંગો ઝંડો લહેરાવ્યો હતો. એનડીએ-૨ સત્તામાં આવતાની સાથે જ તેમણે રણનીતિના માહેર ખેલાડી અને ખાસ વિશ્વાસુ એવા અમિત શાહને ગૃહપ્રધાનની જવાબદારી સોંપી અને કાશ્મીર પર જ સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું. અમિત શાહે પણ મોદીની તમામ અપેક્ષાઓ પર ખરા ઉતરીને પરિણામ આપી જ દીધું. પુલવામાના લેથપોરામાં થયેલા આતંકી હુમલા બાદ પીએમ મોદીએ સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે, જવાનોના આ બલિદાન એળે નહીં જાય અને હિસાબ સરભર કરાશે. આજે મોદીએ દેશની જનતા સાથે કરેલા વાયદાઓ પરિપૂર્ણ કરી બતાવ્યા છે.

અમિત શાહ, ગૃહપ્રધાન
મોદી સરકારના બીજા કાર્યકાળથી જ અમિત શાહને ગૃહ મંત્રાલયની સાથે સાથે કાશ્મીરની સમસ્યાનો કાયમી ઇલાજ શોધવાની જવાબદારી પણ સોંપાઈ ગઈ હતી. શાહે ગૃહપ્રધાન બન્યા બાદ તુરંત કાશ્મીરનો પ્રવાસ કર્યો અને તેમણે સરપંચો, સ્થાનિક અધિકારીઓ, વેપારીઓ સાથે બેઠકો કરીને અસલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ), નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) જેવી એજન્સીઓ દ્વારા કાશ્મીર ઘાટીમાં ઝડપી અને કડક કાર્યવાહી કરાવીને અલગતાવાદી નેતાઓની આર્થિક અને રાજકીય કમર તોડી નાખી. અનેક એનજીઓને તાળાં લગાવી દીધા અને વિદેશી ફન્ડિંગ રોકી દેવામાં આવ્યું. તોફાની તત્ત્વો પર અંકુશ લગાવ્યો અને છાશવારે બંધ થઈ જતાં કાશ્મીરમાં શાંતિ સ્થાપી દીધી. અમિત શાહ ધીમા પણ મક્કમ પગલે આગળ વધી રહ્યા હતા. શાહ સ્પષ્ટપણે માનતા હતા કે, કાશ્મીરની વર્ષોજૂની સમસ્યાનું અસલી કારણ સ્થાનિક લોકો નહીં, પણ ત્યાંના નેતાઓ, ખાસ કરીને અલગતાવાદીઓ છે. કાશ્મીરમાં ઐતિહાસિક પરિવર્તન કરતા પહેલાં સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ ચૂક ન રહે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરી તકેદારી અમિત શાહે રાખી હતી.

રાજનાથસિંહ, સંરક્ષણ પ્રધાન
લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર કટ્ટર દુશ્મન પાકિસ્તાનની દરેક ‘નાપાક’ હરકતનો જડબાતોડ જવાબ આપવાની જવાબદારી રાજનાથસિંહની હતી. તેમણે સરહદ પર સુરક્ષાદળોની ભારે તહેનાતી કરીને ઘૂસણખોરી પર બ્રેક લગાવી. કૂટનૈતિક મોરચે રાજનાથ સતત પાકિસ્તાનને મૂંઝવતા રહ્યા, પડકારતા રહ્યા અને એ દરમિયાન ‘મિશન કાશ્મીર’ આગળ વધતું ગયું. સિયાચીન અને અન્ય ચોકીઓનો પ્રવાસ કરીને તેમણે જવાનોને પ્રોત્સાહિત કર્યા. કાશ્મીરમાં સુરક્ષાદળોનાં ખડકલાં ઉતાર્યા અને અનેક અટકળો વચ્ચે પણ મૌન ધારણ કરીને સુરક્ષા-સલામતીને પ્રાધાન્ય આપ્યું.

એસ. જયશંકર, વિદેશપ્રધાન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર સમસ્યા મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા અંગેના નિવેદન આપ્યા ત્યારે વિદેશી મોરચે અમેરિકા જેવી મહાસત્તાના વડાને પડકારવાનો કપરો ટાસ્ક એસ. જયશંકરને સોંપવામાં આવ્યો હતો. તેમણે ટ્રમ્પને ચોખ્ખું પરખાવી દીધું અને પરિણામે ખુદ અમેરિકાએ જ તેમના પ્રમુખના નિવેદનનું ખંડન કરવું પડ્યું. આસિયાન બેઠક અને અમેરિકા સાથે મંત્રણા કરીને દુનિયાનું ધ્યાન એ તરફ ખેંચી રાખ્યું અને ત્યારે કાશ્મીરની કિસ્મત લખાઈ રહી હતી. જયશંકરે દરેક મોરચે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો અને મજબૂત પ્લેટફોર્મ તૈયાર કર્યું.

સત્યપાલ મલિક, રાજ્યપાલ
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક ઑગસ્ટ, ૨૦૧૮માં તેમની નિમણૂક સાથે જ ચર્ચામાં આવ્યા હતા. તેમણે રાજ્યના વિકાસ પર ફોકસ કરીને સામાન્ય જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો. કાશ્મીરમાં આ એક નવી અને અનોખી શરૃઆત હતી. તેમણે પંચાયતોને વધુ મજબૂત બનાવી અને કેન્દ્ર-રાજ્ય સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચાડી. કાશ્મીરની અસલી સ્થિતિ અને તમામ ભયસ્થાનોથી કેન્દ્ર સરકારને દરેક પ્રસંગે માહિતગાર રાખી. તેમના રિપોટ્ર્સના આધારે જ સરકાર ‘મિશન કાશ્મીર’ પર મક્કમતાથી આગળ વધી શકી. છેક છેલ્લી ઘડી સુધી રાજ્યમાં સામાન્ય સ્થિતિ જાળવી રાખવાની કોશિશ કરી અને તેમાં સફળ પણ રહ્યા.

અજિત ડોભાલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
અમેરિકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર એકસાથે નજર રાખીને યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહીની વ્યૂહરચના સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત અજિત ડોભાલે એક કાંકરે અનેક શિકાર કર્યા. તમામ રણનીતિ ઘડવાનો શ્રેય ડોભાલને જ મળે છે. ખાસ અંગત અધિકારીઓને કાશ્મીર પર કામે લગાડ્યા અને સતત તેમની પાસેથી અપડેટ્સ મેળવતા રહ્યા. કલમ-૩૭૦ હટાવતા પહેલાં ડોભાલ જમ્મુ-કાશ્મીર ગયા અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવીને મોદી-શાહને ગ્રીન સિગ્નલ આપ્યું. કાશ્મીરમાં સ્થિતિ કાબૂમાં રહે તે માટે રાજ્યપાલથી લઈને સુરક્ષાદળોના અધિકારીઓ અને પોલીસવડા સાથે પણ લાંબી મંત્રણાઓ કરી હતી.

કે. વિજયકુમાર, રાજ્યપાલના સલાહકાર
એનએસએ અજિત ડોભાલના ખૂબ નજીકના કે. વિજયકુમાર લાંબા ગાળાની અસરકારક રણનીતિ બનાવીને મોટા-સફળ ઑપરેશન પાર પાડવાના મહારથી છે. ૧૯૯૮થી ૨૦૦૧ સુધી બોર્ડર સિક્યૉરિટી ફોર્સ (બીએસએફ)ના આઇજી તરીકે તેમણે શ્રીનગરમાં એ સમયે કામ કર્યું હતું જ્યારે આતંકવાદ તેની ચરમસીમાએ હતો. જૂન, ૨૦૧૮માં તેમને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમના બહોળા અનુભવનો ઉપયોગ કરીને સરકારે કાશ્મીરની સ્થિતિ સમજી. વિજયકુમારે ચોક્કસ રણનીતિ તૈયાર કરી અને આજે તેનું પરિણામ આપણી સામે છે. ૨૦૦૪માં ચંદન તસ્કર વિરપ્પનને લાંબી રણનીતિ ઘડીને ઠાર મારવામાં વિજયકુમારનો જ મુખ્ય રોલ હતો. કાશ્મીરમાં પણ તેમની રણનીતિ બહુ કામ આવી.

બી.વી.આર. સુબ્રમણ્યમ, મુખ્ય સચિવ
નક્સલવાદીઓ પર લગામ લગાવનારા બી.વી.આર. સુબ્રમણ્યમને કાશ્મીરમાં આતંકવાદીઓના સફાયા માટે જ ખાસ ઉતારવામાં આવ્યા હતા. વિજયકુમાર સાથેના શ્રેષ્ઠ સમન્વય અને કાશ્મીર પોલીસ સાથે મળીને લડવાની નવી તેમની રણનીતિનું પરિણામ જોરદાર સફળ રહ્યું. તમામ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને એક છત નીચે, એક ટેબલ પર લાવીને તેમણે આતંકીઓને હંફાવી દીધા. કાશ્મીર ઘાટીમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે તેમણે પહેલી વખત કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને રાષ્ટ્રીય રાઇફલ્સને સંયુક્ત ઑપરેશનની જવાબદારી સોંપી અને આ દાવ સફળ પણ રહ્યો. છેલ્લા થોડા સમયથી કાશ્મીરમાં જે શાંતિ સ્થપાઈ છે તે સુબ્રમણ્યમને જ આભારી છે. એનએસએ ડોભાલ સાથે મજબૂત સંપર્ક અને સરકાર તથા સુરક્ષાદળો વચ્ચે સેતુ બનીને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને નવી ઊંચાઈએ પહોંચાડી.

સામંત ગોયલ, રૉ ચીફ
‘મિશન કાશ્મીર’ના અગત્યના સભ્ય સામંત ગોયલ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના ચીફ છે. ૧૯૯૦ના દાયકામાં પંજાબમાં જ્યારે કટ્ટરવાદ તેની ચરમસીમાએ હતો ત્યારે સામંત ગોયલે તેને નિયંત્રિત કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે અનુભવના આધારે કેન્દ્ર સરકારને એક બ્લૂ પ્રિન્ટ આપી હતી, જેમાં કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવામાં કઈ કઈ મુસીબતો આવી શકે તેનો વિસ્તૃત ચિતાર હતો.

અરવિંદકુમાર, આઈબી ચીફ
ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના ચીફ આ પહેલા આઈબીના જ કાશ્મીર ડેસ્ક પર ફરજ બજાવતા હતા. તેમની પાસે જમ્મુ-કાશ્મીરના તમામ સંવેદનશીલ વિસ્તારો અને ત્યાંના કુખ્યાત લોકોની સમગ્ર કુંડળી હતી, જેનો ઉપયોગ સરકારે બખૂબી કર્યો અને બાજી બિછાવી. અરવિંદકુમારે આપેલી ગુપ્ત માહિતીઓના આધારે જ કાશ્મીરમાં પરિવર્તનની પટકથાનો પાયો નખાયો હતો.

રાજીવ ગાબા, કેન્દ્રીય ગૃહ સચિવ
લો પ્રોફાઇલ રહીને કેન્દ્રીય સ્તરના તમામ રણનીતિકારો સાથે સંકલન કરવાની જવાબદારી રાજીવ ગાબાની હતી. કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની અપ્રિય સ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માટેનો માસ્ટર પ્લાન પણ ગાબાએ જ બનાવ્યો હતો. તેમણે તમામ રાજ્યોને એલર્ટ રહીને સ્થિતિ પર નજર રાખવાની એડવાઇઝરી પણ જારી કરી હતી. કાશ્મીરમાંથી કલમ-૩૭૦ને હટાવ્યા બાદ જો તોફાનો ફાટી નીકળે તો શું કરવું તેની સૂચના પણ ગાબાએ તમામ રાજ્યોને અગાઉથી આપી રાખી હતી.

કે.જે.એસ. ઢિલ્લન, લેફ્ટનન્ટ જનરલ
સરહદ પર વળતું ફાયરિંગ કરીને મોટા ભાગના આતંકી અડ્ડાઓને તબાહ કરવા પાછળ લેફ્ટનન્ટ જનરલ ઢિલ્લનનો પ્લાન હતો. તેમણે જ દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓના મૂળ ઉખેડી નાખ્યા હતા. પાકિસ્તાનની સૌથી ખતરનાક ગણાતી બોર્ડર એક્શન ટીમ (બેટ)ના સ્નાઇપર્સ અને ઘૂસણખોર આતંકીઓને ઠાર મારવાની ફુલપ્રૂફ યોજના પણ ઢિલ્લને જ બનાવી હતી. એલઓસી પર તેમણે પાકિસ્તાનને હંફાવી દીધું હતું. પાકિસ્તાન આ તમામ વાતોમાં ગોટે ચડ્યું અને એ દરમિયાન કાશ્મીરમાં રસ્તો સાફ કરી દેવામાં આવ્યો.

રામ માધવ, રાષ્ટ્રીય મહાસચિવ, ભાજપ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વર્ષો જૂના અને અનુભવી સ્વયંસેવક છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ અને ૩૫-એ હટાવવાથી ભાજપને શું ફાયદો થશે અને સ્થિતિ કેવી તંગ બનશે તેનો તાગ મેળવવા રામ માધવ સતત જમ્મુ-કાશ્મીરના પ્રવાસ કરતા રહ્યા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને પીડીપી ગઠબંધનની સૌથી અગત્યની કડી પણ રામ માધવ જ હતા. કાશ્મીરનો પળેપળનો રિપોર્ટ અમિત શાહ સુધી તેઓ જ પહોંચાડતા હતા. તેઓ હંમેશાં પ્રસિદ્ધિ, ચર્ચા કે વિવાદોથી દૂર રહીને જ કામ કરતા રહે છે. કાશ્મીરમાં ભાજપને મજબૂત બનાવવાથી લઈને હરીફોને નબળા પાડી સટીક વ્યૂહરચના ઘડવા પાછળ પણ તેમનું જ ભેજું છે.
—————————–

370ની કલમકાશ્મીરપ્રજ્ઞેશમિશન કાશ્મીર
Comments (0)
Add Comment